મનની આંટીઘૂંટી - 5 Parth Toroneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનની આંટીઘૂંટી - 5

પ્રકરણ – ૫

ભળભાંખળું થઈ રહ્યું હતું. સૂર્યના કુમળા કિરણો લીલાછમ ખેતરો પર પથરાઈ રહ્યા હતા. વૃક્ષોની ડાળ પર બેઠેલા પક્ષીઓનો કલરવ આહલાદક વાતાવરણમાં મધુર સૂર પૂરી રહ્યો હતો. લીમડાની ડાળીઓ વચ્ચે ગૂંથેલા માળામાં ચકલીએ બચ્ચાંઓને જન્મ આપ્યો હતો. નવજાત બચ્ચાંઓ એમની માને લપેટાઇ ટોળાની હૂંફાશમાં સંકોરાઈને પોઢેલા હતા. ખોરાકની શોધ માટે ચકલીએ માળામાંથી બહાર નીકળવા પાંખો ખોલી. જરાક હલચલ થતાં જ બચ્ચાંઓ અધખુલ્લી આંખે, એમની બચુકડી ગુલાબી ચાંચ ખોલીને ચીં... ચીં... કરી ભૂખ્યા હોવાનું જતાવવા લાગ્યા. કેટલાક માની પાંખોમાં મોઢું સંતાડી હૂંફાશમાં હજુ પોઢી રહેવા ઇચ્છતા હતા. ચકલીએ પાંખો પહોળી કરી માળાની કિનારે બેસી ગઈ. મા ઘેલા બચ્ચાંઓ પીંછા ભરાયા વિનાની નાનકડી પાંખો ફફડાવતાં અને એમની મા તરફ ડોક ખેંચી ચીં... ચીં... કરતાં કૂદાકૂદ કરવા લાગ્યા.

લીમડાની સામે આઠ વર્ષની નેહા અને તેનો નાનો ભાઈ વિશાલ, ઉભડક બેસીને લીમડાનું દાતણ ચાવતા હતા. દાતણ ઘસતી નેહાની નજર દરરોજની જેમ આજે પણ માળામાં ખેલતા-કૂદતા બચ્ચાંઓને નીરખી રહી હતી. દરરોજ ચકલી ઉડીને લીમડાની ડાળીએ બેસી જતી. હવે તો બચ્ચાંઓ તેમની આછા પીંછા ભરાયેલી નાનકડી પાંખો ફફડાવતાં અને ઠેકડા મારી ઉડવાના પ્રયત્નો પણ કરતાં. દાતણ ઘસીને નેહા ચકલીના બચ્ચાંઓને ખવડાવવા માટે પતરાવાળા કાચા ઘરમાં દોડી.

ચાર જણાને રહેવા એક ઓરડો અને ખૂણામાં લીંપેલો ચૂલો એ એમનું રસોડું હતું. છાણ-માટીથી ઈંટોની દીવાલો લીંપેલી અને કટાઈ ગયેલા પતરાની છત બનાવી તે રહેતા હતા. છાબડીમાં રોટલો પડ્યો હશે એવી આશાએ નેહાએ છાબડી ખોલી. છાબડીમાં રોટલાનો એક પણ ટુકડો બચ્યો નહતો, પણ રોટલાની નાની કોપટીઓનો જેર જોઈને તેના હોઠ પર સ્મિત રેલાઇ ગયું. કોપટીઓ લઈને તે તરત બહાર દોડી આવી. કોપટીના ઝીણા ટુકડા પથ્થર પર મૂક્યા. પાંચ વર્ષનો વિશાલ દાતણ ચાવતાં બધું કુતૂહલતાપૂર્વક નિરીક્ષણ કરી રહ્યો હતો. ચકલીની નજર કોપટીઓ પડતાં જ એ થોડીક વારમાં ત્યાં ઊડીને આવી. નાનકડો ટુકડો ચાંચમાં દબાવી માળામાં ઊડી ગઈ. ચકલી ખોરાક લઈને માળાના કિનારે આવીને બેસે ત્યાં તો ભુખાવરા બચ્ચાંઓ તેમની ગુલાબી ચાંચ પહોળી કરી, કકડીને લાગેલી ભૂખ ઠારવા કૂદાકૂદ કરવા લાગતાં. ચકલી એમના બચ્ચાંઓને ખવડાવતી હતી એ મનોરમ્ય દ્રશ્ય બંને ભાઈબહેન પૂરી વિસ્મયતાથી નિહાળી રહ્યા હતા. એ દ્રશ્ય જોઈને બંને એકબીજા સામે જોઈને હસી પડતાં. કુદરતે એવડા પંખીમાં કેવી સૂઝબૂઝ મૂકી છે એ વિચારી તેમનું બાળમન પુલકિત થઈ ઊઠતું!

ચકલી કોપટીના ટુકડા ચાંચમાં દબાવી હેરાફેરી કરતી ત્યારે એક ભૂખ્યું બચ્ચું પાંખ ફફડાવતું માળાની છેક કિનારે આવી ચડ્યું. હવે એ બચ્ચું ઉડવા લાગશે એ દ્રશ્ય જોવા બંનેની આંખમાં વિસ્મય પુરાયું. નાનકડા વિશાલે ઉત્સાહભેર ઠેકડો મારીને તાળી પડતાં કહ્યું, “દીદી દીદી...! જો પેલું બચ્ચું માળામોથી બા’ર નેકળ્યું...! અવ તો એ ઉડવા મોડશે...! યેય...યેય...!!”

મુસ્કુરાતી નેહા પણ એ દ્રશ્યને પૂરી વિસ્મયતાથી નિહાળી રહી હતી. ચકલી ખોરાકનો ટુકડો લઈને ઊડે એ પહેલા તો બચ્ચાંએ પાંખો ખોલીને ઠેકડો માર્યો! પાંખો ફફડાવી જરાક ઉડવા ગયું એવું જ ગડથોલું ખાઈ ભોંય ખાબકી પડ્યું!

એ દ્રશ્ય જોતાં જ બંનેના નાનકડા હૈયામાં ધ્રાસ્કો પડ્યો. ડરને લીધે મોં પહોળું થઈ ગયું. બચ્ચાંને મદદ કરવા તેમની આંખોમાં અનુકંપા ઉભરાઇ આવી. “દીદી! જો પેલું બચ્ચું તો ઉડવા જતાં જ ઊંધું પડી જ્યું! ઇન તો અજુ ઉડતાયે નહી આવડતું!” વિશાલે ભોળાભાવે ચિંતા વ્યક્ત કરી, “...દીદી આપડ ઇન પાસું માળામો મૂકી દેવું જોવ... જો... બચારું ચેવું કૂદાકૂદ કર સ...” કહીને મદદ કરવાની ભાવના વ્યક્ત કરી. બંને જણાં એ ઉડવા મથતા તરફડતા બચ્ચાંને વિહવળ નજરે જોઈ રહ્યા હતા.

ચકલી તરત જ તેના ભોંય પડેલા અસહાય બચ્ચાંની પાસે આમતેમ બેબાંકળી થઈ ઉડવા લાગી. બચ્ચું ચાંચ પહોળી કરી ચીં... ચીં... ચીં... કરતું મદદ માટે પોકારતું હતું કે પછી ઘાયલ થઈ કણસતું હતું એ સમજી શકાતું નહતું. આછેરા પીંછાથી ભરાયેલી સફેદ-પીળી પાંખો ઘડી ઘડીએ ફફડાવી સતત ઉડવા મથતું. થાકી જતું ત્યારે સળેકડી જેવા નાનકડા બે પગ પર બેસી જતું ને ચીં... ચીં... ચીં... કરતું ચકોર નજરે સતત ડોક આજુબાજુ ફેરવતું પડ્યું રહેતું. બેબાંકળી થયેલી એની માં તેને માળામાં પાછું મૂકવા કશું કરી શકે તેમ નહતી. માળાના બાકીના બચ્ચાં ભૂખથી તૃપ્ત થઈ એકબીજાની ગરમાશમાં લપેટાઇ, આંખો મીંચી નિદ્રાધીન થઈ ગયા હતા. સવારના શાંત વાતાવરણમાં ચીં... ચીં... ચીં...ના તીણાં અવાજનો શોરબકોર વાતાવરણમાં ફેલાઇ ગયો હતો.

ચકલીનો અવાજ સાંભળી ગલીઓમાં રખડતું કૂતરું હવામાં પૂંછડી લહેરાવતું તરત જ ત્યાં દોડી આવ્યું. દાંત આગળ લાળ ટપકાવતી જીભે તે ધીમા પગે શિકાર કરવા જમીન પર પડેલા બચ્ચાં પર વીંધતી નજર નાંખી. આકુળવ્યાકુળ બનેલી ચકલી ઊડાઊડ કરીને તેના બચ્ચાંને બચાવવા પૂરા પ્રયત્નો કરી રહી હતી. કૂતરાની લાલચુ નજર જોઈને વિશાલે તરત જ હાથમાં માટીનું ઢેફું લઈ સીધો તેના પર ઘા કર્યો! કૂતરું ચાર-પાંચ ડગલાં ભાગીને આઘું ખસી ગયું. ફરી પાછું નીતરતી જીભે શિકાર તરફ તેણે નજર માંડી પગ ઉપાડ્યા. એ દ્રશ્ય જોઈને બંને ભાઈબહેનની આંખોમાં એ અસહાય જીવ પ્રત્યેનો દયાભાવ ઉભરાઇ આવ્યો. વિશાલે બીજું માટીનું મોટું ઢેફું લઈને કૂતરાને ભગાડવા ઉગામ્યું. નેહાએ મદદ માટે આજુબાજુ નજર દોડાવી. તેના મોટા પપ્પા, બળવંતભાઈ ઘર આંગણે પાથરેલા ખાટલામાં ધાબળો ઓઢી સૂતા હતા. નેહાએ એમના ખભા પર હાથ થપથપાવી ઉઠાડ્યા.

“મોટા પપ્પા, મોટા પપ્પા...! ઉઠો...!!” ઉતાવળા અને ગભરાયેલા અવાજે તેણે કહ્યું.

ધાબળામાંથી ખરબચડા ગાલવાળું મોઢું નિકળ્યું, લાલઘૂમ આંખો ઝીણી કરીને તાડૂક્યાં, “હુ સ...!?? ઊંઘવા દે હેડ ઓયથી...! હવાર હવારમો મોડ નીંદર આઈ હોય ન એક તો...”

“પણ મોટા પપ્પા, દેખોક...! આ ચકલીનું બચ્ચું માળામોથી ભોંય પડી જ્યુ સ, તમે ઇન ઉપાડીન પાસુ માળામો મૂકી દોક... નકર પેલું કૂતરું ઇન ખઈ જશે...! મોટા પપ્પા... જલ્દી ઉઠોક...!” તેણે આજીજીભર્યા સ્વરે કહ્યું.

તેમણે ડોક ઊંચી કરી લીબડા નીચે નજર કરી જોઈ. ચકલીનો ચીંચીંકાર અને નિ:સહાય બચ્ચાંનો ફફડાટ વાતાવરણમાં ભળ્યો હતો. તેમણે માથું ઓશિકા પર ઢાળી, ભવાં ચડાવી તંગ અવાજે કહ્યું, “એક ચકલીના બચ્ચાં માટ તી મારી ઊંઘ બગાડી, સાલી કમજાત?! હેડ ઓયથી...!! આઘી જઈન ટળ...! અવ મન ઉઠાડવા આઈ સ તો ખબર સ તારી...! નેકળ ઓયથી...!” કહીને ધુત્કારી કાઢી. ધાબળો ઓઢી મનમાં ગણગણ્યા : એક તો આખી રાત્યનું પોણત કરીન આયા હોઈએન આ બલ્યા નિરોંતે લોબો વાંહોયે કરવા નહિ દેતી...!

નેહા કરમાયેલા ચહેરે ત્યાંથી પગ ઉપાડી નિરાશ મને દોડી ગઈ. જમીન પર પડેલા કાંકરા વીણી કૂતરાને ભગાડવા વિશાલની મદદ કરવા લાગી. થોડીક વારમાં સામેથી કેસરી રંગની સાડીમાં તેમની મમ્મી, જ્યોતિબેનને મંદિરેથી આવતા જોતાં જ બંનેની આંખોમાં આશાનું કિરણપૂંજ રેલાયું. નાનકડા હૈયામાં મદદ મળ્યાનો થડકાર મહેસુસ થયો. વિશાલે તરત જ બૂમ પાડી, હાથના ઇશારાથી શક્ય હોય એટલું સમજાવી જલ્દી આવવા કહ્યું. જ્યોતિબેને ઉતાવળા પગે નજીક આવી પુર્છા કરી. નેહાએ ચકલીના બચ્ચાં તરફ આંગળી ચીંધી બધી વાત જણાવી. તેમણે ચકલીના બચ્ચા તરફ જોઈને તરત જ શાકની થેલી નેહાના હાથમાં થમાવી દીધી. ચીં... ચીં... કરતાં અસહાય ફફડતા બચ્ચાંને કાળજીપૂર્વક હથેળીમાં લઈ લીધું. વ્યાકુળ ચકલી ઉડીને ઝાડની ડાળખી પર ગભરાયેલા જીવે બેસી ગઈ. તેમણે બાજુમાં પડેલો ખાટલો પાથરી, તેના પર પગ મૂકી, લાંબા હાથે બચ્ચાંને માળામાં સુરક્ષિત મૂકી દીધું. બાકીના બચ્ચાંઓ પણ તેમના ખોવાયેલા બંધુને જોઈને ચીં... ચીં... ચીં... કરતાં તેને હુંફાશમાં ઘેરી લઈ રાજીપો વ્યક્ત કરવા લાગ્યા. તેમની ગભરાઈ ગયેલી મા ઉડીને માળાના કિનારે બેસી બચ્ચાંઓને ચાંચથી પ્રેમ જતાવવા લાગી.

બંને ભાઈબહેનની મદદ ઝંખતી આંખો બચ્ચાંને સુરક્ષિત એમના માળામાં રમતું જોઈને હસી ઉઠી. જ્યોતિબેન ખાટલા પરથી નીચે ઉતર્યા. વિશાલ દોડતો એમની ફરતે બે હાથ વીંટાળી વળગી પડ્યો. “મમ્મી, મમ્મી... પેલું કૂતરું એ બિચારા નાના બચ્ચાંને ખાવા આવતું ’તું... મી ઢેફાં મારી મારીને ઇન દૂર ભાગડ્યું. નકર એ બચારા બચ્ચાંન ખાઈ જાત...” વિશાલે નિર્દોષતાથી ભરેલા અવાજે પોતાનું પરાક્રમ ભેટી પડીને જણાવ્યુ.

જ્યોતિબેને તેને તેડી લઈ તેના શ્યામલ ગાલ પર ચૂમી લીધું. “મારો દીકો તો બઉ બા’દુર સ...” કહીને તેનું બાળપરાક્રમ વધાવી લીધું. ઘરમાં પ્રવેશી ચૂલા આગળ ઘસાયેલી, ગોબા પડેલી તપેલીમાંથી દૂધના બે ગ્લાસ ભર્યા. બંનેએ દૂધના ગ્લાસ ગટગટાવી ગયા. વિશાલના ઉપલા હોઠ પર દૂધની મૂંછ જ્યોતિબેને સાડીના છેડાથી લૂછી લીધી. બંનેને નવડાવવા માટે ઘર પાછળ સાડીની દીવાલ બનાવી એના ઓથે બંનેને પથ્થર પર બેસાડી નવડાવ્યા. નાહીને ખિલખિલ હસતો નટખટ વિશાલ નાગડોપુંગડો દોડતો ઘરમાં જતો રહેતો, જ્યારે નેહા રૂમાલ વીંટીને, આજુબાજુ કોઈ જોતું નથી એનો ક્ષોભ મનમાં રાખી, નિરીક્ષણ કરીને ઘરમાં દોડી જતી.

જ્યોતિબેન ડોલ અને સાડી સમેટી ઘરમાં ગયા.

કપડાં પહેરતી નેહાએ પૂછ્યું, “મમ્મી, અમે ગોમમો હનુમોનજીના મંદિરે દર્શન કરી આઇએ...?”

જ્યોતિબેને રજા આપી બંનેને મંદિર જવા મોકલ્યા. બંને ભાઈબહેન થીગડાવાળા કપડામાં તૈયાર થઈ ગયા.

“નેહા બેટા... હેતલ આવતી હોય તો મોટી મમ્મીન પૂછીન ઇનેય ભેગી લઈ જજે...” તેમણે હેતલ વિશે વિચારીને કહ્યું.

હાંકારો ભણી ભાઈબહેન થીગડા મારેલા કપડે વટભેર ઉછળતી પાનીએ બહાર નીકળ્યા. દસેક પગલાં દૂર બાજુમાં બળવંતભાઈનું ઘર હતું. નેહાએ હેતલને ટહુકો પાડી દરવાજે ઊભી રહી. મંજુબેન જોડે ચોટલો બંધાવતી હેતલના થનગની ઉઠેલા બાળમને તરત જ જવાબ છોડ્યો, “એ હા બુન! આ ચોટલો બંધાઈ હાલ જ આઈ... ઊભા રેજો માર ઓલે...”

હેતલ નેહાથી એક વર્ષ નાની હતી. કસ્સીને ચોટલો બંધાવી, પીળા રંગના ફૂમતાની ફૂલ-ગાંઠ મારી, તે પોપટી રંગના ફ્રોકમાં દોડતી બહાર આવી. ત્રણેય દર શનિ-રવિ આનંદિત ચહેરે ગામમાં હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતાં. વિશાલ નેહાની આંગળી પકડી ઠેકડા મારતો ચાલતો. ત્રણેય ત્રિપુટી તેમની કાલીઘેલી બાલિશ વાતોમાં ખિલખિલાટ હાસ્યફૂલો વેરતા તેમનો ધાર્મિક કાર્યક્રમ સાચવતા નિશ્વાર્થભાવે જતાં.

