એક છબીની છબી - 6 ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક છબીની છબી - 6

એક છબીની છબી

(પ્રકરણ – ૬)

મધ્યરાત્રિ થઇ ગયી હતી. ટેબલના ખાનામાં ઉર્વશીના ડોક્યુમેન્ટ મુકવા જતાં, શાચીની તસ્વીર આગળ સરકી આવી એની સાથે બીજી એક તસ્વીર હતી જે શાચીના ફેમિલીની હતી – મિસ્ટર થોમસ, મિસિસ મેરી, ગ્રેસી અને શાચી. બંને જોડિયા બહેનો. એક સરખી સુંદર જાણે ફોટોકોપી. બંને તસ્વીરો ટેબલ ઉપર મૂકી અને એની નજર ત્રીજી એક તસ્વીર પડી જે ઉર્વશીની ઓરીજીનલ તસ્વીર હતી લેબના અકસ્માત પહેલાંની. ઓહ.. શું અજાયબી ? ઉર્વશીનો ચહેરો શાચી અને ગ્રેસીને તદ્દન મળતો હતો. કદાચ ફેર હોય તો સ્કીન કલરનો અને તે પણ નજીવો જો પ્રત્યક્ષ ઉર્વશીને જોવામાં આવે તો કળી શકાય. આજ સુધી જુડવાં વ્યક્તિઓ એક સરખા હોય એ જોયું અને જાણ્યું હતું પરંતુ ત્રણ ચહેરાં એક સરખાં ? આ કુદરતનો એક ચમત્કાર જ હતો ?

એ શાચી અને ઉર્વશીનો ચહેરો નીરખી નીરખીને જોઈ રહ્યો હતો. ચહેરાં ઉપર ક્યાંય કોઈ ફેર નહોતો. બે દિવસ બાદ ઉર્વશીની પ્લાસ્ટિક સર્જરી સફળતાં પૂર્વક પૂરી થઇ. ચહેરાં ઉપર બેન્ડેજ કરી દેવામાં આવ્યાં. સર્જરી વખતે એના વિશ્વાસુ સ્ટાફ શિવાય કોઈ નહોતું. દરેક સર્જરીની ગોપનીયતા રાખવામાં આવતી. આકાશે સર્જરીની જાણ ચિત્રકાર સમીરને ઇમેલ દ્વારા કરી દીધી. હજુ થોડાંક દિવસો હિલિંગ એટલે કે ઘા ભરવામાં અને સ્કીન એકરૂપ થવામાં લાગશે એવી જાણ પણ કરી.

સમીર માટે આ સુખદ સમાચાર હતાં. થોડાંક દિવસોમાં વિરહ પુરો થશે એ આશાથી એ ખુશ હતો પણ ઉર્વશીનો ચહેરો એની આંખ સામે સતત ફરતો રહેતો. ઉર્વશી અને સમીર બહુ રોમાન્ટિક હોય ત્યારે એમનાં પ્રેમાલાપની મહેફિલ કંઇક આમ ચાલતી તેની યાદ આવી -

સમીર કહેતો -

“વિરહ મહેસુસ નહી કરું, પ્રેમ દરિયામાં ક્યાં ભરતી-ઓટ હોય છે,

રહીશ તું સદાય મારી સાથે, મુસ્કુરાતી યાદોનાં તરંગોમાં.”

જવાબમાં ઉર્વશી કહેતી –

“હું રડીશ નહી વિરહમાં, આંખોમાં તું છે,

પાંપણ નહી ઉઘાડું, આંસુમાં પ્રતિબિંબ તારું કેદ છે”

પણ આજે સમીરનાં આંખોમાં આંસુ હતાં. વિરહ સહન કરવો હવે એનાં માટે આકરું હતું. પાંખ હોત તો કદાચ ઉડી જઈને ઉર્વશીને મળી આવત, પણ ડોક્ટર આકાશની શરત હતી કે સર્જરી બાદ પેશન્ટ સંપૂર્ણ ફીટ નાં થાય ત્યાં સુધી પેશન્ટને મળવું અશક્ય હતું. ડોક્ટર આકાશનાં ઇમેલ જ દિલાસો આપતાં અને વિરહના દિવસો ઘટાડતાં અને સાંત્વન આપતાં.

