“આકરો નિર્ણય”
(અંતિમ ભાગ)
ભાગ - 6
(પાછળનાં ભાગમાં આપણે જોયું કે કેવી રીતે જયંત શેઠે ઇમરજન્સી મિટિંગમાં સૌ કોઈને ચેન્નઈ પ્લાન્ટમાં બનતી ઘટનાઓ વિશે અવગત કરાવ્યાં. સાથે-સાથે પરિસ્થિતિને પહોંચી વળવાનાં ભાગ રૂપે ધનંજય શેઠ પાસેથી એમ.ડી.નો ચાર્જ લઈને વિશાલ શેઠને સોંપવામાં આવ્યો. કંપનીનાં હિત વિરૂદ્ધ કામ કરતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને ચેન્નઈ પ્લાન્ટના હેડ તરીકેનો ચાર્જ પુણે પ્લાન્ટના હેડ મી.બક્ષીને સોંપવામાં આવ્યો. તથા શર્મા જેવાં લોકોનાં ત્રાસથી ભુજ પ્લાન્ટમાંથી રાજીનામું આપી ગયેલાં સ્ટાફનું લિસ્ટ બનાવવાની જવાબદારી એચ.આર. વિભાગનાં મી.શ્રીમાળીને સોંપવામાં આવી).
આ મિટિંગનાં ત્રણ-ચાર દિવસમાં જ મી.શ્રીમાળીએ આખું લિસ્ટ તૈયાર કરી નાખ્યું અને બધી જ વિગતો લઈને ચેન્નઈ પ્લાન્ટના નવાં એમ.ડી. વિશાલ શેઠને મળવા માટે તેમની ઓફિસ પાસે પહોંચ્યાં.
"મે આઈ કમ ઈન સર?" મી.શ્રીમાળીએ એમ.ડી.વિશાલ શેઠની કેબીન પાસે સ્ટાફને લગતી વિગતોવાળી ફાઇલ લઈને ઉભા રહીને પુછ્યું.
"યસ મી.શ્રીમાળી. કમ ઈન" પોતાનાં લેપટોપમાં ચેન્નઈ પ્લાન્ટ વિશેનું પ્રેઝન્ટેશન તૈયાર કરી રહેલાં વિશાલ શેઠે હકારમાં માથું ડોલાવીને કહ્યું.
"ગુડ મોર્નિંગ સર, આ એ સ્ટાફનું લિસ્ટ છે કે જે આપણાં ભુજ પ્લાન્ટમાં કામ કરતાં હતાં અને જેમણે રાજીનામાં આપ્યાં હતાં. મને જાણવાં મળેલી માહિતી મુજબ આ લોકોનાં રાજીનામાં આપવા પાછળનું મુખ્ય કારણ મી.શર્મા, રવિ આહીર, જીતેન્દ્ર જેવાં લોકોની કાર્ય પધ્ધતિ, કામમાં વિના કારણે કરવામાં આવતું ફોલોઅપ અને કામનું અતિ દબાણ જેવી બાબતો મુખ્ય હતી" મી.શ્રીમાળી બોલ્યાં.
"શું આવું શકય છે મી.શ્રીમાળી? આઈ મીન કોઈની કાર્ય પધ્ધતિનાં લીધે, કામમાં વધારે પડતાં ફોલોઅપ કે કામનાં અતિ દબાણના લીધે કોઈ રાજીનામું આપવા પણ રાજી થઈ જાય? અને એ પણ આટલી બેરોજગારી જેવાં વાતાવરણમાં ! મને આ બધી વાતો ગળે ઉતરતી નથી. મને તમારી તપાસ પર બિલકુલ શંકા નથી. પરંતુ....." સ્ટાફના લિસ્ટવાળી ફાઇલ વાંચતા વાંચતા વિશાલ શેઠે નવાઈનાં ભાવ સાથે મી.શ્રીમાળીને આટલું કહીને અટકી ગયા.
