‘રે, તુંહી! Valibhai Musa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

‘રે, તુંહી!

‘રે, તુંહી!

વલીભાઈ મુસા

‘રે, તુંહી!’ વદતા, તમે બેચરભાઈ, ભલામિયાં વકીલના ઘર આગળની ઓફિસની દરી ઉપર નીચે બેસવા જતા હતા, ત્યાં તેમના મદદનીશ તલાજીએ તમારું બાવડું પકડી લેતાં તમને ટેબલ સામેની ખુરશી ઉપર બેસવાનું કહ્યું હતું. તલાજીએ કરેલી તમારી પ્રાથમિક પૂછપરછ ઉપરથી ભલામિયાં સાહેબને એટલું તો જાણવા મળી ગયું હતું કે તમે તમારા ગામના એક માથાભારે શખ્સની સામે કોર્ટમાં કેસ મૂકવા માગતા હતા. તમારું કહેવું હતું કે તમારા પ્રતિવાદી નામે અભેરાજની ગામલોકોમાં એવી ધાક બેસી ગઈ હતી કે તેની સામે પડવા કે તેને પડકારવા માટે કોઈ તૈયાર ન હતું, પણ તમે તેની સામે તે દિવસની સાચી ઘટનાનો કેસ મૂકીને તેને પાઠ ભણાવવા માગતા હતા.

વાત એમ બની હતી કે તે દિવસે વહેલી સવારે તમે ખેતરમાંની તમારી ભેંશનું દોહેલું દૂધ બરણીમાં લઈને ગામની દૂધમંડળીમાં ભરવા જતા હતા, ત્યારે તમારા ખેતરની રસ્તા તરફની વાડમાં ઉગેલી એક સાવ નાનકડી અને માંડ દોઢેક માથોડા જેટલી ઊંચી એવી લીમડીની કૂમળી ડાળીઓને પોતાના ઊંટ માટે ધારિયા વડે સોરતા અભુને તમે મીઠાશભર્યા આ શબ્દોમાં ટપાર્યો હતો, ’ભઈલા, આ લીમડી મોટી થઈને રસ્તે જતાઆવતા લોકોને છાંયડો આપી શકે તેમ છે અને આમ તું તેને સોરીને અકાળે ટૂંપાવી નાખે તે કેમ ચાલે!’

પેલાએ તેની રાબેતા મુજબની આદત અને તોછડાઈથી તમને જવાબ આપેલો કે ‘એ બેચરિયા, સવાર સવારમાં માથાફોડી કર્યા વગર તું તારા રસ્તે પડ અને મને મારું કામ કરવા દે!’

‘અલ્યા, હું તને ‘ભઈલા’ કહું છું અને, તું મારો કાકો હોય તેમ, મને ‘બેચરિયા’ કહેતાં તને શરમ નથી આવતી!’ તમે બેચરભાઈ સાવ નરમાશથી પેલાને જવાબ વાળ્યો હતો.

પરંતુ, આમ વાતવાતમાં ઉશ્કેરાએલા એ અભુએ તમારા સામે ધારિયું ઉગામ્યું હતું અને બચાવ માટે સહજ રીતે તમે ઊંચા કરેલા હાથના કારણે તમારા બાવડાને તે લસરકી ગયું હતું. લોહીવાળી આંગડીની બાંય જોઈને ગભરાએલો પેલો અભુ ધારિયું પડતું નાખીને ત્યાંથી ભાગી ગયો હતો અને તમે તમારા કૂવે પાછા ફરીને તમારા સાથી પાસે બાવડે ઘાબાજરિયાના લેપ ઉપર ફાળિયાના ચીરાનો પાટો બંધાવીને ગામમાં આવી ગયા હતા. ડેરીમાં દૂધ જમા કરાવ્યા પછી તમે સીધા શટલિયા જીપગાડીમાં પહેર્યે કપડે અને પેલા ધારિયા સાથે તાલુકા મથકે પહોંચી ગયા હતા. ન કોઈ ડોક્ટરી સારવાર કે ન કોઈ પોલિસથાણે ફરિયાદ અને તમે કોઈકને કોઈ ભલા વકીલ માટેની પૂછપરછ કરતાં તેણે તમને ભલામિયાં બાવાના ઘરે પહોંચાડી દીધા હતા. પારસીઓ અને વહોરાજીઓની જેમ સૈયદભાઈઓને પણ ‘બાવા’ કે ‘બાવાજી’ના હુલામણા નામે બોલાવવામાં આવતા હોય છે.

