ખૂની ખેલ-1
કાળી રાત્રિનો બીજો પ્રહર અડધો થયો હતો. દિવસની દોડધામ પછી નંદપુરા ગામ જમ્પી ગયુ હતું.
નીંદર રાણી નો નશો આ સમયે ગામના દરેક જીવને અભાન બનાવી નાખતો હોય છે. પ્રસરેલા રહેલા અંધકારના સામ્રાજ્યની નાથવા મથતો હોય એમ અર્ધચંદ્રમા મધ્ય આકાશે આવી જઈશ ઝગમગતો હતો. આખા ગામમાં સન્નાટાનો સાંપો પડી ગયેલો. ગામમાં ખેડૂતોની વસ્તી ઘણી.
પટેલો ગામનાં જાગીરદાર ગણાતા. એમાં પણ સોમા પટેલનું નામ હરોળમાં સૌથી પ્રથમ આવે.
સોમા પટેલની પચીસ વીઘા જમીન ગામમાં પ્રવેશ કરતાં જ મુખ્ય માર્ગ ની ડાબી બાજુ પથરાયેલી. પૂર્વ તરફ આવતાં ગામમાં બસટેશન પહેલું આવે. સ્ટેશન પરની બધી દુકાનો પટેલ ની જમીન પર કતારબંધ હતી. પટેલનો મોટો બંગલો આ દુકાનો પાછળ જ આવેલો હતો.
જાહેર રસ્તાની બાજુમાં પટેલ ફાર્મ નામનું બોર્ડ લગાવેલું હતું. સોમા પટેલના બંગલાનું દ્વાર ઈશાન દિશામાં પડતું. બંગલાની લગોલગ સામે નાની-નાના બે કમરા હતા. બંગલાના પટાંગણમાં મોટો ગુલમહોર શાંત અચલ સમાધિ લગાવી બેઠેલા મુનિની જેમ નિષ્કંપ બની ઊભો હતો.
એની પર લાગેલા રાતા ફૂલોને પણ નીંદર આવી ગઈ હતી. રાત રાણી નો પ્રભાવ પથરાયો હતો.
મોગરો ગુલાબ,મધુમાલતી ,ચંપો , કેળા અને આસોપાલવની કતારો હતી. આ આસોપાલવની કતાર એક જાહેર માર્ગને અડીને રહેલા લોખંડના મુખ્ય દરવાજા સુધી લંબાયેલી હતી. લોખંડના મોટા ગેટને મોટા પેટવાળુ તાળું લાગેલું હતું.
બંગલાના કમ્પાઉન્ડમાં એમના વફાદાર કૂતરાઓ રાત્રે છુટ્ટા મૂકી દેવામાં આવતા. જેથી કરી કોઈ ઠગ ધુતારો કે ચોર ભીતરે પગ મૂકતા બે ઘડી વિચાર કરે.
લોખંડના દરવાજાની બહારની બાજુ પતરાના પાટિયા પર કુતરા ની આકૃતિ દોરેલી હતી, અને લખેલું હતું કે 'કૂતરાથી સાવધ રહેવું' ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં દરવાજામા વીજ પ્રવાહ ચાલુ કરવો હોય તો એની પણ વ્યવસ્થા હતી.
અત્યારે પટેલ દંપતિ પોતાના બે બાળકો સાથે નિરાંતે મીઠી નીંદર માં ખોવાઈ ગયું હતું.
બંગલાની ચોકીદારી માટે નિયુક્ત કરેલ ચોકીદાર બહાદુર અડધો કલાક પહેલાં જ બેટરી લઈ ખેતરમાં છેક સુધી આંટો મારી આવ્યો હતો.
બંગલાની ફરતે 2 ચક્કર માર્યા પછી બંગલાની ઓસરીમાં આવી પોતાની બેડ પર આડો થયેલો. પેલા નાના-નાના કમરામાં ભેમજી રહેતો હતો.
ભેમજી પટેલના ખેતરો સંભાળતો. આદિવાસી હતો એટલે મહેનતમાં કહેવું ન પડે. દિનભર અનાજમાં પાણીવાળી થાક્યોપાક્યો તે ભર નિંદરમાં પોઢી ગયો હતો. આખાય ગામ સહિત બંગલાનો પ્રત્યેક જીવ ત્રીજા પ્રહરના પ્રારંભ પૂર્વે આવનારી આફતથી અજાણ નીંદરના નશામાં ગળાબૂડ હતો.
ધીરે-ધીરે વાતાવરણમાં પલટો આવતો જતો હતો.
આવનારી આફતથી કંપતો હોય એમ ચંદ્રમા નાની-નાની વાદળીઓ પાછળ લાંબો વખત સુધી ઘડીએ ઘડીએ છુપાઈને પોતાની લીલા વારેવારે સમેટી લેતો હતો.
