રાત્રીના બાર થતા હતા.
ઉત્કંઠા પથારીમાં પડી હતી.
પત્નીની તબિયત લથડી હોવાથી ઇન્દ્રનીલે નોકરી પર આજે રજા મૂકી હતી.
એ ઉત્કંઠાની સાથે જ હતો.
દિવસ દરમિયાન ઉત્કંઠાને ફક્ત કળતર જેવું દર્દ હતું.
જેમ જેમ દિવસ વિતતો ગયો તેમ તેમ એનું દર્દ પણ વધતું ગયું.
એનું અંગેઅંગ દુખતું હતું.
ઉત્કંઠાને ચક્કર આવતા હોવાથી એ કોઈપણ વસ્તુ પર નજર ઠેરવી જોઈ શકતી નહોતી.
હાથ-પગના સ્નાયુઓ ખેંચાતાં હતાં.
અસહ્ય પીડાથી કરાહતી એ હાથ પગ પછાડતી હતી.
આખો દિવસ પોતાને એક પળ માટે પણ અડઘો ન થવા દેનાર પત્ની ઉત્કંઠાની હાલત આટલી હદે ખરાબ થઈ જતાં ઇન્દ્રનીલ ગભરાયો હતો.
પત્નીને થતી અસહ્ય વેદના અને પ્રતિ પળે લથડતી અવદશા જોઈ એનું કઠોર કાળજું પણ કંપી ઊઠયું હતું.
એ પત્નીને સંભાળવાની મિથ્યા બેબસ કોશિશ કરતો હતો.
ડોક્ટર મલ્હાર જે આ ક્ષણે એને મદદ કરી શકે એમ હતા.
પરંતુ શૈેતાન જાણે કે બે ડગલા આગળ દોડતો હતો.
ડોક્ટર મલ્હાર આ ગામના એક માત્ર ડોક્ટર હતા. એ પણ મુસિબતમાં..!
હવે શું કરવું..?
એ પોતાની પત્નીને પોલીસવાનમાં નાખી દવાખાને લઈ જવા તત્પર હતો.
પણ જાણે પોતાનો અંત નજીક છે એવું જાણી ગયેલી ઉત્કંઠા હવે પતિને ક્યાંય જવા દેવા માગતી નહોતી.
પત્નીની હાલત ઈન્દ્રથી હવે જોઇ શકાતી નહોતી.
એ ઉત્કંઠાને ઊંચકી બહાર પોલીસ જીપમાં લઇ આવ્યો.
ઘર લોક કરી ઝડપથી ગાડી સ્ટાર્ટ કરી. નજીકના શહેર જવા ઉપડી ગયો..
બીજી તરફ બાર વાગ્યાનો જ ઇંતેજાર કરી બેસેલી મિન્ની ઊભી થઈ ગઈ.
હવે મોહનને શોધવાનો હતો.
એ જાણતી હતી કે મોહનને હવે રોજ રાત્રે ખૂન નહિ મળે ત્યાં લગી એને ચેન પડશે નહીં.
માટે એ ક્યાંક ઝડપાઈ જશે.
મિન્નીએ બહાર જવા કદમ ઉપાડયા.
બાજુની બારીની સ્ટોપર એની મેળે જ ખૂલી ગઈ.
બારીમાંથી કોણ પ્રવેશે છે એ જાણવા બધા અદ્ધર શ્વાસે જોતા રહ્યા.
શ્વેત પ્રકાશમાં મેઘભરી વાદળું પ્રવેશતું હોય એમ ધુમાડાના ગોટા બારીમાંથી અંદર ડોકાયા.
અને એ ધુમાડાના ગોટાઓમાં એક પિશાચી ચહેરો ઉપસી આવ્યો.
એેજ પીળી આંખોમાં લીલી કીકીની પ્યાસ.. આખાય ચહેરાની તરડાયેલી ચામડી, અને દાઢી નીચે લટકતી ચામડી પર જઈ પ્રસ્વેદની જેમ નિચોવાઈ ટપકતુ ખૂન..
અને બે કાળા પડેલાં હોઠની વચ્ચેથી નીકળી આવેલા લોહિયાળ દાંત..!
શ્રી આંખો દબાવી કુમારની બાહોમાં લપાઈ ગઈ.
એનું અંગ તપતું હતું.
શરીરમાં આછો કંમ્પ ફેલાઇ ગયો.
ભયથી વધેલી ધડકનને કારણે ઊંચા નીચા થતા પત્નીના ઉરોજ ને કુમાર જોતો રહ્યો.
"કુલદીપ લાગે છે પિશાચ અહીં જ છે..! એની નજર ભાભી પર છે..!"
મિન્નીની વાત સાંભળી શ્રી ધ્રુજી ઉઠી.
"તુ અહીં જ રહેજે..! હું બહાર જાઉં..!
મને સમજાતું નથી, એ નજરે પડે છે તો પછી હવામાં ક્યાંય એના શરીરની મહેક કેમ નથી આવતી..?
એ ગમે ત્યાં હશે હું એને શોધી કાઢીશ..
એને ફરી કદમ ઉપાડ્યા.
"ઠહેરો...!" આખાય કમરામાં એક આદેશાત્મક પડઘો ગુંજી ઉઠ્યો.
ગૂરૂનો અવાજ કાને પડતાં જ મિન્નીના પગ ત્યાં જ ખોડાઈ ગયા.
કુલદીપ પણ અવાજ ઓળખી ગયો.
કુમાર અને શ્રી આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યાં.
ગુરૂનો અવાજ ફરી ગુંજી ઉઠ્યો. આકાશવાણી થતી હોય એવા મધુર શબ્દો સ્ફૂર્યા.
" વત્સ..! તમે ભ્રમમાં છો..!
આ ચહેરા દ્વારા એ મોહનનું સૂક્ષ્મ શરીર તમોને ભ્રમમાં નાખી અહીં રોકી રાખવાની ફિરાકમાં છે.
વાસ્તવમાં આ ચહેરો કશી પણ ઈજા પહોંચાડી શકે એમ નથી..!
તમે અત્યારે ને અત્યારે માલદીવ તરફ ઉપડી જાઓ.
પોતાની પત્નીને દવાખાને શહેર લઈ જનારા ઈન્દ્રની ગાડી રોકવા રસ્તામાં યમદૂત રાહ જોતો બેઠો છે.
જાઓ એના સ્થૂળ શરીરને ઘેરી લો.
અને એ મલિન આત્માને આ માનવ શરીર માંથી મુક્ત કરો..!
બાકી હું સંભાળી લઇશ..!"
અવાજ આવતો બંધ થયો કે તરત કુમાર સાથે બધાં બહાર આવ્યાં.
એની ગાડીમાં ચૂપચાપ બધાં ગોઠવાઇ ગયાં કે તરત એને પોતાની ગાડી ડામર રોડ ઉપર ભગાવી મૂકી.
**** **** ****** ***
રાત જવાન બનતી જતી હતી.
આભલુ તારલાઓથી ભર્યુ ભર્યુ હતું.
મધ્ય આકાશે ચંદ્રમા હસતો હતો.
પવનનો વેગ કદાચ ઓછો હશે છતાં પણ ઝડપે દોડતી જીપ સામે પવન પણ એટલો જ તીવ્રતાથી ઇન્દ્રના શર્ટને ફફડાવતો હતો.
ઇન્દ્રનિલનો પગ એક્સિલેટર પર દબાયેલો હતો.
અને ગાડી પવન વેગે દોડતી હતી.
શહેર ગામ થી ૧૦ કિલોમીટર દૂર હતું.
ગમે એટલી ઝડપ વધારે તો પણ ઓછામાં ઓછી ૨૦ મિનિટ તો લાગી જ જાય.
ઇન્દ્ર વારે ઘડીએ બાજુ પર આડી તરફડતી પત્ની પર નજર કરતો હતો.
જાણે એના શરીરની નસો ખેંચાતી હોય એમ એ પગ કૂટતી હતી.
હાથ પછાડતી હતી.
ભલભલા રીઢા ગુનેગારો માટે પથ્થરદિલ સાબિત થયેલો ઇન્દ્રનીલ પત્નીની બગડતી જતી હાલત જોઈ નર્વસ બનતો જતો હતો. એનું હૃદય કઠોર મટીને રુજુ બની ગયું હતું.
એની આંખો સજળ બની ગયેલી.
પોતે ક્યારેક બીમાર થઈ જતો ત્યારે પત્ની ઉત્કંઠા ખડે પગે પોતાની જોડમાં ઉભી રહેતી.
અને એના પ્રેમથી અડધુ દુઃખ એ ભુલાવી દેતી હતી.
પોતાને નોકરી પરથી આવતાં મોડું થતું તો રાહ જોતી એ બેસી રહેતી. અને જ્યારે ઇન્દ્રનીલ ઘરે પહોંચતા ત્યારે જ એમની સાથે બેસી એ જમતી.
પોતાની ચિંતામાં અડધી અડધી થઇ જનારી પત્ની આજે એમની નજર સામે તરફડી રહી હતી.
અને પોતે સાવ લાચાર હતા.
સાવ બેબસ..
ઇન્દ્રનીલની આંખમાં થીજી ગયેલા આંસુ પિંગળીને વહેવા લાગ્યાં.
પત્નીની આવી હાલત કાલની ઘટનાના કારણે થઈ હતી.
પત્નીમાં પ્રવેશેલો ભય એનામાં ઘર કરી ગયો હતો.
ઇન્સ્પેક્ટર સારી પેઠે જાણતા હતા.
પણ ફક્ત ડરી જવાથી આટલી હદ સુધી હાલત ખરાબ ન થાય..!
તો પછી ઉત્કંઠાને અચાનક શું થયું..?
દિવસ દરમિયાન એ ચક્કર આવવાની ફરિયાદ કરતી રહી હતી.
પણ ચક્કર આવવાની અને કળતરની સ્ત્રીઓમાં થોડેઘણે અંશે તકલીફ તો રહેતી જ હોય છે એમ વિચારી ઇન્દ્રનીલે ખાસ કશું ધ્યાન પર લીધું ન હતું.
અને હવે...?
એને ઉત્કંઠા તરફ નજર કરી.
એ પોતાના મસ્તકને પતિના પગે ટેકવી વચ્ચેના ભાગને ઊંચો કરતી હતી.
જાણે કે એને અસહ્ય પીડા થઈ રહી હતી.
એક વાગતો હતો.
રાત્રે જાગનારી વાગોળ પક્ષીની જાતના ટોળેટોળાં ઊડતાં હતાં.
પૂરઝડપે દોડતી ગાડીને બ્રેક મારી હોય એવો આંચકો લાગ્યો.
અને તીણો કાનને ચીરી નાખે એવો અવાજ કરી ગાડી ઉભી રહી ગઈ.
ઇન્દ્રનીલને ખૂબ જ ગુસ્સો આવ્યો.
એ નીચે ઉતરી આગળની બાજુ આવ્યો. પૂરી તાકાતથી ગાડી પર બે મુક્કા માર્યા. ચંદ્રમાનુ આછું અજવાળું ફેલાયું હતું.
પણ આવા અજવાળામાં કંઈ ગાડીના સ્પેરપાર્ટ જોઇના શકાય...
કંઈ ખરાબી થઇ હોય તો પણ ખ્યાલ ના આવે...!
ઇન્દ્રનીલ ફરી ગાડીમાં બેઠો.
બેવાર ગાડીને સેલ લગાવી જોયો.
પણ જાણે બેટરી બેસી ગઈ હોય એમ સેલ લાગ્યો જ નહીં.