"સર, આપનું અવલોકન સાચું છે. પહેલાં તો હું પણ આ બાબત જાણીને નવાઈ પામ્યો પરંતુ ખૂબ જ ઝીણવટભરી તપાસ કરતાં માલુમ પડેલ છે કે શર્મા,રવિ આહીર,જીતેન્દ્ર અને ધનંજય શેઠનો પી.એ.રોહિત....આવાં લોકોની એક આખી સાંકળ કામ કરતી હતી. અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ લોકોની એક સિન્ડિકેટ હતી અને આ લોકો સ્ટાફમાં કામ કરતાં લોકોને હેરાન પરેશાન કરતાં, દબાણવશ પોતાની સાથે ભેળવીને કંપનીનાં હિત વિરુદ્ધના કામો કરાવતાં, અને જે સ્ટાફ મેમ્બર કંપનીનાં હિત વિરૂદ્ધ કામ કરવાની આ વાત ન માને અને કર્તવ્યનીષ્ઠ હોય તેને ધનંજય શેઠના પી.એ.રોહિતની સમક્ષ કામ ન કરતો હોવાનાં આક્ષેપ કરતાં, રોહિત પણ ધનંજય શેઠની જાણ બહાર આવા ઈમાનદાર સ્ટાફ મેમ્બરને ખખડાવી મુકતો, અને ધીરે-ધીરે સારો સ્ટાફ કંપની છોડવા માટે મજબુર બની જતો" મી.શ્રીમાળી એકી શ્વાસે વિશાલ શેઠ સમક્ષ આટલું કહી શક્યાં.
"ઓહ ! આઈ સી......મી.શ્રીમાળી આ લિસ્ટમાં જે સ્ટાફ મેમ્બરના નામો છે તેનાં વાર્ષિક પરફોમેન્સ રિપોર્ટ તો એકદમ ક્લીયર છે તેમ છતાં તે સ્ટાફ મેમ્બરને યોગ્ય પગાર વધારો પણ કરવામાં નથી આવ્યો. જે આ રિપોર્ટ પરથી જણાઈ આવે છે. તો આ વિશે આપ શું કહેશો?" વિશાલ શેઠે પુછ્યું.
"યસ સર, સ્ટાફના એ લોકોનો પરફોમેન્સ રિપોર્ટ એકદમ ક્લીયર એટલાં માટે છે કારણ કે તે રિપોર્ટ તેમનાં ડિપાર્ટમેન્ટ હેડ દ્રારા ભરવામાં આવતો હોય છે, કંપનીની પોલિસી પ્રમાણે તેમાં પ્લાન્ટ હેડ હસ્તક્ષેપ કરી નથી શકતાં" મી.શ્રીમાળીએ વિશાલ શેઠને આટલું કહ્યું.
"મી.શ્રીમાળી....આ બધાં જ સ્ટાફના લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવો અને ચેન્નઈ પ્લાન્ટમાં જોડાવા માટે યોગ્ય ઓફર આપો. કંપનીને આવાં સ્ટાફની હંમેશા જરૂર છે" વિશાલ શેઠે મી.શ્રીમાળીને આટલી સુચના આપી.
મી.શ્રીમાળીએ તેમની એચ.આર.ની ટીમ સાથે મળીને આ ભૂતપૂર્વ સ્ટાફ જેમાં સાગર, સુબોધ, મુકેશ, શશાંક જેવાં સ્ટાફ મેમ્બરને લિસ્ટ પ્રમાણે ઓફર આપીને ચેન્નઈ પ્લાન્ટમાં જોડાવા માટે તૈયાર કર્યા અને એક પછી એક આ લોકો ચેન્નઈ પ્લાન્ટમાં જોડાતાં ગયા. મી.શ્રીમાળી આ બાબતની પળેપળની અપડેટ વિશાલ શેઠને આપતાં રહેતાં હતાં અને વિશાલ શેઠ પણ ખૂબ જ અંગત રસ લઈને મી.શ્રીમાળી દ્રારા આપવામાં આવતી વિગતો પર ધ્યાન આપતાં.
ચેન્નઈ પ્લાન્ટના નવાં હેડ તરીકે મી.બક્ષીનાં માર્ગદર્શન હેઠળ સાગર,સુબોધ,મુકેશ,શશાંક જેવાં કર્તવ્યનીષ્ઠ સ્ટાફ મેમ્બર્સ ચેન્નઈ પ્લાન્ટમાં જોડાવાને લીધે ચેન્નઈ પ્લાન્ટ હવે દરેક બાબતોમાં સ્થિર થવા લાગ્યો. જોત જોતામાં અને બહું ટૂંકા ગાળામાં પ્લાન્ટ પોતાની ક્ષમતા પ્રમાણે ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ આપવાં લાગ્યો. હવે રો-મટીરીયલનાં સ્ટોકમાં, સ્ક્રેપનાં સ્ટોકમાં, વગેરેમાં ગેરરીતિ જેવાં પ્રશ્નો લગભગ નહિવત થઈ ગયા.
ધનંજય શેઠ આ બધી પરિસ્થિતિઓ પર બારીકાઈથી અવલોકન કરી રહ્યાં હતાં. તે મનોમન વિચારી રહ્યાં હતાં કે ખરેખર વિશાલ હવે પોતાની જવાબદારી નિભાવવા માટે સક્ષમ બની ગયો છે. વિશાલ શેઠના મોટા ભાઈ તરીકે ધનંજય શેઠ ગૌરવ અનુભવી રહ્યાં હતાં. ખાસ કરીને જ્યારે કોર્પોરેટ ઓફિસમાં ચેન્નઈ પ્લાન્ટને લગતાં મુદ્દાઓની મીટીંગ ચાલતી હોય ત્યારે વિશાલ શેઠનું પ્રેઝન્ટેશન સૌ કોઈને આકર્ષિત કરી મુકે તેવું રહેતું. પ્રેઝન્ટેશન બાદ બોર્ડ મેમ્બર તાળીઓના ગડગડાટથી વિશાલ શેઠને વધાવે ત્યારે ધનંજય શેઠને અપાર આનંદ આવતો.
આ બધું જોઈને જયંત શેઠને પણ મનોમન પોતાનો નિર્ણય -જેમાં વિશાલ શેઠને એમ.ડી.અને મી.બક્ષીને ચેન્નઈ પ્લાન્ટના હેડ બનાવવા પર ગૌરવ મળતો.
એક વર્ષની અવિરત મહેનત બાદ હવે ચેન્નઈ પ્લાન્ટ બધી જ બાબતોમાં પુર્ણ રીતે સ્થિર થઈ ગયો હતો. કંપનીનાં હિતમાં અસાધારણ યોગદાન આપવા બદલ ખાસ તો પ્લાન્ટ હેડ મી.બક્ષી, સાગર, સુબોધ, મુકેશ અને શશાંક જેવાં સ્ટાફના મેમ્બરને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યાં, સાથે સાથે કંપનીને આવા વિશ્વાસુ અને કર્તવ્યનીષ્ઠ લોકોની ખાસ જરૂર છે તેવો પણ મેસેજ અન્ય પ્લાન્ટના સ્ટાફ મેમ્બર સુધી પહોંચાડ્યો.
ચેન્નઈ પ્લાન્ટ સ્થિર બન્યાં તેનાં થોડા દિવસો બાદ જ એક એવો બનાવ બન્યો જે કંપની માટે અને ખાસ કરીને ધનંજય શેઠ માટે અવિસ્મરણીય બની ગયો.
"સર, મી.શર્મા અને બીજા ચારેક લોકો તમને મળવા આવ્યા છે" રિસેપ્શન પર બેઠેલ મિસ.રોઝીએ ઈન્ટર કોમમાં ધનંજય શેઠને પુછ્યું.