અડધી રાત સુધી છુપાય ગયેલા પવનદેવ પણ હળવે હળવે સુતા ઝાડવાંને જગાડી રહ્યા હતા. વાતાવરણની શાંતિ ચિરાતી જતી હતી. દૂર વગડામાં છેક ખેતરને છેડે શિયાળવા દોડી આવી ચીસો પાડતાં હતાં. ગામના બધા કૂતરાઓએ રાડારાડ કરી મૂકેલી.
રાતની ભયાનક નીરવતામાં જાણે ભંગાણ પડ્યું. રાતની વધતી જતી શાંતિને ડહોળી નાખવી હોય એમ બે બિલાડીઓ ગુલમહોર પર ઝઘડતી હતી. કાળી રાત્રે એકબીજા પર જાણે કયા ભવનુ વેર વાળવા માગતી હતી...?
બિલાડીઓની આવી ચીસાચીસથી કૂકડાઊંઘ વાળો બહાદુર જાગી ગયો. તેનું આખુંય બદન તપતુ હતું.
એના શ્વાસોશ્વાસની ગતિ સાથે હ્રદયના ધબકારા પણ વધતા જતા હતા. હમણાં કશુંક બની જશે..!
હમણાં કોઈ આવશે..! એવું એને સતત લાગી રહ્યું હતું. કપાળમાં પરસેવાના ટીપાં બાજી થયેલા. ગમે તેવી ભયંકર રાત્રિમાં પણ અંધકારને ચીરીને જનારો બહાદુર આજે કોઇ અગમ્ય ભયથી ડરી રહ્યો હતો. તે અગોચર ભય ઘટવાને બદલે પ્રત્યે વધતો જતો હતો.
બહાદુર ખુલ્લી આંખે પથારીમાં પડ્યો રહ્યો. પડસાળમાં લોઢાની ઝાળીવાળા દરવાજાને લાગેલા તાળાને એ તાકી રહ્યો.
એક ક્ષણ માટે એને લાગ્યું તાળુ સાવ ખુલ્લું જ પડ્યું છે. અને એ ઝડપથી પથારીમાંથી બેઠો થઈ ગયો. ઊભો થઈ હળવે પગલે દરવાજા નજીક આવ્યો.
હે ભગવાન...! વીજળીના આવા ઝગમગાટમાં મને તાળુ ખૂલ્લુ હોવાનો ભ્રમ કેમ થયો..? એણે કપાળમાં ફૂટી નીકળેલા પરસેવાના બિંદુઓ લૂછી નાખ્યા.
બહાદુરને જાગેલો જોઈ સામે તબેલામાં રહેલી ભેંસોએ ભાંભરવાનું ચાલુ કર્યું.
"આ ભેમજી ઢોરોને ચારો નીરે છે કે પછી પોતાના પેટનું કરીને સૂઈ જાય છે નફ્ફટ..?" બહાદુરને ભેમજી પર ખીજ ચડી. એ ચાવી ગજવામાંથી કાઢી ઓસરીનુ તાળું ખોલવા જતો હતો કે ત્યાં જ મુખ્ય દરવાજાની નજીક ગાડીનો અવાજ આવીને થોભી ગયો. બહાદુર ચૂપચાપ પોતાની જગ્યાએ ખોડાઈ ગયો." આટલી મોડી રાત્રે ગાડી લઈને કોણ આવે..?"
એ વિચારતો ગયો -"પોતાના માલિકના ત્યાં વર્ષોથી નોકરી કરે છે પણ એની જાણ મુજબ આજતક આવી રીતે અડધી રાતે કોઈ મહેમાન આવ્યો નથી.. તો પછી આગન્તુક કોણ હશે ..?"
'ખટાક... કરતો ગાડીનો દરવાજો ખૂલ્યો અને પછી બંધ થવાનો અવાજ બહાદુરના કાનમાં ખૂપી ગયો.
કાન ફાડી નાખે એટલા જોરથી કૂતરા ભસતા હતા આખા ગામના કુતરાઓ જાણે બંગલા પાસે ઘસી આવ્યા હતાં.
બહાદુરે દરવાજો ખોલ્યો સહેજ પણ અવાજ ન થાય એમ બહારની બાજુ ડોકિયું કરવા જતો હતો કે ત્યાં જ એક ચામાચીડિયું એના કાને સ્પર્શી ગયુ. એ ચમકી ગયો.
તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. છતાં હતી એટલી હિંમત એકઠી કરી તે બહાર આવ્યો. સામે લોખંડનો મુખ્ય ગેટ હતો. આછા ઉજાસમાં એ ગેટની બહાર તાકી રહ્યો.
