Soneri Savaar books and stories free download online pdf in Gujarati

સોનેરી સવાર...

શીવાની એ આજે ફરી Alprax નો હેવી ડોઝ લઈ લીધો. તો પણ એની આંખો માં નીંદર નું નામોનિશાન નથી. એને રહી રહી ને બોસ ના શબ્દો યાદ આવે છે," મીસ શિવાની, હમણાં થી તમારા કામ માં બહુ ભૂલો હોય છે. તમે તમારી પ્રોજેક્ટ ફાઈલ પણ સમયસર સબમિટ નથી કરાવી. તમારુ ધ્યાન કયા હોય છે આજકાલ. તમે તો બહુ efficient

રહો છો તમારા કામ માં. તમારી પાસે આવી આશા ન હતી. હવે થી ધ્યાન રાખજો"

હમણાં થી શીવાની કોઈ કામ માં ધ્યાન નથી આપી શકતી. મન માં ખોટા વિચારો અને ખોટી કલ્પનાઓ આવે છે. થોડી થોડી વારે રડું આવી જાય છે. ખાવાનું મન નથી થતું. કોઇ જોડે વાત કરવી નથી ગમતી. શીવાની એ પ્રણવ જોડે પણ સંબંધ તોડી નાખ્યાં છે.

પ્રણવ અને શિવાની ૩ વર્ષ થી રિલેશન શીપ હતા. બન્ને ના વિચારો માં બહુ અસમાનતા હતી.પ્રણવ બિન્દાસ સ્વભાવ નો અને થોડો રંગીન મિજાજ નો જ્યારે શિવાની સંબંધ માં વિશ્વાસ અને વફાદારી ને બહુ જ મહત્વ આપતી. પ્રણવ શિવાની ને પ્રેમ તો કરતો પણ બીજી છોકરીઓ સાથે પણ ફ્લર્ટિંગ કરવાનું મુકતો નથી. આ બાબતે બે જણા વરચે અવારનવાર ઝધડા થયા કરતા. દર વખતે પ્રણવ શિવાની ને પ્રેમ ના નામે મનાવી લેતો. પ્રણવ ઝધડા ટાળવા જુઠઠ નો પણ આશરો લેતો.

૨-૩ વખત પ્રણવ નો જુઠઠ પકડ્યા પછી શિવાની નો વિશ્વાસ તૂટી ગયો. એણે પ્રણવ સાથે નો સંબંધ તોડી નાખ્યો. પ્રણવ એ મનાવવાનો બહુ પ્રયત્ન કયૉ પણ શિવાની ને હવે પ્રણવ પર વિશ્વાસ નહતો રહ્યો. આ અજાણ્યા શહેરમાં એને પ્રણવ નો જ સહારો હતો. શિવાની રાજકોટ છોડીને અમદાવાદ પોતાની કેરિયર બનાવવા આવી હતી. એના મમ્મી પપ્પા ને નાનો ભાઈ તરુણ રાજકોટ રહે છે.

નાનપણ માં શિવાની એના મમ્મી પપ્પા ની બહુ લાડકી હતી. એના પપ્પા ની બહુ નજીક હતી. એના પપ્પા એને," મારી પ્રિન્સેસ મારી પ્રિન્સેસ "" કહેતા થાકતા ન હતા. શિવાની એના વ્હાલા મમ્મી પપ્પા ના પ્રેમ ની એકલી હકદાર હતી પણ તરુણ ના જન્મ પછી બધું બદલાઈ ગયું. તરુણ શિવાની ની પછી પાંચ વર્ષ રહી ને આવ્યો હતો. પાછો દીકરો હોવાથી બધા નો બહુ લાડકો થઈ ગયો. શિવાની ના મમ્મી તો બંને ભાઈ બહેન ને સરખો પ્રેમ કરતા હતા. એમને મન બંને સમાન જ હતા. પણ શિવાની ના પપ્પા ના પ્રેમ માં થોડી ઓટ આવી ગઈ. શિવાની ના વ્હાલા પપ્પા માટે એમના વંશ ને આગળ વધારનાર, એમના ધડપણની લાકડી એમનો દીકરો વધારે મહત્વ નો થઈ ગયો.

