સત્ય અસત્ય - પ્રકરણ - 14 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય અસત્ય - પ્રકરણ - 14

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૪

રવીન્દ્રભાઈના મૃત્યુને હજી થોડા જ દિવસ થયા હતા. એમના ઘરમાં શોકનું વાતાવરણ વીખરાયું નહોતું. તેમ છતાં આજની સવારની જુદી જ ઊગી હતી. આજે સવારથી જ ધમાધમ હતી. સોનાલીબહેન થોડા કલાકો માટે રવીન્દ્રભાઈના મૃત્યુને વિસારે પાડીને દીકરાનાં લગ્નનું સ્વપ્ન જોવા લાગ્યાં હતાં. સાચું પૂછો તો પ્રિયંકાની ઓળખાણ થઈ ત્યાં સુધી સોનાલીબહેનના મનમાં આ ઘરની પુત્રવધૂ તરીકે અમોલા જ હતી. સત્યજીત અને અમોલા બાળપણમાં સાથે રમેલાં. ઠક્કર સાહેબની આ ઘરમાં સારી એવી અવરજવર હતી. મૂળ રવીન્દ્રભાઈના મિત્ર. એમને નોકરી છોડાવી ધંધો કરવા માટે ઠક્કર સાહેબે જ પ્રોત્સાહિત કરેલા. શરૂઆતમાં જરૂર પડી ત્યારે ઇન્વેસ્ટમેન્ટમાં મદદ પણ કરેલી.

સોનાલીબહેન હંમેશાં એમ માનતાં કે ઠક્કર સાહેબ ન હોત તો આ ઘરમાં ક્યારેય આટલી બધી સંપત્તિ ના આવી હોત.

અમોલા એમની એકની એક દીકરી હતી. જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાંથી પેઇન્ટિંગમાં ગ્રેજ્યુકેશન કર્યું હતું એણે.

છેલ્લાં કેટલાંય વર્ષોથી સત્યજીત અને અમોલા એકબીજાને મળ્યાં નહોતાં. બંને જણા જેમ મોટા થતા ગયા એમ પોતપોતાના મિત્રો અને પોતપોતાની દુનિયામાં ખોવાતા ગયા.

સત્યજીતે જ્યારે ઘરમાં પ્રિયંકાની ઓળખાણ કરાવી ત્યારે સોનાલીબહેને એને સહર્ષ સ્વીકારી તો લીધી. પરંતુ પ્રિયંકાએ જ્યારે એ સંબંધ તોડીને અમેરિકા જવાનો નિર્ણય કર્યો ત્યારે સોનાલીબહેનને ફરી અમોલા યાદ આવી.

રવીન્દ્રભાઈના મૃત્યુ પછી ઠક્કર સાહેબે ફરી એક વાર આ કુટુંબને આધાર આપવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. સતત આ કુટુંબનું ભલું કરતા રહેલા માણસની દીકરી આ ઘરમાં વહુ થઈને આવે તો મિત્રતાના સંબંધો વધુ ગાઢ બને એવી એમની તીવ્ર ઇચ્છા આજે પૂરી થઈ જશે એવી સોનાલીબહેનને ખાતરી હતી. એમણે ઈશ્વર સામે હાથ જોડીને મનોમન પ્રિયંકા સાથેનો સંબંધ તૂટ્યો એ બદલે આભાર પણ માની લીધો.

સત્યજીત આ બધી ધમાલમાં વહેલી સવારથી બહાર નીકળી ગયો હતો.

દિવસ દરમિયાન સત્યજીત કોઈ કામમાં મન પરોવી શક્યો નહીં. એના મનમાં રહી રહીને પ્રિયંકાના વિચારો આવતા રહ્યા. માની ઇચ્છા પૂરી કરવા માટે અમોલા સાથે લગ્ન કરીને જાતને અને એ છોકરીને છેતરવાની એની હિંમત નહોતી. સોનાલીબહેન જે રીતે ઉત્સાહમાં હતાં અને આ વિચારમાત્રથી રવીન્દ્રભાઈના મૃત્યુનો આઘાત ભૂલી શકતાં હતાં એ જોતાં સત્યજીતને લાગતું હતું કે એણે અંગત સુખનો વિચાર કર્યા વગર હવે પોતાની મા માટે લગ્ન કરી લેવાં જોઈએ.

એણે આખી બપોર પોતાના મન સાથે આ બાબતે લડાઈ કરી હતી. એનું જ મન એને પૂછતું રહ્યું, “હમણાંની વાત જવા દે. જિંદગીમાં ક્યારેય પ્રિયંકાને ભૂલીને તું બીજી કોઈ છોકરીને ચાહી શકીશ ખરો?”

“ના.” એણે એના મન સામે પ્રામાણિકતાથી સ્વીકારી લીધું.

“તો પછી એ છોકરીનું નામ અમોલા હોય કે અનિતા, રેખા હોય કે રોમા, તને શો ફેર પડે છે?”

“મને ફેર પડે કે નહીં, એ છોકરી મારી સાથે પોતાની જિંદગી જોડવાની છે. એને તો મારી પાસેથી અમુક પ્રકારની આશા હોય ને? હું એને કશું જ ના આપી શકવાનો હોઉં તો પછી...” એ પોતાના મન સાથે દલીલો કરતો રહ્યો.

“તું એને બધું જ સાચું કહી દે. એ પછી નિર્ણય અમોલા પર છોડી દે.” એના મને તરત ઉપાય શોધી કાઢ્યો.

“પણ...” કોણ જાણે કેમ, આજે સત્યજીતનું મન ઝોલાં ખાતું હતું. જિંદગીભર એ રવીન્દ્રભાઈને તો કોઈ પ્રકારનો સંતોષ આપી શક્યો નહીં. એને સતત મહેનત કરવાનું, ગંભીર થવાનું કહેતાં કહેતાં પિતા તો દુનિયા છોડી ગયા. હવે માને સુખ આપવા માટે જે કંઈ થઈ શકે તે કરવું એવું એનું મન કહેતું હતું, તો બીજી તરફ એનું જ મન એને રોકતું હતું.

એવો કોઈ પણ સોદો, જેમાં જિંદગી લખી આપવી પડે એ સ્થિતિ ઊભી ન કરવી જોઈએ એમ એને લાગતું હતું અને સાથે જ માનું સુખ જો આ સંબંધમાં જ હોય તો હવે કંઈ ખાસ ફેર પડતો નથી એવું પણ એને લાગતું હતું.

એ આંખો બંધ કરીને, માથું ઢાળીને પોતાની ચેમ્બરમાં બેઠો હતો ત્યાં જ એનો ઇન્ટરકોમ રણક્યો, “અમોલા ઠક્કર ઇઝ હિયર ટુ સી યુ...” રિસેપ્શનિસ્ટે કહ્યું.

“અમોલા ?” એની સુસ્તી ઊડી ગઈ, “મોકલો...” એનું વાક્ય પૂરું થાય એ પહેલાં એક અત્યંત ફેન્સી દેખાતી છોકરી એના સ્ટીલેટો સેન્ડલનો અવાજ કરતી કાચનો દરવાજો ખોલીને સત્યજીતની ચેમ્બરમાં દાખલ થઈ.

લાંબા નખ, પાતળી આંગળીઓ, ચમકતી ત્વચા, વચ્ચે વચ્ચે ગોલ્ડન હાઇલાઇટ કરેલા ખભાથી સહેજ લાંબા, સતત શેમ્પૂ અને કન્ડિશનિંગથી સચવાયેલા વાળ, ચહેરા પર ભડકીલો મેક-અપ, ઓલ્ટર નૅકનું ટોપ અને જીન્સનો બે વ્હેંતનો સ્કર્ટ...

એ ક્ષણભર જોઈ રહ્યો. વૉગ કે જીએફક્યૂ પ્રકારના કોઈ મેગેઝિનની મોડલ પાનાંઓમાંથી નીકળીને સામે ઊભી હોય એવી દેખાતી હતી આ છોકરી ! એણે દાખલ થતાંની સાથે તદૃન અનઔપચારિકતાથી ખુરશી ખેંચી અને ગોઠવાઈ ગઈ. જમણા પગ ઉપર ડાબો પગ એવી રીતે ગોઠવ્યો કે એનો ટૂંકો સ્કર્ટ અડધો-પોણો ઈંચ ઊંચો ચડી ગયો.

“જી...” સત્યજીતને સમજાયું નહીં કે આ છોકરી અચાનક અહીં કેમ ધસી આવી હતી.

“જી ?” ચ્યૂંઇગમ ચાવતી અમોલાએ ભવાં ઉલાળ્યાં, “તું મને કહે છે ?”

“હા, એટલે... આઇ મીન...”

“હું થોડી વાતોની ચોખવટ કરવા આવી છું.”

“પ્લીઝ...” સત્યજીત અદબ વાળીને પોતાની ખુરશીમાં જરા આરામથી બેઠો. એને સહેજ શાંતિ થઈ ગઈ, ‘આ છોકરી જો ના પાડી દે તો બહુ સારું ! કોઈકની સાથે લફરું હશે એ જ કહેવા આવી લાગે છે.’ એણે વિચાર્યું,

“બોલો.” એણે સલુકાઈથી સાંભળવાની તૈયારી કરી.

“તું પ્લીઝ, લગ્નની ના નહીં પાડતો.”

“વ્હોટ ?!” સત્યજીતનું હૃદય ધબકારો ચૂકી ગયું.

“મને ખબર છે, તારું અને પ્રિયંકાનું બ્રેક-ઑફ થઈ ગયું છે.” અમોલા ખુરશીમાં જરા વધારે આરામથી ગોઠવાઈ, “હું ચૌદ વર્ષની હતી ત્યારથી મેં નક્કી કરેલું કે હું તારી જ જોડે લગન કરીશ. મેં મારા ડૅડને કહી રાખેલું કે તું જ મારો હસબન્ડ થશે.” સત્યજીતને કંઈ સમજાતું નહોતું. એરકન્ડિશન ચેમ્બરમાં એને પરસેવો વળવા લાગ્યો, “હું સાચું કહું છું, તું પ્રિયંકાને ડેઇટ કરતો હતો ત્યારે પણ મને ખબર હતી કે તમારું ટકશે નહીં.”

“તો ?” સત્યજીતને શું બોલવું એ સમજાયું નહીં.

“તો શું ? આજે સાંજે આપણા ઍન્ગેજમેન્ટ થવાના છે. તું એ ફાલતુ છોકરીની પાછળ આંસુ વહાવવાના બદલે હવે લાઇફને જરા સારી રીતે જોવાનો ટ્રાય કર.”

“પણ આ બધું મને શું કામ કહો છો ?” એણે પહેલી વાર જરા છૂટથી શ્વાસ લીધો, “ને એ પણ અચાનક ? આવી રીતે !”

“લુક ! મને સોનાલી આન્ટીએ કહ્યું કે તું હજી પણ એ છોકરીની પાછળ ટાઇમ પાસ કરે છે... શી ઇઝ ગોન નાઉ... ભૂલી જા એને. એણે જેવી રીતે તને કચરાના ડબામાં ફેંક્યો એવી રીતે તું પણ એને કચરાના ડબામાં ફેંકી દે.”

સત્યજીત અવાક્‌ સાંભળી રહ્યો હતો. આ પ્રકારની ભાષા અને જિંદગી પરત્વેનો આવો અભિગમ સાંભળીને એ ડઘાઈ ગયો હતો. કોઈ એક માણસ વિશે બીજો માણસ આટલી સ્વાભાવિકતાથી આવી તોછડાઈ દેખાડી શકે એ એના માન્યામાં નહોતું આવતું, “એણે મને કચરાના ડબામાં નથી ફેંક્યો, અમારા વચ્ચે થોડા પ્રોબ્લેમ્સ...”

“પ્રોબ્લેમ્સ એણે ઊભા કર્યા, કારણ કે એને અમેરિકા જવું હતું. તારા જેવા છોકરા સાથે પરણીને અહીંયા ઇન્ડિયામાં હાઉસ વાઇફ થઈને જીવે એવી છોકરી જ નથી એ.”

“ને તમે ? તમે જીવશો હાઉસ વાઇફ થઈને ?” સત્યજીતને સહેજ હસવું આવી ગયું.

“અફકોર્સ ! તું કહીશ એમ કરીશ હું. તારા મૉમની સેવા કરીશ. તારું ધ્યાન રાખીશ. તને ખબર નથી, બટ આઇ રિયલી લવ યુ...”

“એમ ?” સત્યજીતને હજુ હસવું આવતું હતું. એને હસતો જોઈને અમોલા અચાનક ઊભી થઈ, સત્યજીત કંઈ સમજે એ પહેલાં ટેબલની બીજી તરફ પહોંચી ગઈ. સત્યજીતની રિવોલ્વિંગ ખુરશીને એણે બંને હાથાથી પકડીને પોતાના તરફ ફેરવી. સત્યજીત ઊભો થઈ શકે કે અમોલાના અટકાવે એ પહેલાં સત્યજીત ઉપર ઝૂકીને અમોલાએ એક પ્રગાઢ ચુંબન કરી લીધું, “શું ? શું કરો છો તમે ?” એણે ડરતા ડરતા ગ્લાસ ચેમ્બરની બહાર જોયું. બહાર બે-ત્રણ જણા આ દૃશ્યને પહોળી આંખે જોઈ રહ્યા હતા.

“હું તને એ સમજાવવા માગું છું કે મને કોઈનો ડર નથી. ધરતીકંપ આવે કે આકાશ તૂટી પડે, હું તારી જ સાથે લગ્ન કરવાની છું. તું પ્રિયંકા સાથે રખડતો હતો ત્યારે પણ મેં મારા ડૅડને આ જ કહેલું.” એ બંને હાથ ટેકવીને સહેજ કૂદકો મારી સત્યજીતની સામે ટેબલ પર બેસી ગઈ, પોતાના પંજા એણે સત્યજીતની ખુરશીની બંને તરફ એવી રીતે અટકાવ્યા કે સત્યજીત ઊભો ન થઈ શકે, “તારે જે કરવું હોય તે કરી લે, મારી સાથે પરણ્યા વિના તારો છૂટકો નહીં થાય.”

“જો અમોલા... સમજવાનો...”

“તું સમજવાનો પ્રયત્ન કર. એક છોકરી તને છોડી ગઈ એની પાછળ તું જિંદગી બરબાદ કરવા તૈયાર થયો છે પણ જે તને પ્રેમ કરે છે એનામાં તને કોઈ ઇન્ટ્રેસ્ટ નથી...”

“ઇન્ટ્રેસ્ટ નથી એવું ક્યાં કહ્યું મેં ?” સત્યજીતે ઊભા થવાનો પ્રયાસ કર્યો. અમોલાએ હાથના ધક્કાથી એને પાછો ખુરશી પર ઢાળી દીધો. એને ચહેરો બંને હાથે પકડી લીધો.

“લુક, તને ઇન્ટ્રેસ્ટ હોય કે નહીં, તું હા પાડે કે નહીં... આપણાં લગ્ન થવાનાં છે એ નક્કી છે. તું સીધી રીતે હા પાડીને લગ્ન કરીશ તો એમાં બધાનો ફાયદો છે. બાકી...” એનો ચહેરો બદલાઈ ગયો. એની આંખોમાં ઘેલછા ચોખ્ખી વંચાતી હતી, “બાકી... હું આપઘાત કરીશ.”

“અમોલા !”

“આઇ મીન ઇટ... આજે સાંજે તો તેં લગ્નની હા નથી પાડી તો કાલે સવારે તારે મારી અંતિમક્રિયામાં આવવું પડશે. મેં સોનાલી આન્ટીને આ વાત કહી દીધી છે અને ડૅડને પણ...” એ કૂદકો મારીને નીચે ઊતરી. સત્યજીતને ગાલે એક ટપલી મારી, “બી અ ગુડ બોય... સીધી રીતે હા પાડી દેજે. અમે બે કલાક પછી તારા ઘરે પહોંચીએ છીએ. સી યુ ધેર...” ફરી એ જ રીતે સ્ટીલેટોનો અવાજ કરતી, કમર લચકાવતી, કોઈ પણ પ્રકારના અચકાટ કે ભય વિના એ સત્યજીતની ચેમ્બરનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ.

બહાર બેઠેલો આખો સ્ટાફ એને જતી જોઈ રહ્યો.

સત્યજીતે રૂમાલ કાઢીને પરસેવો લૂછ્‌યો.

(ક્રમશઃ)