એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 23 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 23

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 23 )

‘હેય સલોની, તું ટીવી જુએ છે કે નહીં ?’

સલોની બપોરે લંચ કરીને પરીની સાથે રમી રહી હતી ને આશુતોષનો ફોન આવ્યો.

પરીના આવ્યા પછી તો જાણે દુનિયા જ બદલાઇ ચૂકી હતી. એમાં પણ ખાસ કરીને પરીની બેબીસીટર વૃંદાવાળો બનાવ જાણે સલોનીને પરીનું મહત્વ સમજાવવા જ બન્યો હોય !

‘ના, શેની વાત કરે છે ?’

સલોની ન તો નિયમિત ટીવી જોઇ શકતી- ન અખબાર બરાબર વાંચવા પામતી. આશુતોષની વાત એને ભારે ધડ-માથા વિનાની લાગી.

‘શું છે ? તું જ કહી દે ને ?’ સલોનીને કુતૂહલ તો થયું હતું, પોતાની કોઇ જૂની સિરિયલ રિ-ટેલિકાસ્ટ થવાની હશે ?

‘લે, ખરી છે તું તો ! ભૂલી પણ ગઇ આટલું જલદી ?’ આશુતોષ થોડું હસીને બોલ્યો :

‘અરે, મારી ફિલ્મની વાત કરું છું.’

‘ઓહ, ઓકે...’સલોની થોડી ખિસિયાણી પડી ગઇ તેમ ફિક્કું હસી :

‘તે હવે એનું શું છે ?’

‘ઓહ, સલોની.... એના પ્રોમોઝ ચાલુ થઇ ગયા છે... હું તો તારા કૉલ માટે વેઇટ કરી રહ્યો હતો ને તું પણ ખરી છો કે પૂછે છે : એનું શું છે ? તને તો જાણ પણ નથી એટલે તેં તો એ જોયા જ નહીં હોય !’

‘અરે, એમાં અપસેટ થવાની શું વાત છે ? આજે જોઇ લઇશ બસ. ? ખુશ ?’

‘ના, એમ નહીં ચાલે સલોની, તું જો જે ને પછી ફીડબેક પણ આપજે. તારો ઓપિનિયન મારા માટે મહત્વનો છે. મને સારું લાગશે.’ આશુતોષ પ્રેમથી આગ્રહ કરતો હોય એમ બોલ્યો.

‘ચોક્કસ આપીશ...’ સલોની હસી : ‘પણ પાર્ટી માટે તૈયારી રાખજે.’ આશુતોષનો ફોન મૂકીને સલોની પોતાના રૂમમાં આવી. પોતે આમ સાવ જ દુનિયાથી ક્ટ થઇ જાય એ પણ યોગ્ય ન કહેવાય... સલોનીએ વિચાર્યું : પ્રોમો કઇ કઇ ચેનલ પર આવે છે એ પૂછી લીધું હોત તો ? હવે આટલી હજાર ચેનલ સર્ફ કરવામાં સમય બગાડવાનો... એ વિચારી સાથે જ સલોનીએ રિમોટથી ટીવી સ્વીચ ઑન કર્યું. કોઇ ન્યૂઝચેનલ પર સી લિન્ક પરની રૅલિંગ તોડીને લટકી રહેલી કારનાં વિઝ્યુઅલ ચાલી રહ્યાં હતાં :

ઓહ માય ગૉડ... આ બચારો જીવતો નહીં બચ્યો હોય... સલોનીના મોઢેથી એક હાયકારો નીકળી ગયો. શું કરવા કરતા હશે આમ સ્પીડિંગ ? હજી વિચાર શમે એ પહેલાં તો ન્યૂઝરીડર બોલતી સંભળાઇ :

દબંગ માને જાને વાલે ઍડિશનલ કમિશનર સુદેશ સિંહ પે જાનલેવા હમલા... મુંબઈ કે જાંબાઝ પુલીસ અધિકારી સુદેશ સિંહ પર આજરોજ કિસી અજ્ઞાત વ્યક્તિને હમલા બોલ દિયા... માના જાતા હૈ કિ હમલાવર...

