સફેદ કાજળ
(પ્રકરણ – ૪)
એક દિવસ સ્વામીજીને એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું તમારી બહેનનું નિધન થયું છે. સમાચાર વાંચી સ્વામીજી રડી પડ્યાં. ભાંગી ગયાં. એકની એક બહેનને એ મળી ના શક્યા અને જયારે એને મળવાનો સમય આવવાનો હતો ત્યારે એ દુનિયા છોડી ગયી. વર્ષોની બહેન સાથેની યાદોની તસવીરો એક સ્લાઈડ શો ની જેમ સરતી જતી હતી. દિલ બેચેન અને વ્યાકુળ હતું. દુનિયાને સાંત્વન આપનાર ને આજે સાંત્વન આપનાર કે એનાં દુખની પૃચ્છા કરનાર કોઈ નહોતું. મન અને વિચાર હવે બળવો કરતાં હતાં. ચિંતનનું બધુજ ખોવાઈ ગયુ હતું.
લગભગ બે મહિના પછી સ્વામીજીનું પ્રવચન ફોરેનમાં હતું. આખો કાફલો એરપોર્ટ ઉપર પહોંચ્યો. કોઈએ એમનાં હાથમાં ખબર ના પડે તે રીતે એ ચિઠ્ઠી સરકાવી દીધી. તેમાં લખ્યું હતું સામેની દિશામાં જુઓ. એ દિશામાં સ્વામીજી જેવા કપડાં પહેરી એક વ્યકિત ઉભી હતી.
સ્વામીજીને એક વ્યકિત ત્યાંથી બહાર લઇ ગયી. એરપોર્ટથી ટેક્ષી બહાર નીકળી. આશ્રમના કાફલાને ખ્યાલ આવ્યો કે આગળ ઉભાં એ કોઈ બીજાં સાધુજી છે પણ સ્વામીજી નથી એ એમની ગફલત થઇ પણ ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતું. તેઓ ઘબરાઈ ગયાં અને બહાર નીકળી આશ્રમમાં સ્વામીજી ગાયબ થયાની વાત કરી. કોઈને શું થયું અને કેવી રીતે થયું તેનો ખ્યાલ ના આવ્યો. બધાંને વાત જાહેર નહી કરવાની સુચના આપવામાં આવી.
આશ્રમમાં બધાને એમ જ હતું કે સ્વામીજી પ્રવચન માટે વિદેશ ગયેલ છે.
આશ્રમથી વિદાય લઇ સુઝાન સ્વામીજીને આશ્રમથી મુક્ત કરવા યોજનાઓ બનાવી રહી હતી અને આખરે એક સહાધ્યાયીની મદદથી એ સફળ થઇ. બીજાં એક સ્વામીજીના ફોરેન પ્રવાસની માહિતીના આધારે સુઝાને પોતાનો પ્લાન બનાવી સફળ કર્યો.
સુઝાને આશ્રમની દરેક વાતો સ્વામીજીને કરી અને ચાલી રહેલ ગુપ્ત વ્યવહારો અને ગુપ્ત રસ્તાઓ અને ગુપ્ત ભેગું કરેલ ધન અને ખજાનાની માહિતી આપી. ચારસો એકરનો આશ્રમ ખરેખર ખૂબ જ વિશાળ હતો. સુઝાનની વાતોતી હવે સ્વામીજીને ઘણી વાતોના તાર મળતાં લાગ્યાં પરંતું સ્વચ્છ મનનાં વિચારવાળા સ્વામીજીને એક વ્યવહાર જ લાગ્યો. જે કોઈ વ્યકિત કે વ્યક્તિઓએ આટલો મોટો આશ્રમ સ્થાપિત કર્યો હોય તો સ્વાભાવિક એવાં આડા રસ્તાઓ સાંધનાર કોઈ લાલચુ વ્યક્તિઓ જ હશે ?
