વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો –તીરછી નજરે -ભાગ ૨ Suresh Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો –તીરછી નજરે -ભાગ ૨

(૨) વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો –તીરછી નજરે

આ લેખમાળાના પ્રકરણ (૧)માં આપણે કેટલાક ભારતીય વિશ્વવિક્રમો જોયા, જે હજુ સુધી ક્યાંય નોંધાયેલ નથી. જો યોગ્ય દ્રષ્ટિથી નિરીક્ષણ કરીએ, તો પૌરાણિક કાળમાં આવા અસંખ્ય વિશ્વવિક્રમો નજરે પડે છે. પ્રકરણ (૧) વાંચ્યા પછી જાણકાર અને ઉત્સાહી વાંચકોએ પણ મને આવા કેટલાક વિશ્વવિક્રમો વિષે જાણ કરી છે. તો હવે જોઈએ કે બીજા કેટલા વિશ્વવિક્રમો ભારતીયો ધરાવે છે.

૧) વેઇટ લીફટીંગનો વિશ્વવિક્રમ:

પૌરાણિક પાત્રોના વિશ્વવિક્રમની વાત હોય તો શરૂઆત તો આપણા સર્વશ્રેઠ એથ્લીટ હનુમાનજીથી જ કરવી પડે ને! તો હવે જાણી લો કે ઉંચો કુદકો અને લાંબા કુદકોના વિશ્વવિક્રમધારક હનુમાનજી વેઇટ લીફટીંગનો વિશ્વવિક્રમ પણ ધરાવે છે.

વેઇટ લીફટીંગ દરમ્યાન નિર્ધારિત વજન હાથથી ઊંચકીને માથાની ઉપર ઉઠાવીને નિર્ધારિત સેકન્ડ્સ સુધી હોલ્ડ કરવાનું હોય છે. તે મુજબ ૨૬૪ કિલોગ્રામ જેટલું વજન થોડી સેકન્ડ્સ માટે ઉઠાવનાર રશિયાનો એલેક્ષી લોકેવ હાલનો સુવર્ણચંદ્રક વિજેતા વિશ્વવિક્રમી પહેલવાન છે. પરંતુ એક આખો પર્વત, એટલે કે હજારો કિલોગ્રામ વજન ફક્ત એક હાથ પર ઊંચકીને પાછા હિમાલયથી લંકા સુધીની સફર પણ કરે, તેને કોઈ મેડલ નહીં આપવાનો? બહુ અન્યાય છે, ભાઈ!

૨) ડિસ્કથ્રોનો વિશ્વવિક્રમ:

ઓલિમ્પિક સ્પર્ધામાં લોખંડની ડીશ (ડિસ્ક) દૂર સુધી ફેંકવાની સ્પર્ધા યોજાય છે, જેમાં આવી ડિસ્ક ૭૪ મીટર દૂર ફેંકીને જુર્ગેન કલ્ટ નામના જર્મન ખેલાડીએ વિશ્વવિક્રમ નોંધાવ્યો છે.

હવે આ જુર્ગેનભાઈ ભલે પોતાનો સુવર્ણચંદ્રક જોઈને વિશ્વવિક્રમ તોડ્યો છે તેમ સમજીને હરખાયા કરે, પરંતુ જો તેમને જાણ થાય કે ભૂતકાળમાં કોઈએ ૭૪ મીટરને બદલે ૭૪૦૦ મીટરથી પણ વધુ અંતર સુધી ડીશ ફેંકેલ છે, તો આ જુર્ગેનભાઈનું મોઢું જોવા જેવું થાય.

વિષ્ણુપુરાણમાં જણાવ્યા મુજબ અસુરો સાથે યુદ્ધ દરમ્યાન ભગવાન વિષ્ણુ પોતાનું સુદર્શન ચક્ર (ડિસ્કનું પ્રાચીન રૂપ) ફેંકીને આકાશમાં વિહરતા અસુરોનો વિનાશ કરતા હતા. હવે પુરાણોના કર્તાઓને તો અંતર માપવામાં કોઈ રસ નહોતો, પણ બે જોજન અને ચાર જોજન દૂર રહેલા અસુરને સુદર્શન ચક્ર વડે માર્યાના ઉલ્લેખ તો ઘણીવાર મળી આવે છે. અર્થાત્ આ સુદર્શન ચક્ર અંદાજે દશ-પંદર કિમી જેટલું દૂર તો ગયું જ હશે. તો પછી આ વિશ્વવિક્રમ નોંધ્યા વગરનો રહી ગયો છે કે નહીં?

૩) તિરંદાજીનો સૌથી અઘરો રેકોર્ડ:

વિશ્વની સૌથી અઘરી તિરંદાજીની સ્પર્ધા મહાભારત કાળમાં રાજા દ્રુપદના પાંચાલનગરમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં દરેક સ્પર્ધકે પાણી ભરેલા કુંડમાં સ્થાપિત એક ઊંચા થાંભલા પર ચડીને વચ્ચે રાખેલ ત્રાજવાનાં બે પલ્લાંમાં પોતાની જાતને સ્થિર કરીને, થાંભલાની ટોચે ગોળ ફરતી રહેતી માછલીની આંખ નીચે પાણીમાં પડતા તેના પ્રતિબિંબમાં જોઇને તીરથી વીંધવાની હતી. અનેક રાજાઓ અને રાજકુમાર આ લક્ષ્યવેધ સ્પર્ધામાં નિષ્ફળ ગયા, ત્યારે બ્રાહ્મણ વેશમાં રહેલા અર્જુને આ સ્પર્ધા સરળતાથી જીતી લીધી હતી. તે સાથેજ તેને સુવર્ણચંદ્રકને બદલે વિશ્વની સર્વોત્તમ રૂપસુંદરી દ્રૌપદીની પ્રાપ્તિ થઇ હતી. આજના તીરંદાજીના વિશ્વચેમ્પિયન તેમને વિશ્વસુંદરી મળવાની હોય તો પણ આવો લક્ષ્યવેધ કરી શકે તેમ નથી. તો પછી તીરંદાજીનો વિશ્વવિક્રમ આપણી પાસે છે, તેમ કહેવાય કે નહિ?

ચાલો હવે સ્પોર્ટ્સ ક્ષેત્ર છોડીને ટેકનોલોજી ક્ષેત્રની વાત કરીએ.

૪) વિશ્વનો સૌ પ્રથમ આર્કિટેક્ટ:

આમ તો આ વિશ્વની રચના કરનાર વિશ્વકર્મા જ વિશ્વના સૌ પ્રથમ આર્કિટેક્ટ ગણાય, પરંતુ જો આપણે વિશ્વની રચના પછીના રેકર્ડની વાત કરતા હોઈએ, તો આ બહુમાન મયદાનવ નામના મહાપુરુષને મળવું જોઈએ, જેમણે પાંડવો માટે અદભૂત ઇન્દ્રપ્રસ્થ નગરની રચના કરી હતી. આમ કોઈ મકાનને બદલે સમગ્ર શહેરની ડીઝાઇન અને નિર્માણ કરનાર વિશ્વના સૌ પ્રથમ આર્કિટેક્ટ મયદાનવ હતા.

આ ઇન્દ્રપ્રસ્થ નગર પણ એક અનોખો વિશ્વવિક્રમ ધરાવે છે, એટલે એની વાત અલગથી કરવી જરૂરી છે.

૫) વિશ્વનું સૌ પ્રથમ થ્રીડી ઈફેક્ટ ધરાવતું બિલ્ડિંગ:

થ્રીડી ઈફેક્ટ ધરાવતી ટાઈલ્સ લગાડીને ડ્રોઈંગ રૂમમાં નદી, ખીણ કે જંગલનો આભાસ ઉભો કરવાનું હમણાં બે-ચાર વર્ષથી જ શરુ થયું છે, આવા મકાનના ફોટા વોટ્સ એપ પર જોઇને આપણે બધા એવા અભિભૂત થઇ જઈએ છીએ કે વિદેશોમાં ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે તેની વાત કરવા માંડીએ છીએ. પરંતુ હજારો વર્ષ પહેલાં પણ આપણા ભારતીયો આ થ્રીડી ઈફેક્ટવાળી ટેકનોલોજી જાણતા હતા, તે આપણે ભૂલી જઈએ છીએ.

મહાભારત કાળમાં મયદાનવે થ્રીડી ઈફેક્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્દ્રપ્રસ્થમાં એક એવો મહેલ બનાવ્યો હતો કે જ્યાં સ્થળ હોય ત્યાં જળ અને જળ હોય ત્યાં સ્થળ દેખાતું હતું. મયદાનવે એટલી કુશળતાથી આ રચના કરેલ કે દુર્યોધન પાણી ભરેલા કુંડને જમીન છે એમ ધારીને પાર કરવા ગયો, તેમાં પાણીમાં પડ્યો. આ ઘટના પર દ્રૌપદીની તીખી કટાક્ષ પ્રતિક્રિયા અંતે મહાભારત યુદ્ધમાં પરિણમી, જે બહુ જાણીતી વાત છે. ટૂંકમાં થ્રીડી ઈફેક્ટવાળી ટેકનોલોજીની સૌ પ્રથમ શોધ ભારતમાં થઇ હતી.

૬) વિશ્વનો સૌ પ્રથમ સ્ટેનોગ્રાફર:

આધુનિક ઓફિસમાં બોસ સ્ટેનોગ્રાફરને ડીકટેશન આપે છે. અર્થાત બોસ જે બોલે તે શબ્દો સ્ટેનોગ્રાફર એ જ ઝડપે સાંકેતિક ભાષામાં લખી નાખે છે અને પછી આ લખાણને સામાન્ય ભાષામાં ટાઇપ કરી આપે છે. આમ બોલવાની ઝડપે લખનારને સ્ટેનોગ્રાફર કહેવાય છે. પરંતુ તમે જાણો છો કે વિશ્વનો સૌ પ્રથમ સ્ટેનોગ્રાફર કોણ હતો?

તો હવે જાણી લો કે વિશ્વના સૌ પ્રથમ સ્ટેનોગ્રાફર હતા ગણેશજી.

આપણે બધા જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિના અદ્વિતીય મહાકાવ્ય ‘મહાભારત’ની રચના મહર્ષિ વેદવ્યાસે કરી હતી. પરંતુ આ મહાભારતની રચના વખતે વેદવ્યાસને એવા લહિયાની જરૂર પડી હતી, જે બોલવાની ઝડપે લખી શકે. છેવટે ગણેશજીએ આ જવાબદારી સ્વીકારી. વેદવ્યાસ બોલતા ગયા અને ગણેશજી એ જ ઝડપે લખતા ગયા. આમ રચાયું મહાભારત અને ગણેશજી બન્યા વિશ્વના સૌ પ્રથમ સ્ટેનોગ્રાફર. અર્થાત એક વધુ વિશ્વવિક્રમ થયો ભારતીયના નામે.

૭) વિશ્વની સૌ પ્રથમ ટેલિવિઝન ટેકનોલોજી :

આધુનિક યુગમાં ટેલિવિઝનનો ઉપયોગ પચાસેક વર્ષ પહેલાં જ શરુ થયેલ છે. પરંતુ હજારો વર્ષ પહેલાં પણ ભારતીયો પાસે ટેલિવિઝન ટેકનોલોજી હતી, તે તમે જાણો છો?

મહાભારત યુદ્ધ સમયે કુરુક્ષેત્રના યુદ્ધમેદાનથી કેટલાય કિમી દૂર હસ્તિનાપુરના રાજમહેલમાં બેઠેલા અંધ ધ્રુતરાષ્ટ્રને તેમના સારથી સંજયે યુદ્ધનો આંખેદેખ્યો અહેવાલ સતત અઢાર દિવસ સુધી સંભળાવ્યો હતો. આ હકીકત સાબિત કરે છે કે તે જમાનામાં ભારતમાં ટેલિવિઝન ટેકનોલોજી હતી અને સંજય હતો વિશ્વનો સૌ પ્રથમ ટીવી રિપોર્ટર. આમ એક વધુ વિશ્વવિક્રમ ભારતના નામે થયો.

ટેકનોલોજીને લગતા રેકોર્ડ્સની વાત પછી હવે જરા વિષય બદલીને મેડીકલ સાયન્સને લગતા કેટલાક વિશ્વવિક્રમ પણ જોઈ લઇએ:

૮) વિશ્વનાં સૌથી મજબૂત હાડકાં ધરાવનાર વ્યક્તિ:

આપણે બધા જાણીએ છીએ કે દેવરાજ ઇન્દ્રનું આયુધ વજ્ર તરીકે ઓળખાય છે, જે જગતનું સૌથી મજબૂત શસ્ત્ર ગણાય છે. વજ્ર એટલું મજબૂત આયુધ છે કે તે જગતનાં અન્ય તમામ શસ્ત્રનો વિનાશ કરી શકે છે, પણ વજ્રને કોઈ શસ્ત્ર કે અસ્ત્ર તોડી શકતું નથી. એટલા માટે અત્યંત મજબૂત શરીર ધરાવનારને આપણે વજ્ર સમાન દેહ ધરાવનાર કહીએ છીએ.

પરંતુ આ વજ્રનું નિર્માણ એવી કઈ ધાતુમાંથી કરવામાં આવ્યું છે, જેનાથી તે આટલું મજબૂત આયુધ બની ગયું? પૌરાણિક કથા મુજબ વૃથાસુર નામના એક મહાબળવાન રાક્ષસને મારવા માટે દેવરાજ ઇન્દ્રે દધીચિ નામના મહાન ઋષિનાં હાડકાંમાંથી વજ્ર નામનું આયુધ બનાવ્યું હતું. અર્થાત વિશ્વનું સૌથી મજબૂત આયુધ જેમાંથી બન્યું, તે દધીચિઋષિનાં હાડકાં વિશ્વનાં સૌથી મજબૂત હાડકાં હતાં. એટલે વિશ્વનાં સૌથી મજબૂત હાડકાં ધરાવનાર વ્યક્તિનો વિશ્વવિક્રમ થયો એક ભારતીયના નામે.

૯) વિશ્વનું સૌ પ્રથમ ટેસ્ટટ્યુબ બેબી:

આધુનિક યુગમાં ટેસ્ટટ્યુબ બેબીની ટેકનોલોજી કદાચ સોએક વર્ષ પહેલાં જ શોધાયેલ છે, જે પાશ્ચાત્ય દેશોની દેણ ગણાય છે. પરંતુ ઈતિહાસ ગવાહ છે કે હજારો વર્ષ પહેલાં પણ ભારત પાસે આવી ટેકનોલોજી હતી.

રામાયણકાળમાં સીતામાતાના જન્મની કથા બધા જાણતા જ હશે. જનકરાજાને એક ખેતર ખેડતાં જમીનમાંથી માટીનું એક પાત્ર મળ્યું. આ પાત્રમાંથી એક બાળકી નીકળી, જેને જનકરાજાએ પોતાની પુત્રી તરીકે સ્વીકારીને સીતા નામ આપીને ઉછેરી. હવે આ ઘટનાનું રહસ્ય તપાસીએ, તો ખ્યાલ આવે છે કે એ જમાનામાં લોકો ટેસ્ટટ્યુબ બેબીની ટેકનોલોજી જરૂર જાણતા હશે. તો જ આ રીતે કોઈ પાત્રમાંથી બાળકનો જન્મ થાય. આમ વધુ એક વિશ્વવિક્રમ ભારતના નામે થયો.

મેડીકલ સાયન્સના બાકીના વિશ્વવિક્રમો આપણે જોઈશું આ લેખમાળાના ત્રીજા ભાગમાં, પરંતુ હવે જોઈએ ભારતીયો દ્વારા નોંધાયેલ થોડા રસપ્રદ અને મનોરંજક વિશ્વવિક્રમો:

૧૦) સૌથી વધુ સંતાનનો રેકર્ડ:

સામાન્યપણે સૌથી વધુ સંતાનનો ઉલ્લેખ આવે ત્યારે લોકોને હસ્તિનાપુરના સમ્રાટ ધ્રુતરાષ્ટ્ર યાદ આવી જાય, કારણકે તેમને ૧૦૦ કૌરવ પુત્રો બહુ જાણીતા છે. જો કે આપણી પૌરાણિક કથાઓમાં ૧૦૦ કે વધુ સંતાનો ધરાવતાં બીજાં ઘણાં પાત્રો મળી આવે છે, આમ છતાં આમાંથી કોઈ વિશ્વવિક્રમના દાવેદાર ના ગણી શકાય. કારણકે આનાથી અનેકગણી વધારે સંખ્યામાં સંતાન હોવાનાં કેટલાંક ઉદાહરણ પણ આપણી પૌરાણિક કથાઓમાં છે.

આ બધામાં સૌથી શિરમોર છે સગર રાજાની વાત. સતયુગમાં અયોધ્યામાં ઇક્ષ્વાકુ વંશમાં સગર નામનો એક મહાપ્રતાપી રાજા થઇ ગયો, જે ભગવાન રામનો પૂર્વજ થાય. આ સગર રાજાને સાઠ હજાર મહાબળવાન પુત્રો હતા. હવે આ સગર રાજાને કેટલી રાણીઓ હતી, તેના ઉલ્લેખ તો મળતા નથી, પરંતુ તેમને સાઠ હજાર પુત્રો હતા તે વાત તો પાકી જ છે. અર્થાત સૌથી વધુ સંતાન ધરાવવાનો વિશ્વવિક્રમ પણ છે એક ભારતીયના નામે.

૧૧) સૌથી મોટું ડગલું ભરનાર વ્યક્તિ:

સૌથી મોટું ડગલું ભરવાની કોઈ સ્પર્ધા યોજાતી હોવાનું તો જાણમાં નથી. પરંતુ માણસ વધુમાં વધુ કેટલું મોટું ડગલું ભરી શકે? બહુ બહુ તો પાંચ કે સાત ફૂટ. આની સામે આપણા એક ભારતીયનો વિક્રમ એટલો મોટો છે કે તમે કલ્પના પણ ના કરી શકો.

વિષ્ણુ ભગવાને વામનરૂપ ધારણ કરીને દાનવ કુળના બલિરાજા પાસે સાડા ત્રણ ડગલાં જમીન દાનમાં માગી હતી. જયારે જમીન માપવાનો સમય આવ્યો, ત્યારે વિષ્ણુ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરીને એક ડગલામાં આખી પૃથ્વી, બીજા ડગલામાં સમગ્ર આકાશ અને ત્રીજા ડગલામાં સંપૂર્ણ પાતાળ આવરી લીધું હતું. હવે તમે જ કહો, આથી મોટું ડગલું ભરવું કોઈને માટે શક્ય છે? તો પછી આ વિશ્વવિક્રમ પણ ગયો ભારતની ઝોળીમાં ને!

૧૨) સૌથી લાંબા સમય માટે બંને આંખો ઢાંકી રાખવાનો વિશ્વવિક્રમ:

દેખતા માણસ માટે લાંબા સમય સુધી બંને આંખો પર પાટા બાંધી રાખવા એ ઘણું મુશ્કેલ કાર્ય હોય છે. કોઈ રમતમાં બે પાંચ મિનીટ માટે પાટા બાંધી રાખવા પડે તો પણ માણસ અકળાઈ જાય છે. તો કોઈ સારી રીતે દેખી શકનાર વ્યક્તિ બંને આંખો પર પાટા બાંધીને આખી જિંદગી ગુજારી નાખે, તો તેને શું કહેવું? આવી વ્યક્તિને ‘ગાંધારી’ કહેવાય. જવાબ પૂરો.

અંધ ધ્રુતરાષ્ટ્ર સાથે ગાંધારીને રાજકીય કારણોસર લગ્ન કરવાં પડ્યાં. એટલે ગાંધારીએ ‘હું મરું પણ તને વિધવા કરું’ એવી બદલાની ભાવના સાથે લગ્નના દિવસથી જ પોતાની બંને આંખે પાટા બાંધી દઈને આખી જિંદગી આંધળાની જેમ જીવન વિતાવ્યું. એ રીતે પોતાને થયેલ અન્યાયનો બદલો ધ્રુતરાષ્ટ્ર પાસેથી વસુલ કર્યો. આખી જિંદગી જાતે પરેશાની વેઠીને આવો શાંત બદલો કોઈ સ્ત્રી જ લઇ શકે, એમાં પુરુષોનું કામ નહિ. પણ જવા દો એ વાત, આપણા માટે તો એક વધુ વિશ્વવિક્રમ એક ભારતીયના નામે નોંધાયો ને!

૧૩) સૌથી લાંબા વાળનો વિશ્વવિક્રમ:

આ મથાળું વાંચીને તમે અહીં કોઈ સુંદર સ્ત્રીનું નામ વાંચવાની ધારણા કરી બેઠા હશો, તો તમારે નિરાશ થવું પડશે. કારણકે વિશ્વમાં સૌથી લાંબા વાળનો રેકર્ડધારક એક પુરુષ છે અને તે પણ જેવોતેવો નહિ, પરંતુ દેવોનો પણ દેવ, એવો મહાદેવ છે. આમ તો શંકર ભગવાનના વાળ ઘણા લાંબા છે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ કોઈ જગ્યાએ જોવા મળતો નથી. એટલે તમને આ વાત જાણીને કદાચ આશ્ચર્ય થશે અને શંકા પણ થશે. પરંતુ મેં એક બહુ જાણીતી કથા પરથી તર્કબદ્ધ રીતે આ માહિતી તારવી છે.

સતયુગમાં અયોધ્યાના રાજા ભગીરથે પોતાના પૂર્વજોની (અગાઉ વાત કરી છે એ સગર રાજાના સાઠ હજાર પુત્રોની) સદગતી માટે ગંગાનદીને સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતારી હતી. સ્વર્ગમાંથી પ્રચંડ વેગથી પડનારી ગંગાને પૃથ્વી પર રોકવા માટેનું મુશ્કેલ કાર્ય મહાદેવને સોંપવામાં આવ્યું હતું. ગંગા પોતાના વિશાળ પ્રવાહ અને પ્રચંડ વેગના અભિમાનમાં મહાદેવને પણ પોતાની સાથે વહાવી દેવાની તૈયારી સાથે ધસી આવતી હતી. પરંતુ આ કથામાં આગળ વર્ણન છે તે મુજબ ગંગાનદી મહાદેવની જટામાં એવી ગૂંચવાઈ ગઈ કે તેમાંથી બહાર જ નીકળી ના શકી. છેવટે ભગીરથની વિનંતીથી મહાદેવે ગંગાને વહેવા માટે મુક્ત કરી.

હવે આ કથા તો બધા જાણે છે, પણ મને આમાં એક વિશ્વવિક્રમ દેખાયો છે. ગંગા જેવી વિશાળ નદી જે જટામાં સમાઈ જાય, તે જટા કેટલી વિશાળ હશે! તો પછી મહાદેવની આ વિશાળ જટાના વાળ લંબાઈમાં વિશ્વવિક્રમ ધરાવે તો તેમાં શું નવાઈ?

૧૪) વિશ્વમાં સૌથી વધુ દુર્ગંધવાળું શરીર ધરાવતી સ્ત્રી:

આ વિશ્વવિક્રમ વિષે જાણવા માટે પહેલાં એક વાર્તા સાંભળવી પડશે.

દ્વાપરયુગના મહાભારતકાળની શરૂઆતની એક કથા મુજબ સ્વર્ગની અદ્રિકા નામની અપ્સરાને શાપ મળવાથી પૃથ્વી પર માછલીનો અવતાર મળ્યો હતો. યમુના નદીમાં વિહરતી આ માછલી, ચેદીના રાજા સુધન્વાનું વીર્ય ગળી જવાથી ગર્ભવતી બની. તે પછી દસ્યુરાજ નામના એક માછીમારે આ માછલીને પકડીને તેને ચીરતાં તેમાંથી એક બાળકી નીકળી. દસ્યુરાજે આ બાળકીને પોતાની દીકરી તરીકે ઉછેરી. વાસ્તવમાં અપ્સરાની દીકરી હોવાથી તે ઘણી નમણી અને સુંદર હતી, પરંતુ માછલી દ્વારા તેનો જન્મ થયેલ હોવાથી તેના શરીરમાંથી માછલીની તીવ્ર દુર્ગંધ આવતી હતી, તેથી તેનું નામ મત્સ્યગંધા રાખવામાં આવ્યું. વળી તેનો વર્ણ કાળો હોવાથી તે ‘કાલી’ તરીકે પણ ઓળખાતી. પુખ્ત વયની થઇ ત્યાં સુધી મત્સ્યગંધાના શરીરમાંથી આ દુર્ગંધ આવતી રહી હતી. એટલા માટે મેં વિશ્વમાં સૌથી વધુ દુર્ગંધવાળું શરીર ધરાવતી સ્ત્રી તરીકે તેની પસંદગી કરી છે. તમારા ધ્યાનમાં આ રેકર્ડ તૂટે એવું બીજું કોઈ નામ છે?

જો કે મત્સ્યગંધાની વાત અહીં પૂરી થતી નથી.

પ્રથમ દ્રષ્ટીએ મત્સ્યગંધા બહુ કમભાગી લાગે, કારણકે એક તો કાળો વર્ણ, બીજું દુર્ગંધવાળું શરીર અને પાછી ગરીબ માછીમારની દીકરી. પરંતુ ભાગ્યનું ચક્ર એવું ફર્યું કે દુર્ગંધવાળું શરીર ધરાવતી મત્સ્યગંધા સુગંધવાળું શરીર ધરાવતી સ્ત્રી બની ગઈ. એટલું જ નહિ, તે ભારતીય સંસ્કૃતિનાં શાસ્ત્રો અને પુરાણોની રચના અને પુનરુત્થાન માટેની નિમિત્ત બની અને મહાન કુરુવંશની રાજરાણી બનીને પાંડવો તથા કૌરવોની પરદાદી પણ બની. આ બધું કઈ રીતે શક્ય બન્યું તે હવે પછીના વિશ્વવિક્રમની વાતમાં જોઈએ.

૧૫) વિશ્વમાં સૌથી વધુ સુગંધવાળું શરીર ધરાવતી સ્ત્રી:

મત્સ્યગંધા માછીમારની દીકરી હોવાથી લોકોને હોડીમાં નદી પાર કરાવવાનું કામ કરતી હતી. એક વાર મહાવિદ્વાન પરાશર ઋષિ તેની હોડીમાં બેઠા. મુસાફરી દરમ્યાન પરાશર ઋષિ મત્સ્યગંધાના શરીરસૌષ્ઠવ પર મોહિત થઇ ગયા અને મત્સ્યગંધાને પોતાના પુત્રની માતા બનવા કહ્યું. અમુક શરતોએ મત્સ્યગંધાએ આ વાત સ્વીકારી. પ્રસન્ન થયેલ પરાશર ઋષિએ પોતાના તપોબળે મત્સ્યગંધાનું શરીર એવું સુગંધિત બનાવી દીધું કે એક યોજન (૧ યોજન = આશરે ૫ કી મી) દૂર સુધી તેના શરીરની સુગંધ પ્રસરતી હતી. તેના પરથી મત્સ્યગંધાનું નામ પણ ‘યોજનગંધા’ પડ્યું. આ સ્ત્રીની વિશ્વમાં સૌથી વધુ સુગંધવાળું શરીર ધરાવતી સ્ત્રી તરીકે મેં પસંદગી કરી છે અને મને ખાતરી છે કે તમે મારી સાથે સંમત થશો જ.

વિધિની વક્રતા કહો, કર્મની કઠણાઈ ગણો કે ભારતીય સંસ્કૃતિનું વૈવિધ્ય ગણો, પણ સૌથી વધુ દુર્ગંધવાળું શરીર અને સૌથી વધુ સુગંધવાળું શરીર, એ બંને સ્પર્ધામાં એક જ વ્યક્તિ વિજેતા જાહેર થાય છે!

હવે છેલ્લે આ લેખ પૂરો કરતાં પહેલાં આ મત્સ્યગંધાએ ભારતના ઇતિહાસમાં કેટલો અગત્યનો ભાગ ભજવ્યો હતો તે પણ જણાવી દઉં.

મત્સ્યગંધાને પરાશર ઋષિથી જે પુત્ર જન્મ્યો, તે મહર્ષિ વ્યાસ. તેઓ મહાભારતના રચનાકાર તરીકે તો જાણીતા છે જ, પરંતુ તેઓ વેદના ચાર ભાગના મુખ્ય સંપાદક, વિભાગીકરણકાર અને સંકલનકાર હતા. તેમની દીર્ઘદ્રષ્ટિ અને અથાગ પ્રયત્નોને લીધે જ વેદનું જ્ઞાન પ્રસરતું રહ્યું, એટલે જ તેઓ ‘વેદવ્યાસ’ તરીકે ઓળખાયા.

ઉપરોક્ત મહાન કાર્ય ઉપરાંત મહર્ષિ વેદવ્યાસે બ્રહ્મસુત્ર નામનો તત્વજ્ઞાનનો મહાન ગ્રંથ, વ્યાસસ્મૃતિ નામનો સ્મૃતિગ્રંથ અને અઢાર પુરાણો રચ્યાં, જેમાં લોકપ્રિય ગ્રંથ શ્રીમદ ભાગવતનો સમાવેશ થાય છે. મહર્ષિ વેદવ્યાસના આ અદભૂત પ્રદાનને ધ્યાનમાં લઈને આજે કોઈપણ કથાપાઠમાં ગ્રંથ અને કથાકારની બેઠકની જગ્યા વ્યાસપીઠ તરીકે ઓળખાય છે.

આગળની વાર્તા મુજબ મત્સ્યગંધા પર હસ્તિનાપુરનો રાજા શાંતનુ મોહિત થઇ ગયો અને તેને પોતાની રાણી બનાવીને સત્યવતી નામ આપ્યું. તેમના પ્રપૌત્રો પાંડવો અને કૌરવોનું ભારતના ઇતિહાસમાં પ્રદાન જાણીતું છે જ. આમ મત્સ્યગંધા એટલે કે સત્યવતીએ ભારતના ઇતિહાસમાં એક અગત્યનું સ્થાન મેળવ્યું છે.

આ લેખ રંગીન અક્ષરો અને રંગબેરંગી ચિત્રો સાથે વાંચવા

www.dadajinivato.com

પર ક્લિક કરો.

હવે તમે કરો થોડો ઇન્તજાર “વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો તીરછી નજરે ના ભાગ ૩” માટે ......