શિવાની ને મોટી બેન હોવાથી દરેક વાત માં જતું કરવાનું કહેવામાં આવતું. શિવાની ના મમ્મી તો એને સમજાવતા કે તું અને તરુણ બંને સરખા જ છો અમારા માટે. પણ શિવાની ના પ્રિય પપ્પા તો એનાથી દૂર થઈ ગયા હતા.

એના પપ્પા પેલા જેવો પ્રેમ શિવાની ને નથી આપી શકતા. એમના કેન્દ્ર સ્થાને તરુણ હતો. જાણે અજાણે નાનકડી શિવાની ના મન માં નાના ભાઈ માટે પૂર્વગ્રહ બંધાઈ ગયો. ઈ સતત પોતાની જાતને તરુણ કરતા સારી સાબિત કરવા પ્રયત્ન કરતી. એના મનમાં એમ કે હું મારા પપ્પા ને તરુણ કરતા પણ શ્રેષ્ઠ બનીને બતાવીશ તો મને પપ્પા પેલા ની જેમ પ્રેમ કરશે.

આ પૂવૅગ્રહ સાથે મોટી થયેલી શિવાની ના મન માં નાના ભાઈ માટે કડવાશ જ રહી. ‌તરુણ હંમેશા "દીદી દીદી" કહી એની આજુબાજુ ફરતો પણ શિવાની એને પૂરી રીતે અપનાવી ન શકી. ઈ હંમેશા પોતાને મજબૂત અને સક્ષમ સાબિત કરવા પ્રયત્ન કરતી. એટલે જ ઈ અમદાવાદ આવી હતી.

અમદાવાદ માં એણે પ્રણવ ના પ્રેમ માં ઈ હુંફ અને સધિયારો શોધવાનો પ્રયત્ન કયૉ. પ્રણવ ના પ્રેમ માં પડ્યા પછી એને એમ લાગ્યું કે પ્રણવ નો પ્રેમ એના નાનપણ થી પડેલા હ્દય પર ના જખમ રુઝવી દેશે.પણ પ્રણવ નો રંગીન મિજાજ અને વાતે વાતે જુઠ્ઠુ બોલવાની આદત એ શિવાની નો વિશ્વાસ તોડી નાખ્યો.

આ સંબંધ ને તોડ્યા પછી શિવાની ભયંકર હતાશ થઈ ગઈ.એને લાગ્યું કે," મારા નજીક ના લોકો કે જેને હું બહુ ચાહું છું ઈ જ મારો વિશ્વાસ દર વખતે કેમ તોડે છે? શું મને પ્રેમ પામવાનો અધિકાર જ નથી? "

એનું કોમળ હૃદય આ દદૅ સહન ન કરી શક્યું. ઈ ઉડી હતાશા માં જતી રહી. રોજ રાત્રે ઉંધ ન આવતા એણે ઉંધ ની ગોળી લેવાનું ચાલુ કર્યું. શરુઆત માં નાના ડોઝ થી ઉંધ આવી જતી પણ હવે મોટો ડોઝ લેવા છતાં ઉંધ નથી આવતી.

આજે પણ શિવાની ને મોડે મોડે માંડ થોડી ઉંધ આવે છે. એને એક સપનું આવે છે. સપના માં ઈ એક સમુદ્ર કિનારે એકલી બેઠી હોય છે. એકદમ નીરવ શાંતિ હોય છે. ત્યાં અચાનક એની પાછળ થી પાણી ના ઉછળતા મોજા આવે છે. ઈ પોતાને બચાવવા ની કોશિશ કરે છે પણ મોજા નો તેજ પ્રવાહ એને પોતાની સાથે ખેંચી જાય છે. એને સમુદ્ર માં ખેંચી જાય છે.

સમુદ્ર માં ઈ પોતે ગોળ ગોળ ફરતી હોય છે. એની ચારેબાજુ પાણી ના વંટોળ હોય છે. આ પાણી ના વંટોળ માં એને એના પપ્પા, મમ્મી, તરુણ અને પ્રણવ ના ચહેરા દેખાય છે. આ બધા સામે પોતાનો હાથ લાંબો કરે છે. મદદ માટે બૂમો મારે છે." પપ્પા તમારી પ્રિન્સેસ ને બચાવો " પણ એના પપ્પા એની સામે નથી જોતા ઈ તરુણ નો હાથ પકડી જતા રહે છે. એના મમ્મી પણ એમની સાથે જતા રહે છે.