***

શાચી અને આકાશ એક બીજાનાં નજીક આવી ગયાં હતાં. આકાશના એક તરફી પ્રેમને હવે બીજી એક પાંખ મળી હતી. શાચી અને આકાશ હવે પ્રેમ ગગનમાં ઉડી રહ્યાં હતાં. પ્રેમ પણ કેવો અજબ છે ? પ્રેમ થાય છે કે થઇ જાય છે ? બે જણા મળે ત્યારે સ્પાર્ક થાય છે ? દૃષ્ટિ બે નજરો એમાં ભાગ ભજવે છે કે બે દિલો ધબકીને કંઇક સંજ્ઞા આપે છે ? મનમાં એ વસી જાય છે કે વિચારોથી પ્રેમને સ્પુષ્ટિ મળે છે ? પ્રેમ આંધળો છે એમ કેવી રીતે કહેવાય ? શરૂઆત તો બે નયનોએ કરી છે ? બંને નજીક આવ્યાં એટલે પ્રેમ થયો કે બંને દુર થયાં એટલે પ્રેમ વધ્યો ? ના.. પ્રેમ એક શબ્દ નથી. એક ભાવના છે એક એહસાસ છે. બે ચોખ્ખાં (પ્યોર) દિલોની પવિત્ર વાત છે ! પ્રેમ બે હૈયાની અદૃશ્ય આકાર પામેલ એક મૂર્તિ છે, શ્વાસ એનાં શણગાર છે, ધડકન એનો ઘંટારવ છે, વિશ્વાસ એની પૂજા છે !

તારી આંખોમાં જોયું ને ડૂબી ગયો, મહોબતમાં મરવું પડે સમજી ગયો,

યાદ તારી જયારે આવી, ત્યારે સમજ્યો કે પ્રેમ તરવૈયો બની ગયો,

મોત હવે છેટું રહેશે ગડમથલમાં, કેવી રીતે લઇ જાવું એહ’ને ?

મહોબતમાં તરતી જીવતી લાશ, દિલ બે પણ જાન એક છે !

***

સર્જરી બાદ ઉર્વશીના ચહેરાનાં બેન્ડેજ કાઢી નાખવામાં આવ્યાં. ડોક્ટર આકાશની મહેનત ફળી. એનો વિશ્વાસ અને હાથની કારીગરી અને દિમાગની ગણતરી કારગર નીવડી. સર્જરી સફળ રહી. ઉર્વશીએ હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે એવો ઇમેલ સમીરને આપ્યો –

“ચહેરાની સ્કીન ઝાંખી પડી ગયેલ હોવાથી પીગમેન્ટેશનની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. ચોક્કસ કેટલો સમય લાગશે એ જણાવવું મુશ્કેલ છે. પેશન્ટના પ્રકૃતિ ઉપર એનો આધાર હોય છે કે પેશન્ટનું શરીર ટ્રીટમેન્ટને કેવી રીતે એક્સેપ્ટ કરે છે.”

ડોક્ટર આકાશે હવે પીગમેન્ટેશનની ટ્રીટમેન્ટ શરુ કરી. પહેલાં લાદવામાં આવેલી શરતોમાંથી તેને ધીરે ધીરે મુક્તિ મળશે એવું ડોક્ટર આકાશે એને કહ્યું ત્યારે એ ખુશ થઇ. તે હવે થોડી થોડી વાતો કરી શકશે પણ નિયંત્રણમાં જેથી ચહેરાની સ્કીનને કોઈ નુકસાન ના થાય માટે. ઉર્વશીએ પહેલાં સમીર જોડે વાત કરવાની પરવાનગી માંગી અને ડોક્ટર આકાશે એની સ્વીકૃતિ આપતાં એક મોબાઇલ હેન્ડસેટની વ્યવસ્થા કરી આપી.