"વોટ? વોટ? કોણ કોણ? ફરી નામ જણાવો તો!" ધનંજય શેઠે અતિ ગુસ્સામાં મિસ.રોઝીને પુછ્યું.
"સર, ચેન્નઈ પ્લાન્ટના ભૂતપૂર્વ હેડ મી.શર્મા, રવિ આહીર, જીતેન્દ્ર, મોહિત અને રોહિત.....આપને મળવા માંગે છે" મિસ.રોઝીએ ખૂબ જ ગભરાતા અવાજે કહ્યું.
"મિસ.રોઝી, મારી પાસે એવાં દગાખોર લોકોને મળવાનો સમય નથી. એ લોકોને તરત જ સિક્યોરિટી ગાર્ડની મદદથી ઓફિસની બહાર ધક્કા મારીને કાઢી મુકો" પોતાનાં ટેબલ પર જોરથી હાથ પછાડીને ધનંજય શેઠે કહ્યું.
આ તરફ મિસ.રોઝી કાંઈ પણ બોલે તે પહેલાં શર્માએ રિસીવર પોતાનાં હાથમાં લઈ લીધું અને ધનંજય શેઠને મળવા માટે આજીજી કરવા લાગ્યો. આખરે ધનંજય શેઠે તેઓને મળવાની પરવાનગી ન આપતાં શર્મા અને અન્ય ચારેય સીધા ધનંજય શેઠની ઓફીસ પાસે પહોંચી ગયા.
"તમારી એટલી હિંમત? મારી અનુમતિ વગર તમે લોકો મારી ઓફિસમાં કઈ રીતે દાખલ થઈ શકો? હમણાં જ સિક્યોરિટી ગાર્ડને બોલાવીને તમને ધક્કા મારીને બહારનો રસ્તો બતાવું છું" ધનંજય શેઠે પોતાની રીવોલવિંગ ચેરમાંથી સફાળે ઊભા થઇને જાણે ત્રાડ નાખી હોય તેમ કહ્યું.
"સર, અમને માફ કરી દો. અમને અમારી ભૂલનું ભાન થઈ ગયું છે. કાયદેસરની પોલીસ કાર્યવાહી કર્યા બાદ અમે અને અમારાં પરિવારે ખૂબ જ તકલીફો ભોગવી છે. હવે અમને અમારાં કર્મોનું ફ્ળ મળી ગયું છે. આપ અમને માફ કરી દો સર" શર્મા,રવિ આહીર, જીતેન્દ્ર, મોહિત અને રોહિત ધનંજય શેઠના પગે પડીને આટલું બોલ્યાં.
"તમને? તમને માફ કરું? તમારાં જેવાં દગાખોર લોકોને લીધે મારી અને મારી કંપનીની કેટલી બદનામી થઈ? ચાલીસ વર્ષની જયંત શેઠની ઊભી કરેલ કંપનીની શાખને તમે બટ્ટો લગાવ્યો. તમારાં કાળા કારનામાઓથી મારે ભુજ પ્લાન્ટ બંધ કરવાનો "આકરો નિર્ણય" લેવો પડ્યો. તમે લોકો કોઈ પણ કાળે માફીને પાત્ર જ નથી" ધનંજય શેઠે લાલચોળ આંખો સાથે પગમાં પડેલ પાંચેયને એક લાત મારતાં કહ્યું.
"સર, અમારી પાસે જીવન જીવવાની કોઈ જ આજીવિકા નથી. અમારાં બાળકો બેઘર થઈ જશે. અમે શું કરીશું? અમારાં ર દયા કરો" શર્મા આજીજી કરતાં બોલ્યો.
"ઘર કા ભેદી લંકા ઢાયે!...… શર્મા...… તું તો મારો અંગત વિશ્વાસુ માણસ હતો. તારાં હવાલે મેં. મારો ચેન્નઈનો ડ્રીમ પ્રોજેક્ટ કર્યો હતો.... અને તે હરિફ કંપની સાથે મળીને આટલી હલકી કક્ષાનું રાજકારણ રમવાની હિંમત કરી?" ધનંજય શેઠે શર્માને એક જોરદાર થપ્પડ લગાવીને કહ્યું.
