ટૂંકી વાર્તાઓ જે સંબંધોની નવી વ્યાખ્યાઓ આપશે.
1.
કૉલેજમાં તારા અને અલ્પેશનાં સબંધો ખૂબ ચર્ચામાં હતા.
"મેં કેટલીય વખત તને લેક્ચર બંક કરીને અલ્પેશ સાથે બાઈક પર રખડતા જોઈ હતી...", સુરેશ બોલ્યો.
"હા, અને તું... તું કંઈ સાધુ સંત નહોતો. પેલી મૉડર્ન વિચારોવાળી બ્લુ સ્કર્ટ ફેમ રમા સાથે મેં તને કેટલીય વખત કૅન્ટીનમાં હસી હસીને વાતો કરતા જોયો હતો..", સુશીલા બોલી.
"પણ જો એ દિવસે અલ્પેશ દારુ પીને કૉલેજ ના આવ્યો હોત અને એણે તારી જોડે પેલી હલકી મજાક ના કરી હોત તો આજે આપણે સાથે ના હોત કેમ?...", સુરેશ બોલ્યો.
"હાશ તો, સારું જ થયું. નહીંતર એ દારુડિયા સાથે જીવવું અઘરું બની જાત.... થેંક્યું હોં, તે મને ખરા ટાઈમે પ્રપોઝ કરીને પટાવી લીધી..."
"પહેલા આપણા લગ્ન, પછી છોકરાં, એમની સ્કૂલ, કૉલેજ... અને આજે તો સ્મિત અને સ્મૃતિનાં લગ્ન પણ થઈ ગયાં. હાશ...", સુશીલા લાંબો હળવો શ્વાસ લેતા બોલી
"તો બસ હવે ચાલ, આજે ના પાડતી નહીં,
બેસ મારી પાછળ બાઈક પર, તને આપણી કૉલેજ બહાર મળતી પેલી ચોકલેટ ચિપ્સ કૉલ્ડ કૉફી પીવડાવવા લઈ જાઉં, તને બહુ ભાવે છે એ મને ખબર છે...સુરેશ.." બાઈકની કિક મારતાં મારતાં બોલે છે.
2.
તેં મને પ્રેમ કર્યો જ નથી, બસ સબંધ સાચવ્યો છે.
તું ડિવોર્સી હતી અને તને હવે એક સામાજિક અને આર્થિક રીતે સક્ષમ એવા પુરુષની જરુર હતી જે તારું અને તારી દીકરી મુસ્કાનનું ભરણ પોષણ કરી શકે.
મને તારામાં એક પરિપક્વ અને સુશીલ સ્ત્રી દેખાઈ અને સાચું કહું તો તારામાં મને કુમુદની જ એક ઝલક દેખાઈ, એટલે મેં પણ આ સગપણ માટે તરત હા પાડી.
પણ આ બધું કહીએ એટલું સરળ હોતું નથી, નવા માણસ જૂની માનસિકતા, એકબીજા પાસેથી અપેક્ષાઓ, અને પછી એ અપેક્ષાઓ પર ખરા નહીં ઉતરવાનું દુઃખ, આપણે ક્યાંક ખોટા પડ્યાનું દુઃખ. પણ એ બધામાં મજા આવી. પહેલા 2 વર્ષમાં જાણે આપણે એવરેસ્ટ ચડાણ કરી લીધા એવું લાગ્યું.
તારી આંખોમાં આંખ પરોવીને ચા પીવી, હાથ પકડીને મોર્નિંગ વૉક, ખભે હાથ રાખી વિકઍન્ડમાં ફિલ્મો જોવી અને રાતે શેરડીનો રસ પીવા બાઈક પર સાથે જવું, તને એકાંતમાં બાથમાં બીડી લેવું, એ બધામાં હું ક્યારે તારા પ્રેમમાં પડ્યો મને યાદ નથી.
તારી પ્રેમની શરૂઆત ક્યારે થઈ? આપણે ટ્રેનમાં સાથે કમલા માસીના છોકરાના લગ્નમાં ગયા કદાચ ત્યારે? આપણું બર્થ કન્ફર્મ નહોતું થયું, તું આખી રાત મારા ખભા પર માથું ટેકવીને સૂઈ ગઈ હતી અને હું બસ એ મજેદાર ક્ષણોને માણતો રહ્યો. સવાર ક્યારે પડી ખબર જ ના પડી. સવારે તેં મને સૉરી કહીને પૂછ્યું કે તમે સૂતા કે નહીં અને પછી આપણે કેટલું હસ્યાં...
આજે તો તે હદ વટાવી દીધી છે, ચાલો માની લઈએ કે તું મને પ્રેમ નથી જ કરતી પણ આપણો સંબંધ તો ખરો કે નહીં?
એ સંબંધની પણ તે પરવા કરી નહીં, થોડોક તો સમય આપવો હતો મને, બસ બે મિનિટ... બે મિનિટ આપી ગુડ બાય કહેવા માટે?
આ પ્રેમ નથી, બસ સ્વાર્થ છે. જા હું નહીં બોલું તારી જોડે.
3.
તું મારી જરુરિયાત નથી...
તું મારી આદત છે સ્મિતા !
એટલું કહી સિદ્ધાંત ઢળી પડ્યો...
જ્યારે આંખ ખોલી ત્યારે એ આઈ.સી.યુ. ની પથારીએ હતો અને એનો એક હાથ સ્મિતાનાં હાથમાં હતો. રાતના 2 વાગ્યા હતા. સ્મિતા ખુરશી પર સિદ્ધાંતનો હાથ પકડીને સિદ્ધાંતના ચેહરાને નિહાળી રહી હતી.
સ્મિતાએ સિદ્ધાંતની આંખમાં આંખ પરોવીને કહ્યું,
તમે તો તમારો ફિલ્મી ડાયલૉગ કહી દીધો. મારો વારો આવે એ પહેલાં તો પથારી પકડી લીધી. તમે સ્વાર્થી છો.
સિદ્ધાંત કઈંક કહે એ પહેલાં જ સ્મિતા ફરી બોલી,
'ભલે સાત દિવસ તમે રાહ જોવડાવી, પણ હવે સાંભળો મારો ફિલ્મી ડાયલોગ.' અને તે બોલી, 'હું તમારી ચાંદની અને તમે જ મારા રિશી કપૂર...'
છેલ્લે એ જ ફિલ્મ જોવા આપણે સાથે ગયેલાં કેમ?
હવે જલ્દી સાજા થાવ, લાલો હોત તો વાંધો નહોતો પણ એકલા તમને દવાખાને લાવતાં હું યે હવે થાકી જાઉં છું.
4.
એક કાકા અને કાકી એમની 50મી લગ્નતિથિ ઉજવીને ઘરે પાછા આવ્યા.
કાકાએ કાકીને કીધું કે જો તું મારાથી 5 વર્ષ નાની છે, એટલે મારા ગયા પછી તને મારી ખોટ સિવાય પૈસાની ખોટ નહીં જ પડે, મેં ગઈકાલે જ એક એફ.ડી. કરાવીને તારું નામ નૉમિનેશનમાં રાખ્યું છે.
કાકીએ કીધું, મને તમારી વગર જીવવું જ નથી, એફ.ડી.નું થવું હોય એ થાય.
આજે કાકા અને કાકીની 51મી લગ્નતિથિ છે અને કાકીની પહેલી પુણ્યતિથિ પણ.
5.
આજે આપણો છેલ્લો દિવસ, ફરી નહીં મળીયે.
આપણે હવે સમજી જવું પડશે કે આપણે એકબીજા માટે બન્યા જ નથી... રિચાની આંખો ભીની થઈ ગઈ હતી હવે.
કેમ પણ? મારી એક ભૂલની સજા આવડી મોટી નહીં હોવી જોઈએ. બસ એક વખત , એક છેલ્લી તક આપ, હું તને નિરાશ નહીં કરું... રોહિત મક્કમ આવાજે બોલ્યો.