સવારના સાડા નવના સુમારે થયેલી ઘટનાનો મિનિટે મિનિટનો અહેવાલ ચૅનલની ઍન્કર સી લિન્ક પર તહેનાત રિપોર્ટર પાસેથી લઇ રહી હતી. સી લિન્ક રૅલિંગ તોડીને દરિયા તરફ ધસી ગયેલી, અડધી પુલ પર અને અડધી દરિયા તરફ લટકીને ઝૂલી રહેલી સ્વીફ્ટ ડિઝાયર કારનાં દિલધડક વિઝ્યુઅલ ટીવી પર અહેવાલ સાથે દર્શાવવામાં આવી રહ્યાં હતાં. ઘટનાસ્થળે પહોંચી ગયેલા પત્રકારોએ પોતાની કામગીરી પૂરવાર કરવા માટે ઝીણામાં ઝીણી વિગતો ને બારીકીભર્યા રિપોર્ટ કરવા શરૂ કરી દીધા હતા. રૅલિંગ પર ઝૂલા ખાઇ રહેલી એ સ્વીફ્ટ ડિઝાયર કાર પ્રાઇવેટ ટૅક્સી હતી, જેના ડ્રાઇવર બાબુને ઘાયલ અવસ્થામાં હિંદુજા હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યો હતો. એને ગોળી વાગી હતી, પરંતુ હાલત સુધરી રહી હતી. એના એક બાઇટ માટે ઇલેક્ટ્રોનિક મિડીયાનું બીજું એક ટોળું જમા થઇ ચુક્યું હતું., કારણ કે એ જ હતો આખી ઘટનાને નજરે જોનારો સાક્ષી....

ચૅનલ પર ચાલી રહેલા ન્યૂઝ જોઇને સલોનીના શરીરમાં થરથરાવતી એક ઠંડી કંપારી પસાર થઇ ગઇ :

આ શું થયું ? ક્યારે થયું ?

થોડી ક્ષણમાં સલોનીને કળ વળી ત્યારે મગજને ન્યૂઝ સ્પર્શ્યાં. હુમલાખોરની ઓળખ થવા પામી નહોતી. ખાલિસ્તાન ચળવળ સાથે જોડાયેલા ત્રાસવાદી સુખા સિંહ, જે હવે કોન્ટ્રાક્ટ કિલર તરીકે કામ કરતો હતો એ આ કામ માટે આવ્યો હોય એ શક પોલીસ રડારની બહાર હતો.

ટીવી સ્કીન પર વારંવાર મૃત્યુ પામેલા સુખા સિંહનાં વિઝ્યુઅલ દર્શાવવામાં આવતા હતાં. પોલીસને દરિયામાં ત્રણ કલાકના સર્ચ ઑપરેશન પછી મળી આવેલી ડેડબૉડી સફેદ કપડાં નીચે ઢંકાયેલી હતી. ૪૦૦ ફુટ ઊંચાઇથી દરિયામાં ફંગોળાઇ ગયેલાં સુખાનો ચહેરો આખો વિકૃતપણે છુંદાઈ ચૂક્યો હતો અને સાથે તૂટી ગયેલાં લગભગ તમામ હાડકાં... ન્યૂઝરીડરના અહેવાલ પ્રમાણે લગભગ ૪૦૦ માળ જેટલી ઊંચાઇ પરથી ફંગોળાવાને કારણે દરિયાના છીછરા તળ પર રહેલી પથરાળ સપાટી પર પટકાવાથી હુમલાખોરના હાડકાંનો લગભગ ચૂરો થઇ ગયો હતો, જેને કારણે શરીર રબ્બરના બોલની જેમ વીંટો થઇ ગયું હતું કે કદાચ એને એક પણ બુલેટ ન વાગી હોત તો પણ બચવાના કોઇ ચાન્સ નહોતા.

સુખા સિંહે શા માટે આ હુમલો કર્યો એ માટે ચાલી રહેલી થિયરીઓ પૈકી એક મૂળ કારણ હતું ડ્રગમાફિયાઓની દોરવણી. છેલ્લાં થોડાં સમયથી એડિશનલ કમિશનર સુદેશ સિંહ ડ્રગ ડીલરો માટે માથાનો દુખાવો બની ગયો હતો. ડ્રગમાફિયાઓને વીણી વીણીને સાફ તો કર્યા હતા, પણ સાથે સાથે મહાનગરમાં રેવ પાર્ટી તથા હુક્કા બાર ને પણ તોબા પોકારાવી દીધી હતી.

ટીવી પર ન્યૂઝ અપડેટ સાથે વિશ્ર્લેષ્ણનો દૌર ચાલતો રહ્યો. સુદેશ સિંહની કામગીરી જ એવી હતી કે એ નિશાન પર ન આવે તો નવાઇ !

