સફેદ કાજળ
(પ્રકરણ – ૯)
સંજય ડોરાના રૂમમાં જયારે કાલીસિંગનો સાગરીત પુલાસ છુપાઈને પહોંચ્યો ત્યારે એક સ્ત્રી સંજય સામે ઉભી હતી.
સંજય – “તું અહીં દાખલ કેવી રીતે થઇ ? કોણ છે તું ?”
સ્ત્રી – “કેમ ઓળખાણ નથી પડતી ? વર્ષોની દોસ્તી.... દોલત આવતાં ભૂલી ગયો ?”
સંજય – “હું નથી ઓળખતો તને, શું કામ છે ?”
સ્ત્રી – “જો ઓળખતો ના હોય તો કામ શા કારણ પૂછે છે? યાદ છે ને આપણે પોતાની ઓળખ ક્યારેય કોઈને આપતાં નથી ? ભલે જાન જાય, પોતાની કે સાથીની.”
સંજય –“હું તને ઓળખતો નથી. ચાલી જા અહીંથી, નહી તો મારાં માણસો તને બહાર ફેંકી દેશે.”
સ્ત્રી – “ઓહ ! એક જંગલના કુતરાને એટલું બધું ઘમંડ ? અમારાં રોટલાં ખાઈને મોટો થયો છે તે ભૂલી ગયો ? યાદ છે કે તે પણ ભૂલી ગયો.... સોજ્યા ?” બહાર તો નામનું પાટિયું સરસ માર્યું છે – સંજય ડોરા. નામ પણ બદલ્યું અને અટક પણ ?” કેમ સોજ્યા ?”
સંજય – “હું સંજય ડોરા જ છું. મેં કોઈ નામ બદલ્યું નથી. હવે ચાલતી થા અહીંથી, મને ફસાવવાની કોશિશ નહી કરીશ.”
સ્ત્રી – “વાહ રે રંગ બદલું, નામ બદલું, સોજ્યાના નામે પ્રતિજ્ઞાઓ લેનાર, જંગલોમાં પોતાની જાતને છુપાવવાં આમથી તેમ દોડનાર હવે બધું જ બદલીને બેઠો છે.”
એક ખૂણામાં ચુપચાપ ઉભો કાલીસિંગના વેશમાં ઉભો પુલાશ બંનેની વાતો પોતાનાં મોબાઈલમાં રેકોર્ડ કરી રહ્યો હતો. વાતચીત પરથી એ સમજી ગયો હતો કે કંઇક ગંભીર વાતનો રહસ્યમય ઇતિહાસ બંનેની વચ્ચે છે.
સંજય – “તું અહીંથી ચાલી જા નહી તો ખૂબ ખરાબ થશે.”
સ્ત્રી – “ધમકી નહી, પૈસા આપ. બહાર સાથીઓ ઉભાં છે. હવે ફક્ત પાંચ મીનીટ બાકી છે નહી તો એ લોકો અંદર આવી જશે. તને ઓળખાણ ના પડી હોય તો આ મારી પિસ્તોલ તારી ઓળખ કાયમ માટે ભુલાવી દેશે એમ કહી એ વાઘણની જેમ એની તરફ દોડી અને એનાં કાન ઉપર પિસ્તોલ મૂકી દીધી.”
સંજય હવે બરાબર ઘેરાયો હતો. ભલે એ સાચી ઓળખ આપવાં આનાકાની કરી રહ્યો હતો પણ એ સમજી ગયો હતો કે એ પોતે કોણ છે ? અને ક્યાંથી આવ્યો છે.
સ્ત્રી – “ચાલ...સોજ્યા ઉર્ફે સંજય...ઉતાવળ કર હોય એટલાં પૈસા આપી દે. આજ સુધી તે એકપણ પૈસો અમને આપ્યો નથી. અમારે હવે પૈસાની તંગી છે. બહારથી હવે પૈસા મળતાં નથી અને હવે અમારાં ઉપર સરકારી અટેક થવાના ચાન્સેસ વધી ગયાં છે. નક્કી થયેલ શરતો અનુસાર એ તારું કર્તવ્ય છે.”
