આકરો નિર્ણય - 5 Sagar Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આકરો નિર્ણય - 5

"આકરો નિર્ણય"

ભાગ: 5

(પાછળનાં ભાગમાં આપણે જોયું કે કેવી રીતે જયંત શેઠને મી.શ્રીમાળી દ્રારા ચેન્નઈ પ્લાન્ટનાં પ્લાન્ટ હેડ મી.શર્મા અને કટ્ટર હરિફ કંપની વચ્ચેનાં સંબંધોની કડીઓ મળી અને આખે-આખી મોડ્સ ઓપરેનડી સમજાવવા લાગી. સાથે-સાથે ચેન્નઈ પ્લાન્ટમાં કામ કરતાં અન્ય કર્મચારીઓનાં પણ ગોરખધંધા વિશે જયંત શેઠનાં પી.એ. મી.પ્રસાદ પાસેથી માહિતી મળી અને સાથે-સાથે આ બધી બાબતોમાં આઈ.ટી.વિભાગનાં હેડ મી.શેખરનું યોગદાન પણ અવગણી શકાય તેમ ન હતું).

આજે દસમી તારીખ, સમય સવારે સાત વાગ્યાનો. મુંબઈ સ્થિત કંપનીની કોર્પોરેટ ઓફિસ. આજે ઓફિસે સૌથી વહેલાં આવનાર વ્યક્તિ જયંત શેઠ હતાં. કોર્પોરેટ ઓફિસની ચોકીદારી કરતો અને ઓફિસની બિલ્ડિંગ નજીક ઓરડીમાં રહેતો ધરમશી પણ આજે નવાઈ પામ્યો અને જયંત શેઠને પુછ્યા વગર ન રહી શક્યો.

"સાહેબ, સુપ્રભાત. આપ આજે આટલાં વહેલાં?" ધરમશીએ જયંત શેઠને પુછ્યું.

"સુપ્રભાત ધરમશી. જાગ્યા ત્યારથી સવાર...." જયંત શેઠ માત્ર આટલું બોલીને મંદ-મંદ હાસ્ય કરીને જતાં રહ્યાં.

ધરમશી મનોમન વિચારી રહ્યો કે આજે શું થયું હશે કે શેઠ આટલાં વહેલાં આવી ગયા? પણ થોડાં વિચાર પછી ધરમશીએ ધાર્યું કે "મોટાં લોકોની મોટી વાતો", અને ધરમશી પોતાનાં રોજીંદા કામકાજમાં લાગી ગયો.

આ તરફ કોર્પોરેટ ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓ એક પછી એક આવતાં ગયા. આજે સૌ કોઇ નવાઈ પામી રહ્યું હતું કે જયંત શેઠ આટલાં વહેલાં ઓફિસે પહોંચ્યાં? પણ ભવિષ્યનાં ગર્ભમાં શું છુપાયેલું છે તેનાથી સૌ કોઈ અજાણ હતાં, અને આજે જયંત શેઠ પોતાનું તમામ હોમવર્ક કરીને ઓફિસે પહોંચ્યાં હતાં.

સવારનો દસ વાગ્યાનો સમય, આખી કોર્પોરેટ ઓફિસ - કામ કરતાં કર્મચારીઓની અવરજવરથી અતિ વ્યસ્ત લાગી રહી હતી.

"ગુડ મોર્નિંગ સર, પુણે પ્લાન્ટનાં પ્લાન્ટ હેડ મી.બક્ષી આપને મળવા આવ્યા છે" રિસેપ્શન પર બેઠેલ મિસ. રોઝીએ જયંત શેઠને ઇન્ટરકોમમાં પુછ્યું.

"એમને અંદર આવવાં દો" કહીને જયંત શેઠે રિસીવર મુક્યું.

"મે આઈ કમ ઈન સર?" પુણે પ્લાન્ટનાં હેડ મી.બક્ષીએ જયંત શેઠને પુછ્યું.

