"આકરો નિર્ણય"
ખ્યાતનામ કમ્પનીનાં સર્વેસર્વા જયંત શેઠ આજે કંઇક મૂંઝવણ અનુભવતા હતાં અને બોર્ડ મીટીંગ શરુ થાય તે પહેલાં પોતાનાં મોટા પુત્ર અને મેનેજીંગ ડિરેક્ટર ધનંજય શેઠને આ વાતની રજુઆત કરવા ધનંજય શેઠની ઓફિસમાં પહોંચ્યા.
"ધનંજય, તું તો જાણતો જ હતો કે આપણાં ભુજના પ્લાન્ટમાં કંઇક ખોટું થઈ રહયું છે અને આપણાં સ્ટાફના વિશ્વાસુ લોકોએ તારું ધ્યાન અવારનવાર એ દિશામાં દોરવાનો પ્રયત્ન પણ કરેલો. તેમ છતાં તે એ બધી બાબતોને અવગણીને આપણાં પરિવાર જેવાં સ્ટાફના લોકોને યેનકેન પ્રકારે તંગ કરીને નોકરી છોડવા પર મજબૂર કર્યા. હવે એ બાબત ઉડીને આંખે વળગી છે કે સ્ટાફના અમુક ચોક્ક્સ લોકો દ્રારા ભુજ પ્લાન્ટમાં કમ્પનીનાં હીત વિરુદ્ધનું કામ કરાઈ રહયું છે. હવે આપણે શું કરીશું?" જયંત શેઠ બોલ્યાં.
"આપ, આજની મિટિંગમાં હાજર રહેવાનાં જ છો ને? તો ત્યાં બધાની જેમ તમને પણ મારા નિર્ણયની જાણ થઈ જશે." આટલું બોલીને ધનંજય શેઠ થોડું ખંધુ હસ્યાં.
ધનંજય શેઠની વાત સાંભળીને જયંતશેઠ ભૂતકાળના વિચારોમાં સરી પડ્યાં અને બે વર્ષ પહેલાંની વાત યાદ કરવા લાગ્યા. બે વર્ષ પહેલાં જયંતશેઠ પાસે ગુજરાતમાં કુલ ત્રણ પ્લાન્ટ હતાં અને ત્રણેય પ્લાન્ટ સારો નફો રળી આપતાં. તેવામાં આજ ઉદ્યોગ સાથે સંકળાયેલાં સુધીર શેઠ, જેમનો ભુજનો પ્લાન્ટ જે સુધીર શેઠે તમામ મશીનરી અને સ્ટાફ સહિત વહેંચવા કાઢેલો અને ધનંજય શેઠને આ વાતની ખબર પડતાં ધનંજય શેઠને આ પ્લાન્ટ ખરીદવાની ખૂબ જ તાલાવેલી લાગેલી. ત્યારે બોર્ડ કમિટીના સભ્યોએ ધનંજય શેઠને આ પ્લાન્ટ ન લેવાની સલાહ આપેલી. પણ તેમની જીદ આગળ કોઈનું કાંઇ ન ઉપજ્યું. આખરે બે જ વર્ષનાં ટૂંકા ગાળામાં સૌ કોઈને સમજાયું કે એ પ્લાન્ટ લેવાનો નિર્ણય ખૂબ જ ભુલ ભરેલો હતો કારણ કે એ પ્લાન્ટમાં રો મટીરીયલનાં સ્ટોકમાં દર મહિને મોટે પાયે ગડબડ જણાતી હતી, ઉપરાંત ચોરીના બનાવો જેવાં અનેક પ્રશ્નોએ ધનંજય શેઠની મેનેજમેન્ટ શૈલી અને સ્ટાફના અમુક ચમચા જેવાં લોકો પર મુકેલ આંધળા વિશ્વાસ પર ચોટ કરી હતી.
