બરબાદીનું બટન - 2 ANISH CHAMADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બરબાદીનું બટન - 2

બરબાદીનું બટન

ભાગ-૨

પહેલા ભાગમાં આપણે જોયું સ્નેહલ પોતે બનાવેલ ડિવાઇસ વિષેની માહિતી આપવા કમિશનર સાહેબને મળવા ગયો હતો, અને તેના પ્રોજેકટના વિષયમાં ઘણીબધી વાત કરી કમિશનર સાહેબને બધી જાણકારી આપી હતી. તેના પ્રોજેકટથી ખુશ થતાં કમિશનર સાહેબે તેને પ્રોજેકટ પૂર્ણ કરવાનું કહ્યું હતું અને તેના પ્રોજેકટમાં બનતી મદદ કરવાની ખાતરી આપી હતી. જ્યારે કમિશનર સાહેબે હવાલદારને પેલી છોકરીનું નામ પૂછ્યું જેના સંબંધી માંથી હજુ સુધી કોઈ તેને છોડાવવા નહોતું આવ્યું. હવે આગળ:

***

"શું નામ છે તેનું?" કમિશનર સાહેબે પૂછ્યું.

"કનિકા."

"સારું તેને અંદર મોકલી આપ અને તું ચા લઈને આવ." થોડીવાર પછી તે છોકરી અંદર આવીને બિલકુલ મારી પાછળ ઊભી રહી. કમિશનરે સાહેબ બોલ્યા, "તારા કોઈ સંબંધી ના આવ્યા તને છોડાવવા.? અને ત્યાં પાર્ટીમાં શું કરતી હતી.?"

"સાહેબ મારૂ કોઈ સંબંધી નથી અને મારી ફ્રેન્ડ મને ત્યાં લઈ ગઈ હતી."

અવાજ સાંભળેલો લાગ્યો એટ્લે મે તરત પાછળ ફરીને જોયું. અરે! આ તો પેલી મોલવાળી છોકરી છે. તે પણ મને જોઈને કઈક વિચારવા લાગી. કમિશનર સાહેબ આ મારી મિત્ર છે એમ કહીને મે તેને ત્યાથી છોડાવી. મારા પ્રોજેકટને લઈને કમિશનર સાહેબ ખુશ હતા એટ્લે જ કદાચ મારા કહેવા પર વગર જામીને કનિકાને છોડી મૂકી. અમે બંને પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યા, તેણે મારો આભાર માન્યો અને આવી રીતે અમારી મુલાકાતોનો દોર શરૂ થયો. અમે એકબીજાની નજદીક આવવા લાગ્યા.

એક રાત્રે અમે ડિનર સાથે લેવાનું નક્કી કર્યું. હું પહેલીવાર કોઈ છોકરીને ડેટ કરવા જઇ રહ્યો હતો અને તે પણ તેના ઘરે. હું તેણીએ આપેલા સરનામા પર સમયસર પંહોચી ગયો. બેલ વગાડી કે તેણે તરત જ દરવાજો ખોલ્યો જાણે ત્યાજ ઊભી હોય મારી રાહ જોઈને. હું તેને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો બ્લેક કલરનું શોર્ટ ગાઉન, વાકળીયા ખુલા વાળ, ચમકતી આંખો, કાનમાં લટકતી બાલી, હોઠોપરની લાલી, નાકની રિંગ. આહ! શું અદા હતી તેની, શું રૂપ હતું તેનું, મારા મોઢામાંથી શબ્દો સરી પડ્યા ઑ મારી હિરોઈન! અને તે શરમાઇ ગઈ.

અમે સાથે ડિનર કર્યું. પછી ત્યાજ ગેલેરીમાં ઊભા રહીને બહારના દ્રશ્યો જોવા લાગ્યા. ચાંદ એકદમ નજરની સામે આવીને ઊભો હતો, તારલાઑ પણ લબક-જબક થઈને યુવા દિલોને ઘમરોળી રહ્યા હતા. ધીરે-ધીરે અમારા બંનેની આંગળીઓ એકબીજાને સ્પર્શવા લાગી. પહેલીવાર આવું થઈ રહ્યું હતું ધડકન તેજ થઈ ગઈ, ઠંડકભર્યા વાતાવરણમાં પણ પરસેવો છૂટવા લાગ્યો. તે મારો હાથ પકડીને મને રૂમમાં લઈ ગઈ અને પછી અમારા બંનેના શરીરમાં એક તોફાન ઉપડ્યુ, અમે બંને નિવસ્ત્ર એકબીજાની બાહોપાસમાં જકડાય ગયા, મારા શરીરનું લોહી બમણી ગતિથી ભ્રમણ કરવા લાગ્યું, અલગ જ પ્રકારની અનુભૂતિ મહેસુસ થઈ રહી હતી, થોડીવાર પછી અમે બંને એકબીજાથી અળગા થયા અને યુવાનીનું તોફાન ક્ષણભરમાં શાંત થઈ ગયું.

ઘરમાં ઘોર શાંતિ પ્રસરી ગઈ. મને અપરાધભાવ મહેસુસ થઈ રહ્યો હતો. હું મનોમન પોતાને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો કે, "સ્નેહલ આ બધુ તેની ઈચ્છાથી થયું છે. આ કોઈ અપરાધ નથી અને તું તો કનિકાને પ્રેમ કરે છે."

હા, હું કનિકાને પ્રેમ કરવા લાગ્યો હતો પણ એ મને પ્રેમ કરે છે કે નહીં એ જાણ્યાવગર મે તેની સાથે! અને મને પ્રેમ કરતી હોય તો પણ શું મે જે કર્યું તે યોગ્ય છે ખરું...? હું આ બધા સવાલોના જવાબ મેળવવાની મથામણ કરી રહ્યો હતો.

"શું થયું સ્નેહલ? કેમ શાંત છે?"

"કઈ નહીં કનિકા પણ, મે જે કર્યું તે ખોટું છે. મારે આવું નહોતું કરવું જોઈતું સોરી."

"અરે! તે શું ખોટું કર્યું? અને જે કઈપણ થયું છે તેમાં મારી મરજી પણ હતી અને હું પણ તને પ્રેમ કરું છું."

કનિકાના મોઢેથી આ શબ્દો સાંભળીને મારૂ મન થોડું શાંત થયું. મે તેને મારી બાહોમાં લઈ લીધી અને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો પણ કનિકાએ ત્યારે કશો જવાબ ના આપ્યો. પછી અમે દરરોજ એકબીજાને મળતા, ફિલ્મો જોવા જતાં, હોટલમાં સાથે જમવા જતાં અને મે નક્કી કર્યું હતું કે મારો પ્રોજેકટ પૂર્ણ થઈ જાય એટ્લે હું કનિકા વિષે ઘરના સભ્યોને જણાવીશ અને પછી કનિકા સાથે લગ્ન કરીશ.

***

"હા, મને યાદ છે મે તને પ્રોમિશ કર્યા હતા કે હું હમેશા તારું ધ્યાન રાખીસ, તને કોઈ તકલીફ નહીં થવા દઉં, તને દરરોજ મળવા આવીશ પણ, તું તો જાણેજ છે મારા પ્રોજેકટ વિશે અને હવે તે પૂર્ણ થવાની તૈયારીમાં છે અને તેના લીધે જ હું છેલ્લા દસ દિવસથી તને પણ મળી નથી શક્યો."

"પણ યાર ફોન તો કરી શકાય ને.?"

"હા, ફોન કરી શકાય પણ મારો ફોન પોલીસ કમિશનર સાહેબની ઓફિસમાં હતો. આ પ્રોજેકટ બંધ કરવા માટે મને અમુક લોકો ધમકી આપી રહ્યા છે. તેમને પકડવા માટે જ મારા ફોન કોલ રેકોર્ડ કરવા માટે તે કમિશનર સાહેબની ઓફિસે જ મૂકી દીધો હતો. બસ હવે થોડા દિવસોમાં જ મારૂ ડિવાઇસ કામ કરતું થઈ જશે અને મહિલાઓ સાથે થતાં અપરાધ રોકવામાં પોલીસને મદદ મળશે."

