સત્ય અસત્ય - પ્રકરણ - 22 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

સત્ય અસત્ય - પ્રકરણ - 22

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૨૨

સમય બહુ અદ્‌ભુત વસ્તુ છે. માણસ ગમે તેટલું ઇચ્છે તો પણ સમયને ઝડપથી આગળ ધકેલી શકતો નથી કે નથી સમયને બાંધીને પોતાની મરજી પ્રમાણે ચલાવી શકતો.

કોઈ પણ કલાક સાઠ મિનિટથી લાંબો નથી હોતો અને જિંદગીનો પ્રવાહ જે ઝડપે વહે છે એમાં માણસ પાસે તરતા રહેવા સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી જ હોતો. સત્યજીતની જિંદગી પણ કદાચ સમયના વહેતા પ્રવાહમાં તરતો એક એવો તરાપો હતી, જેની પોતાની કોઈ દિશા નહોતી. જે દિશામાં પ્રવાહ લઈ જાય એ દિશામાં ગયા સિવાય એની પાસે કોઈ ઉપાય નહોતો.

અમોલાનું વધતું પેટ સત્યજીત માટે ચીડનું કારણ બની ગયું હતું. એ જેટલી વાર અમોલાને પોતાની સામે જોતો એટલી વાર એને અકારણ ગુસ્સો આવી જતો. અમોલાનું વજન સરસ રીતે વધી રહ્યું હતું. એની તબિયત ખૂબ જ સારી રહેતી હતી. મહિના-મહિનાનું ચેક-અપ અને બાકી બધું જ સમયસર થતું હતું. સત્યજીત પૂછે કે નહીં, એ સામેથી આવીને એને બધા જ સમાચાર આપી દેતી હતી. હવે મોટા ભાગનો સમય એ ઠક્કર સાહેબના બંગલે જ ગાળતી. જ્યારે પણ અહીં આવતી ત્યારે સોનાલીબહેનને બે-ચાર ટોણા માર્યા સિવાય પાછા જવામાં જાણે એને પોતાના અહમ્‌માં ગાબડું પડી જતું હોય એવું લાગતું.

શરૂઆતમાં તો એ સત્યજીતને ફોન કરતી. ફોન પર બંને જણા લાંબી લાંબી દલીલો કરતાં. અમોલા રડતી, સત્યજીત ધૂંધવાતો. સમય સાથે બંને જણાએ મોબાઇલમાં એસ.એમ.એસ. કરવાનું શીખી લીધું હતું. કોઈ પણ જરૂરી વાત હોય તો એકબીજાને એસ.એમ.એસ.થી જણાવી દેવામાં આવતું. ઇ-મેઇલ ઉપર અમોલા પોતાના રિપોટ્‌ર્સ કે બીજી વસ્તુ સત્યજીતને ફોરવર્ડ કરી દેતી. ક્યારેક સત્યજીત એ રિપોટ્‌ર્સને ઉઘાડતો, વાંચતો તો ક્યારેક અમોલાનો મેઇલ વગર ખોલ્યે જ ડિલિટ થઈ જતો.

આ બધી ખેંચતાણમાં અને ગૂંગળામણમાં પણ સમય પવનની પાંખ પહેરીને વહી રહ્યો હતો. સંબંધોની આંટીઘૂંટી ગમે તેટલી ગાંઠો પાડે, જન્મ લેનાર જીવને એની સાથે કોઈ નિસબત નહોતી.

*

“જો મેં તારા માટે શું બનાવ્યું છે...” પ્રિયંકા સ્કૂલથી ઘરે આવી ત્યારે આદિત્ય એપ્રન પહેરીને રસોડામાં કંઈક કરી રહ્યો હતો. પ્રિયંકાએ નજીક જઈને કિચનના પ્લેટફોર્મ પર જોયું અને એની આંખો ભીની થઈ ગઈ.

આદિત્યએ દાળ, ભાત, શાક, રોટલી બનાવ્યા હતા. સલાડ તૈયાર હતું અને મેથીના ગોટા ઉતારી રહ્યો હતો. પ્રિયંકાએ થોડું નવાઈથી અને થોડું લાગણીથી પૂછ્‌યું, “શું કર્યું આ બધું ?”

“ગઈ કાલે મેં તને ફોન પર કહેતી સાંભળી હતી.” આદિત્યએ પ્રિયંકાની જેમ જ ચાળા પાડીને કહેવા માંડ્યું, “આપણા ઘર જેવી દાળ ખાવાનું બહુ મન થયું છે, પણ દાળ ઉકળે છે ને મને ઊલટી થાય છે.” પ્રિયંકા સાંભળી રહી હતી, “મેં અહીંથી સાસુમાને ફોન કર્યો, રેસિપી લીધી અને એ કહેતાં ગયાં એમ દાળ બનાવી.”