સંજય – “ખોટી ધમકી નહી આપ.. તને એક પણ પૈસો નહી આપું, મને છોડી દે. તારી દરેક વાત સામેના સીસીટીવીમાં રિકોર્ડ થઇ રહી છે.”
સ્ત્રી – “છ મહિનાથી તને શોધી રહી હતી. મેઈન ગેટનો ગાર્ડ મારાં પ્રેમમાં છે, લટ્ટુ છે મારાં ઉપર ત્રણ મહિનાથી. તું નહી હોય ત્યારે હું એને મળું છે અને એ લાલચથી મને બંગલામાં લઇ આવતો.....કુતરો... સાલો. મેં આજે બધાં જ કેમેરા બંધ કરાવી દીધાં છે એને ખબર પણ નહી હોય.”
સંજય – “હા..હા..કરતો ખૂબ હસ્યો અને બાજુમાં પડેલું રીમોટ કોમ્પુટર તરફ ધરી, સ્વીચ દબાવી. થોડીક સેકન્ડમાં પેલીની તસ્વીર દેખાઈ, બંગલામાં પ્રવેશ કરતાં.... સમય અને તારીખ સાથે.”
સ્ત્રી – “ચાલ ભલે... હવે તો કામ આસન થયું તારું... નહી ?”
પિસ્તોલ કાન ઉપર સખત જડબેસલાખ પકડી દાંત કચકચાવીને ગુસ્સામાં બોલી – “ચાલ પૈસા આપી દે સમય ઓછો છે નહી તો ?” પિસ્તોલના ટ્રીગર ઉપર પકડ મજબુત કરી. હવે સંજય ખરેખર ડરી ગયો હતો તેણે તિજોરી તરફ ચાલવા ઈશારો કર્યો અને તિજોરી ખોલી નોટોની બે ત્રણ થપ્પીઓ પેલીને આપી.”
સ્ત્રી – “આટલાં ઓછાં નહી ચાલે.”
સંજય – “આ પૈસા આજે બીજાને આપવાના છે, જો નહી આપુ તો એ મને મારી નાખશે. બાકીના પૈસા તું પછી લઇ જજે... પ્રોમીસ.” એમ કહી તે તિજોરી બંધ કરી રહ્યો હતો ને પેલીએ ગોળી સંજયના માથામાં કરતી ઉતારી દિધી સ..ન...ન.... તિજોરીના બધાજ પૈસા અને કાગળો અને ફાઈલો બેગમાં ભરી પાછળથી નીકળી ગયી ફટાફટ.
કાલીસિંગના વેશમાં આવેલ સાગરીત પુલાસ હજુ પણ શાંતિથી ઉભો તમાશો જોઈ રહ્યો હતો અને વાતચીત રિકોર્ડ કરી રહ્યો હતો. પેલી સ્ત્રીના પલાયન બાદ એ પણ ધીરેથી આવેલ રસ્તે નીકળી ગયો. મામલો ગંભીર હતો સામે સંજયની લાશ પડી હતી.
બહાર આવી પુલાસે કાલીસિંગ ને ફોન કર્યો અને બનેલ ઘટના જણાવી અને માણસોને મોકલવા કહયું જેથી પેલી સ્ત્રીનો પીછો કરી પૈસા મેળવી શકાય. એની પાસે લગભગ ચાર કરોડ હશે એ વાત ચોક્કસ હતી.