ભલામિયાં બાવાએ તમને, બેચરભાઈ, બે વાતે મીઠો ઠપકો આપ્યો હતો; એક, તમે દાક્તરી સારવાર લીધી ન હતી અને બીજી તમે પોલિસ ફરિયાદ કરી ન હતી અને કરવા માગતા પણ ન હતા. તમારા મતે, બેચરભાઈ, લોકોના કહેવા પ્રમાણે પોલિસ ખાતાના અનુભવો કદાચ સારા ન હોઈ શકે; પરંતુ ઈજા થયા અંગેનું દાક્તરી પ્રમાણપત્ર તો કેસ માટે જરૂરી હતું. ભલામિયાં વકીલજીએ તમને પોલિસફરિયાદમાંથી મુક્તિ આપી હતી, એટલા માટે કે કોઈપણ કેસ સીધો કોર્ટમાં દાખલ થઈ શકતો હોય છે; પણ દાકતરી પ્રમાણપત્ર માટે તેમણે તલાજીને તમારી સાથે સિવિલ હોસ્પીટલે મોકલી આપ્યા હતા. સિવિલના ડોક્ટરનો પોલિસ-ફરિયાદનો આગ્રહ છતાં પ્રતિષ્ઠિત એવા સૈયદ ભલામિયાં વકીલ સાહેબનો ફોન આવતાં દાક્તરી પ્રમાણપત્રનું એ કામ કેસની ફી માત્રથી પતી ગયું હતું.

પછી તો, કેસનો મુસદ્દો તૈયાર કરવા માટેની ભલામિયાં સાહેબ અને તમારી વચ્ચે આ પ્રમાણે વાતચીત શરૂ થઈ હતી:

‘ઘટનાના કોઈ સાક્ષી ખરા?’

‘હા સાહેબ, ત્રણ સાક્ષી : એક, હું ધારિયાનો ઘા ઝીલનારો; બીજો, ધારિયાનો ઉગામનારો, અને ત્રીજો, ઉપરવાળો જોનારો!’

‘ઉપરવાળો સાક્ષી આપવા આવશે ખરો!’

‘સતયુગ હોત તો આવત, પણ આ તો કળિયુગ છે, સાહેબ!’

‘બેચરભાઈ, મારી સલાહ છે કે વગર સાક્ષીએ હારવા માટેનો કેસ મૂકવા કરતાં ઘરભેગા થઈ જવું વધારે ઉત્તમ છે; અને જો કેસ મૂકવો જ હોય, તો ખોટા પણ સાક્ષી ઊભા કરવા પડશે!’

‘જુઓ સાહેબ, હું મારી જિંદગીમાં કદીય જૂઠ્ઠું બોલ્યો નથી અને મારા સ્વાર્થ માટે બીજા કોઈને જૂઠ્ઠું બોલવાનું કઈ રીતે કહી શકું? માટે સાહેબ આપની પહેલી સલાહ મને મંજૂર છે કે મારે ઘર ભેગા થઈ જવું. દાક્તરી પ્રમાણપત્ર માટે આપે આપના માણસને મોકલીને જે મદદ કરી તેની ફી લઈ લો અને હું રજા લઉં, ત્યારે બીજું શું!’

ભલામિયાં સાહેબે સ્મિતસહ તમને પ્રત્યુત્તર વાળ્યો હતો, બેચરભાઈ, કે ‘અમે તમારા જેવા ઓલિયા માણસોના પૈસા લેતા નથી! સારું ત્યારે, હવે તમે જઈ શકો છો.’

પરંતુ જેવા, બેચરભાઈ, તમે ઓફિસ બહાર જોડામાં પગ નાખવા જતા હતા, ત્યાં તો અલ્લાહના નેક બંદા એવા ભલામિયાં સાહેબને શું સૂઝ્યું કે તમને પાછા બોલાવી લીધા અને વકીલાતનામામાં તમારી સહી કરાવી લીધી હતી. તમે જ્યારે કેસની ફી વિષે પૂછ્યું ત્યારે તેમણે વળી પાછા હસતાં હસતાં અગાઉની જ વાતને બીજા શબ્દોમાં દોહરાવી હતી કે ‘તેઓ ભગવાનના માણસની ફી લેશે નહિ; આમ છતાંય, જો કેસ જીતાય તો શાબાશી અને કેસ હારી જવાય તો માફીની આશા પોતે જરૂર રાખશે!’

