વિચ્છેદ - પ્રકરણ - 3 Vedant Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 104

    ભાગવત રહસ્ય-૧૦૪   દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો...

  • ખજાનો - 71

    "ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિ...

  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

શ્રેણી
શેયર કરો

વિચ્છેદ - પ્રકરણ - 3

વિચ્છેદ

“ સંશય ”

પ્રકરણ - 3

PahiVed

વિચ્છેદના પ્રકરણ-૨ માં આપણે જોયું હતું કે...

ફરીદા એના લાપતા દીકરા આઝીમની ફરિયાદ નોંધાવા માટે ઓખા મરીન પોલીસ ચોકીમાં આવી. ઇન્સ્પેક્ટર પાટીલના હુકમથી સબ ઇન્સ્પેક્ટર જાડેજાએ ફરિયાદ નોંધી અને રિપોર્ટ ફાઈલ કર્યો. બીજી બાજુ અવિનાશે હોસ્પિટલમાં રાતે વિચિત્ર સપનું જોયું, એ ભયંકર સપનું જોઈને એ ગભરાઈ ગયો હતો, ડ્યૂટી પર રહેલી નર્સે એને શાંત પડ્યો. સવારે એને મળવા દેવેન આવ્યો જે ઑફિસમાં અવિનાશનો સહકર્મી હતો. ઇન્સ્પેક્ટર પાટીલે લાપતા આઝીમની તપાસ આદરી. સૌપ્રથમ એમણે હવામાન ખાતાના ચીફ ઓફિસર રહીમ ખાન અને ત્યારબાદ મરીન ડિપાર્ટમેન્ટના કોસ્ટ ગાર્ડ મકવાણાનો સંપર્ક કરી આઝીમની જરૂરી માહિતી એના ફોટો સાથે ઇ-મેઇલ કરી. ઇન્સ્પેક્ટર પાટીલે મોકલાવેલ આઝીમનો ફોટો જોઈ મકવાણાને કંઈક યાદ આવ્યું.

હવે આગળ...

અવિનાશને મળીને દેવેન ડૉ. પંડયાની ચૅમ્બરમાં પ્રવેશ્યો. અવિનાશની બાબતમાં ડૉ. પંડયા દેવેનને કંઈક પૂછવા માંગતા હતા.

"યસ યંગમેન, તો તમે અવિનાશને કેટલા સમયથી ઓળખો છો?"પંડયાસાહેબે ફાઈલ બંધ કરી અને એમના સોનેરી ફ્રેમના ચશ્માને બાજુ પર રાખતાં પૂછ્યું

"બે-ત્રણ વર્ષથી. "દેવેને મનોમન ગણતરી કરીને કહ્યું. "ઓફિસમાં અમે બંને સાથે જ કામ કરીએ છીએ. " દેવેને વધુ માહિતી ઉમેરતાં કહ્યું.

"આ પહેલાં અવિનાશ ને કોઈ ગંભીર બીમારી થઇ હોઈ એવું તમારા ધ્યાનમાં આવ્યું છે?"ડૉ. પંડયાએ દેવેનને અવિનાશની હિસ્ટ્રી પૂછી.

"વાતાવરણના બદલાવને લીધે થતાં સામાન્ય શરદી-તાવ અને ક્યારેક માથાના દુખાવાથી વધારે ક્યારેય અવિનાશને કંઈ થયું હોઈ એવું મારી જાણમાં આવ્યું નથી. અવિનાશની બીમારી એટલી બધી ગંભીર છે?" દેવેને ઉચાટભર્યા સ્વરે પૂછ્યું.

"બીમારી તો ગંભીર છે કારણકે સ્વાદુપિંડની ગાંઠ સહેજ મોટી છે. "પંડયાસાહેબે દેવેનને અવિનાશની બીમારી વિશે વાકેફ કર્યો.

