ઝિંદગી Unmuted - રાધિકા ટી સ્ટોલ Mahendra Sharma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝિંદગી Unmuted - રાધિકા ટી સ્ટોલ

ઓ કાકા... તમારી ચાની દુકાન તો ઉપર પ્લેનમાંથી પણ દેખાય છે બાકી. રોહિત કાનજી કાકાને ખીજવતાં બોલ્યો.

ઓહ એમ! કેવી દેખાય છે મારી 30 વરસ જૂની દુકાન? આ બૉર્ડ "રાધિકા ટી સ્ટોલ" તો વંચાય છે ને?
કાકાએ ઉત્સુકતાથી રોહિતને પૂછ્યું.

હા.. હા.. વંચાય છે, બસ થોડુંક ઝાંખું દેખાયું. કદાચ રાતનાં અંધારાનાં લીધે હશે. પણ વંચાયું ખરું કાકા. રોહિતે કાકાની લાગણીઓને માન આપીને જવાબ આપ્યો.

તું સાચો જ છે, આ બૉર્ડ ઝાંખું થયું જ હશે, 5 વરસથી પેઇન્ટ કરાવ્યું નથી. મને ચા બનાવવામાંથી જ સમય નથી મળતો. પહેલાં 10 વરસ તો બસ "ચા-કૉફી મળશે." એવું લખી ને જ ચલાવતાં. જગ્યા પણ નાની હતી. 11માં વર્ષે આ બૉર્ડ સાથે મુહુર્ત કર્યું. તને ખબર છે "રાધિકા" એટલે કોણ? કાકાએ જાણે ખૂબ સહેલો પ્રશ્ન રોહિત સામે મુક્યો.

ઓહ, એમાં ક્યાં વિચારવાનું હોય. કાકીનું જ નામ હશે ને. રોહિત વિશ્વાસપૂર્વક બોલ્યો.

રાધિકા એટલે મારી પ્રેમિકા. નાનપણથી જ. અમે એક જ ગામ, એક જ શેરીમાં રહેતાં અને સ્કૂલમાં પણ સાથે જ ભણતાં. ખેતરોમાં રમતાં અને નદીએ પણ સાથે જ જતાં. અમને બંનેને એકબીજા વગર ગમતું નહીં. પણ એ 12 વરસની થઈ ત્યારે એને કમળો થયો, બહુ બીમાર હતી, હું રોજ લીમડાનાં પાન લઈ જતો એનાં માટે. એ દિવસે પણ મળવા ગયો હતો પણ એનાં ઘરની બહાર બહુ ભીડ હતી. હું બહુ મહેનતે ઘરની અંદર પહુંચ્યો, એનાં ખાટલા આગળ ડોકટર સાહેબ ઉભા હતા, ત્યારે રાધિકાએ મારા તરફ જોઈને સ્મિત આપ્યું. હાથ હલાવીને જાણે વિદાય લેતી હોય. હું કઈંક કહું કે સમજી શકું એ પહેલાં એણે આંખો બંધ કરી લીધી. મેં ડૉક્ટર સાહેબને કીધું, સાહેબ! કોઈક દવા આપો જલ્દી રાધિકાને, ગઈ વખતે પણ તમે દવા આપી હતી તો સાજી થઈ ગયેલી. જલ્દી કરો, જલ્દી કરો ને...
પણ બધા શાંત હતાં, જાણે હું જ અજાણ હતો કે સ્વીકારવા તૈયાર નહોતો કે રાધિકા હવે નથી રહી.
કાકાએ આંસુઓ લૂછતાં કહ્યું.

મને માફ કરશો કાકા, હું તમને દુઃખ પહોંચાડવા નહોતો માંગતો, આ તો બસ અમસ્તા વાત નીકળી એટલે, તમે ઠીક છો ને? આ લો પાણી, બેસો અહીં. રોહિતે સાંત્વના આપી.

અરે ના ના, હું એકદમ સ્વસ્થ છું. બસ આ તો થોડીક જૂની યાદો તાજી કરીને રડી લઉં એટલે મન હળવું થાય છે. પણ આગળની વાત કહું. મને ગામમાં બહુ ફાવ્યું નહીં એટલે હું પછી શહેર આવી ગયો. રાધિકાને મારા હાથની ચા બહુ ભાવતી એટલે આ ચાની લારી ચાલુ કરી, કદાચ કોઈક દિવસ એ ચા પીવા જ આવી ચડે મારી લારી પર. પણ હવે હું કિશોરમાંથી વયસ્ક થવા લાગ્યો હતો.
21 વરસનો થયો એટલે અહીં જ તારી કાકી એટલે રસીલા સાથે લગ્ન કર્યા, અને બરોબર એક વર્ષે અમારી ઘેર દીકરીનો જન્મ થયો. અને રસીલાએ જ કીધું કે દીકરીનું નામ "રાધિકા" પાડીએ. રસીલાએ મને જાણે એકસાથે બે ભેટ આપી. એક દીકરી અને બીજું નામ. બસ ત્યારનો આ ચાની લારીમાંથી દુકાનમાં પરિવર્તન થયો અને દુકાન પર બૉર્ડ લાગ્યો "રાધિકા ટી સ્ટોલ".  કાકાએ ગર્વ સાથે બોર્ડ બાજુ આંગળી ચીંધતા કીધું.

પણ 5 વરસ પહેલાં તારા કાકી પણ પરલોક સિધાવ્યા, દીકરીને પણ 2 વરસ પહેલાં પરણાવી દીધી છે એટલે હવે આ બૉર્ડની કાળજી રાખવા વાળો કોઈ છે નહીં. એટલે થોડુંક ઝાંખું વંચાયું હશે. કાનજી કાકા એટલું બોલી ફરી ચા બનાવવામાં વ્યસ્ત થઈ ગયાં.

કાનજી કાકાની ચા પીવા જરૂર પધારજો અને એમની સાથે વાતો કરવાનું ભૂલતાં નહીં.