થપ્પડ.... એ થપ્પડ તો શર્માના ગાલ પર પડી હતી અને તેની છાપ રવિ આહીર, જીતેન્દ્ર, મોહિત, રોહિતનાં ગાલ પર હતી. સૌ કોઈ ધનંજય શેઠનું આ રુદ્રરૂપ જોઈને ડઘાઈ ગયું હતું.
"સાલાઓ, લુચ્ચાઓ, તમારી તો આ જ હાલત થવી જોઈએ. તમારાં કરેલાં કૃત્યો આગળ કાયદાની સજા પણ ઓછી પડે તેમ છે. તમારાં લીધે મેં ભુજ પ્લાન્ટમાં કામ કરતાં કેટલાંય નિર્દોષ મજૂર લોકોની રોજીરોટી છીનવી લીધી? કેટલાંય લોકોનાં જીવન મરણનો પ્રશ્ન ઉભો થયો? કેટલાંય મજૂરોના બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થયાં? તમને તો ક્યારેય માફી ન જ મળવી જોઈએ" ઘણાં દિવસોથી ભુજ અને ચેન્નઈ પ્લાન્ટનાં ગુસ્સાનો જ્વાળામુખી આજે ધનંજય શેઠ જાણે બહાર કાઢી રહ્યાં હોય તેમ ઊભેલાં દરેકને કહ્યું.
શર્મા, રવિ આહીર, જીતેન્દ્ર, મોહિત અને રોહિત તો ત્યાંથી નતમસ્તક થઈને ચાલ્યાં ગયાં. પણ તેમનાં ગયા બાદ ધનંજય શેઠને પોતાનો ભુજ પ્લાન્ટ બંધ કરવાનો પોતાનો "આકરો નિર્ણય" કેવો મૂર્ખામી ભરેલ હતો તેનો અહેસાસ થયો. સાથે-સાથે ખોટી ખુશામત કરતાં લોકોની પણ પરખ થઈ.
પોતાની ભુલનાં પ્રાયશ્ચિત સ્વરૂપે ધનંજય શેઠ એક નિર્ણય પર આવ્યાં. ભુજ પ્લાન્ટ બંધ થવાથી જે મજુર લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ હતી અને તેમનાં માટે રોજગારીનો પ્રશ્ન ઉભો થયો હતો તે મજુરો જે ગામમાંથી આવતાં હતાં તે ગામનાં સરપંચ તથા અન્ય આગેવાનો સાથે વાતચીત કરી અને તે વિસ્તારમાં પ્રાથમિક શાળા બનાવી આપી. જેથી કરીને તે વિસ્તારનાં બાળકો યોગ્ય શિક્ષણ મેળવી શકે. અને આ આખો ખર્ચ ધનંજય શેઠે પોતાની અંગત આવકમાંથી કર્યો.
જયંત શેઠે ધનંજય શેઠનો આ પશ્ચાતાપ જોઈને મનોમન શાંતિ મળ્યાનો અનુભવ કર્યો. સાથે સાથે જયંત શેઠે ધનંજય શેઠ અને વિશાલ શેઠને કંપનીને લગતી બધી જ કામગીરી સોંપીને પોતે રિટાયર્ડ થવાની તૈયારી પણ કરી લીધી.
-લેખક: સાગર.બી.ઓઝા
(મિત્રો, આ વાર્તાની શ્રેણી વિશે આપનાં પ્રતિભાવો આપ મને વોટ્સએપ પર પણ કહી શકો છો. મારો વોટ્સએપ નંબર : 94295 62982 છે. આશા છે કે આપને આ વાર્તા પસંદ આવી હશે. ભવિષ્યમાં પણ આવી વાર્તા લઈને આપની સમક્ષ હાજર થઈશ.)