Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 10

પ્રકરણ ૧૦

ચન્દ્રના નિરીક્ષકો

બાર્બીકેન દેખીતીરીતે વિચલનના તર્કસંગત કારણ સુધી પહોંચી ગયા હતા. જો કે વિચલન ભલે ઓછામાં ઓછું થયું હોય તો પણ તેણે ગોળાનો રસ્તો તો બદલી જ નાખ્યો હતો. આ એક કરુણતા હતી. એક સાહસિક પ્રયાસ આકસ્મિક કારણોસર નિષ્ફળ ગયો હતો; અને હવે તો કોઈ અજાયબી જ તેમને ચન્દ્રની ધરતી પર ઉતરાણ કરાવી શકવાની હતી.

શું તેઓ એટલી નજીકથી પસાર થઇ શકશે કે જેનાથી ભૌતિક અને ભૌગોલિક કારણો જે અત્યાર સુધી જવાબ વગરના રહ્યા છે તેના જવાબ મળી શકે? આ પ્રશ્ન, આ એક માત્ર પ્રશ્ને અત્યારે આ ત્રણેય મુસાફરોના મનને ઘેરી લીધા હતા. આ એક એવું ભવિષ્ય હતું જેના વિષે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું.

પરંતુ આ અનંત અવકાશમાં એમની વચ્ચે જ બનવાનું હતું એ એ હતું કે તેમને બહુ જલ્દીથી હવાની જરૂર પડવાની હતી. થોડા દિવસો બાદ તેઓ આ રખડુ બની ચૂકેલા ગોળામાં ગૂંગળાઈ જવાના હતા. પરંતુ આ થોડા દિવસો આ નીડર વ્યક્તિઓ માટે સદીઓ જેવા હતા અને તેમણે ચન્દ્ર પર પહોંચવાની આશા છોડી દઈને હવે માત્ર તેનું નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું.

ચન્દ્રને ગોળાથી દૂર કરતું અંતર અત્યારે બસો લિગ્ઝ જેટલું હતું. આ પરીસ્થિતિમાં ચન્દ્રની ધરતીની માહિતી જોઈ શકવાનો જ્યાં સુધી પ્રશ્ન હતો, મુસાફરો પૃથ્વીવાસીઓ કરતા ચન્દ્રથી વધારે નજીક હતા અને તે પણ તેમના શક્તિશાળી ટેલિસ્કોપ સાથે.

બિલકુલ, પાર્સન્સ ટાઉન ખાતે લોર્ડ રોસ દ્વારા બનાવવામાં આવેલું એ સાધન વસ્તુઓને સાડાછ હજારગણી નજીક દેખાડી શકતું હતું, તે ચન્દ્રને લગભગ સોળ લિગ્ઝ જેટલું નજીક લાવી શકતું હતું. અને તેનાથી પણ વધુ કહીએ તો લોન્ગ્ઝ પીક પર મુકવામાં આવેલું ટેલિસ્કોપ જે રાત્રીના આ તારાને અડતાળીસ હજારગણું નજીક લાવી શકતું હતું જેનો મતલબ હતો બે લિગ્ઝથી પણ ઓછું, અને ત્રીસ ફૂટના ડાયામીટર ધરાવતા પદાર્થો ખૂબજ સરળતાથી જોઈ શકાતા હતા. તેથી કાચના આ સાધન વગર આ અંતરથી ચન્દ્રની ભૌગોલિક માહિતી ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતી ન હતી. આંખો આ વિશાળ કદને ખોટી રીતે જોઈ શકતી હતી જેને ‘સીઝ’ કહેવામાં આવે છે, અને તે તેના સ્વભાવને ઓળખી શકવાની ન હતી. સૂર્યકિરણોની તેજસ્વિતાએ ચન્દ્ર પરના પહાડોની પ્રમુખતાને ઢાંકી દીધી હતી. આંખ જાણેકે પીગળેલી ચાંદીમાં ન્હાઈ હોય એ રીતે ચમકી ઉઠી અને પોતાની મરજી વગર બંધ થઇ ગઈ, પરંતુ ચન્દ્રનો લંબગોળ આકાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે એક વિશાળકાય ઈંડા જેવો લાગતો હતો જેનો નાનકડો છેડો પૃથ્વી તરફ તાંકેલો હતો. હકીકતમાં ચન્દ્ર તેની રચનાના શરૂઆતના દિવસોમાં તરલ અને નરમ હતો, મૂળરૂપે તે એક ખામીરહિત ગોળો હતો, પરંતુ તરતજ તે પૃથ્વીના આકર્ષણ હેઠળ આવી ગયો અને તેના ગુરુત્વાકર્ષણ બળની અસરથી તે વિસ્તરી ગયો. ઉપગ્રહ બનવા જતા તે પોતાની પવિત્રતા ગુમાવી બેઠો, તેના ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર તેના શરીરના કેન્દ્રમાં હતું, અને આ હકીકતને આધારે કેટલાક વૈજ્ઞાનિકોએ એવું પરિણામ કાઢ્યું કે પાણી અને હવા તેની અલગ અલગ સપાટી પર ઉપલબ્ધ છે, જે ક્યારેય પૃથ્વી પરથી દેખાતું નથી. ઉપગ્રહની આ પ્રાથમિક પરિસ્થતિમાં બદલાવ માત્ર અમુક ક્ષણો માટેજ દ્રષ્ટિગોચર થયો હતો. પોતાની ગતિને લીધે ચન્દ્રથી ગોળાનું અંતર બહુ ઝડપથી ઘટવા લાગ્યું, જો કે તે પોતાની શરુઆતની ગતિ કરતા ઘણી ઓછી હતી—પરંતુ આપણી એક્સપ્રેસ ટ્રેનો કરતા આઠથી નવ ગણી જરૂર હતી. ગોળાનો ત્રાંસો રસ્તો જે ત્રાંસો જઈ રહ્યો હતો તેણે માઈકલ આરડનને ચન્દ્રના કોઈક સ્થળે તો ઉતરાણ કરવાની આશા આપી. તેણે એવું વિચાર્યું જ ન હતું કે તે ત્યાં નહીં પહોંચી શકે. ના! તે એવું માનતો જ ન હતો અને તેણે પોતાનો આ અભિપ્રાય વારંવાર પ્રગટ કર્યો. પરંતુ બાર્બીકેન, જે વધુ સારો નિર્ણાયક તેમણે તેને કાયમ ક્રૂરતાપૂર્ણ તર્કશુદ્ધ જવાબ આપ્યા.

“ના, માઈકલ ના! આપણે ચન્દ્ર પર ઉતરાણ કરીને જ પહોંચી શકીશું અને આપણે ઉતરાણ નથી કરી રહ્યા. કેન્દ્રગામી તાકાત આપણને ચન્દ્રની અસરથી નીચે રાખતી હોય છે, પરંતુ અહીં કેન્દ્રગામી તાકાત આપણને તેનાથી દૂર લઇ જઈ રહી છે.”

તેમણે આમ એવા સૂરમાં કહ્યું કે માઈકલ આરડનની છેલ્લી આશા પર પણ પાણી ફેરવી દીધું.

ચન્દ્રના જે હિસ્સા તરફ ગોળો જઈ રહ્યો હતો તે તેનો ઉત્તરી હિસ્સો હતો, જેને ચન્દ્ર સંબંધિત નકશો નીચેની તરફ દર્શાવી રહ્યો હતો, આ નકશાઓ ટેલિસ્કોપ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ દોરવામાં આવતા હોય છે, અને આપણને ખબર છે કે તે પદાર્થોની વિરુદ્ધ તસ્વીર દેખાડતા હોય છે. આ મુજબના જ નકશાઓ બાર્બીકેને મેપ્પા સેલેનોગ્રાફીકા અને બોર એન્ડ મોડલર પાસેથી મેળવ્યા હતા. આ ઉત્તરી હિસ્સો વિશાળ મેદાનો ધરાવતા હતા જેમના પર છૂટાછવાયા પહાડો ફેલાયેલા હતા.

મધ્યરાત્રીએ ચન્દ્ર પૂર્ણકળાએ ખીલ્યો હતો, જો પેલી તોફાની ઉલ્કાએ તેમનો રસ્તો બદલ્યો ન હોત તો મુસાફરો આ જ સમયે ચન્દ્ર સાથે જોડાણ કરી ચૂક્યા હોત. કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીએ નક્કી કર્યા અનુસાર જ ચન્દ્ર પોતાનું સ્થાન ધરાવી રહ્યો હતો. ગાણિતિકરીતે તેનું પૃથ્વીથી સહુથી નજીકનું બિંદુ અને અઠ્યાવીસ અક્ષાંસ પર તેનું શિરોબિંદુ આવેલું હતું. જો વિશાળ કોલમ્બિયાડની નીચે કોઈ નિરીક્ષકને બેસાડવામાં આવ્યો હોત તો કાટખૂણે સ્થિર થયેલા આ નાળચાના મુખમાં તે ચન્દ્રને સીધો જોઈ શકતો હોત. અહીંથી ખેંચવામાં આવેલી સીધી રેખા રાત્રીના તારાના મધ્યને ચીરી ગઈ હોત. અહીં એ નોંધવાની જરૂર નથી કે પાંચમી અને છઠ્ઠીની રાત્રીએ મુસાફરોએ આરામ કર્યો નહીં. શું તેમની આંખો આ નવા વિશ્વની સાવ નજીક આવી જવાથી બંધ નહોતા કરી શકતા? ના! તેમની તમામ લાગણીઓ માત્ર એક વિચાર સાથે જોડાઈ ગઈ હતી:- જુઓ! પૃથ્વીના, માનવતાના, ભૂતકાળના અને વર્તમાનના તમામ પ્રતિનિધિઓ તેમનામાં સમાઈ ગયા હતા! તેમની આંખો દ્વારા માનવજાતિ ચન્દ્રના વિવિધ વિસ્તારોને જોઈ રહી હતી અને તેમના ઉપગ્રહોના રહસ્યોની અંદર ઉતરી રહી હતી! એક વિચિત્ર લાગણીએ તેમના હ્રદયમાં ઘર કર્યું જ્યારે તેઓ એક બારીએથી બીજી બારીની સફર કરવા લાગ્યા. તેમના નિરીક્ષણો, જેને બાર્બીકેને ફરીથી જોયા, તે ચુસ્તપણે નક્કી થઇ ચૂક્યા હતા. તેમને જોવા માટે ટેલિસ્કોપ હતા, તેમની ભૂલ સુધારવા માટે નકશાઓ હતા.

જ્યાં સુધી તેમની પાસે રહેલા જોવાના સાધનોનો પ્રશ્ન હતો, તેમની પાસે ખાસ આ સફર માટે તૈયાર કરવામાં આવેલા ઉત્તમ મરિન ગ્લાસ હતા. તેઓ પાસે વસ્તુને સો ગણી મોટી કરવાની શક્તિ હતી. તે ચન્દ્રને દેખીતા અંતરે એટલેકે પૃથ્વીથી બે હજાર લિગ્ઝ નજીક લઇ આવ્યા હતા. પરંતુ સવારે ત્રણ કલાકમાં કપાયેલું અંતર પાંસઠ માઈલથી વધારે ન હતું અને કોઇપણ પ્રકારના વાતાવરણને લગતા વિઘ્નો ન આવે તો આ સાધનો ચન્દ્રની ધરતીને પંદરસો યાર્ડ્ઝથી પણ નજીક લાવી શકે તેમ હતા!

***