અંધારી રાતના ઓછાયા-17 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી રાતના ઓછાયા-17

મૃણાલના ઈશારાઓ પરથી કુલદીપ સમજી ગયો હતો કે આ મૃણાલ કોણ છે..

કેમ કે મલિન મુદ્રાની વાત.. ફક્ત કુલદિપને જાણનારી વ્યક્તિ જ કરી શકે.

બીજુ કોઇ નહીં.

કુલદીપે કોઈનાથી કશી પણ વાત કરી ન હતી.

અને આજે શ્રી અને કુમારને પૂરી વાત સંભળાવવાની હતી.

આમ તો સુધીર સાથે હોત તો ઠીક રહેતું એમ એને લાગ્યુ.

પણ સુધા ઠક્કર અને મમ્મી જોડે રહેવું પણ જરૂરી હતું.

એટલે હાલ પૂરતુ એ વાત ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું.

વળી એ સાથે હોતતો રસ્તામાં જાતજાતના સવાલો પૂછીને પજવી નાખતો.

એને બધી વાત પછી નિરાંતે કરવાની જ છે એવો નિર્ધાર કરી કુલદીપ નંદપુરા જવા રવાના થયો.

શ્રી જાણતી હતી કે કુલદીપ આવતો જ હશે.

એને ગરમાગરમ પકોડા સાથે નાસ્તામાં બે-ત્રણ મીઠી વાનગી પણ બનાવી રાખી હતી.

કુલદીપ કુમારના ઘરે પહોંચ્યો ત્યારે શ્રી રાહ જોતી હતી.

કુલદીપને છેલ્લા ચાર દિવસમાં એક પણ ફોન ના કરવા બદલ શ્રી એ ઠપકો આપ્યો. પછી બંને દેવર ભાભી નાસ્તો કરવા બેઠા. સ્ત્રીને કુલદીપ સાથે વાતો કરવાની તક મળતાં એ ખુલ્લા મનથી વાતે વળગી. મિન્નીના આગમનની વાત કહી.

જેથી કુલદીપનુ મન ફરી મિન્નીના ખયાલોમાં ખોવાઈ ગયું.

પણ શ્રીએ ટકોર કરી કુલદીપને પૂછ્યું. તમારા ભાઈને માલદીવમાં કેમ તેડાવ્યા..?

શું ખરેખર નંદપુરામાં બનેલો એવો કિસ્સો ત્યાં પણ બન્યો છે..?"

કુલદીપે કરીને બધી જ વાત કહી.

ત્રણે ઘટનાઓની રજેરજ માહિતી આપીને કહ્યું.

આજે સવારે જ મૃણાલે ખબર આપ્યા કે તમને પેલો ચહેરો ડરાવે છે.

એટલે મારે આવવું પડ્યું.

"મૃણાલ..? હું તો કોઈ મૃણાલને ઓળખતી નથી દેવરજી..?"

કુલદીપ જાણતો હતો.

" મૃણાલ કોણ હોવી જોઈએ..?"

છતાં એને ક્યારેય મૃણાલને આવા સ્વરૂપે જોઈ નહોતી.

પણ હવે તો એને એ ચોક્કસ જાણી ગયો હતો.

એટલે શ્રીને એણે કહ્યું.

"જવા દો એ વાત ભાભી..!

લગભગ દસ વાગ્યે કુમાર આવી ગયો.

ત્યારે શ્રી અને કુલદીપ બંન્ને સોફા પર બેઠાં વાતે વળગ્યાં હતાં.

કુમારે આવતાવેંત કહ્યું.

કુલદીપ ઇન્સ્પેક્ટર ઇન્દ્રજીત જોડેથી બધી માહિતી મેં કઢાવી લીધી છે.

પણ સાલુ એ સમજાતું નથી યાર. "પેલી સુધા અને ઉત્કંઠાને બચાવનાર શ્વેત પરી જેવી યુવતી કોણ હોઈ શકે..?"

રીપોર્ટર મહાશય આજે બધી વાત કહેવા જ આવ્યો છું.

તમારુ બધુ કુતૂહલ શમી જશે.

વાત ઘણી લાંબી છે.