વળી જયંતશેઠને એમ પણ વિચાર આવેલો કે આ કમ્પનીએ છેલ્લાં દાયકામાં જે હરણફાળ પ્રગતિ કરી છે એમાં ધનંજય શેઠનું સારું એવું યોગદાન રહ્યું છે. જયંતશેઠે ભલે આ કમ્પનીનો પાયો નાંખ્યો પરંતું કંપનીની પ્રોડક્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાની બનાવવાં પાછળ ધનંજય શેઠની દૃઢ ઈચ્છાશકિત જ કારણભૂત છે. ટેક્નોલોજી સંચાલન,નવી નવી પ્રોડક્ટની શ્રેણી, ભરતીમાં યુવાવર્ગને ખાસ પ્રાધાન્ય વગેરે વગેરે. પરંતુ સાથે સાથે કંપનીએ ધનંજય શેઠના અમુક નિર્ણયોનાં લીધે ખૂબ જ વિશ્વાસુ અને પાયાનાં કર્મચારીઓને પણ ગુમાવવાની નોબત આવી. ધનંજય શેઠ છેલ્લે જ્યારે ભુજ પ્લાન્ટની ત્રણ દિવસની મુલાકાતે ગયા હતાં ત્યારે કાર્યક્રમમાં ક્યાંય આઈ.ટી.વિભાગ અને એકાઉન્ટ વિભાગને મીટીંગમાં સમય ન્હોતો ફાળવ્યો, જયંત શેઠે ધનંજય શેઠનું ધ્યાન આ તરફ દોર્યું પણ ધનંજય શેઠે કહ્યું કે આઈ.ટી.અને એકાઉન્ટ વિભાગમાં નવાસવા સ્ટાફ મેમ્બર જેમાં આઈ.ટી.વિભાગમાં સાગર અને એકાઉન્ટ વિભાગમાં સુબોધભાઈ, એમની સાથે મારે શું મીટીંગ કરવાની? પણ સાગરે અને સુબોધ ભાઈ એ ધનંજય શેઠના પી.એ.પાસે મુલાકાતનો સમય માંગ્યો તો ધનંજય શેઠે એમને ત્રીસ મિનિટની જગ્યાએ માત્ર પંદર મિનિટનો જ સમય આપ્યો. સાગર અને સુબોધભાઈએ પ્લાન્ટમાં ચાલતા ગોરખ ધંધા વિશે વિસ્તૃતમાં જણાવવાનો પ્રયાસ કર્યો. તેમાં રો મટીરીયલ સ્ટોરમાં ઇન્ચાર્જ ઓફિસર રવિ આહીરની સંડોવણી નાં પુરાવાઓ રજુ કર્યા, એ જ રવિ કે જે ધનંજય શેઠની ખૂબ જ વાહવાહ કરતો અને બહું જ ઓછા સમયગાળામાં ધનંજય શેઠનો ખબરી જેવો બની ગ્યો હતો. હવે રવિને કોઈનો ડર ન્હોતો રહેતો અને અન્ય સ્ટાફ સાથે મળીને સ્ટોકમાં હેરા ફેરી કરી નાખતો, વળી જ્યારે ધનંજય શેઠ પ્લાન્ટની મુલાકાત પર આવે ત્યારે મીટીંગમાં શેઠના વખાણ કરીને મીટીંગનો કિંમતી સમય વેડફી લેતો.
રવિનું નામ સાંભળી ધનંજય શેઠ ભડકી ઉઠ્યાં, "રવિ,એ તો બહું વિશ્વાસુ માણસ છે, મારી દરેક વાત માને, મારાથી ડરે,અને રોજ મને ફોનથી પ્લાન્ટમાં બનતાં બનાવો વિશે જાણ કરે, એ ન હોય, સાગર અને સુબોધથી ભુલ જ થાય છે, એ સાલાઓ સાચાં કે મારો વિશ્વાસ સાચો?, અને જો રવિ ખોટું કામ કરતો હોય તો જીતેન્દ્ર મને જરુર જાણ કરે જ. આ સાગર અને સુબોધ મને મારી ભુલ બતાવી પોતાની વાહ લેવાં આવ્યાં લાગે છે". ધનંજય શેઠને મનમાં ને મનમાં એક જ ઘડીમાં આટલાં બધાં વિચારો આવ્યાં.
"સાહેબ, બીજો પુરાવો આ રહ્યો,જે જીતેન્દ્ર વિરૂદ્ધ છે. જયારે જયારે ચોરીના બનાવ બને છે ત્યારે ફરીયાદ નોંધમાં તે ઓછો મટીરીયલનો જથ્થો દર્શાવે અને ઘણી વાર તો ફરીયાદ દબાવી દેવાનો પ્રયાસ કરે, અને આ રહ્યાં સ્ટોક અને ચોરી થયેલ માલ વચ્ચે ની વીસંગતતા." કહીને પુરાવા રજુ કર્યા.