પરંતું સુઝાને આશ્રમ શિવાય આશ્રમની મુખ્ય વ્યક્તિઓ એમનાં ધંધાઓ એમની સંપતિઓ એવી અનેક પ્રકારની માહિતી ભેગી કરી હતી. જેમાં રાજકારણીઓથી માંડી બીજાં ક્ષેત્રોની મહાન હસ્તીઓ પણ સામેલ હતી. ધર્મ, સ્વાસ્થ, માહિતી, એનજીઓ, ટેકનીકલ ક્ષેત્રની વ્યક્તિઓ, મિડીયા, ફૂડ પ્રોસેસર, ધનવાન ખેડૂતો, જમીનદારો, શેર બજારના એક્કાઓ, પ્રોપર્ટી બજારના માલિકો, પ્રાયવેટ બેન્કોના ડાયરેક્ટરો એવાં ઘણાં સામેલ હતાં.
એક દિવસ કોઈ એનો પીછો કરી રહ્યો હતો તેથી તેને ખ્યાલ આવ્યો કે હવે ખતરો છે અને પોતે એને પહોંચી શકે તેમ નથી તેથી બધી માહિતી અને થોડાંક પૈસા આપી રાતોરાત એ ફોરેન પોતાનાં ઘરે જતી રહી. જતાં જતાં સુઝાને સ્વામીજીને ચેતવણી પણ આપી કે કોઈ પીછો કરી રહ્યો છે અને જાનને ખતરો છે. બીજી કોઈ સલામત જગ્યાએ શીફ્ટ થવા પણ કહ્યું. હવે સ્વામીજી માટે મોટી ગુંચવણભરી પરિસ્થિતિ હતી. એક સીધો સાધો પરોપકારી માણસ ઉલ માંથી ચૂલમાં પડ્યો. આઝાદી માટે !
ભોળી વ્યકિત બહુ દિવસ છુપી શકી નહી અને એક દિવસ હાઇવે ઉપર એક ગેન્ગના હાથે લાગી અને ઘાયલ થઇ.
***
દેવહર્ષને ખ્યાલ હતો કે ચિંતનની પાછળ પડેલાં ગેન્ગના માણસો એને શોધવા અથાગ પ્રયત્ન કરશે અને એક દિવસ એ લોકો એને શોધતાં શોધતાં ઝુંપડી પાસે પહોંચી ગયાં પરંતુ ઝુંપડીમાં કંઇ ના મળ્યું. દેવહર્ષ એ તે પહેલાં ચિંતનને ડુંગરની એક નાની ગુફામાં શીફ્ટ કરી દીધેલ હતો.
બે મહિનામાં ચિંતન એકદમ સાજો થઇ ગયો હતો. દેવહર્ષની જડીબુટ્ટી અને વનસ્પતિના ઉપચારે ઘા ને એકદમ રૂઝવી દીધો હતો. ઘા ના કોઈ નિશાન પણ નહોતાં. ચિંતન અને દેવહર્ષ હવે મિત્રો બની ગયાં હતાં. એક ધાર્મિક સ્વામી અને બીજો સિધ્ધીઓમાં માહિર તાંત્રિક. દેવહર્ષ પાસે ઘણી સિદ્ધિઓ હતી. વર્ષો એ હિમાલયમાં ગુરુ પાસે રહ્યો હતો એની એક બે ઝલક એણે ચિંતનને પણ બતાવી હતી. ચિંતનની બધી વાતો સાંભળી અને આશ્રમની હકીકતો જાણી ત્યારે એમણે એક પ્લાન કર્યો. જાનનું રક્ષણ પણ થાય અને સેવાનું લક્ષ્ય પણ પામી શકાય તે માટે.
