Satya Asatya - 11 books and stories free download online pdf in Gujarati

સત્ય અસત્ય - પ્રકરણ - 11

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૧

પ્રિયંકા યુનિવર્સિટીના વાતાવરણમાં ખૂબ ઝડપથી ગોઠવાવા લાગી. ચારે તરફ ફેલાયેલા બોસ્ટન યુનિવર્સિટીના કેમ્પસમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટનાં મકાનો હતાં. યુનિવર્સિટીનાં મકાનોના ગુંબજ આખાય વાતાવરણને અજબ જેવી આભા આપતા હતા. દેશ-વિદેશમાંથી આવેલા હજ્જારો વિદ્યાર્થીઓ, જેમાં કાળા, ધોળા, ઝીણી આંખવાળા, ભૂરી આંખવાળા, બ્રાઉન ચામડીવાળા, ચાઇનીઝ, એશિયન, આફ્રિકન ચહેરાઓ ઊભરાતા રહેતા. આટલી મોટી યુનિવર્સિટી અને એના વાતાવરણમાં પોતાની જાતને એડજસ્ટ કરતી ગયેલી પ્રિયંકાએ ધીમે ધીમે દેશને વિસારે પાડવા માંડ્યો હતો. એની જિંદગીમાં બનેલી ઘટનાઓને મનના કોઈ ખૂણામાં મૂકીને એનાં બારણાં બંધ કરી દીધાં હતાં.

સત્યજીત સાથેનો છેલ્લો સંવાદ હજીયે ક્યારેક એને બેચેન કરી જતો. એની સંવેદનશીલતા એને સવાલ પૂછતી, પણ એણે નક્કી કરી લીધું હતું કે જિંદગીમાં આગળ વધી જવાનું - પાછળ વળીને નહીં જોવાનું...

પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસના વિષયો સાથે ભણવાની પ્રિયંકાને ખૂબ મજા આવતી હતી. નવી દુનિયામાં નવા લોકો સાથેનો પરિચય એને જીવનના અનુભવો આપી રહ્યો હતો.

આટલી વિશાળ લાઇબ્રેરી અને રેફરન્સ સેન્ટર ભારતમાં એણે ક્યાંય નહોતા જોયા. એ સમજી શકતી હતી કે અમેરિકાના લોકો આટલી બધી પ્રગતિ કરી શક્યા છે એનું કારણ શું છે. ઓબામાની સરકારમાં અમેરિકાની રાજકીય પરિસ્થિતિ પણ ઝડપથી બદલાતી જતી હતી. ભારતીયો અને એશિયન્સ માટે ઉજ્જવળ તકો દેખાઈ રહી હતી...

પ્રિયંકાએ આ જ દેશમાં રોકાઈ જવા માટે પોતાની જાતને ધીમે ધીમે કારણો આપવા માંડ્યાં હતાં. એને આ દેશની સગવડો, સમૃદ્ધિ કે લાઇફ સ્ટાઇલ સાથે કોઈ લેવાદેવા નહોતા. એને એક જ વાત આકર્ષતી હતી, અહીંની હવામાં એક પ્રકારની મુક્તિ હતી - આઝાદી હતી. અહીં એક માણસ બીજા માણસનો ન્યાય તોળવાનો પ્રયાસ નહોતો કરતો. કોણ કેવી જિંદગી જીવે છે એ વિશે અહીં કોઈ પ્રશ્નો નહોતું પૂછતું. પ્રિયંકાને આ દેશમાં આવીને એક અજબ પ્રકારની રાહતનો અનુભવ થયો હતો. એનું એક કારણ એ પણ હતું કે અહીંનો એક પણ માણસ એના ભૂતકાળ વિશે કશું જ નહોતો જાણતો. અહીંની પ્રિયંકા અમદાવાદથી આવેલી પ્રિયંકા કરતા સાવ અલગ અને સાવ જુદી વ્યક્તિ હતી.

