Featured Books
શ્રેણી
શેયર કરો

ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - પ્રસ્તાવના - 1

આજનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ. મારો જન્મ થયો વીસમી સદી પૂર્ણ થવાની નજીક અને એકવીસમી સદી શરુ થવાની હતી. સમજણો થયો ત્યારથી એકવીસમી સદીને અને તેના લોકોને જોતો આવ્યો છું, બા-બાપુજી, દાદા-દાદી પાસેથી તેમની વિસમી સદીની વાતો સંભાળતો આવ્યો છું. તેમના મત પ્રમાણે હાલની એકવીસમી સદીની પેઢીઓ ઘણું ગુમાવી ચુકી છે તો ઘણું એમના કરતાં વધુ સારું મેળવી શકી છે પરંતુ આ બધામાં અમે (હાલની એકવીસમી સદીના લોકો) જે કાઈ સારું મેળવ્યું છે તેમાંથી એમને એવું લાગે છે કે અમે ઘણું બધું ગુમાવ્યું છે અને હું એમની આ વાત સાથે સહમત છું કે અમે ઘણું ગુમાવ્યું છે. એકવીસમી સદીમાં ૨૦૧૦ પછી જન્મેલા બાળકોની સરખામણી મારી સાથે કરું તો મને લાગે છે કે એમણે ઘણું ગુમાવ્યું છે.

હાલમાં કહો કે અત્યારે ૨૦૧૮માં ઇલેક્ટ્રોનીક્સક્ષેત્રે ઘણી ક્રાંતિ થઈ છે મને યાદ છે મારા પપ્પા ૨૦૦૩માં ક્રિકેટનો વિશ્વકપ જોવા માટે બીપીએલ કંપનીનું ફ્લેટ ટીવી લાવેલા અને ત્યારે ૨૧ ઇંચના ટીવીની કિંમત ઘણી વધારે હતી, અત્યારે એ કિંમતમાં એપલ કંપનીનું આઈપેડ આવી જાય છે. ત્યારે બધાના ઘરે તો ટીવી નહોતા તો અમે બધા જેના ઘરે ટીવી હોય એના ઘરે નીચે બેસીને ટીવી જોવા માટે જતા હતા. ત્યારે ટીવીને વિદ્યાર્થીઓ માટે વ્યસનની જેમ જોવામાં આવતી હતી, ઘણાના ઘરે ટીવી હતા પરંતુ મમ્મી-પપ્પાને એવું લાગતું કે ટીવીના કારણે અભ્યાસ પર અસર પડી રહી છે એટલે કેબલ કનેક્શન લેતા નહોતા અને જો લીધું હોય તો પરીક્ષાઓ નજીક આવે ત્યારે કેબલ કનેક્શન બંધ કરાવી દેવામાં આવતું. મારી જ વાત કરું તો મેં અમારા ઘરે ફક્ત ૨૦૦૩નો ક્રિકેટ વિશ્વકપ જ જોયેલો છે બાકીના વિશ્વકપના સમાચાર રોજના સમાચારપત્રો દ્વારા જ ખબર પડતી અથવા તો શાળામાં બીજા વિદ્યાર્થીઓ કહે ત્યારે જ ખબર પડતી. હમણા નવું ટીવી લેવા ગયા ત્યારે ટીવીનો ભાવ સંભાળીને પપ્પાની તો આંખો જ ખુલી રહી ગઈ. એમણે સગાં-વહાલાઓના ઘરે એલસીડી, એલઇડી, ઓએલઈડી, સ્માર્ટટીવી જોયેલા, એમની ઈચ્છા એલસીડી ટીવી લેવાની એમને એમ કે ૪૩”નું એલસીડી ટીવી મોંઘુ હશે પરંતુ એતો એમણે પોતાના જીવનમાં લીધેલા પહેલાં ટીવી કરતાં પણ સસ્તું હતું અને દેખાવડું હતું. આ ઉપરાંત પોતાના ખરીદેલા જુના ટીવી કરતાં મોટી સ્ક્રીનવાળું હતું અને એ પણ સ્માર્ટ-ટીવી. હવે હાલમાં બધાના ઘરે જુના ફ્લેટ ટીવીના બદલે એલસીડી, એલઇડી ટીવી જોવા મળે છે અને આખું વર્ષ કેબલ કનેકશનના બદલે ડીશ એન્ટેના આધારિત અથવા તો લોકલ સેટટોપ બોક્સ કનેક્શન હોય છે. હાલના ૨૦૧૦ પછી જન્મેલા બાળકોને જોઈ તો એવું લાગે કે આ લોકો ફક્ત ટીવી જોવા માટે જ જન્મ લીધો હોય એવું લાગે. આખો દિવસ ટીવી જ જોવાનું અને સુવાનું. તમે એને બહાર રમવા માટે મોકલો તો વધીને ૨ કલાકમાં પાછું આવશે અને કેહશે ટીવી ચાલું કરી આપો અને જો તમે ના કરી આપો તો પોતાની જાતે કરી લેશે. ત્યારે એ બાળપણના દિવસો યાદ આવે કે ટુ-વ્હીલર ગાડીના ટાયર હાથ/લાકડાની દાંડીથી ચલાવવા, પકડદાવ, સંતાકૂકડી, ગીલી-દંડો વગેરે રમતા (મારું બાળપણ ગામડામાં પસાર થયેલું). આ બાળકોને રમવા માટે નથી ખુલ્લા મેદાન કારણ કે એમના મમ્મી-પપ્પા તો શહેરમાં નોકરી અથવા તો ધંધો કરે છે અને દાદા-દાદી પાછા ગામડે જતા રહ્યા છે કેમ કે તેઓ એવું માને છે કે તેમની ફરજ હવે પૂરી થઇ અથવા તો વહુના ટોણાઓના કારણે જતા રહ્યા છે અને ખેતી કરે છે. હાલમાં આ બાળકો પાસે પુરતી સગવડો છે પરંતુ તેમને રમવા માટે જગ્યાઓ નથી તેમજ રમાડે એવું કોઈપણ નથી કારણ કે મમ્મી-પપ્પા તો નોકરી અથવા ધંધો કરે છે અને બાળકો તો આયા/કામવાળી સંભાળે છે.

