પ્રકરણ – ૩
યુવાનીમાં પ્રવેશ કરી ચૂકેલી જ્યોતિનું શરીર પુખ્ત બની સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. કચરા-પોતું અને ખેતર કામ કરીને તેનું શરીર ઘાટીલું અને કસાયેલું બન્યું હતું. સાગનાં સોટા જેવો સીધો માંસલ દેહ, લાંબી પાતળી ગરદન, અમેદસ્ક કમર અને તેની ઉપર ઢીલા પોલકામાં ઉભરાતી ભરાવદાર છાતી, જેના પર તે કામ કરતી વેળાએ હંમેશા કસ્સીને સાડીનો પાલવ લપેટીને રાખતી. તેની મોટી આંખો, બરછટ પણ લાંબા જથ્થાદાર વાળ, અને સુંદર અણિયાળું નાક તેના લંબગોળ નમણા ચહેરાને વધુ આકર્ષિત બનાવતુ હતું.
બધી જ કળીઓ ખોલી ચૂકેલું તેનું સંપૂર્ણ દેહસૌંદર્ય પુરુષના મનમાં કામુક આકર્ષણ ઉપજાવે એવું મનમોહક હતું, પણ મજૂરીકામ કરીને તેનો ઘઉંવર્ણો દેહ શ્યામ પડી ગયો હતો. ગરમીમાં સતત કામ કરી ચામડી તડકામાં શેકાઈ ગઇ હતી. પરસેવામાં રગદોળાતા શરીર પર મેલના થર જામી ગયા હતા. પરસેવાથી મહેંકાતું શરીર અને તડકામાં તપતું દેહસૌંદર્ય ગરીબાઈ નીચે દબાઈ ગયુ હતું. જેથી દેખનારની આંખોમાં તેનું દેહસૌંદર્ય ત્વરીત આકર્ષણ જન્માવતું નહીં. જે એક રીતે અનાથ જ્યોતિ માટે સારું હતું. તેના ભોળપણનો લાભ ઉઠાવી તે કોઈની વાસનાભરી નજરે વીંધાતી નહતી.
બે વર્ષ બાદ જ્યોતિનો રહ્યાસહ્યા પરિવાર સાથેનો સંબંધ પણ છૂટી ગયો. પટેલ શેઠ ગામડું છોડી સહપરિવાર શહેરમાં વસવાટ કરવા જતાં રહ્યા. તેણે હસતાં મુખે તેની પ્રિય સખીઓને અલવિદા કહી. જ્યોતિનો કોઈ પરિવાર કે ઓળખીતું ગામમાં નહતું કે જે તેને રહેવા સહારો આપે. તે એકલી, અનાથ અને નિરાધાર હતી. તે ગામમાં લોકોના ઘરનું કચરા-પોતું-વાસણ કરીને કમાતી, અને ગરીબવાસના ફળિયામાં પતરાનું ઝૂંપડું બનાવી તેની કામવાળી સહેલીઓ સાથે રહેતી.
એક દિવસ જ્યોતિ કામ કરી સાંજે ગામના પાદરેથી ઘરે જતી હતી. એ વખતે તેની નજર પાંચ વર્ષ પહેલાના નિશાળ મિત્ર, ભરત પર પડી! આંખોમાં તેની ઓળખાણ તાજી થતાં જ અનેક સ્મૃતિઓ તેના મનમાં દોડી ગઈ. ખાખી ચડ્ડી પહેરીને ભણવા આવતો ભરત આજે વ્યવસ્થિત કપડામાં સજ્જ હતો. જ્યોતિએ ભણવાનું છોડ્યે વર્ષો વીતી ગયા હતા. સાત ધોરણ સુધીનું જ્ઞાન એ ભૂલી ગઈ હતી, પણ તેનો ચહેરો... એતો હજુ પણ તેના હૈયાની દીવાલ પર, પહેલા પ્રેમના રેશમી ધાગાથી સાચવીને ગૂંથી રાખ્યો હતો. નિરાશા અને એકલતામાં એનો ચહેરો યાદ કરી તે મનમાં મલકાતી. આજે અચાનક પાંચ વર્ષે એનો પુખ્ત થઈ ગયેલો સોહામણો ચહેરો આંખો સામે આવ્યો હતો. બંનેની નજર એકબીજામાં પરોવાઈ હતી. હોઠ જરાક મીઠું મલકાયાં હતા. એકબીજાના દિલની લાગણીઓ મૂકપણે અભિવ્યક્ત થઈ હતી. ધરબાઇ રહેલો પ્રેમ બંનેના યુવાન હૈયામાં ફરીથી થનગની ઉઠ્યો હતો.
અઢારનો ઉંબરો ઓળંગતા જ ભરત શહેરમાં ભાડે રીક્ષા ચલાવવા જતો હતો. તેનું રહેવાનું બાજુના ગામમાં હતું, પણ ક્યારેક તે આ ગામમાં તેના બાપુનું ઉધાર ચૂકવવા આવતો રહેતો. જ્યોતિનું મન રાત્રે પ્રેમમય ગુલાબી ખયાલોમાં ડૂબેલું રહેતું. ભરતનો શાંત, સરળ અને હસમુખો સ્વભાવ તેના મનમાં વસી ગયેલો. કેમેય કરી તેના વિચારો જંપતા જ નહતા. અંદરખાને એ પણ તેના વિચારોમાં આળોટવા ઇચ્છતી હતી. મનમાં મલકાતી તે વિચારતી : ‘એના પ્રત્યેનું આટલું ગાંડુંઘેલું આકર્ષણ કેમ અનુભવાતું હશે? એને જોઈને કેમ બધું સુંદર સુંદર લાગે છે? એનો ચહેરો જોતાં જ આખા દિવસનો થાક અચાનક ઉતરી ગયો હોય એવું કેમ થતું હશે? તેની આંખોમાં જોતાં જ ધબકારા તેજ થઈ જાય છે... શરીરમાં આવા મીઠા મીઠા ગલગલિયા શાના થાય છે? શું આને જ.... પ્રેમ કહેવાતો હશે??’
‘પ્રેમ’નો વિચાર માત્ર જ્યોતિને ખિલખિલ હસતી કરી મૂકતો. ક્યારેક મીઠી ઝણઝણાટી અનુભવતા શરીર પર હાથ ફેરવી લેવાનું દિલ થઈ જતું, પણ... એ વિચારથી મન મૂંઝાઇ જતું.
ભરતને હમણાંથી ઘણી વાર ગામમાં આવવા-જવાનું રહેતું. જ્યોતિનું મન પણ એને જોઈ પુલકિત થઈ ઊઠતું. સાંજની વેળાએ બંને ગામના ગોદરે, પાણીની પરબ પાસે ખાનગીમાં મિત્રો તરીકે મળતાં. એકબીજા સાથે થતી વાતો દરમ્યાન તેમના હૈયામાં પ્રેમની કૂંપળો પાંગરતી જતી હતી. જ્યોતિને તેની સાથે વાતો કરવી, એના હસતાં ચહેરાને શરમાતી નજરે નીરખી લેવો, એની હસમુખી વાતો પર દિલ ખોલીને હસી પડવું તેને ગમતું હતું. બંને પ્રેમમય હૈયા રેશમી દોરાથી એકબીજા સાથે અદ્રશ્ય રીતે બંધાઈ રહ્યા હતા.
ભરત બાજુના ગામમાં તેના મોટા ભાઈ, બળવંત સાથે રહેતો હતો. પણ અહીં એ ઉધાર ચૂકવવાના બહાને દર અઠવાડિયે જ્યોતિને મળવા આવતો-જતો. એક દિવસ સમીસાંજે, ભરત તેના ગામે જતાં પહેલા પાણીની પરબે પાણી પીવા ઊભો હતો. પરબ પાછળ છુપાઈને ઊભેલી જ્યોતિએ મોઢું બતાવ્યા વિના ભરતને દર અઠવાડિયે ગામમાં આવવાનું કારણ પૂછી લીધું. કારણ જાણવા તેનો ચહેરો શરમથી ઝૂકી ગયો. ભરતે તેની નજીક જઇ, તેની હડપચી પર નજાકતથી હાથ મૂક્યો. જ્યોતિએ શરમાતા ચહેરે પાંપણો ઊંચકીને તેની આંખમાં જોયું. ભરતે તેની બંને કીકીઓને વારાફરથી નીરખીને કહ્યું, “ઉધાર તો દર મહિને એક જ દા’ડ ચૂકબ્બાનું હોય સ, પણ...” તેની પાણીદાર આંખોની અંદર ઉતરી, હૈયામાં ડોકિયું કરીને કહ્યું, “...દિલનું ઉધાર ભરવા તો રોજ તન જોવા આબ્બાનું મન થાય સ...”