એની સ્વપ્નીલ આંખો, નમણો ચહેરો, લાંબા વાળ અને બેનમૂન સુંદરતા સાથે એ એના વર્ગમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. આમ પણ એશિયન છોકરીઓ પરદેશી લોકોને બહુ ગમે છે. એમાંય પ્રિયંકા તો ભારતીય સુંદરતાનો નખશિખ પુરાવો હતી ! એની ગહેરી ઉદાસી એની સુંદરતાને રહસ્યમય બનાવતી હતી, એ રહસ્યને પામવા માટે એની બેચના લગભગ તમામ છોકરાઓએ એની સાથે દોસ્તી કરવાનો, ડેટિંગ કરવાનો પ્રયાસ કરી જોયો. પ્રિયંકા બહુ જ સલુકાઈથી અને સહજતાથી સ્પષ્ટ ના પાડી દેતી.

લગભગ એક મહિનો વીતી ગયો. એણે આદિત્યનો સંપર્ક જ નહોતો કર્યો. એરપોર્ટ પરથી છૂટા પડ્યા પછી આદિત્યએ પણ પ્રિયંકાને ફોન નહોતો કર્યો. પ્રિયંકાને એક-બે વાર આદિત્ય યાદ આવ્યો. પોતે અહીંયા આવી શકી એનું કારણ આદિત્ય હતો ને તેમ છતાં પ્રિયંકાને લાગતું હતું કે આદિત્યને સંપર્ક કરવાથી એની એકલતાની દીવાલમાં તિરાડો પડી જશે.

આદિત્ય એવો જ માણસ હતો. કોઈનીયે ઉદાસીને એ લાંબો સમય ટકવા દે એમ નહોતું. પ્રિયંકાને લાગતું હતું કે આદિત્યને મળતાં જ એની ઉદાસી વિખરાઈ જશે. માંડ માંડ સાચવીને રાખેલું એની પીડાનું મોતી આદિત્યના આવતા જ ઝાકળ બનીને ઊડી જશે. પ્રિયંકા રોજ સત્યજીતના પત્રો બહાર કાઢતી, ફરી ફરીને વાંચતી, એની સાથે જીવેલા દિવસોને મમળાવતી અને પોતાની ઉદાસીને સ્મૃતિનાં ઝાંઝવા પીવડાવી- પીવડાવીને ઉછેર્યા કરતી.

કેન્ટિનમાં પણ એકલી જ જમતી. સામાન્ય રીતે એના રૂમનો દરવાજો બંધ રહેતો, જેમાંથી ક્યારેક ભારતીય સંગીતના સૂરો રેલાતા...

પ્રિયંકા એની યુનિવર્સિટીના કલાકો સિવાય ભાગ્યે જ કોઈને મળતી કે બહાર નીકળતી... એણે પોતાની જાતને એકલતાની એક એવી દુનિયામાં કેદ કરી લીધી હતી, જે દુનિયામાં દાખલ થવાનો રસ્તો એણે પોતે જ બંધ કરી દીધો હતો. ધીમે ધીમે એને આ એકલતા, ચુપકિદી કોઠે પડવા લાગી હતી. ક્યારેક દાદાજીના કે મા-બાપુના ફોન આવતા ત્યારે ઘર યાદ આવી જતું. માના હાથની ગરમ ગરમ રોટલીની સુગંધ એના નસકોરામાં થઈને ફેફસાં સુધી પહોંચી જતી. દાદાજીના હાથે માથામાં નખાતું તેલ, બાપુ સાથે ડાઇનિંગ ટેબલ પર થતી ગરમ ગરમ ચર્ચાઓ, બધું જ એકસામટું યાદ આવી જતું... ક્યારેક ઓશિકું પલળી જતું તો ક્યારેક આખી રાત એના નાનકડા સ્ટૂડિયો અપાર્ટમેન્ટની બાલ્કનીમાં આકાશ જોતા વીતી જતી. એની આસપાસની રૂમમાં રહેતી છોકરીઓએ પણ એની સાથે દોસ્તી કરવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પણ પ્રિયંકા કોઈને પોતાના સુધી આવવા દેતી નહોતી.