ઈ પ્રણવ સામે હાથ લંબાવે છે કહે છે" પ્રણવ તારી શિવુ ને બચાવી લે" પ્રણવ એની સામે જોર થી હસે છે અને જતો રહે છે.

સમુદ્ર ના ઉછળતા મોજા શિવાની ને પોતાના માં સમાવવા આતુર હોય છે. શિવાની પાણીમાં ડૂબતી જાય છે. ત્યાં જ શિવાની ની આંખો ખૂલે છે. ઈ પરસેવા થી નાહી ગઈ હોય છે. એને અહેસાસ થાય છે કે આ તો ફક્ત સપનું હતું. ઈ ઘડિયાળ માં જુએ છે તો સવાર ના ૭ વાગ્યા હોય છે.

ઈ બહુ ગભરાઈ જાય છે. શિવાની ફોન ઉપાડે છે અને એની બેસ્ટ ફ્રેન્ડ પ્રાંજલ ને ફોન કરે છે.

હેલ્લો પ્રાંજલ‌

હેલ્લો શિવાની કેમ છે તું ?

pls પ્રાંજલ તું જલદી અમદાવાદ આવતી રહે. હું પાગલ થઇ જઈશ એવું લાગે છે.

એમ કહી શિવાની રડી પડે છે.

શું થયું શિવાની ? પ્રાંજલ ગભરાઈ ને પૂછે છે.

મને પોતાને નથી ખબર શું થયું. પણ જો હવે હું એકલી રહીશ તો પોતાને કશુંક કરી લઈશ. શિવાની હિબકકા ભરતા કહે છે.

હું થોડી વાર માં જ નીકળું છું. તું તારું ધ્યાન રાખજે. કશુંક આડું અવળું ના કરીશ.

હા તુ જલ્દી આવ. શિવાની ફોન મૂકી છુટ્ટા મોઢે રડી પડે છે.

પ્રાંજલ એની નાનપણની ફ્રેન્ડ છે.‌પ્રાજલ ના પપ્પા ની વડોદરા બદલી થતાં ઈ લોકો વડોદરામાં શીફટ થઈ ગયા પણ બન્ને ની ફ્રેન્ડશીપ એવી ને એવી છે. પ્રાંજલ શિવાની વિશે બધુ જાણે છે. પ્રાંજલ ડોક્ટર હોવાથી સમજે છે કે શિવાની અત્યારે emotional breakdown માંથી પસાર થઈ રહી છે. ઈ અમદાવાદ આવા નીકળે છે.

પ્રાજલ શિવાની ના ફ્લેટ પર પહોંચે છે અને ડોર બેલ વગાડે છે. થોડી વાર રહીને શિવાની દરવાજો ખોલે છે. પ્રાંજલ ને જોઈને એને ભેટી પડે છે અને જોર જોર થી રડવા લાગે છે. પ્રાંજલ શિવાની ની આવી સ્થિતિમાં જોઈ પરેશાન થઈ જાય છે.

શિવાની નું શરીર લેવાઈ ગયું હોય છે. આંખ ની નીચે કાળા કુંડાળા, વિખરાયેલા વાળ, ચહેરા પર ઘેરી ઉદાસીનતા. શિવાની પ્રાંજલ ને પોતાના મન માં આવતા વિચારો અને સપના વિશે કહે છે.

પ્રાંજલ એને સાંત્વના આપે છે. ઈ કહે છે," બધું બરાબર થઈ જશે" શિવાની ને થોડી રાહત થાય છે. પ્રાંજલ શિવાની ને સુવા માટે લઈ જાય છે. પોતાનું હૈયું પ્રાંજલ પાસે હળવું કયૉ પછી શિવાની ને સારું લાગતું હોય છે. ઈ થોડી વારમાં સૂઈ જાય છે.

પ્રાંજલ વિચાર માં પડી જાય છે. શિવાની ની હાલત જોયા પછી એને લાગે છે કે ઈ ડીપ્રેશન માં આવી ગઈ છે. ઈ પોતાની મિત્ર સરોજ ને ફોન કરે છે. સરોજ psychatrist છે. અમદાવાદ માં જ પ્રેક્ટિસ કરે છે. પ્રાંજલ બધી વાત કરે છે પછી સરોજ કહે છે," તું શિવાની ને મારી પાસે સાંજે લઈ આવ" પ્રાંજલ હા પાડે છે.

મોડી બપોરે શિવાની ની આંખ ખૂલે છે. એને થોડું સારું ફીલ થતું હોય છે. ત્યાં પ્રાંજલ ચા નો કપ લઈને આવે છે અને કહે છે," ઉઠી ગઈ શિવુ! લે ચા પી લે. સવારે તો તે મને ગભરાવી દીધી હતી."

શિવાની ચા પીતા કહે છે," Thanx યાર. તું ન આવી હોત તો હું શું કરત ઈ મને પણ ખબર ન હતી."

પ્રાંજલ કહે છે," હું થોડા દિવસ અહીં જ રોકાવાની છું. તું ઓફિસ માં રજા લઈ લે. "

શિવાની કહે છે," સારું આજે તો આમ પણ રજા મૂકી છે."

પ્રાંજલ એની પાસે બેસે છે અને કહે છે," તને મારા માં વિશ્વાસ છે?"

હા, તારા પર જ વિશ્વાસ છે. એમ કહી શિવાની પ્રાંજલ નો હાથ પકડે છે.

તો આજે આપણે મારી ફ્રેન્ડ સરોજ પાસે સાંજે જઈશું. ઈ તારી મદદ કરશે.

પણ એ તો psychatrist છે. તને શું લાગે છે હું પાગલ છુ ?? એમ કહી શિવાની પ્રાંજલ નો હાથ છોડી દે છે.

ના શિવુ psychatrist પાસે ખાલી પાગલ જ ન જાય. ઈ તને તારા આ માનસિક આધાત માં થી બહાર લાવવામાં મદદ કરશે.

ના મારે નથી જવું

પ્રાંજલ એનો હાથ પકડે છે અને કહે છે," મારા પર ભરોસો રાખ. આજે જઈએ તને નહીં ગમે તો પછી નહીં જઈએ."

શિવાની પ્રાંજલ ને ભેટી પડે છે અને કહે છે," ઠીક છે આપણે જઈશું" એની આંખો માં આંસુ આવી જાય છે.

સાંજે બન્ને સરોજ ની કિલનિક પર પહોંચે છે. પ્રાંજલ બહારે બેસે છે અને સરોજ શિવાની નુ કાઉન્સિલગ કરે છે. કલાક બાદ તે પ્રાંજલ ને અંદર બોલાવે છે અને શિવાની ને બહાર બેસવાનું કહે છે.

પ્રાંજલ, શિવાની ને તું ટાઇમસર અહીં લઈ આવી.

શિવાની ને થયું છે શું ?

શિવાની ડિપ્રેશન માં આવી ગઈ છે. ઈ બહુ સેનસીટીવ છે. નાનપણ ની અમુક વાતો એના દિલ માં ઘર કરી ગઈ છે. એમાં પ્રણવ સાથે નો breakup ઈ સહન નથી કરી શકી.

ઈ ઠીક તો થઈ જશે ને ? પ્રાંજલ ચિંતા થી પૂછે છે.

હા પણ એને અત્યારે પ્રેમ અને હૂંફ ની જરૂર છે. એના ફેમિલી ની બહુ જરૂર છે. હું થોડી દવા લખી દઉં છું. ‌અને નિયમિત કાઉન્સિલગ માટે લઈ આવજે. ખાસ એની ઉંઘ ની ગોળી ઓ બંધ કરાવજે.

વૉટ ? શિવાની ઉંધ ની ગોળી ઓ લે છે?

હા ઘીમે ઘીમે આ આદત છોડાવી પડશે.

ઓકે. Thank u Saroj

Anytime Pranjal

પછી મળીએ.

પ્રાંજલ કેબીન માંથી બહાર આવે છે. શિવાની કહે છે," શું કીધું ડોક્ટર એ? "

તું જલદી ઠીક થઈ જઈશ. ચાલ તારી દવાઓ લઈ લઈએ. પછી આપણે ગાડૅન જઈશું.

સારું.

