આકરો નિર્ણય - 4 Sagar Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આકરો નિર્ણય - 4

"આકરો નિર્ણય"

ભાગ: 4

(પાછળનાં ભાગમાં આપણે જોયું કે ચેન્નઈ પ્લાન્ટમાં બનતી બાબતોની તપાસ કરવા માટે જયંત શેઠે મી.પ્રસાદને ચેન્નઈ પ્લાન્ટમાં મોકલ્યાં).

આ તરફ પંદર દિવસની મુલાકાત પુર્ણ થઈ ગયા બાદ મી.પ્રસાદ ચેન્નઈ પ્લાન્ટમાં બનતી ઘટનાઓ વિશે ઘણીખરી માહિતી એકઠી કરવામાં સફળ રહ્યાં હતાં. અને પંદર દિવસ પુર્ણ થયાં બાદ આ બધી માહિતી લઈને મી.પ્રસાદ જયંત શેઠ પાસે પહોંચ્યાં.

"સર, ચેન્નઈ પ્લાન્ટમાં તો બહું મોટાં પાયે ગોરખધંધા ચાલી રહ્યાં છે અને હાં આપણાં પ્લાન્ટ હેડ મી.શર્મા પણ એ બાબતોમાં બરાબરનાં ભાગીદાર છે" મી.પ્રસાદે જયંત શેઠને આટલું કહ્યું.

"બરાબર, મી.પ્રસાદ. શું હું વિગતવાર જાણી શકું કે ચેન્નઈ પ્લાન્ટમાં કેવી બાબતોમાં ગોરખધંધા ચાલી રહ્યાં છે?"જયંત શેઠે પુછ્યું.

"સર, સૌ પ્રથમ તો મી.શર્મા આપણી હરિફ કંપનીનાં ખૂબ જ અંગત અને વિશ્વાસુ વ્યક્તિ છે. અને આજે પણ આપણી હરિફ કંપનીનાં ઉચ્ચ અધિકારીઓનાં સતત સંપર્કમાં છે. મી.શર્મા જાણી જોઈને કવોલિટી રિજેક્ટ મટીરીયલને પણ સારાં મટીરીયલ સાથે ભેળવી દેવાની પ્રવૃત્તિ કરે છે.જેથી કરીને રિજેક્ટ મટીરીયલ ગ્રાહકો સુધી પહોંચે અને ગ્રાહકો તરફથી ફરિયાદો આવે, કંપનીની શાખ ખરાબ થાય" મી.પ્રસાદ બોલ્યાં.

"ઓકે મી.પ્રસાદ, આ સિવાય બીજી કોઈ બાબત?" જયંત શેઠે પોતાની ડાયરીમાં બધી વિગતો લખતાં લખતાં મી.પ્રસાદને પુછ્યું.

"સર, રો મટીરીયલ સ્ટોરમાં દરરોજનાં સ્ટોકમાં પણ સારી એવી ગેરરીતિ જોવાં મળી છે. એ જોતાં એવું લાગે છે કે મી.રવિ આહીર જે રો મટીરીયલ સ્ટોરનાં ઇન્ચાર્જ છે તે પરચેજ વિભાગનાં ઓફિસર રમેશ પટેલની સાથે મળીને કંપનીનાં હિત વિરૂદ્ધનાં કામો કરી રહ્યાં છે" મી.પ્રસાદે જયંત શેઠને કહ્યું.

"મી.પ્રસાદ, આ સિવાય બીજી કોઈ ખાસ બાબત? જે આપ જણાવવા માંગો છો?" જયંત શેઠે પુછ્યું.

"સર, મી.જીતેન્દ્ર અને મી.મોહિતએ સ્ક્રેપ મટીરીયલનાં સ્ટોકમાં મોટાપાયે અને લાખો રૂપિયાનાં ગોટાળા જોવા મળી રહ્યાં છે. અને..."મી.પ્રસાદ આટલું બોલીને સામે પડેલ કાચનાં ગ્લાસ ઉપાડીને પાણી પીધા પછી સ્વસ્થ થયાં.

“કેમ અટકી ગયા? આગળ બોલો" જયંત શેઠે મી.પ્રસાદને પુછ્યું.

"સર, મી.જીતેન્દ્રએ પ્લાન્ટમાં કામ કરતી એક યુવતીની એકલતાનો લાભ લઈને તેની આબરૂ લૂંટવાનો પણ પ્રયાસ કરેલો. આ બધી વાતો મી.શર્મા જાણતાં હોવાં છતાં પણ આ વાતોને દબાવી દેવામાં આવેલ છે. આટલી વાતો મને જાણવાં મળેલ છે" મી.પ્રસાદે જયંત શેઠને કહ્યું.

જયંત શેઠ શાંતિથી બધી વિગતોની નોંધ કરીને મનોમન વિચારી રહ્યાં અને ભૂતકાળમાં સરી પડયાં.

"ભુજ પ્લાન્ટમાં કામ કરતાં સાગર અને સુબોધ આ બધી જ બાબતો કહી રહ્યાં હતાં અને આ જ બધાં વ્યક્તિઓનાં નામ આપ્યાં હતાં જે કંપનીનાં હિત વિરૂદ્ધની પ્રવૃત્તિઓમાં શામેલ હતાં"જયંત શેઠ જાણે મનોમન પોતાને કહી રહ્યાં હતાં.

જયંત શેઠ તરત જ પોતાનાં વિચારોમાંથી બહાર નીકળ્યાં અને વર્તમાનમાં આવી પહોંચ્યા.

"ઓકે મી.પ્રસાદ. હું હવે આ બાબત વિશે કંઇક એવો નિર્ણય લઈશ કે જે કંપનીનાં હિતમાં હશે અને આપનો ખુબ ખુબ આભાર. જો આપે આટલી મહેનત ન કરી હોત તો મને ક્યારેય આ બાબત વિશે જાણવા ન મળત" જયંત શેઠે મી.પ્રસાદનો આભાર પ્રગટ કર્યો અને આટલું કહ્યું.

મી.પ્રસાદે જણાવેલ દરેક પાસા અંગે જયંત શેઠે ખુબ જ ગંભીરતાથી વિચાર કર્યો અને પોતાનાં વર્ષોનાં અનુભવોનાં નિચોડનાં આધારે અમુક મક્કમ નિર્ણયો પર આવ્યાં.

" મિસ.રોઝી, એચ. આર. વિભાગનાં મી.શ્રીમાળીને મારી ઓફિસમાં મોકલો" જયંત શેઠે રિસેપ્શન પર બેઠેલ મિસ.રોઝીને સુચના આપી.

પાંચ જ મિનીટમાં મી.શ્રીમાળી જયંત શેઠની ઓફીસ પાસે આવ્યાં.

"મે આઈ કમ ઈન સર?" મી.શ્રીમાળીએ પુછ્યું.

"યસ મી.શ્રીમાળી, આવો. મારે આપની પાસેથી અમુક માહિતીની જરુર છે" જયંત શેઠે કહ્યું.

"કઈ માહિતી સર?" મી.શ્રીમાળીએ પુછ્યું.

"મી. શ્રીમાળી, મને ચેન્નઈ પ્લાન્ટના હેડ મી.શર્માની પુર્ણ વિગતો જોઈએ છે, જેમ કે આપણી કંપનીમાં જોડાયાં પહેલાં મી.શર્મા કઈ કઈ કંપની સાથે જોડાયેલ હતાં? મી.શર્મા છેલ્લે જે કંપની સાથે જોડાયેલ હતાં તે કંપની છોડવાનું શું કારણ હતું? મી.શર્મા આપણાં ભુજ પ્લાન્ટમાં જોડાયાં તે પછી મી.શર્માએ ભુજ અને ચેન્નઈ પ્લાન્ટમાં કોની કોની ભરતી કરેલી છે તે કર્મચારીઓનું લિસ્ટ. અને છેલ્લે તે ભરતી કરેલાં કર્મચારીઓના પર્ફોર્મેંનસ રિપોર્ટ. આટલી વિગતો મને જોઈએ" જયંત શેઠે મી.શ્રીમાળીને ઓર્ડર કર્યો.

"ઓકે સર, હું આ બધી માહિતી એકઠી કરવાની શરૂઆત કરું છું. પણ સર, મી.શર્માની અમુક અંગત વિગતો બહાર લાવવામાં થોડો સમય લાગી શકે છે. હું મારા રેફરન્સની મદદથી શકય તેટલી ઝડપથી બધી માહિતી ભેગી કરીને આપને જણાવું" મી.શ્રીમાળીએ કહ્યું.

"સી મી. શ્રીમાળી, આ બધી વિગત માત્ર તમારાં અને મારા પુરતી જ સીમિત રહેવી જોઈએ"જયંત શેઠે કહ્યું.

"સારું સર, આપ કહો છો તે પ્રમાણે જ થશે"મી.શ્રીમાળી બોલ્યાં.

આ તરફ જયંત શેઠ હજુ આ બાબત વિશે કાંઈ નિર્ણય લેતાં પહેલાં બાબતની ગંભીરતાને પુરતો ન્યાય આપવાં માંગતા હતા. આથી એમણે ધીરજથી આ બાબતના તમામ પાસા પોતાનાં ધ્યાન હેઠળ રાખ્યાં હતાં.

આખરે દસેક દિવસની મહેનત બાદ મી.શ્રીમાળી એ બધી માહિતી ભેગી કરી અને આ બધી વિગતો લઈને જયંત શેઠ પાસે પહોંચ્યાં.

"સર, આ રહી મી.શર્મા વિશેની તમામ માહિતી અને એ વિશેનાં બધાં જ પુરાવાઓ. હું એક પછી એક બધાં મુદ્દા વિશે જણાવું છું" મી.શ્રીમાળી બોલ્યાં.

"બોલો બોલો મી.શ્રીમાળી. તમને એવી કઈ માહિતી મળી છે જે શંકા ઊભી કરે એવી છે?" જયંત શેઠે થોડાં ગુસ્સામાં, ઉતાવળમાં અને પાછા પુર્ણ જવાબદારી સાથે મી.શ્રીમાળીને પુછી રહ્યાં હતાં.

"સર, મી.શર્મા આપણી કંપનીમાં જોડાયાં તેનાં પહેલાં એક જ કંપની સાથે દસેક વર્ષથી જોડાયેલ છે, જે આપણી કટ્ટર હરિફ કંપની છે અને મી.શર્મા તે કંપનીનાં એમ.ડી.નાં અંગત વ્યક્તિ પણ છે"મી.શ્રીમાળીએ કહ્યું.

"ઓહ..... નો. મી.શ્રીમાળી. આ તો ઘણી ગંભીર બાબત છે. અને શર્મા આટલી હદે આપણી સાથે રમત રમી રહ્યા હતાં? હું શર્માને તો...." આટલું કહીને જયંત શેઠ રોકાઈ ગયા.

"સર, બીજી એ બાબત છે કે મી.શર્મા છેલ્લે જે કંપનીમાં જોડાયેલ હતાં તે કંપની છોડવાનું કાંઈ પણ કારણ જાણવાં મળેલ નથી. આજે પણ મી.શર્મા જ્યારે લાંબી રજાઓ પર જાય છે ત્યારે અચુક આપણી હરિફ કંપનીનાં એમ.ડી.ને મળે જ છે. આથી મારી ધારણા પ્રમાણે મી.શર્મા હજું પણ કદાચ હરિફ કંપની સાથે આડકતરી રીતે જોડાયેલ છે અને કદાચ આપણી કંપનીને આર્થિક નુકશાન પહોંચાડ્યા બાદ પાછા હરિફ કંપનીમાં જોડાઈ શકે છે" મી.શ્રીમાળી એક જ શ્વાસે આટલું બોલ્યાં.