બે સફેદ પડછાયાઓ નજરે પડતા હતા. સાંકળ ખખડી 'અરે આતો ઉપર ચઢવાનો પ્રયત્ન કરતા લાગે છે..?" બહાદુરે ઝડપથી વીજપ્રવાહની સ્વિચ ઓન કરી.
પરંતુ આ..શુ..?
ખટાક કરતું તાળું એની મેળે જ ખૂલી ગયું. બહાદુર ની આંખો ફાટી ગઈ.
જાણે એના મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું. "આવુ બને કેવી રીતે..? ચોર હોય કે ચોર નો બાપ.. એને વિજ પ્રવાહની અસર ના થાય અને તાળું એની મેળે કેવી રીતે ખુલે..? હે રામ..આ તો શક્ય જ ન હતું..!" બહાદુરને હવે ડર લાગી રહ્યો હતો. પછી ચીસ પાડતો હોય એમ બહાદુર ભેમજીને જગાડવા લાગ્યો.
'ભેમજીભાઇ ....! ઓ ભેમજીભાઇ..!"
ભેર ઊંઘમાંથી જાગી ગયેલો ભેમજી બહાદુરનો અવાજ સાંભળી એની ઉપર ખીજાયો.
"આમ અડધી રાતે શું ઘાંટા પાડો છો..! શું છે ..? શું કરવા હેરાન કરો છો શાંતિથી મને ઊંઘવા દો...!"
"પણ ભેમજીભાઈ જુઓ તો ખરા બહાર કોણ આવ્યું છે ..? બહાર કોઈ દરવાજા ઉપર ચડે છે..!"
બહાદુર ભાઈની વાત સાંભળી ભેમજી સાબદો થઈ ગયો. ભેમજી બહાર જવાની ઉતાવળ કરવા માગતો નહોતો. એ સમજી વિચારીને તક જોઈ બહાર જવા માગતો હતો.
બીજી બાજુ પેલા બે સફેદ ઘોડા અંદર આવી. હવે બહાદુર તરફ આગળ ધપી રહ્યા હતા. એના કપાળ પર પરસેવાનાં ટીપાં બાઝ્યાં. એણે ફરીથી બૂમ પાડવાનો પ્રયત્ન કર્યો પણ પ્રયાસ નિષ્ફળ રહ્યો.
એની ચીસ ચિરાઈ ગઈ. સ્વરપેટી માંથી અવાજ આવતો નહોતો. જાણે કોઇએ એની ગળચી દબાવી દીધી ન હોય... પોતાની નજીક ને નજીક આવતા સફેદ પડછાયાઓને જોઈ બહાદુર લાશ જેવો બની ગયો.
પડછાયા જેમ-જેમ નજીક આવતા ગયા તેમ તેમ એમના શરીરમાં પલટો આવતો જતો હતો. હવા દૂષિત બની હતી.
દુર્ગંધ પ્રસરી ગઇ હતી. એમના હાથ પગ પર લાંબા લાંબા કાળા વાળ ફૂટી નીકળ્યા હતા. ચહેરાની ચામડી તરડાઈ ને લીરેલીરા લટકવા લાગ્યા. એમાંથી બે કાળા દાંત બહાર ધસી આવ્યા. એમની આંખો બલ્બની જેમ ચમકતી હતી.
મોતને નજર સામે જોઈ બહાદુર ભાનસાન ગુમાવી બેઠો. માનવ ઓળા લાગતા નરપિશાચો જ્યારે એની સામે શેતાની રૂપમાં પરિવર્તિત થયા ત્યારે બહાદુરના મુખમાંથી હાયકારો નીકળી ગયો.
બંને નરપિશાચો એની સમીપ આવી ગયા હતા. પોતાની પડખે આવી ગયેલા માનવભક્ષી શેતાનોને જોઈ બહાદુરે ભીતરે દોડી જવાનો પ્રયાસ કર્યો. પણ બધું વ્યર્થ પાછળ ઉભેલા ભારે શરીરધારી નરપિશાચો એના ખભા પકડી એની ગરદનમાં પોતાના લાંબા દાંત ઘુસાડી દીધા.
એ સાથે જ એક લોહીનો ફુવારો ઉછળ્યો. બહાદુર બેહોશ થઈ ઢળી પડ્યો. લગભગ પાંચેક મિનિટ સુધી એક શેતાન ખૂન ચૂસતો રહ્યા.
એ શેતાન અળગો થયો કે તરત જ પાછળ લાળ ટપકાવતા ઊભેલા બીજા શૈતાને બહાદુરની ગરદન પર તાજા ઘાવ માં પડેલા બાકોરામાં પોતાનું મુખ ભેરવી દીધું.
એક શેતાન ખૂન પી રહ્યો હતો જ્યારે બીજો મુસ્કુરા તો પોતાના રક્તરંજિત હોઠો પર જીભ ફેરવતો જતો હતો.
થોડાક ખચકાટ સાથે ભેમજી બહાર નીકળ્યો.
ને જોયું તો એના અચંબાનો પાર ન રહ્યો. બહાદુર ભાઈને ઉંધા માથે જમીન પર પડેલા જોઈને હેબતાઈ ગયો.
એમના કપડાં ખૂનથી ખરડાયા હતાં.
એક પળ માટે તે એની જગ્યાએ થીજી ગયો. એની નજર મુખ્ય ગેટ તરફ ગઈ. બે સફેદ પડછાયા બહાર ભાગી રહ્યા હતા. એમના વસ્ત્રો પર ખૂનના ધબ્બા દેખાતા હતા.
તેણે બહાદુર તરફ નજર કરી બહાદુરભાઇના ચહેરાનું વિકૃત સ્વરૂપ જોઇ ભેમજી ડરી ગયો.
પવન અને પાંદડા જંપી ગયા હતા.
અને કૂતરાઓ પણ જાણે તાંડવ ખેલાઈ ગયું હોય એમ પોતાના ઠામ ઠેકાણે ભાગી ગયા હતા. પહેલાતો ભેમજીને કશું સૂઝ્યું નહીં. એમને કશું અશુભ બનવાની શંકા ગઈ.
એ ૧૦ ફૂટ દૂર પડેલા બહાદુરભાઇને બેઠા કરવા એમની નજીક પહોચ્યો કે જમીન પર ઊંધા માથે પડેલા બહાદુરભાઇ પવનવેગે બેઠા થઇ ગયા. ભેમજી કંઈ સમજે એ પહેલાં તો બહાદુરભાઇએ એના હાથના કાંડા પર બચકું ભરી લીધુ. આવા અણધાર્યા હૂમલાથી ભેમજી ડઘાઈ ગયો . બહાદુરને ધક્કો મારી એણે પોતાનો હાથ છોડાવ્યો.
બહાદુરભાઇના શરીરમાં ક્ષણ માટે પ્રવેશી ગયેલી શૈતાની ચેતના હણાઈ ગઈ હતી. એટલે એ નિશ્ચેતન બની ઢળી પડ્યા. બહાદુરભાઇ ને ધક્કો મારી પોતાના કમરામાં દોડી ગયો.
કારણ કે હવે એને પોતાનો જીવ બચાવ્યો હતો. એના શરીરનાં રુંવાટા ઉભા થઇ ગયેલાં. શરીર ધ્રુજતું હતું. બહાદુરનો ચહેરો જોયા પછી એને લાગતું હતું કે આ બહાદુર ન હોઈ શકે..! આવું કેવી રીતે બની શકે.. ? બહાદુર ભાઈનું આવુ વિકૃત સ્વરૂપ કેવી રીતે સંભવી શકે..? એનું મગજ બહેર મારી ગયું. હાથમાથી માંસ ઉખડી જવાથી ખૂન વહી રહ્યું હતું.
પોતાના કમરામાં આવી ગયા પછી પણ એની આંખોમાં બહાદુર ભાઈનો ચહેરો દેખાતો હતો.
એમના મુખની ચામડી તરડાઈ ગઈ હતી. એમની આંખો હજાર વોલ્ટના બલ્બની જેમ ચળકવા લાગી હતી. અને મોં માંથી બે કાળા દાંત બહાર ઘસી આવ્યા હતા.
એની આંગળીઓના નખ કોઈ વનવાસી વાંદરાના નહોર જેવા લાગતા હતા. ભેમજી ભયભીત બની ગયેલો.
તેના કાંડા પર દર્દ અસહ્ય બનતું જતું હતું. એને પત્ની તરફ નજર કરી તો એ ગાઢ નીંદરમાં લાગતી હતી.
બાળકો પણ ઊંઘતા હતા. એણે પોતાના હાથને કપડાના લિરાથી કચકચાવીને બાંધી દીધો. ત્યારે s
ખૂન વહેવાનું ઓછું થયું. પછી ઘરમાં પડેલા ખૂનના છીટા લુછી દારૂની બોટલ ગટગટાવીને પથારીમાં પડ્યો ત્યારે એને ખબર નહોતી કે બહાદુરમાં પ્રવેશેલી શેતાની ચેતના પળ બે પળની હતી.
અને હવે ફક્ત એનું મૃત શરીર બહાર પડયું હતું. અને એ શરીરમાં લોહીનું એક ટીપું પણ બચ્યું ન હતું. એક તરફ ભેમજી પથારીમાં તરફડતો હતો તો બીજી બાજુ પટેલના બેડરૂમમાં પણ ભય ફેલાઈ ગયો હતો.
કાજળકાળી રાત પોતાનુ રૌદ્ર રૂપ ધરી આગળ વધી રહી હતી.
( ક્રમશ:)