દવા લઈને બંને ગાડૅન જાય છે. ત્યાં ની તાજી હવા , નાના બાળકો ના અવાજો, લીલી ઘાસ થી શિવાની નુ મન થોડું શાંત થાય છે. બન્ને સ્કૂલ ની વાતો યાદ કરી હસે છે. બન્ને બહાર જમીને ફ્લેટ પર આવે છે.

પ્રાંજલ શિવાની ની ઉંધ ની ગોળી ઓ સંતાડી દે છે. રાત્રે સૂતી વખતે શિવાની ઉંધ ની ગોળી બહુ શોધે છે પણ મળતી નથી. ઈ પ્રાજલ ને કઈ કહેતી નથી ઉંધવાની કોશિશ કરે છે. સરોજ એ કેટલીક આયુર્વેદિક દવાઓ આપી હોય છે જે મગજ ને શાંત રાખતી હોય છે. ઈ દવાઓ ની અસર અને પ્રાંજલ ના હુંફ અને પ્રેમ થી શિવાની ને ઉંધ આવી જાય છે.

શિવાની ના સુઈ ગયા પછી પ્રાંજલ શિવાની ના પપ્પા ને ફોન કરે છે

હેલ્લો અંકલ, પ્રાંજલ બોલું છું.

હા બેટા, આ ટાઈમે ફોન કર્યો. બધું ઠીક તો છે ને?

અંકલ શિવુ ઠીક નથી. એને તમારી જરુર છે. આમ કહી ઈ શિવાની ની બધી વાત જણાવે છે.

મને તો આ વાત ની ખબર જ ન હતી. અમે બધા કાલે અમદાવાદ આવી એ છીએ. તું શીવુ નુ ધ્યાન રાખજે. Thank u beta

તમે કાલે આવીને શિવાની ને સરપ્રાઈઝ આપજો. એને બહુ ગમશે.

સારુ બેટા

પ્રાંજલ ફોન મુકીને સુઈ જાય છે.

બીજે દિવસે સવારે શિવાની મોડી ઉઠે છે. ઘણા ટાઈમે એને આવી સારી ઉંઘ આવી હોય છે. તે ફેશ થઈ કિચન માં જાય છે. પ્રાંજલ ચા બનાવતી હોય છે. ત્યાં ડોરબેલ વાગેછે. પ્રાંજલ કહે છે" હું જોઉં છું"

શિવાની ના મમ્મી પપ્પા અને તરુણ આવ્યા હોય છે. પ્રાંજલ કહે છે" જોતો શિવુ! કોણ આવ્યું છે?"

શિવાની કિચન માંથી બહાર આવે છે.એના મમ્મી-પપ્પા અને તરુણ ને જોઈને ઈ ચોંકી જાય છે. તે બધાની સામે આશ્વર્ય ચકિત થઈ ને જોઈએ છે.

એના પપ્પા એની પાસે આવે છે. એના ગાલ પર હાથ રાખે છે અને કહે છે," મારી પ્રિન્સેસ" શિવાની ની આંખ માંથી આંસુ નીકળવા માંડે છે. ઈ " પપ્પા" કહીને એમને ભેટી પડે છે.

બધાની આંખો માં આંસુ આવી જાય છે.

એના પપ્પા કહે છે," સોરી બેટા! જાણે અજાણે મે તારા દિલ ને ખૂબ દુભાવ્યું છે."

શિવાની કહે છે," ના પપ્પા એવું ન કહેશો"

શિવાની ના મન ના બધા દુઃખો, બધા પૂર્વગ્રહો દૂર થઈ ગયા.વષૉ પછી જાણે એના વ્હાલા પપ્પા પાછા આવી ગયા. શિવાની એના મમ્મી ને પણ ભેટે છે.પછી તે એના નાના ભાઈ તરુણ ને મળે છે. તરુણ કહે છે," દીદી તમે મારા હંમેશા આઇડિયલ રહ્યા છો. મને હંમેશા તમારી જેમ મજબૂત બનવું છે. " એમ કહી એને ભેટી પડે છે.

શિવાની ના મન માંથી બધી નફરત ગાયબ થઈ જાય છે. એને અહેસાસ થાય છે કે એણે એના ભાઈ ને સમજવા માં ભૂલ કરી હતી.