થોડીવારમાં મોટરસાયકલ ઉપર માણસો અને કાલીસિંગ આવી ગયાં અને પેલી સ્ત્રીને આમતેમ શોધવા લાગ્યાં. રાતના અંધારામાં એક જીપ દેખાઈ અને પાકું થયું કે કદાચ એ સ્ત્રી પેલી જીપમાં જ હશે. જીપ પુર ઝડપે જંગલ તરફ જઈ રહી હતી અને એની પાછળ કાલીસિંગ અને એનાં માણસો પીછો કરી રહ્યાં હતાં. લગભગ બે કલાક પછી કાલીસિંગના માણસોની પાછળ બીજી એક જીપ આવી રહી હતી. જંગલમાં કેવી રીતે એ જીપ અચાનક આવી તે કાલીસિંગ અને તેનાં માણસો સમજી શક્યા નહી. જીપમાં સવાર બધાંના હાથમાં બંદુકો હતી એવું મોટરસાયકલના અરીસામાં ધૂંધળું દેખાઈ રહ્યું હતું. લગભગ બીજાં એક કલાક બાદ આગળની જીપ ઉભી રહી અને પાછળની જીપ પેલાં કાલીસિંગ અને એનાં સાગરીત ગુંડાઓને ઘેરો ઘાલીને ઉભી રહી. કાલીસિંગ અને એની ટીમ લોભમાં ઘેરાઈ ગયાં હતાં. બીજાં લોકો કોણ છે તેનો ખ્યાલ એને આવી ગયો હતો. ધીરે ધીરે પાંચ દસ કરતાં કરતાં લગભગ સો લોકો ત્યાં આવી ગયાં. કાલીસિંગ અને એનાં માણસોને ઝાડ સાથે બાંધી દીધાં. ભાગવાની કોશિશ કરશો તો જાન ગુમાવવી પડશે એવી સુચના આપી બધાં ત્યાંથી નીકળી ગયાં એમની મોટરસાયકલો લઈને.
તેઓ જંગલની એક ગુફામાં હતાં. બહુ લાંબા સમયે કામ પૂરું થયું એટલે એમનો લીડર ખુશ હતો. કલાક બાદ પકડાયેલા વ્યક્તિઓ માટે એક પ્લાનીંગ થયું.
કાલીસિંગને એમની સામે હાજર કરવામાં આવ્યો પુછતાછ માટે. એમને શક હતો કે કદાચ પોલીસના માણસો તો નથીને ? એમનાં એરિયામાં આવેલ વ્યક્તિને તેઓ જીવતો જવા દેતાં તેથી સવાર પહેલાં કાલીસિંગની માહિતી જાણી લઇ વારાફરતી દરેકની અલગ અલગ પૂછતાછ કરી. એક વાત કન્ફર્મ હતી કે બધાજ શહેરી ગુંડાઓ હતાં પરંતું જ્યાં સુધી ચોક્કસ પુરાવા બંધબેસતા નહી મળે ત્યાં સુધી એમને કેદ કરી રાખવાનું નક્કી થયું અને એક નાની ગુફામાં બાંધી દીધાં. એમનાં તમંચાઓ અને ફોન પણ લઇ લીધાં. કાલીસિંગને બીજી જગ્યાએ કેદ કરેલ હતો. કાલીસિંગ ને પહેલીવાર પોતાનાં ધંધા માટે અફસોસ થયો.
પેલી સ્ત્રીને હવે એક ડર હતો કે સીસીટીવીના આધારે પોલીસ એનો પીછો કરશે અને પૂછપરછ કરશે એટલે એણે બીજાં દિવસે બે જણાને પોલીસ ઉપર નજર રાખવાં જંગલમાંથી રવાના કર્યા. એમનું કામ સંજય કેસ ની બધી માહિતી પેલી સ્ત્રી ને આપવાની હતી. એ સ્ત્રીનું નામ રાણી હતું.
વારસો પહેલાં સંજય એટલે સોજ્યા અને રાણી જંગલના એક વિસ્તારમાં રહેતાં હતાં. બંનેની મૈત્રી પણ સારી હતી. કંઇક ખરાબ ઘટના બની અને પરિવર્તન આવ્યું ઉશ્કેરાટ ભર્યું. વરસો સુધી બંને સાથે કામ કરતાં પરંતું એક દિવસે સોજ્યા ત્યાંથી કંઇક વચન આપી ભાગી છૂટ્યો હતો અને શહેરની લાલચવાળી ભીડમાં થોડાંક ખોટાં ધંધાઓ કરી પોતાને એક અલગ સ્થાન ઉપર મૂકી જીવી રહ્યો હતો. સમય જતાં એ આપેલ વચન ભૂલી ગયો હતો.
વર્ષો પછી આવેલ પરિવર્તન અને તંગ કાયદાકીય ઘડામણનો સિકંજો હવે એમનાં ઉપર હતો અને આખરે એક દિવસ સોજ્યાની શોધ જરૂરી થઇ અને તે કામ રાણીના ભાગે આવ્યું.
(ક્રમશઃ)