કેન્ટીનમાં નાસ્તો કરીને હું અને કનિકા છૂટા પડ્યા. મે ઘરે આવીને મારા પ્રોજેકટનું બાકીનું કામ પતાવ્યું અને વિચાર કરવા લાગ્યો કે હવે કોઈ માનસિક બીમાર વ્યક્તિ પણ કોઈ મહિલાની ઇજ્જત લૂટવાનો પ્રયાસ કરતાં પહેલા હજારવાર વિચારશે. કેટલા ભયાનક હતા તે દ્રશ્યો જેને જોયા પછી મે આવું ડિવાઇસ બનાવવાનું વિચાર્યું હતું.

તેની ઉંમર હતી કેટલી.? માત્ર આઠ વર્ષ! અને પેલા રાક્ષસે તેની સાથે કેવી બર્બરતા આચરી. આઠ વર્ષની નાની બાળા સાથે બળાત્કાર કરીને તેના શરીરના નાના-નાના ટુકડા કરી નાખ્યા, કેવા ભયાનક દ્રશ્યો હતા. આજે પણ તેના વિચાર માત્રથી શરીરમાં ધ્રુજારી છૂટે છે અને જે રાક્ષસે આ કૃત્યને અંજામ આપ્યો તેના વિશે કોઇની પાસે કોઈ માહિતી પણ નહોતી. ના પોલીસ તપાસમાં કઈ સામે આવ્યું, ના મીડિયાવાળા કશું સામે લાવી શક્યા, ના આપણાં જેવા નાગરિક કશું કરી શક્યા. અને તે જ દિવસથી મે વિચારી લીધું હતું કે હું એવું ડિવાઇસ બનાવીશ જેની મદદથી મહિલા સાથેના અપરાધ પર રોક લગાવી શકાય આખરે હું પણ એક બહેનનો ભાઈ છું.

***

કમિશનર સાહેબ, કલેકટર સાહેબ તેમજ સરકારના સુરક્ષા-વિભાગના મંત્રીઓની હાજરીમાં આજે મારા ડિવાઇસને કાર્યરત કરવાનું હતું. આઝાદ ગ્રાઉંડમાં સવારે નવ વાગ્યે મંત્રીશ્રીના હસ્તક આ ડિવાઇસ સિસ્ટમને નાગરિક માટે ખૂલી મૂકવામાં આવી. તેમજ મારૂ સન્માન કરવામાં આવ્યું. આજે હું બહુ ખુશ હતો, સાથે સાથે મારા માતા-પિતા અને મારી બહેન પણ મારા આ પ્રોજેકટથી ગર્વ મહેસુસ કરી રહ્યા હતા. કાર્યક્ર્મ પતાવીને અમે લોકો ઘરે આવ્યા. મમ્મી રસોડામાં જમવાનું બનાવી રહ્યા હતા, પપ્પા કોઈ સંબંધી સાથે ફોન પર વાત કરી રહ્યા હતા, હું અને નાનકી ટી.વી પર મારા ડિવાઇસના સમચાર જોઈ રહ્યા હતા. મારા ફોનની રિંગ વાગતા નાનકીએ મારો ફોન મને આપ્યો.

"હેલ્લો!"

"તને ના પાડી હતીને આ ડિવાઇસ શરૂ કરવા માટે. હવે અંજામ ભોગવવા તૈયાર થઈ જજે."

હું કઈ બોલું કે પૂછું તે પહેલા જ ફોન કટ થઈ ગયો. થોડું કામ છે એવું કહીને હું કમિશનર સાહેબને મળવા જતો રહ્યો. કમિશનર સાહેબને મળીને પેલા ધમકીભર્યા ફોન કોલ વિશે જણાવ્યુ. કમિશનર સાહેબનું કહેવું હતું કે, તને ફોન પર ધમકીઓ મળશે તેની મને જાણકારી હતી જ કેમ કે, તારા ડિવાઈસની મદદથી શરૂવાતની બે કલાકમાં જ બે મહિલાઓના બળાત્કારની ઘટના તેમજ એક નાની બાળકીના અપહરણની ઘટના ટાળી શકાઈ. અને તારા આ ડિવાઇસના લીધે ઘણા એવા લોકોને નુકશાન થવાનું છે જે આવા ગોરખધંધા કરે છે અને તે તને ધમકીઓ આપશે જ એટ્લે જ મે તારું ધ્યાન રાખવા બે પોલીસ ઓફિસરને કામ સોપી દીધું છે. જે તારાથી થોડા અંતરે રહીને તારા પર ચોવીસ-કલાક નજર રાખશે. તારે ગભરાવવાની જરૂર નથી. તું આરામ કર, જ્યાં સુધી તારી અમેરિકાની વિઝા ના આવે ત્યાં સુધી તારી સુરક્ષાની જવાબદારી અમારી છે.