સલોનીએ ચૅનલ બદલી. બીજી ચૅનલ પર ચીફ મિનિસ્ટર આ ડ્રગનું દૂષણ ડામવા પોતે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ રચી સુદેશ સિંહને કેવી વિશેષ સત્તાઓ આપી હતી એ બધી વાતો કરી રહ્યા હતા....

સલોની એક પછી એક સતત ચૅનલ બદલતી રહી. હિંદી, અંગ્રેજી. નૅશનલ, પ્રાદેશિક... બધી ચેનલ્સ પર એકના એક સમાચાર, પણ મુદ્દાની વાત જ કોઇ કરતું નહોતું :

સુદેશ સિંહ ક્યાં છે ? સુદેશ સિંહના વારંવાર ફોટોગ્રાફ બતાવતી ન્યૂઝરીડર સુદેશ સિંહની હાલત વિશે કેમ કંઇ જણાવતી નહોતી ?

સલોનીને સવાલ થયો : ઘટનાસ્થળે આવી પહોંચેલા અન્ય સૂરક્ષાકર્મીઓએ ઘાયલ સુદેશ સિંહ અને એમના અન્ય સાથી ઇન્સ્પેકટર સૂર્યવંશીને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા એવી વાત તો જાણી,પણ ક્યાં ? કઇ હોસ્પિટલમાં ? એ વિશે કોઇ જ માહિતી નહોતી. ગભરાટ ઓછો થયો હતો, પણ એમાં હવે અધીરાઇ ભળી હતી :

સુદેશ સિંહ સહીસલામત તો હશે ને ?

સલોની ઉચાટભર્યા જીવે ટીવી જોઇ રહી હતી. અનીતા પાછળ ક્યારે આવીને ઊભી રહી એની જાણ જ ન થઇ.

‘શું હતું, અનીતા ? ‘

અચાનક સલોનીનું ધ્યાન અનીતા તરફ ગયું. અનીતા હતી કોઇ નાનકડી વાત પૂછવા, પરંતુ ટીવી પર ચાલી રહેલા ન્યૂઝે એને પણ સ્તબ્ધ કરી દીધી :

‘મૅડમ. આ તો આપણે ત્યાં આવે છે એ સાહેબ... ‘અનીતા બોલી. પણ એની નજર ટીવીનાસ્ક્રીન પર જ હતી.

‘હા, અનીતા...’સલોનીનો અવાજ ઢીલો હતો. એણે ગરદન ઘૂમાવી પાછળ ઊભેલી અનીતા સામે જોઇને કહ્યું.

અનીતા સાફ જોઇ રહી હતી સલોનીની કોરીધાકોર આંખોમાં તરવરી રહેલી હળવી ભીનાશ ને તરડાતો અવાજ.

‘મૅમ, સૌથી મોટો કોઇ હોય તો ચાર હાથવાળો, એનું સ્મરણ કરીને કહી દો કે સાહેબની રક્ષા કરે... પછી જોજો..’

સલોની સ્તબ્ધ થઇ ગઇ : શું કહેવું આ અભણ બાઇને ? એની અંધશ્રદ્ધાને વખોડવી કે પછી જે શ્રદ્ધા એને જીવવાનું બળ આપે છે એને સરાહવી ?

કદાચ પહેલી વાર અનીતાની વાત માની લેવાનું સલોનીને મન થઇ આવ્યું. એણે બે હાથ જોડ્યા,પણ પ્રાર્થના કરવી કોને ? પોતે જિંદગીમાં ક્યાં કોઇ મંદિરમા ગઇ હતી? ક્યાં કદી કોઇ ભગવાનના અસ્તિત્વને માન્યું હતું ?

સલોનીને યાદ આવી ઘરના કિચનમાં ફ્રીઝ પાસે પ્લેટફોર્મ પર માએ સ્થાપેલા આરસના નાનકડા મંદિર અને એમાં બિરાજમાન ગણપતિ બપ્પાની. આઇ કહેતી : દુનિયા આખી આ દગડુ શેઠના ગણેશ પાસે હાથ જોડી માગવા આવે ને આ છોકરીને એમ ન થય કે ગામમાં ને ગામમાં છે તો એક વાર જઇ માથું ટેકવું... નસીબ એના !

મનમા જરા ક્ષોભ થયો : આજે ગરજ પડી ત્યારે હાથ જોડવા નીકળી ?

