પઝલ - ભાગ-2 Tarulata Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પઝલ - ભાગ-2

પઝલ વાર્તા

ભાગ-2

('પઝલ' વાર્તાના પહેલા ભાગમાં રેખા-સમીરના બંગલાના દરવાજાની બહાર વહેલી સવારે અકસ્માતમાં ટિપાઈ ગયેલું ટિફિન કોઈ મૂકી જાય છે. પ્રશ્નોનો વંટોળ જગાવતું તૂટેલું ટિફિન રેખાના જીવનને ખળભળાવી મૂકે છે. પતિ પત્ની વચ્ચે આ બાબતમાં મતભેદ પડે છે. સમીર એ ઘટનાને મહત્વ આપતો નથી. રેખાના મનમાં ઉચાટ જન્મે છે, તેને ચેન પડતું નથી. રેખા શું કરશે? તેનું પરિણામ શું આવશે તે જાણવા વાંચો 'પઝલ ' ભા.2)

તે દિવસે અગિયારને ટકોરે ગણેશ ટિફિન લઈ ગયો. રેખા નિરાંતે શાવર કરી ભીના વાળને બ્લો ડ્રાયરથી સૂકવતી હતી ત્યાં સમીરનો ફોન આવ્યો:

'બાર વાગી ગયા ટિફિન આવ્યું નથી. મારે મુંબઈ જવા નીકળી જવું પડશે.

રેખા ચિતામાં બોલી: 'ગણેશ તો ટાઈમે નીકળી ગયો હતો.

રેખા વરસાદના તોફાનને બારીમાંથી જોતા કહેતી હતી: 'કોને ખબર ? પૂલ પર વરસાદમાં ...' ફોન કપાય ગયો .

રેખાને ગણેશ પર ત્યારે થોડી અકળામણ થઈ કેમકે ટિફિન પહોંચ્યું નહિ .

લન્ચ ખાધા વિના નીકળી ગયેલા પતિ માટે રેખાનો જીવ બળ્યો. ઘરનું તાજું ખાવાનું રખડી ગયું અને સમીરને ભૂખ્યા જવું પડ્યું,

એ હેલ્થ કોન્શિયસ હતો, ઘરનું સાદું ભોજન તે પસન્દ કરતો.

ગણેશ કદી મોડો પડતો નહિ શું થયું હશે ?સાહેબના ગયા પછી ટિફિન આપવા પાછો ઘેર આવે કે નહિ ?

રેખાએ ઓફિસમાં ફોન કરી નરેનભાઈને કહ્યું :

'ગણેશ ટિફિન લાવે તે વાપરી નાંખજો, ખાવાનું સાંજ સુધી ગન્ધાઈ જશે.'

નરેશભાઈ શાંતિથી બોલ્યા, 'તમે કશી ફિકર કરશો નહિ.'

રેખાએ ગણેશની કે ટિફિનની કશી ફિકર કરી નહિ, પણ સમીરનું મનપસન્દ ભીંડા -બટાકાનું શાક બનાવે ત્યારે ટિફિન લેવા આવતા રમણને સાચવીને ટિફિન પહોંચાડવા જરૂર કહેતી.

તે દિવસની જેમ આજે ય વરસાદ તડામાર, ગાજવીજ કરતો વરસ્યા કરે છે, આકાશ તો એવું ગોરંભાયું દેખાય કે

હેલી થવાની.

રેખાને ઘરમાં બફાટ થયો, પાછલા બારણાની જાળીમાંથી પવન આવશે માની બારણું અડધું ખોલ્યું, એ હેબતાઈ ગઈ.ઊભા પગે હાથમાં ટિફિન લઈ ગણેશ બેઠો હતો.

'અલ્યા, તું ક્યાંથી ? અહીં કેમ બેઠો છે? ' તેની આંખો જાણે તેને છેતરતી હતી.

'વરસાદમાં કચરો ધોવાઈ ગયો, હવે આ અહીં કોરામાં ઘડીક બેઠો ' માળીએ ટિફિનને બારણામાં મૂક્યું.

રેખાને બેચેની અને અકળામણ થવા લાગી, ટિફિન ખોલવાનો અદમ્ય આવેગ થયો, અંદર હજી શાકનું તેલ ચોંટી રહ્યું હશે! કોને ખબર કાંઈ ચિઠ્ઠી જેવું હોય કે વેર લેવા સ્ફોટક પદાર્થ મૂક્યો હોય? સમીર નાંખીને જતો રહ્યો હવે હું શું કરું?

'બારણું ખોલીને અંદર બેસો ફુલચંદ ' રેખાએ માળી પ્રત્યે હમદર્દી બતાવી.

માળી ટિફિનને ખૂણામાં મૂકી અંદર ઊભડક બેઠો.

રેખાને વ્હેમ ગયો કે શું માળી એનું ભીનું પહેરણ કાઢી સમીરનું ગણેશને આપેલું જૂનું ખમીસ પહેરી રહ્યો છે .તે ચોકી ઊઠી :

' આ તમને ક્યાંથી મળ્યું ?.

'શું કહો છો બહેનજી? હું તો મારું ભીનું પહેરણ જરા નીતારું છું ' માળી ગભરાઈને શાંત થઈ ગયો.

રેખાએ જાતને સંભાળી . તેણે માળીને ટોવેલ આપ્યો .

માળીએ એના પાણીથી નીતરતા કાળા શરીરને ટોવેલથી કોરું કરી બેઠો.

રેખાથી કહેવાય ગયું, 'ટિફિન, સાહેબે નાંખી દીધું છે, તમારે જોઈએ તો લઈ જાવ.'

માળીએ ટિફિનના ડબ્બા એક પછી એક છૂટા કર્યા, રેખા અધ્ધરજીવે અપલક માળીના કાળા હાથને સ્ટીલના ટિફિન ફરતે જોતી હતી, એણે પહેલા ડબ્બાનું ઢાંકણ ખોલ્યું, અંદર તે હમેશાં બે રોટલી અને ડબ્બીમાં દહીં મૂકતી.બીજા ખાનામાં શાકનું તેલ હતું કે શું? માળી રસોડાની સિંકમાં જઈ ટિફિન ધોવા ઊઠ્યો રેખાથી સહેવાયું નહિ, તેણે કહ્યું :

'તમે પલળેલા છો, બધે ભીનું થશે'

રેખાએ હળવેથી ટિફિન ઉપાડ્યું. કોઈ બાળકના અડફેટમાં કચરાયેલા લોહીલુહાણ દેહને સાફ કરવા લાગી,, ટિફિનના ગોબા પર હાથ ફેરવ્યા કર્યો.

એ અણધાર્યો પ્રશ્ન પૂછી બેઠી, 'ગણેશનું શું થયું હશે?'

માળીએ રેખાના ચહેરા પર ચિઁતાનાં વાદળ જોયાં

***

રેખાએ ઉધના ફેકટરીના મેનેજરને ફોન જોડ્યો.

'હલો, નરેનભાઈ ..'

' બહેન, સાહેબ બહાર ગયા છે, સાંજે મોડા આવશે . '

'મારે તમારી સાથે વાત કરવી છે.' રેખા અચકાતા બોલી .

'હા, બહેન શું કહો છો ?'

'તમને યાદ છે, બે વર્ષ પહેલાં સાહેબનું ટિફિન લેવા ગણેશ આવતો .. આજની જેમ વરસાદમાં ટિફિન લઈ ગયેલો પણ ..' બોલતા રેખાનો શ્વાસ તેજ થઈ ગયો.

' હા, સારો મહેનતું કારીગર હતો ટ્રાફિકમાં ટિપાઈ ગયેલો .'

'પછી શું થયેલું?'

નરેનભાઈએ ઠાવકાઈથી કહ્યું ; 'બહેન એ અકસ્માતનો કેસ હતો, જાણ થતા હું જાતે સિવિલ હોસ્પિટલમાં ગયો હતો .ફેકટરીના ધારાધોરણ મુજબ એના કુટુંબને વળતર પહોચાડેલું.'

રેખાના ફોન પકડેલા હાથ અને આખું શરીર ઠડુગા ર થતું ગયું .

'આજે ટિપાયેલુ ટિફિન કોંક દરવાજે મૂકી ગયેલું ' 'બોલતા તે ધબાક દઈ સોફામાં પડી.

'બહેન તમે ઠીક છો ને? તમે જરા ય ઉચાટ કરશો નહિ. એ ભંગારમાં પડેલું હશે તે સાહેબનું નામ વાંચી કોક મૂકી ગયું હશે !'

નરેનભાઈની વાતથી રેખાએ મનને મનાવ્યું. વરસાદ ખમ્મા કરવાનું નામ લેતો નહોતો. રોડ પર બસનું હોર્ન વાગતું સાંભળી રેખા છત્રી લઈ કેતકીને લેવા દરવાજે પહોંચી.

કેતકીને પલળવાની મઝા આવતી હતી તે મમ્માને બેકપેક સોંપી કમ્પાઉન્ડમાં દોડી.

'રેખાબહેન, ઓ રેખાબહેન ?'

બંગલાના દરવાજે છત્રી ઓઢીને ઊભેલી રેખાએ રોડની બીજી તરફ પાનને ગલ્લે બેઠેલા મનુભાઈનો અવાજ સાંભળ્યો .

તે રોડક્રોસ કરી ત્યાં પહોંચી . ' શુ કહો છો?'

'હવારનો તમારી ફેકટરીનો કોઈ કારીગર ગલ્લાના પાછળના ભાગમાં ટૂંટિયું વાળી બેહી રહેલો .' મનુભાઈએ કહ્યું

રેખાના પગ ધ્રૂજી ગયા, હાથમાંની છત્રી પડી ગઈ .તેનો અવાજ ગળામાં જ અટકી ગયો.

'રેખાબેન ભીનામાં લપસણુ છે, હાચવજો . '

મનુભાઈની સાથે રેખા ચીકણી માટીમાં માંડ ડગલાં ભરતી ગલ્લાના પાછળના ભાગમાં ગઈ. પતરાના શેડ પરથી પાણી ટપકતું હતું તેના ટપાક ટપાક અવાજથી રેખાને

ભયની કંપારી આવી ગઈ.

મનુભાઈ અચરજથી બોલી ઊઠ્યા:' મોડા લગણ ખૂણામાં બેઠેલો . અહીંથી જતા મેં જોયો નથી.'

હવે રેખાને ભરોસો પડતો નથી : 'સાચ્ચે જ તમે જોયેલો?'

'હાચ્ચે જ, બપોરે મેં પાઊં ને ચા આપેલા, સાહેબ પહેરે તેવું ખમીસ હો પહેરેલું ' મનુભાઈએ નજરે જોયેલું તેં કહ્યું . તેઓ માથું ખન્જવાળતા ત્યાંથી ખસી ગયા.

ઘરાક બોલાવતો હતો 'એ મનુભાઈ એક તેજ પાન બનાવજો '

મનુભાઈ ગલ્લે બેસી ગયા. તેમણે અફસોસ કરતા કહ્યું : 'કોઈ દેખાતું નથી રેખાબહેન। તમને ફોકટમાં ભીનામાં હેરાન કર્યા'

***

રેખા કોઈ વણઉકલી સમસ્યાની જાળમાં જીવડાની જેમ તરફડતી હતી. તેમાં વરસાદમાં દોડતી કેતકી પડી ગઈ.

'મમ્મા ' કેતકી બુમો પાડતી હતી. રેખાનું માથું સવારનું ભમી ગયું હતું .સો મણનું વજન હોય તેવું ભારેખમ લાગતું હતું.એણે કેતકી પર ગુસ્સો ઠાલવ્યો :

'હોમવર્ક કરવાને બદલે રમવા લાગી ને આ પડી, તારા પપ્પા તો બહાર ગયા છે કોણ વરસાદમાં ડોકટરને ત્યાં દોડશે?'

'મામા પ્લીઝ। હોલ્ડ મી '

કેતકીને તે ઘરમાં લઈ ગઈ.તેના કપડાં બદલાવી બેડમાં સૂવડાવી . રેખાએ સમીરને ફોન જોડ્યો પણ સાયલન્ટ પર મૂકેલો હતો.

'મામા, મને નથી વાગ્યું તું પાપાને ના કહેતી .' કેતકી મમ્મીનો ગુસ્સો અને બેચેની સમજી નહીં.

રેખા આટલી વ્યગ્ર અને અધીરી ક્યારેય નહોતી। ઘડી ઘડી ફોન જોતી અને દોડીને બહાર જતી. 'ક્યારે સમીર આવે ?'

એક એક પળ એટલી લાંબી હતી કે જાણે ઘડિયાળ કાયમ માટે અટકી ગયું હતું.એનું માથું એવું ચકરાવે ચઢ્યું હતું કે ઘર, બગીચો, સઘળું ગોળ ફરતું હતું .બેડમાં સૂવા ગઈ તો જાણે પલ્ટી ખાઈને ભોંયભેગી થઈ ગઈ.

મધરાત્રે ફોનની રીગ વાગતી હતી .ફોનમાં અવાજ સાંભળ્યો :

'સમીર દેસાઈને ઉધના પૂલ પર અકસ્માત થયો છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે .'

તરૂલતા મહેતા 5 મે 2018

( વાચક મિત્રો 'પઝલ' વાર્તાના રીવ્યુ લખજો. ગરીબ, મહેનતુ કારીગરની વેદના ત્યારે જ સમજાય કે પોતાને અનુભવ થાય. મારી વાર્તાઓને વાચવા બદલ ખૂબ આભાર.)