એક છબીની છબી - 2 ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક છબીની છબી - 2

એક છબીની છબી

(પ્રકરણ – ૨)

થોડાંક કલાકોમાં પ્રયોગ દરમિયાન બનેલ ધડાકાની વાતો મીડિયાને ખબર પડી. બીજા દિવસે અનેક છાપાઓમાં વાત વહેતી થઇ. ટીવી ઉપર સમાચારોમાં પણ એ વાત મુખ્ય સમાચાર તરીકે હતી. સમીર લંડનમાં હતો. ત્યાં એની કૃતિઓનું પ્રદર્શન હતું એક મોટી આર્ટ ગેલેરીમાં. વાતની જાણ થતાં એ તરત કામ બીજાને સોંપી વળતી ફ્લાઇટ પકડી ભારત પાછો ફર્યો. તે સીધો જ હોસ્પિટલમાં ગયો.

ઉર્વશી આઈસીયુ માં હતી. ઘણાં કલાકો બાદ તે ઊંઘી શકી હતી. ચહેરાં ઉપર સંપૂર્ણ બેન્ડેજ હતું. ઉર્વશીનું બેન્ડેજ સમીર જોઈ ન શક્યો, બંને હાથે પોતાની આંખો બંધ કરી તે બેડ ઉપર બેસી ગયો. દુનિયાની દરેક સુંદરતાને પોતાનાં પેન્સિલ અને બ્રશથી કેનવાસ ઉપર આબેહુબ ચિત્રિત કરનાર માટે આ પળ વિચિત્ર હતી. સપનામાં પણ કદી એણે બદસૂરતી નિહાળી નહોતી. ઉર્વશીના જે ચહેરાં સાથે પ્રથમ પ્રેમ થયો હતો એ શિવાયનો ચહેરો જોવો એનાં માટે શક્ય નહોતું. ખરેખર તો સૌન્દર્ય જોનારની આંખમાં હોય છે ! કદાચ આપણે સુંદર છે એ પર બધાં સહમત ના થાય પરંતુ દરેક માનસ એની તારવણી કે મૂલ્યાંકન કરી તેને આકર્ષણ તરીકે આપણી સામે મુકે છે. એ સમજણ દરેક પાસે જુદી જુદી હોય શકે. દરેકની સુંદરતા નિહાળવાની શક્તિ જુદી જુદી હોઇ શકે એટલે જ તો કલાપીએ કહ્યું હશે – “સુંદરતા પામતાં પહેલાં સુંદર બનવું પડે”. બહુજ ગહન અને મંથન માંગે એવી પંક્તિ છે.

કલાકો સુધી ઉર્વશીની સામે બેસી સમીર કંઇક બીજા વિચારોમાં હતો અને ઉર્વશીની આંખ ખુલી અને પોતાની સામે બેઠેલ સમીરને જોઈ એનાથી એક ધ્રુસ્કું લેવાઈ ગયું. સાંત્વન આપવાં એ એની પાસે દોડી ગયો પરંતું એનો બેન્ડેજવાળો ચહેરો નજીકથી નિહાળવો કઠીન હતું. ઉર્વશીના હાથ પોતાનાં હાથમાં લઇ એ કંઇક સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો. એનાં સ્પર્શમાં કંઇક ખૂટે છે એ ઉર્વશી સમજી રહી હતી. સમીર એની સાથે આંખ મિલાવી વાત કરવાનું ટાળી રહ્યો હતો.

થોડી વારમાં ડોકટરોની એક ટીમ રૂમમાં આવી. સમીરને બધી વાતો કરી. પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે એ બધાં જાણતા હતાં અને તે પણ વહેલી તકે. સમીરે પોતાનાં મનમાં ઘૂંટાતો પ્રશ્ન કર્યો, શું ઉર્વશીનો ચહેરો જેવો હતો તેવો સર્જરીથી શક્ય થશે ?

દરેક ડોક્ટર એક બીજા સામે જોઈ રહ્યાં – “કદાચ શક્યતાં નથી, પરંતું એક્ષ્પર્ટ પ્લાસ્ટિક સર્જન કદાચ એ કરી શકે તો પણ સો ટકા તો નહીજ”.

સમીરે તરત જ એક્સપર્ટ ડોક્ટરોનો સંપર્ક કરવા અને જરૂરી પ્લાસ્ટિક સર્જરી માટે મંજૂરી આપી પરંતું ઉર્વશીને એનો ઓરીજીનલ ચહેરો પાછો મળે એ શરતે. ખર્ચમાં કોઈ બાંધછોડ કરવી નહિ એ તૈયારી સાથે.

દુનિયાનાં ઘણાં પ્લાસ્ટિક સર્જનોને ઉર્વશીના ઓરીજીનલ ફોટા સાથે સ્કલનાં ફોટાં ઇમેલ દ્વારા મોકલવામાં આવ્યાં પરંતું સર્જરી પછી ઉર્વશીનો ઓરીજીનલ ચહેરો આકાર લેશે એવી કોઈ ગેરેંટી આપવાં તૈયાર નહોતાં અને તે શક્ય નથી એવું માનતા હતાં. બધાં પ્રયત્નો ફેલ ગયાં. અચાનક એક પ્લાસ્ટિક સર્જનને છાપાં દ્વારા આ વાતની ખબર પડી. તેણે હોસ્પિટલના ડોક્ટરો જોડે કોન્ટેક્ટ કરી વિડીઓ કોન્ફરેન્સ કરી. વિડીઓ કોન્ફરન્સ દરમિયાન એણે હેટ એ રીતે પહેરી હતી કે એનો ચહેરો જોવો મુશ્કેલ બને. પ્લાસ્ટિક સર્જરી પછી જ જો જરૂરી હોય તો એ પોતાનો આખો ચહેરો બતાવશે એવી એની અજુગતી અટ હતી. એની શરતો વિચિત્ર હતી – એક, એ ચોક્કસ પ્રયત્ન કરશે જેથી ઉર્વશીનો ચહેરો આબેહુબ બનાવી શકાય. બીજું એકપણ પૈસો કે ફી લેશે નહિ. પેશન્ટને લંડનની હોસ્પિટલમાં દાખલ કરવું. પેશન્ટની સંપૂર્ણ જવાબદારી એનો સ્ટાફ લેશે. કોઈએ પણ એને વ્યક્તિગત રીતે મળવાનો આગ્રહ કરવો નહિ, એટલે કે પોતે કોઈપણ વ્યક્તિને વ્યક્તિગત મળશે નહિ એટલે કે સમીરને પણ નહિ.

વાત હવે ફક્ત એક વિશ્વાસની હતી, અંધારામાં તીર મારવા જેવી. બીજો કોઈ ઉપાય નહોતો. બધાં ડોક્ટરો વિચારમાં પડી ગયાં અને સમીરને વાત કરી એની મંજૂરી લીધી અને આખરી જોખમ ગણો કે પરિણામ માટે તૈયાર રહી સંજોગોને માન્ય કરી સ્વીકારવાની ઘડી હતી. આખરે ઉર્વશીનો કેસ ડોક્ટર આકાશને સોપવામાં આવ્યો. સમીર અને બીજા ડોક્ટરો ઉર્વશીને લઇ લંડન પહોંચી ગયાં.

સમીર માટે ઉર્વશી વગર જીવવું અઘરું હતું. એ જયારે પણ ઘરે હોય ત્યારે સંપૂર્ણ સમય ઉર્વશી સાથે વિતાવતો. આજે એ ઉર્વશીના રૂમમાં હતો. લગ્ન પહેલાં બનાવેલાં ઉર્વશીના ચિત્રો એણે ખાસ એક નિરાળા અંદાજમાં સજાવી રાખ્યાં હતાં જાણે એક આર્ટ ગેલેરી હોય તેમ ! ઉર્વશી એનાં માટે એક પ્રકૃતિનું અનોખું ચિત્ર હતું. પ્રકૃતિની સુંદર સ્ત્રી હતી, એને મળેલ એક દિવ્ય ભેટ જેવી. ઉર્વશીના વાળની લટો જાણે મંદ મંદ પવનમાં લહેરાતી વેલીઓ હતી. એનાં ઘુંઘરાળા વાળ જાણે ડુંગરો, પર્વતોની ઉપર લહેરાતા વૃક્ષોની ઘટા. એનું કપાળ જાણે એક સુંદર તામ્રપત્ર - એનું અને પોતાનું ભાગ્ય એનાં ઉપર લખાયું હોય ! કપાળ ઉપર શોભતી બિંદી જાણે શુભ સવારની લાલિમામાં ઉગતો સુર્ય સંપૂર્ણ દિવસ પ્રકાશ ફેલાવતો હોય અને સાંજ થયે આવતી કાલને મળવા આતુર હોય. આંખોની પાંપણો જાણે ધીરે ધીરે ઉછળીને કિનારાને મળવા આતુર હોય એવી શાંત વહેતી લહેરો. આંખોનો એ સફેદ રંગ અને એમાં નાજુક નજાકત ભરી સ્વચ્છ આકાશી રંગની કીકીઓ. હાય ! માર ડાલા.... એ શબ્દો સમીર હંમેશ ઉર્વશીને કહેતો. પરંતું જયારે એ લેબના અકસ્માત પછી મળ્યો ત્યારે એ સંપૂર્ણ ચહેરાની આંખની ખુલી બારીઓમાં એ ડોકાવી શક્યો નહતો. સમીર એની જોડે આંખો મિલાવી શક્યો નહોતો. એનાં મગજમાં સતત એક જ પ્રશ્ન પરેશાન કરી રહ્યો હતો, શું એ ઉર્વશી એનાં ચિત્રોની અને કલ્પનાની સુંદર મૂર્તિ સમી એની સામે ફરી આવશે ? ડોક્ટરનું કોઈએક નાજુક શસ્ત્ર ભૂલથી એનાં એ ખુબસુરત ચિત્રને બગડી તો ના દે ? જો એનાં હાથમાં હોત તો એને વધુ સુંદર બનાવત કે બનાવવાની કોશિશ કરત પરંતું એ ડોક્ટર નહોતો એક ચિત્રકાર હતો. રેખાઓ અને રંગોમાં માહિર એક ચિત્રકાર, એક આર્ટીસ્ટ એક પ્રેમી હતો. ખરેખરે ગૃહસ્થી પછી પણ એણે પોતાનાં પ્રેમને પ્રેમિકાનો દરજ્જો જ આપ્યો હતો, પત્નીનો હરગીઝ નહિ ! વાહ !

હોસ્પિટલમાં ઉર્વશી એકલી હતી. સવારથી સાંજ સુધી હોસ્પિટલના સ્ટાફથી લઇ નર્સો અને ડોક્ટર ઉર્વશીનું ખૂબ ધ્યાન રાખતાં હતાં. દરેક દવા અને ઉપચાર મિનિટે મિનિટનો હિસાબ રાખી થઇ રહ્યો હતો. આજે એનાં ચહેરાનું બેન્ડેજ પ્લાસ્ટિક સર્જરીના અભ્યાસ માટે ખોલવાનું હતું. ક્યાં અને કેવી રીતે સ્કીનના લેયરને રીમુવ કરવું અને ક્યાં નવું લેયર રિપ્લેસ કરવું એની સંપૂર્ણ જાણકારી ડોક્ટર આકાશે ઉર્વશીના ચહેરાનો પૂરેપુરો અભ્યાસ કરી નક્કી કરેલ હતો સ્કલના સ્કેન અને ફોટોગ્રાફ્સ દ્વારા. તે પ્લાસ્ટિક સર્જરીમાં માહિર હતો. આકાશના દરેક કેસની ફી તગડી રહેતી. સામાન્ય વ્યકિત માટે એ અશક્ય હતું. દુનિયાના રઈસ, નામવંત અમીર જ એની પાસે ટ્રીટમેન્ટ લેતાં. અમુક સેલેબ્રિટી જ એનાં લીસ્ટમાં હતાં. એનો સ્વભાવ જરાક મૂડી હતો એટલે કે સાદા શબ્દોમાં સણકી મિજાજનો. જાહેરમાં મળવાનું કે પાર્ટીઓમાં જવાનું એણે ઘણાં વખતથી ટાળ્યું હતું. એનાં હવે કોઈ મિત્રો પણ નહોતાં. વીક-એન્ડ એ પોતાની રીતે ગાળતો. પોતાની પર્સનલ લાઇફ એ કોઈની સાથે શેર નહિ કરતો. આકાશનાં ચહેરાં નીચે એક બીજું આકાશ હતું. સણકી સ્વભાવને લીધે એ પોતાની રીતે કામને અંજામ આપતો. ડોક્ટર આકાશના નકારને હા માં તબદીલ કરવું શક્ય નહોતું. કદાચ એટલે જ ભારતના ડોક્ટર એનો સંપર્ક કરી શક્યા નહોતાં. પરંતું અચરજની વાત એ હતી કે ડોક્ટર આકાશે ઉર્વશીનો કેસ સામેથી હાથમાં લીધો હતો અને તે પણ કોઈ ફી વગર ? શું કારણ હશે ? હજુ સુધી કોઈ એનો ચહેરો પણ પૂરેપુરો જોઈ શક્યા નહોતાં.

સમીરને એની આ શરત ગમી નહોતી, પરંતું શું કરી શકે ? સમીરની દશા સમજવી મુશ્કેલ હતી. હજુ સુધી લેબમાં કોઈને ખબર પડી નહોતી કે કોઈ કબુલ્યું નહોતું કે અકસ્માત પછી ઉર્વશીને લેબોરેટરીમાંથી કોણ બહાર કાઢી લઇ ગયું અને હોસ્પિટલમાં એડમીટ કરી ? એક રહસ્ય જ હતું.

(ક્રમશઃ)