જ્યોતિ શરમથી જાણે ઓગળી જ ગઈ. મન તેના જવાબ પર ઓવારી ગયું. હૈયું પ્રેમના ગુલાબી વાદળોમાં હીંચકા ખાવા લાગ્યું. સુંદર બગીચામાં ખીલી ઉઠેલા ફૂલોની જેમ તેનું આખું અસ્તિત્વ ખીલીને મહેંકી ઉઠ્યું.
“જ્યોતિ, આપણે નિશાળમો ભણતા ત્યારથી મન તું ખૂબ ગમ સ. મારા વિશે થોડોય તારા દિલમો પ્રેમ હોય તો બોલી દેજે...” ભરતે હ્રદયમાં સંગ્રેલી લાગણીઓ જતાવતા કહ્યું.
જ્યોતિનું હૈયું તેનો પ્રસ્તાવ સાંભળીને હરખાઈ ઉઠ્યું. રગેરગમાં મીઠાં ગલગલિયા થવા લાગ્યા. ભગવાને તેની પ્રાર્થના સાંભળી લીધી એનો આભાર મનોમન વ્યક્ત કરી દીધો. પ્રેમયુગ્મમાં ખોવાયેલા, છતાં એકબીજાના હૈયામાં પ્રેમનું પ્રતિબિંબ દેખી, પોતાનું ખોવાયેલું અસ્તિત્વ એકબીજામાં પામી ગયા હતા.
જ્યોતિએ નીચલો હોઠ દાંત વચ્ચે દબાવી, ઝૂકેલી પાંપણે શરમાઇને બોલી, “મનેય તમે ગમો છો. બસ મારાથી એ કેવાતું નતું...”
ભરતે હિંમત કરી મુખ્ય વાતનો પ્રસ્તાવ તેના હૈયા સામે મૂકી દીધો, “તો તું મારી જોડે લગન કરે?”
શું બોલવું એ માટે જ્યોતિને શબ્દો નહતા જડતા. હૈયું સતત હા પાડી રહ્યું હતું, પણ હોઠે શબ્દો નહતા આવતા. તેણે શરમથી ઝૂકેલું માથું હલાવી ‘હા’ પાડી તેની સામે જોયું. તેનો ચહેરો સૂરજમુખીની જેમ ખીલી ઉઠ્યો હતો. આંખોની કીકીમાં ભરતનો હસમુખો ચહેરો જડાઈ ગયો હતો. હૈયામાં આનંદ-ઉમંગ ફૂલ્યે સમાતો નહતો. આજ સુધી તેણે કેટલીયે છોકરીઓના હાથે મહેંદી મૂકી, લગ્ન માટે તૈયાર કરી હતી. હવે તેના ખુદના લગ્નનો સમય પાકી ગયો હતો.
બંનેએ શુભ દિવસ નક્કી કરી, લગ્ન માટે મંદિરના પૂજારી પાસે ગયા. પૂજારીએ બંનેની સંમતિ પૂછી લગ્નની વિધિઓ કરાવી. સાત ફેરાના સાત વચનોમાં બંધાઈ બંને હંમેશા માટે એકબીજાના થઈ ગયા. ભરત એ ખાસ દિવસે શહેરમાંથી રીક્ષા લઈને મંદિરે આવ્યો હતો. લગ્ન પછી એ જ્યોતિને રીક્ષામાં બેસાડી હસતો-હસાવતો એના ગામે જાણે ડોલીમાં બેસાડી લઈ ગયો. એ દિવસે જ્યોતિનું હૈયું જેટલું આનંદિત હતું એટલું કદાચ ક્યારેય નહતું. જીવન જીવવા વિતાવવા એક પ્રેમાળ જીવનસાથી તેને મળી ગયો હતો.
ભરતે તેના ગામમાં ઈંટો અને માટીથી લીંપેલી ચાર દીવાલો ઊભી કરી, છત પર પતરું મૂકી પોતાનું ઘર બનાવ્યું. ભરતનો મોટો ભાઈ બળવંત પણ તેની બાજુમાં થોડેક દૂર કાચા મકાનમાં એની બીજી કરેલી પત્ની, મંજુ સાથે રહેતો હતો. બંનેએ પરણીને બળવંતના પરિવાર જોડે પરિચય કરાવી મીઠાઇનું પડીકું આપ્યું.
અઠવાડીયા બાદ, તેમના નવા ચણેલા ઘરમાં તેમની પહેલી રાત હતી – સુહાગરાત. જ્યોતિ ખૂબ મૂંઝાયેલી હતી. એનું જોબનવંતુ પુખ્ત શરીર પૂરેપુરું ખીલી ચૂક્યું હતું, પણ મન હજુ અસમંજસમાં ગૂંચવાતું હતું. હૈયામાં મીઠાં ગલગલિયા થતાં. ગમતી-નગમતી લાગણીઓ સેળભેળ થઈ જતી. અચાનક કોઈ પુરુષના આટલા નજદીક સંપર્કમાં એ ક્યારેય નહતી રહી. હૈયામાં સ્થાન આપેલા પુરુષ સામે શરમાતી, મુંઝાતી તેને આલિંગી લેતી. ભરત જ્યોતિના સુંવાળા ગાલને અંગૂઠાથી પસવારી તેને ધીરેથી ચૂમી લેતો. તેના જાડા હોઠના ચુંબનથી જ્યોતિના તન-બદનમાં ઝણઝણાટી વ્યાપી ગઈ! હોઠના ભીના ઉત્તેજિત સ્પર્શ માત્રથી તેનું શરીર ગર્ભની જેમ થીરકવા લાગ્યું. વર્ષોથી મૂંઝવણ નીચે દબાઈ દીધેલો શારીરિક આવેગ અદમ્ય તલસાટ સાથે રૂંવેરૂંવે જાગી ઉઠ્યો. ક્યારેય ન અનુભવેલી ઉત્તેજના નસેનસમાં દોડવા લાગી. બંનેના હૈયામાં પ્રેમાગર ઊંચા હિલોળા લેતો ઘૂઘવતો હતો. ઘણું અનકહ્યું માત્ર સ્પર્શથી જ કહેવાઈ જતું હતું... ભરતે તેના બંને ગાલ પર નજાકત રીતે હાથ મૂકી, તેના અધખુલ્લા થરકતા હોઠ ઉપર પ્રગાઢ ચુંબન ભરી લીધું. ધીરે ધીરે બાહ્ય આવરણો ઉતરતા ગયા... ને બંને એકબીજામાં ખોવાઈ પ્રેમના અફાટ સાગરમાં તરવા લાગ્યા.
***
લગ્નજીવનમાં બંને નવયૌવન હૈયા એકબીજામાં ગૂંથાઇ એક થઈ ગયા હતા. ભરત શહેરમાં જવા સવારે પાંચ વાગ્યે ઘરેથી બસમાં નીકળતો અને સાંજે સાત વાગ્યે પાછો આવતો. રીક્ષા ચલાવવાના કામમાં એ સારું એવું કમાતો અને થોડીક બચત પણ થતી.
આર્થિક જીવનમાં કોઈ બદલાવ વગર તેમના જીવનની યાત્રા સીધી રેખામાં ચાલે જતી હતી. બંનેમાંથી કોઈને ખબર નહતી કે એક દિવસ તેમનું નસીબ એક એવો મોટો વળાંક લેશે કે એમનું જીવન...
ખેર, નસીબનું પુસ્તક ક્યાં હોય છે! નહીંતર પાનાં ફેરવી ભવિષ્ય વાંચી લેત, પણ આ તો જીવન હતું. જેમ જેમ આગળ વધીએ એમ એમ સમયનું પાનું ફરતું, અને સંજોગો જીવનમાં ભટકાતાં. સારા-નરસા રંગો વર્તમાન ક્ષણમાં વિખેરાતા, અને એ રંગોનું જીવનચિત્ર બંનેએ સાથે મળીને દોરવાનું હતું.
***
આ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવો 99136 91861 WhatsApp નંબર પર પણ આપી શકો છો.
લેખક – પાર્થ ટોરોનીલ