વિચ્છેદ - પ્રકરણ - 2 Vedant Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિચ્છેદ - પ્રકરણ - 2

વિચ્છેદ

“તલાશ”

પ્રકરણ - ૨

PahiVed

ઓખા મરીન પોલીસ ચોકીમાં ખાસ ચહલ-પહલ નહોતી, હવાલદાર બહાર ખુરશી પર ઝોકાં ખાતો બેઠો હતો, છેલ્લા ત્રણ દિવસથી ઉપરા ઉપરી કરેલી નાઈટ ડ્યૂટીનું આ પરિણામ હતું. બે-ત્રણ સબ-ઇન્સ્પેક્ટર ચા ની ચુસ્કી લેતા બહાર કંપાઉન્ડમાં ગપશપ કરી રહ્યા હતા. ત્યાંજ સામેથી રસ્તો ઓળંગીને આવતા ફરીદા બહેન પર સબ-ઇન્સ્પેક્ટર રાઘવ જાડેજાની નજર પડી.

"આવી ગઈ પાછી પેલી ડોશી ફરિયાદ નોંધાવા!"

"કોણ છે એ જાડેજા?" ચૌહાણે પૂછ્યું.

"અરે છે કોઈ મછવારા ની મા, નજીકમાં પોર્ટ પાસે આવેલી ખોલીમાં રહે છે, એનો છોકરો લાપતા છે એની ફરિયાદ લઇને દર બીજા દિવસે અયા આવીને રોદણાં રોવે છે. આજે સવાર સવારમાં મગજનું દહીં કરશે. "જાડેજા એ કહ્યું.

"અરે ધીમે બોલો, આપડા પેલા સિદ્ધાંતવાદી પાટીલ સાહેબ અંદર જ બેઠા છે. એના કાને જો આપડી આવી વાતો પડશે ને તો આપડા બધાની છુટ્ટી થઇ જશે. "સાથે ઉભેલા સબ-ઇન્સ્પેક્ટર સોલંકીએ કહ્યું.

"આ પછાત વિસ્તારની બાયુંની આજ તકલીફ, એક તો એકેય વાત માં સમજે નય, ઉપરથી નાયા ધોયા વગરના હાયલા આવે, આજનો દિવસ આખું પોલીસે સ્ટેશન ગંધાશે, એક તો આજે કાળુંય નથી આવાનો સફાઈ કરવા. "ચૌહાણે મોં મચકોડતા જાડેજાની વાતમાં સુર પુરાવ્યો.

"આજે તો આ ડોશીને કેવું છે કે પેલા સફાઈ કરી નાંખ આખા પોલીસ ચોકીની પછી તારી બધી લવારી સાંભળીશ, આમ પણ એની પાસે આપણને આપવા માટે ફૂટી કોડીય નથી, અને કટકી લીધા વગર કોઈનું કામ કરું તો તો મારા ખાનદાનનું નામ લાજે, એટલે દામ નથી તો એના બદલામાં કામ તો કરવું જ પડશે". કહી જાડેજા ખડખડાટ હસ્યો. ત્યાં રહેલા બાકી બધા પણ એણે કરેલા વ્યંગ પર હસવા લાગ્યા. ત્યાં સુધીમાં ફરીદા બહેન અંદર આવી ચુક્યા હતા. ત્યાં ચાલતા ઠઠ્ઠા મશ્કરી પોતાના નામે જ થઇ રહ્યા છે એટલું સમજતા એને વાર ના લાગી. થોડીવાર એ ત્યાંજ સમસમીને ઉભા રહ્યા. એ વિચારતા રહ્યા, "શું બધા પોલીસવાળા આવા નપાવટ જ હશે?"

આજે તો સબ-ઇન્સ્પેક્ટર જાડેજા પોતાની ફરિયાદ નોંધશે એવી આશાએ ફરીદા બહેન એની તરફ મીટ માંડી રહ્યા, પરંતુ એ લોકો તો પોતાની મસ્તીમાં જ મસ્ત હતા. આખરે કંટાળીને તેમણે ઇન્સ્પેક્ટર ની ચેમ્બર તરફ જવા પગ ઉપાડયા.