આ બન્નેને જોઈને અને એમની વાતો સાંભળીને ધનંજય શેઠ હસ્યાં અને બોલ્યાં "તમે બન્ને તમારાં કામ પર ધ્યાન આપો અને હાં સાગર જેટલી તારી ઉંમર નથી એટલાં વર્ષોથી હું આ બધું જોતો આવ્યો છું. તમને વધારે કાંઇ પ્રશ્ન હોય તો તમે કમ્પની છોડીને જઇ શકો છો. મારી પાસે આવી નાની બાબતો વિશે ચર્ચા કરવાનો સમય જ નથી". થોડાં દિવસોમાં જ સાગર અને સુબોધભાઈના રાજીનામાં ધનંજય શેઠને મળ્યાં અને ધનંજય શેઠે સહર્ષ બન્નેનાં રાજીનામાં સ્વીકાર્યા. ધનંજય શેઠને કદાચ ભુલ બતાવવાવાળા લોકો પસંદ જ નહોતાં.
આટલું વિચારીને જયંતશેઠ પાછા વર્તમાનમાં આવી પહોંચ્યા.
આજનો સમય : મુંબઈમાં કંપનીની કોર્પોરેટ ઓફીસનો કોન્ફરન્સ રુમ.....એક પછી એક બોર્ડનાં સભ્યો, જે તે વિભાગનાં હેડ, કંપનીનાં માલિક જયંત શેઠ, એમ.ડી. ધનંજય શેઠ, અને એમનાં નાનાં ભાઈ વિશાલ શેઠ રુમમાં દાખલ થયાં. મીટીંગનો એજન્ડા ભુજ પ્લાન્ટમાં ઊભી થયેલી સમસ્યા જેવી કે અવારનવાર રો મટીરીયલ સ્ટોરનાં સ્ટોકમાં ગંભીર ચેડાં, ચોરીનાં બનાવ વગેરે મુખ્ય હતાં.
મિટિંગમાં જાતજાતના વિચારો રજુ થયાં જેમાંના અમુક વિચારો તાર્કિક હતાં, અમુક માત્ર ફિલોસોફી ધરાવતાં હતાં. આમતો બધાં નિર્ણય જયંત શેઠ જ લેતાં પણ છેલ્લાં ચાર-પાંચ વર્ષથી તેમની નિર્ણય લેવાની સત્તા જાણે ધનંજય શેઠે છીનવી લીધી હોય એવું હતું અને ધનંજય શેઠ પોતે લીધેલ દરેક નિર્ણય કંપની હીતમાં જ લે છે એવું પોતે માનતા. જયંત શેઠ અને વિશાલ શેઠ બન્ને ધનંજય શેઠના આવાં નિર્ણયોથી ઘણી વાર નારાજ રહેતાં પણ હવે ધનંજય શેઠ આગળ કોઈનું કાંઇ ચાલે એમ ન્હોતું.
બધાં જ સભ્યો ચર્ચા પુર્ણ થયાં બાદ ધનંજય શેઠના નિર્ણયની રાહ જોઇ રહ્યા હતા.
"શટ ધ પ્લાન્ટ", ધનંજય શેઠે ઠંડા કલેજે આ સુચના આપી અને કોન્ફરન્સ રુમમાં જાણે નીરવ શાંતિ છવાઈ ગઈ.
"પ્લાન્ટ બંધ કરવો એ છેલ્લો રસ્તો છે, આપણી પાસે નિષ્ણાતોની સારી ટીમ છે અને એમની મદદથી આપણે આ મુશ્કેલીમાંથી બહાર નીકળી જઈશું. અગાઉ પણ કંપનીએ આનાથી કપરા ચઢાણ સર કર્યા છે અને સફળ થયાં છીએ". જયંતશેઠ એક જ શ્વાસે આટલું બોલ્યાં.
"મેં જે નિર્ણય લીધો છે એ કંપનીનાં હિતમાં જ છે અને આ નિર્ણય હું કોઇપણ સંજોગમાં નહીં બદલું. આવતાં મહિનાની દસમી તારીખ સુધીમાં પ્લાન્ટ બંધ કરવાની બધી જ કાર્યવાહી થઈ જવી જોઈએ", અને એચ. આર. વિભાગને સુચના આપી કે "હું જે લોકોનું લિસ્ટ આપું એમને આપણે આપણાં બીજા પ્લાન્ટમાં સમાવવાનાં છે અને બીજા બધાંને તારીખ જણાવીને છુટ્ટા કરો". ધનંજય શેઠનાં અવાજમાં જાણે કોઇપણ પ્રકારની લાગણી જેવું ન્હોતું લાગતું.