“ચક્રમ !” પ્રિયંકાની ભીની આંખો પહોળી થઈ ગઈ, “અહીંથી અમદાવાદ ફોન કરીને તેં દાળ બનાવી ?”

“કેમ ? તું અડધો કલાક ફોન ચલાવે છે તો હું તને કંઈ કહું છું ?”

“આદિત્ય, મને એટલો પ્રેમ નહીં કર કે તારા વિના મારી જિંદગીનો કોઈ અર્થ જ ન રહે. તું ધીમે ધીમે મારું સમગ્ર અસ્તિત્વ તારી આસપાસ લપેટવા માંડ્યો છે.”

“ગ્રેટ ! જો એવું થઈ શકે તો હું લકી કહેવાઉં. બાકી તારા જેવી ભયાનક છોકરીને પહેલા પ્રેમમાં પાડવી, પછી પરણવું ને એ પછી એનો પ્રેમ ટકાવી રાખવો...” આદિત્યએ પરસેવો લૂછવાની એક્ટિંગ કરી, “કેટલી મોટી જૉબ છે એની તને કલ્પના જ નથી. પટેલોને આમેય પ્રેમ કરવાનું ઓછું ફાવે. એમાંય તારા જેવી અદ્‌ભુત સ્ત્રીથી તો હું અંજાયેલો છું... ડઘાયેલો છું, બઘવાયેલો છું...”

આદિત્ય એને વહાલ કરવા નજીક આવ્યો એ જ વખતે પ્રિયંકાએ જોરથી બૂમ પાડી, “ગોટા બળી ગયા.”

“છે ને ? મારી જિંદગીની આ જ કરુણતા છે. હું માંડ માંડ પ્રેમ કરતા શીખુ ત્યારે પાકશાસ્ત્ર વચ્ચે આવે છે.”

“શટ અપ...” પ્રિયંકાએ કહ્યું અને આદિત્યને બંને હાથે લપેટી લીધો. બે સેકન્ડ પછી આદિત્યને સમજાયું કે પ્રિયંકા ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. એણે પ્રિયંકાની ચીબુક પકડીને એનો ચહેરો ઊંચો કર્યો, “શું છે ?” પ્રિયંકાએ લાડભર્યા અવાજે પૂછ્‌યું.

“પ્રેમ છે.” આદિત્યએ કહ્યું.

“કયા જન્મે મેં કેવાં પુણ્ય કર્યાં હશે કોને ખબર...” પ્રિયંકા આદિત્યની છાતી પર માથું મૂકીને કહી રહી હતી, “મને ઈશ્વરે ક્યાંથી લાવીને ક્યાં મૂકી દીધી... કોઈની સરખામણી નથી કરતી આદિ, પણ સત્યજીત સાથે કદાચ...”

“પ્રિયા, મને હજીયે એવું લાગે છે કે તેં એની સાથે અન્યાય કર્યો છે. હું ક્યારેય બોલતો નથી એ મારો સ્વાર્થ છે, પણ અમને પુરુષોને જુઠ્ઠું બોલવું બહુ સહજ હોય છે. અમને એમાં ગુનો કર્યાની લાગણી થતી જ નથી. બલકે એવો ઇરાદો હોય છે કે જ્યાં સુધી સામેની વ્યક્તિને દુઃખ ના પહોંચે ત્યાં સુધી...”

“તું પણ એવો છે ?”

“ખબર નથી. હજી એવો સમય આવ્યો નથી પ્રિયા ! કદાચ તને બહુ જ દુઃખ પહોંચે એવી બાબત હોય અને એ ન જાણે તો તારી જિંદગીમાં બહુ ફેર પડે એમ ન હોય તો હું પણ...”

પ્રિયા એકદમ છૂટી પડી ગઈ, “સાચું કહે છે આદિ ?”

“સ્ત્રીઓ માટે પ્રેમ અને સત્ય વચ્ચેની પસંદગીમાં સત્ય વધુ અગત્યનું હોય છે. જ્યારે અમે પુરુષો પ્રેમ પચાવવા માટે સત્યને કુરબાન કરી શકીએ છીએ.”

“આદિ !”

“જો પ્રિયા, હવે એ બધું પૂરું થઈ ચૂક્યું છે અને એના વિશેની ચર્ચા કરવાનો અર્થ નથી. તું મારી છે અને હું સાચા હૃદયથી ઇચ્છું છું કે આપણી વચ્ચે આવો પ્રસંગ ઊભો ન થાય, પણ મારી જાન... મારા માટે તારા સુખથી વધારે બીજું કંઈ નથી. એને માટે જે કરવું પડે એ હું કરું જ.”

“જુઠ્ઠું પણ બોલે ?” પ્રિયંકા હજી ત્યાં જ અટકી હતી.