"યસ આવો મી.બક્ષી. હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો" જયંત શેઠે કહ્યું.

"સર, એવી કઈ બાબત હતી કે આપે મને યાદ કર્યો અને કોર્પોરેટ ઓફિસમાં મળવા બોલાવ્યો?" મી. બક્ષીએ સહજતાથી પુછ્યું.

"મી.બક્ષી, આજે મારે તમને કંપનીની થોડી અંગત વાતો વિશે માહિતગાર કરવાં છે. કંપનીમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. તમે તો જાણો જ છો કે આપણો ભુજ પ્લાન્ટ બંધ થયો ત્યારથી કંપનીની શાખને નુકશાન થયું. આર્થિક નુકશાનને તો પહોંચી વળીએ, પણ... અમુક નુકશાનની કોઇ ભરપાઈ નથી કરી શકાતી" જયંત શેઠ આટલું બોલીને પોતાનાં ટેબલનાં ડ્રોવરમાંથી મી.શર્મા, રવિ આહિર, જીતેન્દ્ર, મોહિત, અને રમેશ પટેલ વિરૂદ્ધનાં બધાં જ પુરાવાઓ મી.બક્ષી સમક્ષ મુક્યાં.

બે ઘડી માટે તો મી.બક્ષી અવાચક બની બધાં પુરાવાઓ જોતાં જ રહ્યાં, અને તેમનાં શરીરમાં ઠંડીની એક લ્હેર પ્રસરી ગઈ.

"ઓહ માય ગોડ!... સર, આટલી હદે ષડયંત્ર..! આવી રીતે તો આ લોકો કંપનીને બરબાદ કરી મુકશે. આવી મિલીભગતમાં તો કોઈ કોઈની ભુલ જ ન કાઢે. બધાંય મળતીયાં ભેગા મળીને કંપનીને અસાધારણ નુકશાન પહોંચાડવાની પેરવીમાં છે" મી.બક્ષી એક જ શ્વાસે આટલું બોલ્યાં.

"મી.બક્ષી, હજું એક ગંભીર બાબત એ છે કે ખુદ ધનંજય શેઠનો પી.એ. રોહિત પણ આ લોકોની ટીમનો એક સભ્ય જ છે. તે પણ ધનંજય શેઠ સુધી સાચી માહિતીઓ પહોંચાડવા નથી માંગતો અને આ બધાં લોકો સાથે મળીને કંપનીનાં હિત વિરૂદ્ધનાં ગુનાઓમાં બરાબરનો ભાગીદાર છે. બિચારો ધનંજય…, એ પણ નથી જાણતો કે આ બધાં લોકો ભેગા મળીને કઈ રીતે ગેમ પ્લાન કરે છે અને એક પછી એક પાસા ફેંકવામાં સફળ થાય છે" જયંત શેઠે મી.બક્ષીને કહ્યું.

આટલું બોલ્યાં પછી જયંત શેઠે પોતાનાં ટેબલ ઉપર પડેલી હાઈ બી.પી.ની એક ટેબ્લેટ લીધી અને એક ગ્લાસ પાણી પીને સ્વસ્થ થયાં.

“સર, હવે આપણે તાત્કાલિક આ દિશામાં નિર્ણય લેવો જોઈએ" મી.બક્ષીએ મક્કમતાપૂર્વક કહ્યું.

"આજે નિર્ણય લેવાં બાબતે તો મેં તમને અહીંયા બોલાવ્યાં છે. મારી વાત ધ્યાનથી સાંભળજો...." કહીને જયંત શેઠે પોતાનાં નિર્ણય વિશે તલે-તલની માહિતીથી મી.બક્ષીને અવગત કરાવ્યાં.

"ઓકે સર, હું આપને પુર્ણ સહયોગ આપવાની બાંહેધરી આપું છું" બધી યોજના સાંભળી લીધાં પછી મી.બક્ષી બોલ્યાં.

