એક છબીની છબી - 10 ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક છબીની છબી - 10

એક છબીની છબી

(પ્રકરણ – ૧૦)

લંડન પોલીસે તરત જ સ્પેશિઅલ ઇન્વેસ્ટીગેશન ટીમને શાચીના બંગલે મોકલી. ગ્રેસીએ અને ડોકટર આકાશે રાત્રે બનેલ બધી ઘટનાઓની માહિતી સ્પેશિઅલ ટીમને આપી. ગ્રેસીએ છેલ્લાં દિવસોમાં બનેલ હકીકતની જાણકારી આપી. પોલીસે બધી જાણકારી લીધી. એમનાં માટે શાચીની જુબાની લેવી જરૂરી હતી તેથી ડોકટર આકાશે શાચીના ટ્રીટમેન્ટ માટે લંડનની સારી હોસ્પિટલમાં એડમીટ કરવાની પરવાનગી લીધી. પોલીસે પણ બંને બહેનોને રક્ષણ આપવાં ગાર્ડની સગવડ કરી.

શાચીની વાપસીની વાતો બીજાં દિવસે છાપાંઓ અને ટીવી ઉપર જાહેર થઇ. વેનિસની ઇન્વેસ્ટિગેશન ટીમ પણ લંડન પહોંચી અને અલગ અલગ રીતે ગ્રેસી અને આકાશ સાથે કલાકો બેસીને વાતચીત કરી માહિતી ભેગી કરી. એમનાં માટે ડોકટર આકાશ દ્વારા મળેલ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની હતી. ડોકટર આકાશે શાચીના પ્લેનમાં થયેલ અપહરણથી માંડી અત્યાર સુધીની રજેરજ માહિતી આપી હતી. ઉપરાંત પોતે આપેલ ફોટાઓની પણ જાણકારી લીધી હતી અને એક શંકાસ્પદ ફોટાં અંગે વિસ્તૃત ડીસ્કશન કર્યું હતું. જે અતિ મહત્વની કડી સમાન હતું.

વેનિસની અને લંડનની ઇન્વેસ્ટિગેશન ટીમ સાથે ડોકટર આકાશની એક ગુપ્ત મીટીંગ થઇ. એ મીટીંગ કલાકો સુધી ચાલી. દરેક ટીમના ઇન્વેસ્ટિગેશન માટે આકાશની માહિતી કંઇક ક્લુ આપી રહી હતી. આ ઘટનાઓમાં ઉર્વશીનો લેબોરેટરીમાં થયેલ અકસ્માત અને પ્લાસ્ટિક સર્જરી પણ સંકળાયેલ હતી.

એક દિવસ શાચીના તબિયતની જાણકારી માટે આકાશ હોસ્પિટલ ગયો ત્યારે ગ્રેસીએ એક ગુપ્ત વાતનો ખુલાસો કર્યો. ગ્રેસી અને શાચી બંને જુડવાં બહેનો હતી. એમની મા મેરી જે એમની સાથે રહેતી હતી તે શાચીના અપહરણના દિવસે એનાં મિત્રને મળવાના બહાને ચાલી ગયી હતી. મિસ્ટર થોમસ એ એમનાં અસલ પિતા નહોતાં. મેરી એક ખૂબ લાલચુ સ્વભાવની સ્ત્રી હતી. મેરીને લક્ઝરી ભોગવવી ખૂબ ગમતી. રોજ રાત્રે મોટી મોટી હોટલોમાં જવું અને પાર્ટીઓનો આનંદ લેવો એણે ગમતો. મેરી ખૂબ સુંદર સ્ત્રી હતી એટલે ભલભલાં રઈસ લોકો એનાં ઉપર આફરીન અને ફિદા થઇ જતાં. મિસ્ટર થોમસ એ પણ એક શ્રીમંત વ્યકિત હતાં. બંને દિકરીઓને કેર ટેકર જુલીને સોંપી એક્વાર બંનેએ વિકેન્ડમા બેલ્જીયમ જવાનું નક્કી કર્યું. ત્યાં મેરીની ઓળખાણ એક ખૂબ જ રઈસ વ્યકિત સાથે થઇ જે હીરાનો વેપારી હતો અને કરોડોના કારોબારનો માલિક હતો. વરસો સુધી બંને મળતાં રહ્યાં અને સંબંધ ગાઢ થતો થયો.