જેમ ધોધમાર વરસાદ પછી આકાશમાં માં ઉધાડ આવે એવી જ રીતે શિવાની ના મન માં આંસુ ની વષૉ પછી ઉધાડ આવી ગયો.

એક મહિનો શિવાની ના મમ્મી-પપ્પા એની સાથે રહ્યા. મમ્મી-પપ્પા ની હુંફ અને સ્નેહ મળવાથી શિવાની માં ધણો સુધારો આવ્યો. રોજ યોગ કરવું, સારા પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવું, સાંજે ચાલવા જવાનું આ બધા થી શિવાની ની મેન્ટલ હેલ્થ માં ખૂબ સુધારો થયો. એણે ઓફિસ જવાનું પણ ચાલુ કર્યું. સરોજ ની દવાઓ અને કાઉન્સિલગ ચાલુ હતી. ઉંધ ની દવા લેવાની જરૂર ન હતી પડતી. પ્રાજલ અને તરુણ વચ્ચે વચ્ચે ખબર કાઢવા આવી જતાં. તરુણ ની કોલેજ ચાલુ હોવાથી એ રોકાયો ન હતો.

હજી પણ શિવાની પ્રણવ ને ભૂલી ન હતી. બીજી તરફ પ્રણવ પણ શિવાની ને યાદ કરતો હતો. એનામાં પેલા કરતા સુધારો આવ્યો હોય છે. પ્રાંજલ પ્રણવ ને મળે છે અને એનામાં આવેલા ફેરફાર નોટિસ કરે છે અને શિવાની ની કન્ડીશન વિશે વાત કરે છે. પ્રણવ પ્રાંજલ ને વિશ્વાસ દેવડાવે છે કે ઈ શિવાની ને ખુશ રાખશે ને ક્યારે દુઃખી નહીં થવા દે. પ્રાંજલ ને પણ એની વાત માં વિશ્વાસ આવે છે અને બંને એક પ્લાન બનાવે છે.

પ્લાન મુજબ પ્રાંજલ શિવાની ને મળવા અમદાવાદ આવે છે. એને બહાર શોપિંગ કરવા માટે લઈ જાય છે. પછી બંને એક કાફેમાં જાય છે. પ્રાંજલ ૨ મિનિટ માં આવું છું કહી સરકી જાય છે. પાંચ મિનિટ થવા છતાં પ્રાંજલ ન આવતા શિવાની એને કોલ કરવાનું વિચારતી હોય છે ત્યાં તે પ્રણવ ને આવતા જોય છે.

પ્રણવ શિવાની પાસે આવે છે પણ શિવાની ઊઠીને ચાલવા લાગે છે. પ્રણવ એનો હાથ પકડી ને કહે છે," pls શીવુ, એક વાર મારી વાત સાંભળી લે"

શિવાની હાથ છોડાવી ગુસ્સામાં કહે છે," જે કહેવું હોય ઈ જલદી કહી દે"

પ્રણવ શિવાની ને બેસવાનું કહે છે. બન્ને જણા એકબીજાને સામસામે બેસે છે. શિવાની પ્રણવ ની આંખો માં જોવાનું ટાળે છે. પ્રણવ એની સામે જ જોતો હોય છે. પ્રણવ કહે છે," શિવુ, મેં અત્યાર સુધી માં તને ખૂબ જ હટૅ કરી છે. મને મારી ભૂલો નો પસ્તાવો છે. તારા ગયા પછી મને સમજાઈ ગયું કે તારા વગર મારી લાઈફ અધુરી છે. મને જે શાંતિ અને શકુન તારી સાથે મળે છે.ઈ કોઈ સાથે નથી મળતા. હું તને કોઈ પ્રોમિસ નહીં કરું. પણ એકવાર મારી આંખો માં જોઈ જો તને ત્યાં પ્રેમ દેખાય તો ઈ પ્રેમ ના નામે તને કહું છું કે હું ક્યારેય જુઠ્ઠુ નહીં બોલું અને આ સંબંધ ઈમાનદારી થી નિભાવવાની કોશિશ કરીશ.

પ્રણવ એ પેલા અવારનવાર પ્રોમિસ કયૉ હોય છે અને તોડ્યા પણ હોય છે.આજે શિવાની ને પ્રણવ ના અવાજ માં એક સત્ય નો રણકો લાગે છે અને એની આંખો માં પોતાના માટે અસીમ પ્રેમ દેખાય છે. એની આંખો માં આંસુ આવી જાય છે.

