વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો –તીરછી નજરે
અવારનવાર સમાચાર વાંચવા મળે છે કે ફલાણા દેશના ફલાણા ભાઈએ આટલી મીનીટમાં આટલા પિત્ઝા બનાવીને કે પછી ખાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં રેકોર્ડ નોંધાવ્યો અને ફલાણી બહેને આટલી મીનીટમાં આટલું ઊંધું ચાલીને કે પછી પગ પર ચાલીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. જયારે જયારે હું આવા સમાચાર વાંચું છું, ત્યારે મનમાં એક ખ્યાલ આવી જાય છે કે આ ગિનીઝ બુક દ્વારા વર્લ્ડ રેકોર્ડ નોંધવાની પ્રથા તો હજુ હમણાં જ, એટલે કે વર્ષ ૧૯૫૫માં શરુ થઇ છે. એટલે છેલ્લાં ૬૩ વર્ષોમાં નોધાયેલ રેકોર્ડ્સ તેમાં સમાવાયા છે, પરંતુ તેની પહેલાં નોંધાયેલા વર્લ્ડ રેકોર્ડનું શું? ખાસ કરીને આપણાં પૌરાણિક પાત્રોના જમાનામાં જો આવી વર્લ્ડ રેકોર્ડ નોંધવાની પ્રથા હોત તો, કદાચ વર્લ્ડના મોટા ભાગના ઓલિમ્પિક અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના રેકોર્ડ આપણા ભારતીયોને નામે હોત. જો તમને મારી આ વાત માનવામાં ના આવતી હોય, તો આ લેખ તમારે પૂરો વાંચવો જ રહ્યો.
પરંતુ આ રેકોર્ડ્સની અંગે વધુ વાત કરું, તે પહેલાં એક ચોખવટ પણ કરી દઉં. મને આપણાં બધાં જ પૌરાણિક પાત્રો પ્રત્યે પ્રેમ અને આદર છે. આ હાસ્યલેખ ફક્ત મનોરંજનના હેતુથી લખાયેલ છે. તો વાંચકોએ પોતાની લાગણીઓ પર કંટ્રોલ રાખીને તેમને દૂભવવા ના દેવી.
તો હવે જોઈએ આપણાં કેટલાં પૌરાણિક પાત્રો વિશ્વવિક્રમના દાવેદાર છે:
૧) સૌથી ઉંચો કુદકો:
ગુગલ મહારાજને પૂછતાં જાણવા મળ્યું કે હાલ સૌથી ઉંચો કુદકો લગાવવાનો વિશ્વવિક્રમ ક્યુબા દેશના એથ્લીટ જેવિયર સોટોમેયર ધરાવે છે, જેણે વર્ષ ૧૯૯૩માં ૮ ફૂટ ઉંચો કુદકો લગાવ્યો હતો. ગુગલ મહારાજે વધુમાં એમ પણ જણાવ્યું કે આ બાબતમાં ભારતીયોનું ખાસ પ્રદાન નથી.
આમ તો આપણે બધા ભારતીયો કુદકા મારવામાં બહુ પાવરધા છીએ. રાજકારણીઓ અવારનવાર ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી જનતા દળમાં એમ કુદકા માર્યા જ કરતા હોય છે. ધાર્મિક લોકો પણ એક વર્ષ કોઈ બાબાના આશ્રમમાં દેખાતા હોય અને બીજા વર્ષે કુદકો મારીને કોઈ ફકીરની દુવા માગવા પહોંચી જાય છે. મહિલાઓ તો કુદકા મારવામાં એવી નિષ્ણાત હોય છે કે દર મહીને મંદિર બદલી નાખતી હોય છે અને બહેનપણીઓનાં ગ્રુપ તો કદાચ દર અઠવાડિયે પણ બદલાઈ જાય. જે બહેનપણી વગર એક મિનીટ ચાલતું ના હોય, તેના વિષે પૂછીએ તો કહેશે કે હવે હું તેની સાથે બોલતી નથી! આ મહિલાઓના પતિઓ પણ કંઇ ઓછા નથી. દર વર્ષે કુદકા મારીને પાનના ગલ્લા અથવા બેઠકના ઓટલા બદલી નાખે છે, દર મહીને બાઈક બદલી નાખે છે અને દર અઠવાડિયે મોબાઈલ બદલી નાખે છે.
આમ સ્થિર રહેવું આપણા સ્વભાવમાં જ નથી, એટલે વાંદરાની જેમ કુદાકુદ કર્યા કરીએ છીએ. આ સનાતન સત્યની શોધ પછી હવે મને એમ લાગે છે કે “વાંદરામાંથી ઉત્ક્રાંતિ થઈને માનવ બન્યો છે” એ ડાર્વિનની વાત કદાચ સાચી પણ હોય.
ખેર, ચાલો જવા દો આ બધી વાત. આપણે ઊંચા કુદકાના વિશ્વવિક્રમની વાત પર પાછા આવીએ.
જેવિયર સોટોમેયર ભાઈએ લગાવેલ કુદકો ભલે વિશ્વવિક્રમ ગણાતો હોય, પરંતુ કુતરું કે ગાય પાછળ પડે ત્યારે ભલભલા લોકો ઊંચા ઓટલા પર અને હાથવગા ઝાડ પર ચડી જવા માટે જે ઊંચા કુદકા લગાવે છે, તે કોઈ માપવા જતું નથી. નહિતર ભારતીયો દ્વારા એટલા બધા વિશ્વવિક્રમ નોંધાઈ ગયા હોત, કે આજ ગુગલ મહારાજને એમ કહેવા વારો ના આવત કે ઊંચા કુદકાના વિશ્વવિક્રમની બાબતમાં ભારતીયોનું કોઈ ખાસ પ્રદાન નથી!
પરંતુ આ બધી ભાંજગડમાં મારે જે મૂળ વાત કહેવાની છે, તે રહી જ જાય છે. તો મારું કહેવાનું એ છે કે મનુષ્ય ભવિષ્યમાં વધુ પ્રગતિ કરીને જેવિયર સોટોમેયર ભાઈએ લગાવેલ ૮ ફૂટના કુદકાથી વધીને કદાચ ૯ કે ૧૦ ફૂટનો કુદકો લગાવીને આ રેકોર્ડને બહેતર બનાવશે પણ ખરો. પરંતુ તે ગમે તેટલા પ્રયત્ન કરશે, તો પણ કોઈ કાળે આપણા હનુમાનજી દ્વારા નોંધાયેલ રેકર્ડ તોડી શકશે નહિ.
હનુમાનજી જયારે બાલ્યાવસ્થામાં હતા, ત્યારે તેમણે સૂર્યને ખાવા માટેનું ફળ સમજીને એવો ઉંચો કુદકો લગાવ્યો હતો કે તેઓ લગભગ સૂર્ય સુધી પહોંચી ગયા હતા. એ તો સારું થયું કે સૂર્યની ગરમીથી પરેશાન થઈને તેમણે સૂર્યને પકડવાનો પ્રયત્ન છોડી દીધો. પરંતુ જો તેઓ સૂર્યને પકડીને પૃથ્વી પર લઇ આવ્યા હોત, તો અત્યારે આપણને કેટલી બધી ગરમી લાગતી હોત! અલબત્ત, આ પ્રયત્નમાં હનુમાનજીના નામે ઊંચા કુદકાનો એક અતૂટ વિશ્વવિક્રમ નોંધાઈ ગયો. તમને શું લાગે છે કે હવે બીજું કોઈ આ રેકોર્ડ તોડી શકે તેમ છે? તો પછી લહેર કરો અને ગર્વ અનુભવતા રહો કે ઊંચા કુદકાનો અતૂટ વિશ્વવિક્રમ એક ભારતીય પાસે જ છે.
૨) સૌથી લાંબો કુદકો:
ઉંચો કુદકોના વર્લ્ડ રેકર્ડધારક આપણા સર્વશ્રેઠ એથ્લીટ હનુમાનજી આ સિવાય પણ ઘણા બધા વર્લ્ડરેકર્ડ ધરાવે છે. તેમાંનો એક છે, લાંબા કુદકાનો વર્લ્ડ રેકર્ડ.
હનુમાનજી જયારે ભગવાન રામની આજ્ઞાથી સીતામાતાની ભાળ મેળવવા લંકા ગયા, ત્યારે તેઓ ૪૮ કિમી લાંબો (હાલના માપ મુજબ) સમુદ્ર એક જ કુદકામાં વટાવી ગયા હતા. અલબત્ત તે જમાનામાં ફૂટપટ્ટી શોધાઈ નહોતી, એટલે હનુમાનજીનો આ રેકોર્ડ લાંબો કુદકો માપ્યા વગરનો રહી ગયો છે. કદાચ ફૂટપટ્ટી શોધાઈ હોત તો પણ આ રેકોર્ડ માપવા માટે કામ ના આવત, કારણકે આ રેકોર્ડબ્રેક કુદકાનું માપ લેવા માટે ફૂટપટ્ટીને બદલે કિમીપટ્ટીની જરૂર પડત.
માપ્યા વગરના આ રેકોર્ડની નોંધ લેવા માટે કદાચ ઓલિમ્પિકવાળા બે-ચાર કિમી ઓછાવત્તા કરી નાખે, તો પણ આપણને વાંધો નથી. કારણકે તે પછી પણ આ રેકોર્ડ કોઈ માઈનો લાલ તોડી શકે તેમ નથી. આમ ઊંચા કુદકાના રેકોર્ડની જેમ લાંબા કુદકાનો રેકોર્ડ પણ એક ભારતીય પાસે જ છે.
આપણા સર્વશ્રેઠ એથ્લીટ હનુમાનજી આવા તો અનેક રેકોર્ડ ધરાવે છે, પરંતુ હવે પછીના રેકોર્ડ માટે તેમના સિવાય બીજા કોઈ એથ્લેટની વાત કરવી જરૂરી છે, નહીતર લોકોને લાગશે કે ભારતીયો પાસે હરી-ફરીને એક માત્ર એથ્લેટ હનુમાનજી જ છે!
૩) ભાલાફેંકનો વિશ્વવિક્રમ:
કહેવાય છે કે મહારાણા પ્રતાપના ભાલાનું વજન ૮૦ કિલો હતું. આપણને તો ૮ કિલો વજનની વસ્તુ ઊંચકતાં પણ ફાંફાં પડી જાય છે, એટલે મહારાણા પ્રતાપ ૮૦ કિલો વજનનો ભાલો કઈ રીતે ઉંચકતા હશે, કઈ રીતે હાથમાં ફેરવતા હશે અને કઈ રીતે દુશ્મન પર ભાલાનો વાર કરતા હશે, તે ગળે ઉતરતું જ નથી. પરંતુ જવા દો એ વાત, કારણ કે મહારાણાએ ભાલાના પ્રહારથી ઘણા દુશ્મનોને મ્હાત કર્યાના દાખલા છે, પરંતુ ભાલો વધુ દુર સુધી ફેંકવાનો કોઈ રેકોર્ડ કર્યો હોય તેવું નોંધાયું નથી. જો કે, એનો અર્થ એ નથી કે ભાલાફેંકનો વિશ્વવિક્રમ આપણે ગુમાવી દીધો છે.
શિવપુરાણ અને અન્ય પુરાણોમાં જણાવ્યા મુજબ અસુરો સાથે યુદ્ધ દરમ્યાન ભગવાન શંકરે પોતાનું ત્રિશુલ (ભાલાફેંકના ભાલાનું પ્રાચીન રૂપ) ફેંકીને આકાશમાં વિહરતા અસુરોનો વિનાશ કરેલ છે. ભલે આ અંતર કોઈએ માપ્યું ના હોય, પરંતુ આ ત્રિશુલ અંદાજે બે-પાંચ કિમી જેટલું દૂર તો ગયું જ હશે. આની સરખામણીમાં ભાલાફેંકનો અત્યારનો વિશ્વવિક્રમ પણ થોડા મીટરનો જ છે. તો પછી નોંધાયોને એક વધુ વિશ્વવિક્રમ એક ભારતીય દ્વારા ?
૪) તિરંદાજીનો સૌ પ્રથમ રેકોર્ડ:
અત્યારે ભલે ઓલિમ્પિકમાં તીરંદાજીની સ્પર્ધાઓ યોજાતી હોય, વિશ્વની સૌ પ્રથમ તિરંદાજીની સ્પર્ધા તો ભારતમાં જ યોજાઈ હતી.
મહાભારત કાળમાં કૌરવ અને પાંડવ રાજકુમારો વચ્ચે આ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધાના જજ તરીકે ગુરુ દ્રોણે ઝાડ પર રાખેલા પક્ષીના મોડલની આંખ સચોટ રીતે વીંધવા માટે રાજકુમાર અર્જુનને વિજેતા જાહેર કર્યો હતો.આ ઘટનાની પહેલાં આવી કોઈ સ્પર્ધા યોજાઈ હોવાના ઉલ્લેખ મળતા નથી, એટલે આપણે આ સ્પર્ધાને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ માટે યોગ્ય ગણીને તેને વિશ્વની સૌ પ્રથમ તિરંદાજી સ્પર્ધા તરીકે ઓળખશું.
સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ઉપરોક્ત વિશ્વવિક્રમો ઉપરાંત પણ ઘણા બધા વિશ્વવિક્રમો આપણા ભારતીયોએ સ્થાપ્યા છે, પરંતુ તેની વાત પછી કરીશું. કારણ કે લોકોને એવું લાગવું ના જોઈએ કે આપણે ફક્ત સ્પોર્ટ્સમાં જ આગળ હતા. તો ચાલો હવે જોઈએ કે ટેકનોલોજી ક્ષેત્રના કેટલા વિશ્વવિક્રમ ભારતીયોના નામે નોંધાયેલ છે.
૫) વિશ્વનું સૌ પ્રથમ વિમાન: પુષ્પક:
અંગ્રેજોએ લખેલ અને આપણને ભણાવેલ ઈતિહાસ મુજબ આપણે યાદ રાખ્યું છે કે અમેરિકાના રાઈટ બંધુઓએ વર્ષ ૧૯૦૩માં પહેલું વિમાન ચાર માઈલ સુધી ઉડાડ્યું. પરંતુ આ પહેલાં પણ ભારતીયો પાસે વિમાન હતું. તે વાતની અંગ્રેજોને ખબર હતી, પરંતુ તેમણે આ વાત જાહેર કરી જ નહિ અને આપણે ગુલામીના માનસમાંથી બહાર આવીને અંગ્રેજોની વાતનો વિરોધ કર્યો નહિ અને માનતા રહ્યા કે રાઈટ બંધુઓએ જ પહેલું વિમાન ઉડાડ્યું.
સાચી વાત એમ છે કે આ ઘટનાના હજારો વર્ષ પહેલાં કુબેર નામના ધનપતિ દેવ પુષ્પક નામનું વિમાન ધરાવતા હતા. કુબેર માટે ધનપતિ શબ્દ એટલા માટે વાપર્યો છે કે કરોડપતિ કે અબજોપતિ જેવા શબ્દો તેમની ધનસંપતિ માટે ઘણા નાના પડે છે.
કુબેર એટલા મોટા ધનપતિ હતા કે તેમણે પોતાના માટે એક આખું શહેર સોનાનું બનાવ્યું, જેનું નામ હતું લંકા. તેઓ લંકાના રાજા બન્યા. પરંતુ તેમના જ સાવકા મોટાભાઈ રાવણે કુબેરને યુધ્ધમાં હરાવીને લંકાનું રાજ્ય તથા પુષ્પક વિમાન પડાવી લીધાં અને જીવનપર્યંત તે બંનેનો ઉપયોગ કર્યો. પંચવટી ખાતેથી સીતાનું અપહરણ કરીને લંકા લઇ જતી વખતે રાવણે આ પુષ્પક વિમાનનો જ ઉપયોગ કર્યો હતો. ભગવાન રામે પણ રાવણને યુધ્ધમાં પરાજિત કર્યા પછી લંકાથી અયોધ્યા પાછા આવવા માટે આ પુષ્પક વિમાનનો જ ઉપયોગ કર્યો હતો. આમ વિશ્વનું સૌ પ્રથમ વિમાન રાઈટ બંધુઓએ નહિ, પરંતુ કુબેરે ઉડાડ્યું હતું. અર્થાત એક વધુ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ ભારતના નામે....
૬) વિશ્વનો સૌથી લાંબો તરતો પુલ:
આધુનિક સમયમાં વિકસિત ટેકનોલોજીની મદદ લીધા પછી પણ સમુદ્ર પર આઠ-દશ કિમી લાંબો પુલ બનાવતાં પણ ભલભલા દેશ થકી જાય છે, ત્યારે હજારો વર્ષ પહેલાં સમુદ્ર પર ૪૮ કિમી લાંબો પુલ બનાવવો કેટલું મુશ્કેલ કાર્ય હશે! આમ છતાં આવો પુલ આપણા દેશની વ્યક્તિઓએ બનાવેલ છે!
ભગવાન રામે જયારે લંકા પર આક્રમણની યોજના બનાવી ત્યારે તેમના સૈન્યને સમુદ્ર પર લઇ જવા માટે રામના બે નળ અને નીલ નામના સૈન્ય અધિકારીઓએ તરતા પત્થર દ્વારા ભારત અને લંકાને જોડતો રામસેતુ નામનો ૪૮ કિમી (હાલના માપ મુજબ) લાંબો પુલ બનાવ્યો, જે વિશ્વનો સૌથી લાંબો તરતો પુલ છે. આજે પણ આ પુલના અવશેષ અસ્તિત્વમાં છે. આમ છતાં આ કાર્ય ઘણા ઓછા સમયમાં પૂરું કરીને એક એવો વિશ્વવિક્રમ રચવામાં આવ્યો છે, જે અત્યાર સુધી અતૂટ છે.
જોયું, કેટલા બધા વિશ્વવિક્રમ આપણી પાસે છે! બસ, તમે ગણતા જ જાઓ...
આ રામસેતુ પુલ બનાવનાર નળ અને નીલ વિશ્વના સૌ પ્રથમ એન્જિનિયરો છે. ભલે તેમનું ડીગ્રી સર્ટિફિકેટ અવેલેબલ નથી, પરંતુ હજારો વર્ષ સુધી ટકી રહે, તેવો પુલ બનાવીને તેમણે તેમનું એન્જીનીયરીંગ કૌશલ્ય સિદ્ધ કરેલ જ છે ને! આવાં તો અસંખ્ય ઉદાહરણ આપણા પૌરાણિક સાહિત્યમાં નોધાયેલ છે. બસ જરૂર છે, થોડી ખાસ દ્રષ્ટિ અને યોગ્ય માનસિકતા કેળવવાની.
૭) વિશ્વનું સૌ પ્રથમ બોરિંગ:
આધુનિક યુગમાં જમીનમાં બોર કરીને પીવા માટે તેમજ ખેતી માટે પાણી મેળવવામાં આવે છે અને આ બોરનો ઈતિહાસ કદાચ ૧૦૦ વર્ષ પુરાણો હશે. પરંતુ આજથી હજારો વર્ષ પહેલાં એક ભારતીયે જમીનમાં બોર બનાવીને પાણી વહાવ્યું હતું.
શું તમે જાણો છો કે વિશ્વનું સૌ પ્રથમ બોર કોણે બનાવ્યું હતું?
આ વિશ્વ રેકર્ડધારક છે મહાભારત કાળનો આપણો વીર અર્જુન. મહાભારતના યુદ્ધ વખતે જયારે પિતામહ ભીષ્મ બાણશય્યા પર પોઢ્યા હતા, ત્યારે તેમણે તરસ લાગવાથી પીવા માટે પાણી માંગ્યું. તે વખતે તેમના પ્રિય અર્જુને પોતાની તીરંદાજીના જ્ઞાન વડે જમીનમાં બોર બનાવીને તે પાણી પિતામહને પાયું હતું. આમ વિશ્વનું સૌ પ્રથમ બોર ભારતમાં મહાભારત કાળમાં ખોદવામાં આવ્યું હતું.
ટેકનોલોજીને લગતા રેકોર્ડ્સની વાત પછી હવે જરા વિષય બદલીને મેડીકલ સાયન્સને લગતા કેટલાક વિશ્વવિક્રમ પણ જોઈ લઇએ:
૮) વિશ્વનું સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન:
આધુનિક વિજ્ઞાને ક્રમશ: વિકાસ સાધીને છેલ્લાં કેટલાંક વર્ષોમાં હૃદય, કીડની, લીવર જેવાં અંગોનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું સાધી લીધું છે. વળી હાથ કે પગ કપાઈ જાય તો તેણે જોડવાનું પણ શક્ય બન્યું છે. પરંતુ મનુષ્યનું મસ્તક કપાઈ જાય, તો તેને ફરીથી જોડવાનું ઓપરેશન કરવામાં મેડીકલ સાયન્સને હજુ કામયાબી મળી નથી.
જયારે આપણે સૌ ઘણી સારી રીતે જાણીએ છીએ કે હજારો વર્ષ પહેલાં ભગવાન શંકરે પોતાના પુત્ર વિનાયકના કપાયેલા મસ્તકની જગ્યાએ હાથીનું મસ્તક જોડ્યું હતું. અર્થાત્ આ વિશ્વનું સૌ પ્રથમ સફળ અંગ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન હતું અને ભગવાન શંકર વિશ્વના સૌ પ્રથમ સફળ ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર હતા. આમ એક વધુ વિશ્વવિક્રમ ભારતીયના નામે...
આ પછી પણ ભારતમાં આવાં ઘણાં સફળ ઓપરેશન થયાં છે, પરંતુ તેની વાત પછી કરીશું.
૯) વિશ્વનું સૌ પ્રથમ ઓર્થોપેડિક ઓપરેશન:
પ્રાચીન ભારતમાં સુશ્રુત નામના મહાન શલ્ય ચિકિત્સક (ઓર્થોપેડિક સર્જન) થઇ ગયા, જેઓ અંગ સર્જરીના પિતામહ ગણાય છે અને તેમના દ્વારા રચાયેલ સર્જરીની ટેકનીકને લગતા ગ્રંથની આધુનિક મેડીકલ સાયન્સે પણ નોંધ લીધેલી છે. પરંતુ તમને ખબર છે કે સુશ્રુતના સમય કરતાં પણ પહેલાં ભારતમાં ઓર્થોપેડિક ઓપરેશન થતાં હતાં?
તો હવે જાણી લો કે વિશ્વના સૌ પ્રથમ ઓર્થોપેડિક ડોક્ટર ભગવાન શ્રીકૃષ્ણ હતા, જેમણે આઠેય વાંકા અંગોવાળી અને વળી ગયેલી કુબ્જાને ઓર્થોપેડિક ઓપરેશન કરીને ફરીથી ટટ્ટાર કરી દીધી હતી. આમ એક વધુ વિશ્વવિક્રમ થયો આપણા નામે...
૧૦) વિશ્વની સૌ પ્રથમ પ્લાસ્ટિક સર્જરી:
આધુનિક સાયન્સ પ્લાસ્ટિક સર્જરી દ્વારા વ્યક્તિનો ચહેરો કે બીજાં અંગોનો ઘાટ, આકાર અને માપ બદલી શકે છે. મોટેભાગે સુંદર દેખાવા માટે આ સર્જરી કરવામાં આવે છે. પરંતુ આ કંઈ અત્યારની શોધ નથી. હજારો વર્ષ પહેલાં ભારતમાં આવાં ઓપરેશન થતાં હતાં.
આ વાતની સાબિતી માટે એક પૌરાણિક કથા સંભાળવી પડશે.
રાજા શર્યાતીની યુવાન પુત્રી સુકન્યા દ્વારા વનમાં તપ કરતા ચ્યવન ઋષિની આંખો અજાણતામાં ફૂટી ગઈ. આ અપરાધ બદલ રાજા શર્યાતીની આજ્ઞાથી સમજુ રાજકુંવરી સુકન્યાએ વૃદ્ધ ચ્યવન ઋષિ સાથે લગ્ન કરીને અંધ ઋષિને જિંદગીભર સાચવવાનું પ્રણ લીધું. પરંતુ પોતાના જેવા વૃદ્ધ અને અંધ વ્યક્તિ સાથે લગ્ન કરીને યુવાન રાજકુંવરી દુઃખી ના થાય, તે માટે ચ્યવન ઋષિએ વૈદકના દેવ અને સૂર્યપુત્રો એવા અશ્વિનીકુમારો (બે ભાઈઓ)ને વિનંતી કરી. એટલે અશ્વિનીકુમારોએ વૃદ્ધ ચ્યવનઋષિનું સફળતાપૂર્વક પ્લાસ્ટિક સર્જરી ઓપરેશન કરીને તેમને યુવાન બનાવી દીધા અને આંખોથી દેખતા પણ કરી દીધા. અર્થાત આ વિશ્વનું સૌ પ્રથમ પ્લાસ્ટિક સર્જરી ઓપરેશન હતું અને અશ્વિનીકુમારો વિશ્વના સૌ પ્રથમ પ્લાસ્ટિક સર્જન્સ હતા.
મેડીકલ સાયન્સના બીજા વિશ્વવિક્રમો આપણે જોઈશું આ લેખમાળાના બીજા ભાગમાં, પરંતુ હવે જોઈએ ભારતીયો દ્વારા નોંધાયેલ બીજા કેટલાક રસપ્રદ અને મનોરંજક વિશ્વવિક્રમો:
૧૧) સૌથી વધુ પત્નીઓનો રેકર્ડ:
માનવ સમાજ પુરુષ પ્રધાન હોવાથી પુરુષો એક થી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવામાં પોતાની વીરતા સમજે છે. લગ્ને લગ્ને કુંવારા લાલ, એ કહેવત મુજબ કેટલાક પુરુષો એક લગ્ન છૂપાવીને બીજું લગ્ન અને તે છૂપાવીને ત્રીજું લગ્ન એમ છેતરપિંડી કરતા હોવાના સમાચાર વાંચ્યા છે. પરંતુ મોટેભાગે તો પુરુષો બે સ્ત્રી સાથે લગ્ન કરીને જ એવા ધરાઈ જાય છે કે ત્રીજી સ્ત્રી સામે નજર પણ નાખતા નથી. જો કે પાકિસ્તાનમાં ૧૨ સ્ત્રીઓ સાથે લગ્ન કરીને રહેતા અને ચીનમાં ૨૭ સ્ત્રીઓ સાથે લગ્ન કરીને રહેતા પુરુષોના સમાચાર પણ છાપામાં વાંચ્યા છે. નજીકના ભૂતકાળમાં રાજા-મહારાજાઓને આઠ-દશ કે પચીસ-પચાસ રાણીઓ હોવાનું પણ ઘણીવાર નોંધાયું છે.
પરંતુ મહાભારત કાળમાં ભગવાન શ્રીકૃષ્ણે ૧૬૧૦૮ સ્ત્રીઓ સાથે લગ્ન કરીને એક વિશ્વવિક્રમ રચ્યો હતો, જે આજે પણ અતૂટ છે. વળી એમ કહેવાય છે કે શ્રીકૃષ્ણની આ બધી રાણીઓ હંમેશાં ખુશ રહેતી હતી. હવે જયારે માણસ એક સ્ત્રી સાથે લગ્ન કરીને પણ તેને હંમેશાં ખુશ રાખી શકતો નથી, ત્યારે શ્રીકૃષ્ણ એક સાથે ૧૬૧૦૮ રાણીઓને હંમેશાં ખુશ રાખી શકતા હતા, તે હકીકત જ તેમની કાબેલિયત બતાવે છે. એટલે કહી શકાય કે શ્રીકૃષ્ણે બીજું કશું ના કર્યું હોત અને ફક્ત ૧૬૧૦૮ રાણીઓને હંમેશાં ખુશ રાખવાનું કાર્ય કર્યું હોત, તો પણ તેઓ ભગવાનનો અવતાર કહેવાત.
૧૨) સૌથી વધુ પતિઓનો રેકર્ડ:
આ રેકર્ડની વાત આવે એટલે તરત જ એલિઝાબેથ ટેલરનું નામ યાદ આવે. તેણે જીવનમાં આઠ વખત લગ્ન કરીને અને સાત વખત પતિને છૂટાછેડા આપીને એક અણગમતો રેકેર્ડ નોંધાવ્યો છે (એક પતિને કુદરતે છૂટાછેડા અપાવ્યા હતા). વળી તેમાંય રીચાર્ડ બર્ટનને તો છૂટાછેડા આપ્યા પછી એક વર્ષમાં તેની જ સાથે ફરીથી લગ્ન કર્યા, પરંતુ બીજી વારનાં લગ્ન બાદ પણ એક જ વર્ષમાં બીજીવાર છૂટાછેડા પણ આપી દીધા હતા. આમ છતાં એલિઝાબેથે આ બધાં લગ્ન એક સાથે કરેલ નહોતાં અર્થાત એક લગ્ન પછી પતિને છૂટાછેડા આપીને પછી બીજાં લગ્ન કરેલ હતાં. જયારે આપણે જે રેકોર્ડની વાત કરી રહ્યા છીએ, તે એક સાથે એક થી વધુ પુરુષો સાથે લગ્ન કરવાની બાબત છે.
કેટલાક આદિવાસી વિસ્તારોમાં સ્ત્રીઓ બે કે ત્રણ પુરુષો સાથે લગ્ન કરીને રહેતી હોય, તેવા ઉલ્લેખો મળે છે. પરંતુ મહાભારત કાળમાં દ્રૌપદીએ પાંચ પુરુષો સાથે લગ્ન કરીને એક વિશ્વવિક્રમ રચ્યો હતો, જે આજે પણ અતૂટ છે. વળી દ્રૌપદી અને તેનાં પાંચેય પતિઓ, પાંડવો, જીંદગીભર ખુબ ખુશહાલ પણ રહ્યા હતા. આમ એક વધુ વિશ્વવિક્રમ ભારતીયને નામ થયો.
૧૩) એક પ્રસુતિમાં સૌથી વધુ સંતાનને જન્મ આપવાનો રેકર્ડ:
સામાન્ય રીતે સ્ત્રી એક સંતાનને જન્મ આપે છે, પરંતુ કેટલીક વાર જોડિયાં બાળકો પણ જન્મે છે. અપવાદ રૂપે ત્રણ, ચાર કે પાંચ બાળકો જન્મ્યાં હોય તેવા કિસ્સા પણ બન્યા છે, પરંતુ વધારે બાળકો જન્મે તો પૂર્ણ વિકસિત ના હોય અથવા નબળાં હોવાથી જીવિત રહી ના શકે એમ મેડીકલ સાયન્સ કહે છે.
પરંતુ મહાભારત કાળમાં ગાંધારીએ એક સાથે સો પુત્રોને જન્મ આપીને એક વિશ્વવિક્રમ રચ્યો હતો. વળી આ બધા જ પુત્રો મોટા થઈને મહાબળવાન યોદ્ધા પણ બન્યા હતા. આમ આ વિશ્વવિક્રમ પણ ભારતીયના નામે જ છે.
૧૪) એક સાથે સૌથી વધુ પાણી પીવાનો વિશ્વવિક્રમ:
એક સાથે સૌથી વધુ પાણી પીવાનો ગિનીઝ બુકનો રેકર્ડ કેટલો છે, તેની તો મને ખબર નથી, પરંતુ વધી વધીને કેટલો હશે? પચીસ ગ્લાસ કે પછી પચાસ ગ્લાસ ? અરે, ચાલો સો ગ્લાસ ગણી લો. પરંતુ આપણા અગત્સ્ય ઋષિએ જે પરાક્રમ કરી બતાવ્યું હતું, તેની સામે હજારો ગ્લાસ પાણી પણ એક ટીપા સરખા ગણાય.
અગત્સ્ય ઋષિ પરિભ્રમણ કરતાં કરતાં ભારતના સમુદ્ર કિનારે પહોંચ્યા. ત્યાંથી તેમને સમુદ્ર પાર આવેલા લંકા દેશમાં જવાની ઈચ્છા થઇ, એટલે તેમણે સમુદ્રને જગ્યા આપવા વિનંતી કરી. પરંતુ અહંકારવશ સમુદ્રે ઋષિની વિનંતી માન્ય ના રાખી. એટલે અગત્સ્ય ઋષિ પોતાના તપોબળે આખો સમુદ્ર પી ગયા અને રચાયો એક સાથે સૌથી વધુ પાણી પીવાનો વિશ્વવિક્રમ. શું આ વિશ્વવિક્રમ કોઈ તોડી શકે તેમ છે?
૧૫) એક સાથે સૌથી વધુ પેશાબ કરવાનો વિશ્વવિક્રમ:
અગત્સ્ય ઋષિએ બીજો એક વિશ્વવિક્રમ પણ રચ્યો છે, તે પણ તે જ દિવસે.
બન્યું એવું કે અગત્સ્ય ઋષિ આખો સમુદ્ર પી ગયા, એટલે સમુદ્રમાં રહેનારાં અસંખ્ય માછલાં અને અન્ય જળચરો પાણી વગર તરફડવા લાગ્યાં. સમુદ્રને પણ અગત્સ્ય ઋષિની શક્તિઓનું અને પોતાની ભૂલનું ભાન થયું. તેણે અગત્સ્ય ઋષિની માફી માગી અને સમુદ્રને ફરી પાણીથી ભરી દેવા વિનંતી કરી. અંતે પ્રસન્ન થયેલ અગત્સ્ય ઋષિએ પેશાબ કરીને આખો સમુદ્ર ફરીથી પાણીથી ભરી દીધો. આમ બીજો એક વિશ્વવિક્રમ પણ અગત્સ્ય ઋષિના નામે નોંધાયો.
એક આડ વાત. સમુદ્રનું પાણી ખારું શા માટે છે, તેની પણ હવે તમને ખબર પડી ગઈ હશે!
હવે અહીં આપણે લઈએ નાનકડો બ્રેક અને ભારતીયો દ્વારા રચાયેલ વધુ વિશ્વવિક્રમો વિષે જાણીશું, “વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો - ભાગ ૨” માં...…
***