હવે વાત કરીએ ૨૦૧૩ પછી જન્મેલા બાળકોની તો આ બાળકો સ્માર્ટ બાળકો કહીએ તો પણ ચાલે કેમ કે તેમને ટીવી સાથે કોઈ નિસ્બત હોઈ એવું લાગતું જ નથી બસ તેમને તો સ્માર્ટફોન અથવા તો બીજા સ્માર્ટ સાધનો જોઈ છે. આ બાળકોને સુવા માટે પણ મોબાઈલમાં ગીતો (એ પણ ફિલ્મના) વગાડવા પડે છે, અમુક બાળકોને તો ફોન જોડે આપવો પડે છે સુવા માટે. મારી બહેનોને સુવડાવવા માટે મારા દાદી રોજ હાલરડું ગાતા પરંતુ હવે તો હાલરડાંનું સ્થાન સ્માર્ટફોને લઇ લીધું છે અથવા તો હાલની માતાઓને હાલરડાં આવડતા નથી. આપણે જાણતા – અજાણતા પણ આટલો બધો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જયારે ભણવાની વાતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત આવે ત્યારે આપણે આંખ આડા કાન કરીએ છીએ અથવા તો એના વિશે સંભાળવા પણ તૈયાર નથી હોતા. શા માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે રાજી નથી? કેમ તે વધુ પ્રમાણમાં મોંઘી છે કે પછી તમને ડર લાગે છે કે વિદ્યાર્થીઓ ટેકનોલોજીના ઉપયોગથી બગડી જશે, ગેમ રમવાનું પ્રમાણ વધી જશે, વધુ સમય સોશિયલ નેટવર્કિંગની વેબસાઈટો પર બગાડશે વગેરે વગેરે. પરંતુ તમે જયારે આ નાના બાળકોને ટેકનોલોજીનું વળગણ બાળપણથી જ આપો છો એના વિશે કેમ ક્યારેય નથી વિચારતા. આપણે બધા જાણીએ છીએ કે વસ્તુ ગમે તેટલી સારી હોય પરંતુ એમાં ખરાબ પાસાઓ પણ હોઈ જ છે. ટેકનોલોજી માણસની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને જ વિકસાવેલી હોય છે. જેમ જેમ તેમાં સુધારાઓ થતા જાય છે તેમ તેમ તેમાંથી તેના નબળા પાસાઓ દુર કરવામાં આવતા હોય છે.