બેટરી ચાલુ જ હતી કારણકે હેડલાઇટ ચાલુ હતી.
અરે..! સામે જ રોડની બાજુ પર ઊંધા મસ્તકે લોહીથી તરબતર હાલતમાં કોઈ છોકરો પડેલો દેખાયો.
ઇન્દ્રજીતની નજર હવે જ એના ઉપર ગઈ હતી.
ઇન્દ્રનીલે નીચે ઉતરી આજુબાજુ નજર કરી.
ડાબી બાજુ પોતાનાથી વિસેક મીટર દૂર સિમેન્ટના ચાર થાંભલા દેખાતા હતા.
લાગતું હતું પોતે નંદપુરાના સ્મશાનગૃહ જોડે છે.
બાજુ પર સુકાઈ ગયેલી મોટી વિશાળકાય આમલી રાક્ષસના હાડપિંજર જેવી લાગતી ઉભી હતી.
એની ડાળીઓ પર મોટી સમડીઓ લડાતી હતી.
એમની ચીસોથી વાતાવરણ રાત્રીની ભયાનકતાનો અણસાર આપી જતું હતું. આમલી પર લટકતા મરેલા માણસની નાખી દીધેલા કપડાં ધજા પેટે ફરફરતાં હતાં.
દૂર-દૂર શિયાળવા રડતાં હતાં.
પોતાની આજુબાજુ નજીક આવીને ચામાચીડિયા હવાની ઝાપટ મારી જતાં હતાં.
ઇંદ્રનીલને ક્યારે પણ આટલો ડર નહોતો અનુભવ્યો , જેટલો ભય એને હવે આ ક્ષણે લાગી રહ્યો હતો.
એને ભયાનક રાત્રિનું અટહાસ્ય જોઈ લાગ્યું ક્યાંક પહેલો શેતાન મારી પાછળ ન પડે નહીં તો..?
એ આગળના વિચારી શક્યો.
પવનનું જોર વધતું હતું.
સુકો પાવન ઠંડો થતો જતો હતો.
ઇન્દ્રનીલે અનુભવ્યું.
હવામાં કોઈ મરેલા જાનવરનું દુર્ગંધ પ્રસરી હતી.
એણે પોતાનું નાક દાબી દીધું.
પોતાની પત્નીને છોડી સામે પડેલા છોકરાં જોડે જવાનો વિચાર એને થઇ આવ્યો.
પણ મનમાં ફફડાટ પેઠો.
જો પેલા કમલ જેવું થયું તો..?
અને એ પોતાના વિચારોને દબાવી રાખી ગાડીમાં બેસી રહ્યો.
એક વાગ્યો હતો.
અચાનક એની પત્નીએ ગરદન સહેજ ઊંચકીને ઊલટી કરી.
બદામી જેવું ધેરું લોહી ઇન્દ્રનીલના જીન્સ પર પડ્યું.
ઉત્કંઠાના મુખમાંથી ફીણ આવવા લાગ્યું હતું.
ઉત્કંઠાનું શરીર ઠંડું થતું જતું હતું.
પોતાની પત્નીને પોતાના ખોળામાં મરતી ઇન્દ્રનીલ જોઈ રહ્યો.
ઉત્કંઠાએે હલનચલન કરવાનું બંધ કરી દીધું હતું.
ઈન્દ્રએ પત્નીનું મસ્તક હલાવી જોયું તો એ એક તરફ ઢળી ગયું.
ઇન્દ્રનીલ પત્નીના કંધે મુખ રાખી રડી પડ્યો. એણે પાંચેક મિનિટ પછી ચહેરો ઊંચક્યો રસ્તા પર કોઈ બીજી ગાડી પણ નહોતી આવતી, નહીં તો પત્નીને ઘરે કે શહેર લઈ જતો.
કુદરતે આજે પોતાની સાથે કેવો ઈન્સાફ કર્યો હતો.
તે હંમેશા વફાદારી અને પ્રામાણિકતાથી જીવ્યો હતો.
એનુ ફળ ભગવાને પત્નીની લાશ રૂપ આપ્યું હતું.
એની નજર સામે ગઈ,
તો એને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો.
સામેનું પેલું લોહીથી ખરડાયેલા મસ્તક વાળુ બાળક રોડની મધ્યમાં આવી ઊભું હતું.
એનું કદ ધીમે ધીમે વધતું જતું હતું.
એની આંખો સળગતા ગોળા જેવી લાગતી હતી.
એના ચહેરા પર જગ્યા-જગ્યાએ ચામડી લટકતી હતી.
અને એમાંથી રક્ત ટપકતું હતું.
સ
એ નાના દાંત ધીમે ધીમે વધતા કદ અને બદલાતા સ્વરૂપ સાથે બહાર ઘસી આવ્યા.
એના હાથે-પગે કાળા વાળ ઊગી નીકળ્યા હતા. એના હાથ માણસના નહીં બલ્કિ જીવતા હાડપિંજરના લાગતા હતા.
એના આંગળાના લાંબા નહોર હાથ સાથે પોતાની સામે લંબાતા જતા હતા.
યમદૂત આવી ગયો છે..
અને પોતાનું મૃત્યુ નિશ્ચિત છે એમ ઇન્દ્રનીલને લાગ્યું.
પેલો હેવાન કદમ પર કદમ પોતાની સામે આવતો જતો હતો.
એ છેક ગાડી ની નજીક આવ્યો.
એણે હાથ લાંબો કરી આગળના કાચ પર પ્રહાર કરવા જતો હતો પણ...!?
ઇન્દ્રનીલ જોતો જ રહ્યો.
ગાડીના આગળના ભાગે ગાડી ઉપર રેડિયેટરની મધ્યમાં કોઇ શ્વેતાકૃતિ આવી ગઈ હતી.
એ એક સુંદર યુવાન સ્ત્રી હતી.
એની આંખોમાં આગ હતી.
ઈન્દ્રને યાદ આવ્યુ.
કાલે સાંજે ઉત્કંઠા અને સુધાને બચાવનાર મસીહા સ્ત્રી આ જ હશે..!"
પણ પિશાચ એનાથી ડર્યા વિના આગળ વધ્યો.
પેલી યુવતી કશુંક બબડતી હોય એમ એના હોઠ ફફડતા હતા.
હેવાન બનેલા મોહને પોતાના લાંબા નખ વાળો પંજો શ્વેતાકૃતિને ગરદન પર માર્યો.
એ ચીસ પાડી ઊઠી.
એની ચીસથી વાતાવરણ કંપી ગયું.
તમરા ચૂપ થઇ ગયા.
શિયાળાનું રુદન અટકી ગયું.
અને પેલી રાક્ષસી આમલીને પણ ઊંઘ વળગી હોય એમ શાંત થઇ ગઈ.
ખૂનથી પેલી સ્ત્રીના વસ્ત્રો ખરડાયાં.
પેલા શેતાને પોતાનું મુખ એની ગરદન પર ટેકવી દીધું.
ઇન્દ્રજીત ગાડીમાંથી ઉતરી ભાગવાની કોશિશ કરવા જતાં જેવો ઉભો થવા ગયો કે ગાડીની મધ્યમાં રહેલા લોખંડના સળિયા સાથે એનું માથું અફળાયું અને એની આંખે લાલપીળા આવવા લાગ્યાં.
આછું અજવાળું પણ અદ્રશ્ય થવા લાગ્યું. એ બેભાન થાય એ પહેલાં પાછળથી વહ્યા આવતા બજાજ સ્કુટરનો પ્રકાશ એની આંખોમાં પડ્યો અને તરત જ એની આંખો બીડાઇ ગઇ..
(ક્રમશ:)
-સાબીરખાન
9870063267