મધ્યરાત્રિએ બે વાગ્યા ના સુમારે પેડક રોડ પર થી પસાર થતી એમ્બ્યુલન્સ ની સાઇરને થોડીવાર માટે તો નિઃશબ્દ શાંતિ ને ચીરી રાત્રિની નીરવતા ને ભયજનક બનાવી દીધી.રસ્તા ની કોરે સૂતેલા, મેલાઘેલા કપડાં પહેરેલા, આખા દિવસ ની કાળી મજૂરી કરીને બીજા દિવસ ની ચિંતા માં જંપી ગયેલા અર્ધભૂખ્યા મજૂરોના પરિવારને થોડી વાર માટે તો થથરાવી દીધા, પરંતુ રોજબરોજના મધ્યરાત્રિના અવાજોથી ટેવાયેલા એમના દિમાગ બીજી પળે તો પાછા નિંદ્રાધીન થઇ ગયા. રાત્રે મહાનગરની સડક પર સૂતેલા ગુરખાસમાન કુતરાઓ પણ સાઇરનના અવાજથી થોડી વાર પાછળ દોડ્યા , પરંતુ આ એમ્બ્યુલન્સ તો યમરાજના દ્વારે પહોંચવાની સીડી છે તેવું બ્રહ્મજ્ઞાન થતા તરત જ પાછા વળી પોતાના યથાસ્થાને ગોઠવાઈ ગયા.
એમ્બ્યુલન્સ વૉકહાર્ડ્ટ હોસ્પિટલના પ્રાંગણામાં પ્રવેશતા જ વોર્ડબોય દોડતા આવ્યા. દર્દીને સુવડાવેલા સ્ટ્રેચેરને બહાર ખેંચી ઇમરજન્સી વોર્ડ તરફ જવા લાગ્યા. સાથે કોઈ સગાં-સંબંધી નહોતા એટલે દર્દીના ગજવામાંથી મળેલા ડ્રાઇવિંગ લાઇસન્સ અને સેલફોન ના આધારે એક નર્સ ફોર્માલિટીસ પૂરી કરવા માટે હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર તરફ વળી. આજે નાઈટ ડયુટી પર મિસ ડિસોઝા હતા. આધેડ ઉંમરના, જીવનની તડકી-છાંયડી જોઈ ચૂકેલા આ નર્સની કરુણા નીતરતી આંખો અને હંમેશા હોઠો પર રમતું સ્મિત દર્દીઓના સગાં-વહાલાંઓને ધરપત આપતું. અત્યારે પણ તેમની ઊંઘરેટી આંખો તેમના થાકનું બયાન કરતી હતી, પરંતુ ફરજપરસ્ત મિસ ડિસોઝાએ નર્સ ને સંકોચ ના થાય એટલા માટે સામેથી જ પૂછ્યું, "સ્વીટી, એની ઇમર્જન્સી?" નર્સ પણ આ સમયે મિસ ડિસોઝાને તકલીફ દેવા બદલ થોડી અવઢવમાં ઉભી હતી. ત્યાં જ કોરીડોરમાંથી ડોક્ટરને પસાર થતા જોઈ ઉતાવળે પગલે ઇમર્જન્સી વોર્ડ તરફ ગઈ.
નર્સ ના ગયા પછી મિસ ડિસોઝાએ ફોર્મ ભરવા માટે ડ્રાઇવિંગ લાઈસન્સ પર નજર નાખી,'અવિનાશ શર્મા' નામ વાંચી એને ટાઇપ કર્યું,જન્મ તારીખ ની સામે લખ્યું - ૧/૨/૧૯૮૩.મનોમન ગણતરી કરી,અવિનાશની ઉંમર પાંત્રીસ આસપાસ થતી હતી.બ્લડગ્રુપ પર નજર પડતાં જ મિસ ડિસોઝાના મનમાં ખતરાની ઘંટડી વાગી.અવિનાશનું બ્લડગ્રૂપ હતું "O -ve", રેર બ્લડગ્રૂપમાં આવતાં આ બ્લડનો બ્લડબેન્ક માં પણ સ્ટૉક ઓછો રહેતો,અવિનાશ માટે તેમના મનમાં કરુણાભાવ જાગ્યો,એમણે મનોમન બે હાથ જોડી ઈશ્વરને પ્રાર્થના કરી.
આ બાજુ ઇમર્જન્સી વોર્ડમાં અવિનાશને પ્રાથમિક સારવાર આપી રહેલાં આસિસ્ટન્ટ ડોક્ટરો અને નર્સ ડૉ.પંડ્યા ના આવવાની પ્રતીક્ષામાં વારે વારે કોરિડોર તરફ જોઈ લેતા હતા.ત્યાં જ ડૉ.પંડ્યા ના ચિરપરિચિત અવાજે અને લયબદ્ધ બૂટનાં પગલાંએ બધાનું ધ્યાન ખેંચ્યું.
સાંઠી વટાવી ચૂકેલા ડૉ.પંડ્યા ની ચાલમાં આ ઉંમરે પણ ગજબની સ્ફૂર્તિ વર્તાતી હતી.હંમેશની મુજબ બધા તરફ સ્મિત ફરકાવી અવિનાશને તપાસવા આગળ વધ્યા.એના કાંડાને હાથમાં લઇ રગ પર હાથ મૂકયો,આંખના પોપચાંને ઊંચા કરી ટોર્ચનો પ્રકાશ ફેંક્યો,પરંતુ કોઈ પ્રકારની ખાસ હલચલનો આભાસ ના થયો.એમણે નર્સ પાસે અવિનાશ ની ફાઈલ માંગી.થોડીવાર પહેલાં જ જરૂરી બધા ફોર્મ ભરી ને તૈયાર કરેલી ફાઇલ મિસ ડિસોઝાએ મોકલાવી હતી.ફાઈલમાં રહેલી એક એક માહિતી પર ડૉ.પંડ્યા ની નજર ફરી વળી.સાથોસાથ હૃદયના ધબકારાની ગતિ ને માપવા અવિનાશ ની છાતી પર સ્ટેથોસકોપ મૂક્યું.
અવિનાશ ને હોસ્પિટલમાં લાવ્યા ને કલાક વીતી ચુક્યો હતો,છતાં પણ એના શરીરમાં કોઈ પણ પ્રકારની હલનચલન વર્તાતી નહોતી.ડૉ.પંડ્યા એ એમના સોનેરી ફ્રેમનાં ચશ્માને બાજુના ટેબલ પર મૂકી,બે-ત્રણ મિનિટ મનોમંથનમાં વિતાવી.પોતાના 'ક્વિક ડીસીશન' માટે જાણીતા ડૉ.પંડ્યા એ અવિનાશ ને આઈ.સી.યુ. માં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો.
છેલ્લાં પાંચ વરસથી વૉકહાર્ડ્ટ હોસ્પિટલમાં ડૉ.પંડ્યા ના મદદનીશ તરીકે ફરજ બજાવતા ડૉ.પટેલ થોડા સમય પહેલા જ અમેરિકાથી ફેલોશિપ કરીને આવ્યા હતા.એમના ક્ષેત્રમાં નિપુણ એવા ડૉ.પટેલ પંડ્યા સાહેબનો કોલ આવતા જ એપ્રોન પહેર,ગળામાં સ્ટેથોસકોપ અને હાથમાં નર્સે આપેલી અવિનાશ ની ફાઈલનો અભ્યાસ કરતાં આઈ.સી.યુ. માં પહોચ્યાં અને ત્યાં ચાલતી સારવારનો તાગ મેળવવા પ્રયાસ કર્યો.
પરોઢિયે અવિનાશે આંખો ઉઘાડવા પ્રયત્ન કર્યો.સતત ચડતાં ગ્લુકોઝના બાટલાએ જાણે તેનામાં શક્તિનો સંચાર કર્યો હોય એમ એના શરીરે થોડો રિસ્પોન્સ આપ્યો.ડ્યૂટીમાં રહેલી નર્સે તરત જ ડૉ.પટેલ ને બોલાવ્યા.પંડ્યાસાહેબ ની ગેરહાજરીમાં તે ચાર્જ સંભાળતા હતા.એમણે આવીને ચેક-અપ કર્યું,પરંતુ અવિનાશના શરીરમાં નબળાઈ વર્તાતી હતી,અત્યારે તેને કઈ પૂછવાનો મતલબ ના હતો,હજુ તેને આરામની જરૂર હતી આથી દવાનો ડોઝ આપવાનું નર્સે ને સમજાવીને ડો.પટેલ બીજા દર્દીને તપાસવા રાઉન્ડમાં નીકળ્યા.
સવારે દસેક વાગ્યે ડૉ.પંડ્યા આવ્યા ત્યાં સુધીમાં અવિનાશ ભાનમાં આવી ચૂક્યો હતો.આવીને એમણે અવિનાશ સામે સ્મિત ફરકાવ્યું ,એમની અમી નીતરતી આંખોમાં વાત્સલ્યનો સાગર ઘૂઘવતો જોઈ અવિનાશ ની આંખોમાં પાણી આવી ગયા.,પરંતુ હજુ એ અવઢવમાં હતો કે એ અહીં આવ્યો કઈ રીતે?તે પોતાની હાલતથી તદ્દન બેખબર હતો.ડૉ.પંડ્યા એ નર્સને અવિનાશના બ્લડ-યુરિન સેમ્પલ લઇ લેબોરેટોરીમાં મોકલવાનું કહ્યું,સાથે ચિઠ્ઠી માં કશુંક લખ્યું,એ વાંચીને નર્સના ચહેરા પર પલટાયેલા ભાવ અવિનાશની નજર બહાર ના રહ્યા.પંડ્યાસાહેબે આંખોથી અવિનાશને ધરપત આપી અને બીજા દર્દીને તપાસવા ચાલી નીકળ્યા.