ઘણાં દિવસો બાદ સમીર અને ઉર્વશીની વાત થઇ. ઉર્વશીનો અવાજ સાંભળી સમીરનો બધો વિરહ ખલાસ થયો હોય એવું લાગ્યું. લગભગ એક કલાક સુધી એક કલાકારનું ચિત્ર અને એક કલાકાર વાતો કરી રહ્યાં હતાં. લાગણીઓનું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ હતું, પરંતું સાંભળી રહેલ એક ચિત્રકાર પોતાનાં પેન્સિલ વડે ઉર્વશીના શબ્દોની ભાવના, લાગણી, વિરહ, આશા, ઉમંગને એક અનોખું રૂપ આપી ઇન્સ્ટન્ટ ચિત્ર દોરી રહ્યો હતો. એક ગ્રેટ ચિત્રકાર લાગણીસભર શબ્દોને પોતાની કળા દ્વારા એક નવો આયામ આપી રહ્યો હતો. શબ્દોનું રૂપાંતર પેન્સિલની દરેક રેખાઓમાં અંકિત કરી રહ્યો હતો જાણે ઉર્વશી સાથે થઇ રહેલ પ્રેમાલાપને ચિત્રની રેખાઓમાં રિકોર્ડ કરી રહ્યો હતો. એ સમજી શકતો હતો કે ઉર્વશીના સુંદર મૃગનયનોમાં લાચારીના અશ્રુ એનાં ખભાને ભીજવી નાખવા તલસી રહ્યાં છે, તે સમીરને મળવા આતુર હતી. ઉર્વશીના શબ્દોની શૈલી એક કવિ હૃદયની ઉર્મીઓને ટપી જાય એવી હતી. સમજ નહોતી પડતી કે પ્રેમ અને વિરહમાં પ્રેમીઓ કેટલું બધું શીખી લેતાં હોય છે કેટલું બધું આપમેળે આત્મસાત કરી લેતાં હોય છે -

જે દુનિયાની કોઈ બુકમાં હજુ સુધી છપાયેલ નથી - ક્યાંથી હોય દરેક પ્રેમીઓની વાતો જુદી છે, અલગ છે, શબ્દ રચનાઓ વિશાળ છે, અપાર છે.

ક્યાંય પ્રેમીઓને પ્રેમ કરવાનું શીખવનાર શાળા નથી – ક્યાથી હોય, બે આંખો મળે એ એમનો ક્લાસ, બે હૃદય મળે એ શાળા, બે ભાવનાઓ સાથે જીવવાં મારવાનાં કોલ આપે એ એમની યુનિવર્સીટી.

ક્યાંય વિરહ કેમ સહન કરવો એના કોચિંગ ક્લાસ નથી – ક્યાંથી હોય, દિલને લાગેલી આગ ક્યાં જોઈ શકાય ? જોઈ શકે ફક્ત અરસ-પરસના દિલ. લાગણીઓના તાર.

બસ્સ... બે આંખો મળે અને એક અનોખી શ્રુષ્ટિ રચાઈ જાય, દરેક પ્રેમીની પોતાની એક જુદી શ્રુષ્ટિ ! એક અલગ દુનિયા !

લગભગ એક કલાક બાદ જયારે ડોક્ટર આકાશ પરત ફર્યા ત્યારે ઉર્વશી અને સમીરનો પ્રેમાલાપ ચાલું હતો. આકાશે ઉર્વશીને ઈશારાથી વાતો બંધ કરવા કહ્યું. ઉર્વશીને વાત બંધ કરવા માટે કે પૂરી કરવા માટે પૂર્ણ વિરામ મળતો નહોતો !

આખરે આકાશ બંને હૃદયની લાગણીઓ સમજી ગયો અને નર્સને મોકલી. નર્સ આવવાથી ઉર્વશીને કંઇક રાહત થઇ અને દવાનો સમય થયો છે સમજી ગઈ. નર્સ સામે ઉભી છે એમ કહી વાતને પૂર્ણ વિરામ આપ્યો અને ફરી આવતી કાલે ફોન કરશે એમ પ્રોમીસ આપી વાત પૂરી કરી.

ફોનની વાત પૂરી થઇ પણ હવે સમીરના આંખોમાં ઊંઘ નહોતી. કેનવાસ ઉપર એનો હાથ નિરંતર કામ કરી રહ્યો હતો. એ હવે ઉર્વશીના પોટ્રેટમાં ખોવાઈ ગયો હતો. પેન્સિલના કામ બાદ એનાં હાથ રંગો અને બ્રશ ઉપર ફરી રહ્યાં હતાં. રિકોર્ડ થયેલ દરેક વાત હવે રંગો દ્વારા ધ્વનીનું સર્જન કરી રહી હતી. દરેક રંગ હવે કંઇક કહી રહ્યો હતો.

બ્રશનો છેલ્લો ટચ આપી જ રહ્યો હતો ને મોબાઈલમાં રીંગ વાગી... ઉર્વશીનો અવાજ સાંભળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે છેલ્લાં ચોવીસ કલાકથી એક જગ્યા ઉપર ભૂખ્યા, તરસ્યાં ઉભાં રહી એ ચિત્ર બનાવી રહ્યો હતો ત્યારે ખબર પડી કે પ્રેમીઓના ઘડિયાળને કાંટા હોતા નથી !

(ક્રમશઃ)