-પણ દિમાગ હારી ગયું દિલની દલીલ સામે. સલોનીએ આંખો બંધ કરીને હાથ જોડ્યા. મીંચાયેલી આંખો આઇના બપ્પાને વિનંતી કરતી રહી :

હે બપ્પા. સુદેશ સિંહની રક્ષા કરજો... એમને હેમખેમ રાખજો.

’અનીતા, મને લાગે છે કે મારે જવું જોઇએ,પણ ખબર કેમ કરીને પડે કે એ છે કઇ હૉસ્પિટલમાં ?’ મગજમાં ધુમ્મસ છવાઇ ગયું હોય તેમ સલોનીને કશું જ સુઝ્યું નહીં.

સલોનીએ દિલે આપેલા હૂકમને વશ થવું હોય તેમ સૌથી પહેલું કામ કર્યું પોતાનો મોબાઇલ હાથમાં લઇ સુદેશસિંહનો પર્સનલ મોબાઇલ નંબર ટ્રાય કરવાનું. સામે છેડે રિંગ તો જતી હતી, પણ કૉલ રિસીવ ન થયો. સૂર્યવંશીના મોબાઇલની રિંગ થોડી વાર વાગીને બંધ પડી ગઇ. મગજે કરેલો તર્ક વધુ સાચો હતો : સુદેશ સિંહ આ અવસ્થામાં કૉલ ક્યાંથી રિસીવ કરી શકે ?

પોતાનો તર્ક સલોનીને ધ્રૂજાવી ગયો, છતાં રહી રહીને મન તો એક જ વાત દોહરાવતું રહ્યું :

સુદેશ જ્યાં હશે ત્યાં સલામત હશે...

‘મૅમ, મને લાગે છે કે આ થયું છે અહીં એટલે હોસ્પિટલ પણ બાન્દ્રાની જ હશે ને ?

અનીતાના પ્રશ્નમાં લૉજિક તો હતું. એ છતાં સુદેશ સિંહની ઑફિસના નંબર પર ફોન કરવાથી કોઇ માહિતી મળી જાય ! સલોનીએ ઝડપભે ડિરેકટરીમાંથી નંબર શોધીને પોલીસ હેડ ક્વાર્ટર્સના બોર્ડ નંબર ટ્રાય કરવા માંડ્યા.

જો કે પરિણામ અપેક્ષિત હતું એ જ મળ્યું-માહિતી ન મળી... હવે ?

‘અનીતા, પરીનું ધ્યાન રાખજે અને બહાદૂરને કહે તૈયાર રહે...’ ઘડીભરનો વિલંબ ન કરવો હોય એમ એટલું કહેતાં તો સલોની ઝડપભેર પોતાના બેડરૂમમાં કપડાં ચેન્જ કરવા ધસી ગઇ.

‘બહાદૂર, પહેલાં લીલાવતી લઇ લે, પછી....’

સલોનીનો સ્વર ઉચાટભર્યો હતો. હવે માત્ર મગજની અટકળ પર શ્રદ્ધા રાખી ચાલવાનું હતું. બહાદૂર પણ શું થઇ રહ્યું છે એની માત્ર અટકળ લગાવતો રહ્યો.

લીલાવતી હોસ્પિટ્લના રિસેપ્શન પર પૂછપરછ કરવાથી કોઇ કડી મળતી ન લાગી. વિઝિટર્સ લાઉન્જમાં મૂકવામાં આવેલા ટીવી પર ચાલી રહેલી ચેનલ પર આ જ સમાચાર ચાલી રહ્યા હતા.

હવે સુદેશ કઇ હોસ્પિટલમાં હશે એનો પત્તો ક્યાંથી મેળવવો ?

લીલાવતી હોસ્પિટલમાં તો શક્યતા સૌથી વધુ હતી, પણ કદાચ કોકિલાબહેન અંબાણીમાં હોય તો? ના, ના,, એ તો દૂર પડી જાય... પણ કદાચ હિંદુજાંમાય હોઇ શકે ને ?

લીલાવતીમાં સુદેશ સિંહ હોય એવી શક્યતા લાગી નહીં. જો એ હોય તો મિડીયાનું ટોળું જરૂર એકઠું થયું હોત.. લીલાવતી હોસ્પિટલમાં એવી કોઇ ચહેલ પહેલ થતી જણાઇ નહીં ત્યારે વધુ સમય બગાડ્યા વિના બહાર નીકળી જવું વધુ સલાહભર્યુ લાગ્યું સલોનીને.

સલોની નિરાશ ચહેરે બહાર નીકળી રહી હતી અને અચાનક ધ્યાન ગયું એક વ્યક્તિ પર : આ... આ ચહેરો જોયો હોય એવો પરિચિત લાગી રહ્યો હતો... આ વ્યક્તિ ક્યાંક જોઇ હતી, પણ ક્યાં ?

પેલી વ્યક્તિ પણ સલોનીની નજર ચૂકવતી હોય એમ બીજી દિશામાં જોવા માંડી એટલે નક્કી એ જ...

‘એક્સક્યુઝ મી, તમે સુદેશ સિંહ સાથે હતાં એ મોરે તો નહીં ? સલોનીએ પાસે જઇને પૂછી લીધું.

મોરેએ ઉત્તર આપ્યા વિના ત્યાંથી ખસી જવું યોગ્ય માન્યું હોય એમ એ ઝડપભેર પગલાં ભરતો વિરુદ્ધ દિશામાં આગળ વધી ગયો.

હમ્મ, તો એનો અર્થ સુદેશ સિંહ આ જ હોસ્પિટલમાં હતા !

-તો પછી આ ટોટલ બ્લેકઆઉટ ? મિડીયાથી છાની રાખવા માટેની કોઇ વાત.. ?

સલોનીના મનમાં પ્રકાશ પડ્યો :

શક્ય છે સુદેશ સિંહને જડબેસલાક સલામતી માટે આ પગલાં લેવામાં આવી રહ્યા હતાં !

* * *

‘અબ્દુલ, કામ તો થઇ ગયું, પણ સુખો ગયો...’

સુલેમાન સરકારે મોબાઇલ ફોન બાજુએ મુક્યો.

’એટલે ?’

અબ્દુલને આશ્ર્વર્ય થયું. સુખા સિંહને ફોન કરવા કહ્યું ત્યારે જ એ પામી ગયો હતો કે કોઇકને ટપકાવવાનો પ્લાન થઇ રહ્યો છે, પણ પોતે સમજ્યો વિક્રમને એના બદલે તો !

‘સરકાર,હું ખરેખર કંઇ સમજ્યો નહીં. ‘

‘અબ્દુલ,તું તો જાણે છે ને કે મેં વિક્રમને શા માટે બોલાવ્યો છે ?’

‘જી....’ અબ્દુલ ટૂંકો જવાબ આપી ખામોશ થઇ ગયો : સરકાર, તમે મને તો કહ્યું પણ નહીં, મને થયું તમે સુખાને વિક્રમની વર્દી આપી....

અબ્દુલના હોઠે મનની વાત આવી જ ગઇ. અબ્દુલની આંખોમાં આંખ પરોવીને સુલેમાને જોયું. અબ્દુલના ચહેરા પરનું ભોળપણ જોઇને સુલેમાનને થયું. કોણ કહે મારી ગેંગનો સાગરિત આ મુરખના સરદારને ?

‘અરે અબ્દુલ, હું ચાહું છું ઇન્ડિયામાં ફરી આપણી માર્કેટ બને, ફરી એ જૂની શાખ, જૂની જાહોજલાલીના દિવસ આવે..’ સુલેમાન સોનેરી ખ્વાબ જોતો હોય એવા ભાવ સાથે બોલી રહ્યો :

‘એટલે તો વિક્રમે ના પડી હતી, છતાં ફરી વાર એના નામનો વિચાર કર્યો. બાકી, તને તો ખબર છે એક વાર જે મારી પાસેથી ગયો એની એન્ટ્રી કોઇ કાળે શક્ય નથી હોતી !’

અબ્દુલ અવાચક થઇને સાંભળતો રહ્યો. એના મનમાં રમતો પ્રશ્ર્ન એના ચહેરા પર સ્પષ્ટપણે વાંચી શકાતો હતો.