***

તમારા નસીબે કે પછી ભલામિયાં સાહેબના કોઈ પ્રયત્ને પણ, બેચરભાઈ, તમારો કેસ એક જ મહિનામાં બોર્ડ ઉપર આવી ગયો હતો અને કોઈ પૂર્વયોજનાના ભાગરૂપે કે પછી ગમે તે કારણે પણ તમારા કેસની પહેલી સુનાવણી વિદ્વાન ન્યાયાધીશ શ્રી ચોકસી સાહેબની ચેમ્બરમાં શરૂ થઈ હતી. ચેમ્બરમાં તમે અને તમારો પ્રતિવાદી, તમારા બંનેના વકીલો, સરકારી વકીલ, કોર્ટનો ક્લાર્ક, ભલામિયાં સાહેબનો મદદનીશ તલાજી અને એક પોલિસમેન એટલા હાજર હતા. ક્લાર્કે તહોમતદાર અભેરાજને તેના ઉપરનો ચાર્જ વાંચી સંભળાવ્યો અને કાર્યવાહી શરૂ થઈ હતી

બેચરભાઈ, ભલામિયાં સાહેબે તમને કોઈ તાલીમ આપી ન હતી અને દિમાગની કોરી સ્લેટ સાથે તમે ચેમ્બરમાં અદબ વાળીને ઊભા હતા. હા, તમને એટલું કહેવામાં આવ્યું હતું કે જજ સાહેબ તમારા ઉપર ગુસ્સો કરે તો પણ તમારે ખામોશ ઊભા રહેવાનું હતું. જજસાહેબના સાક્ષીઓ હોવા સબબેના પ્રશ્નના જવાબમાં તમે ચેમ્બરમાં બધાયને રમુજ થાય તેવો પેલો ત્રણ સાક્ષીવાળો એ જ જવાબ આપ્યો હતો. તો વળી, અભેરાજને ધારિયાની માલિકી વિષે પૂછવામાં આવતાં તેણે સ્પષ્ટ શબ્દોમાં સોગંદ સાથે જણાવ્યું હતું કે એ ધારિયું તેનું ન હતું. જજસાહેબે તમને ધમકાવ્યા હતા આ શબ્દોમાં, બેચરભાઈ, કે સાક્ષી વગરના ખોટા કેસ લઈ આવીને તમારા જેવા લોકો કોર્ટનો સમય વેડફાવે છે. તેમણે ક્લાર્કને ઉદ્દેશીને કહ્યું હતું કે કેસને ખારિજ કરવામાં આવે છે અને અભેરાજને જણાવી દીધું કે સાક્ષીઓના અભાવે તેને નિર્દોષ છોડી મૂકવાનું ઠરાવવામાં આવે છે.

ભલામિયાં સાહેબે ઈશારો કરતાં, તમે બેચરભાઈ, વીલા મોંએ ચેમ્બરની બહાર નીકળ્યા હતા અને પેલો અભેરાજ ખુશખુશાલ ચહેરે તમારા સામે મગરૂરીપૂર્વક જોતો જોતો ચેમ્બર બહારની લોબીમાં ચાલી રહ્યો હતો. અભેરાજ થોડોક ચાલ્યો હશે અને ત્યાં તો પેલા ભલામિયાં સાહેબના મદદનીશ તલાજીએ તેના ખભા ઉપર હળવેથી હાથ મૂકીને તેને જણાવ્યું હતું, ‘ભાઈ, તું ખુશનસીબ છે કે નિર્દોષ છૂટી ગયો, નહિ તો તને એકાદ વર્ષની કેદની સજા જરૂર થાત! આ ધારિયાની ધાર ઉપર વધારે ગજવેલ ચઢાવેલ હોઈ તે મુલ્યવાન હથિયાર છે. હવે તું જજસાહેબ આગળ એવું બોલી ગયો છે કે ધારિયું તારું નથી એટલે હવે તું તેને લઈ જઈ શકે તો નહિ, પણ તે ધારિયું મારે જોઈએ છે. લે, આ બસ્સો રૂપિયા અને તને મંજૂર હોય તો ધારિયું હું જ રાખી લઉં.’

અભેરાજે આજુબાજુ નજર નાખી લીધી અને જેવી તેણે પેલી સો સો રૂપિયાની બે નોટ હાથમાં લઈને ખિસ્સામાં મૂકી કે તરત જ તેની પાછળ પાછળ ચાલ્યા આવતા પોલિસે તેને બાવડેથી પકડી લીધો હતો અને લોબી વચ્ચેના થાંભલા પાછળ સંતાઈને ઊભેલા બે વકીલો પંચ તરીકે તરત જ બહાર આવી ગયા હતા. પળવારમાં શું બની ગયું તે સમજાય તે પહેલાં, બેચરભાઈ, તમારા આશ્ચર્ય વચ્ચે પેલા અભેરાજને ફરી ચેમ્બરમાં લઈ જવામાં આવ્યો અને જજ સાહેબે બહાર ગોઠવી કાઢેલા છટકાને પુરાવો ગણીને તેને એક વર્ષની સજા ફટકારી દીધી હતી.

થોડીક જ વારમાં કોર્ટના કમ્પાઉન્ડમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ હતી, બેચરભાઈ, કે તમારા ઉપરવાળા ‘રે, તુંહી!’એ પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે તમારી મદદે આવીને તમને કેસ જીતાડી આપ્યો હતો!

– વલીભાઈ મુસા