થોડાંક દિવસોમાં બધી ગુથીઓનું નિરાકરણ શક્ય બન્યું. નિરાંતે ફરતો રોક પીટર પોલીસના હાથે ચડ્યો અને એક પછી એક સસ્પેન્સ ખુલ્લું થવા લાગ્યું. ડોક્ટર રાવ ઇન્ડિયા ભાગી જવામાં સફળ થયો હતો.

ઉર્વશીનું નવું કોસ્મેટિક સંશોધન સૌન્દર્ય પ્રસાધનોમાં ખૂબ જ મોટી સિદ્ધિ બનવાની હતી. ઉર્વશીના સંશોધનથી જે પ્રોડક્ટ બનવાની હતી તેવી આજ સુધી કોઈએ શોધી નહોતી. આ વાત ડોકટર રાવ સમજી ચુક્યા હતાં કારણ પોતે પણ એક ઉમદા વિજ્ઞાની હતાં અને કોસ્મેટિક પ્રોડક્ટના સર્જક પણ હતાં. ઉર્વશી અને ડોકટર રાવ વચ્ચે એક વાર એ અંગે રકઝક થઇ હતી કારણ ઉર્વશીએ અમુક વિગતો ડોકટર રાવને શેર કરી નહોતી. એ કાંટો ડોકટર રાવને ખટકતો હતો પરંતું મીઠાં બોલા ડોકટર રાવે એ વાતની જાણ થવા નહી દીધી અને પોતે આસિસ્ટ કરતાં રહ્યાં અને એક મોટી જાળ બિછાવી. ઉર્વશી જે દિવસે લેબોરેટરીમા ફાઈનલ એક્સ્પેરિમેન્ટ કરી રહી હતી ત્યારે લંડનનો મિસ્ટર રોક પીટર ડોકટર રાવના કેબીનમાં હતો. ડોકટર રાવે જ કોઈને ખબર નહી પડે તે રીતે એક મહત્વના ગેસ લાઇનનો વાલ્વ ખોલવાની જવાબદારી પીટરને સોંપી હતી. એક્સ્પેરિમેન્ટ દરમિયાન એણે પોતાની જવાબદારી પાર પાડી. એક ધડાકા સાથે ધુમાડો થયો અને કેમિકલ ઉર્વશીના ચહેરાં ઉપર ઉડ્યું. બધી દોડધામ વચ્ચે રોક પીટરે આયોજન પ્રમાણે ઉર્વશીને ખભા ઉપર ઉપાડી લઇ સરળ હોસ્પિટલમાં દાખલ કરી. મુખ્ય ડોક્ટર સાથે ટ્રીટમેન્ટ અંગેની માહિતી પણ આયોજિત હતી. ક્યાં અને કેવા પ્લાસ્ટિક સર્જન સાથે પણ બાંધછોડ કરાવી એ નક્કી હતું. બધું ડોકટર રાવનાં પૂર્વ આયોજિત પ્લાન દ્વારા પાર પડ્યું. ઉર્વશીના સારા નસીબે ડોકટર આકાશ મળી ગયાં એટલે ઉર્વશીની પ્લાસ્ટીક સર્જરી લંડનમાં થનાર હતી એટલે ચાલાક ડોક્ટર રાવે મુખ્ય ઘટનાને લંડનમાં અંજામ આપવાનું પ્લાન કર્યું. મિસ્ટર રોક પીટર લંડન સ્થિત ગુનેગાર હતો જે અન્ડરવર્લ્ડ સાથે કામ કરતો. ઉર્વશીને જયારે પ્લાસ્ટિક સર્જરી બાદ આકાશનાં હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ આપવાના હતાં ત્યારે ડોકટર રાવ અને સમીર ઉર્વશીને રીસીવ કરવા લંડન આવ્યાં હતાં. આ વાત ઉર્વશીને પણ ગમી હતી. તે જ રાત્રે ઉર્વશી, સમીર, ડોક્ટર રાવ અને રોક પીટરનું અપહરણ થયું હતું. રોક પીટરની આ ચાલ હતી જેમાં ડોક્ટર રાવ સામેલ હતાં. ડોક્ટર રાવ સમીર અને ઉર્વશી સાથે નજરકેદ હતાં એટલે ડોક્ટર રાવ ઉપર શંકા નહી થઇ. અપહરણ દરમિયાન બંદુકની અણીએ ઉર્વશીની નવી સંશોધિત કોસ્મેટિક પ્રોડક્ટની પૂરી પ્રોસેસ (know how) જાણી લેવાઈ, એ પ્રોડક્ટના બેચ લેવાયા એનું ટેસ્ટીંગ કરાવ્યું. પ્રોડક્ટ સો ટકા સફળ હતી. પ્રોડક્ટને માર્કેટમાં મૂકવા માટે પ્રોડક્ટનું નામ, એની પેકિંગ સ્ટાઈલ અને જાહેરાત વગેરે બધું પૂર્વ અયોજીત હતું. ફક્ત ખુટતી મુખ્ય પ્રોસેસની જાણકારી ઉર્વશીએ ડોક્ટર રાવને કરી નહોતી એટલે આ અપહરણ ગોઠવાયું હતું. પ્રોડક્ટ સો ટકા સફળ હતી એટલે એનાં બદલામાં ડોકટર રાવને બે કરોડ રૂપિયા મળ્યાં. રોક પીટરની એમાં મુખ્ય ભૂમિકા હતી. એક અન્ડરવર્લ્ડ ગેન્ગની મદદથી એક ઈન્ટરનેશનલ કોસ્મેટિક કંપની સાથે આ ડીલ થઇ હતી. જે આવનાર ઇન્ટરનેશનલ સૌંદર્ય સ્પર્ધાના આયોજક હતાં અને કરોડો કમાવવાના હતાં. સફળતાં બાદ પ્લાનીંગ પ્રમાણે સમીર અને ઉર્વશીને હેમખેમ ઇન્ડિયા પહોંચાડી દેવાયા. આ અંગેની જાણકારી કોઈને કરવી નહી એ ધમકી સાથે. સમીર અને ઉર્વશીની રીટર્ન ટીકીટ ચાલાક ડોક્ટર રાવે જ લીધી હતી જે પંદર દિવસ પછીની હતી. જેની કોઈને શંકા પણ ના ગઈ અને રહસ્ય અકબંધ રહ્યું.

ઉર્વશી અને શાચીનો ચહેરો મળતો આવે છે તેની આડમાં પેપરમાં ખોટાં સમાચાર આપી શાચીને પણ કિડનેપ કરેલ હતી. લંડન પોલીસ પણ તેની જાળમાં ફસાઈ ગઈ હતી.

વેનિસના મ્યુઝિયમના ઉદઘાટનના દિવસે શાચી સાથે જે આધેડ કપલ હતું તે પુરૂષ વ્યકિત આ ગેન્ગનો સૂત્રધાર હતો. તેણે મેઈન સ્પોન્સરને કેદ કરી એનો ગેટ-અપ કર્યો હતો અને મ્યુઝિયમના ઉદઘાટનમા સામેલ થયો હતો. ડાયમંડવાળી મૂર્તિ સાથેના ફોટો શુટ વખતે રીફલેકટરની આડમાં ઓરીજીનલ મૂર્તિની જગ્યાએ ડુપ્લીકેટ મૂર્તિ ગોઠવી આખું શુટીંગ કરાવ્યું હતું જેથી ડુપ્લીકેટ મૂર્તિ જ ઓરીજીનલ છે એ સાબિત થઇ શકે. આ બધો ખેલ સીસીટીવીમાં રિકોર્ડ થઇ શક્યો નહોતો. કોઇને પણ દુનિયાના પ્રખ્યાત હીરાના વેપારી અને અબજોપતિ સ્પોન્સર ઉપર શંકા પણ ગઈ નહોતી. હવે પ્રશ્ન એ હતો કે ઓરીજીનલ મૂર્તિ મ્યુઝિયમ માંથી બહાર કેવી રીતે ગઈ ? શુટીંગ દરમિયાન વારંવાર શાચીને મેકઅપ કરવાનો જરૂરી હોવાથી મેકઅપ બોક્સમાં મૂર્તિને સંતાડી દઈ બહાર લઇ જવામાં આવી હતી. મૂર્તિ ચોરી અંગેની કોઈપણ જાણકારી શાચીને નહોતી.

જયારે મેઈન સ્પોન્સર વેપારીની ઈન્કવાયરી કરતાં ખબર પડી કે તે દિવસે હીરાઓની ડીલ કરવાની આડમાં એક મીટીંગમાં ગોંધી રાખવામાં આવ્યાં હતાં અને કોઈએ એમનો મેકઅપ અને ગેટ અપ બનાવી ઉદઘાટનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઇન શોર્ટ એ અબજોપતિ વેપારી પણ નિર્દોષ હતો અને કોઈ એક માસ્ટર દિમાગ કામ કરી ગયું હતું પણ પ્રશ્ન એ હતો કે એ ગેંગસ્ટર કોણ ? દરેક ઘટનાને ગંભીર અંજામ બહુજ શાંતિથી કોઈને પણ કોઈ ઈજા ન પહોંચતાં આપનાર કોણ ? દરેક તકનો અને આવનાર દરેક પ્રસંગનું સંપૂર્ણ પ્લાનીંગ કરનાર કોણ ?

શંકાની સોય હવે એક વ્યકિત ઉપર નિશાન સાંધી રહી હતી અને તે વ્યકિત છેલ્લાં ઘણાં દિવસથી ગાયબ હતી અને તે અંગે આજ સુધી કોઈએ તકરાર સુધ્ધાં કરી નહોતી. તે વ્યકિત હતી મિસ્ટર પૌલ થોમસ શાચીના પિતાજી.

અચાનક એક બાતમી બેલ્જિયમના સમાચાર પત્રમાં આવી કે પૌલ થોમસ નામની વ્યકિત એક હોસ્પિટલમાં વર્ષોથી બેભાન અવસ્થામાં જીવી રહી છે સાથે એનો ફોટો પણ છપાયો. આ વાત જયારે ગ્રેસી અને શાચીની કેર ટેકર જુલીને ખબર પડી ત્યારે વર્ષોથી છાતીમાં ધરબી રાખેલું સત્ય ગ્રેસીને કહ્યું અને પછી પોલીસને. થોડાંક દિવસોમાં મેરીની પણ ધરપકડ થઇ. સત્યની કબુલાત કરતાં એણે કહ્યું કે એકવાર બેલ્જિયમમાં થોમસની તબિયત બગડી હતી. સારવાર દરમિયાન કોઈ એક દવાનું રિએકશન થયું હતું અને તે બેભાન થયો હતો તે આજ સુધી ભાનમાં આવ્યો નહોતો. પોતે એની બધી કાળજી લીધી હતી અને થોમસને સારવાર માટે ત્યાં જ રહેવાં દીધો હતો. જે વ્યકિત જોડે એણે બેલ્જિયમમાં સંબંધ બનાવ્યો હતો તે વ્યક્તિને નકલી પૌલ થોમસ તરીકે પોતાનાં કુટુંબમાં સામેલ કર્યો હતો. એ વ્યકિત જુદાજુદા દેશોમાં જુદાજુદા નામે રહેતો હતો અને દરેક વખતે હુરીઓ બદલી ભાગી જવામાં માહિર હતો. અન્ડરવર્લ્ડના દુનિયામાં એ ગ્રેટ જુવેલો તરીકે પ્રખ્યાત છે. રોક પીટર એનો એક પ્યાદો હતો.