એટલે બધાં વર્ણનો અને બધી ધટનાઓનો ઉલ્લેખ ના કરતાં મુખ્ય પ્રસંગોની હું વાત કહીશ.

એક મિનિટ યાર કુમારે કહ્યું પહેલા એક એક કપ કોફી થઈ જાય..?"

ભલે કુલદીપે સ્મિત કર્યું.

એટલે શ્રીએ ફટાફટ ત્રણ મગ કોફી બનાવી દીધી.

કોફી પીધા પછી કુલદીપ એ કહ્યું.

હું વાતની શરૂઆત કરું છું.

એમાં આપણે બે-બે કલાકે વિરામ વચ્ચે લઈશું.

એ વિરામ દરમિયાન તમારે જે સવાલ પૂછવા હોય એ પૂછી શકો છો.

પરંતુ અધવચ્ચે મને કશુ પૂછવાનું નહીં.

"ફક્ત તમારે સાંભળવાનું છે .. સમજ્યાં ભાભી..?"

"ભલે ", કહી શ્રીએ સંમતિ દર્શાવી.

કુલદીપે પછી વાત આરંભી.

અમે ત્રણેય મિત્રો શ્વેત ગુફા જવા માટે નીકળી પડ્યા હતા.

ત્રીસેક કિલોમીટરનો મારગ હતો.

પહાડી અને નિર્જન ઝાડીઝાંખરાંથી ભરેલો એ પ્રદેશ....

ત્યાં પહોંચતાં લગભગ ત્રણક દિવસનો સમય લાગે.

અમે ગામનો મારગ વટોળી જંગલનો માર્ગ પકડયો હતો.

સંધ્યા ઢળતી હતી.

અર્ધચંદ્રમા મધ્ય આકાશે જ ગમતો હતો. એક તરફ જંગલ...

નિર્જન રાત્રિ..

જંગલી જાનવરોનો આસપાસ સરવળાટ હોય ..

તીણા અવાજો કાનને ચીરતા હોય..

ત્યાં નજીકમાં છુપાયેલું સસલું કે શિયાળું અચાનક દોડી જતું હોય...

ત્યારે જે ગભરાહટ હ્રદયમાં ફેલાય...

તે બસ અમે જાણીએ છીએ.

હું તમને આવી ભયાનક રાત્રિમાં આરંભથી અંત સુધી ઘટેલી.

અફળાયેલી વિકટ પરિસ્થિતિઓની જ વાત કરીશ.

આ મેરુ અને મોહન તો સાવ ડરપોક નીકળ્યા.

મોહન તો એમયે ઓછો ડરતો.

પરંતુ મેરુ તો સાવ ગયો.

હું આગળ ચાલતો હતો.

અમે એક-એક ડગલું કાળજીથી ભરતા ચાલતા હતા.

રાત્રીના બાર વાગ્યા હતા.

એ સમયે અમે કંટાળા બાવળથી ભરેલા એક પ્રદેશમાં હતાં.

ત્યાં શિયાળવાંનો અવાજ..

તો વળી ક્યાંક ઝાડના સુકા પર્ણોનો મર્મર ધ્વનિ...

તો કોઈક ઝાડની બખોલમાં બેઠેલો ઘુવડ પણ અમારો પદછાપ સાંભળી ચિત્કારી ઉઠતો હતો..

એકાએક મારા કાને કોઇની ચીસ સંભળાઇ. મારા પગ થંભી ગયા.

સાથે-સાથે મેરુ અને મોહનના ધબકારા પણ વધી ગયા.

અમે શ્વાસો શ્વાસ રોકી બાજુની ઝાળી-ઝાંખરાંમાંથી આવતા અવાજને સાંભળી રહ્યા હતા.

કોઈ સ્ત્રીના રુદનનો અવાજ આવતો હતો. સાથે-સાથે બેએક સ્ત્રીઓનું અટહાસ્ય પણ સંભળાતું હતું.

રાતના બાર પછીનો સમયગાળો..

વેરાન જંગલ..

અને એમાં વળી સ્ત્રીનું રૂદન અને અટહાસ્ય

ક્યાંથી ..?