"મને તમારાં તરફથી આ જ આશા હતી" કહીને જયંત શેઠે હળવું સ્મિત વેંર્યું.

"મિસ.રોઝી, બોર્ડ મેમ્બર, તમામ વિભાગનાં હેડ, ધનંજય શેઠ, વિશાલ શેઠ અને તેમનાં પી.એ., વગેરેને આજે બપોરે બાર વાગ્યે ઇમરજન્સી મીટીંગ માટે કોન્ફરન્સ રૂમમાં ભેગા થવાનાં મેસેજ આપો" જયંત શેઠે ઈન્ટર કોમ પર મિસ.રોઝીને આટલી સુચના આપી.

મુંબઈ સ્થિત કંપનીનો કોન્ફરન્સ રૂમ, આજે થનાર ઇમરજન્સી મીટીંગમાં પુણે પ્લાન્ટનાં હેડ મી.બક્ષી સહિત કોર્પોરેટ ઓફિસનો તમામ સ્ટાફ, જયંત શેઠ, ધનંજય શેઠ તથા પી. એ. રોહિત, વિશાલ શેઠ હાજર હતાં.

"ગુડ નુ એવરીવન, આજે જે બાબત માટે ઇમરજન્સી મીટીંગ બોલાવવામાં આવી છે એ વિશે આપ સૌ જાણો જ છો. ચેન્નઈ પ્લાન્ટમાં પ્રોડક્ટની ક્વોલિટીની ફરિયાદો અને અમુક બનાવોને લીધે કંપનીની શાખને ભયંકર નુકશાન પહોંચવા પામેલ છે. સાથે-સાથે આપણી કંપનીનાં મૂળભુત સિદ્ધાંતોને પણ નેવે મુકવામાં આવ્યાં છે. ઉપરાંત કંપનીને આર્થિક નુકશાન પણ ભોગવવું પડયું છે. મેં આ પરિસ્થિતિ વિશે થોડો ઘણો અંદાજો લગાવ્યો જ હતો અને દાળમાં કાંઇક કાળું છે તે વિશે હું ભુજ પ્લાન્ટ બંધ કરવાની ભૂલથી જ શીખ્યો હતો" જયંત શેઠ મીટીંગમાં હાજર તમામ સભ્યોની સમક્ષ એકી શ્વાસે આટલું બોલીને થોડાં સમય માટે રોકાયા.

"તો આપ દાળમાં શું કાળું શોધી લાવ્યાં? એ જણાવવાની કૃપા કરશો?" ધનંજય શેઠ હંમેશની માફક અટ્ટહાસ્ય કરતાં હોય તેમ બોલ્યાં.

"જી, મેં મારા અમુક અંગત માણસોની મદદથી સ્થિતીનો જે તાગ મેળવ્યો છે તે આપ સૌ સમક્ષ રજુ કરું છું" જયંત શેઠ આટલું બોલ્યાં.

હવે સૌ કોઈ જયંત શેઠનાં મનમાં ચેન્નઈ પ્લાન્ટમાં ચાલી રહેલી બાબતો વિશે જાણવાં ઉત્સુક હતાં.

"ચેન્નઈ પ્લાન્ટમાં કામ કરતાં અમુક ચોક્કસ સ્ટાફ દ્રારા ગંભીર ગુન્હાઓ અને કંપનીનાં હિત વિરુદ્ધના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. વળી પાછા આવા લોકોની પરસ્પર સાંઠગાંઠના લીધે આવી બાબતોને દબાવી દેવામાં આવે છે. સૌથી મોટો ગુન્હો ચેન્નઈ પ્લાન્ટના હેડ શર્મા દ્રારા કરવામાં આવે છે અને એ પણ આપણી કટ્ટર હરિફ કંપની સાથે મળીને આપણી કંપનીને નુકશાન પહોંચાડવાના આશયથી" જયંત શેઠ બોલ્યાં.