‘તને થાય છે કે વિક્રમના આવવાને અને સુદેશ પર ફાયરિંગ જોડે શું નિસ્બત ? કેમ ખરું ને ?’ સુલેમાન જરા હસ્યો :

‘અરે અબ્દુલ, જો આ એક વિક્રમ નહીં, હું આવા સાત વિક્રમ મુંબઇની ભૂમિ પર ઉતારી દઉં તો પણ જ્યાં સુધી પેલો સુદેશ સિંહ બેઠો છે ને એ કોઇને ઠરવા નહીં દે... પેટના પાણી વલોવી નાખે. એટલે જ વિક્રમ મુંબઇમાં પગ મૂકે એ પહેલાં સુદેશ સિંહને હટાવવો જરૂરી હતો, નહીંતર વિક્રમને જેમ પેલી મોડેલના કમોત પછી ભાગી આવવું પડ્યું એવું આ વખતે પણ થાત. વિક્રમની મુંબઇમાં એન્ટ્રી ને સુદેશની આ દુનિયામાંથી એક્ઝિટ થાય તો જ સુલેમાનના દિવસો પાછા આવે, સમજ્યો ?’ સુલેમાને થોડાં તુચ્છ્કારથી અબ્દુલ તરફ જોયું : આ બડફો શું સમજવાનો ? પણ સુલેમન સરકારને ક્યાં કોઇનું મન વાંચવાની સિદ્ધિ હાંસલ થઇ ગઇ હતી ? અન્યથા એ વાંચી શકત અબ્દુલ શું વિચારી રહ્યો હતો...

‘અબ્દુલ, તેં કંઇ કહ્યું ?’ અબ્દુલના મનમાં ચાલતાં વિચાર આંતર્યા હોય એમ સુલેમાન સરકારે પૂછ્યું.

‘હમ્મ ! ના, ના...’ સુલેમાન સરકારે મનમાં ચાલતી વાત પકડી પાડી હશે એવી આશંકાથી અબ્દુલ જરા ભોઠોં પડી ગયો.

‘ફોન લગાવ.’ સુલેમાન સરકારે આદેશ કર્યો.

‘ક્યાં મુંબઇ ના કોન્ટેક્ટસને ?’ અબ્દુલે થોડી મુંઝવણ સાથે પૂછ્યું.

‘અરે, ના વિક્રમને ફોન લગાવ... જાણીએ તો સહી કે ત્યાં શું થઇ રહ્યું છે ?

ઘણી રિંગ ગઇ અને તોય ફોન રિસિવ ન થયો એટલે સુલેમાને સૂચક નજરે અબ્દુલ સામે જોયું :

શું વાત હશે ? આ ફોન કેમ નથી ઉઠાવતો ?

‘ના, ના ટેન્શનનું કોઇ કારણ નથી. બ્લુ મૂનમાં બધી વ્યવ્સ્થા થઇ જ ગઇ છે...’ અબ્દુલ કંઇક આત્મવિશ્ર્વાસથી બોલ્યો ને સામેથી રિંગ આવી :

‘આ લો, આવી ગયો. શેતાનનું નામ લીધું ને શેતાન હાજર !’ અબ્દુલની આ ટિપ્પણી સુલેમાનને ન ગમી હોય તેમ એણે એની સામે કંઇક અણગમાભરી દ્રષ્ટિ ફેંકી : ક્યાંક આ બે જ એકમેકની સામસામે ન આવી જાય...

‘બોલો વિક્રમ, બધું બરાબર તો છે ? કોઇ તકલીફ ?’ સુલેમાન જાણે વિક્રમના ગાલ પીંછું પસવારતો હોય એટ્લી મીઠાશ ઘોળીને બોલ્યો. અબ્દુલને સમજતાં વાર ન લાગી કે સુલેમાન સરકારે પોતાને સાંભળવા જ એક્સ્ટ્રા મીઠાશનો ડોઝ ઘોળ્યો હતો.

‘અરે સરકાર, તમે બેઠાં હો તો તકલીફ શું હોવાની ? ‘વિક્રમનો ઉત્સાહભર્યો અવાજ સંભળાયો. :

‘અબ્દુલભાઇએ બધી વ્યવસ્થા જડબેસલાક કરી લાગે છે. મારે તો કોઇને શોધવા પણ ન જવું પડ્યું. બ્લુ મૂનના કેપ્ટનના માણસો મને શોધતા આવ્યા ને બાકીની ઇમિગ્રેશનથી લઇ જે બધી ફૉર્માલિટી હતી એ પણ એમણે જ પતાવી દીધી.’

વિક્રમના અવાજમાં જે ઉત્સાહભર્યો રણકો હતો એ સાંભળીને સુલેમાન સરકારને ધરપત તો થઇ ગઇ : હજુ પોતાના ઉપકાર નીચે થોડો વધુ કચડું તો જીવનભર ઓશિયાળો થઇને રહેવાનો...