થોડા દિવસ પહેલા જ બદલી થઇને આવેલા ઇન્સ્પેક્ટર ઇન્દ્રકાન્ત પાટીલ કોઈ કેસની ફાઈલ વાંચવામાં મગ્ન હતા, આ ઈમાનદાર અને ફરજનીષ્ઠ પોલીસ અફસરની અત્યાર સુધીમાં ઘણીવાર બદલી થઇ ચુકી હતી, તો પણ એ ક્યારેય પોતાની ફરજ ના ચુકતા, હંમેશા પોતાના કામથી જ મતલબ રાખતા ઇન્સ્પેક્ટર પાટીલને વખોડવાનો એક પણ મોકો તેમના સાથીદારો જતો ના કરતા, અલબત્ત તેમની પીઠ પાછળ જ!! એમની બરોબરી કરી શકે એવો ઇન્સ્પેક્ટર હજી સુધી તો આખા ડીપાર્ટમેન્ટમાં નહોતો.

ફરીદા બહેન ચેમ્બરનો દરવાજો હડસેલી અંદર દાખલ થયા, એમની નજર પાટીલ સાહેબ પર પડી. એકદમ પ્રમાણસર કાપેલા અને સફાઈથી ઓળેલા વાળ, માપસરનો ક્લીનશેવ્ડ ચહેરો, કસરતી શરીર અને એક પણ સળ વગરનો ઈસ્ત્રી ટાઈટ યુનિફોર્મ, બીજા બધા પોલીસ અફસર કરતા પાટીલ સાહેબ અલગ જ તરી આવતા હતા.

ત્યાંજ એમની પાછળ પાછળ સાહેબના ગુસ્સાથી પરિચિત હવાલદાર પણ હાંફળો-ફાંફળો થતો અંદર આવ્યો, આજે સવારે જ સાહેબ કહીને ગયા હતા કે જ્યાં સુધી પોતે અનુમતિ ના આપે ત્યાં સુધી કોઈ એ એની ચેમ્બરમાં પ્રવેશવું નહી, એ વાત યાદ આવતા જ હવાલદારે પોતાના બચાવમાં સફાઈ આપવાનું ચાલુ કર્યું, "બેનને મેં કીધું કે સાહેબ કામ માં વ્યસ્ત છે, પણ એમણે મારું કહ્યું સાંભળ્યું જ નહીં".

"સાહેબ કામ ખોટી કરી ને આવી છું, છેલ્લા અઠવાડિયામાં ચાર વાર ધક્કા ખાધા, દીકરો લાપતા છે તો મા ના જીવને ચિંતા તો થાય ને, મેં રાહ જોઈ કે આજે કોઈ મારી ફરિયાદ નોંધે પણ આ લોકોને મારા જેવી ગરીબડીની વાતમાં કે ફરિયાદ નોંધવામાં ક્યાંથી રસ હોય?! સાહેબ તમે કૈક કરોને. "ફરીદા બહેન આંખમાં આંસુ સાથે કરગરી પડયા.

ઇન્સ્પેક્ટર પાટીલ એમની સામે જોઈ રહ્યા. ઠેક ઠેકાણે થીગડાં મારેલા આછા આસમાની કલરના સલવાર ખમીસ પર નાંખેલી રાણી કલરની ઓઢણી એમણે પહેરેલાં ડ્રેસને પણ સારો કહેવડાવે એવી જર્જરીત અવસ્થામાં હતી. કાનમાં પહેરેલી વાળી, હાથમાંની સસ્તી કાચની બંગડીઓ, શેમ્પૂના અભાવે બરછટ થઇ ગયેલા વાળ, જમાનાની થપાટો ખાઈને રુક્ષ બની ગયેલો ચહેરો અને પગમાં પહેરેલા સ્લીપરની અનેકવાર સાંધેલી છતાં પણ ફરી તૂટી જવાના આરે આવેલી પટ્ટી ફરીદા બહેનની ગરીબીનો ચિતાર આપતા હતા.

પાટીલ સાહેબે હાંક મારીને સબ-ઇન્સ્પેક્ટર જાડેજાને બોલાવ્યો, એ દોડતો આવ્યો, "જી સાહેબ".

"આ બેન ફરિયાદ નોંધાવા માટે આવ્યા છે, તમારી ડયુટી માં આવે છે કે તમે એની ફરિયાદ સાંભળો નહિ કે સાથીદારો સાથે ગપશપ કરતાં કરતાં ચા ની ચુસ્કીઓ લગાવતા રહો, એટલા માટે આવો છો ડયુટી કરવા? આમ જનતાની પરેશાની દૂર કરવાના, એમને રક્ષણ માટેના જે શપથ લીધા હતા એ ખાલી નામના જ છે એવું જો તમે માનતા હો તો કાલથી ડયુટી પર આવવાની કોઈ જરૂર નથી, તમારા જેવા જ ભેગા મળી ને પોલીસનું નામ અને કામ બગાડવા પર તુલ્યા છે. " આકરા શબ્દોમાં ઇન્સ્પેક્ટર પાટીલે સબ-ઇન્સ્પેક્ટર જાડેજાને તતડાવી નાખ્યો. ફરીદા બહેન પાટીલ સાહેબને અહોભાવથી જોઈ રહ્યાં.

"હવે અહીં મુંડી નીચી કરી ને શું ઉભા છો? બહાર જાવ અને આ બેનની ફરિયાદ નોંધો. "

"જી સાહેબ", કહી જાડેજા ચેમ્બરની બહાર નીકળ્યો, એણે કરડાકીભરી નજરે ફરીદા સામે જોયું. જાડેજાને જોઈ બીજા સબ-ઇન્સ્પેક્ટર મૂંછમાં હસ્યા. જાડેજાએ હવાલદારને બોલાવી કેસ ફાઇલ કરવા માટે લખાણ કરવાનું કહ્યું અને પોતે પ્રારંભિક પૂછતાછ ચાલુ કરી.

"નામ?" સખ્તાઈથી જાડેજાએ પૂછ્યું.

"ફરીદા અબ્દુલ બુખારી. "

"છોકરાનું નામ?"

"આઝીમ અબ્દુલ બુખારી. " બોલતા ફરીદાના ગળે ડૂમો બાજ્યો.

"ઉંમર?"

"૧૬ વરસ" આઝીમનો ચહેરો એમની નજર સામે તરવરી ઉઠયો.

"બોલ, શું થયું છે?"

"મારો દીકરો છેલ્લા દસ દિવસ થ્યાં કામેથી પાછો નથી ફર્યો. "

"બાળ-મજૂરી કરવો છો છોકરા પાસે? શરમ નથી આવતી?"

"જેનો બાપ કમાતો નો હોય, દમથી પીડાતો હોય. મા ઘરકામ કરતી હોય. નાના ભાઈ-બહેન ના બધા ખર્ચા ઉભા હોય, એક સાંધે ત્યાં તેર તૂટે એવી ઘરની પરિસ્થિતિ હોય ત્યાં કયો છોકરો પેટિયું રળવા માટે મજૂરી ના કરે?!"

"એમ?? ૧૬ વરસના છોકરાને કામ કરવા મોકલી દયો છો તો એને કઈ જવાબદારીનું ભાન હોય?"

"સાહેબ, નાનપણમાં જ નાજુક કંધા પર તોળાતો જવાબદારીનો ભાર માણસને ઉંમર કરતાં જલ્દી જ પીઢ બનાવી દે છે. "

"એ શું કામ કરે છે ?"

"એ માછીમાર છે, ઓખા પોર્ટથી વહાણ લઈને માછલીયું પકડવા જાતો. દર વખતે તો માછીમારી કરી ને ચારથી પાંચ દી’માં આવી જાય છે. આ ટાણે દસ દી' થય ગ્યા હજી આયવો નથી "

" એકલો જ જાઈ છે કે સાથે કોઈ હોય છે ?"

"ના ના , એના ચાર-પાંચ દોસ્તારો સાથે મળી ને જ માછલી પકડવા જાઈ છે. "

"તો તને જ શું આટલી કીડીયું ચટકા ભરે છે ? બીજા કોઈ તો આવ્યા નથી ફરિયાદ નોંધાવા. "

"મારો આઝીમ મને બવ વા' લો છે. "કહી ફરીદા બહેન રોઈ પડયા.