“હા... કદાચ...” આદિત્યની આંખોમાં નિર્દંભ સચ્ચાઈ હતી, “જુઠ્ઠું ન બોલું, ને ચૂપ રહું એવું પણ બને.”

પ્રિયંકા ક્ષણભર એની સામે જોઈ રહી, પણ ભયાનક આસક્તિથી એને ભેટી પડી, “તને કહું ? આટલી સચ્ચાઈ પછી કદાચ તારું જૂઠ પણ હું સહન કરી જાઉં એવું બને. હું તને ખૂબ ચાહું છું આદિ, અને હવે મારે ભૂતકાળમાં જઈને સાચ-જૂઠને તપાસવા નથી. હવે આપણે આગળની તરફ જોવાનું છે. મારે પાછળની તરફ વળી વળીને સુકાયેલા ઘા પરથી પોપડાં નથી ઉખાડવાં.”

પોતાને ભેટેલી પ્રિયાના માથે પ્રેમથી હાથ ફેરવી રહેલા આદિત્યને એક વાર વિચાર આવ્યો કે આજે જ આવેલા સત્યજીતના ફોન વિશે જણાવે, પછી એણે મન વાળી લીધું.

આજે સવારના પહોરમાં જ્યારે પ્રિયંકા સ્કૂલ ચાલી ગઈ અને આદિત્ય મોટેલ જવાની તૈયારી કરતો હતો ત્યારે સત્યજીતનો ફોેન આવ્યો હતો. બે વખત ફોન ઉપાડ્યો અને ફોન ડિસકનેક્ટ થઈ ગયો એટલે આદિત્યએ કૉલર આઇડીમાં નંબર જોઈને એ નંબર ડાયલ કર્યો, “બોલો સત્યજીત...” સામે સારી એવી રિંગ વાગ્યા પછી જ્યારે ફોન ઊંચકાયો ત્યારે આદિત્યએ સીધું જ પૂછી નાખ્યું.

“હું... હું...”

“પ્રિયંકા સ્કૂલે ગઈ છે. એ સ્કૂલમાં જૉબ કરે છે. હાયર ગ્રેડના ક્લાસને ભણાવે છે. સુખી છે. મા બનવાની છે. ક્યારેક તમને યાદ કરે છે.” જવાબમાં આદિત્યને એક દબાયેલું ડૂસકું સંભળાયું. થોડી વાર બંને પક્ષે મૌન રહ્યું. પછી આદિત્યએ આગળ કહ્યું, “હું જાણું છું કે હું પ્રિયંકાનો પતિ છું. એટલે જે કહીશ એ મારા સ્વાર્થમાં હશે, પણ છતાં તમને એક વાત કહું ? આગળ વધી જાવ સત્યજીત... શ્વાસ, પાણી, સમય, તડકો અને જિંદગીને બાંધી નથી શકાતા. મુઠ્ઠીમાં પકડી શકાતા નથી. ઇચ્છાઓમાં જકડી શકાતા નથી. આ કશું જ આપણી મરજી પ્રમાણે નથી ચાલતું. સ્વયં સંચાલિત હોય છે આ બધું...”

“આવતે અઠવાડિયે મારું સંતાન જનમશે...” એણે ધીમેથી કહ્યું.

“સરસ.” એક નિઃશ્વાસ નાખીને આદિત્યએ ખૂબ સહાનુભૂતિથી ઉમેર્યું, “તમારી જિંદગીના વળાંકો સાથે, તમારા ભૂતકાળ સાથે, તમને થયેલા અન્યાય કે તમારી કડવાશો સાથે આવનાર સંતાનને કોઈ સંબંધ નથી એટલું કાયમ યાદ રાખજો સત્યજીત, એ એક કોરો કાગળ લઈને આવે છે. જે લખશો તે લખાશે...” થોડી વાર બંને પક્ષે ફરી મૌન લંબાતું રહ્યું, “પ્રિયંકાને હું ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. સાચા હૃદયથી.” આદિત્યએ કહ્યું અને ફોન કપાઈ ગયો.

થોડી વાર સુધી ફોન હાથમાં પકડીને આદિત્ય અન્યમનસ્ક જેવો ઊભો રહ્યો અને પછી લાગણીથી સહેજ ભીની થયેલી પોતાની આંખો લૂછીને એણે દિવસ શરૂ કરી દીધો.

અત્યારે પ્રિયંકાને એ વાત કહેવાના વિચાર સાથે જ એણે આ બધી લંચની તૈયારી કરી હતી, પણ પ્રિયંકાનો મૂડ જોતાં એણે વાત માંડી વાળી. એને એક વાર થયું કે છુપાવવું અને અસત્ય બોલવું લગભગ સરખું છે, પણ પ્રિયંકાના સુખ માટે કદાચ એણે લીધેલો નિર્ણય એને વધુ સાચો લાગ્યો.

(ક્રમશઃ)