એક વાત નક્કી થઇ હતી કે ગ્રેસી અને શાચીના પિતાને વર્ષો સુધી બેભાન રાખનાર, શાચીને બેભાન કરનાર અને જેલમાં મેરીને બેભાન કરનાર વ્યક્તિનું નેટવર્ક બહુ મોટું હતું અને એની મોડસ ઓપેરેન્ડી એક જ હતી કે કોઇપણ વ્યકિત એની ઓળખાણ આપવાની હાલતમાં ન રહે. પોલિસ મ્યુઝિયમના ફોટા દ્વારા એ બહુરૂપીની સાચી ઓળખાણ કરી શકી હતી પરંતું એ કોઈની સામે એ પ્રત્યક્ષ નહોતો આવતો એટલે ભાગી છૂટવામાં સફળ થયો હતો.

શાચીનો ખરો પિતા પૌલ થોમસ, મેરી અને શાચી હવે લંડનની એક હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં પથારીમાં હતાં. ડોક્ટરોની ટીમ કામ કરી રહી હતી. ટ્રીટમેન્ટની અસર શાચી ઉપર વહેલી થઇ કદાચ ઉમરના હિસાબે. શાચીની ફક્ત આંખો ખુલી હતી પણ કીકીઓ સ્થિર હતી. શરીરમાં કોઈ સંવેદનાઓ કે હલનચલન નહોતું. જાણે આંખો ખુલી રહી ગયેલી લાશ જેવી.

સમય જતાં શાચીના ટ્રીટમેન્ટના કારણે આકાશ અને ગ્રેસી નજીક આવી ગયાં હતાં. આકાશ હવે ગ્રેસીમાં શાચીને શોધી રહ્યો હતો જાણે એક છબીની છબી ! થોમસ અને મેરીના મૃત્યુ બાદ ડોક્ટરની ટીમે જવાબ આપી દીધો હતો.

એક દિવસ આકાશે ગ્રેસીનો હાથ પોતાનાં હાથમાં લઇ શાચીના સમક્ષ ઉભાં રહી કહ્યું – “શાચી, માય લવ ! આઈ લવ યુ ! મિસ્ટર થોમસ અને મેરી હવે આ દુનિયામાં નથી. ગ્રેસી હવે દુનિયામાં એકલી છે. ગ્રેસીની સંપૂર્ણ જવાબદારી પોતે લેશે અને ગ્રેસીને શાચીના રૂપમાં સ્વીકાર કરશે. પોતાનો પ્રેમ તારી સુંદર છબીમાં જીવતો રાખશે. આઈ પ્રોમીસ !” આકાશનાં આંખમાંથી આંસુઓ વહી રહ્યાં હતાં.

અચાનક ચમત્કાર થયો, બેભાન શાચીના આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યાં. કદાચ રહી ગયેલી સંવેદનાએ સંદેશો આપ્યો હશે કે કુદરતને આ જ મંજુર હશે. આકાશ અને શાચીનો પ્રેમ ગ્રેસીએ ફળીભૂત કરવાનો હોય. પોતે જાણે નિશ્ચીંત થઇ હોય તેમ બીજી જ ક્ષણે એણે પોતાનો દેહ મૂકી દીધો જાણે અંતરથી કહેતી હોય... God bless you !!

(સમાપ્ત)