"એય ચૂપ, રોવાધોવાના નાટક બધા બાર જઈ ને, બાકી બધા ને એના છોકરાવ દવલાં હશે શું? એવું લાગે છે તને?"

"આ બધા પાછા આવી ગ્યા છે, કાલે જ લાલુ મળ્યો તો. "

"હા તો પોલીસ તપાસ કરસે, એટલે બધું સામે આવી જાસે, દારૂ પી ને પડ્યો હશે ક્યાંક. "

જાડેજા સાથે જીભાજોડી કરવામાં કઈ સાર નથી એ વાત ની ફરીદાને તેની સાથેની વાતચીતથી ખબર પડી ગઈ હતી એટલે એ ચુપચાપ બેસી રહ્યા. જાડેજા એ પૂછતાછ પૂરી કરી, હવાલદારે બધું નોંધી લીધું.

"હવે શું છે?" ફરીદા બહેનને ત્યાંજ ઉભેલા જોઈને જાડેજાએ તોછડાઈથી પૂછ્યું.

"મોટા સાયબ ને મળવું છે." જાડેજા આગળ કઈ બોલે ત્યાંજ પાટીલ સાહેબ એની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા એટલે ફરીદા બહેન એમની પાસે જઈને આજીજીભર્યા અવાજે બોલ્યા, "સાયબ, જલ્દી કૈક તપાસ ચાલુ કારજોને, જીવ તાળવે ચોયટો છે, રાતે ઊંઘ નથી આવતી, કૈક અશુભ થ્યું હોય એવા ભણકારા વાયગા કરે છે. "

"બેન, તમે ચિંતા નહીં કરો. દરિયામાં માર્ગ ભટકયો હશે, આવી જશે પાછો, દરિયાઈ તોફાનનો પણ કઈ ભરોસો નહીં, હું પણ તમને મારાથી બનતી બધી મદદ કરીશ, આજથી જ તપાસ ચાલુ કરાવું છું " કહી ઇન્સ્પેક્ટર પાટીલે ફરીદા બહેનને ધરપત આપી રવાના કર્યાં, આંખમાં આવેલા આંસુને ઓઢણીથી લૂછતાં લૂછતાં એ બહાર નીકળ્યા.

***

રાતે હોસ્પિટલમાં અવિનાશના કાને કોઈનો અવાજ સંભળાયો, બે જણા વાત કરી રહ્યા હતા. લેબોરેટરી વાળા પાસેથી ખોટો રિપોર્ટ તૈયાર કરાવીને અવિનાશને ગંભીર બીમારી છે એવું દેખાડીને એને આર્થિક, શારીરિક અને માનસિક રીતે હેરાન કરવાનો તેઓનો વિચાર હતો. પોતાને આવી રીતે પરેશાન કરવા પાછળ કોનો હાથ છે એ જાણવા અવિનાશ કોટમાંથી ઉભો થયો, સારવાર કરતી નર્સ થાકને લીધે ઊંઘી ગઈ હતી, ધીમેથી રૂમનો દરવાજો ખોલી એણે કોરિડોરમાં નજર ફેરવી, બધું શાંત હતું, ત્યાંજ એણે કોઈ બે પડછાયાને પસાર થતા જોયા, બીજી કોઈ અવરજવર વર્તાતી નહોતી. આ લોકોને પકડવા કરતા હોસ્પિટલમાંથી ભાગી છૂટવું વધારે સારું એમ વિચારી અવિનાશ હળવેકથી કોરિડોર પસાર કરી એક્ઝીટ તરફ આગળ વધ્યો, રિસેપ્શન કાઉન્ટર પર નર્સ ઝોકા ખાતી બેઠી હતી.

એ ઝડપથી આગળ વધવા લાગ્યો ત્યાંજ એને કોઈનો પગરવ સંભળાયો, એને પાછળ ફરીને જોયું તો બે વોર્ડબોય એની તરફ આવી રહ્યા હતા. અવિનાશ દોડવા લાગ્યો, સામે મોટી બારી દેખાતી હતી, ત્યાંથી જમણા હાથે એક્ઝીટનું બોર્ડ માર્યું હતું, પણ અશક્તિના લીધે એ હાંફવા લાગ્યો હતો, માથામાં પણ સણકા બોલતા હતા, એટલે એણે બારી પાસે પહોંચી, બારી ઉઘાડી અને કોઈ કઈ સમજે અને એને રોકે એ પહેલાં જ અવિનાશે બારીમાંથી બહાર કૂદકો મારી દીધો. હોસ્પિટલના બીજા માળેથી નીચે પટકાતા જ એના મોઢામાંથી કારમી ચીસ નીકળી ગઈ.

અવિનાશને ચીસો પાડતા જોઈ ડયુટી પર રહેલી નર્સ દોડતી આવી અને એને ઢંઢોળવા લાગી, "મિસ્ટર અવિનાશ, મિસ્ટર અવિનાશ વ્હોટ હેપન્ડ?" અચાનક અવિનાશે આંખો ઉઘાડી, એ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો, બેબાકળા થઇ એણે આસપાસ નજર ફેરવી, એ પોતાના રૂમમાં જ હતો. એને હાશકારો થયો પરંતુ આવું ભયંકર સપનું જોઈને એ ધ્રુજવા માંડ્યો હતો, નર્સે એને શાંત પાડયો અને કોટમાં સુવડાવ્યો.

અવિનાશ પોતાને આવેલા વિચિત્ર સપના અંગે વિચારતો હતો કે કાશ! આ સપનું સાચું પડયું હોત તો કેવું સારું હતું, પોતાને આવી ગંભીર બીમારી જ ન હોત ને?! પરંતુ અત્યારે તો આ વરવી વાસ્તવિકતાને સ્વીકારવા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. અવિનાશના મોં માંથી નિસાસો સરી પડયો. ત્યાંજ એના કાને કોઈનો પગરવ સંભળાયો.

"હાઈ અવિ, શું યાર તું પણ, રજા જોતી જ હતી તો બીજું કંઈક બહાનું કાઢવું હતું ને, આમ બીમાર પાડવાની ક્યાં જરૂર હતી?" હોસ્પિટલના અવિનાશને રાખેલા રૂમમાં દેવેનનો અવાજ ગુંજી ઉઠયો. અવિનાશ એને જોઈ રહ્યો. ઊંચો, મજબૂત, ખડતલ બાંધો, કથ્થાઈ ભાવવાહી આંખો, હંમેશા હોંઠો પર રમતું સ્મિત, બધા ને મદદરૂપ થવાની ભાવના અને રમુજી સ્વભાવના લીધે દેવેન ઓફિસમાં બધાનો માનીતો હતો, એના આ સ્વભાવના લીધે જ અવિનાશને એની સાથે કામ કરવાની મજા આવતી અને ધીરે ધીરે બંને વચ્ચે સારી એવી મિત્રતાનો સંબંધ બંધાઈ ગયો હતો.

અવિનાશ કોટમાં બેઠો થયો, દેવેન નજીક આવીને એને ભેટી પડયો, સાથે લાવેલા અવિનાશને ગમતા સફેદ ગુલાબના ફૂલોના ગુલદાસ્તાને ટેબલ પર મુક્યો. એ જોઈ ને અવિનાશની આંખોમાં ચમક અને હોઠો પર સ્મિત ફરકયું. એ અવારનવાર દેવેનને કહેતો, "શ્વેત રંગ તો શાંતિ અને સુંદરતાનું પ્રતીક છે, એમાંય સફેદ ગુલાબની તો વાત જ નિરાળી છે. કોઈ ને આપવા માટે આનાથી ઉત્તમ, સુંદર અને સુવાસિત ભેટ તો બીજી કોઈ હોઈ જ ના શકે. "દેવેન ને એ વાત યાદ રહી ગઈ હતી અને આવી સુંદર 'ગેટ વેલ સૂન' ભેટ બદલ અવિનાશે એનો આભાર માન્યો.

***

ઇન્સ્પેક્ટર પાટીલે ફરીદાના લાપતા દીકરા આઝીમની તપાસ આદરવા માટે સૌથી પહેલા હવામાન ખાતામાં આ અંગે જાણ કરી, જરૂરી માહિતી મેળવી રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું અને કોઈ અગત્યના કામે બહાર ગયા. એ પરત ફર્યા ત્યાં સુધીમાં સબ-ઇન્સેપ્ક્ટર ચૌહાણે હવામાન ખાતામાં સંપર્ક કરી હવાલદારની મદદ લઇ માહિતી એકઠી કરીને રિપોર્ટ તૈયાર રાખ્યો હતો.

પાટીલ સાહેબનું અનુમાન સાચું પડ્યું. હવામાન ખાતામાંથી આવેલી માહિતી મુજબ છેલ્લા એક મહિનામાં કોઈ દરિયાઈ તોફાનો થયા નહોતા, આવનારા દિવસોમાં પણ દરિયાઈ તોફાનની સંભાવના ન્યુનતમ છે એવી આગાહી હવામાન ખાતાના ચીફ ઓફિસર રહીમ ખાને કરી હતી. પોતાના ક્ષેત્રમાં હંમેશા અવ્વલ રહેનારા આ ધુરંધર ઓફિસરે આ સાથે દરિયાઈ પવનની દિશા અને ઝડપ, ભરતી-ઓટના આવર્તન, દરિયામાં આવતા મોજાની ઊંચાઈ અને પ્રમાણ જેવી આવશ્યક અને ઉપયોગી માહિતી ગ્રાફ સાથે પૂરી પાડી હતી.

ઇન્સ્પેક્ટર પાટીલે વળતો ફોન કરી આવશ્યક અને ઉપયોગી માહિતી આપીને પોલીસને સહકાર આપવા બદલ ખાન સાહેબનો આભાર માન્યો.

હવે તપાસ આગળ વધારવા માટે એમણે મરીન ડીપાર્ટમેન્ટના કોસ્ટ ગાર્ડ તરીકે વર્ષોથી ફરજ બજાવતા મકવાણાનો સંપર્ક કર્યો. દરિયાઈ માર્ગે થતી દરેક હિલચાલ પર તેમની હંમેશા બાજ નજર રહેતી. એમણે પાટીલ સાહેબ પાસેથી લાપતા આઝીમની જરૂરી માહિતી મેળવી અને આઝીમનો ફોટો મેઈલ કરવાનું કહ્યું જેથી તપાસમાં સરળતા રહે.

ઇન્સ્પેક્ટર પાટીલે ફરિદાએ આપેલો આઝીમનો ફોટો સ્કેન કરીને મકવાણા સાહેબને મેઇલ કર્યો.

આ તરફ પાટીલ સાહેબનો મેઈલ આવતા જ મકવાણાએ ફોટો ડાઉનલોડ કર્યો. ફોટો ઓપન થયો, એ જોતા જ એમના ચહેરા પર આશ્ચર્ય મિશ્રિત ભાવો છવાઈ ગયા. મક્વાણા સાહેબના મોં માંથી ઉદ્દગાર સરી પડ્યો, "અરે! આ તો એ જ છોકરો છે , જેણે મને.... " બાકી ના શબ્દો એ ગળી ગયા.

વળતી જ પળે એમને પાટીલ સાહેબને ફોન જોડયો.

ક્રમશઃ

મિત્રો, પ્રકરણ-૨ અહીં સમાપ્ત થાય છે, કેવો લાગ્યો તમને નવલકથાનો આ બીજો ભાગ એ જરૂરથી જણાવશો, તમારા દરેક સૂચનો આવકાર્ય છે. ત્રીજો ભાગ ટૂંક સમયમાં જ પ્રકાશિત કરીશું.

અને હા મિત્રો, પહેલાં ભાગને વાંચીને રેટ અને રિવ્યૂ આપવા બદલ આપ સહુનો ખુબ ખુબ આભાર. હવે બીજા ભાગને પણ રેટ અને રિવ્યૂ કરવાનું ભૂલશો નહીં...