"ઓફ.… ઓ...., આવો દગાખોર માણસ? જે આપણાં નાક નીચે આવી બધી બાબતોને અંજામ આપી રહ્યો હતો છતાં પણ આજ સુધી આપણે તેનાં પર કંઈ શંકા ન આવી?"જયંત શેઠ ગુસ્સામાં આટલું બોલ્યાં.

આટલું બોલીને જયંત શેઠે પોતાનાં ટેબલનાં ડ્રોવરમાંથી હાઈ બી.પી.ની એક ગોળી લઈને એક ગ્લાસ પાણી પીધું. બે-ત્રણ મિનીટ બાદ જયંત શેઠ સ્વસ્થ થયાં અને મી.શ્રીમાળીએ ફરી બોલવાની શરૂઆત કરી.

"સર, મી.શર્મા આપણી કંપનીમાં ભુજ પ્લાન્ટથી જોડાયાં છે ત્યારબાદ તેમણે જે કર્મચારીઓની ભરતી કરેલી છે તેમાં મુખ્યત્વે ક્વોલિટી વિભાગમાં કામ કરતાં મી.યાદવ છે. જે ભુજ પ્લાન્ટ બંધ થયાં બાદ મી.શર્માની ભલામણથી આપણાં ચેન્નઈ પ્લાન્ટમાં ક્વોલિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે અને મી.યાદવ પણ આપણી હરિફ કંપની સાથે સતત સંપર્કમાં છે. આ રહ્યાં મી.શર્મા અને મી.યાદવ વિરુદ્ધના બધાં જ પુરાવાઓ" મી.શ્રીમાળીએ જયંત શેઠને આટલું કહીને બધાં જ પુરાવાઓ સોંપ્યા.

બધાં જ પુરાવાઓ જોઈને બે ઘડી તો જયંત શેઠ સ્તબ્ધ થઈ ગયા. અને તરત જ પરિસ્થિતિ પામી ગયા. કારણ કે મી.શર્મા પ્રોડક્ટ ક્વોલિટી સાથે ચેડાં કરતાં અને કંપનીની શાખને નુકશાન કરવાનું કાવતરું કરતાં તે ક્વોલિટી વિભાગનાં મી.યાદવની મિલીભગત વિના શકય જ ન્હોતું.

"આ આપણી હરિફ કંપની, શર્મા જેવાં લોકોની સાથે મળીને આવી ગંદી રાજનીતિ ઉપર ઉતરી આવી છે. આપણી સાથે પ્રોડક્ટ ક્વોલિટીમાં તો બરાબરી ન કરી પરંતું શર્મા જેવાં તકસાધુ લોકોનાં ખમ્ભા પર બંદુક રાખીને જે રમત રમવા માંગે છે તેમાં તેમને સફળ નહીં જ થવા દેવામાં આવે" જયંત શેઠ ખૂબ જ ગુસ્સામાં બોલ્યાં.

વર્ષોથી જયંત શેઠની કંપનીમાં કામ કરી રહેલ મી.શ્રીમાળીને આજે જયંત શેઠની લાલ આંખોમાં જાણે જ્વાળામુખી દેખાઈ રહ્યો હતો. અને મી.શ્રીમાળી બરોબર જાણતાં હતાં કે છેલ્લાં ચાલીસ વર્ષોથી જે જયંત શેઠે કંપનીને ઉપર લાવવામાં દિવસ રાત નથી જોયાં તે કંપની આજે શર્મા જેવાં લોકોને કારણે બદનામ થઈ રહી હતી.

હવે જયંત શેઠને હરિફ કંપની અને મી.શર્માની આખી મોડ્સ-ઓપરેનડી સમજાઈ ગઈ અને હવે પુરતા પ્રમાણમાં પુરાવાઓ હોવાને લીધે જયંત શેઠ નિર્ણય લેવામાં પૂર્ણત: સમર્થ હતાં.

ક્રમશ:

-લેખક: સાગર બી.ઓઝા