સત્યજીતની સાથે સાથે પ્રિયંકાની જિંદગીમાંથી ખડખડાટ હાસ્ય, તોફાન, મસ્તી અને બાળસુલભ આનંદો પણ ખોવાઈ ગયા હતા. એ અચાનક વીસ વર્ષ મોટી થઈ ગઈ હતી. પોતાની જાતને એક પ્રૌઢ સ્ત્રી અનુભવવા લાગી હતી. સત્યજીત સાથેનો એક સંબંધ પૂરો થવાની સાથે સાથે પ્રિયંકાની જિંદગીનો એક અધ્યાય પૂરો થઈ ગયો હતો...

એક દિવસ એ લાઇબ્રેરીમાંથી બહાર નીકળતી હતી ત્યારે કોઈકે એના માથે ટપલી મારી. પ્રિયંકા ચોંકીને ગુસ્સે થવા માગતી હતી કે આદિત્યને જોઈને એની આંખો આશ્ચર્યમાં પહોળી થઈ ગઈ.

“તું ?”

“મારા સિવાય કોણ ઓળખે છે તને અમેરિકામાં ?” આદિત્યએ ફરી ટપલી મારી, “આવી રીતે ટપલી મારી શકે એટલી દોસ્તી છે તારી કોઈની સાથે ? દુઃખી બાળા !” આદિત્યના ચહેરા પર શરારત હતી. એક નિર્દોષ, પરાણે વહાલું લાગે એવું સ્મિત એને વધુ આકર્ષક બનાવતું હતું.

આવી રીતે અચાનક આવીને પોતાની એકલતા તહસનહસ કરી નાખે એ વાત એને બહુ ગમી નહીં, “એવું માનવાની જરૂર નથી.”

“માનતો નથી, ખાતરી છે. તું કોઈ સાથે દોસ્તી કરી શકે એમ છે જ નહીં.” આદિત્યએ જે આત્મવિશ્વાસથી કહ્યું એનાથી પ્રિયંકાને નવાઈ લાગી.

“એટલે ?”

“દોસ્તી કરવા માટે આપણે આપણી ઓળખાણ આપવી પડે... તને કોઈ ઓળખી જાય એની તને બીક લાગે છે.”

“જા જા હવે...” પ્રિયંકાને શું કહેવું તે સમજાયું નહીં, પણ એને સાચે જ આદિત્યનો ભય લાગી ગયો. બે જ મુલાકાતમાં આ માણસ એને પુસ્તકની જેમ વાંચવા લાગ્યો હતો.

“જતો જ રહીશ, આમ પણ તું કંઈ બહુ ઇન્ટ્રેસ્ટિંગ કંપની નથી કે રોકાવાની ઇચ્છા થાય. બોસ્ટનમાં એક પ્રોપર્ટી જોવાની હતી.” એ ફરી હસ્યો, “તારી ખબર કાઢવા નથી આવ્યો.”

“મેં પૂછ્‌યું ?” પ્રિયંકાનો અહમ્‌ છંછેડાઈ ગયો.

“ના, એટલે જ મેં કહી દીધું.”

“જમ્યો ?”

“હાશ ! આટલી માણસાઈ તો બચી છે તારામાં. મને તો એમ કે તું આવજો કહીને કાઢી મૂકીશ.”

“હું એટલી ખરાબ છું ?” આદિત્યએ મજાકમાં કહ્યું હતું, પણ પ્રિયંકાને અચાનક ડૂમો ભરાઈ ગયો, “તેં મારું કેટલું ધ્યાન રાખ્યું, મારી બધી મદદ કરી અને મેં તને એક ફોન પણ ના કર્યો... તદૃન થેન્કલેસ અને માણસાઈ વગરનું વર્તન કર્યું... સાચી વાત છે તારી.”

“સ્ટૂપીડ...” આદિત્યએ ફરી એક ટપલી મારી, “સેન્સ ઑફ હ્યુમર જેવું કંઈ છે કે નહીં ? મજાક સમજે છે ?”