સવારની આરતીના સમયે આશ્રમમાં એક ગાડી આવી અને સ્વામીજી ઉતર્યા. એમની પાછળ એક સિંહે ગાડીમાંથી છલાંગ મારી અને સ્વામીજી સાથે ચાલવા માંડ્યો. સિંહને જોઈ રસ્તામાં જે લોકો હતાં તે આમતેમ દોડવા માંડ્યા. સ્વામીજીએ હાથનાં ઈશારે એમને શાંત ઉભાં રહેવાં કહ્યું. સ્વામીજી સીધાં માતાજીના મંદિરે ગયા જ્યાં આરતી ચાલુ હતી. સ્વામીજી અને સિંહને સાથે જોઈ બધાં અચરજમાં હતાં. લોકો દુરથી જ નમસ્કાર કરી રહ્યાં હતાં જાણે ચમત્કાર ને નમસ્કાર !
થોડાંક કલાકોમાં ને દિવસોમાં સ્વામીજી ફોરેનથી પરત ફર્યાની વાત પ્રસરી. નવા નવા રઈસ ચહેરાઓ આશ્રમમાં સ્વામીને મળવા આવવાં માંડ્યા. સ્વામીજીના બાજુમાં સિંહ શાંત બેસી રહેતો. સ્વામીજીનો આ નવો અવતાર અજબ અને પ્રભાવશાળી હતો. હજુ સુધી કોઈએ સ્વામીજીને ક્રોસ ચેક કરવાની હિંમત કરી નહોતી. જાણે બધું મોઘમમાં જ હતું.
ત્રીજા દિવસે કોઈએ સ્વામીજીને કાર મોકલી અને વાતચીત માટે બોલાવ્યા. કાર એક આલીશાન બંગલાના પોર્ચમાં ઉભી રહી. સ્વામીજી સાથે સિંહ પણ મહેલમાં દાખલ થયો. એક વિશાળ રાજાશાહી દિવાનખંડમાં સ્વામીજીને બેસવાં કહ્યું. સામેની તરફ નકશીકામથી મઢેલી એક વિશાળ છબી આકર્ષિત કરી રહી હતી. એ છબી શેઠ જમનાદાસની હતી જેમણે ચિંતન ઉપર બે મોટા ઉપકાર કર્યા હતાં. ચિંતને મનોમન પ્રણામ કર્યો. બંગલામાં એક નોકર શિવાય કોઈ નહોતું. થોડીજ વારમાં એક યુવાન વ્યકિત નીચે ઉતરી રહ્યો હતો. આછી દાઢી-મૂછ હતી, કાનમાં હીરાની બુટી ચમકતી હતી. હાથનાં કાંડા ઉપર બ્રેસલેટ હતાં અને ગળામાં સોનાની જાડી માળાઓ એની શ્રીમંતાઈ અને અતડાપણની ગવાહી આપતાં હતાં. દુરથી જ પ્રણામ કરી એ સ્વામીજીના બરોબર સામે બેસી ગયો. સ્વામીજીએ સિંહ ઉપર પ્રેમથી હાથ ફેરવી સામે આવનારને નમસ્કાર કર્યા. ઓળખાણ આપતાં યુવાને કહ્યું હું શેઠ જમનાદાસનો પુત્ર દિશાંક. ગયા વર્ષે જ પિતાજીનો દેહાંત થયો. પિતાજીને તમે એકવાર મળ્યાં હતાં ત્યારે મેં તમને જોયા હતાં. તમારી વાતચીત પણ સાંભળી હતી સામેના ખૂણાથી. એ ખૂણા તરફ ઈશારો કરતાં કહયું. એમનાં આશીર્વાદથી આ પ્રોજેક્ટ ઉભો થયો છે પણ સોચ મારી છે અને હું જ એની દેખભાળ કરું છું અને નજર ઘુમાવતા કહ્યું તમારીપણ. સ્વામીજીએ હકારમાં ડોક હલાવી.
દિશાંક – “હાલમાં જ તમારી સાથે કંઇક અઘટિત ઘટના બની એવું જાણમાં આવ્યું.” વાતને મોઘમમાં પ્રસ્તુત કરતાં પુછ્યું. સ્વામીજી પણ સમજી ગયાં હતાં અને એક નાટક જ કરવું જરૂરી હતું.
