બરબાદીનું બટન ANISH CHAMADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બરબાદીનું બટન

બરબાદીનું બટન

ભાગ-૧

પ્રસ્તાવના

આએ વાર્તામાં ઉપયોગમાં લેવામાં આવેલ દરેક પાત્ર, સ્થળ અને ઘટના કાલ્પનિક છે. તેનો દૂર-દૂર સુધી સત્યતા સાથે કોઈ સંબંધ નથી જેની વાંચકોએ નોંધ લેવી.

સમાજમાં થતાં મહિલાઑ પરના અત્યાચારમાં ઘટાડો લાવવા અને તેને ડામવાના પ્રયાસરૂપે આ વાર્તાનું સર્જન કરવામાં આવ્યું છે. સમાજમાં ઘણીબધી 'બદી'ઑ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે જેમકે, વ્યસન, બાળ-તસ્કરી, બળાત્કાર વગેરે જેવી ઘણીબધી બદીઓએ સમાજને બરબાદ કરીને રાખી દીધો છે, અને તેમાં સુધાર લાવવા એક નવયુવાન કોશિશ કરે છે. આ કોશિશ દરમિયાન તેની સાથે શું - શું ઘટના ઘટે છે અને આ સુધારાના પ્રયાસમાં શું - શું અડચણરૂપ થાય છે તે આ વાર્તામાં દેખાડવામાં આવ્યું છે.

બરબાદીનું બટન

એક મહિલાને દૂર રોડપરના થાંભલા પર લગાવેલું 'બટન' દબાવતા જોઈને જૂની યાદો ફરીવાર નજર સામે તરી આવી. વાત છે ત્રણ વર્ષ પહેલાની. હું મારા રૂમમાં લેપટોપ પર મારો પ્રોજેકટ તૈયાર કરી રહ્યો હતો. પ્રોજેકટની વાત આવી તો જણાવી દઉં મારુ નામ સ્નેહલ. કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો. ફાઇનલ પરીક્ષા સારી ટકાવારી સાથે પાસ કરી લઉં એટલે અહીથી સીધો અમેરિકા. પછી ત્યાં જઈને અભ્યાસની સાથે સાથે નોકરી કરું અને મારુ સપનું પણ એ જ હતું કે, અમેરિકા જઈને અભ્યાસ કરું અને સારી કંપનીમાં નોકરી કરું તેમજ ઘરની જવાબદારી પોતાના માથે લઈ લઉં એટ્લે પપ્પાને આરામની જિંદગી મળે, બહેનના સારા ઠેકાણે લગ્ન થઈ જાય અને મમ્મીને તેની પસંદગીની એક નહીં પણ ડઝન સોનાની બંગળી લઈ આપું.

હું એક એવું ડિવાઇસ બનાવી રહ્યો હતો જેના થકી મહિલાઑ સાથે થતાં અપરાધમાં ઘટાળો લાવી શકાય. લગભગ મારો પ્રોજેકટ પુર્ણ થવાની તૈયારીમાં જ હતો. બસ અમુક લીગલ લાઇસન્સ લેવાના તેમજ તેને સરકાર સામે મુક્તા પહેલા અમુક પ્રયોગો કરવાના બાકી હતા જેની તૈયારીમાં જ લાગેલો હતો. થોડુંક કામ પતાવીને જેવો હું મારા રૂમમાંથી બહાર આવ્યો કે, મમ્મીના શબ્દો મારા કાને અથડાયા તે મારી નાનકી બહેન રચનાને કહી રહ્યા હતા, "કેટલી બધી છોકરિયું દેખાડી પણ, આ કુંવર સાહેબને એકેય પસંદ આવતી જ નથી, ખબર નથી શું ચાલે છે તેના મનમાં? કઈક જણાવે તો ખબર પડ."

"મમ્મી, તું ખોટી ઉતાવળ કરે છે; હજુ ભાઈની ઉમર છે જ કેટલી? હજુ તો ભાઈને અમેરિકા જવું છે, ત્યાં જઈને અભ્યાસ કરવો છે, નોકરી કરવી છે, તારા માટે સોનાની બંગળી લેવી છે."

"મારી સોનાની બંગળી નહીં આવે તો ચાલશે પણ તારા ભાઈ માટે બૈરી લાવવી જરૂરી છે. પછી સારી છોકરિયું મળતી નથી અને પછીથી તકલીફ ભોગવવી તેના કરતાં અત્યારે થોડું દોડી લેવું સારું."

હું મા-દીકરીની વાતો સાંભળી રહ્યો હતો, ત્યાંજ ફોનની રિંગ વાગી એટલે હું કોલેજ જવા નીકળી ગયો.

છેલ્લા દસ દિવસથી કનિકા સાથે મુલાકાત નહોતી થઈ એટલે કનિકાને પણ ફોન કરીને મારી કોલેજના કેન્ટીનમાં બોલાવી લીધી. કનિકા મારી પ્રેમિકા! તમને સવાલ થતો હશે કે મારી પ્રેમિકા છે તો પછી હું તેના વિષે ઘરે જણાવતો કેમ નથી..? મે નિર્ણય કર્યો છે કે, એકવાર હું મારો પ્રોજેકટ પુર્ણ કરીને તે ડિવાઇસ સરકારને સોપી દઉં પછી જ મમ્મીને કનિકા વિશે જણાવીશ.

કનિકા સાથે મારી મુલાકાત મોલમાં થઈ હતી. એક દિવસ હું મારા મિત્રો સાથે મોલમાં ખરીદી માટે ગયો હતો. મને યાદ છે તે દિવસે મે વાદળી કલરનું જીન્સ અને બ્લેક ટીશર્ટ પહેર્યું હતું અને હું મારા પ્રોજેકટ માટેનો સામાન લઈ રહ્યો હતો ત્યારે અચાનક કોઇકે અવાજ આપ્યો.

"હેલ્લો, મીડિયમ સાઈઝનું ટોપ છે આવું..?" મે પાછળ ફરીને જોયું તો મારી નજર સામે એક હિરોઈન જેવી દેખાતી છોકરી ઊભી હતી. તેણે સ્કીનટાઈટ જીન્સ અને રેડ કલરનો ખૂલતો શર્ટ પહેર્યો હતો. મોટી મોટી આંખો, વાકળિયા વાળ, ભરાવદાર શરીર, કાનોમાં મોટી ગોળ રિંગ, તેમજ નાકમાંની નાની એવી રિંગ તેના રૂપનો અદ્દલ હિરોઈન જેવો આભાસ કરાવી રહી હતી. હું તેના રૂપમાં એવો ખોવાઈ ગયો કે, તે મને કશું પૂછી રહી હતી તેનું મને ભાન જ ના રહ્યું. તે ફરીવાર બોલી: "તમને પૂછું છું આમાં મીડિયમ સાઈઝ છે?" મને લાગ્યું કઈક ગેરસમજ થઈ રહી છે એટલે મે કહ્યું, "સોરી! તમને કઈક ગેરસમજ થઈ રહી છે. હું પણ અંહી ખરીદી માટે આવ્યો છું.." તેને પોતાની ભૂલ ધ્યાનમાં આવતા તે માફી માંગતા બોલી "સોરી! તમે બ્લેક કલરનું ટીશર્ટ પહેર્યું છે એટલે હું તમને સેલ્સમેન સમજી બેઠી… સોરી!" આટલું કહીને તે બીજી તરફ જતી રહી.

તે દિવસે ઘરે ગયા પછી પૂરી રાત હું કનિકાના જ વિચારોમાં ખોવાયેલો રહ્યો. વારંવાર તે મારી નજર સમક્ષ આવી જતી. તેના વાકળીયા વાળની લટો રાત-રાણીની વેલની જેમ તેના ગાલ ઉપર ફરી રહી હતી, તેની કાનની રીંગો જાણે સ્વર્ગમાંની પરીઓના ઝુલા હાલક-ડોલક થતાં હોય તેમ મોલના સેન્ટર એ.સી માંથી આવતી હવાને લીધે જૂમી રહી હતી, તેની સફેદ ચમકદાર મોટી-મોટી આંખો અને તે આંખોને શરારતી બનાવતુ આંખોમાં લગાવેલ કાજલ, તેના હોઠોની લાલી જાણે પતઝડ પછીની વસંત અને તેના નાકની રિંગ તેના પૂરા ચહેરાને અલગ જ પ્રકારની ચમક આપી રહી હતી.

સવારના ચાર વાગી ગયા, માંડમાંડ ઊંઘ આવી, પણ ઊંઘમાંએ સપનામાં તો કનિકા જ. આતો મમ્મીનો અવાજ કાને પડ્યો "ઑ હિરોઈનના હીરો ઊભો થા, નવ વાગી ગયા અને આ વળી કઈ હિરોઈન છે?"

"કઈ હિરોઈન?" મે આંખો ચોળતા પૂછ્યું.

"તમે ઊંઘમાં બોલબોલ કરતાં હતા તેની વાત કરીયે છીએ..." મારી બહેન વચમાં ટપકું પૂરતા બોલી.

"હું ઊંઘમાં બોલતો હતો?"

"હાશ તો, તમે નહીં તો કોણ હું બોલતી હતી? અને હું બોલતી હોય તો હીરો- હીરો કરું, તમારી જેમ મારી હિરોઈન, મારી કંગના, મારી કેટરીના આવું થોડીને બોલવાની."

***

હું કેન્ટીનમાં કનિકાની રાહ જોઈને બેઠો હતો. થોડીવાર થઈ એટલે કનિકા આવી તે બહુજ ગુસ્સામાં દેખાતી હતી અને હોય પણ કેમ નહીં છેલ્લા દસ દિવસથી તેની સાથે મુલાકાત નહોતી થઈ. એટલે તેનો ગુસ્સો સ્વાભાવિક હતો. તે આવતાવેત જંગલી બિલાડી ત્રાટકે એમ મારા પર ત્રાટકી. એ બોલતી ગઈ અને હું સાંભળતો ગયો અને એમ પણ છોકરિયો બોલવાનું શરૂ કરે તો આપણો વારો થોડીને આવવા દે. પછી તે શાંત થઈ એટલે હું બોલ્યો "હવે કઈ બાકી છે બોલવાનું...?" તે મોઢું બગાડીને બીજી તરફ ફરીને બેસી ગઈ. મે ઘણીબધી કોશિશ કરી પણ તેનો ગુસ્સો શાંત થવાનું નામ જ નહોતો લેતો, મે મારૂ છેલ્લું હથિયાર અજમાવ્યું.

"ઑ મારી કંગના..." કોઈ જવાબ નહીં.

"ઑ મારી કેટરીના..."કોઈ જવાબ નહીં.

કનિકા જ્યારે પણ નારાજ થતી હું તેને કંગના અથવા કેટરીના કહીને બોલાવતો એટલે તેનો ગુસ્સો શાંત થઈ જતો પણ આજે મારૂ આ હથિયાર પણ નિષ્ફળ જઇ રહ્યું હતું. મે છેલ્લી કોશિશ કરી અને બોલ્યો: "ઑ હિરોઈન!" અને તેના હોઠો પર સ્મિત ફરી વળ્યું. તેણે આવીને મને પોતાની બાહોપાસમાં જકડી લીધો. હું મનમાં ને મનમાં હરખાયો અને બબડ્યો 'લાગી ગયું તીર નિશાના પર' હું ફરીવાર બોલ્યો ઑ મારી હિરોઈન.

"બસ હવે મસકા મારવાનું બંધ કર અને બોલ આટલા દિવસ સુધી મળ્યો કેમ નહીં? પહેલા તો રોજ મળતો હતો. યાદ તો છે ને તને? જ્યારે તે પ્રપોઝ કર્યું ત્યારે શું પ્રોમિસ કર્યું હતું?"

***

હું તમને જણાવવાનું તો ભૂલી જ ગયો કે, મારા અને કનિકા વચ્ચે પ્રેમ કઈ રીતે થયો. હું મારા પ્રોજેકટને લઈને કમિશનર સાહેબને મળવા પોલીસ સ્ટેશન ગયો હતો. તેમણે મને પોલીસ સ્ટેશન મળવા બોલાવ્યો હતો કેમકે, તેઓ કોઈક મોટી રેડ પાડીને પોલીસ સ્ટેશન આવવાના હતા. પોલીસ સ્ટેશનમાંની અવર-જવરથી અંદાજો આવી રહ્યો હતો કે કોઈક મોટી રેડ પાડી લાગે છે. પોલીસ સ્ટેશનની બહાર મોંઘી-મોંઘી ગાડીઓની લાઇન લાગી હતી. તપાસ કરતાં ખબર પડી કે પોસ-વિસ્તારના એક બાંગ્લામાં શબાબ-શરાબની મહેફિલ જામી હતી અને ત્યાથી મોટા-મોટા ઘરના નબીરાઓ તથા ઘણીબધી છોકરિયોને પકડીને લાવવામાં આવી હતી.

હું સાહેબની ઓફિસમાં તેમની રાહ જોઈને બેઠો હતો. થોડીવાર પછી કમિશનર સાહેબ ઓફિસમાં આવ્યા અને પોતાની ખુરસી પર બેસતા બોલ્યા, "આ આજકાલના છોકરાઓને પણ જબરું શબાબ- શરાબનું ઘેલું લાગ્યું છે. બોલ સ્નેહલ એવું તે શું કામ હતું કે તું રૂબરૂ મળવા માંગતો હતો?"

"કમિશનર સાહેબ મે તમને વાત કરી હતી ને ડિવાઇસ વિષે, જેના પર હું કામ કરી રહ્યો છું. જેના દ્વારા મહિલાઓ પર થતાં અત્યાચારમાં ઘટાડો લાવી શકાય એમ છે..."

"એમ!.." કમિશનર સાહેબ પોતાના ભવા ચડાવતા બોલ્યા.

"હા, આ ડિવાઈસમાં એવી ખાસિયત છે કે, જો આને શહેરના દરેક સી.સી. ટીવી. કેમેરા સાથે કનેક્ટ કરવામાં આવે તો શહેરના કોઈપણ ખૂણામાં જો કોઈપણ મહિલા સાથે બળજબરી કરવામાં આવે તો આ ડિવાઇસ સી.સી. ટીવી કેમેરાની મદદથી ઓપરેટર રૂમને સિગ્નલ આપશે."

"પણ એ કેવી રીતે શક્ય છે?" કમિશનર સાહેબે સવાલ કર્યો.

"શક્ય છે સર આપણે શહેરના દરેક ખૂણામાં, દરેક બિલ્ડિંગમાં, દરેક રસ્તા પર, મોલમાં, રોડ પરના ઝાડમાં એવી દરેક જગ્યા પર આ નાનું એવું 'બટન' લગાવી દેશું તેમજ આ બટન મારા બનાવેલ ડિવાઇસ સાથે જી.પી.એસ સિસ્ટમથી કનેક્ટ હશે. જ્યારે કોઈ મહિલાને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાશે અને તે આ બટન દબાવશે એટ્લે મારા બનાવેલ ડિવાઇસથી સિગ્નલ ટ્રાન્સફર થઈને સીધું ઓપરેટર રૂમની ટીવી-સ્ક્રીન પર રેડ સિગ્નલ રૂપે દેખાશે, અને જે વિસ્તારમાંથી બટન દબાવવામાં આવ્યું હશે તેની આજુબાજુના દરેક સી.સી.ટીવી કેમેરા ઓટોમેટિક તે વિસ્તારના ચિત્ર દેખાડવા લાગશે..."

"વેરી ગુડ, પણ એક સવાલ છે આપણને સિગ્નલ તો મળી જશે પણ પોલીસને ઘટના સ્થળે પહોંચવામાં સમય લાગશે અને ત્યાં સુધીમાં તો ઘટના ઘટી ગઈ હશે. તો પછી આ ડિવાઇસનો ફાયદો શું..?" કમિશનર સાહેબ બોલ્યા.

"તેનો પણ ઉપાય છે પણ થોડો ખર્ચાળ છે. જેના માટે તમારે સરકાર સાથે વાત કરવી પડશે. જેવુ કોઈ મહિલા બટન દબાવશે એટ્લે ઓપરેટર રૂમની સાથે સાથે નજદીકની પોલીસ ચોકીમાં પણ આ સિગ્નલ મળશે તેના માટે આપણે ઓપરેટર રૂમના કોમ્પ્યુટર સાથે દરેક ચોકીના કોમ્પ્યુટર કનેક્ટ કરવા પડશે તેમજ બટનની સાથે આપણે પોલીસવેનમાં વાગતું સાઉન્ડ પણ કનેક્ટ કરશું જેથી બટન દબાવતા જ તે સાઉન્ડ શરૂ થઈ જશે જેથી આજુબાજુના લોકો પણ મદદ માટે આવી શકશે."

"એ તો ઠીક છે પણ આ બટનનો દૂરઉપયોગ પણ થઈ શકે છે ને? અને વારંવાર પોલીસ ક્યાં સુધી દોડતી રહેશે?" કમિશનર સાહેબ બોલ્યા.

"તેનો પણ ઉપાય છે અને તેના માટે તમારે શહેરના લોકોને જણાવવું પડશે કે આ બટન તમારી સુરક્ષા માટે છે અને જો કોઈપણ વ્યક્તિ આનો દૂરઉપયોગ કરશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે."

આંખોમાં ચમક અને ચહેરા પર સ્મિત સાથે કમિશનર સાહેબ બોલ્યા, "વેરી ગુડ સ્નેહલ, તું આ ડિવાઇસ બનાવવાનું કામ શરૂ કરી દે, સરકાર સાથે વાત કરવાનું કામ મારૂ." કમિશનર સાહેબે બેલ વગાડી કે તરત જ હવાલદાર અંદર આવીને ઊભો રહ્યો. હવાલદારને ચા લાવવાનો ઓર્ડર આપતા પૂછ્યું "પેલા બધા છોકરા-છોકરિયોના કોઈ સગા-સંબંધી આવ્યા કે નહીં?"

"સાહેબ બધાના સગા-સંબંધી આવીને જામીન આપીને છોડાવી ગયા. એક છોકરી વધી છે જેનું કોઈ સંબંધી હજુ સુધી નથી આવ્યું."

"શું નામ છે તેનું.?" સાહેબે પૂછ્યું.

ક્રમશ:

લેખક: અનિશ ચામડિયા