"ઈલાજ તો શક્ય છે ને ડોકટર?" દેવેને ચિંતિત સ્વરે પૂછ્યું.

"હા ઈલાજ શક્ય છે. એની પ્રાથમિક સારવાર તો ચાલુ કરાવી દીધી છે પરંતુ કેમોથેરાપી અને રેડિએશનના સેશન પણ વહેલી તકે ચાલુ કરવા પડશે, બાકી ગાંઠ વધુ વકરતી જશે. " ડૉ. પંડયાએ એટલું કહી આગળ પૂછ્યું"અવિનાશના પરિવારમાં કોણ કોણ છે?"

"અવિનાશના માતા-પિતા નથી એવું એણે ઘણા સમય પહેલા મને જણાવ્યું હતું પછી ક્યારેય એ બાબતે અમારી વચ્ચે વાત થઇ નથી. એનો એક કઝીન છે જે દિલ્હીમાં જોબ કરે છે પરંતુ વ્યસ્તતાના લીધે તેઓ વચ્ચે મળવાનું ભાગ્યેજ બને. "

"અવિનાશની આગળની સારવાર ચાલુ કરતાં પહેલા કન્ફરમેશન માટે જવાબદાર વ્યક્તિની સહી જરૂરી છે. "કહી પંડયાસાહેબે દેવેન સામે જોયું.

"સાહેબ હું સહી કરવા તૈયાર છું, અવિનાશની સારવાર દરમિયાન તમામ જવાબદારી હું લઈશ. "

દેવેન આ બાબતની ગંભીરતા સમજતો હતો એટલે એણે ગદગદ સ્વરે કહ્યું.

ત્યાં જ ડૉ. પંડયાનો મોબાઇલ રણક્યો, એમણે કોલ રિસિવ કર્યો અને વાત કરવા લાગ્યા. દેવેને ચૅમ્બરમાં નજર ફેરવી. બધી જ વસ્તુઓ સુઘડતાથી ચોકસાઈપૂર્વક ગોઠવાયેલી હતી.

એક આખી દીવાલ પર સાગ અને સીસમના લાકડાંની સુંદર કોતરણી કરેલો, પારદર્શક કાચ ધરાવતો કબાટ હતો જે શિલ્ડ, મેડલો, ડિગ્રી અને અન્ય સર્ટિફિકેટસથી ભરચક હતો અને ડૉ. પંડયાની નિપુણતાનું બયાન આપતાં હતા. બીજી દીવાલ પર નામાંકિત વ્યક્તિઓ સાથે પડાવેલી તસવીરોને યાદગાર બનાવતી ફ્રેમ્સ ઝૂલતી

હતી. ચૅમ્બરમાં પંડયાસાહેબની કરિયર અને પ્રોફેશનલ લાઈફનું સુંદર ચિત્ર અંકિત થતું હતું. તો બીજી બાજુ ફ્રેન્ચ વિન્ડોની પેલે પાર રહેલાં, હવાની લહેર સાથે જુગલબંધી કરતાં, ગુલાબ-મોગરાના નાજુક ફૂલો પંડયાસાહેબનો પ્રકૃતિ પ્રત્યેનો સ્નેહ દર્શાવતા હતા. બહારની તરફથી અંદર આવતી મનીવેલ પણ યોગ્ય રીતે જાળવણીપૂર્વક ઓપ આપીને ગોઠવેલી હતી, જે ચૅમ્બરની સુંદરતામાં વધારો કરતી હતી.

દેવેન ડૉ. પંડયા સામે અહોભાવથી જોઈ રહ્યો. એમણે વાત પૂરી કરી દેવેન સામે સ્મિત કરતાં કહ્યું, "મિ. દેવેન મારો ઓ. પી. ડી. માં જવાનો સમય થઇ ગયો છે, અવિનાશના ડિસ્ચાર્જ પેપર્સ તૈયાર છે, થોડીવારમાં એને ડિસ્ચાર્જ કરવામાં આવશે. તમે એને ઘરે મળવા જતા રહેજો. ક્યારેક સ્વજનની હૂંફ દવા કરતાં વધુ અસરકારક નીવડતી હોય છે. "

"જી સાહેબે. "કહી દેવેન પંડયાસાહેબની ચૅમ્બરમાંથી બહાર નીકળ્યો.

