એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 20 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 20

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 20 )

‘સલોની, કંઇક નક્કર થયું કે પછી મારે....’

વિક્રમ ધમકીભર્યો સ્વર ઘૂંટે એ પહેલાં જ સલોનીએ એને આંતર્યો :

‘વિક્રમ, જોગવાઇ લગભગ થઇ જશે. એ પણ એક ઇન્સ્ટોલમેન્ટની... પણ સાંભળ, એ હું તારા બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર નહીં કરી શકું. એ માટે તારે ઇન્ડિયા તો આવવું જ પડશે.’

બસ, આ હતી સલોની સાથે છેલ્લી વાતચીત, જે વિક્રમને બહુ વ્યાકુળ કરી ગઇ હતી.

છેલ્લી વાર ફોન પર થયેલી આ વાત વખતે ન જાણે કેમ સલોનીના અવાજમાં સાભળવા મળતી ડરની માત્રા અલોપ થઇ ગઇ હતી. એને બદલે છતી થતી હતી એવી સ્વસ્થતા અને બેફિકરાઇ, જે અનુભવીને વિક્રમ ખુદ બેચેન થઇ ગયો હતો.

હવે બ્લાઇન્ડ રમ્યા વિના કોઇ પર્યાય પણ નહોતો. બ્લાઇન્ડ તો બ્લાઇન્ડ, પણ બાજી તો લગાવવી એવું મનોમન નક્કી તો કરી લીધુ હતું વિક્રમે. જોકે જેટલું વિચાર્યું હતું એટલું એ સહેલું નહોતું.

આ બ્લાઇન્ડ પણ રમવું ન પડત.... જો પપ્પુ એના કોન્ટેક્ટમાં રહ્યો હોત તો !

વિક્રમના મનમાં ફરી વાર પપ્પુ પારઘીનો વિચાર આવી ગયો : કમબખ્ત, ક્યાં ગાયબ થઇ ગયો એ ?

પોતે ફોન જોડે તો રિંગ જાય છે એ ઉપાડતો નથી અને એણે તો સામેથી ફોન કરવાનું જ છોડી દીધું... ક્યાંક કોઇ એન્કાઉન્ટર કે પછી અકસ્માતનો ભોગ નહીં બની ગયો હોય ને પપ્પુ ?!

વિક્રમે પોતાના વિચારો પર બ્રેક મારી. એક તુચ્છકારભર્યો તર્ક મનમાં રમી ગયો :

એન્કાઉન્ટર થાય એવું મોટું માથું પણ એ નહોતો !

જે થશે તે જોયું જશે, પણ સૌથી પહેલી અને અગત્યની વાત હતી આ જેસલટન હાઇટ છોડવાની અને સુલેમાન સરકાર સુધી પહોંચવાની. વિના કોઇ ફાઇનાન્સ હવે બધું અટકી પડ્યું હતું. વિક્રમે ફરી પોતે પાથરી રાખેલા નકશાઓને ધ્યાનથી જોવા માંડ્યાં ને વિક્ષેપ પડ્યો ફોનની રિંગથી-સામે હતી લતા કાંતા.

‘વિક્રમ. થઇ કંઇ અરેન્જમેન્ટ ? તું કહેતો હતો બે-ચાર દિવસમાં તો નક્કી થઈ જશે...’

કદાચ લતાને પણ હવે ખયાલ આવી રહ્યો હતોકે વિક્રમ ખરેખર કોઈ જોગવાઈ કરી શકવાનો નથી ને વિના કોઈ લેવાદેવા પોતે કયાંક ન ભરાઈ પડે.

‘ઓહ, હવે શું કહું તને ?’ વિક્રમ અવાજમાં શક્ય એટલી ઋજૂતા લાવીને બોલ્યો. ક્યાંક લતાના દિલમાં રામ વસે ને પેલી લેન્ડલેડીને મનાવી શકે.

‘મને લાગે છે જે હવે તને મારે વિગતવાર વાત કરવી જ પડશે...’

સામે છેડે લતા શું પ્રતિભાવ આપે છે એ જાણવા વિક્રમ જરા અટક્યો. લતા મૌન રહી એટલે વિક્રમે વાત આગળ વધારી :

‘લતા, તને યાદ જ હશે ને કે મેં જ્યારે આ એપાર્ટમેન્ટ હાયર કર્યું ત્યારે કહેલું કે હું અહીંની વાઈલ્ડલાઈફ અને ખાસ તો નામશેષ થતી જતી વાનર પ્રજાતિ-પ્રોબોસીસ બોર્નિયો પર રીસર્ચ કરવા આવ્યો છું. હવે પ્રોબ્લેમ એ થયો છે કે એનું ફન્ડિંગ મને યુનાઇટેડ કિંગડમની વાનરોના સંરક્ષણ માટે કામ કરતી એજન્સી ઍપ ડૉકટર્સ આપતી હતી.’

વિક્રમ ચાહિને થોડો થોભ્યો, લતા કઇ પ્રતિસાદ આપે છે ? પણ સામે છેડે લતા ચૂપ રહી એટલે વિક્રમે વાતનો દોર સાધી લીધો :

‘ને... હવે થયું છે એવું કે એના મુખ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર એન્ડરસનને સ્કીઈંગ વેકેશનમાં એક્સિડન્ટ થયો છે. બચી ગયા છે, પણ હજી આઈસીયુમાં છે...’ વિક્રમ ફરી ઈરાદાપૂર્વક વાક્ય અધુરું છોડી દીધું લતાનો પ્રત્યાઘાત જાણવા.

જવાબમાં લતાએ હળવો હોંકારો ભણ્યો એટલે વિક્રમે ફરી વાત આગળ વધારવી પડી :

‘એન્ડરસનની જગ્યાએ હજી કોઇ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અપોઇન્ટ નથી થયા એટલે આ બધી ગરબડ થઇ ગઇ. એમના ઓકે થયા વગર મારું ફંડ અટકી ગયું છે.’

વિક્રમે વાત તો એવી સલુકાઇથી કરી કે ઉઘરાણી કરવા ફોન કરતી લતા કાન્તા આ રિસર્ચરને પોતે કઇ રીતે મદદરૂપ થઇ શકે એના વિચારમાં પડી ગઇ :

‘હું સમજી શકું છું તારી વાત વિક્રમ... પણ વાત જ્યાં સુધી આ એપાર્ટમેન્ટની છે એ મારી માલિકીનું નથી.’ લતાના સ્વરમાં નિ:સહાયતા પ્રગટ થઈ:

‘હા, તું કહે તો કોઈ ચીપ અકોમોડેશન શોધવા માંડું?’

‘ના.... ના, થેન્કસ લતા. એવી જરૂર નથી, કારણ કે મને પણ અહીં એમને એમ બેઠા રહેવું ન પોસાય એટલે મારો વિચાર છે કે આ વાઇલ્ડલાઇફ એજન્સીની એક ઑફિસ બેંગકોકમાં છે ત્યાં જ રૂબરૂ જઇ આવું તો મારું ફંડ પણ ક્લિયર થાય અને મારો પ્રોજેક્ટ પણ આગળ વધે.’

વિક્રમે એટલી સહજતાથી બોલતો રહ્યો કે લતા ખરેખર મુંઝાઇ :

‘વેલ, વિક્રમ... વધુ તો હવે શું કહું, પણ મારે લાયક કંઇ પણ કામ હોય તો કહેજે અને જરૂર પડે તો હું તને પૅકિંગમાં મદદ કરવા વાઇન્ડિંગ કરાવવા પણ આવી જઇશ.’

‘ઓહ શ્યૉર, લતા.... થેન્ક્સ અગેઇન, જરૂર પડશે તો તને જ કહીશ.’

લતાનો ફોન મૂકી્યાં પછી વિક્રમ ફરી લૉજિસ્ટેક્સ અભ્યાસ કરવા માંડ્યો. ઘણા રસ્તા ફરી ફરીને વિચારી જોયા. બે કલાક એમ જ પસાર થઇ ગયા ને છતાં કોઇ નિષ્કર્ષ પર ન અવી શક્યો. જોકે ફોનમાં સેટ કરેલું રિમાઇન્ડર પોતાની ડ્યૂટી ન ભૂલ્યું હોય તેમ રણકી ઊઠ્યું.

સલોનીની સાથે વાત કર્યાને બાર કલાક વીતી ચૂક્યાં હતા. હવે જરૂરી હતો વધુ એક કૉલ... બની શકે આ કૉલ કોઇ નવી જ દિશા ઉઘાડી દે... શરત માત્ર એટલી જ હતી કે એણે હવે સલોની સાથે વધુ દૅઢતા- વધુ કડકાઇથી વાત કરવી !

‘હેલ્લો, વિક્રમ.... તારા જ ફોનની રાહ જોતી હતી, થયું કે ઉઘરાણી કરવાની ભૂલી ગયો કે શું ?’

પોતે હજુ એક શબ્દ બોલે એ પહેલાં સલોનીનો વ્યંગ વિક્રમના ઇગોને છરકો કરી ગયો : ઓહ, એટલે હવે એ મૂળભૂત ફોર્મમાં આવવા લાગી છે... એનો અર્થ એ પણ થાય છે કે ક્યાંક તો રકમની જોગવાઇ કરી લીધી છે અથવા તો સિનિયર વિરવાનીને પોતાની મધમીઠી જબાનમાં એવો પળોટ્યો હશે કે કદાચ પોતે સલોની વિરુદ્ધ બોલે તોપણ એની વાત વિરવાની ન માને...

‘સલોની, કમ ટુ ધ પોઇન્ટ... રકમની વ્યવસ્થા થઇ કે નહીં ?’

‘વિક્રમ, મારી વાત શાંતિથી સાંભળ... બની શકે કે તારે આ રીતે વારંવાર ઉઘરાણી ન પણ કરવી પડે !’

સલોની બોલી તો હતી એકદમ સપાટ સ્વરે, પણ ન જાણે કેમ, એ વાત ખૂબી વિચારીને-પ્લાન કરીને બોલતી હોય એવું વિક્રમને લાગ્યું.

‘ઓકે... બોલ !’

‘સાંભળ, કદાચ તને વહેમ છે કે હું વિરવાની એમ્પાયરની સર્વેસર્વા થઇ ગઇ છું...’

‘ના, તું શું થઇ છે અને શું નથી એ વાત સાથે મને કોઇ મતલબ પણ નથી...’

વિક્રમ ગિન્નાયો. એક બાજુ આટલું પ્રેશર ને બીજી બાજુ આ વળી ઍક્ટ્રેસની જેમ ડયલોગ ફટકારવા માંડી...

‘જો, વિક્રમ... મારી વાત સાંભળવી હોય તો આગળ બોલું. ગરજ તારે છે, મારે નહીં ! ‘સલોનીના અવાજમાં કોઇ અજાણી ધાર હતી.

એ ધારનો ઘસરકો જાણે એને થઇ ગયો હોય એમ વિક્રમ માત્ર એટલું જ બોલી શક્યો :

હમ્મ...

સવાલ-જવાબનાં આ પિંગપોંગમાં ઝાઝો સમય વેડફવો વિક્રમને પોષાય તેમ નહોતો.

‘લિસન, જે રીતે અત્યારના સંજોગ છે તે પ્રમાણે તો હું ઇન્ડિયાની બહાર પગ મૂકી શકું તેમ નથી...’ સલોનીએ પૂર્વભૂમિકા બાંધતી હોય તેમ વાતની શરૂઆત કરીને વિક્રમને ફરી ચીડ ચઢી :

‘સલોની, તને ઇન્ડિયાની બહાર મળવા માગું છું એવું કહ્યું મેં ?’

‘અરે, હોલ્ડ ઑન, વિક્રમ... મને વાત તો પૂરી કરવા દે...’ સલોની પણ અકળાઇ :

‘જેમ હું પોતે મુંબઇની બહાર નથી જઇ શકવાની એમ ન તો હું કોઇ રકમ તારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકવાની.’

‘વાહ, વાહ..., તારી આ વાત સાંભળ્યા પછી હું શાંતિથી તને સાંભળતો રહું એવું જો તું ધારતી હોય તો..’

‘પ્લીઝ લિસન, વિક્રમ...’ વિક્રમની વાત વચ્ચેથી કાપી નાખીને સલોનીએ ઉમેર્યું :

‘તું જો આમ આથરો થઇ જશે તો કોઇ રસ્તો નહીં નીકળે...’ સલોનીના અવાજમા કંઇક સંમોહન હોય એમ વિક્રમ એને સાંભળી રહ્યો.

‘અત્યારે ગુરુનામ વિરવાનીએ મને ન તો એમના પરિવારમાં સામેલ કરી છે કે ન મને બાકાત કરી બાજુએ મૂકી દીધી છે... હું પોતે જ એક લક્ષ્મણરેખા પર ઊભી છું...’ સલોનીના અવાજમાં બનાવટ નહોતી એટલું તો વિક્રમ હવે પામી શક્યો.

‘જો, સલોની... આ બધું કહીને તું મારી સહાનુભૂતિ ઉઘરાવવા માગતિ હોય તો...’ વિક્રમ હજુ આગળ બોલે એ પહેલાં જ સલોની સામે ગરજી :

‘તારી સહાનુભૂતિની મારે કોઇ જરૂર નથી... મારે તો એટલું જ કહેવું છે તું જે રકમ માગે છે એ રકમ એક રાતમાં તો શું, એક વર્ષમાં પણ હું કદાચ ઊભી નહીં કરી શકું. આમ છતાં અત્યારે મારી પાસે જે છે એમાંથી કંઇક રસ્તો કરવાની વાત વિચારી છે મેં... એ જો સાંભળવા, આં રસ હોય તો આગળ બોલું નહીંતર... પછી તારી મરજી-તું ગુરુનામ વિરવાનીને કૉલ કરી શકે છે !’

સલોની એક જ શ્વાસમાં બોલી તો ગઇ પછી લાગ્યું કે જે થયું તે સારું જ થયું. એની વાત સાંભળીને વિક્રમ વિચારમાં પડ્યો.

‘ઓકે, તો પછી તારા પ્લાન પ્રમાણે શું અને ક્યાં મોકલે છે ?’ વિક્રમે અણગમતી વાતને કમને સ્વીકૃતિ આપવી પડી.

‘થોડુંઘણું સેવિંગ્ઝ છે મારું, પણ ત્રીસેક લાખથી વધુ નથી.’

‘ભીખ આપે છે ?’ વિક્રમ તાડુક્યો

આ જ પ્રતિભાવ કલ્પી રાખ્યો હતો સલોનીએ :

‘ના, પણ વાત આખી સાંભળી લીધી હોત તો આમ ન બોલ્યો હોત તું...’

‘ થોડી જ્વેલરી, ગૌતમે આપેલી ગિફ્ટ્સ...’ સલોનીના અવાજમાં કોઇ ભાવ નહોતો.

‘મને સપનેય કલ્પના નહોતી કે આ જ્વેલરી વેચવાનો કે ગીરવે મૂકવાનો દિવસ આવશે.’

સલોનીને હતું વિક્રમ હમણાં કોઇ અભદ્ર ટિપ્પણી જરૂર કરશે. પણ વિક્રમે ન કરી.

‘એ ઉપરાંત,મારું અલીબાગનું ફાર્મહાઉસ છે, જે વેચતાં કદાચ થોડો સમય તો લાગશે, પણ છે સોનાનીએ લગડી અને હા, થોડાં કલેક્ટર્સ આઇટમમાં ગણાય એવા પેઈન્ટિંગ પણ છે મારી પસે.... એને ઓક્શનમાં રાખું તો મને બે-ત્રણ કરોડ તો સહેજે મળી જાય, પણ...’

‘પણ શું ? તારે નથી મૂકવા એમને ?’ વિક્રમ ફરી અધીરો થઇ ગયો.

‘વિક્રમ, મને હવે ખરેખર લાગે છે કે તું સાનભાન તો ઠીક, વ્યવહારુ બુદ્ધિ પણ વેચી આવ્યો છે...’ મીઠાના પાણીમાં ચાબૂક ઝબોળીને ચાબખો મારતી હોય એમ સલોનીએ કટાક્ષભર્યા અવાજે ઉમેર્યું.

‘અરે, પેઇન્ટિંગ્ઝ ઑકેશનમાં ત્યારે મૂકાય જ્યારે એ યોજાયું હોય.... એને કાંઇ શાકબકાલાની જેમ લારીમાં મૂકી ને વેચવા નીકળું ?’

‘સલોની, ઇનફ ઇઝ ઇનફ. મેં તારી વાત સાંભળવા તૈયારી શું બતાવી કે તું મનફાવે એ બકવાસ સંભળાવી રહી છે. સીધેસીધું એ કહે ને કે આ બધું કેટલા સમયમાં કરી શકશે ?’ પોતાના બોદા પડી રહેલા અવાજને સામે છેડે સલોની પારખી લે એ પહેલાં એણે પોતાના સ્વરમાં થોડી કડકાઇ ઉમેરી.

‘એઝ ફસ્ટ એઝ પોસિબલ.’ સલોની બેપરવાહીથી બોલી :

‘તું શું સમજે છે, મને પણ રોજ આમ ખંડણીખોર સાથે વાત કરવાનો શોખ થાય છે ?’

‘સલોની, જબાન સંભાળ...’ સલોનીએ પોતાને ખંડણીખોર કહ્યો એથી વિક્રમ હવે રીતસર છંછેડાયો.

‘અને હા...’ વિક્રમના બોલવાની કંઇ અસર જ ન થતી હોય એમ સલોની બોલી :

‘જો, આ બધું પણ હું આપીશ કૅશમાં... મારે કોઇ બૅન્ક ઍન્ટ્રી ફેન્ટ્રીની ઉપાધિ નથી જોઇતી.’ સહેજ થોભીને સલોની ફરી બોલી :

‘એક વાર હું આ પાર્ટ પેમેન્ટ મૅનેજ પણ કરી લઉં તોય તારે કલેક્ટ તો અહીંથી જ કરવું પડશે.. અને જો એ નામંજૂર હોય તો આગળ તારી મરજી... તને ઠીક લાગે તેમ ગો અહેડ !’

સલોનીની વાત કરવાની આ આક્રમક ઢબ વિક્રમને અવઢવમાં ઘસડતી ગઇ :

આ ખરેખર કહે છે ? સાચે એની પાસે કોઇ માલ નહીં હોય અને હવે મરણિયા થવાની તૈયારી રાખીને કહેતી હશે ?

‘હલો, વિક્રમ ? તું સાંભળે છે ?’

સલોનીએ આ પ્રશ્ર્ન બે વાર પૂછ્યો,પણ સામે છેડેથી વિક્રમનો કોઇ પ્રતિભાવ ન આવ્યો એટલે સલોનીને અચરજ થયું.

એને શું ખબર કે સલોનીની વાત સાંભળીને રૂંવે રૂંવે વ્યાપી ગયેલી ઝાળને કાબૂ કરવા વિક્રમે જ સામેથી ફોન કટ કરી નાખ્યો હતો !

સલોની કોઇ નવી ચલ તો નહીં રમી રહી હોય ને ?

ના, એવી શક્યતા લાગતિ તો નથી. એણે કહ્યું સકમ કલેક્ટ તો તારે જ કરવી પડશે એનો અર્થ એ પણ થયો પોતાના રેડ કૉર્નર નોટિસ છે એની જાણ સલોનીને નથી.

વિક્રમ ચૅસની ગૅમ રમતો હોય તેમ એક પછી એક મૂવ વિચારતો રહ્યો. સૌથી ઉત્તમ તો એ છે કે આ રકમ કલેક્ટ કરવા જતે જવાને બદલે પપ્પુને જ મોકલી દેવો...

પપ્પુ !

વિક્રમને ફરી ખરે ટાંકણે ગૂમ થઇ ગયેલો પપ્પુ યાદ આવી ગયો. એ મનોમન ગિન્નાયો. હવે તો એક જ વિકલ્પ બાકી રહ્યો :

સુલેમાન સરકાર..., એને મળ્યા વિના હવે છૂટકો જ નહોતો !

સુલેમાન સરકાર પોતાને અહીંથી કોઇક રીતે બહાર કાઢે તો કંઇક વાત બને...

‘સલામ વાલેકુમ, અબ્દુલભાઇ...’ ડૂબતો તરણું ઝાલે એમ વિક્રમે કમને સુલેમાનના રાઇટ હૅન્ડને ફોન લગાવ્યો.

‘વાલેકુમ સલામ, વિક્રમ... સુનાઓ...’

અબ્દુલના અવાજમાં રતિભાર ઉમળકો ન વર્તાયો એનો અર્થ વિક્રમે પોતાને ગમતો હોય તેમ તારવ્યો. :

કદાચ અબ્દુલને મારાથી અસલામતી વર્તાતી હશે ? હું એનું સ્થાન ખૂંચવી લઉં તો ?

‘અબ્દુલભાઇ, મારો ફાઈનલ પ્લાન બની રહ્યો છે ત્યાં આવવાનો !’

‘હાંઆઆ... તો આ જાઓ...’ અબ્દુલને જાણે એ વાત સાંભળવામાંય રસ નહોતો તેમ ઠંડકથી બોલીને ફિક્કું હસ્યો.

‘અબ્દુલભાઇ,મારે એ પૂછવું હતું કે મારું ત્યાં આવવું જરા પ્રોબ્લેમવાળો મામલો છે. તમે તો જાણો જ છો હું ઍર ટ્રાવેલ કરી શકું એમ નથી...’

‘અરે, તો સી રૂટ લો, કૌન સી બડી બાત હૈ ?’

અબ્દુલ તરત દાન ને મહાપુણ્ય વાળો તોડ કાઢતો હોય એવી સહજતાથી બોલ્યો.

‘હા, મેં એમ જ વિચાર્યું હતું અબ્દુલભાઇ, પણ...’

વિક્રમ જરા આશાભર્યા પ્રતિભાવની રાહ જોઇ રહ્યો હતો કે અદ્બુલ કહેશે : અરે, સુલેમાન સરકાર પોતે કોઇ તજવીજ કરશે... પણ અબ્દુલે એવું કંઇ કહ્યું નહીં.

‘એક કામ કર વિક્ર્મ, તું તારી રીતે બધી તૈયારી કરી લે, હું સરકાર સાથે વાતને કરીને તને જાણ કરું છું.’

અબ્દુલે ફોન કટ કરી નાખ્યો. વિક્રમના મનમાં ઘેરાયેલાં અવઢવનાં વાદળ ન વિખેરાયાં :

આ મિશન પોતે ધાર્યું છે એટલું સહેલું નથી.

અબ્દુલે ફોન મૂકીને સામે બેઠેલા સુલેમાન સરકાર સામે જોયું, સુલેમાન ક્રિસ્ટલની તસબીના મણકા ફેરવી રહ્યો હતો જરૂર, પણ એનું ધ્યાન અબ્દુલ અને વિક્રમની વચ્ચે ચાલતી વાતચીત પર વધુ હતી.

‘સરકાર, આનું શું કરવાનું ?’ એને ખરેખર બોલવાનો છે કે પછી આ ટાઇમપાસ...’ મનને ગમતી અટકળ કરી રહેલા અબ્દુલ્ને વધુ રસ હતો સુલેમાન સરકારના મોઢે જવાબ સાંભળવામાં. ‘અબ્દુલ એ બંદો કામનો તો છે.’ સુલેમાન સરકારની આંખ જરા ઝીણી થઇ. એ જ્યારે વિચારમાં હોય ત્યારે એની આંખ ઝીણી થવી એકદમ સાહજિક હતું.

‘તો પછી દેર શાની ? અરેન્જમેન્ટ કરી દઉં ? એને તકલીફ જ અહીં સુધી મહોંચવામાં છે...’ અબ્દુલે પોતાની ડ્યૂટી સમજીને આદેશ માગ્યો.

‘ના, અબ્દુલ.... તું સમજ્યો નહીં.’

સુલેમાન સરકારે હાથમાં રહેલી તસબીને જાળવીને ચાંદીની ડબ્બીમાં મૂકી :

‘એને ત્યાંથી બહાર તો પણ આપણે ચપટીમાં કાઢી દઇએ, પણ એને પોતાની રીતે આવવા દે. એ આપણને કામનો છે ખરો, પણ જો એ પહેલાં જેવો લડાકુ રહ્યો હોય તો જ ! બાકી, વિરવાનીના ટુકડાં પર નભતાં નભતાં ચૂહા જેવો નિકમ્મો થઇ ગયો હોય તો શું ખાખ કામનો ?જરૂર પડે એની વ્યવસ્થા ચોક્કસ કરીશું, પણ આપણને એની ગરજ છે એવું જતાવીને તો નહીં જ !’

‘ઓકે... સમજી ગયો.’ કહેતાં જ અબ્દુલે ફોન લગાવ્યો :

‘વિક્રમ, સરકાર સાથે હમણાં વાત થઇ શકે તેમ નથી. આજે થોડાં બિઝી છે.’ અબ્દુલ ગહન વિચાર કરતો હોય તેમ થોડીવાર ચૂપ રહ્યો ને પછી સુઝ્યું હોય તેમ એ બોલ્યો:

‘અરે, પણ આપણે જે વાત કરતા હતા એમાં તો કાર્ગો શિપ સૌથી સલામત.’

‘એટલે ? કાર્ગો શિપમાં ઠેઠ ત્યાં સુધી આવું ?’

સુલેમાન સરકાર કંઇક વ્યવસ્થા કરશે એવી વિક્રમની રહીસહી આશા પર પણ ઠંડું પાણી ફેરવી નાખ્યું અબ્દુલના શબ્દોએ.

હા, વિક્રમ, ફ્લાઇટ કે ક્રુઝ તો ઠીક લોકલ પેસેન્જર શિપ પણ ન લેતો. ગવર્નમેન્ટ એજન્સીઓ છશવારે કૉમ્બિંગ ઑપરેશન કરે છે એટલે કાર્ગો શિપ બેસ્ટ. કાર્ગો શિપ પર ખલાસી કામદારો માટે પોતાની ખલાસી ઇમિગ્રેશન પ્રોસેસ હોય છે એમાં આપણે સેટિંગ કરી શકીશું...’ અબ્દુલે વાત એમ જ લટકાવી એ વિક્રમને કઠ્યું :

એટલે ફાઇનલી શું કરવાનું એ કંઈ બોલે તો નિર્ણય લેવાયને !

‘એટલે મારે મારી રીતે મેનેજ કરવાનું ?’ વિક્રમ જરા ધૂંધવાઈને બોલ્યો. સુલેમાન સરકાર છેલ્લી મુલાકાતમાં જે રીતે એના પર ઓવારી ગયેલો એટલે એને ખાતરી હતી કે હવે તો સુલેમાન પોતાને રાતોરાત લિફ્ટ કરાવશે, પણ....

અચાનક એને યાદ આવી લતા કાન્તા ! હા, એ કદાચ મદદ કરી શકે.

એકવાર લતાએ અછડતો ઉલ્લેખ કર્યો હતો એના સદગત પતિનો... એ કોઇ મર્ચન્ટ નેવીમાં હતો એટલે એ આ બધું જાણતી હશે.

અબ્દુલ સાથે વાત પતી એટલે વિક્રમે લતા કાન્તાને ફોન જોડ્યો :

‘લતા સૉરી ટુ ડિસ્ટર્બ યુ, પણ તને તો મારા સંજોગો ખબર છે.’ વિક્રમે પૂર્વભૂમિકા બાંધી.

‘નો પૉબ્લેમ વિક્રમ, બોલ શું હતું ? કંઇ મેળ પડ્યો ?’

‘મારે બેંગકોક વાત તો થઇ ગઇ છે એટલે હું જાઉં તો વાત બની પણ જાય,પરંતુ મને એક નાની મદદ જોઇએ તારી...’

‘હા, બોલ વિક્રમ, મારાથી શક્ય હશે એ જરૂર કરીશ...’ લતાએ મદદ કરવાની તૈયારી બતાવી એટલે અડધી બાજી જીતી લીધી હોય એવી વિક્રમને આછી નિરાંત થઇ.

‘લતા, મારે પહોંચવું છે બેંગકોક અને યુ નો કે.... એરફેરની રકમ....’

‘ઈટ્સ ઓકે વિક્રમ, ડોન્ટ વરી, મારા ક્રેડિટ કાર્ડથી તારી ટિકિટ બુક કરી દઈશ !’

‘નહીં નહીં ! તો તું સમજી નહીં.’ મારે તો ફક્ત જાણવું છે કે કાર્ગો શિપથી બેંગકોક જાઉં તો ક્યાંથી જઈ શકાય?’

‘અરે, પણ બેંગકોક શું કામ.... સીધો એજન્સીની લંડન હેડ ઓફિસ પહોંચી જા ફ્લાઇટમાં, તારી ગ્રાન્ટ સેન્કશન થઇ જાય ત્યારે તું મને ફલાઇટની રકમ રિટર્ન કરી દેજે...’ સાલસ લતાએ તોડ કાઢી આપ્યો, પણ એને શું ખબર કે મામલો એરફેરનો નહીં, બીજો જ છે.

ના... લતા, હું એવી તારી ઉધારી નહીં કરું... પ્લીઝ. ડોન્ટ આર્ગ્યુ ! હું કાર્ગો શિપથી જઇશ, જસ્ટ, શો મી ધ ઑપ્શન્સ...’

‘કિનાબાલુથી કાર્ગો શિપ નહીં મળે. સેપેન્જર કે સંદાકાન જેવાં મોટા કાર્ગો હબ જેવાં પોર્ટ પરથી ટ્રાય કર. જોકે મોટાભાગની કાર્ગો શિપ પોતાના ક્રુ મેમ્બર્સ સિવાય પેસેન્જર લેતી નથી., પણ ટ્રાય યૉર લક...’

ફોન મૂક્યા પછી વિક્રમના અભ્યાસનું નવું ચૅપ્ટર શરૂ થયું. સંદાકાન કાર્ગો હબ-વિશ્વભરમાં જતાં ટ્રાફિકનું સેન્ટર એટલે ત્યાં પહોંચી જાઉં તો કંઇ વાત બને..

વિક્રમમાં નવી આશાનો સંચાર થયો હોય એમ એણે જોરથી આળસ મરડી :

યેસ, સુલેમાન સરકાર... બસ, હવે હું ત્યાં પહોંચી જ રહ્યો છું !

***