ના, બસ બહું થયું, તારા વાયદા રાખ તારી પાસે, મને હવે તારી કોઈ વાતનો ભરોસો નથી. તેં મારી સાથે પ્રેમનો ખેલ રમ્યો અને હું તારા જાળમાં ફસાઈ ગઈ, સારું થયું પ્રીતિએ તને ખરા ટાઈમે છોડી દીધો, મારે પણ એ જ કરવા જેવું હતું... રિચાએ રોહિતની આંખોમાં આંખ પરોવીને કીધું.
જો પ્રીતિની વાત કરીશ નહીં, એણે મને નહીં મેં એને છોડ્યો હતા, એનો એક્સ અજિત હંમેશા એની પાછળ પાછળ ફરતો હતો અને મને એ કોઈ દિવસ ગમતો નહોતો, પણ પ્રીતિ, અમને બેઉને ફેરવતી, એટલે મેં પહેલી અને અજિતે બીજી વખત એની જોડે બ્રેકઅપ કર્યો... રોહિત ગુસ્સે થઈને બોલ્યો.
વૅલ, આરતી... એની જોડે તેં શું કર્યું? કોઈને મોડું દેખાડવા લાયક ના રહી બિચારી, મારા ગ્રૂપમાં જ હતી એ, અમને બધું જ કહી દીધું હતું એણે. પણ હું, હજીયે તને પામવા તારા પ્રેમમાં પડી. ખબર નહીં કેમ તારા પર વિશ્વાસ કરવાનું મન થયું અને આપણે પહેલી વખત ડેટ પર ગયા.
મને ખબર જ હતી તું સુધરવાનો નથી, બાકી પહેલી ડેટમાં કોઈ એટલું બધું ફોરવર્ડ થતું નથી....રિચા પોતાનાં ગુસ્સાને શાંત કરતાં બોલી.
જો રિચા, હું એવો જ છું, હવે હું કોઈ મનોજ કુમારની જેમ આંગળી મોઢે રાખી ગાયન ગાઈ નહીં શકું, મારે તો બસ લાઈફમાં બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ. પણ તને જોઈને મને બસ તને જોયા કરવાની ઈચ્છા થાય છે, બસ તને સાંભળ્યા કરવાની ઈચ્છા થાય છે, બસ એકાંત હોય, તું હોય અને હું, હું ખરેખર તારા પ્રેમમાં છું રિચા. .. રોહિત થોડોક રોમાન્ટિક થઈ ને બોલ્યો.
તો કેમ આજે પ્રીતિને મળવા ગયેલો? રિચાએ પૂછયું.
આજે પ્રીતિની બર્થ ડે હતી, એ ફ્રેન્ડ તો ખરીને મારી, તો થયું ચાલો વિશ કરી આવું, પણ એ તો મને ચોંટી જ ગઈ, મને હગ કરીને બહુ રડી બિચારી, આજે એનો 5મો બ્રેકઅપ થયો. અને એટલામાં તું આવી અને તને થયું હું જાણી જોઈને એને વળગ્યો છું... રોહિત બોલ્યો.
આ તારી વાર્તા રાખ તારી પાસે, મને ખબર છે અમસ્તા જ ગળે મળવું અને ચોંટવું કોને કહેવાય. ચલ હવે બાઈક ચાલુ કર, ઘરે મુકીને આય મને, કાલે ભૂલ્યા વગર પપ્પાને મળવા આવજે. હા પેલું ફોગ લગાડીશ નહિ, પપ્પાને ઍલર્જિ છે. ..રિચા હસતા હસતા બોલી.
રોહિત, તને યાદ છે ને, એ છેલ્લો દિવસ, પછી તું કેમ આવ્યો નહીં પપ્પાને મળવા? મેં બહુ રાહ જોઈ તારી, અને પછી...પછી મારી પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નહીં....
તારી વ્હાલી રિચા....
- મહેન્દ્ર 'પ્રેમી'