સ્વામીજી – “હા .... પણ એ અઘટિત નહોતી... સાધનાનો એક સમય હતો અને તે દરમિયાન સંજોગો આપોઆપ ગોઠવાય છે અને તેવું જ થયું. હું ક્યારે અને કેવી રીતે હિમાલયમાં પહોચી ગયો તેની ખબર જ ના પડી. મહિનાઓ સિદ્ધિઓના અભ્યાસમાં ક્યાં નીકળી ગયાં ખબર ના પડી. વળતાં રસ્તામાં આ ઘાયલ મળ્યો, સિંહ તરફ નજર કરતાં કહ્યું.”
દિશાંક – “ તો કાને જે બીજી વાતો આવી હતી તે શું હતું ?”
સ્વામીજી – “મને ખબર નથી શું હતું. આપ મને એ બાબત કંઇક કહેશો ?” સ્વામીજીના શબ્દોનો જવાબ દિશાંક આપી ના શક્યા.
દિશાંક – “ચાલો હશે. લોકોને તો વાત ઉડાવવાની ટેવ છે. આપ નવી સિદ્ધિઓ હાંસલ કરી સુખરૂપ પધાર્યા એનો અમને આનંદ છે.” નમસ્કાર કરી સ્વામીજીને વિદાય આપી.
સ્વામીજી આશ્રમમાં પધાર્યા અને અર્ધો કલાક પછી એક સંદેશ મળ્યો કે આવતીકાલે સ્વામીજીની મંદિર પ્રાંગણમાં પૂજા વિધિ કરવામાં આવશે અને તેમાં બધાં ભક્તો એ સેવાનો લાભ લેશે. આયોજીત કાર્યક્રમ સ્વામીજીએ પ્રાપ્ત કરેલ નવી સિદ્ધિઓને ધ્યાનમાં લઇ રાખવામાં આવ્યો છે.
રાત્રે સ્વામીજી અને ભ્રામક રૂપ ધારણ કરેલ સિંહ એટલે દેવહર્ષ વાત કરી રહ્યાં હતાં. દેવહર્ષ પાસે સિધ્ધીઓ ઘણી હતી જે એ લોક ઉપયોગ માટે વાપરી શકતો તેથી એણે આ સિદ્ધિનો ઉપયોગ કરી સિંહ રૂપે આશ્રમમાં પ્રવેશ મેળવ્યો હતો અને ચિંતનને એટલે કે સ્વામીજીનો પુનઃપ્રવેશ પણ નિર્વિઘ્ને કરાવ્યો હતો. બધાં અચંબામાં હતાં. હવે સ્વામીજીનો વાળ પણ કોઈ વાંકો ન કરી શકે એ ચોક્કસ હતું. દેવહર્ષ એમની સાથે સિંહના રૂપમાં સતત હાજર હતો.
દિશાંક સાથેની મીટીંગમાં દેવહર્ષ એનાં વિચારો અને ચાલ સમજી ગયાં હતાં. પોતાની સિધ્ધીઓ દ્વારા એ સામેવાળાની ઈચ્છાશક્તિને જાણી શકતાં અને સામેવાળાની બુદ્ધિને ભ્રમીત પણ કરી શકતાં.
સ્વામીજીને વાત કરતાં એમણે કહ્યું - “આવતી કાલની પૂજા એ એક નાટક છે તમારાં શરીરને ચકાસવાનું કારણ દિશાંકને જાણવું છે કે ગેંગ દ્વારા જે ગોળીબાર થયો હતો તેનાં નિશાન અને ઘા તમારાં શરીર ઉપર છે કે નહી. જો ઘા અને નિશાન દેખાય તો પૈસાની લેવડદેવડની ગૂંચ ઉકેલાય એમ છે.”
(ક્રમશઃ)