***

મારા પ્રોજેક્ટની સફળતાએ મારી અમેરિકની વિઝાનું કામ આસન કરી દીધું. અમેરિકની એક કંપનીએ સારી સેલેરી સાથે જોબ ઓફર કરી અને સ્પોન્સર લેટર મોકલવાની તૈયારી દર્શાવી. મે પણ આવેલી તક ઝડપી લીધી. મારી વિઝા, ટિકિટ બધુ આવી ગયું હતું. ત્રણ દિવસ પછી હું અમેરિકા જવાનો હતો અને એટ્લે જ મે ઘરમાં કનિકા વિશે જણાવી દીધું અને ઘરના બધા સભ્યો રાજી પણ થઈ ગયા તેઓએ કનિકાને ઘરે લઈને આવવા જણાવ્યુ. હું કનિકાને ફોન કરીને તેના ઘરે તેને લેવા આવું છું કહીને નીકળી પડ્યો.

કનિકાના ઘરે પંહોચીને તેને ખુશખબરી આપી કે, ઘરના દરેક સભ્યો આપણાં આ સંબંધથી રાજી છે અને તને મળવા માંગે છે. મારી વાત સાંભળીને કનિકાએ મને પોતાની બાહોમાં જકડી લીધો. તે આ ક્ષણને માણવા માંગતી હતી પણ, હું તેને અટકાવું તે પહેલા તે અર્ધનગ્ન સ્થિતિમાં આવી ચૂકી હતી. તેણે મારા શર્ટને ઉતારીને બાજુના પલંગ પરના ઓછાડથી પોતાના અર્ધનગ્ન શરીરને ઢાકીને નીચેની તરફ દોટ મૂકી. હું કશું સમજી ના શક્યો, હું પણ તેની પાછળ પાછળ નીચે તરફ દોડ્યો, હું શર્ટના બટન બંધ કરતાં કરતાં પગથિયાં ઉતરી રહ્યો હતો ને મારા કાન પર પોલીસવેનનો સાઉન્ડ અથડાયો, હું નીચે પંહોચ્યો ત્યાં સુધીમાં આજુબાજુના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને કનિકા ત્યાં બિલ્ડીંગની બાજુના થાંભલા પર લગાવેલ બટન દબાવીને ઊભી હતી. ત્યાનું દ્રશ્ય કઈક એવું સર્જાયું કે, લોકો પણ તે જુઠા દ્રશ્યના સાક્ષી બન્યા. કનિકા અર્ધનગ્ન શરીરને ઢાકીને બટન પાસે ઊભી હતી, તેની સામે હું મારા શર્ટના બટન બંધ કરી રહ્યો હતો. આટલું જ કાફી હતું લોકોને સમજવા માટે. મારી સુરક્ષા માટે રાખેલ પોલીસ ઓફિસરને પણ એવુજ લાગ્યું કે હું કનિકા સાથે બળજબરી કરી રહ્યો હતો. મને ગિરફતાર કરવામાં આવ્યો. આ વાત વાયુવેગે આખા શહેરમાં પ્રસરી ગઈ.

દરેક ન્યૂઝ ચેનલમાં મારા જ સમાચાર આવી રહ્યા હતા. થોડા દિવસ પહેલા જે ન્યૂઝ ચેનલો અને લોકો મને હીરો સાબિત કરી રહ્યા હતા તે જ ન્યૂઝ ચેનલો અને લોકો આજે મને વિલન સાબિત કરી રહ્યા હતા. ન્યૂઝ ચેનલોને તો જાણે મસાલો મળી ગયો હોય તેમ મોટી-મોટી હેડલાઇન લખતા "જે માણસ મહિલાઓની આબરૂ બચાવવાની વાત કરતો હતો તે જ રાક્ષસ આજે મહિલાની આબરૂ લૂટવાનો પ્રયાસ કરતાં ઝડપાયો" આવી આવી હેડલાઇન ચાલી રહી હતી.

મારા પર બળાત્કારની કોશિશ કરવાનો કેશ ચલાવવામાં આવ્યો. બધા પુરાવા મારી વિરુદ્ધમાં હતા. ત્યાં હાજર લોકો, પોલીસ ઓફિસર, સી.સી.ટીવી. ફૂટેઝ બધુ મારી વિરુદ્ધમાં હતું. મારા વકીલે ઘણી કોશિશ કરી મને બચાવવા માટેની પણ, કોઈ ફાયદો ના થયો અને મને બળાત્કાર કરવાની કોશિશના ગુનાહ માટે ત્રણ વર્ષની સજા કરવામાં આવી.

મારા મનમાં તો એક જ સવાલ હતો કે કનિકાએ આવું કેમ કર્યું.? અને શા માટે.? એ સવાલનો જવાબ મેળવવા હું મથી રહ્યો હતો. મારી પૂરી જિદગી બરબાદ થઈ ગઈ. મારા પરિવાર પર આ સમય દરમિયાન શું વીતી હતી તે વિચારીને જ હું ધ્રુજી જાઉં છું. કેટલી હદ સુધી સહન કર્યું હશે મારા પરિવારે તેમનો શું વાંક હતો.? રોજ -રોજના લોકોના મેણાં-ટોણાં સાંભળીને, લોકો દ્વારા આપવામાં આવતો ત્રાસ શક્ય હતું ત્યાં સુધી સહન કર્યો અને છેવટે થાકી હારીને મારા પરિવારે પોતાનું જીવન ટૂંકાવી દીધું. ત્રણ દિવસ પછી ઘરમાંથી દુર્ગંધ આવતા પડોશીઓએ પોલીસને બોલાવી, પોલીસ દરવાજો તોડીને ઘરમાં ઘૂસી. પલંગ પર મારા મમ્મી અને મારી નાનકીની લાશ પડી હતી અને ખુરશીમાં મારા પપ્પાની. તેમની લાશને ઉંદર કોતરી રહ્યા હતા. કેટલા ભયાનક દ્રશ્યો હતા તે.

***

આજે મારી સજાના ત્રણ વર્ષ પૂરા થયા, હું જેલ માંથી છૂટીને બહાર નીકળ્યો. પણ બહારની દુનિયામાં મારા માટે હવે કશું વધ્યું નહોતું. મારૂ બધુ લુટાઇ ગયું હતું. હું રસ્તાની બંનેબાજુ નજર ફેરવતો ફેરવતો ચાલી રહ્યો હતો કે, અચાનક મારી નજર રોડપરના થાંભલા પરનું બટન દબાવતી મહિલા પર પડી અને ફરીવાર જૂના દ્રશ્યો નજર સામે તરવા લાગ્યા. હજુ તો તે વિચારોમાંથી પોતાને સ્વસ્થ કરું ત્યાજ મારા મોબાઈલની રિંગ વાગી.

" હેલ્લો, સ્નેહલ, કહ્યું હતુંને કે અંજામ ભોગવવા તૈયાર થઈ જજે."

અવાજ કનિકાનો હતો. ફોન કટ થઈ ગયો. ફરીવાર ફોન લગાડવાની કોશિશ કરી પણ ફોન બંધ આવી રહ્યો હતો. ફરીવાર એ જ સવાલ નજર સામે આવીને ઊભો રહી ગયો કે કનિકાએ આવું શા માટે કર્યું.? અને તે રહસ્ય આજ દિવસ સુધી એક રહસ્ય જ રહ્યું.

સમાપ્ત :

લેખક: અનિશ ચામડિયા.