સત્ય અસત્ય - પ્રકરણ - 15 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

સત્ય અસત્ય - પ્રકરણ - 15

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૫

સાંજે અમોલા એનાં માતાપિતા સાથે આવી ત્યારે બપોરે બનેલી ઘટનાનો કોઈ અણસાર પણ એના ચહેરા પર નહોતો. જાણે કશું જ બન્યું ના હોય એમ તદૃન સ્વાભાવિક ! છોકરો જોવા આવેલી કોઈ ગુજરાતી છોકરી સાચેસાચ એ જ રીતે અમોલા વર્તી રહી હતી. બપોરે ઑફિસમાં આવેલી અમોેેલા અને અત્યારની અમોલા સાવ જુદા હતા. સોનાલીબહેન અહોભાવથી અમોલાને જોઈ રહ્યાં હતાં. એની સુંદરતા, એની વાક્‌છટા, એનો વર્તાવ બધું જ સોનાલીબહેનને મુગ્ધ કરી રહ્યું હતું. જ્યારે સત્યજીતની નજર સામે હજી સુધી બપોરે ઑફિસમાં આવીને ટેબલ પર ગોઠવાઈ ગયેલી ચ્યુઇંગમ ચાવતી અમોલા ખસતી નહોતી. એ આશ્ચર્યચકિત હતો. એક જ માણસના આવા બે રૂપ હોઈ શકે ?

એ અમોલાના પિતા સાથે વાતો કરી રહ્યો હતો. વચ્ચે જ એની નજર અમોલા પર પડી. માતાપિતાની નજર ચુકાવીને એની સામે જોઈ રહેલી અમોલાએ પટ દઈને આંખ મારી દીધી. સત્યજીત આઘાતથી હતપ્રભ થઈ ગયો. એને કોઈ રીતે નહોતું સમજાતું કે તદૃન વિરોધાભાસી બે રૂપ ધરાવતી આ છોકરી સાથે એ કઈ રીતે વર્તે ?

વડીલોએ જ્યારે એમને વાતો કરવા માટે એકલા છોડીને બહાર ગયા ત્યારે અમોલા ઊભી થઈ. સત્યજીતની પાસે આવી, એના બંને હાથ પકડી લીધા. એની આંખોમાં આંખો નાખીને પૂરાં આત્મવિશ્વાસ સાથે એણે કહ્યું, ‘‘એમ નહીં માનતો કે હું બપોરે જે બોલી તે પાળી નહીં શકું.’’

‘‘અમોલા, હું...’’

‘‘આપણી વાતચીત પાંચ જ મિનિટમાં પૂરી થઈ જવાની છે અને તારે મને હા જ પાડવાની છે.’’

‘‘હું લગ્ન કરવા જ નથી માગતો.’’ સત્યજીતે ઝાટકો મારીને હાથ છોડાવ્યો, “એમાં પણ આવી રીતે દબાણ કરીને, દાદાગીરીથી તો નહીં જ !”

‘‘દબાણ માને તો દબાણ, ને દાદાગીરી માને તો દાદાગીરી... એક વાત સ્પષ્ટ અને ચોખ્ખી સમજી લે. જો આજે અને હમણાં તે હા નથી પાડી તો કાલે સવારે મારા બાપનો ફોન આવશે તારા પર...’’ એની આંખોમાં ફરી એક વાર એ જ ઘેલછા તરવરવા લાગી હતી, ‘‘મેં ચિઠ્ઠી લખી રાખી છે. મારી ચિતાને તારે જ અગ્નિદાહ આપવો પડશે.’’

‘‘નોનસેન્સ.’’ સત્યજીત સાચે જ ડરી ગયો હતો. આ છોકરીની આંખો કહેતી હતી કે એ માથાની ફરેલી અને હાથથી ગયેલી હતી. જો એ ખરેખર કંઈ કરી બેસે તો શું થાય એ વિચારમાત્રથી સત્યજીત થથરી ઊઠ્યો. અમોલાએ આગળ વધીને એને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો, ‘‘શું કરે છે ?’’

‘‘હું તને પ્રેમ કરું છું અને હું શર્ત મારવા તૈયાર છું કે મારા જેટલો પ્રેમ તને આ દુનિયામાં બીજી કોઈ છોકરી નહીં કરી શકે. ’’

‘‘અમોલા, હું હમણાં જ બહાર જઈને તારા મમ્મી-પપ્પાને સાચું કહી દઉં છું.’’ સત્યજીત એનો હાથ ઝટકાવીને બહાર ચાલી ગયો.

ગાર્ડનમાં બેઠેલા અમોલાના માતાપિતા પાસે જઈને હજી તો સત્યજીત ઊભો રહ્યો કે સોનાલીબહેન અને સત્યજીતની આંખો એકબીજાની સાથે ટકરાઈ. સત્યજીત કંઈ બોલે તે પહેલાં સોનાલીબહેને ઊભા થઈને સત્યજીતને છાતી સરસો ચાંપી દીધો. એમણે ધીમેથી એના કાનમાં જ કહ્યું, “કોઈ નાટક નહીં કરતો.” પછી સહેજ છૂટા પડીને ખૂબ આનંદથી ઉમેર્યું, ‘‘મને ખાતરી જ હતી. તને અમોલા ગમી જ જશે.’’

‘‘ના મોમ, હવે આપણે બધા જ એકબીજાને છેતરવાનું બંધ કરીએ તો સારું. મારે સાચું બોલવું છે. જે ગુમાવવાનું હતું એ ગુમાવી ચૂક્યો છું તેમ છતાં હવે જૂઠું નહીં બોલું.’’

સોનાલીબહેનની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં, ‘‘એટલે શું કહેવા માગે છે તું ?’’

‘‘મોમ, હું અને અમોલા એકબીજા સાથે સુખી નહીં થઈ શકીએ.’’

‘‘એટલે તું આ લગ્નની ના પાડે છે ?’’ ઠક્કરસાહેબ ઊભા થઈ ગયા. એમણે સોનાલીબહેન સામે જોયું, ‘‘તમે તો કહ્યું હતું કે તમારે સત્યજીત સાથે બધી વાત થઈ ગઈ છે. આ માત્ર ફોર્માલીટી છે !’’

‘‘હા, પણ...’’ સોનાલીબહેનની સ્થિતિ કફોડી થઈ ગઈ.

‘‘મને તો લાગતું હતું કે બે કુટુંબો વચ્ચેનો સંબંધ વધુ ગાઢ થશે... પણ રવીન્દ્રભાઈના ગયા પછી તમારા દીકરાને સંબંધ રાખવામાં રસ નથી એવું લાગે છે.’’ ઠક્કરસાહેબ જવાની તૈયારી કરવા લાગ્યા.

સોનાલીબહેને એક ક્ષણ માટે સત્યજીતની સામે જોયું. પછી બે હાથ જોડીને ઠક્કરસાહેબની સામે ઝૂકી ગયા, ‘‘મને માફ કરી દેજો. મને એમ હતું કે મારા પતિના ગયા પછી મારો દીકરો મારું માન રાખશે, પણ એવું થયું નહીં.’’ એમનો અવાજ રૂંધાઈ ગયો હતો, ‘‘એ હંમેશા કહેતા, મારા ગયા પછી આ તને રાખે તો ઈશ્વરની કૃપા...’’

રડતી મા, ધૂંઆપૂંઆ થયેલા ઠક્કરસાહેબ એને વિચિત્ર નજરથી જોઈ રહેલા ઠક્કરસાહેબનાં પત્ની... એક એવું દૃશ્ય સર્જાઈ ગયુ હતું જેની એણે કલ્પના પણ નહોતી કરી.

‘સાચું બોલવાથી આવું થઈ શકે ?’ એના મને સવાલ કર્યો, ‘‘અત્યાર સુધી જૂઠું બોલતો હતો ત્યારે બધાને વહાલો લાગતો હતો. આજે પહેલી વાર સીધેસીધું સાચું કહેવાની હિંમત કરી તો આ તાયફોે ઊભો થઈ ગયો !’’

ઠક્કરસાહેબે પત્ની સામે જોયું, ‘‘આપણે હવે શેને માટે ઊભા છીએ ?’’ એક આજ્ઞાંકિત પત્નીની જેમ અમોલાની મમ્મીએ ખુરશીની બાજુમાં લોન પર પડેલી પોતાની પર્સ લીધી ત્યાં સુધીમાં તો ઠક્કરસાહેબ ઘરના મુખ્ય દરવાજે પહોંચી ચૂક્યા હતા, ‘‘અમોલા...’’ એમણે બૂમ પાડી.

અંદરથી પિતાની બૂમ સાંભળીને બહાર આવેલી અમોલા એક તદૃન ગભરુ, ડાહી ગુજરાતી છોકરીનું મહોરું પહેરી ચૂકી હતી, ‘‘ઘરે ચાલો ! આ છોકરો માને છે કે એ તારી સાથે સુખી નહીં થાય.’’ હજી કોઈ કંઈ સમજે તે પહેલા એમણે પગથિયા ચડીને પોર્ચ જેવા ઓટલા પર ઊભેલી અમોલાનો હાથ પકડ્યો અને લગભગ ઘસડીને નીચે ઉતારી દીધી. અનિચ્છાએ ઘસડાતી હોય એમ અમોલા પિતાની સાથે ગાડી તરફ ઘસડાવા લાગી.

ત્યાં સુધીમાં આવી પહોંચેલાં સોનાલીબહેને ફરી વાર ઠક્કરસાહેબ સામે હાથ જોડ્યા, ‘‘મને માફ કરી દેજો.’’ એ ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યાં હતાં.

એમને જવાબ આપ્યા વિના ઠક્કરસાહેબે ગાડીનો દરવાજો ખોલ્યો. પહેલા અમોલાને ધકેલી, પછી પોતાની પત્નીને... પોતે આગળનો દરવાજો ખોલી ડ્રાઇવરની બાજુમાં ગોઠવાઈ ગયા. કાચ ઉતારી, બંને હાથ જોડી એમણે નમસ્કાર કર્યાં, ‘‘થેંક યુ. મને કલ્પના પણ નહોતી કે મારો દોસ્ત નહીં રહે પછી આ ઘરમાં મારી સાથે આવું વર્તન થશે.

‘‘અંકલ...’’ સત્યજીતની સહેજપણ ઇચ્છા નહોતી છતાં એણે એક વાર પ્રયત્ન કરી જોયો.

‘‘તું તો બોલતો જ નહીં.’’ ઠક્કરસાહેબે ડ્રાઇવર સામે જોઈને બૂમ પાડી, ‘ચાલ... કોની રાહ જુએ છે ?’’ કોઈ કંઈ સમજે તે પહેલા ગાડી સડસડાટ કંપાઉન્ડની બહાર નીકળી ગઈ.

સત્યજીતે રડી રહેલાં સોનાલીબહેનના ખભે હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સોનાલીબહેન એક ક્ષણ માટે સત્યજીતની આંખોમા જોયું, પછી હાથ ઉઠાવીને એના ગાલ પર એક સણસણતો તમાચો ઠોકી દીધો, ‘‘આ જ નાટક કરવું હતું તો મને મોઢે ના પાડવી હતી. બીજા માણસની સામે તારી માને નીચી દેખાડીને શું મળ્યું તને ?’’ એ રડતાં રડતાં અંદર જતા રહ્યા.

સત્ય બોલવાથી મળેલા આ આખાય ફાયદાને મનોમન મૂલવતો સત્યજીત અવાક્‌ થઈને ત્યાં ઊભો હતો. એને સમજાતું નહોતું કે સાચું નહીં બોલવા માટે એણે પ્રિયંકા જેવી છોકરી ગુમાવી હતી, તો સાચું બોલવાથી એની પોતાની મો એને દોષ દઈ રહી હતી... જિંદગીનો કયો ચહેરો સાચો હતો ?

ત્યાં જ સત્યજીતના મોબાઇલ પર રીંગ વાગી. એણે ફોન ઉપાડ્યો, “તેં બરાબર નથી કર્યું. હું અત્યારે ઊંઘની ગોળીઓ ખાઉં છું. ચાર-પાંચ કલાકમાં મારા ડેડનો ફોન આવશે. મારી સ્મશાનયાત્રા માટે તારી મમ્મીને લઈને આવી જજે.” અમોલા મોટા અવાજે રડતી હતી, “હું તને બપોરે મળવા આવી ત્યારે જ મેં તને કહ્યું હતું... તને કોઈના પ્રેમની કિંમત નથી. તને કોઈની લાગણીની કિંમત નથી...”

હતપ્રભ જેવો સત્યજીત હાથમાં ફોન પકડીને ઊભો હતો. એણે એક ઊંડો શ્વાસ લીધો અને ખૂબ ધીમેથી કહી નાખ્યું, “મારી ભૂલ થઈ ગઈ. હું આ લગ્ન માટે તૈયાર છું.”

“વ્હોટ ! અમોલાનો અવાજ બદલાઈ ગયો, “શું બોલ્યો તું ?”

“મેં એમ કહ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ. તું તારા ડેડને સમજાવ. હું મારી માને સમજાવું છું.”

“મારા ડેડને કશું જ સમજાવવાની જરૂર નથી. એમને માટે તો હું જે કહીશ તે જ ફાઇનલ...” અમોલાનો અવાજ ઉત્સાહથી છલકાતો હતો, “હું એમને કહું છું કે તું કાલે જ એન્ગેજમેન્ટ કરવા માગે છે.” પછી સહેજ શંકાથી પૂછી લીધું, “હવે તારું મગજ ફરી તો નહીં જાય ને ?”

“ના.”

“હું ડેડને કહું છું... અમે તો આજે જ સોલિટેરની રિંગ લઈને આવ્યા હતા. તું હા પાડે તો પહેરાવી જ દેવાના હતા.”

“હવે આવતી કાલે સવારે પહેરાવજો.” સત્યજીતના અવાજમાં કોઈ આરોહ-અવરોહ નહોતો.

“થેન્ક્‌સ ડાર્લિંગ... આઇ લવ યુ...” એને ફોનમાં ચુંબનનો અવાજ સંભળાયો, “આઇ લવ યુ સો મચ... સો મચ...” સત્યજીતે ફોન કાપી નાખ્યો અને જોયું તો એની મમ્મી સીડી પર આવીને ઊભી હતી.

એમણે આંસુ લૂછી નાખ્યાં. ધીમેથી સત્યજીતની નજીક આવી એમણે એના માથે હાથ ફેરવ્યો, “મને ખબર હતી, તને તારી ભૂલ સમજાશે. કંઈ વાંધો નહીં. હું ઠક્કર સાહેબને ફોન કરું છું.” એ ઉત્સાહમાં ફોન તરફ ચાલી ગયાં.

સત્યજીતે ખિસ્સામાં હાથ નાખી વોલેટ બહાર કાઢ્યું. એમાં રાખેલી પ્રિયંકાની તસવીર વોેલેટમાંથી કાઢીને એની સામે જોઈ રહ્યો, “મેં આજે સાચું બોલવાનો પ્રયત્ન કરી જોયો, પણ મને લાગે છે મારી જિંદગીને જૂઠથી જ દોસ્તી થઈ ગઈ છે.”

(ક્રમશઃ)