હવે મુદ્દાની વાત પર આવું તો હું કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું. હું કોઈ લેખક નથી એટલે મને લાખતા પણ નથી આવડતું પરંતુ શીખવું તો પડશે કેમ કે મારે તમને કંઈક નવું જણાવવું છે. કોલેજમાં પ્રવેશ મળી ગયો એટલે પપ્પાએ સામેથી જરૂરી તમામ જરૂરિયાતો અને સગવડો પૂરી કરી આપી. મને નવું નવું જાણવાની બહુ જ ઈચ્છાઓ થતી એટલે હું ઈન્ટરનેટનો બહુ જ ઉપયોગ કરતો અને આજે એ જ ઈંટરનેટે મને આ લખવા માટે અને મારું જ્ઞાન વહેચવા માટે પ્રેરિત કર્યો છે. હાલમાં ટેકનોલોજી મારા કોલેજ જીવન સાથે એવી રીતે બંધબેસી ગઈ છે કે એના વિના કદાચ મારો દિવસ પૂરો થતો નહિ હોઈ. સવારે જગડાવાથી લઈને સાંજે સુવા સુધીમાં ટેકનોલોજીનો બહુ જ મોટો ફાળો છે. સવારના એલાર્મ (આપણે મોટાભાગે જેને આલારામ કહીએ છીએ)થી લઈને સાંજે સુવા સુધીમાં ઘણી જગ્યાએ ક્યાંકને ક્યાંક ટેકનોલોજીનો ઉપયોગ જાણતા – અજાણતા કરી લેતો હોઉં છું. એમાંથી વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં મદદરૂપ થાય એવી કેટલીક ટેકનોલોજીની ભેટ કે જે ફ્રી, સસ્તી અને મોંઘી એવી મોટાભાગની કે જેણે હું ઉપયોગમાં લેતો હોઉં એ બધી જ તમારી સમક્ષ મારી “ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ” સીરીઝમાં હું મુકીશ. સીરીઝમાં તમને હું વિદ્યાર્થીઓને ઉપયોગી સાધનો, વેબસાઈટો, સોફ્ટવેર અને બીજું ઘણું બધું જણાવીશ. હું વાપરું છું એટલે બધાએ વાપરવું જોઈએ એવું હું નથી માનતો પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેઓ આ બાબતોથી સાવ અજાણ પણ હશે અને ઘણા જાણતા પણ હશે. બધા સ્માર્ટફોન વાપરે છે પરંતુ મેં તેમને ફકત વાતો કરતાં, ચેટીંગ કરતાં, ગેમ રમતા, ફોટાઓ પડતા અને તેને ઉપલોડ કરતાં છે, પરંતુ કોઈને તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરે એવી એપ, વેબસાઈટ બતાવતા નથી જોયા. હાલનું જ ઉદાહરણ આપું તો પબજી ગેમ વિદ્યાર્થીઓ ખુબ જ રમે છે પરંતુ કોઈને તમે ખાનએકેડેમીમાં અભ્યાસને લગતા વિડીયો જોતા જોયા? (આવા તો ઘણા ઉદાહરણો મળી રહેશે) ફરીથી યાદ અપાવું કે મારી આ બુક સીરીઝમાં તમને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાધનો, વેબસાઈટો, એપ્સ, સોફ્ટવેર વગેરની માહિતી આપીશ.

- ગોયાણી