"આપણાં ભુજ પ્લાન્ટમાં આશરે બસ્સો-અઢીસો લોકોનો લેબર સ્ટાફ છે જે આપણી જવાબદારી છે, એમનાં હિતમાં આ નિર્ણય ગેરવ્યાજબી કહેવાય. અમુક ખરાબ લોકોને લીધે બધાંને દંડ ન મળવો જોઈએ. એક વાર ફરી વિચાર કરો. અને આ સ્થિતિને પહોંચી વળવા આપણાં પુણે પ્લાન્ટના હેડ શ્રીમાન બક્ષીને મેં ભુજ પ્લાન્ટની સ્થિતિની જવાબદારી આપવાનું વિચાર્યું છે અને બક્ષી પણ આ વિશે સહમત છે અને તેમનાંથી બનતાં તમામ પ્રયત્ન કરી છૂટશે." જયંતશેઠ ફરી બોલ્યાં.
"નાં મતલબ નાં, મને આવો માથાનો દુઃખાવો ન જોઈએ. હું મારા નિર્ણય પર અડગ છું. મીટીંગ ઓવર". આટલું બોલીને ધનંજય શેઠ ઉભા થઈ કોન્ફરન્સ રુમમાંથી પોતાની ઓફીસ તરફ જવા નીકળી ગયા.
આ નિર્ણય વાયુવેગે ભુજ પ્લાન્ટમાં પહોંચ્યો અને બધાંનાં પગ તળેથી જમીન સરકી ગઇ. પ્લાન્ટમાં કામ કરતાં મોટા ભાગનાં લેબર બાજુનાં ગામથી આવતાં આથી તેમણે પોતાનાં ગામનાં આગેવાનો અને સરપંચને જાણ કરી. સરપંચ અને આગેવાનોએ ધનંજય શેઠને ફોન કરી વિનંતિ કરી કે આ નિર્ણયથી ઘણાં પરિવારોને અસર થશે.
"અસર થાય તો થાય.મારે શું કરવાનું? મને તો માત્ર આ પ્લાન્ટમાં અવાર નવાર બનતાં બનાવોમાંથી છુટકારો જોઈએ. હવે હું વધારે રાહ જોઇ શકું તેમ નથી, એ મજૂર લોકોનું જે થવું હોય તેં થાય, આમ પણ એ લોકોને બીજે ક્યાંક મજૂરી મળી જશે અને એ લોકો મજૂરી કરવાં જ જન્મ્યાં હોય છે, ભારત દેશમાં મજૂરી કરવાવાળાની જરૂરિયાત કાયમ રહેતી જ હોય છે." ધનંજય શેઠે એકદમ ગુસ્સામાં સરપંચ ને જવાબ આપી દીધો.
"પણ સાહેબ, આ ગરીબ પરિવારો વિશે તો દયા દાખવો.એમનાં ઘરનાં ચૂલા ઓલવાઈ જશે, આટલાં કઠોર ન થાઓ. મહેરબાની કરીને પ્લાન્ટ બંધ ન કરો." સરપંચ પાસેથી રિસીવર લઇને ગામનાં અન્ય આગેવાને વિનંતિ કરી.
"ગરીબ, કોઇ ગરીબ માટે હું મારો નિર્ણય બદલવાનો નથી. અને આમ પણ એ ગરીબો મારા શું લાગે? મેં ક્યાં આજીવન એમની જવાબદારી લીધી છે? એમનાં ચૂલા ઓલવાતા હોય તો ઓલવાય, મને કાંઇ ફર્ક પડતો જ નથી.તમે ખરેખર મારો સમય બરબાદ કરો છો.હવેથી આ બાબત માટે મને પરેશાન નહીં કરતા".ધનંજય શેઠે એકી શ્વાસે અને ઠંડા કલેજે આટલું બોલીને રિસીવર પટકી દીધું.
(કદાચ ધનંજય શેઠે પોતે જ દગાખોર લોકો પર મુકેલ વિશ્વાસ અને ખુદ પર અપાર અભિમાન એ આજે નિર્દોષ ગરીબ લોકોને માટે ઠંડા કલેજે લીધેલ આકરો નિર્ણય સાબિત થયો.)
લેખક : સાગર બી.ઓઝા