‘એ તો ઠીક છે, ક્યારે લૅન્ડ થાય છે બેંગકોકમાં ?’ સુલેમાને મુદ્દાનો પ્રશ્ર્ન પૂછી લીધો.

‘મને લાગે છે કે દસ-બાર દિવસ તો ખરા જ, કાર્ગો શિપ છે ને !’ વિક્રમને શિપના પાકિસ્તાની કેપ્ટન સાથે થયેલા સંવાદ તાજો થઇ ગયો : ચાર હજાર કિલો મિટરનું અંતર કાપવામાં બારથી તેર દિવસ આમ તો પૂરતાં છે, પણ આજકાલ જે રીતે સી પાઇરેટ્સનો ઉપદ્રવ વધ્યો છે એ રીતે તો

‘ઠીક છે... ઠીક છે, આવી જા...’ દુઆ-સલામ કરી સુલેમાને વાત પતાવી, પણ એની સાથે એનું મગજ એ જ ક્ષણે બીજી ફ્રન્ટ પર કામે લાગી ચૂક્યું હતું.

આ તરફ, શિપમાં બોર્ડ થઇ રહેલા વિક્રમે પોતાની સાથે રહેલો થોડોઘણો લગેજ કેપ્ટને બતાવેલી કેબિનમાં મૂક્યો ને ફરી ડેક પર આવીને ઊભો રહ્યો. સાંજની માદક અદા દરિયા પર છવાઇ રહી હોય એમ લીલા-ભૂરા પાણીનો રંગ ગહેરો થઇ રહ્યો હતો. દિવસભરના થાકેલાં સી-ગલ પંખીનું ટોળું હાંફળું-ફાંફળું ઊડતું ઊડતું કિનારા તરફ જઇ રહ્યું હતું. એક હોર્ન, બીજો હોર્ન... શિપનું એન્જિન પોતાની મહત્તા દર્શાવતું હોય એમ હળવા ઘરઘરાટ સાથે ચાલુ થયું, જાણે જૂના જમાનાની આગગાડીનું એન્જિન બ્લુ મૂન ધીરે ધીરે કિનારો છોડી રહી હતી. હવે બેંગકોક પહોંચવા આડે માત્ર એક પખવાડિયું હતું એ પછી બસ... નેક્સ્ટ ઇઝ... વિક્રમ પોતાનો ભાવિ પ્લાન મનોમન ચ્યુઇંગ ગમની જેમ લિજ્જતથી ચગળતો રહ્યો.

બહુ વિચારવાથી કે ચર્ચવાથી કામ બગડી જાય એવું સાંભળ્યું તો હતું, પણ અનુભવ્યું નહોતું, પરંતુ આ ઘડીએ ઝેરનાં પારખાં ક્યાં કરવાં ? વિક્રમે વિચારપર બ્રેક મારી. આ વિચારવાની જરૂર હમણાં નહોતી. વિક્રમે કૅબિનમાં જઇને રાખેલા બંક બેડમાં પડતું મૂક્યું, વહેલું આવે બેંગકોક.

સલોની, બી રેડી. સ્ટોર્મ ઇઝ કમિંગ... પોતાના મનમાં સ્ક્રૂરેલા શબ્દો ફિલ્મી લાગ્યા હોય એમ વિક્રમને જરા હસવું આવ્યું, પણ એક વાત તો નક્કી હતી કે મનમાં અજબ હળવાશ વ્યાપી રહી હતી.

* * *

‘યુ આર કમ્પ્લિટલી આઉટ ઓફ ડેન્જર, મિસ્ટર સિંહ...’

સુદેશ સિંહે આંખો હળવે હળવે ખોલી કે પોતાના બેડ પાસે ઊભેલા ડૉકટર દેશપાંડે મરકતા દેખાયા.

ડૉકટર એને જ કહીં રહ્યા હતા એટલો ખ્યાલ તો આવ્યો, પણ સાથે સાથે સુદેશ સિંહની નજર સામે બેહોશ થતાં પહેલાંનું દ્રશ્ય તાદ્રશ થઇ રહ્યું.

‘ડોક્ટર, સૂર્યવંશી ક્યાં છે ?’ સુદેશે સૌથી પહેલો પ્રશ્ન પોતાના ઘવાયેલા સાથી માટે કર્યોં.

‘ડોન્ટ વરી, હી ઇઝ ફાઇન... ; ડોક્ટર દેશપાંડેએ હળવું સ્મિત ફરકાવતાં કહ્યું :

‘એમના કરતા તમારી ઇન્જરી ઘણી વધુ ગંભીર હતી !’

‘સાહેબ, સૂર્યવંશી બાજૂની રૂમમાં જ છે. હું તો રોજ ચાર-છ વાર એને જોઇ આવું છું ને એનું ફેમિલી પણ ત્યાં હોય છે !’ સુદેશના ઘરનો તમામ કારભાર સંભાળતો કરમચંદ એના સાહેબ સુદેશ સિંહના ભાનમાં આવવાની પોતે જ જાણે કોઇ ઘાતમાંથી ઊગરી ગયો હોય એવો ખુશ થઇ ગયો હતો.

‘મિસ્ટર સિંહ, રેસ્ટ સિવાય હવે કંઇ વધુ ચિંતાનુ કારણ નથી..’ ડૉકટર દેશપાંડે સુદેશ સિંહની છાતી પર રહેલા હાથને થપથપાવી ડ્યુટી પર તહેનાત નર્સના હાથમાંથી ચાર્ટ લઇ જોઇને સૂચના આપવામાં પરોવાયા.

’સાહેબ, તમે એક વાર ઘરે આવશો ને કે ઑફિસે જતાં થશો એટલે હું તો ચાલ્યો...’ ડોકટર દેશપાંડે બેડ પાસેથી જરા ખસે એની જ રાહ જોતો હોય એમ એક બાજુ શાંતિથી ઊભેલો કરમચંદ મલપતાં ચહેરે બેડ પાસે આવી ગયો. પોતાના સાહેબની સુધરી રહેલી હાલતને એના ઝંખવાયેલા ચહેરાને ફરી નૂરથી ભરીને ચમકતો કરી દીધો હતો.

‘કરમચંદ, મને અહીંથી બહાર તો નીકળવા દે..’ સુદેશ સિંહના રૂક્ષ ચહેરા પર આવેલું સ્મિત એને જાણે ઓરિજનલ ફૉર્મમાં લાવી રહ્યં હતું.

‘હવે કઇ બાધા રાખી ? ‘સુદેશ સિંહને ખબર હતી કે દિન-રાત પડછાયાની જેમ સાથે રહેતા કરમચંદે પોતાના માટે ન જાણે કેટકેટલી બાધા ને મન્નતો રાખી હશે. એવું એ પહેલાં પણ ઘણી વાર કરી ચૂક્યો હતો. એટલું જ નહીં, સુદેશ સિંહની સૂરક્ષા માટે ઘરમાં અખંડ દીવો ને જપ પણ એ નિયમિત કરતો.

‘સાચું કહું સાહેબ, આ વખતે તો તમે સાચે જ બધાને ગભરાવી કાઢ્યા, પણ મને વિશ્વાસ હતો મારી માતારાની પર, એ તમારો વાળ વાંકો થવા જ ન દે ને... પણ હવે ઊભા રહો, હું પણ કંઇક બતાવું...’ એટલુ કહીને કરમચંદે રીતસર બહાર જવા દોટ જ મૂકી.

‘અરે, કરમચંદ.... ઊછળકૂદ કરી રહેલા કરમચંદ ને રોકવા હોય તેમ સુદેશ સિંગનો હાથ સ્વાભાવિકપણે લંબાયો અને એની સાથે જ એક ભયંકર સબાકો અનુભવાયો.

‘રિલેક્સ, મિસ્ટર સિંહ, રિલેક્સ... થોડાં દિવસ કમ્પ્લીટ આરામ લેવો પડશે. તમે માનો છો એવી હળવી ઇન્જરી નથી આ...’ડૉકટર ગર્ભિત રીતે સુદેશ સિંહને એમની ઇજાનો ખયાલ આપીને ચૂપ થઇ ગયા. સુદેશ સિંહને કહેવું કે નહીં, કે બૉડીમાંથી ત્રણ બુલેટ કાઢી છે એ ઇન્જરી જેવી-તેવી નથી. પણ ડૉકટર દેશપાંડેના શબ્દ એમના મોઢામાં જ રહી ગયા.

રૂમમાં કરમચંદ પ્રવેશી રહ્યો હતો ને એની સાથે હતી એક મહિલા....

સુદેશ સિંહના હોઠ આશ્ચર્યથી ખુલ્લા રહી ગયા...

***