ત્રણેના મનમાં આ એકજ સવાલ ભોંકાતો હતો.

"ત્યાં કોણ હોવું જોઈએ..?" જિજ્ઞાસા રોકી ન શકાતાં નજીકના ઘમઘોટ કાંટાળા બાવળની પાછળ જ્યાંથી અવાજ આવી રહ્યો હતો એ તરફ મારા પગ ઊપડયા.

હું એકાએક ચમક્યો.

અમારી નજીકથી એક શિયાળવુ કૂદીને દોડી ગયુ.

ચામાચીડિયાની ચીસાચીસ વધી ગઈ હતી. પવનનો વેગ વધવા લાગ્યો હતો.

લાંબા-લાંબા લીસા વાંસ પવનના અવાજથી વરસાદ પડતો હોય એવુ મહેસુસ કરાવતા હતા.

વાતાવરણ ભયાનક બનતું જતું હતું.

છતાં હિંમત હારી જાય એવો માણસ હું નહોતો.

મેં બીજું ડગલું ભર્યું.

તો..??"

પેલી સ્ત્રીઓનો રૂદન વધી ગયું.

સાથે સાથે અટહાસ્ય પણ વધતું હતું.

હું એક ગાઢ હરિયાળા બાવળની ઓથ લઈ ઊભો રહ્યો.

મારી પાછળ ડરતા ફફડતા મેરુ અને મોહન ઉભા હતા.

મને જે દૃશ્ય નજરે પડ્યું એ જોઈ મારા રુંવાડા ઉભાં થઈ ગયાં.

ફરતે પથરાયેલી ગીચ ઝાળીઓની વચ્ચે થોડી ખુલ્લી જગ્યા હતી.

એ જગ્યા માં શ્વેતચાંદનીના ઉજાસમાં ત્રણ સ્ત્રીઓ.. ઓહ નો..!

સ્ત્રીઓ નહીં એને ચુડેલ જ કહેવાય.. ત્રણેયના માથાની જગ્યાએ ખોપડીઓ હતી.

ત્રણેયે પીળા રંગની સાડીઓ પહેરી હતી. એમના હાથ પગની ચામડી જગ્યા જગ્યાએથી ખરી જવાથી હાડકાં દેખાતાં હતાં.

એક સ્ત્રીએ બીજીને જમીન પર નાખી પોતાની મજબૂત પકડથી એનુ માથું દબાવી રાખ્યું હતું.

જમીન પર ચત્તીપાટ પડેલી સ્ત્રી ચુડેલ હતી. જ્યારે ત્રીજી સ્ત્રી પેલી દબાવી રખાયેલી સ્ત્રીનો એક પગ પર બેસીને બીજા પગને જાડા લાકડાના થડ પર મૂકી કુહાડીના ફટકા મારતી હતી.

ઝાટકો લાગતા પડેલી સ્ત્રી ચીસો પાડતી હતી.

જ્યારે બીજી બે અટહાસ્ય કરતી હતી. ખૂબ જ ડરાવણુ દૃશ્ય હતું.

કૂહાડીનો જોરદાર ઝાટકો લાગતાં પગ કપાઈને નીચે પડી ગયો.

પેલી સ્ત્રી પગ પછાડવા લાગી.

હાથ પકડીને બેઠેલી સ્ત્રીએ પોતાનો હાડપિંજર જેવો હાથ લાંબો કર્યો.

અને ઉછળતા પગને દબાવી દીધો.

હવે મારાથી વધુ જોવાની હિંમત નહોતી. મારા મિત્રો કંઇ સમજે એ પહેલાં પીઠ ફેરવી ઝડપથી મેં માર્ગ પકડ્યો.

પાછળ જાણે ત્રણેય સ્ત્રીઓનું અટહાસ્ય પડઘાતું હતું.

મારા શ્વાસોશ્વાસ આ દ્રશ્ય જોઈ વધી ગયેલા.

મનમાં એક નિર્ધાર કર્યો કે હવે આજુ-બાજુ શું થાય છે એ જાણવાની દરકાર કર્યા વિના આગળ વધતા રહેવું.

પછી આખી રાત મૂંગા-મૂંગા એકધારી ગતિએ ચાલ્યા હતા.

સવારે સૂર્યનું પહેલું કિરણ પહાડી ટોચ પરથી અમે જોયું.

ઠંડો ઠંડો પવન વાતો હતો.

પંખીઓના ઝૂંડના ઝૂંડ ઉપરથી પસાર થતાં હતાં.

જુદા-જુદા કલબલાટથી વાતાવરણ મધમધતી ઉઠ્યું.

હવે અમારે પહાડ ઊતરવાનો હતો.

દૂર-દૂર ચારેકોર પર્વતાળ પ્રદેશ હતો.

કદાચ સૌથી લાંબો ઊંચો પર્વત અમે અત્યારે ઉભેલા એજ લાગતો હતો.

થાક્યા હતા એટલે કલાક આરામ કરી આગળ પ્રયાણ કર્યુ.

કુલદીપ શ્વાસ લેવા રોકાયો.

શ્રી અને કુમાર એકચિત્તે કુલદીપને સાંભળતા હતા.

શરત પ્રમાણે સવાલો પૂછવાના નહોતા અને જવાબ આપવાના નહોતા.

એટલે લાંબો શ્વાસ ખેંચી કુલદીપે વાત આગળ વધારી.

પ્રદેશ પહાડી હતો. એ પ્રદેશનુ વધી ગયેલું ઊંચું ઘાસ અમારા ઢીંચણ સુધીના પગ ખાઈ જતું હતું.

કયાંય પગદંડી જેવોય માર્ગનો દેખાતો નહોતો.

બસ ઝાડી-ઝાંખરાથી ભર્યાભર્યા પ્રદેશને આડેધડ પાછળ ધકેલતા હતા.

ભૂખ અને તરસ ખૂબ લાગ્યાં હતાં.

પરંતુ ક્યાંય પાણી નહોતું.

જે પાણી અમે સાથે લાવેલા તે એક જ રાતમાં પૂરું થઈ ગયેલું.

હવે જ્યાં પાણી મળશે ત્યાં બેસી પેટપૂજા કરશું એમ વિચારી અમે ચાલતા રહ્યા. ચાલતા જ રહ્યા.

હવે ઝાડીની ગીચતા ઘટી ગઈ હતી.

ઘાસ જંગલી ગર્દભ ચરી ગયાં હોય એમ લાગતું હતું.

આટલી ઉંચાઈ સુધી નીચેના ઘણા જંગલી પશુઓ ખોરાકની શોધ માટે આવતા હશે. બધાં એક જ માર્ગનો ઉપયોગ કર્યો હોવાથી સરસ કેડી કંડારાઇ ગયેલી અમને નજરે પડી.

અમે એ જ રસ્તે આગળ વધ્યા.

તો પાણીનો ધોધ પડવાનો અવાજ આવતો હોય એવું અમને લાગ્યું.

મેં ઘડીમાં જોયું તો સાડા બાર થતા હતા. ભૂખ કકડીને લાગી હતી

પાણી વાળી વાત સાચી નીકળી.

નજીકમાં જ અમને પાણી મળી ગયું.

પાણી બિલકુલ નિર્માણ હતું.

એક મોટી ચટ્ટાન પર બેસી અમે જમી લીધું.

મોહનને પણ પાણી માટે કળશ લઈ પેલા ધોધ પર મોકલ્યો.

પરંતુ થોડા સમય બાદ મોહન પાણી લીધા વિના જ પાછો આવ્યો.

એ ખૂબ ગભરાયેલો લાગતો હતો.

ઝભ્ભા અને પાયજામામાં એનુ શરીર ધ્રૂજતુ હતું.

મોહન પોતાના ચહેરા પર વારેવારે હાથ ફેરવતો હતો.

"શું થયું મોહન..?"

મેં એની ગભરાહટ જોઈ પૂછ્યું.

જાણે કે હવે જ શ્વાસ લેતો હોય એમ લાંબો શ્વાસ ખેંચી એ બોલ્યો.

" મારો ચહેરો બરાબર છે ને..?"

" બિલકુલ બરાબર છે ભાઈ..!

મેં આશ્ચર્યથી કહ્યું.

એણે કળશ મારા હાથમાં થમાવી દીધો.

" લે તું જ પાણી ભરી લાવ.. બધું જ સમજાઈ જશે..!"

એવું લાગતું હતું મોહન જે જોઈ આવેલો એને જોવાની એનામાં ફરી હિંમત નહોતી.

શું થયું હશે..? એવો પ્રશ્ન મેરુના મનમાં પણ થયો.

પરંતુ પોતાના ગભરાયેલા મિત્રને ફરી એ વિશે પૂછવાનુ એને યોગ્ય ન લાગ્યું.

જ્યાં ધોધ સ્વરૂપે પાણી પડીને ઝરો ભરાયો હતો , હું એ જગ્યાએ આવ્યો.

પાણી નો નજારો અત્યંત રમણીય લાગ્યો.

ત્યાં કશો વાંધો દેખાયો નહીં.

આસપાસ બીજા કોઈની ઉપસ્થિતિ પણ નહોતી.

મે કળશ પાણીમાં બોળી પાણી ભરી લીધું. અને કળશ વાળો હાથ ઉઠાવતી વખતે મારી નજર પાણીમાંના પ્રતિબિંબ પર પડતાં હું ભડક્યો.

મેં પાછળ નજર કરી.

પાછળ કોઈ જ નહોતું.

મતલબ કે એ પ્રતિબિંબ મારું જ હતું.

પાણીના આરોહ-અવરોહની વચ્ચે મારો ચહેરો હિલવાળાતો હતો.

મારું આખું મુખ ખૂનથી ખરડાયેલું દેખાતું હતું.

મુખના ઉપરના બધા જ દાંત ખુલ્લા દેખાતા હતા.

જાણે કે ઉપરનો હોઠ હતો જ નહી.

મારા કપાળમાં મોટો ખાડો પડેલો જણાયો. મારું પ્રતિબિંબ જોઈ ડઘાઈ ગયેલો હું પાણીનો કળશ લઈ ચૂપચાપ ચાલવા લાગ્યો.

આ તરફ મેરુ અને મોહન પેલી મોટી ચટ્ટાન પર બેઠા હતા.

ધીમા પવનથી એકધારો પિંપળનો પર્ણધ્વનિ ખરખર થતો હતો.

બંને મારા આગમનની બેસબ્રી થી રાહ જોતા હતા.

પોતાના હાથની કોણીઓ ઢીંચણે ટેકવીને હથેળીમાં મુખની હડપચી મૂકી મોહન ચિંતાગ્રસ્ત દશામાં ઊભા પગે બેઠો હતો. મેરુ પણ રસ્તાને જ તાકતો હતો.

એકાએક મોહનના ગાલ પર ગરમ ગરમ પ્રવાહી પડ્યું.

કોઈ પક્ષી ચરકી ગયું હશે એમ માનીને મોહને પૂછ્યું.

"જોતો મેરુ મારા ચહેરા પર આ શુ પડ્યું છે..?"

મેરુ એના ગાલ તરફ જોઈ ચમક્યો.

ક્યાંથી આવ્યું..?

એણે ભય પામતા પૂછ્યું.

" શું ..?"

મોહન ને પેટમાં ફાળ પડી.

"ખૂન..!"

"ખૂન??" એના એક જ શબ્દે મોહન બેઠો થઈ ગયો.

ભય અને વિસ્મયથી એની આંખો પહોળી થઈ ગઈ.

સુકાઈ ગયેલા વૃક્ષની ડાળ ઉપર કોઈ અજાણી સ્ત્રીની સડી ગયેલી લાશ લટકતી હતી.

એના ચોટલા વડે ડાળખી સાથે ગાંઠ મારી દેવાઈ હતી.

દુર્ગંધ મારતી લાશ ઝાડ પર સહેજ ઝૂલતી હતી.

એના ચહેરા પર ક્યાંય ચામડી કે માંસ નહોતું.

ને છતાં મુખ માંથી લોહી ટપક્યું હતું. સાડીમાં ઢંકાયેલા બદન વિશે કશું કહી શકાય નહીં.

પણ પેટના ભાગેથી આંતરડાં બહાર લટકતાં હતાં.

કાંડાથી ઉપરના હાથની ચામડી સલામત હતી.

પરંતુ હાથ-પગના પંજા ઉપર હાડકાંની માળા દેખાતી હતી.

મોહન મેરુનો હાથ ખેંચી કોઈ બીજી સ્વચ્છ જગ્યા તરફ ભાગ્યો.

કુલદીપ આવતો દેખાય એવી રીતે બંને મિત્રો દૂર જઈ બેઠા.

બન્ને દૂર ઝાડ પર લટકતી લાશને જોતા હતા.

અને બન્ને મિત્રોને લાશમાંથી ટપકેલા તાજા રક્ત વિશે મનમાં ઉથલપાથલ હતી.

***

બંને જણા જગ્યા બદલીને બેઠા હતા એટલે મૂળ જગ્યા ઉપર એમને ના જોતાં હું અકળાઈ ઉઠ્યો.

સહેજ ગભરાહટ સાથે આમતેમ નજર દોડાવી.

પેલી ચટ્ટાનથી દુર એમને બેસેલા જોઈ મનમાં ટાઢક વળી.

બાઘાની પેઠે બંને જણા મને જોતા હતા.

હું એમની લગોલગ દસ ફીટ જેટલા દૂરના અંતરે પહોંચ્યો હોઇશ કે બંને મિત્રોએ પોતાની આંખો પર હાથ મૂકી દીધો.

છેક એમની જોડે જઈને મે પૂછ્યું.

"કેમ લા શું થયું..? હું કંઈ ભૂત-પ્રેત છું તે મને જોઈ બેય જણા આંખો દાબી બેઠા છો..?"

બંને જણાએ આંખો પરથી હાથ હટાવી મારી સામે જોયું.

કંઈક નવું જ કૌતુક જોયું હોય એમ બંને જણા એકબીજાની સામે જોવા લાગ્યા.

" શું વાત છે ભાઈ મને કહેશો ..કે એકબીજાને જોતા જ રહેશો..?"

"કુલદીપ..!, મોહનને જીવમાં જીવ આવ્યો હોય એમ બોલ્યો.

" સમજમાં નથી આવતું યાર..!

આ બધું આખરે શું છે..?

સામેથી તું ચાલ્યો આવે છે

એતો અમને દેખાય સમજ્યા..

પરંતુ એકાએક અમને બંનેને એવો ભાસ થયો જાણે પિત્તળની કોઈ નગ્ન પ્રતિમા સામેથી અહીં ચાલી આવતી ન હોય..!

પળ બે પળમાં અમારો પરિચિત મિત્ર કુલદીપ દેખાતો હતો, તો બીજી ક્ષણે પેલુ બિહામણું નગ્ન રૂપ દેખાતું હતું.

"હા કુલદીપભાઈ..! મોહન સાચું કહે છે. મેરુએ પણ શાખ પૂરી.

વાત મારી સમજની બહાર હતી.

કેમ કે પેલી પાણીની ઝીલમાં જોયેલું મારા ચહેરાનું વિકૃત સ્વરૂપ હું ભૂલ્યો નહોતો. એટલે આખી વાતનો છેદ ઉડાડતા મેં એમને પૂછ્યું.

"તમે પેલી ચટ્ટાન પરથી અહીં આવીને કેમ બેઠા..?"

મેરુ અને મોહને ફરી ખૌફ ભરી નજરે અન્યોન્ય સામે જોયું.

"કેમ ત્યાં પણ કશું અજુગતું બન્યું કે શું..?"

મેં જાણે કે એમના મનની વાત પકડી લીધી. "અરે તને કેમ ખબર પડી..?

મેરુએ પૂછ્યું.

જ્યારે મોહનનો ચહેરો ગંભીર બની ગયો હતો.

આ બધાં લક્ષણો કંઈ સારાં નહોતાં.

"શું જોયું પહેલાં મને એ કહો...?"

મેં જિજ્ઞાસાથી પૂછ્યું.

"અમે પેલા વૃક્ષ..તરફ !,

મેરુ ચટ્ટાન નજીક રહેલા સૂકા ઝાડ તરફ હાથ લાંબો કરી કંઈક કહેવા ગયો પરંતુ એ તરફ નજર જતાં, એની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ.

એના આશ્ચર્ય વચ્ચે સૂકા ઝાડ પર અત્યારે કશું જ નજરે પડતું ન હતું.

" હજુ હમણાં તો સૂકા ઝાડ પર અમે કોઈ સ્ત્રીની કોહવાઇ ગયેલી સડેલી લાશ લટકતી જોઈ હતી...!"

મોહનનો સ્વર જાણે કે થીજી ગયો.

કુલદીપે એક બે પળનો વિરામ લીધો.

શ્રી અને કુમાર ધડકતા હૈયે કુલદીપની કહાની સાંભળતા હતા.

કુમાર અને સ્ત્રી બંનેના મનમાં અનેક સવાલો સળવળી ઊઠ્યા હતા.

શ્રી મન પર કાબૂ ન રાખી શકી.

એને તો સીધું પૂછી જ નાખ્યું.

"દેવરજી પછી એ લાશ ગઈ ક્યાં..?

પેલી પાણીની ઝીલમાં એવું તે શું હતું..?અને તમે પોતાના ચહેરાનું બિહામણું રૂપ જોઇને આવ્યા એ વાત તમે તમારા મિત્રોથી કેમ છુપાવી..?"

શ્રીની જુગુપ્સા જોતાં કુલદીપને રોમાંચ થતો હતો.

જાણે કે તરસાવી તરસાવીને વાત કહેવાની એણે પણ મજા આવતી હતી.

એક રહસ્ય ભરી મુસ્કાન બંને પર નાખી કુલદીપે કહ્યું.

"વાત ધ્યાનથી સાંભળતા રહો.

દરેક સવાલોના જવાબ તમને મળી જશે..!"

બંનેએ સંમતિ સૂચક ડોકું ધુણાવ્યું.

પેટમાં કંઈક અંશે શાતા જમી-પાણી પીધા પછી થઈ.

પછી ત્યાંથી અમે આગળ વધ્યા.

હવે રસ્તો સૂઝતો હતો.

હરિયાળાં ગીચ ઝાડીવાળાં ઘટાદાર વૃક્ષો અને શ્વેત ચટ્ટાનોથી ભર્યો ભર્યો પહાડી ઢોળાવ અમારે ઊતરવાનો હતો.

પેલા નિર્મળ ઝરણાં કિનારે-કિનારે સચેત થઇ મૂંગા મૂંગા અમે ચાલતા રહ્યા.

છેવટે અમારે થોભવુ પડ્યું.

પેલું ઝરણુ ભૂમિમાં ઉતરી જતું હતું.

ચટ્ટાનો હવે ઊંચી ઊંચી અને સીધા ઢોળાવવાળી હોવાથી નૈસર્ગિક રીતે જ માર્ગ અવરોધાઈ જ ગયો હતો.

ચટ્ટાન પરથી જો નીચુ પડાય તો એક હાડકું પણ સાજુ-નરવુ ન મળે.

જોખમ સમજી અમે મૂંઝાઈ ગયા હતા. પાણી જ્યાં ઉતરતું હતું ત્યાં સુરંગ જેવી બખોલ નજરે પડતી હતી.

"એવું લાગે છે આ રસ્તો સુરંગમાં થઈ આગળ વધતો હશે..!"

મેરુ એ પોતાની ધારણા રજૂ કરી.

"હા, લંબચોરસ પથ્થરો એકબીજા પર એવી રીતે ગોઠવવામાં આવ્યા છે, જાણે કે જાણી-જોઇ કોઈએ ભીતર જવા માર્ગ બનાવ્યો નહોય..!"મોહને કહ્યું.

જંગલી પ્રાણીઓનાં પગલાં અહીં બખોલ સુધી આવી અટકી જતાં જોઈને મે કહ્યું.

"મને પણ એવું જ લાગે છે.

જરૂર આ માર્ગ આગળ જતાં નીચે ઉતારી બહાર કાઢતો હશે..!"

"તો પછી આગળ વધશું..?" મેરુએ ઉત્સાહભેર ભર્યા સ્વરે પૂછ્યું.

મારી મૂંગી સંમતિ મળતાં જ બંને આગળ વધી એક પછી એક પગથિયાં ઊતરી સુરંગમાં દાખલ થયા.

સુરંગમાં પગના પંજા ભીંજાય એટલું પાણી હતું.

આગળ વધતાં મારગ અંધકારમાં ઓગળી જતો હતો.

છતાં સાહસ કરી અમો આગળ વધ્યા.

ભૂગર્ભના એ રસ્તામાં આમતો નીરવતા હતી.

સિવાય અમારા પગલાં પાણીમાં બોળાતાં પાણી ખળખળ બોલતું હતું.

થોડુંક આગળ વધી મેરુ અટક્યો.

"હવે કશું દેખાતું નથી કુલદીપ..!

ક્યાંક પથ્થર સાથે ભટકાઇ જવાશે..!" મોહનને હતાશા પ્રકટ કરી.

વાત એમની ખોટી નહોતી.

અંધકારમાં આગળ વધવું જોખમ ભર્યું હતું. હવે આગળ વધવું કે સુરંગમાંથી બહાર નીકળી બીજો માર્ગ પકડવો એની મૂંઝવણ હતી.

કશું નક્કી થાય એ પહેલાં દૂરદૂર પાણી માં ખળખળ અવાજ અમારા કાને પડ્યો.

કોઈ રાની પશુ કે જંગલી જાનવર હોવાની આશંકાથી હોઠ પર આંગળી મૂકીને મેરુ અને મોહનને મૂંગા રહેવાનો સંકેત કર્યો.

સતર્ક કાને અમે અવાજની દિશા નક્કી કરવા લાગ્યા.

અવાજ અમે ઉભેલા એની જમણી બાજુ ક્યાંક ઉંડે ઉંડેથી આવતો હોય એવું લાગતું હતું.

જાણે આ સુરંગ જેવી ગુફાને જરૂર કોઈ બીજો માર્ગ પણ મળતો હોવો જોઈએ.

અમારા આશ્ચર્ય વચ્ચે ભૂગર્ભના માર્ગમાં ચાર-પાંચ આગિયાના પ્રકાશ જેવું અજવાળું ફેલાયું.

પ્રકાશ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ અમને સમજાતું ગયું એ કોઈ ચોપગુ જાનવર હતું.

એની આંખોનો આ પ્રકાશ હતો.

"હે રામ..! આંખોનો પ્રકાશ આવો પણ હોઈ શકે..?"

મોહન મનોમન બબડયો.

હું અને મેરુ ડઘાઈ ગયેલા.

ત્રણેયનુ આજે આવી બન્યું.

જાનવર કાળું લાગતું હતું.

જે શ્વાન કરતાં મોટું અને ગર્દભ કરતાં સહેજ નાનું હતું.

એક ખૂંખાર લાગતું પ્રાણી જરાપણ ભય પામ્યા વિના કે અમને પણ ઇજા પહોંચાડયા વિના અમારી નજીકથી પસાર થઈ ગયું.

એનામાં હિંસક વૃત્તિ હોય એવું મને ના લાગ્યું.

એની આંખોનો ઉજાસ રાહ ચીંધનારો હોવાથી અમે પાણીમાં અવાજ ના થાય એમ હળવે હળવે ચાલવાનું શરૂ કર્યું.

પેલુ જાનવર પીઠ ફેરવ્યા વિના ચાલતું રહ્યું. બસ ચાલતું જ રહ્યું.

પાણીમાં પગ બોળવાથી શરીરમાં ઠંડીનો થડકારો હતો.

સાથે-સાથે ભય પણ ખરો કે "આ જાનવર આગળ જતાં હુમલો તો નહીં કરે ને..?" મનના ભયને દબાવી અમે ચાલતા રહ્યા ભય અને ખૌફ રાખી પાછી પાની કરવામાં આવે એ અમને મંજૂર નહોતું.

"પડશે એવા દેવાશે" એમ વિચારી અમે આગળ વધ્યા.

( ક્રમશ:)

સાબીરખાન પઠાણ