પ્રણવ ઉભો થઈ શિવાની ની પાસે આવે છે અને ઘુટણિયે બેસી વીંટી નો બોક્સ એની આગળ મૂકી કહે છે," મારી ભૂલો ને માફ કરી મારી લાઈફ માં પાછી આવીશ ? મારા જેવા પાગલ ને લાઈફ પાર્ટનર બનાવીશ?

શિવાની રડતા રડતા હા પાડે છે. કાફે માં બેઠેલા બધા તાળી પાડે છે. પ્રણવ શિવાની ને રીંગ પહેરાવે છે અને બંને એકબીજાને હગ કરે છે. પ્રાંજલ પણ ત્યાં જ હોય છે. શિવાની સમજી જાય છે કે આ બંને ની મિલીભગત છે. ઈ હોઠ ફફડાવી thank u કહે છે.

પ્રણવ અને શિવાની બંને ના મમ્મી-પપ્પા આ સંબંધ ને મંજુરી આપી દે છે.

આજે શિવાની અને પ્રણવ ની સગાઇ છે.શિવાની બ્લુ ચણિયાચોળી માં ખુબ મસ્ત લાગે છે. ચહેરા પર મુસ્કાન, આંખોમાં ચમક, શરીર પણ પહેલા કરતા ભરાયેલું છે. અવાજ માં આત્મવિશ્વાસ છલકાય છે. કોઈ કહી ન શકે કે આ ૨ મહિના પહેલા ડીપ્રેશન માં હતી. શિવાની હવે ડીપ્રેશન માંથી સંપૂર્ણ બહાર આવી ગઈ છે. પ્રણવ પણ બ્લુ શેરવાની માં હેન્ડસમ લાગતો હોય છે. બન્ને ની રીંગ સેરેમની થઈ ગયા પછી શિવાની માઈક હાથમાં લે છે.

હેલ્લો એવરીબડી, મારા આ ખુશી ના અવસર માં આવવા માટે તમારો ખુબ જ આભાર. આજે મને તમારી સમક્ષ મારા જીવનની એક અગત્યની ધટના શેર કરવી છે. આજ ની શિવાની અને ૨ મહિના પહેલા ની શિવાની માં જમીન આસમાન નો ફેર છે. ૨ મહિના પહેલા હું ભયંકર ડીપ્રેશન માં આવી ગઈ હતી. મને કશું ગમતું ન હતું. કોઈ કામ માં ધ્યાન ન હતી આપી શકતી. રાત્રે ઉંધ ન આવતી. એવું લાગતું કે મારા જીવનમાં કશું નથી. શૂન્યાવકાશ છે. આમાં થી બહાર લાવવામાં મારી બેસ્ટ ફ્રેન્ડ પ્રાંજલ અને મારી ફેમિલી, પ્રણવ એ ખૂબ જ મદદ કરી. મારા ડોક્ટર સરોજ નો પણ મોટો ફાળો છે. આ બધા ના સાથ અને પ્રેમ થી હું મારી જિંદગી ફરીથી શરુ કરી શકી. મારા જેવા કેટલાય લોકો છે જે આ ડિપ્રેશન થી પીડાય છે.અને ડર અને શરમ ના લીધે ડોક્ટર પાસે નથી જતા. એવા લોકોની મદદ કરવા અને આમાં થી બહાર લાવવા હું,પ્રણવ અને બીજા થોડા મિત્રો એક સંસ્થા ચાલુ કરીએ છે. જેમાં અમીર અને ગરીબ બંને ને સારવાર આપવામાં આવશે.ગરીબ ને રાહતદરે સારવાર આપવામાં આવશે. ડિપ્રેશન સિવાય બીજા માનસિક રોગોની પણ સારવાર થશે. દરેક માનસિક રોગ ધરાવતો વ્યક્તિ પાગલ નથી હોતો. જેમ મારા જીવનમાં સોનેરી સવાર આવી એવી બીજા ના જીવન માં સોનેરી સવાર લાવવાનો આ પ્રયાસ છે.

બધા તાળી ઓ પાડી આ વાત વધાવી લે છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો