પઝલ વાર્તા ભા.3
(વાચક મિત્રો મારી વાર્તાનું ઉમળકાભેર વાચન કરવા બદલ ખુશી છે.તમને આનન્દ પડે અને બીજાના જીવનને સમજતા થઈએ, બીજાના દર્દ અને મુશ્કેલીમાં સમભાગી થઈ શકીએ એવા ઉદેશથી હું મારા જીવનમાં આવેલા માનવોને વાર્તામાં ઉતારવા પ્રયત્ન કરું છું। તેમ કરવાથી મારા મનનું પણ કેથાર્સીસ -શુદ્ધિકરણ થયાનું અનુભવું છું. પઝલ ભા.ર નો અંત તમારી સમક્ષ અનેક પ્રશ્નો ઊભા કરે છે. સમીરનું શું થયું? ટિફિન કોણે મૂકેલું ? મનુભાઈએ જોયેલો કારીગર કોણ? તો વાંચો પઝલ ભા.3 )
***
'સમીરને અકસ્માત થયો'
રેખા કોઈ દુઃસ્વપ્ન જોતી હતી કે શું? તે બેબાકળી સિવિલ હોસ્પિટલ પહોંચી. ઇમરજન્સી રૂમના બેડ પર સમીરને સાજો જોઈ આવેશમાં દોડી એને વળગી પડી. સમીરના શરીર પર હાથ ફેરવી જીવંત હોવાની ખાત્રી કરી.સવારથી તે ભ્રમણા અને સત્યના કોયડામાં એવી સપડાઈ હતી કે સમીરની છાતી પર માથું મૂકી હળવું થવું હતું. કેટલાં વર્ષોનો વિરહ હોય તેમ રેખા આંસુધારે પ્રિય પતિને ભીંજવતી રહી.
સમીરે સવારે ઇસ્ત્રીટાઇટ પહેરેલું ક્રીમ રંગનું સૂટ ગંદા પાણીના છાંટાથી સાવ મેલું થયું હતું. પ્રભાવશાળી ચહેરા પરની ક્રાતિ ઊડી ગઈ હતી.અકસ્માતે મોતની નજીક ધકેલી
જિંદગીના રૂપાળા ચહેરા પર મેશ ચોપડી દીધી હતી. સફળ ઉદ્યોગપતિ સમીર દેસાઈએ એક ક્ષણ માટે પોતાની જાહોજલાલીને ઉધના ગરનાળામાં ધૂળધાણી થતી
જોઈ લીધી. ધન્ધામાં ગળાબૂડ, ચમકીલી શાનની દોડમાં તેણે કુટુંબના પ્રેમને અવગણ્યો હતો જેના વગર તે શૂન્ય હતો.
હોસ્પિટલના રૂમના બારણેથી આવતી વહાલી પત્ની રેખા એને માટે સર્વકાંઈ હતું. તેના ઉષ્માભર્યા હાથના ગાઢ સ્પર્શથી સમીર પુનર્જીવિત થયાની લાગણી રોમેરોમે અનુભવી રહ્યો. જાણે
સાવિત્રીએ યમરાજાના દ્દારેથી સત્યવાનને બચાવી લીધો ! તેની રેખુ અત્યારે પતિની ચિતામાં કેવી મૂરઝાઈ ગઈ છે !
બે રૂમના ફ્લેટમાં શરૂ કરેલું તેમનું જીવન 'યે મેરા ઘર યે તેરા ધરની ' ધૂનથી કેવું
ટહૂકતું હતું ! રેખા સાડીનો છેડો કેડે બાંધી જાળા પાડતી અને તે સિલિગ પરનો પંખો સાફ કરતો ' રેખાએ કહેલું :
'જો સમીર તું મને જોયા વગર પંખાને જો, ટેબલ પરથી તારો પગ ખસી જશે હોં..'
'પણ તું અત્યારે એવી મીઠડી લાગે છે કે બેચાર ચૂમીઓ તારા ગાલે કરું ' કહેતો સમીર નમ્યો.
'આ પડ્યો ..ગયો ' સમીરે રેખાને ડરાવવા બૂમ પાડી અને ભોંય પર અમથો જ મડદા જેવો પડ્યો, તેમાં તેની નવી દુલહન સાચે જ રડવા લાગી. એણે છાની રાખવા એના ગાલ પરના આંસુને ચૂમી લેતા કહેલું :
'સોરી, માય ડિયર ફરી એવી મઝાક નહિ કરૂં. '
આજે તે બેડ પર મડદા જેવો પડ્યો હોત તો રેખાના અવિરત આંસુ કોણ લુછત ?
એના પ્રેમે જ હું બચી ગયો.
'આજના અકસ્માતે તેને સમજાયું કે રેખાના પ્રેમથી સીંચેલો એનો બાગ જ જીવનની ખરી સિદ્ધિ હતી.
સમીરને ડાબા હાથમાં પાટો હતો. શરીર મુત્યુની કંપારીથી ધ્રૂજતુ હતું. પત્નીના હૂંફાળા આલિંગનથી તેનામાં પ્રાણ પૂરાયો.
'હું આજે તારા પુણ્યથી બચી ગયો.' સમીરે પત્નીને આશ્વાસન આપ્યું.
રેખા રૂદનભર્યા સ્વરે બોલી: ' ના સમીર કોઈ અજાણ્યું તમને સંકેત આપે છે.'
'શેનો સંકેત રેખા, મેં કાંઈ ગુનો કર્યો છે તે ચેતવણી આપે ' સમીર ચિતામાં પડી ગયો.
'આજ સવારથી મને અશુભ સંકેત થયા હતા પણ તમે બચી ગયા.'
સમીર સવારની ઘટનાને યાદ કરી રહ્યો. તૂટેલું ટિફિન..મધરાત્રે શાંત રોડ પર એની કારની સામે કોઈ ઊભું હોવાનો તેને આભાસ થયો ને તેણે સ્પીડમાં કારને જમણી બાજુ વાળી લીધી !
પછી શું થયું એને યાદ નહોતું પણ ઉધના ગરનાળામાં પડતી બચી ગઈ હતી.તેને ભાન આવ્યું ત્યારે તે એબ્યુલન્સમાં હતો.
ડોક્ટર કામદાર સવારના રાઉન્ડમાં આવ્યા હસીને બોલ્યા:
' ભાભી, સમીરને કહો કે ધેર વહેલો આવી જાય.દોડાદોડી ઓછી કરે '
'મને પાઠ મળી ગયો.'સમીરે સાચા દિલથી કહ્યું.
***
'ચાલો સીધા ધેર જઈએ, પાપા ચિંતા કરતા હશે, કેતકી તંગ કરતી હશે ' રેખાએ કહ્યું.
'મારે દસ મિનિટ માટે ફેક્ટરી જવું પડશે ' સમીરે વિનવણી કરી.
ડ્રાયવર મુંઝાયો 'ક્યાં જવું છે સાહેબ'.
'ફેક્ટરી '
'એવું તે શું અગત્યનું કામ છે? તમારે આરામની જરૂર છે.' રેખાને ચિંતા થઈ એણે કહ્યું.
સમીર વિચારમાં બેસી રહ્યો.ધીરા અવાજે બોલ્યો : મને આરામ કરતા બેડમાં કાંટા વાગશે।'
'શું વાત છે સમીર, મને નહિ કહે ' રેખા સમીરનો હાથ પંપાળતા બોલી.
'તારાથી કાંઈ છાનું નહિ રહે, મને થોડો સમય આપ '
તેઓ 'સુરેખા 'ઇન્ડસ્ટ્રીના વિશાળ કમ્પાઉન્ડમાં પહોંચ્યા ત્યારે કારીગરનું ટોળું તેમને આવકારવા દરવાજા સુધી દોડી આવ્યું. સાહેબને સહીસલામત જોઈ સૌ હરખાતા હતા.બે હાથ જોડી
' જે શ્રી ક્રષ્ણ ' કહી કામે વળગ્યા. સમીર માટેનો કારીગરોનો હેતભાવ જોઈ રેખાનું મન માન્યું કે કોઈની અવગણના કે અન્યાય સમીર ન કરે.
***
રેખા બહારના રૂમમાં પાપાની સાથે ફોન પર વાત કરતી હતી. કેતકી સ્કૂલે ગઈ હતી. રમણે કોફી અને બિસ્કિટ રેખા માટે મૂક્યા :
'સાહેબ થોડું કામ પતાવી આવે છે.' બીજા બે પાંચ કારીગરો રેખાને 'જે શ્રી કૃષ્ણ ' કરી ગયા એમાં તેને ગણેશ હોવાની ભ્રમણા થઈ, તે પૂછવા ગઈ ત્યાં સમીર એની ઓફિસમાંથી બહાર આવ્યો
તેના હાથમાં કોફીનો મગ હતો.ચહેરા પર હળવાશ હતી કેમ જાણે ધણા વખતથી કરવા જેવું કોઈ કામ બાકી રહી ગયેલું તે પૂરું કરી રહ્યો હતો.
'ચાલ। તું ય કોફી ગાડીમાં લઈ લે, ડરાઇવર છે આપણે નિરાંતે વાતો કરીશું.'
સમીરે રેખાને હાથ લંબાવી પાસે લીધી પછી હસીને કહે :
' જો, મારા હાથને પાટો છે, મને ટેકો નહિ આપે?'
લાંબા અંતરાલ પછી પતિના રોમેન્ટિક મૂડથી રેખાને મીઠી ઝણઝણાટી થઈ.
'ડુમસના દરિયે ફરવા જઇએ છીએ ?'
' ના.સાંજે બધાં સાથે જઈશું પણ અત્યારે જો ડરાઇવર ક્યાં લઈ જાય છે?'
'ધેર જઈશું.' રેખા
ગાડી ધેર જવાને બદલે રીગ રોડ પરથી કડોદરા ચાર રસ્તેના રોડ પર જતી હતી.
રેખા અધીરી થઈ :' હજી કેટલું કામ છે?'
સમીર બોલ્યો ' ડિયર, ચાર રસ્તે હનુમાનજીની ડેરીએ દર્શન કરી લઈએ.
રેખા : 'શું કહે છે ?'
ડરાઇવરે ગાડી કડોદરા ગામમાં વાળી. નવાઈ પામતી રેખા ગામડાના ધૂળિયા રસ્તા પર વાગતા હડસેલાથી અકળાતી હતી.
પાછલી સીટમાં બેઠેલાં સમીર અને રેખાના મન અલગ દિશામાં વિચરતાં હતાં. સમીરને પોતાની ભૂલને બતાવનાર પત્નીને રાજી કરવી હતી. રેખાને થતું હતું આ વળી નવી સમસ્યા શું છે?
ગામને છેવાડાના ફળિયામાં ખાટલો ઢાળી બેઠેલા માજીને ડરાઇવરે પૂછ્યું :
' બા,ગણેશનું ઘર ક્યુ?'
'પેલું બહાર પોયરો રમતો છે તે '
રેખાને વીજળીનો કરંટ લાગ્યો હોય તેમ બોલી ઊઠી :
' શું ગણેશ જીવે છે?'
એ મનોમન 'હે ભગવાન જીવતો હોય તો સારું ' કહી રહી
આ સમીરને શું સૂઝ્યું ? એને કોઈકે કહ્યું હશે?
ગાડી ઊભી રહી એટલે છોકરો "માડી, માડી..મોટી મા ' કરતો ઘરમાં દોડ્યો.
બે ઓરડીના ચૂનાથી ધોળેલાં ધરોની હાર હતી તેમાં વચ્ચેની જગ્યામાં વૃદ્ધો ખાટલો ઢાળી બેઠેલાં અને નાનાં છોકરાઓ પકડાપકડી કરતાં હતાં. વરસાદને કારણે ગંદા પાણીના ખાબોચિયાં ભરાયેલાં તેમાં જીવડાં ને માખીઓ બણબણતી હતી. છા ણના પોદરા અને ક્યાંક ગોટલા અને કચરો. રેખાએ દુર્ગધથી બચવા નાક આગળ છેડો દબાવ્યો. એની આંખો બારણા તરફ એકીટશે જોઈ રહી હતી.
મેલા ભૂરા સાડલાનો કછોટો વાળેલી વૃદ્ધા બહાર આવી.
'સાહેબ, વહુને તાવ ચઢયો છે. ગણેશની પાછળ દુઃખનો પાર નથી.' પોક મૂકી તે રડતી હતી.
ત્યાં દૂરથી આવતા છોકરાને જોઈ બોલી: 'લો, કાલે રમેશ સુરત ગેલો તેની હાટે વાત કરોં '.
રેખા ગાડીની બહાર આવી : ' માજી, તમે છાના રહો,બધું ઠેકાણે પડશે' તેણે સમીરનું શર્ટ પહેરેલા રમેશને કાલે સવારે ટિફિન મૂકી પાનના ગલ્લા પાછળ ઊભેલો તેની કલ્પના કરી પઝલનો મેળ પડતા તેના મન પરથી ભારેખમ શિલા હટી.
સમીરે રમેશને ગાડીમાં બેસાડી બધી વિગત પૂછી. એને ચેક અને થોડી રોકડ રકમ આપી શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું.
ત્યાં સુધી રેખા ઓરડીમાં ડોકિયું કરી ગણેશની વિધવા પત્નીને આશ્વાસન આપી આવી. કોઈ જાત્રાનું ધામ ગમે તેટલું ગંદુ હોય પણ ભક્ત મંદિરમાં વિરાજેલા ઈશ્વરના દર્શન કરી ભેટ મૂકી જીવનમાં પુણ્ય મેળવ્યાનો ભાવ અનુભવે છે. તેવી જ કોઈ ભાવના અત્યારે રેખાના મનમાં હતી. આ જીવતાજાગતા મનુષ્યોએ શું ગુનો કર્યો છે? તેમને તેમની મહેનતનું મળે તેવું કરવું તે સહજ
કર્તવ્ય કરવામાં ઘણું મોડું થયું ! 'હે દીન જનો અમને માફ કરી શકો તો કરજો।'
તરૂલતા મહેતા
( વાચક મિત્રો તમારા પ્રતિભાવથી મને તમારી સમક્ષ વધુ સારી વાર્તાઓ રજૂ કરવાની પ્રેરણા મળે છે. ખૂબ આભાર.)