***

ગામમાં મફત ભણતર હોવાથી ત્રણેય સાથે નિશાળમાં ભણવા જતાં. સાંજે નિશાળથી આવી વિશાલ તેના ભાઈબંધો સાથે ભમરડા ફેરવતો, લખોટીઓ, ગિલ્લી ડંડા, અને માચીસની ભેગી કરેલી છાપો રમતો. નેહા અને હેતલ ઘર આગળ લીંપેલા આંગણામાં બેસી કુકા રમતી અને દોરડા કૂદતી.

ઉનાળામાં કેન્ડીવાળો ઘંટડી ખખડાવતો આવે ત્યારે વિશાલ તરત જ બહાર દોડી આવતો. કેન્ડીની લારી પર દોરેલા લોભામણા ચિત્રો જોઈને તેના મોઢામાં પાણી વળવા લાગતું. સૂકા હોઠ પર જીભ ફેરવી ભીના કરી દેતો. ઘરમાં જઈને જ્યોતિબેન સામે કેન્ડી ખાવાની જીદ પકડતો. તે ના પાડતા ત્યારે જમીન પર આળોટતો અને જોર જોરથી ભેંકતો. આખરે જ્યોતિબેન ત્રણ રૂપિયા આપી, હેતલને પણ બોલાવી ત્રણેયને એક-એક કેન્ડી અપાવતા. મોટા ઘરના છોકરાઓ નારિયેળનું પાણી પીને સ્ટ્રો સાથે નારિયેળ ફેંકી દેતાં. વિશાલ સાંજે એ ખાલી નારીયેળના ઢગલામાંથી ત્રણ-ચાર મોટા નારિયેળ સ્ટ્રો સાથે ઘરે લેતો આવતો. જ્યોતિબેન નારિયેળ જોઈને તેને વઢતા, ફેંકી દેવાનું કહેતા, તો પણ વિશાલ એના બાળમનની અધૂરી ઝંખનાઓ પૂરી કરી લેતો. સાંજે વિશાલ અને નેહા નારિયેળમાં પાણી ભરી, મીઠું નાંખી ચરપોળાવેળા કરતાં લિજ્જતથી પીતા; ક્યારેક હેતલ પણ એમની સાથે જોડાતી. આર્થિક રીતે ગરીબ છતાં દિલથી અમીર હોય એમ આનંદિત રહીને દરેક દિવસો ઉજવતા અને જિંદગીની મજા ખોબલે ખોબલે લૂંટતા.

***

ભરતભાઈ અને બળવંતભાઈ, બંને સગા ભાઈઓની આર્થિક પરિસ્થિતિ ઘણી ગરીબ હતી, પણ બે ટંકનું ભોજન ગમેતે કરીને મળી રહેતું. કોઈ દિવસ ભૂખ્યા સૂવાનો વારો નહતો આવ્યો એટલું સુખ એમના નસીબમાં જરૂર લખ્યું હતું. જ્યોતિબેન અને મંજુબેન ગામના પૈસાદાર ઘરના કચરા-પોતું-વાસણ કરી થઈ શકે એટલી ઘરમાં આર્થિક મદદ કરતાં. ઉદાર દિલના ઘરમાલિકીનો વાર-તહેવારે જૂના વધેલા કપડાં અને મીઠાઇઓ આપી તેમને ખુશ કરી દેતાં. જૂના કપડાંઓને બટન કે થીંગડું મારી છોકરાઓને પહેરાવતા. નિર્ભેળ મનના બાળકો પણ જૂના કપડાને નવા સમજી વધાવી લેતા, અને પૂરા ઉમળકાથી પહેરતાં. વિશાલ તેના પેન્ટ અને બુશર્ટના ખિસ્સા ગણતો. તેના મિત્રો કરતાં વધુ ખિસ્સા થાય તો આનંદમાં ઝૂમી ઊઠતો. પોતાના ખિસ્સામાં વધુ પૈસા અને ચોકલેટ સમાશે એવા પોકળ વિચારો કરી તે આનંદિત થઈ જતો. આ ખુશહાલ પરિવારના જીવનમાં ભવિષ્ય એક નવા સંજોગનું પડળ ખોલવાનું હતું, જેની જાણ એમને સપનેય નહતી.

***

આ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવો 99136 91861 WhatsApp નંબર પર પણ આપી શકો છો.

લેખક – પાર્થ ટોરોનીલ