"મી.શર્મા!, નો વે.… એક પ્લાન્ટ હેડ લેવલનો માણસ આપણી કંપનીને નુકશાન પહોંચાડે? તમારાં માણસોની તપાસમાં કાંઇક ભુલ થતી હોય એવું લાગે છે" ધનંજય શેઠ બોલ્યાં.

"આટલાં ઉતાવળા ન થાઓ. આ તો માત્ર એક જ નામ આપ્યું છે. હજુ તો લિસ્ટ ખૂબ જ લાંબુ છે" જયંત શેઠ મંદ મંદ હાસ્ય કરતાં બોલ્યાં.

"શર્મા, વિરોધી કંપનીનાં સતત સંપર્કમાં રહીને આપણી કંપનીની પ્રોડક્ટની બધી જ ખાનગી વિગતો પહોંચાડે છે અને આ રહ્યાં આ બાબતના પુરાવા" જયંત શેઠે આટલું કહીને મી.શર્મા વિરૂદ્ધ તમામ પુરાવાઓ રજુ કર્યા.

મીટીંગમાં હાજર તમામ સભ્યો આ બધાં પુરાવાઓ જોતાં જ રહ્યાં.

"આવા લોકોની લિસ્ટમાં હવે નામ આવે છે રો-મટીરીયલ સ્ટોરનાં ઇન્ચાર્જ રવિ આહીર, અને પરચેઝ વિભાગનાં ઓફિસર રમેશ પટેલનું. આ બન્નેની મિલીભગતથી રો-મટીરીયલ ઉતરતી કક્ષાનું અને વળી વજનમાં પણ ગેરરીતિ કરીને સપ્લાયરને ફાયદો અને કંપનીને નુકશાન પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ રહ્યાં છેલ્લાં એક વર્ષનાં ગાળાના રો-મટીરીયલ સ્ટોકનાં સ્ટેટમેન્ટ જેમાં બતાવ્યા મુજબ રો-મટીરીયલ વધારે છે જ્યારે પ્લાન્ટમાં ઓછું આવ્યું છે. આવી ગેરરીતિ વારંવાર અને દર મહિને જોવાં મળે છે" આટલું કહીને જયંત શેઠે સૌ સમક્ષ પુરાવાઓ રજુ કર્યા.

"હવે પછીનાં નામો જીતેન્દ્ર અને મોહિતનાં છે. આ બન્ને લોકો સાથે મળીને સ્ક્રેપ મટીરીયલમાં લાખો રૂપિયાના ગોટાળા કર્યા છે. ઉપરાંત, જીતેન્દ્ર એ તો ચેન્નઈ પ્લાન્ટમાં કામ કરતી એક મહિલાની એકલતાનો લાભ લઈને આબરૂ લૂંટવાનો પણ પ્રયત્ન કરેલ હતો. આ રહ્યું એ મહિલાનું નિવેદન. એ મહિલાનું નામ ગુપ્ત રહે અને તેણીની સંપુર્ણ સુરક્ષાની જવાબદારી આપણી કંપનીએ લીધાં બાદ જ એ મહિલા નિવેદન આપવા તૈયાર થઈ" જયંત શેઠે આટલું કહ્યું.

આ બધું સાંભળી રહેલ રોહિત, જે ધનંજય શેઠનો પી.એ.હતો તેનો એસી કોન્ફરન્સ રૂમમાં પણ પરસેવો છુટી ગયો.

"અને હાં, સ્ક્રેપ મટીરીયલમાં જીતેન્દ્ર અને મોહિતને ધનંજય શેઠ તમારાં પી.એ. રોહિતનો પુર્ણ ટેકો અને સાથ હોય છે" જયંત શેઠએ ધનંજય શેઠ અને રોહિતની આંખમાં આંખ મિલાવીને આટલું કહ્યું.

આ વાતો સાંભળીને અને પોતાનાં ખાસ સ્ટાફ જેમાં શર્મા,રવિ આહીર, જીતેન્દ્ર, મોહિત, રમેશ પટેલ, અને પોતાનાં પી.એ. રોહિતની સંડોવણી વિશે સાંભળીને ધનંજય શેઠ ચોંકી ઉઠ્યાં અને ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. તેમણે ગુસ્સામાં ટેબલ પર પોતનો હાથ પટક્યો અને બધાં જોઈ રહ્યા હતા તે જાણીને પોતાનો ગુસ્સો શાંત કર્યો.

"તો હવે આપણે શું કરવું જોઈએ?" માંડ માંડ આટલાં શબ્દો ભેગાં કરીને ધનંજય શેઠે પુછ્યું.

"આપણે..., આપણે તમાચો મારીને ગાલ લાલ નથી રાખવો, અને હાં પ્લાન્ટ બંધ પણ નથી કરવો ભુજ પ્લાન્ટની જેમ" જયંત શેઠે હળવાં ગુસ્સામાં ધનંજય શેઠને કહ્યું.

"આપ શું કહેવા માંગો છો? સાફ સાફ જણાવો" ધનંજય શેઠ બોલ્યાં.

"તો સાંભળો, કંપનીનાં માલિક તરીકે હું સુચના આપું છું કે તાત્કાલિક ધોરણે આપણાં પુણે પ્લાન્ટના હેડ મી.બક્ષીને ચેન્નઈ પ્લાન્ટના હેડ તરીકે ચાર્જ સોંપવામાં આવે અને શર્મા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે" જયંત શેઠ બોલ્યાં.

ધનંજય શેઠ એક જ ધ્યાને જયંત શેઠની નિર્ણય લેવાની ક્ષમતા જોઈ રહ્યા હતા.

"ઉપરાંત, આપણાં ચેન્નઈ પ્લાન્ટના એમ.ડી.તરીકે ધનંજય શેઠને થોડો વખત આરામ આપવામાં આવે અને વિશાલ શેઠને એમ.ડી.નો ચાર્જ દેવામાં આવે. હવે પછી ચેન્નઈ પ્લાન્ટ વિશે કાંઇ પણ નિર્ણય લેવાની સત્તા અને જવાબદારી વિશાલ શેઠની અને મી.બક્ષીની રહેશે. કંપનીનાં બાકીનાં ત્રણેય પ્લાન્ટનાં એમ.ડી.તરીકેની સત્તા ધનંજય શેઠ પાસે જ રહેશે" જયંત શેઠ બોલ્યાં.

“તો પછી રવિ આહીર, જીતેન્દ્ર, મોહિત, રમેશ પટેલ અને રોહિતનું શું?" વિશાલ શેઠે પુછ્યું.

"એ લોકોની પણ તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવામાં આવે અને તેમનાં વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે" જયંત શેઠે સુચના આપી.

"મી.શ્રીમાળી, તમને સુચના આપવામાં આવે છે કે આપણાં ભુજ પ્લાન્ટમાં કામ કરતા એવાં સ્ટાફનું લિસ્ટ બનાવો કે જેઓ આપણાં ભુજ પ્લાન્ટમાંથી રાજીનામું આપીને ગયેલાં હોય અથવા તો જે લોકો શર્મા,જેવાં લોકોની કાર્ય પધ્ધતિનાં વિરોધી હતાં" જયંત શેઠ બોલ્યાં.

જયંત શેઠ આજે જાણે પોતાની યુવાનીમાં કંપનીનાં હિત માટે નિર્ણયો લેતાં હતાં તે માફક લાગી રહ્યાં હતાં.

ક્રમશ:

(આવતાં અઠવાડિયે અંતિમ ભાગ રજુ થશે).

લેખક - સાગર. બી. ઓઝા