“મારી તો જિંદગી જ મજાક બની ગઈ છે. જેનાથી ભાગીને અહીંયા સુધી આવી છું એ માણસ અને એની યાદો પીછો નથી છોડતી.” પ્રિયંકાથી અનાયાસે કહેવાઈ ગયું.

“યાદો તારી અંદર છે, સ્થળ બદલવાથી સ્મૃતિ નથી ભૂંસાતી.” આદિત્ય પણ ગંભીર થઈ ગયો, “જેનાથી ડરીને ભાગે છે એ તો તારી પાછળ જ આવશે પ્રિયંકા... એને બદલે હિંમતથી પરિસ્થિતિનો સામનો કર. તારી જાતે તેં જે નક્કી કર્યું છે એનાં પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખ.” આદિત્ય કોઈ ફિલોસોફરની જેમ બોલી રહ્યો હતો, “આપણા બધાનો આ જ પ્રોબ્લેમ છે. આપણે ઉશ્કેરાટમાં નિર્ણય તો લઈ લઈએ છીએ, એનાં પરિણામ ભોગવવાના આવે ત્યારે બોજ નથી ઊંચકાતો.”

“પરિણામ ? બોજ ? શબ્દો વાપરવા સહેલા છે. શું જાણે છે મારા વિશે ?”

“એક જ વાત...” આદિત્યના અવાજમાં જગત આખાનો સ્નેહ છલકાતો હતો, “તું ખૂબ ઇમાનદાર અને પરાણે વહાલી લાગે એવી છોકરી છે. જેને ફક્ત સપનામાં જ કરી હોય, ક્યારેય નહીં મળે એવી ખબર હોય તેમ છતાં જિંદગીના ત્રીસ વર્ષ સુધી જેને શોધી હોય એવી નખશિખ-સંપૂર્ણ, જોતાવેંત પ્રેમમાં પડી જવાય એટલી સુંદર...” આટલું સાંભળતા તો પ્રિયાનો ડૂમો પીગળી ગયો. એની આંખોમાંથી વહેવા લાગ્યો. એને રડતી જોઈને આદિત્યએ અચાનક જ વાત બદલી નાખી, “હાઇ ટેક બ્યુટીફૂલ ગાડીનો ટેસ્ટ ડ્રાઇવ લીધા પછી એને શો-રૂમમાં સોંપવાને બદલે સીધી ઘેર લઈ જવાની ઇચ્છા થાય એવું જ તને મળ્યા પછી થાય.” એના ચહેરા પર ફરી એક વાર ગંભીરતાની જગ્યાએ શરારતી સ્મિત આવી ગયું હતું.

“તદૃન નકામો છે.” ભીની આંખે સ્મિત કરતી પ્રિયંકાએ આદિત્યને મારવા માટે મુક્કો ઉગામ્યો.

આદિત્યએ એનો હાથ પકડી લીધો, “તું લંચ કરાવે છે કે હું બર્ગર ખાઈને નીકળી જાઉં ?” પ્રિયંકાને આદિત્યના સ્પર્શમાં કશુંક જુદું, કશુંક અજાણ્યું અને કશુંક ખૂબ જ સંવેદનશીલ અનુભવાયું, જે એણે આજ સુધી કદી નહોતું અનુભવ્યું.

એ ભીતરથી ધ્રૂજી ગઈ. જિંદગીમાં ફરી એક વાર પ્રશ્નાર્થ ચિહ્‌ન એની સામે આવીને ઊભું હતું.

આદિત્યની આંખોમાં એક એવો સવાલ હતો, જેના સાચા જવાબથી એમની દોસ્તી પૂરી થઈ જવાની સંભાવના હતી અને સત્ય ટાળી જવાથી બહુ મોટી ગેરસમજ થાય એમ હતું.

પ્રિયંકા ધડકતા હૃદયે આદિત્ય સામે જોઈ રહી. એણે હળવેથી પોતાનો હાથ છોડાવ્યો, “ચલ, તને સરસ લંચ કરાવું.” એણે ધીમેથી કહ્યું.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED