મનની આંટીઘૂંટી - 4 Parth Toroneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનની આંટીઘૂંટી - 4

પ્રકરણ – ૪

પૈસાકીય રીતે ભરતના મોટા ભાઈ, બળવંતના ઘરની પરિસ્થિતિ ઘણી વણસેલી હતી. માંડ બે છેડાં ભેગા કરીને તેનું ઘર તે ચલાવતો. એનું શરીર શૌષ્ઠવ પહેલવાન જેવુ કસાયેલું અને ખડતલ હતું, એટ્લે ખેતરોમાં મજૂરી કરીને તે ઘરનું પૂરું પાડતો. બાળપણથી તેનો સ્વભાવ તામસી અને તોછડો. ગુસ્સામાં આવે ત્યારે અપશબ્દો બોલવામાં કશું બાકી ન રાખતો. જેના લીધે ગામમાં એની મજૂર તરીકેની છાપ ખરડાયેલી હતી. કોઈ વ્યક્તિ એને ઉધાર પૈસા આપવા પણ જલ્દી તૈયાર ન થતું. જ્યારે ભરતનો સ્વભાવ શાંત, સરળ અને સહનશીલ. બંને ભાઈઓનો પૂર્વ-પશ્ચિમ દિશા જેવો સ્વભાવ હોવા છતાં, એકબીજા સાથેના સબંધોમાં સુમેળતા સધાયેલી હતી, જેનું કારણ ભરતભાઈનો નમતું જોખી લેવાનો સ્વભાવ હતો.

મંજુ બળવંતની બીજી કરેલી પત્ની હતી. એની પહેલી પત્ની, ગોમતી, જે સ્વભાવે સરસ સ્ત્રી હતી. એક રાત્રે તે કોઈને કશું કહ્યા વિના ભાગી ગયેલી...

ગોમતી સાથેના લગ્ન જીવનમાં આવનાર એક પણ બાળક છોકરો ન જન્મતાં બળવંતની પુત્ર એષણા હંમેશા અધૂરી જ રહેતી. મધ્યમ બાંધાની ગોમતીએ છ વર્ષમાં ચાર ચાર છોકરીઓને જન્મ આપ્યો હતો. તે શારીરિક રીતે પૂરેપુરી નિચોવાઈ ગઇ હતી. છોકરાની માંગ કરતાં બળવંતના ત્રાસથી એ માનસિક રીતે ત્રાસી ગઈ હતી. ઓરડો આખો છોકરીઓથી ભરેલો જોઈને બળવંતને ઝાડના થડીયે માથું પછાડવાનું મન થતું. તેના મનમાં સ્ત્રી એ ‘કમજાત’ હોવાની જડબેસલાક માન્યતાનો ગઠ્ઠો જામી ગયો હતો. તેમની સૌથી મોટી છોકરી છ વર્ષની હતી. બાકીની ચાર છોકરીઓને રાખવા ગોમતી છ વર્ષથી ખેતરમાં કામ નહતી કરી શકી. કમાવનાર એક માત્ર બળવંત – અને ખાનાર છ જણ. બળવંતે તેને ઘરમાં ગોંધી રાખી બાળકો પેદા કરવાનું યંત્ર બનાવી દીધેલું. પ્રસૃતિના છ મહિના થાય ને બળવંતમાં પુત્ર એષણા ઉછાળા મારવા લાગતી. ઘરમાં રમતી છોકરીઓને ડોળા કાઢી બહાર રમવા ભગાડી મૂકતો. ખૂણામાં ફફડતા કબૂતરની જેમ ગભરાયેલી ગોમતી બે પગ દબાવી હાથ જોડીને કગરી પડતી. પુત્ર એષણા બળવંતમાં જોર કાઢતી. તે ગોમતીને કાલાવાલા કરી ફોસલાવતો.

“બસ આ છેલ્લી ફેર... એક સોકરો હોય ઈની કલ્પના તો કર ગોડી...!” પ્રેમથી એના ગાલ સહેલાવતા કહેતો, “...મોટો થશે ત્યાર આપડા બેની ચાકરી કરશે. તાર-ક-માર કમાબ્બાયે જવું નઇ પડ! મોટો થઈન પૈણસે ત્યાર ઘરમો વઉં લાવશે. પસી તો ઘરનું બધું કોમે વઉં જ કરશે. તાર તો પોણીનું પાલુંયે ભરવું નઇ પડ! હુકમ ઠોકવાનો ન કોમ કરાબ્બાનું! સોકરાનું સુખ હશે તો આપાડા બેય ન ઘૈડપણમો નિરોત રે’શે. બસ આ ફેર એક સોકરો આલી દે... ઇન ખભે બેહાડી આખા ગોમ્મો નાચોય.” કહીને તેના દબાવેલા ઢીંચણ ખોલવા હળવું બળ લગાવતો.

ગોમતી બે પગ કસ્સીને દબાયેલા રાખી રડતાં ચહેરે બોલતી, “સોકરો ક સોકરી આલવું મારા હાથમો થોડું સ તે તમન સોકરો આલુ! હોત તો બળ્યું ચચ્ચાર સોકરા જ આલ્યા હોત! બાળક પેદા કરવાની વેદના વિશે બળ્યું તમન હુ ખબર!! એક જીવમોથી બીજો જીવ પેદા કરવા સેહવાય ના એવી વેદના ભોગબ્બી પડ સ બાપ! તમાર મને બધું ઠીક સ...”

“આ ફેર તો મી માતાજીની મોનતા મોનેલી સ ગોડી...!” ગાલે પ્રેમથી હાથ પસવારી તેના જિદ્દી મનમાં પડેલી ગાંઠ ખોલવા તે ફોસલાવતો, “...બસ આ છેલ્લી ફેર, મોની જા ક મારી રોણી! આ ફેર તો મી હકીમ ફાયેથી દવાયે દીધી સ. પતી જાય ઇના પસી પડીકામો આલેલી દવા તાર ગરમ પોણી જોડે લઈ લેવાની સ. અન આ ફેર જરાક અલગથી કરોય. હકીમે જુબાન આલી ન કીધું સ ક આ ફેર તો સોકરો જ અવતરશે...” સાંભળીને ગોમતીના જિદ્દી મનની ગાંઠ ઢીલી પડવા લાગી. બળવંત સામે આશાભરી નજરે તાકી રહી કહ્યું, “માતાજીનાં સોગન ખઈન કો હકિમ ફાયે જ્યાં હોવ તો...”

“અલ્યા... માતાજીનાં સોગન ખઇન કૌઉ સુ બસ!” બળવંતે તેની આંખોમાં જોઈને કહ્યું.

ગોમતીને તેમની આંખમાં એક સચ્ચાઈ તરતી હોય એવું દેખાયું. તેના મનની ઢીલી પડેલી ગાંઠની આંટીઓ ખૂલી ગઈ. દબાઈ રાખેલી જાંઘ જરાક ખોલીને બળવંત સામે વિશ્વાસભરી નજરે જોઈ રહી. દબાઈ રાખેલી જાંઘ પર વળેલો પરસેવો સુકાવા લાગ્યો. બળવંત બંધ હોઠમાં ખૂંધુ હસ્યો. બંને હાથ ગોમતીના ઢીંચણ પર મૂકીને ખોલ્યા. શરીર પરના આવરણો ઉતારી નાખ્યા. હકીમે જણાવેલી રીતમાં ગોઠવાઈ, શરીરસુખ એક અધૂરી ઝંખના પૂરી કરવાની આશાથી માણ્યું.

***

બળવંત છ જણાંના પેટ ભરવા આખો દિવસ મજૂરી કરીને થાકી જતો. ક્યારેક ભરતભાઈ પાસેથી ઉધાર પૈસા માંગી, બે ટંકનું ભાણું માંડ પૂરું કરતો. પાંચમું બાળક છોકરો અવતરે તો ભણાવી ગણાવી મોટો કરશે. આખી જિંદગી મજૂરી નહીં કરવી પડે. છોકરો કમાઈને લાવશે તો હૈયે હાશકારો થશે. ઘડપણના દિવસો આરામથી વિતશે. જીવતર સુધરશે. આ વિચારો મનમાં વાગોળી બળવંત ખુશ થતો, અને જમીને રોજ ખાટલામાં આડો પડી બીડીઓ ફૂંકતો.

ગોમતીને મનમાં ખાતરી હતી કે આ વખતે પણ આવનાર બાળક છોકરી જ અવતરશે. અને જો છોકરી હશે તો બળવંત ફરીથી તેને ફોસલાવી.... એ દર્દની કલ્પના કરતાં જ તેની આંખો મીંચાઇ ગઈ. આંસુ ગાલ પરથી સરી પડ્યું. પોતાની દબાયેલી જાત પર નફરત થઈ આવી. ઝેરીલું થૂંક ગળા નીચે ઉતારી મનમાં મક્કમ નિર્ણય કરી લીધો. એક દિવસ બળવંત સાંજે જમીને પાણત પર ગયો હતો. તે સવારે ચાર-પાંચ વાગ્યે આવશે એવો અંદાજો મનમાં લગાવી, તે ચારેય છોકરીઓને સમજાવી, પેટમાં ફરકતા જીવ સાથે ઘર છોડી અંધકારમાં અદ્રશ્ય થઈ ગઈ.

એ દિવસ પછી ક્યારેય એના ખબર મળ્યા નથી અને બળવંતે તેને શોધવાની ઈચ્છા પણ નહતી બતાવી. એના મને તો પાંચ પથરાનો બોજ ઓછો થયો એની રાહત હતી. પણ આવનાર પાંચમું બાળક તેની કુખમાં છોકરો હશે કે છોકરી? – એ ચિંતા તેનું મન ખોતર્યા કરતું હતું.

આઠેક મહિના પછી બળવંત ક્યાંકથી નવી પત્ની કરી લાવ્યો. મંજુનો સ્વભાવ શાંત અને ઓછાબોલો. કચરા-પોતું સિવાય એ બળવંત સાથે ખેતરોમાં મજૂરી કરવા પણ જતી. એમનું પહેલું સંતાન છોકરી જન્મતાં બળવંતનું મન નિરાશામાં ડૂબી ગયું. સ્ત્રી જાત પ્રત્યે તેના હ્રદયમાં ક્યારેય પ્રેમની લાગણી જન્મી જ નહતી. કામવાસના અને નફરત જ તેની આંખોમાં ડોકાતી. સ્ત્રી તો કમજાત કહેવાય. સ્ત્રીઓ પગ નીચે દબાયેલી રહેવી જોઈએ. હુકમની ગુલામ હોવી જોઈએ એવી વિચારસરણી તેના મનમાં ઊંડી કોતરાઇ ગયેલી હતી.

***

ગરીબીમાં ધીરે ધીરે વર્ષો વીતવા લાગ્યા, પણ આર્થિક પરિસ્થિતિ પહેલા જેવી જ ગરીબ હતી. ભરતભાઈ પાસે થોડાક પૈસા ભેગા થતાં, અને નાની-મોટી બીમારીના દવા ખર્ચમાં વપરાઇ જતાં. સરવાળે બધું શૂન્ય થઈ જતું. જ્યોતિ કામે મહેનતું અને કાર્યશીલ હતી. તે કામ કરતી એ ઘરના માલિકની પત્ની વાર-તહેવારે મીઠાઈનું પડીકું અને જૂના ઘસાઈ ગયેલા બ્લાઉઝ અને સાડીઓ આપતા. તેમની નાની દીકરી, નેહા માટે થોડાક ઘસાઈ ગયેલા ફ્રૉક આપતા. એવા કપડાં પણ નેહા હરખાતાં ચહેરે પહેરી લેતી. કપડાં અને મીઠાઇ લઈને ઉમંગીત ચહેરે જ્યોતિ ઘરે જતી. સાડી પહેરી તિરાડ પડેલા કાચમાં પોતાને જોતી. ભરતભાઈ ઘરે આવે ત્યારે તેમની સામે હસતાં ચહેરે ફુદરડી ફરીને પૂછતી, ‘કેવી લાગુ સુ આ નવી હાડીમો?’ ભરતભાઈ તેના વખાણ કરી શરમથી ઓળગોળ કરી મૂકતા. જ્યોતિના પેટ પર તેમના બીજા બાળકનો ત્રણ મહિનાનો ઊભાર ઉપસી આવ્યો હતો. એમના બંનેના પ્રેમનું બીજું પ્રતિક પેટમાં પાંગરી રહ્યું હતું.

***

સમય પાણીની જેમ વહેતો ગયો; અને ગરીબીમાં જીવનના આઠ વર્ષ ઘસાઈ ગયા. બે બાળકોથી તેમનું પરિવાર સંપૂર્ણ થઈ ગયું હતું, પણ જીવન ગરીબીમાં ચીકણું થતું જતું હતું. વસ્તુઓની જરૂરિયાત હોવા છતાં ચલાવી લેવું પડતું. પૈસાની અછતમાં જ્યોતિબેનનું મન તેમને અંદરો અંદર ઝીણું ઝીણું ફોલી ખાતું હતું. વહેલી સવારથી રાત સુધી સૂરજ ક્યાં ઊગ્યો ને ક્યાં આથમ્યો એની ખબર પડતી નહતી. લોકોના ઘરના કામકાજના ઢસરડા કરી તે દિવસે દિવસે થાકતા જતાં હતા. તેમનું હૈયું લોકોના કામકાજ સિવાય કશુંક બીજું કરવા ઝંખતું હતું. જેથી તેમના બાળકો સારું શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકે. પણ એ સમય જ્યારે પાકશે ત્યારે એની સાથે તેમના નસીબમાં અકલ્પ્ય સંજોગોના બીજ પણ રોપાશે એની તો એમને કલ્પના જ ક્યાં હતી...!

***

આ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવો 99136 91861 WhatsApp નંબર પર પણ આપી શકો છો.

લેખક – પાર્થ ટોરોનીલ