"મિસ્ટર અવિનાશ,હાઉ ડુ યુ ફિલ નાઉ?" મિસ મેરીના માયાળુ અવાજે અવિનાશ નું ધ્યાન દોર્યું.
''ફિલિંગ બેટર".ટૂંકો પ્રત્યુત્તર આપી અવિનાશ કોટમાં અડધો બેઠો થયો.મિસ મેરી સ્પૉન્જ કરવા લાગ્યા.અવિનાશ ને સારું લાગ્યું,થોડી તાજગી અનુભવાઈ,તેની સારવારમાં પરોવાયેલી આ ક્રિશ્ચન નર્સ પ્રત્યે તેના હૃદયમાં આદરભાવ હતો.
ડૉ.પંડ્યા પોતાની કેબિનમાં બેસીને અવિનાશ સાથે થયેલી વાતચીતના મુદ્દાને એક કાગળમાં ટપકાવતા જતા હતા.અવિનાશના કહેવા મુજબ છેલ્લા છ મહિનામાં તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો,અઠવાડિયે એક-બે વાર પેડુમાં પણ દર્દ ઉપડતું,જમવાની ખાસ ઈચ્છા નહોતી થતી,ક્યારેક ક્યારેક અપચાની તકલીફ પણ રહેતી,છ-સાત મહિના પહેલા કમળો થયો હતો.આ બધાં લક્ષણો જોતા ડૉ.પંડ્યા પોતાના નિદાનની વધુ નજીક પહોંચ્યા,હવે એ લેબોરેટરીમાં આપેલા રિપોર્ટ્સની રાહ જોતા બેઠા હતાં.
સાંજે છ વાગ્યાની આસપાસ ડૉ.પંડ્યા અને ડો.પટેલ અવિનાશને મળવા આવ્યા,તેમના હાથમાં રિપોર્ટ્સની ફાઈલ હતી,અવિનાશે આશાભરી નજરે બંનેની સામે જોયું.
"મિસ્ટર અવિનાશ,તમે ડ્રિંક્સ લો છો? સ્મોકિંગ કરો છો?" ડૉ. પંડ્યાના આવા અણધારા સવાલોથી અવિનાશ થોડો બેચેન બની ગયો અને નકારમાં માથું ધુણાવ્યું. તેણે જિંદગીમાં ક્યારેય ડ્રિંક્સ નહોતું લીધું કે સિગારેટ ને સ્પર્શ સુદ્ધાં નહોતો કર્યો.
"તમારી સંભાળ લેવા માટે ઘરમાં કોઈ સદસ્ય છે?" ડૉ.પટેલના આ સવાલથી અવિનાશને એટલું તો સમજાઈ જ ગયું કે પોતાને કોઈ ગંભીર અસામાન્ય બીમારી થઇ છે.
''ના ડોક્ટરસાહેબ,હું ઘર માં એકલો જ રહું છું." કહી એણે પૂછ્યું,''મારા રિપોર્ટ્સમાં શું આવ્યું છે ? શું થયું છે મને ?"
ડૉ.પંડ્યા અને ડૉ.પટેલ એ એકબીજા સામે જોયું,અવિનાશની ધીરજ ખૂટતી જતી હતી,એણે કોટમાં બેઠા થતાં ફરી એકવાર આજીજીભર્યા સ્વરે પૂછ્યું,''પ્લીઝ ડૉક્ટર મને સાચું કહેજો,શું થયું છે મને ?"
ડૉ.પંડ્યા એ શાંત છતાં થોડા ચિંતિત સ્વરે અવિનાશ તરફ જોઈ કહ્યું,"અવિનાશ,તારા સ્વાદુપિંડમાં ગાંઠ છે.મેડિકલ ભાષામાં એને પેનક્રિયાટિક કેન્સર કહેવાય,જે તારા શરીરમાં થર્ડ સ્ટેજમાં પહોંચી ગયું છે."આ સાંભળી અવિનાશ ફાટી આંખે બંને ડોક્ટર્સ સામે જોઈ રહ્યો.
ક્રમશઃ
મિત્રો,પ્રકરણ-૧ અહીં સમાપ્ત થાય છે,કેવો લાગ્યો તમને નવલકથાનો આ પહેલો ભાગ એ જરૂરથી જણાવશો,તમારા દરેક સૂચનો આવકાર્ય છે.બીજો ભાગ ટૂંક સમયમાં જ પ્રકાશિત કરીશું.
અને હા મિત્રો,વિચ્છેદના આ પહેલા પ્રકરણને રેટ અને રિવ્યૂ કરવાનું ભૂલશો નહીં . . .