વાતો નાનકડા મલકની - ભાગોળની ભિક્ષા (લઘુકથા) K Barad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાતો નાનકડા મલકની - ભાગોળની ભિક્ષા (લઘુકથા)

સવારથી જ ધખીને ધરણીને ધખાવી રહેલો સુરજ હવે આથમણી કોરની ક્ષિતિજ ભણી જાવા માંડ્યો હતો. એના અસ્તાચળ સમયના આગ ઓકતા તેજોમય કિરણો જાણે ધરતીને હજી ધખાવવા જ માંગતા હતાં પણ કુદરતના કાયદાને માન આપીને ધીરે-ધીરે ઓસરવા માંડ્યાં હતાં. એકાદ ખોળંગાતી ગાયને બાદ કરતાં લગભગ ગોધણ ગોંદરે પહોંચી ચુક્યું હતું. અધૂરીયાં જીવના અમુક આદમીઓ આજે મારી ઓળકીને બરોબર ધરવી નથી એવું ગાયના પેટમાં પડેલો વાંભ એકનો ખાડો જોઇને ગોવાળને કહેતાં હતાં.

એ વખતે ભાગોળને સ્પર્શતા છેલ્લા ઘરને બારણે અહાલેકની હાંકલ મારીને થોડી વાટ જોવા છતાં કોઇ બહાર ન ડોકાતા એક બાવાએ આથમણી દિશા પકડી અને ગામની બહાર આવી ગયો. ઘેઘૂર લીમડાંની હેઠે આવેલ છાપરામાં પાર વિનાનાં કાણા વાળી પોતાની ઝૂંપડીમાં તે ગયો અને મળ્યો હતો તેટલો લોટ લાકડાની કોર ભાંગલી કથરોટમાં ઠલવીને ચૂલો સગળાવવા બેઠો.

હજી તો ચૂલામાં નાખેલા કરગઠીયાંમાં ચમકલો કરે એ પહેલાં તો ફૂંકાતો વાયરો ગામમાંથી આઠ-દસ સાગમટી ગાળોનો મારો લઈને આવ્યો અને સીધો જ બાવાના કાન પર પ્રહાર કર્યો. એ બહાર નીકળ્યો. સૂર્ય આથમી ચુક્યો હતો છતાં વનરાજ ચાવડાના ગયાં પછી અણહિલવાડની ગાદી પર પ્રસરતા પ્રતાપ જેવા એના અજવાળા હજી બાવાની આંખોને ગામની ભાગોળે થતી ઝપાઝપીના નિશાન દેખાડી દે એટલાં તો શક્તિમાન હતાં જ.

ઊધઇથી અડધું થઇ ગયેલું બારણું વાસીને બાવાએ ગામ તરફ ડગ માંડ્યાં. બે પળમાં એ ભાગોળે આવી પહોંચ્યો. જોયું તો ભાગોળને અડીને આવેલા ઘરના ફળિયામાં ઘમાસાણ મચ્યું હતું. નાનકડું ટોળું એકબાજુ જમા થઈ ગયેલું. ફળિયા વચ્ચે એક બાઈ ઉંધેકાંધ પડી હતી. એના ધૂળમાં રગદોડાઇને ભૂરાં પડી ગયેલાં વાળને 'ઝટીયાં' જ કહી શકાય તેવા થઈ ગયાં હતાં. સાડલો ફાટીને ખસેડાઈ ગયો હતો અને ઉઘાડા પડેલાં એના વાંસા પર ઓતરડા જોઈ શકાતા હતાં. એ ધીમું આક્રંદ કરી રહી હતી...સાવ ધીમું. ઓટલાં પર સમ્રાટની અદામાં બેઠેલો આદમી એનો પતી હતો. એણે જ બાઈને ઢીબી હતી એ એના ખાર ખાઈ ગયેલાં મોઢામાંથી છૂટતી બેફામ ગાળો પરથી ચોખ્ખું જણાતું હતું.

બાવાને યાદ આવ્યું- આ જ ઘરે એણે છેલ્લે હાકલ નાખેલી અને કોઈ બહાર ન ડોકાતા પાદરની દિશા પકડેલી.

"ઉજ્જડની...છોકરાને હીંચકાવવામાં તું એટલી બધી આંધળી થઈ ગઈ'તી કે આંગણે આવેલ બાવાજીને ઠાલા કાઢ્યાં...!"

બાવો આંખો ફાડીને ફળિયામાં પડેલી બાઈ ભણી જોઈ રહ્યો. એનું ધૂળમાં ઢંકાયેલું મુખ તો જોઈ શકાય તેમ હતું નહી પણ એનું ધીમું આક્રંદ બાવાના કાળજામાં ઉતરી ગયું.