દેવેન અવિનાશને લઈને ઘરે આવ્યો, અવિનાશ જાણે વર્ષો પછી પોતાના ઘરે આવતો હોય એવું એને લાગ્યું, બંને દીવાનખંડમાં બેઠાં, દેવેને અવિનાશને આરામ કરવાનું કીધું, અવિનાશ જરા આડો પડયો ત્યાંજ એના મોબાઈલ માં 'બીપ-બીપ' થયું, કોઈનો મેસેજ આવ્યો હતો, એ વાંચીને અવિનાશના કપાળે પરસેવો વળવા લાગ્યો.

દેવેને પૂછ્યું કે, "કોનો મેસેજ છે?"તો અવિનાશે કહ્યું, "કંપની વાળનો. "પરંતુ હકીકતમાં તો એ મેસેજ કોનો છે એ વાત એ દેવેનને કહી શકે એમ નહોતો. દેવેને ઉભા થઈને અવિનાશને પાણી આપ્યું, થોડીવાર એ ત્યાં બેઠો પછી અવિનાશને આરામ કરવાનું કહી ઓફિસે જવા નીકળી ગયો.

એકલો પડેલો અવિનાશ મનોમન વિચારવા લાગ્યો, "શું આ બધી મારા કરેલા કર્મોની સજા હશે?" અને એનું મન અતીતની સફરે વિહરવા લાગ્યું અને તેણે કરેલાં કર્મોના લેખાં-જોખાં કરવા લાગ્યું.

***

ફરીદાના હૈયાફાટ રુદનથી આખા મહોલ્લામાં ગમગીની છવાઈ ગઈ. આઝીમના મૃતદેહને વળગીને વલોપાત કરતી ફરીદાને જોઈ ત્યાં હાજર સહુ કોઈની આંખો આંસુથી છલકાઈ ઉઠી. આઝીમના પિતા અબ્દુલ ભાઈ ફરીદા અને બાળકોને લઇ ચોગાનમાં ઉભા હતા, એમની આંખોમાંથી આંસુ વહ્યા જતાં હતા. હજુ માંડ યુવાનીમાં ડગ માંડનાર આઝીમ મહોલ્લામાં બધાંને વહાલો હતો, સમજદાર પણ એવો અને પાછો કહ્યાગરો પણ ખરો, એટલે એને અંતિમ વિદાઈ આપવા બધા લોકો બહાર આવીને ઉભા હતા. આઝીમના નાના ભાઈ-બહેન પોતાના મોટા ભાઈના આ અણધાર્યા મૃત્યુથી ડઘાઈ ગયા હતા, તેઓ આઝીમના નિર્જીવ દેહને હાથથી ઉઠાડવાની કોશિશ કરી રહ્યા હતા, એ નાના ભૂલકાંઓને કોણ સમજાવે કે એમનો ભાઈ હવે આ ફાની દુનિયા છોડીને એમનાથી બહુ દૂર ચાલ્યો ગયો છે.

આખરે આઝીમના મૃતદેહને દફન વિધિ માટે લઇ જવામાં આવ્યો. "આ... આ... આ... . ઝીમ, મારા દીકરા... . "કહી ફરીદાબહેને એની તરફ દોટ મૂકી. આ દ્રશ્ય પથ્થરને પણ પીગળાવી દે એવું હૃદયદ્રાવક હતું.

***

આઝીમના મૃત્યુના થોડા દિવસો બાદ ફરીદાબહેન પોલીસ ચોકીએ આવ્યા. પોલીસીચોકીનું બધું કામ રાબેતા મુજબ ચાલી રહ્યું હતું.

"શું લખ્યું'તુ તે રિપોર્ટમાં?"ઘાંટો પાડીને ફરીદાએ જાડેજાને પૂછ્યું. થોડી પળ માટે તો જાડેજા ડઘાઈ ગયો.

"મ મ મેં તો જે હતું એજ લખ્યું'તુ, આઝીમે આત્મહત્યા કરી છે. " સબ ઇન્સ્પેક્ટર જાડેજા સહેજ થોથવાતા બોલ્યો.

"મારો છોરો એટલો બધો કાયર નો'તો કે એ આવું પગલું ભરે, ગમે એવી કપરી વેળાએ પણ એ હિમ્મતથી સમજદારીપૂર્વક કામ લેતો. સાચું કે સુ થયું 'તુ મારા આઝીમને"ફરીદાબહેન દાંત કચકચાવીને બોલ્યા.

"સાચું જ કવ છું બેન, પોર્સ્ટમોટોમ રિપોર્ટ પણ જોઈ લો તમે. " જાડેજા નરમાશથી બોલ્યો, એ આજે ફરીદાનું આ રૂપ જોઈ ડરી ગયો હતો, ત્યાંજ ફરીદાએ સાડીમાં છુપાવેલો છરો બહાર કાઢયો. જાડેજા ભયભીત થઇ પાંચ-છ ડગલાં પાછળ ખસી ગયો.

ફરીદાબહેન પોતાની જ તરફ છરો હુલાવતાં બોલ્યા, "જે સાચી હકીકત છે એ કય દયો બાકી અત્યારેજ હું આ છરાથી મારી પર જ વાર કરી આત્મહત્યા કરી લઇસ. "

ફરીદાનું આ રણચંડી રૂપ જોઈ ત્યાં હાજર બધાં ડરી ગયા હતા, શું બોલવું એ કોઈ ને કઈ સમજાતું નહોતું, ત્યાંજ શોરબકોરના અવાજથી પાટીલસાહેબ પોતાની કેબિનમાંથી બહાર આવ્યા. પળવારમાંજ એ મામલો પારખી ગયા, એમણે ત્યાં હાજર મહિલા પોલીસને ઈશારો કરી ફરીદાબહેનને સંભાળવાનું કહ્યું અને તેમને સમજાવટભર્યા સૂરે કહ્યું,

"બહેન તમે શાંત થાઓ, આવી રીતે કોઈ વાતનું નિરાકરણ નહિ નીકળે, તમે અંદર આવીને શાંતિથી બેસો, હું તમને વિગતવાર બધું કહું છું. "

ફરિદાબહેનને ઇન્સ્પેક્ટર પાટીલની વાતમાં કંઈક તથ્ય લાગ્યું એટલે એ પાટીલસાહેબની કેબિનમાં જઈને બેઠા.

પાટીલસાહેબે હવાલદારને કહી પાણીનો ગ્લાસ મંગાવ્યો, ફરીદાબહેને બે ઘૂંટડા પાણી પીધું. એમની આંખમાં આંસુ તગતગી ઉઠયા, "સાહેબ મારો આઝીમ ક્યારેય આત્મહત્યા ના કરે. " એટલું બોલતાં એમના ગળે ડૂમો ભરાયો.

"બહેન હું વિગતવાર તમને આખી કથની કહું છું. "કહી પાટિલસાહેબે વાત કહેવાનું ચાલુ કર્યું.

"તમે આઝીમના લાપતા હોવાનો રિપોર્ટ લખાવીને ગયા ત્યારબાદ અમે તપાસ આરંભી હતી. આઝીમના બધા દોસ્તારો જે એની સાથે માછીમારી કરવા જતા એ લોકોના કહેવા મુજબ એ દિવસે આઝીમ બોટ લઇને આગળ નીકળી ગયો હતો. ત્રણ-ચાર દિવસમાં એ લોકો પરત ફર્યા હતા પરંતુ ત્યાં સુધી પણ આઝીમ આવ્યો નહોતો એટલે એ લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા.

ત્યારબાદ અમે ઓખા પોર્ટ પર ફરજ બજાવતાં કોસ્ટ ગાર્ડ મકવાણાનો સંપર્ક કરી આ બાબતે પૂછપરછ કરી હતી, તેમને આઝીમનો ફોટો પણ ઇ-મેઇલ કર્યો હતો. એમના કહેવા મુજબ એમણે આઝીમને સવારે દરિયાકિનારે કોઈ વ્યક્તિ સાથે પૈસાની રક્ઝક કરતાં જોયો હતો, તે બંને વચ્ચે થોડી હાથાપાઇ પણ થઇ હતી, છેવટે મકવાણાએ જઈને મામલો થાળે પાડયો હતો, એટલે એમને આઝીમનો ચહેરો યાદ રહી ગયો હતો.

પછી અમે એ વ્યક્તિ કે જેની સાથે આઝીમને સવારે ઝગડો થયો હતો એની શોધખોળ કરી. એ મળી જતા એને રિમાન્ડ પર લીધો. એનું નામ કરીમ હતું, એ ઘણા માછીમારોને ઉછીના પૈસા આપતો. એણે આઝીમને પણ પૈસા આપ્યા હતા, મુદ્દત પૂરી થતા સુધીમાં આઝીમે પૈસા પરત નહોતા કર્યાં એ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જયારે અમે પૂછ્યું ત્યારે કરીમે કહ્યું કે, "હું એની પાસેથી મારા પૈસા માંગતો હતો અને એણે કહ્યું પણ ખરા કે એ બે-ત્રણ દિવસમાં રૂપિયા આપી દેશે એટલે પછી હું ત્યાંથી ચાલતો થયો અને એ કામે જવા રવાના થયો. એનાથી વિશેષ હું કંઈપણ જાણતો નથી. "પછી અમે કરીમની પણ તપાસ કરાવી, એ ક્યારેય ખોટા કામમાં સંડોવાયો નહોતો એટલે અમે એને છોડી મુક્યો.

આઝીમના દોસ્તના કહેવા મુજબ એની પાસે મોબાઈલ હતો એટલે અમે તરત જ મોબાઈલની કોલ ડિટેઈલ્સ અને મોબાઈલના લાસ્ટ લોકેશનની હિસ્ટ્રી કઢાવી. એ મુજબ આઝીમનું લાસ્ટ લોકેશન ઓખા પોર્ટથી વીસ કિ. મી. દૂર, દરિયાકિનારે આવેલા એક ગામડાનું મળ્યું હતું.

ત્યારબાદ અમે એ ગામડાની લોકલ પોલીસ ચોકીને આ અંગે બધી વાત કરી તપાસ કરવા જણાવ્યું. એમણે આખા ગામમાં, દરિયાકિનારે બધે તપાસ કરી. આખરે તેઓને આઝીમનો મૃતદેહ દરિયામાં રહેલી એક બોટમાં મળ્યો, કાગડાં એના મૃતદેહની આજુબાજુ મંડરાતા હતા. મેં અહીંથી પોલીસની એક ટુકડી ફોરેન્સિકના બે માણસો સાથે મોકલી.

ત્યાં પહોંચીને તેઓએ સૌથી પહેલા આઝીમના મૃતદેહના ફોટા પાડયા. એના એક હાથમાં છરો હતો, જેના વડે એણે એના કાંડાની નસ કાપી નાંખી હતી, ઘણું લોહી વહી ચૂક્યું હતું. ફોરેન્સિક ટીમે પુરાવા હાથ ધર્યા હતા.

આ બધી આઝીમની વસ્તુઓ તમને સુપરત કરવાની છે, ફરીદાબહેને એક નજર ફેરવી. એમાં આઝીમની

એક ઘડિયાળ, એને પહેરેલ કપડાં, પગના સ્લીપર, માછલી પકડવાની જાળ જેવી વસ્તુઓ હતી. ઘડિયાળને જોતાજ એમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. એ પાટીલસાહેબને કહેવા લાગ્યા

, "આ ઘડિયાળ તો મારા આઝીમે પૈસા ભેગા કરીને થયેલી બચતમાંથી લીધી હતી, એને એ બવ ગમતી. " એટલું કહેતા એમને ગળે ડૂમો ભરાયો.

"બહેન જનારને કોણ રોકી શકે છે, આ બધું તો ઈશ્વરના હાથમાં છે, જે થવા કાળ હોઈ એ થઈને જ રહે છે, આપડા જેવા પામર જીવ એમાં કરી પણ શું શકે?"પાટીલસાહેબ આશ્વાસન આપતાં બોલ્યા.

કિંમતી જણસ હોય તેમ ફરીદાએ બધી વસ્તુઓ કાળજીપૂર્વક સાથે લીધી અને એ બહાર નીકળ્યા.

આ બાજુ ઇન્સ્પેક્ટર પાટીલના મગજમાં આઝીમની ઘડિયાળ 'ટીક ટીક' કરતી હતી. એમને ફરીથી બધા ફોટો એક એક કરીને ચોક્સાઈથી જોયા, આઝીમનો ઘડિયાળ પહેરેલો હાથ ફરી ફરીને ફોટામાં જોવા લાગ્યા અને એના દિમાગમાં ઝબકારો થયો.

એમણે તત્કાળ જઈને આઝીમના દોસ્ત લાલુને બોલાવી લાવવા માટે હવાલદારને કહ્યું. હવાલદાર એ લોકોની વસ્તીમાં જઈને લાલુની ખોરડી પાસે પહોંચ્યો, હમણાં જ હજુ લાલુ કામેથી પરત ફર્યો હતો, હવાલદારને જોઈ એ સહેજ ગભરાઈ ગયો, હવાલદારે એને કહ્યું, "પાટીલસાહેબને તારું કૈક કામ છે, ચાલ પોલીસ સ્ટેશને. " બંને પોલીસે સ્ટેશને પહોંચ્યા, પાટીલસાહેબ રાહ જોઈને જ બેઠાં હતાં.

એમણે પૂછપરછ આરંભી, "તું અને અઝીમ સાથેજ જતાં હતા બોટ લઇને, ખરું ને?"

"હા સાયબ", લાલુએ ડરતાં ડરતાં જવાબ આપ્યો.

"તને ખબર હશે ને કે જયારે આઝીમ માછલીને પકડવા દરિયામાં જાળ ફેંકતો ત્યારે એ ક્યાં હાથનો ઉપયોગ કરતો?" ઇન્સ્પેક્ટર પાટિલના આવા અણધાર્યા સવાલથી લાલુ વિચારમાં પડી ગયો.

"સાયબ એવું તો બવ ધ્યાન ક્યારેય ગયું નથી પણ તોય એ મારાથી ઉલટો હાથ વાપરતો એટલે અમે બેય ઘણીવાર ગમ્મત ખાતર એકસાથે બાજુ બાજુમાં ઉભા રય ને સાથેજ જાળ ફેકતાં અને જોતાં કે કોનામાં વધુ માછલિયું પકડાય છે, અને પછી..... "લાલુ એની ધૂનમાં બોલ્યે જતો હતો.

"તો તું ક્યાં હાથે જાળ ફેંકે છે?" પાટીલસાહેબ એને અધ્વચ્ચે અટકાવતાં બોલ્યા.

"હું જમણા હાથે. " કહી લાલુએ સંકેતમાં જમણો હાથ બતાવ્યો.

પછી કંઈક યાદ કરતાં બોલ્યો, "સાયબ જયારે અમે સમય હોય ત્યારે કોઈ રમત રમતાં ત્યારે પણ એ મોટા ભાગે ઉલટો હાથ જ વાપરતો, દડો પણ એ ડાબા હાથે ફેંકતો, રાશન કાર્ડમાં સહી પણ ડાબા હાથે કરતો. "

"ઠીક છે. તું હવે જા. " કહી ઇન્સ્પેક્ટર પાટીલે લાલુને રવાના કર્યો. એ કંઈક વિચારવા લાગ્યા. થોડીવાર પછી એણે સબ ઇન્સ્પેક્ટર જાડેજાને બોલાવ્યો.

જાડેજાએ આવીને સલામ કરી એટલે પાટીલસાહેબે એને ત્યાં રાખેલ પેપર વેઈટ ઉપાડવાનું કહ્યું, જાડેજાને થોડી નવાઈ તો લાગી પણ એણે ઇન્સ્પેક્ટર પાટીલે કહ્યું એ પ્રમાણે કર્યું.

ઇન્સ્પેક્ટર પાટીલે પછી એને પૂછ્યું, "તે કેમ આ હાથે જ પેપર વેઈટ ઉપાડ્યું?"

"સાહેબ, એ મારો જમણો હાથ હતો અને હું જમોણી છું એટલે મારાથી અનાયાસે જમણા હાથનો જ ઉપયોગ વધારે થાય છે, એ હાથેથી કામ કરવા હું ટેવાઈ ગયો છું પણ સાહેબ તમે કેમ આવું બધું પૂછો છો?"સબ ઇન્સ્પેક્ટર જાડેજાને કંઈ સમજાતું નહોતું એટલે એણે પાટીલસાહેબને પૂછ્યું.

"એ હું તને પછી કહીશ" કહી પાટીલસાહેબ ફરી કંઈક વિચારવા લાગ્યા. જાડેજા કેબીનમાંથી બહાર નીકળ્યો.

"એનો મતલબ કે આઝીમ ડાબા હાથે જાળ ફેંકતો, એ ડાબોડી હતો. એટલા માટે એ ડાબા હાથનો ઉપયોગ દરેક કામમાં વધારે કરતો અને તેથી એ જમણા હાથમાં ઘડિયાળ પહેરતો હતો, તો પછી એ જમણા હાથમાં છરો લઈને ડાબા હાથની નસ કઈ રીતે કાપી શકે?" ઇન્સ્પેક્ટર પાટીલ મનોમન તાળો મેળવતા ગયા એમ એમ એમના મનમાં રહેલાં શંકાના વાદળો દૂર થતાં ગયા અને એ નતીજા પર પહોંચ્યા કે, "આઝીમનું ખૂન થયું છે, કોઈએ એનું ખૂન કરીને એને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

"પરંતુ શા માટે કોઈ આઝીમનું ખૂન કરે?આઝીમનું ખૂન કરીને કોઈને શું મળવાનું હતું?" તે પ્રશ્નો હજુ ઇન્સ્પેક્ટર પાટીલના મનમાં ઘુમરાતા હતા.

ક્રમશઃ

મિત્રો, પ્રકરણ-૩ અહીં સમાપ્ત થાય છે, કેવો લાગ્યો તમને નવલકથાનો આ ત્રીજો ભાગ એ જરૂરથી જણાવશો, તમારા દરેક સૂચનો આવકાર્ય છે. ચોથો ભાગ ટૂંક સમયમાં જ પ્રકાશિત કરીશું.

અને હા મિત્રો, બીજા ભાગને વાંચીને રેટ અને રિવ્યૂ આપવા બદલ આપ સહુનો ખુબ ખુબ આભાર. હવે ત્રીજા ભાગને પણ રેટ અને રિવ્યૂ કરવાનું ભૂલશો નહીં...