Chardham Yatra - 2 Kedarnath books and stories free download online pdf in Gujarati

ચારધામ યાત્રા (૨) કેદારનાથ

ચારધામ યાત્રા -૨) કેદારનાથ

તા. ૧૦.૦૫.૨૦૧૮ના રોજ હરદ્વારની મીડ ટાઉન હોટલમાં ઘરનો લાવેલો નાસ્તો કરીને સવારે નવ વાગે અમે કેદારનાથ મહાદેવની જય બોલીને ગૌરીકુંડ જવા રવાના થયા અને અમારી ખરી ચારધામ યાત્રા શરુ થઇ.

એક કલાકે અમારો પહેલો પડાવ આવ્યો ઋષિકેશનો. આમ તો હરદ્વારથી ઋષિકેશ ૩૦ જ કિમી છે, પરંતુ એક તો વેકેશનનો સમય અને પાછો અધિક મહિનો, એટલે હરદ્વારમાં તો જાણે માણસોનો મહાસાગર ઉમટ્યો હતો! એટલી બધી જગ્યાએ ટ્રાફિક જામ હતો કે અમે એક કલાકે ઋષિકેશની આરટીઓ કચેરીએ પહોંચ્યા.

અમારા ડ્રાઈવર કુલદીપે જણાવ્યું કે ચારધામ જવા માટે પહેલાં અહીંથી ટેક્ષી પરમીટ કઢાવવી પડશે, જેના માટે એકાદ કલાક જેવો સમય લાગશે. કુલદીપ ત્રીસેક વર્ષનો મિતભાષી યુવાન ડ્રાઈવર હતો. તે હરિયાણાનો વતની હતો અને ઉત્તરાખંડની ટ્રાવેલ કંપનીમાં ડ્રાઈવર તરીકે વર્ષોથી હોવાથી ચારધામ યાત્રાનો ઘણો અનુભવી પણ હતો.

કુલદીપ ગાડીનાં બધાં પેપર લઈને ઓફિસમાં ગયો અને થોડીવારમાં એક આરટીઓ એજન્ટને લઈને પાછો આવ્યો. એજન્ટના કહેવા મુજબ તેણે ગાડીમાં અગ્નિશામક સ્પ્રે બોટલ ફીટ કરી, નવું ફર્સ્ટ એઇડ બોક્ષ ખરીદીને મૂક્યું અને આગળ અને પાછળના બોનેટ પર લાલ રંગની રીફલેકટર પટ્ટીઓ લગાવી. એજન્ટના જણાવ્યા મુજબ અહીં આરટીઓના નિયમોનું કડક ચેકિંગ અને પાલન થાય છે. અમને આ વાત જાણીને આનંદ થયો કે અહીંની આરટીઓ ઓફિસ નિયમપાલનનું આટલું ધ્યાન રાખે છે.

અમે એ પણ જોયું કે દરેક ગાડીને ઓફિસના મેદાનમાં લઇ જઈને અધિકારીઓ દ્વારા બરાબર ચેકિંગ પણ થતું હતું. જો કે પછી ઓફિસનું કોમ્પ્યુટર ચાલતું ના હોવાથી અમારો વેઇટિંગ પીરીયડ લંબાતો જ ગયો અને આખરે અઢી કલાકે અમને પરમીટ મળી. એક એ વાત પણ અમારા ધ્યાનમાં આવી કે આ ટેક્ષી પરમીટ અગાઉથી પણ મેળવી શકાય છે. જો અમારા ટેક્ષી ડ્રાઈવરે આગલા દિવસે આ પરમીટ કઢાવી લીધી હોત, તો અમારા ત્રણ કલાક બચી જાત. તો પોતાના વાહનની ચારધામ માટેની આરટીઓ પરમીટ પહેલાંથી મેળવી લઈને ચેક કરી લેવાની સૌને વણમાગી સલાહ છે.

રસ્તામાં બે ત્રણ જગ્યાએ પોલીસ દ્વારા આ પરમીટ ચેક પણ થઇ અને ગાડીની વિગતોની રજીસ્ટરમાં નોંધ પણ થઇ. ટૂંકમાં સરકાર દ્વારા ચારધામ યાત્રાનું મોનીટરીંગ બરાબર થાય છે.

આરટીઓથી રવાના થયા એટલે અમને થયું કે ચાલો હવે ગૌરીકુંડ જલ્દી પહોંચીએ, ત્યાં તો કુલદીપે જણાવ્યું કે હજુ તો અમારે દરેક જણે પણ યાત્રાળુ પરમીટ કઢાવવી પડશે. એટલે ઋષિકેશ શહેરમાં પહોંચીને વળી બીજી એક સરકારી ઓફિસમાં ગયા. અહીંથી ચારધામ જવાવાળા દરેક યાત્રાળુને વિનામૂલ્યે પણ ફરજીયાત બાયોમેટ્રિક પાસ મેળવવો પડે છે. અમે ચારેય જણ પોતપોતાનું આઈડી કાર્ડ લઈને લાઈનમાં ઉભા રહી ગયા. એટલે કોમ્પ્યુટરમાં ફોટા પાડીને ચારધામ જવા માટે તારીખો સાથેના પાસ કાઢી આપ્યા.

આ પ્રક્રિયા અંગે વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ૨૦૧૩માં કેદારનાથમાં થયેલી દુર્ઘટનામાં હજારો યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા. પરંતુ સરકાર પાસે કેટલા લોકો કેદારનાથ ગયા હતા અને તેમાંથી કેટલા સલામત પાછા આવ્યા તેનો કોઈ રેકોર્ડ નહોતો. વળી યોગ્ય ઓળખના અભાવે ઘણાં શબ ઓળખી શકાયાં નહોતાં, જયારે કેટલાય લોકોનાં શબ તો મળી પણ નહોતાં શકયાં. એટલે સરકાર તેમજ આ યાત્રાળુઓનાં સગાંઓ માટે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ હતી. યોગ્ય પુરાવાને અભાવે મૃત્યુ પામેલા લોકોના વીમાની રકમો મેળવવામાં પણ મુશ્કેલીઓ સર્જાઈ હતી. એટલા માટે હવે સરકારે દરેક યાત્રાળુને આઈડી સાથેના પાસ ઇસ્યુ કરવાનું શરુ કર્યું છે, જેથી યાત્રાળુઓની સંખ્યાનું મોનીટરીંગ પણ થઇ શકે અને કોઈ દુર્ઘટના સર્જાય તો યાત્રાળુની સાચી ઓળખ પણ થઇ શકે.

પરંતુ આ બધી કાર્યવાહીમાં અમારા બીજા બે કલાક ગયા. બપોરનો એક વાગી ગયો હતો, એટલે કુલદીપને કહ્યું કે હવે તો પેટપુજા કરીને જ આગળ વધીએ. એટલે રસ્તામાં એક ધાબા પર જમવાનું પતાવ્યું. જમવાનું ટેસ્ટી તો ના કહેવાય, પરંતુ પ્રવાસમાં ચાલે એવું હતું. વળી નજર સામે જ તાજું બનતું હોવાથી તબિયત બગાડે નહિ તેવું તો જરૂર ગણાય.

ઉત્તરાખંડના પ્રવાસમાં એક નોંધવાલાયક વાત એ છે કે અહીંના ધાબાઓમાં જમવાનું ઘણું સસ્તું મળે છે. મોટેભાગે ૫૦-૬૦ રૂપીયામાં આપણી પસંદગીના મેનુનું (અલબત્ત અવેલેબલ માર્યાદિત વેરાઈટીમાંથી જ) સાદું જમવાનું મળી રહે છે. પ્રમાણમાં સારી કહી શકાય તેવી ચા પણ રૂ ૧૦માં જ મળે છે. પાણીની બોટલના પણ વધારે પૈસા પડાવતા નથી.

હરદ્વારમાં તો નાની નાની અસંખ્ય રેસ્ટોરન્ટસ છે, જ્યાં બહાર મોટાં બોર્ડ મારેલ હોય કે “રૂ ૩૦ (કે ૪૦) માં જમવાનું મળશે -ચાર રોટલી, દાળ ભાત અને શાક. ભાત ના લો તો બે રોટલી એક્સ્ટ્રા.” હરદ્વારમાં સામાન્ય લોકો બહુ જ આવે છે, જેમને આ ભાણું પસંદ પડતું હશે એવું લાગે છે, કારણકે બધાં રેસ્ટોરન્ટ ભરેલાં જ દેખાતાં હોય છે. હરદ્વારમાં અમે મોટી રેસ્ટોરન્ટમાં અમારી પસંદગીની ડીશ જમતા, તો પણ વ્યક્તિ દીઠ રૂ ૬૦-૭૦ જ થતા, જે અમદાવાદની પંજાબી હોટલની ડીશની સરખામણીમાં ત્રીજા ભાગના કહેવાય.

અહીં હોટલ શબ્દ ગુજરાતમાં જે અર્થમાં વપરાય છે, તે અર્થમાં સમજવો. કારણકે ખરેખર તો હોટલ એટલે જ્યાં રહેવા માટેની વ્યવસ્થા હોય તે જગ્યા અને રેસ્ટોરન્ટ એટલે જમવા માટેની વ્યવસ્થા હોય તે જગ્યા. પરંતુ ગુજરાતીઓ તો હોટલમાં જમવા જાય છે, અરે, ચાની કીટલીને પણ હોટલ જ કહે છે.

***

૧) પરંપરાગત રૂટ મુજબ ચારધામ યાત્રાની શરૂઆત યમુનોત્રીનાં દર્શનથી થાય છે. તે માટે ઋષિકેશથી વાહન દ્વારા ચંબા, ટિહરી અને ધરાસુ થઈને સ્યાનાચટ્ટી અને હનુમાનચટ્ટી થઈને જાનકીચટ્ટી પહોંચવાનું હોય છે. જાનકીચટ્ટીથી તીવ્ર ચઢાણવાળા ૬ કિમી લાંબા રસ્તા પર પગે ચાલીને, ઘોડા પર અથવા ડોળીમાં ૧૦૮૦૦ ફૂટ ઉંચાઈએ આવેલ યમુનોત્રી જવાય છે.

૨) યમુનોત્રીથી પરત આવીને ઉત્તરકાશી થઈને ૧૦૩૦૦ ફૂટ ઉંચાઈએ આવેલ ગંગોત્રી જવાનું હોય છે.

૩) ગંગોત્રીથી પાછા ટિહરી આવીને ત્યાંથી ગુપ્તકાશી થઈને ગૌરીકુંડ આવવાનું હોય છે. ગૌરીકુંડથી સામાન્ય ચઢાણવાળા ૯ કિમી અને તીવ્ર ચઢાણવાળા ૧૦ કિમી, એમ કુલ ૧૯ કિમી પગે ચાલીને, ઘોડા પર અથવા ડોળીમાં જઈને ૧૧૮૦૦ ફૂટ ઉંચાઈએ આવેલ કેદારનાથ જવાય છે.

૪) કેદારનાથથી ગૌરીકુંડ પરત આવ્યા પછી ગુપ્તકાશી, કુંડ, ચમોલી, પીપલકોટી અને જોશીમઠ થઈને ૧૦૨૦૦ ફૂટ ઉંચાઈએ આવેલ બદરીનાથ જવાનું હોય છે. વળતી વખતે બદરીનાથથી પીપલકોટી, રુદ્રપ્રયાગ અને દેવપ્રયાગ થઈને ઋષિકેશ પરત અવાય છે. હરદ્વારથી ચારધામ યાત્રા કરીને પાછા હરદ્વાર આવવાનું કુલ અંદાજીત અંતર ૧૫૦૦ કિમી થાય છે.

દરેક ધામનું હરદ્વારથી અંતર આ મુજબ છે:

નોધપાત્ર વાત એ છે કે ગંગોત્રી અને બદરીનાથ એ બે ધામ માટે છેક સુધી મોટર જાય છે, પરંતુ યમુનોત્રી માટે ૬ કિમી અને કેદારનાથ માટે ૧૯ કિમી પગપાળા અથવા ઘોડા પર અથવા ડોળીમાં જવું ફરજીયાત છે. જો કે કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે. પૈસા ખરચવા જ હોય, તેના માટે તો ચારેય ધામ જવા માટે પણ હેલિકોપ્ટર મળે છે.

***

અમે ચાર ને બદલે બે ધામની જ યાત્રા કરવાનું નક્કી કરેલ હોવાથી આ મુજબનો રૂટ લીધો હતો:

દિવસ ૧: હરદ્વારથી ઋષિકેશ, દેવપ્રયાગ અને રુદ્રપ્રયાગ થઇને ગુપ્તકાશીમાં રાત્રી રોકાણ,

દિવસ ૨: ગુપ્તકાશીથી કેદારનાથ દર્શન કરીને પાછા ગુપ્તકાશીમાં રાત્રી રોકાણ,

દિવસ ૩: ગુપ્તકાશીથી બદરીનાથ પહોંચીને ત્યાં રાત્રી રોકાણ,

દિવસ ૪: બદરીનાથથી પીપલકોટી આવીને ત્યાં રાત્રી રોકાણ,

દિવસ ૫: પીપલકોટીથી રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને ઋષિકેશ થઈને હરદ્વાર પરત.

બપોરે જમ્યા પછી લગભગ બે વાગે અમારી ખરી મુસાફરી શરુ થઇ. ઋષિકેશ છોડતાં જ હિમાલયની ટેકરીઓ વચ્ચેથી પસાર થતા વાંકાચુંકા પહાડી રસ્તા શરુ થઇ ગયા. ચારેબાજુ જ્યાં જ્યાં નજર પડે ત્યાં નાના-મોટા પહાડોની હારમાળાઓ દેખાયા જ કરે. કોઈ લીલાંછમ વૃક્ષોથી લચી પડેલ પહાડ હોય, તો કોઈ સાવ ઉજ્જડ અને ફક્ત કાળમીંઢ ખડકવાળો પહાડ હોય. કોઈ વળી લાલ માટીના રંગે રંગાયેલ ટેકરી હોય તો વળી કોઈ સફેદ ધૂળ અને કાંકરાથી જ બનેલ હોય તેવી ટેકરી પણ દેખાય. ખળખળ વહેતી ગંગા નદી પણ અવારનવાર રસ્તામાં દર્શન આપીને મન ખુશ કરી દેતી હતી.

જેમ જેમ આગળ વધતા ગયા, તેમ પહાડો પરથી રુમઝુમ કરતાં નીચે આવતાં ઝરણાં પણ દેખાવા લાગ્યાં. અમારી ગાડી પહાડોની ચડઉતર તો કર્યા કરતી હતી, પરંતુ અમે વધુ ને વધુ ઉંચાઈ તરફ જઈ રહ્યા હતા. બે-ચાર નાનાં ગામ રસ્તામાં આવ્યા પછી પહેલું મોટું શહેર આવ્યું દેવપ્રયાગ.

દેવપ્રયાગ અલકનંદા અને ભાગીરથીના સંગમ પર વસેલું રમણીય શહેર છે. આ સંગમ પછીની નદી ગંગા નદી તરીકે ઓળખાય છે. દેવપ્રયાગમાં રઘુનાથજીનું પ્રાચીન મંદિર છે, તેમ જ સંગમ પર હરીકુંડ નામની પવિત્ર જગ્યા છે, જ્યાં પિંડદાનની વિધિ થાય છે.

પહાડો પર વસેલું શહેર દૂરથી જોવાની મજા જ કંઈક ઔર હોય છે, કારણકે તમે એક જ દ્રશ્યમાં પહાડની તળેટીથી માંડીને ટોચ સુધીમાં પથરાયેલાં બધાં જ મકાનો સાથેનું આખું શહેર એક સાથે જોઈ શકો છો. મેદાની વિસ્તારમાં વસેલ શહેર એક દ્રશ્યમાં આખું જોઈ શકાતું નથી. વળી રાતનો સમય હોય ત્યારે તો આ મકાનોની અને રસ્તાઓની લાઈટોથી આખો પહાડ એવો ઝગમગી ઉઠતો હોય છે કે રમણીય દ્રશ્ય જોવા ત્યાં જ રોકાઈ જવાનું મન થઇ જાય!

પરંતુ અમે પહેલેથી જ મોડા પડ્યા હોવાથી ક્યાંય રોકાયા સિવાય નોનસ્ટોપ આગળ વધતા રહ્યા અને પહોંચ્યા ૨૦૦૦ ફૂટની ઉંચાઈએ આવેલ રુદ્રપ્રયાગ, જે મંદાકિની અને અલકનંદાના સંગમ પર વસેલું શહેર છે. રુદ્રપ્રયાગથી કેદારનાથ અને બદરીનાથ જવાના રસ્તા જુદા પડે છે. મંદાકિનીના કિનારે કિનારે આગળ વધો તો કેદારનાથ પહોંચો અને અલકનંદાના કિનારે ચાલો તો પહોંચાય બદરીનાથ.

અમે કેદારનાથના રસ્તા પર આગળ વધ્યા. રસ્તામાં નાનાં મોટાં ગામ આવતાં ગયાં, પરંતુ ફક્ત એકવાર ચા પીવા રોકાઇને નોનસ્ટોપ આગળ વધતા રહીને સાંજે સાત વાગે અમારા મુકામે ગુપ્તકાશીની હોટલ વિષ્ણુપેલેસમાં પહોંચી ગયા.

આખો દિવસ પહાડી રસ્તામાં ગોળ ફુદરડી ફરતા હોઈએ તેવી મુસાફરીથી અમે એટલા થાકી ગયા હતા કે સાંજે જમવાની પણ ઈચ્છા થતી નહોતી. છેવટે હલકું ભોજન લેવું એમ વિચારીને ખીચડી, શાક અને કઢી બનાવવાનો ઓર્ડર આપ્યો. વિષ્ણુપેલેસ નાની એવી હોટલ હતી, જેનું ઉદઘાટન એક અઠવાડિયા પહેલાં જ થયું હતું. જમવાવાળા અમે ચાર જ ઘરાક હતા, કારણકે બીજા છ-સાત જણનું જે ગ્રુપ હતું, તે પોતાનું જમવાનું જાતે બનાવવાવાળું હતું.

હવે મઝા તો એ આવી કે થોડીવારમાં રસોઈયો પૂછવા આવ્યો કે ‘દાળ ડાલનેકા કે નહિ?’ અમે એમ સમજ્યા કે દાળ બનાવવી કે નહિ તેવું પૂછે છે, એટલે અમે ના પાડી, કારણકે અમે કઢી બનાવવાનું તો કહ્યું જ હતું. પરંતુ કલાક પછી જમવાનું આવ્યું ત્યારે ખબર પડી કે રસોઈયાએ ખીચડી દાળ નાખ્યા સિવાય બનાવી હતી! અર્થાત ફક્ત ભાત જ રાંધ્યો હતો. કદાચ તેને ખીચડીની રેસીપી વિષે બહુ જાણકારી નહિ હોય. આમ અમે જીંદગીમાં પહેલી વાર દાળ વગરની ખીચડી ખાધી. પણ આવું બધું અણધાર્યું અને વિચિત્ર બને તેનું નામ જ પ્રવાસ! એટલે એની મઝા પણ માણી.

બીજા દિવસે વહેલી સવારે ૭ વાગે કેદારનાથ માટે નીકળવાનું વિચાર્યું હતું. પરંતુ બાજુની રૂમનું ગ્રુપ સવારે ચાર વાગે કેદારનાથ જવા નીકળવાનું હતું, તે જાણ્યા પછી અમે પણ થોડું વહેલું એટલે કે છ વાગે નીકળવાનું નક્કી કર્યું.

કેદારનાથ દર્શન કરીને રાત્રે પાછું ગુપ્તકાશી આવી જવાનું હતું, એટલે બધો સામાન હોટલમાં મૂકીને જ જવાનું હતું. ફક્ત જરૂરી ગરમ કપડાં અને સંજોગોવશાત કેદારનાથમાં રાત રોકાવું પડે, તે ધ્યાનમાં લઈને એક જોડ કપડાં સાથે લેવાનું નક્કી કર્યું. રમેશભાઈને ગૌરીકુંડમાં સ્નાનની ઈચ્છા હોવાથી તેમણે એક જોડ કપડાં વધારે લીધાં. વળી ગૌરીકુંડના ગરમ પાણીમાં ચોખાની પોટલી મૂકી રાખવાથી રંધાઈ જાય, એટલે પ્રસાદ તરીકે લેવાનું પણ મહાત્મ્ય હોવાથી ચોખા પણ સાથે લીધા. દરેક જણે થોડો નાસ્તો, પીવાનું પાણી, કપૂરની ગોટી વિગેરે પણ સાથે રાખ્યાં. મોબાઇલ બધાની પાસે હતા, પરંતુ રસ્તામાં આવતાં મોટાં શહેર સિવાય ક્યાંય પણ મોબાઈલ ટાવરનું કવરેજ મળતું નથી, એવો અમારો અનુભવ રહ્યો છે. ફક્ત BSNL ના મોબાઇલ ઘણી જગ્યાએ કામ આપે છે. એટલે અહી આવતા પ્રવાસીઓએ મોબાઇલ મોટેભાગે કામ આવશે નહિ, તેવી તૈયારી સાથે જ આવવું.

ગુપ્તકાશીથી નીકળીને બે કલાકે અમે સીતાપુર પહોંચ્યા, ત્યારે ખબર પડી કે સલામતીનાં કારણોસર અહીંથી આગળ વાહનો જવા દેતા નથી. સીતાપુરથી ગૌરીકુંડ ૪ કિમી છે, જે માટે ફરજીયાત જીપ દ્વારા જવાનું હોય છે. સરકાર દ્વારા જીપનું ભાડું વ્યક્તિ દીઠ રૂ ૨૦ નક્કી કરેલ છે.

અમે સીતાપુરના પાર્કિંગમાં ટેક્ષી મૂકીને પગપાળા આગળ વધ્યા. કુલદીપને પણ કહી દીધું હતું કે અમે રાત્રે પાછા આવી જઈશું, તો પાર્કિંગમાં જ અમારી રાહ જુએ. વહેલી સવાર હોવાથી ઠંડો પવન ફૂંકાતો હતો, એટલે અમે ગરમ કપડામાં બરાબર સજ્જ હતા. અડધો કિમી ચાલ્યા પછી જીપ માટેની લાઈનમાં ઉભા રહ્યા. અડધો કલાકે જીપ મળી, તેમાં ચાર કિમી પહાડી રસ્તો વટાવી લગભગ ૯ વાગે ગૌરીકુંડ પહોંચ્યા.

ગૌરીકુંડ એટલું જાણીતું નામ છે કે આ કુંડ બહુ ભવ્ય અને સ્નાન કરવા લાયક જગ્યા હશે એવી અમારી ધારણા હતી. પણ ખરેખર ગૌરીકુંડ જોયો, ત્યારે બહુ નિરાશા થઇ. સાવ વેરાન અને ધૂળિયા મેદાનના એક ખૂણામાં માંડ ૭-૮ ચો. ફૂટની જગ્યાના એક નાના એવા ખાડામાં ગરમ પાણી આવે છે, જેમાં બીજી પાઈપ દ્વારા ઠંડુ પાણી ઉમેરવામાં આવે છે. એક સાથે ૪-૫ માણસો માંડ ન્હાઈ શકે, એટલી નાની જગ્યા. તેમાં વળી પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ વ્યવસ્થા પણ નહિ. કશું પાકું બાંધકામ કે કપડાં બદલવા કોઈ સગવડ નહિ. પ્રાયવસી માટે આ ખાડા પર વાદળી પ્લાસ્ટિકનો એક ટુકડો ઢાંકી દીધો હતો, બસ. દેવી પાર્વતીએ સ્નાન કરેલું, તે પવિત્ર ગૌરીકુંડની આવી દુર્દશા જોઇને મન વિચલિત થઇ ગયું. છેવટે રમેશભાઈએ વરદાન પુરતું ન્હાવાનું કરીને સંતોષ લીધો. કુંડમાં ચોખા રાંધીને પ્રસાદ લેવાની વાત તો વિચારી શકાય તેમજ નહોતી.

પાછળથી મળેલ માહિતી મુજબ વર્ષ ૨૦૧૩માં આવેલ ભયાનક પૂરથી ગૌરીકુંડની આ દુર્દશા થયેલ છે. હવે આશા રાખીએ કે સરકાર સત્વરે ગૌરીકુંડનો પુનર્રોધ્ધાર કરે.

આ પછી અમે કેદારનાથ જવા માટે ડોળીની તપાસ કરવા નીકળ્યા.

***

ગૌરીકુંડથી કેદારનાથનો પગપાળા રસ્તો પહેલાં ૧૪ કિમી હતો. પરંતુ ૨૦૧૩ની દુર્ઘટના પછી આ રસ્તો બંધ થઇ જતાં, જે નવો રસ્તો ખોલવામાં આવ્યો છે, તે ૧૯ કિમી લાંબો છે. શરૂઆતના ૮ કિમી સુધી સામાન્ય ચઢાણવાળો રસ્તો છે, જે નવો બનાવેલો, પત્થરનાં પ્રમાણસર ઊંચાં પગથિયાંવાળો, ખુલ્લી સાઇડમાં રંગીન રેલીંગ સાથેનો અને ખૂબ સરસ રીતે મેઇન્ટેઇન કરેલ છે. પરંતુ બાકીના ૧૧ કિમીનો રસ્તો એકદમ તૂટેલો, રેલીંગ વગરનો અને તીવ્ર ચઢાણવાળો રસ્તો છે. ગૌરીકુંડથી કેદારનાથ જવા માટે પાંચ વિકલ્પ મળે છે:

૧) પગપાળા જવું:

શારીરિક અને માનસિક રીતે મજબુત લોકો પગપાળા જઈ શકે છે. ખાસ કરીને ગામડાંના લોકો અને પહાડી વિસ્તારના લોકોને આ રસ્તો મુશ્કેલ નહિ લાગે. એક અંદાજ મુજબ કુલ યાત્રાળુઓના ૫૦% લોકો પગપાળા જ જાય છે. વળી જતી વખતે ઘોડા પર ગયા હોય, તેમાંથી પણ અડધા લોકો વળતી વખતે પહાડ ઉતરવાનો હોવાથી પગપાળા જ પાછા આવે છે.

૨) ઘોડા પર જવું:

વાસ્તવમાં અહીં જેને ઘોડા કહે છે, તે પહાડી ખચ્ચર હોય છે, પરંતુ પહાડી રસ્તાઓ પર ઘોડા કરતાં ખચ્ચર વધારે ઉપયોગી અને અનુકુળ હોય છે. ખચ્ચર ઘોડા કરતાં કદમાં નાનું અને શરીરમાં પાતળું પ્રાણી છે. દેખાવમાં તે ગધેડા જેવું લાગે છે, પણ ગધેડા કરતાં ઊંચું અને ખડતલ હોય છે. વળી તે શાંત પ્રાણી હોવાથી ધીમે ધીમે એકધારી ઝડપે ચાલ્યા જ કરે છે. ઘોડાની જેમ તે દોડવાનું કે કુદવાનું કરતુ નથી. મોટાભાગના પ્રવાસીઓને ઘોડા પર બેસવાનો અનુભવ ના હોવાથી બીક લાગતી હોય છે. એટલે ખચ્ચર તેમના માટે વધારે સલામત અને આરામદાયક હોય છે.

ઘોડા ડોળી કરતાં વધુ ઝડપથી પહોંચાડે છે. અમને ઘોડા પર કેદારનાથ જવામાં ૫ કલાક (અડધો કલાક બ્રેક સાથે) અને પાછા આવવામાં ૩ કલાક (અડધો કલાક બ્રેક સાથે) લાગ્યા હતા.

પહેલાંના સમયમાં ઘોડા અને ડોળીવાળાઓ યાત્રાળુઓ સાથે ભાવની ખૂબ રકઝક કરતા હતા. પરંતુ હવે સરકારે આ બધા માટે અંતર, સમય અને વજન મુજબ ફિક્ષ ભાવ બાંધી દઈને પૈસાનો સંપૂર્ણ વ્યવહાર પોતાને હસ્તક લઇ લીધો છે. રસ્તામાં મોટાં બોર્ડ લગાવીને ઘોડા, ડોળી અને કંડીના ભાવ આ રીતે પ્રદર્શિત પણ કરેલ છે .

૨૦૧૩ની દુર્ઘટના પછી સરકારે સલામતીને ધ્યાનમાં દરેક ઘોડાવાળા અને ડોળીવાળાને લાયસન્સ કાર્ડ ઇસ્યુ કરેલ છે, જે ફરજીયાત છે. યાત્રાળુએ ઘોડા કે ડોળીવાળાનું લાયસન્સ કાર્ડ લઈને પોતાના બાયોમેટ્રિક પાસ સાથે સરકારી ઓફિસમાં આપવાથી નિયત રકમ લઈને પહોંચ આપવામાં આવે છે. યાત્રાળુએ મુસાફરી દરમ્યાન લાયસન્સ કાર્ડ અને પહોંચ પોતાની પાસે રાખીને નિયત સ્થાને પહોંચ્યા બાદ તે બંને વસ્તુ ઘોડા કે ડોળીવાળાને આપવાનાં હોય છે.

સરકાર દ્વારા ઘોડા પર ગૌરીકુંડથી કેદારનાથ જવાનો ભાવ રૂ ૨૩૦૦ અને પાછા આવવાનો રૂ ૧૫૦૦ ઠરાવેલ છે. આમાંથી સરકાર વહીવટી ચાર્જ અને ટેક્ષ કાપીને બાકીના પૈસા જે તે ઘોડાવાળાના ખાતામાં બીજા દિવસે જમા કરે છે. આ વ્યવસ્થાથી યાત્રાળુ અને ઘોડાવાળા એમ બંને પક્ષને સગવડ અને સરળતા રહે છે.

યાત્રાળુની સલામતી માટેના સરકારી નિયમ મુજબ દરેક ઘોડાવાળાએ હેલ્મેટ, એલ્બો કેપ, ની કેપ, ફર્સ્ટ એઇડ બોક્ષ વિગેરે સાથે રાખવું જરૂરી છે. વળી દરેક ઘોડા દીઠ એક માણસ સતત ઘોડાને દોરીને સાથે ચાલે એ પણ ફરજીયાત છે. ગૌરીકુંડ ખાતે અનેક ઘોડાઓ છે, જેથી ઘોડાવાળા ઘરાક શોધવા પડાપડી કરે છે. એક અંદાજ મુજબ ગૌરીકુંડ ખાતે લગભગ ત્રીસેક હજાર ઘોડાઓ હશે. સિઝનમાં મોટાભાગનાને ધંધો મળી રહે છે.

૩) ડોળી/ડંડી પર જવું:

ઉપરના ફોટા મુજબ સાંકડી ખુરશી જેવી બેઠકમાં યાત્રાળુને બેસાડીને ચાર માણસો ઊંચકીને ચાલે છે, જે ડોળી કહેવાય છે. ઘોડા પર બેસી ના શકે તેવી વ્યક્તિઓ ડોળીનો ઉપયોગ કરે છે. ગૌરીકુંડથી કેદારનાથ ડોળીમાં જવાનો ભાવ ૭૫ કિલો વજન સુધી રૂ ૪૫૫૦ અને ૯૦ કિલો વજન સુધી રૂ ૫૦૫૦ ઠરાવેલ છે. પરત આવવાનો ભાવ અનુક્રમે રૂ ૩૯૫૦ અને રૂ ૪૪૫૦ છે. અમારા અનુભવ મુજબ હવે ડોળીની સંખ્યા બહુ ઓછી છે, તેથી ડોળીમાં જ જવાનો આગ્રહ હોય તો ગૌરીકુંડ વહેલી સવારે ૬-૭ વાગ્યા સુધીમાં પહોંચી જવું જરૂરી છે.

૪) કંડી/બાસ્કેટ પર જવું:

ઉપરના ફોટા મુજબ કંડીવાળો પોતાની પીઠ પર નેતરની એક બાસ્કેટમાં યાત્રાળુને બેસાડીને લઇ જાય છે. નિયમ મુજબ બાળકો અથવા ૫૦ કિલો વજન સુધીની વ્યક્તિ માટે આ સવલત છે. કંડીવાળા મોટી સંખ્યામાં મળી રહે છે.

૫) હેલિકોપ્ટર મારફત:

સીતાપુરની આસપાસ ત્રણ-ચાર જગ્યાએ હેલીપેડ છે, ત્યાંથી કેદારનાથ મંદિરની બાજુમાં જ આવેલ હેલીપેડ સુધી હેલિકોપ્ટર મારફત જઈ શકાય છે. હાલ પાંચ થી દશ વ્યક્તિઓની ક્ષમતાવાળાં આઠ હેલિકોપ્ટર કાર્યરત છે, જે દરરોજ કેટલાય ફેરા કરે છે. હેલિકોપ્ટર રૂ ૭૦૦૦ની ટીકીટમાં યાત્રાળુઓને સાત મીનીટમાં જ કેદારનાથ પહોંચાડી દે છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે સિઝનમાં હેલિકોપ્ટરની ટીકીટો મળતી જ નથી. ઓનલાઈન ટીકીટો વેચાય છે, પરંતુ બે મહિના પહેલાં પ્રયત્ન કરવા છતાં અમને ટીકીટો મળી નહિ. જો કે ઓફ સિઝનમાં જવું હોય તો ડિસ્કાઉન્ટમાં પણ ટીકીટ મળી જાય છે.

***

અગાઉ કેદારનાથ આવી ગયેલા મિત્રોએ અમને સલાહ આપેલ કે ઘોડા પર જતા નહિ, કારણ કે ઘોડા પર બેસવામાં તકલીફ પડે છે, પડી જવાશે તેવું લાગ્યા કરે છે, ઘોડા રસ્તાની ખીણ બાજુની સાવ કિનારી પર ચાલે છે જેથી બીક લાગે છે અને ઘોડા પર બેસવાની ફાવટ ના હોવાથી બે-ત્રણ દિવસ સુધી શરીર દુખે છે. તેમના મતે ડોળીમાં જવું એ સૌથી વધુ સગવડભર્યું છે. એટલે અમે પણ ડોળીમાં જ જવું એમ નક્કી કર્યું હતું.

પરંતુ ગૌરીકુંડ પહોચીને તપાસ કરી તો જાણવા મળ્યું કે બધા ડોળીવાળા તો કેદારનાથ જવા નીકળી ગયા છે અને હાલ એક પણ ડોળી અવેલેબલ નથી. એટલે અમે મૂંઝાયા. કારણકે હવે ઘોડા પર કે પગપાળા એમ બે જ વિકલ્પ હતા. અમે ચારેય જણ ૬૦ વર્ષ વટાવી ચૂકેલ અને પગે નાની-મોટી તકલીફવાળા હોવાથી પગપાળા જઈ શકીએ તેમ નહોતા. એટલે એક માત્ર વિકલ્પ ઘોડા પર જવાનો બાકી રહેતો હતો, જે સ્વીકારવો અથવા કેદારદર્શન કર્યા વગર પાછા ફરવું પડે. છેવટે ભગવાનને મનોમન યાદ કરીને અમે ચાર ઘોડા કરી લીધા અને રવાના થયા કેદારનાથ તરફ.

પરંતુ એક વાર મુસાફરી શરુ કર્યા પછી ઘોડાનો ડર જતો રહ્યો અને મઝા પણ આવવા લાગી. ઘોડાવાળો સતત ઘોડાને પકડીને ચાલતો હતો, એટલે અમે આરામથી ચારેબાજુ પથરાયેલ કુદરતી સંપત્તિનું રસપાન કરતાં અને ફોટોગ્રાફ્સ લેતાં આગળ વધ્યા. આગળ કહ્યું તે મુજબ શરૂઆતનો રસ્તો વ્યવસ્થિત બંધાયેલો, ઘણો પહોળો, સુંદર રેલીંગવાળો અને ચડવામાં આસાન છે. વળી રસ્તામાં નાની મોટી દુકાનો, પીવાનું પાણી, ટોઇલેટ બુથ, મફત મેડીકલ સેવાનાં કેન્દ્ર, પોલીસ બુથ, વરસાદ સામે રક્ષણ માટેનાં આશ્રયસ્થાન, જાતભાતનાં ડિસ્પ્લે બોર્ડસ વિગેરે આવે જ જતાં હતાં. ઘોડાઓ માટે પીવાના પાણીના હવાડા તો હોય જ, પણ ઘોડા માટે પેશાબ કરવાની નક્કી જગ્યાઓ પણ રસ્તાની સાઇડમાં આવે, જેથી રસ્તામાં ગંદકી ના થાય. સફાઈ કર્મચારીઓ પણ સતત રસ્તો સાફ કરતા જોવા મળ્યા.

લાઈનબંધ ઘોડાઓ એકધારી ઝડપે ચાલ્યા જતા હોય, દરેક ઘોડાને ગળામાં બાંધેલા ઘૂઘરાનો મીઠો ખણકાર સતત ગુંજ્યા કરતો હોય, બીજીબાજુ પહાડી પવનના સુસવાટા ગાજતા હોય, ઘોડાવાળાના ડચકારાઓ અને ડોળીવાળાના પોકારો સંભળાતા હોય, સામેથી પાછા આવતા ઘોડાઓ અને યાત્રાળુઓ મળતા જતા હોય, ઉપરના પહાડો પર આગળના યાત્રાળુઓ અને ઘોડાઓની લાઈનો નાની થતી જતી દેખાતી હોય, એમાં રંગબેરંગી પહાડો, ખીણો, વૃક્ષો, વનરાજીને જોતાં જોતાં અડધો રસ્તો ક્યારે કપાઈ ગયો તે ખબર જ ના પડી.

વળી તે દિવસે કુદરત પણ અમારા ઉપર મહેરબાન હતી, કારણકે જેમ જેમ દિવસ આગળ વધ્યો, તેમ તેમ આકાશ ખૂલતું ગયું. સુરજદાદા પણ બરાબર ખીલ્યા હતા. અમે બબ્બે સ્વેટર અને બબ્બે ટોપી પહેરીને નીકળ્યા હતા, પરંતુ તડકો એવો નીકળ્યો કે બધાં ગરમ કપડાં કાઢી નાખવાં પડ્યાં. ઠંડી હોય તો શ્વાસ ચડવાની તકલીફ થાય, પરંતુ અમારે તો ગરમી હોવાથી કપૂરની ગોળીનાં પેકેટ ખોલવાની પણ જરૂર ના પડી. પહાડો પર જયારે તડકો નીકળે, ત્યારે મેદાની વિસ્તાર કરતાં વધુ તીખો તડકો લાગે છે. કારણકે અહીં મેદાની વિસ્તારમાં હોય તેવું સૂર્યનાં કિરણોને મંદ કરનારું ધૂળનાં રજકણોનું સ્તર હોતું નથી.

અમારા ચારેય ઘોડા એક સાથે ચાલતા હતા, એટલે ગ્રુપને છૂટા પડી જવાની ચિંતા પણ નહોતી. ટૂંકમાં અમે એટલી સહેલાઈથી અને આનંદથી આગળ વધતા હતા કે થોડીવાર તો અમને એવું લાગ્યું કે કેદારનાથની યાત્રા અઘરી કહે છે, તે વાત કંઈ સાચી લાગતી નથી.

પરંતુ અડધો રસ્તો કાપ્યા પછી જયારે મંદાકિની નદી પાર કરવાની આવી, ત્યારે આગળનો રસ્તો જોઇને જ દિલ એક બે ધડકાર ચૂકી ગયું. ૨૦૧૩માં જ્યાં મહાભયંકર પ્રલય આવ્યો હતો, તે જગ્યાએ અમે પહોંચ્યા હતા. આગળ જતા જૂના રસ્તા પર જાણે કે આખો પહાડ તૂટી પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું હતું. હવે અહીંથી નવા બનાવેલ રસ્તા પર જવાનું હતું, પણ એ વળી રસ્તો શાનો? ધૂળ, કાંકરા અને પત્થરના ઢગલા વચ્ચેથી જાણે પસાર થવાનું હતું.

પહેલાં તો ઊંચા પહાડ પરથી તીવ્ર ઢોળાવવાળા રસ્તા પરથી નીચે ઉતરીને મંદાકિનીના કિનારે પહોંચવાનું હતું. પછી મંદાકિનીનો તૂટેલો ફૂટેલો પુલ પસાર કરી બીજા કિનારે જઈને તીવ્ર ચઢાણવાળા રસ્તા દ્વારા બીજા પહાડ પર ચડવાનું હતું. એક ફૂટ જેટલાં ઉચાં પગથિયાં પર ઘોડો નીચે ઉતરે, ત્યારે આગળ પડી ના જવાય, એટલા માટે શરીરને પાછળ તરફ નમાવીને બેલેન્સ રાખવું પડે. તે વખતે જેવો ઘોડાનો પગ જેવો નીચે પછડાય, એટલે આપણે પણ ઉછળીને ઘોડાની પીઠ પર પછડાઈએ. તે સાથે જ કમરમાં કડાકો બોલે, પણ હજુ સંભાળીએ ત્યાં બીજું પગથીયું શરુ થાય એટલે બધી પ્રક્રિયા ફરી રીપીટ થાય.

વળી ઘોડા પર બેસવાની ફાવટ ના હોવાથી ઘોડાનું પેંગડું બંને પગમાં વાગ્યા જ કરતું હતું. તેને લીધે અમને ચારેય જણને પગમાં છાલાં પણ પડી ગયાં હતાં.

થોડીવારે વિસામાની જગ્યા આવી એટલે ત્યાં ચા-નાસ્તો કરવા રોકાયા. ઘોડાવાળાઓને પણ ચા-નાસ્તો કરવા પૈસા આપ્યા. રમેશભાઈને ચક્કર આવતાં હોવાથી, ત્યાંના સરકારી ડોકટરે વિનામૂલ્યે તપાસીને દવા પણ આપી. અડધો કલાક આરામ કરીને ફરી ઘોડા પર સવાર થઈને આગળ વધ્યા.

લગભગ બે કલાક એવા જ રસ્તા પર ચાલ્યા પછી પહાડો વચ્ચેનો ઉચ્ચપ્રદેશ જેવો મેદાની વિસ્તાર આવવા લાગ્યો, ત્યારે લાગ્યું કે હવે મંઝીલ નજીક જ છે. જો કે મંદિર બે કિમી જેવું દૂર હતું, ત્યાંથી જ ઘોડાઓને રોકી દેવામાં આવ્યા. બાકીનો રસ્તો પગપાળા જવાનું હતું. જો કે ડોળી અને કંડીવાળા છેક મંદિર સુધી લઇ જાય છે.

આમ તો આ રસ્તો સામાન્ય ચઢાણવાળો જ હતો, પરંતુ રમેશભાઈએ કંડીમાં બેસવાનું પસંદ કર્યું. મંદિર સુધી જવાના રૂ ૫૦૦ અને પરત આવવાના પણ રૂ ૫૦૦ આપીને તેઓ કંડીમાં બેઠા. અમે પગપાળા જઈને લગભગ અઢી વાગે કેદારનાથ મંદિર પહોંચ્યા.

***

કેદારનાથ મહાદેવ દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક સ્થાન છે અને તેનું પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક એમ દરેક દ્રષ્ટિએ મોટું મહત્વ છે. હિંદુ ધર્મના લોકો માટે તે આસ્થાનું મોટું પ્રતિક છે અને દર વર્ષે ભારતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ લાંબી અને કઠીન યાત્રા કરીને કેદારનાથનાં દર્શન કરીને ધન્ય થાય છે.

પૌરાણિક કથા મુજબ મહાભારતના યુદ્ધ પછી પાંડવો ગોત્રહત્યાના પાપના પ્રાયશ્ચિત માટે મહર્ષિ વેદવ્યાસની સલાહ મુજબ કેદારક્ષેત્રમાં ભગવાન શિવનાં દર્શને આવ્યા. પરંતુ ગોત્રહત્યારા પાંડવોને મહાદેવે દર્શન ના આપ્યાં. પાંડવોની પરીક્ષા કરવા શિવ નંદીનું સ્વરૂપ લઈને વિહરતા હતા. જયારે પાંડવોને આ વાતનો ખ્યાલ આવ્યો, ત્યારે તેમણે આ નંદીનો પીછો કર્યો. પરંતુ નંદી રૂપી શિવ ધરતીમાં ઉતરવા લાગ્યા. ત્યારે પાંડવોએ નંદીનું પૂંછડું પકડી લઈને શિવની આરાધના કરવા માંડી. છેવટે ભગવાન શિવે પાંડવોને દર્શન આપીને પાપમુક્ત કર્યા. તે વખતે નંદીનો પૃષ્ઠભાગ જ બહાર હતો, જેની પાંડવોએ શિવલિંગ તરીકે સ્થાપના કરી. એટલે અહીનું શિવલિંગ ત્રિકોણ આકારના ઊંચા ભાગ સ્વરૂપે છે. નંદીનું મસ્તક નેપાળમાં પશુપતિનાથ તરીકે સ્થાપિત થયું છે. આમ મૂળ કેદારનાથ મંદિર પાંડવોએ બાંધ્યું હતું. આઠમી સદીમાં આદિ શંકરાચાર્યે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. શંકરાચાર્યે દેહત્યાગ પણ આ જગ્યાએ કર્યો હતો એવું કહેવાય છે.

ઐતિહાસિક તથ્યો મુજબ હાલનું પત્થરનું મંદિર ભોજરાજાએ વર્ષ ૧૦૯૯માં બંધાવ્યું હતું અને મહારાણી અહલ્યાબાઈએ વર્ષ ૧૮૦૦માં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ પ્રાચીન મંદિર બહુ મોટું કે ભવ્ય નથી, પરંતુ ઋષિમુનિઓની ભૂમિ પર બરફ આચ્છાદિત પહાડોની વચ્ચે આવેલું આ મંદિર એક દિવ્ય અનુભૂતિ જરૂર કરાવે છે. જુઓ આ વિડીઓ:

આદિ શંકરાચાર્યે કરેલ વ્યવસ્થા મુજબ અહીંના પુજારી કર્ણાટકના હોય છે અને પૂજા કન્નડ ભાષામાં કરવામાં આવે છે. મંદિરનું ગર્ભગૃહ ખુબ સાંકડું છે અને વચ્ચે પત્થરના થાંભલા પણ હોવાથી એક વ્યક્તિ પણ માંડ માંડ પ્રદક્ષિણા કરી શકે તેટલી જગ્યા છે. અહીં શિવલિંગને ઘી ચડાવવાનો મહિમા હોવાથી શિવલિંગ, મંદિરની દીવાલો, થાંભલા, દરવાજા વિગેરે જગ્યાએ શ્રદ્ધાળુઓ દ્વારા ઘી લગાડેલું જોવા મળે છે. મંદિરમાં ચારે બાજુ શ્રીકૃષ્ણ, માતા કુંતી તથા પાંડવોની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે.

***

એકાદ કલાકના સમયમાં અમે કેદારનાથ મહાદેવનાં દર્શન તથા પૂજા કરીને પાવન થયા અને અમારી યાત્રાનું એક અગત્યનું ચરણ પૂરું થયું અને અમારું વર્ષોનું સ્વપ્ન પણ સિદ્ધ થયું. જો કે શ્રદ્ધાળુઓની ભીડને લીધે કેદારનાથ મહાદેવના સાનિધ્યમાં તો માંડ બે મિનીટ માટે જ રહેવા મળ્યું. આમ બે વર્ષથી જેના માટે મનોમંથન કરતા હતા અને બે મહિનાથી જેની તૈયારી કરતા હતા, તે કેદારનાથ દર્શન બે મીનીટ માટે જ થયા. આ સાથે ચીનના મહાન વિચારક લાઓ ત્સેનું વિધાન યાદ આવી ગયું: Arrival is not important, important is The Journey.

દર્શન કરીને બહાર આવીને અમે મંદિર તથા આજુબાજુના વિસ્તારોનાં રમણીય દ્રશ્યો કેમેરામાં ઝડપી લીધાં.

વર્ષ ૨૦૧૩ની દુર્ઘટનામાં અહીંનાં મોટાભાગનાં મકાનો ક્ષતિગ્રસ્ત થઇ ગયાં હતાં અને મંદિરની પાછળના ભાગમાં બસ્સોથી વધારે દુકાનોનું મોટું બજાર હતું, તે તો સંપૂર્ણરીતે તારાજ થઇ ગયું હતું.

પરંતુ આટલી મોટી દુર્ઘટના વચ્ચે પણ કેદારનાથ મહાદેવનો ચમત્કાર ગણો કે કુદરતનો કરિશ્મા ગણો, પણ એક એવી વિશિષ્ટ ઘટના બની, જેને લીધે મુખ્ય મંદિરને જરા પણ આંચ ના આવી. બન્યું એવું કે મંદિરની પાછળના ભાગમાંથી જયારે પ્રલયકારી પૂરનાં પાણી ધસી આવ્યાં, ત્યારે તેની સાથે એક જબ્બર મોટી શિલા તણાઈ આવી. આ શિલા મંદિરની બરાબર પાછળ ૧૫-૨૦ ફૂટના અંતરે આવીને રોકાઈ ગઈ. એટલે પૂરનાં પાણી આ શિલાને લીધે ફંટાઈને મંદિરની બંને બાજુથી વહી ગયાં. આમ મંદિરને પૂરના પાણીને લીધે બિલકુલ નુકશાન ના થયું. આ ઘટના પછી શ્રદ્ધાળુઓ આ શીલાનું પણ પૂજન કરવા લાગ્યા છે.

એકાદ કલાક રોકાઈને અમે ફ્રેશ થયા, થોડો થાક ઉતાર્યો અને હેલીપેડની મુલાકાત પણ લીધી.

પછી શરુ થઇ અમારી રીટર્ન જર્ની. બે કિમી ચાલીને જ્યાં ઘોડા હતા, તે જગ્યાએ આવ્યા. ફરીથી ઓફિસમાં ઘોડા માટે પૈસા ભરીને એજ ઘોડાઓ ઉપર સાંજે ચાર વાગે પાછા ગૌરીકુંડ આવવા નીકળ્યા. વળતાં પહાડ પરથી નીચે ઉતરવાનું હતું, એટલે ઘોડા પર બેલેન્સ રાખવામાં ઘણું ધ્યાન રાખવું પડતું હતું. પહાડ ચડતી વખતે જે ઘોડેસવારી સરળ લગતી હતી, તે પહાડ ઉતરતાં અત્યંત મુશ્કેલ લાગવા લાગી હતી. પગથિયાં ઉતરતા ઘોડાની સાથે અમે ઘોડાની પીઠ પર એવા ઉછળતા હતા કે બેઠકના ભાગમાં સોજા આવીને દુખવાનું શરુ થઇ ગયું હતું. જોકે ઉતરતી વખતે અમે ઓછા સમયમાં નીચે આવી ગયા, એટલે ગૌરીકુંડ પહોંચતાં જ હાશ કરીને ઘોડા પરથી ઉતરી ગયા. ઘોડાવાળાઓને બક્ષિશ આપી વિદાય કર્યા અને અમે જીપમાં સીતાપુર પહોંચ્યા. ત્યાંથી અમારી ટેક્ષીમાં નીકળીને રાત્રે ૧૦ વાગે પાછા ગુપ્તકાશી પહોંચી ગયા.

II બોલો કેદારેશ્વર મહાદેવની જય II

આ લેખ રંગીન અક્ષરો અને રંગબેરંગી ચિત્રો સાથે વાંચવા www.dadajinivato.com પર ક્લિક કરો.

આ લેખમાળાનો ત્રીજો ભાગ “ચાર ધામ યાત્રા -૩) બદરીનાથ” ટૂંક સમયમાં અહીં મૂકાશે. પ્લીઝ, થોડી રાહ જોજો....

અખાત્રીજના દિવસે ભગવાન કેદારનાથ અને ભગવાન બદ્રીનાથની મૂર્તિઓ અને છડી વાજતે ગાજતે અનુક્રમે ____ અને જોશીમઠથી કેદારનાથ મંદિર અને બદ્રીનાથ મંદિરમાં લઇ જઈને મંદિરોનાં કપાટ ખોલવામાં આવે છે. નવેમ્બરમાં મંદિરો બંધ કરવાનો સમય થાય, ત્યારે આ મૂર્તિઓની પધરામણી ____ અને જોશીમઠમાં કરવામાં આવે છે, જ્યાં છ મહિના સુધી તેનું પૂજન-અર્ચન કરવામાં આવે છે.

“દેશનો આત્મા અને દેશનું વિરાટ સ્વરૂપ બંનેનું એકી સાથે દર્શન કરવા યાત્રા એ જ અમોઘ સાધન છે.”

- કાકાસાહેબ કાલેલકર

જો સમય અને અનુકુળતા હોય તો બદરીનાથથી નજીકમાં હેમકુંડ સાહિબ અને ફૂલોની ઘાટી (વેલી ઓફ ફ્લાવર્સ) એ બે જગ્યાઓ પણ જોવાલાયક છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED