Sacho prem kayo books and stories free download online pdf in Gujarati

સાચો પ્રેમ કયો

9 માઇક્રો ફ્રિક્શન વાર્તાઓ

1 - હેડલાઇન્સ

બે વર્ષના છોકરાએ એના પપ્પાનો ફોટો ટેલીવિઝન પર દેખ્યો એવો તરત જ તે પલંગ પર ચડી, ઉંમગભર્યા ગાતા અવાજમાં ખુશીથી કુદકા મારવા લાગ્યો. ‘મોમ, લુક…!! ડેડી ઈઝ ઓન ટીવી...! યેય...યેય...!! ડેડી ઈઝ કમિંગ...!! ડેડી ઈઝ કમિંગ...!! યેય...યેય...!!”

રસોડામાથી તે ભયથી ધડકતા હ્રદયે હૉલ રૂમમાં ધસી આવી. ટીવીની હેડલાઇન્સ વાંચતાં જ તેના ગોઠણ ઢીલા પડી ગયા. છાતીમાં મોટો ધ્રાસ્કો પડ્યો! જે ન્યૂઝ ફ્લેશ થતાં હતા એ સાંભળી તેનો જીવ કપાઈ રહ્યો હતો. જે વાતનો ડર રાત–દિવસ સતત સતાવતો હતો એ ડરે એની સેંથીમાં પૂરેલું સિંદુર ભૂંસી નાંખ્યું. અચાનક આંખે અંધારા છવાઈ ગયા. દીવાલનો ટેકો લઈ તે જમીન પર ફસડાઇ પડી. કાન જે ન્યૂઝ સાંભળી રહ્યા હતા એને નકારી કાઢવા મન ચિલ્લાઈ રહ્યું હતું... પણ વાસ્તવિકતાનો પડઘો સતત ઓરડામાં ગુંજતો હતો.

‘હાલહી મે ખબર મિલી હે કી બોર્ડર પે હમારે સાત ફોજી જવાન શહિદ હુએ હૈ...’

***

2 - કર્વ

ગણિતમાં કશો જ ટપ્પો નહતો પડતો. કોઈ સમીકરણો યાદ નહતા રહેતા. બોર્ડ પર દોરેલા ઉતાર–ચઢાવ દર્શાવતા ગ્રાફ્સના કર્વ જોઈને તેને ઝોકું આવી જતું. બસ એક જ પ્રકારની રચનાનો કર્વ એ જાણતો હતો : તેની આગળની બેન્ચ પર બેઠેલી રચના સ્માઇલ કરતી ત્યારે બનતા તેના હોઠના ખૂણાનો કર્વ!

***

3 - દીકરીના હાથની રસોઈ

“વંદના બેટા. આજ સાંજનું ડિનર બહાર કરવું છે કે ઘરે જ...?” પપ્પાએ પૂછ્યું.

“પપ્પા હું બનાવી દઇશ. ચોમાસામાં બહાર જમવાનું સારું નહીં...”

દીકરીએ બનાવેલા સાંજના ડિનરમાં મીઠું ઓછું હતું, તીખું વધુ બની ગયું હતું, રોટલી વધુ શેકાઈ ગઈ હતી, શાક થોડુક કાચું રહી ગયું હતું...

“કેવું ડિનર બન્યું છે, પપ્પા?”

“એકદમ ડિલિશિયસ... તારા હાથનો ટેસ્ટ જ બેસ્ટ છે...”

“રેવાદો હવે! માખણ ના લગાવો... આઈ નો આઈ એમ વર્સ્ટ કૂક...!”

“હું ડિનરના ટેસ્ટનો નહીં, તારા હાથની મીઠાશના વખાણ કરું છું.”

સાંભળીને તે મુસ્કુરાઈ ગઈ.

***

4 - ડુગડુગિયું

રેડ સિગ્નલ થતાં જ ટ્રાફિકમાં ગાડીઓની ભીડ જામી રહી હતી. ગાડીની અંદર એસીની ઠંડી હવામાં બેઠેલો પાંચેક વર્ષનો છોકરો બારી બહાર કશુંક જોઈ રહ્યો હતો. કાળજાળ ગરમીમાં રોડની સાઈડ પર આઠેક વર્ષનો દૂબળો–પાતળો છોકરો ઊભો હતો. હાથમાં રમકડાં પકડી ડુગડુગિયું વગાડતો તે એ ગાડીની નજીક આવી ઊભો રહ્યો. ગાડીમાં બેઠેલો છોકરો ડુગડુગિયું જોઈને ખુશ થઈ ઉઠ્યો.

તેણે તરત જ તેની મમ્મીની સાડીનો પાલવ ખેંચી બોલ્યો, : “મમ્મી મમ્મી... મારે આ રમકડું લેવું છે.”

સ્વિચ દબાતા જ ગાડીનો અડધો કાચ ખૂલ્યો.

૧૦ની નોટ આપી ડુગડુગિયું ખરીધ્યું. ગાડીમાં બેઠેલા છોકરાના હાથમાં એ રમકડું આવતા જ ખિલખિલાટ હસી પડ્યો. હાથમાં પકડી એ છોકરાની જેમ ડુગડુગિયું વગાડી આનંદભર્યા નાનકડા ઠેકડા માર્યા.

ટ્રાફિક સિગ્નલ ગ્રીન થઈ. ગાડીઓના હોર્ન વાગવા લાગ્યા.

ગાડી બહાર ઉભેલો છોકરો ગજવા પર હાથ દબાવી હસતાં મુખે રોડની સાઈડ પર દોડી ગયો.

એકના ચહેરા પર રમકડું મળ્યાની ખુશી ઝળકતી હતી, તો બીજાના ચહેરા પર રમકડું વેચી કમાણી થઈ એની ખુશી લહેરાતી હતી.

બંનેની પરિસ્થિતિઓ ભિન્ન હતી, છતાંયે આનંદનો અનુભવ એક હતો.

***

5 - ત્રીજો અવાજ!

રામપુરી ચાકુએ તેના ટપોરી અંદાજમાં હાથ–ડોકું હલાવીને બડાઈ મારી : “અબે ઓય...!! આદમીમે અપૂન સબસે ઊંડા ઘાવ કરતાં હૈ... સમજા ક્યાં?”

“મેરેકું સમજાતા હૈ તું? હાં? મેરેકું સમજાતા હૈ...??” તલવારે પોતાની જાતને હવામાં વીંઝી ખુન્નસભર્યા અવાજે ગર્જી ઉઠી, “અબે... અપૂન તો આદમી કો કાટ કે રખ દેતા હૈ... પૂરા ખેલ હી ખતમ!”

આ બંનેની મશ્કરી ઉડાડતા ત્રીજા અવાજનું ખડખડાટ હાસ્ય તેમનાં કાનમાં ગુંજી ઉઠ્યું.

“તમે બંને કેટલા ભોળા–ભગત છો! મને તો તમે ભૂલી જ ગયા...”

“કોણ છે તું...?? થોબડું બતાય તારું...!!” તલવાર તાડૂકી ઉઠી...

એક કાગળ તેમની વચ્ચે ઉડતું આવીને પડ્યું.

કાગળમાં દોરેલા અક્ષરો નાચવા–કુદવા લાગ્યા! પોતપોતાના વારા મુજબ તે બોલ્યા : ‘અમે બધા શબ્દો છીએ... એકવાર વ્યક્તિના મોંમાંથી નીકળી ગયા પછી પાછા નથી ફરતા. સામેના વ્યક્તિના કાનમાં કટુ વચનોનું ઝેર ઘોળી ઘોળીને તેના માનસમાં એવું ફેલાવી મૂકીએ છીએ, કે એ વ્યક્તિની આખી જિંદગી સુધી એ શબ્દોનું ઝેર તેના રગેરગમાં ઘૂંટાતું રહે! અમારો ઘા ના કહેવાય અને ના સહેવાય એવો વસમો હોય છે. ભૂલવો હોય તોય ભૂલાય નહીં. તેના મોત સુધી રિબાવી રિબાવીને તેનું જીવતર કડવું કરી મૂકીએ છીએ – એ પણ લોહીનો એકપણ ટશિયો ફોડ્યા વિના...! તમારી ધાર કરતાં અમારા શબ્દો વધુ તીક્ષ્ણ છે! બોલો હવે! શું સમજ્યા?”

આ સાંભળીને બંને ગરીબ ગાય જેવા થઈ ગયા. શબ્દોના ઘાથી તેમની ધારો બુઠ્ઠી પડી ગઈ! બોદું હાસ્ય વેરીને બંને રફુચક્કર થઈ ગયા...

***

6 - Mr એન્ડ Mrs

Mr થી Mr

Miss થી Mrs

એમાં કોઈ નવાઈની વાત નથી કે મેરેજ પછી પણ બદલાવ એક જ બાજુએ થતો હોય છે!

***

7 - મનુષ્યના મૂળભૂત હકો

“ટીચર, ટોઈલેટ કરવા જવું છે... જઉં?” એક વિદ્યાર્થીએ ઊભા થઈને પૂછ્યું.

“ના! બેસી જા...!” ટીચરે કહ્યું.

“પણ જોરથી લાગી છે...! ટીચર પ્લીઝ...! જવા દો ને...” મોઢું દુખિયાણું કરીને આજીજી કરી.

“ના પાડીને એકવાર...!” કહીને ભવાં તગતગાવ્યા.

નિરાશ ચહેરે તે પ્રેસર દબાવીને બેસી ગયો.

“હા તો, વિદ્યાર્થીઓ... પેજ નંબર ૩૪. પ્રકરણ – ૩... મનુષ્યના મૂળભૂત હકો...” ટીચરે ભણાવવાનું શરૂ કર્યું.

***

8 - સાચો પ્રેમ કયો?

મૂંઝવણમાં મૂંઝાતા એક વ્યક્તિએ કવિને પૂછ્યું, “કવિરાજ, તમારી દ્રષ્ટિએ સાચો પ્રેમ કયો?”

કવિરાજે મદીરાના નશાનો એક ઘૂંટ ગળા નીચે ઉતારી, માથું ડોલાવતાં જરાક મલકાયાં. પછી આંખની કીકીઓ એક જગ્યાએ સ્થિર કરી મુસ્કુરાતા ફિલોસોફીના દરિયામાં ડૂબકી મારી,

“જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તેને ખબર નથી હોતી કે તેનું આવનાર બાળક કેવું હશે. દેખાવે સુંદર કે કદરૂપું? તે મોટું થઈને તેની માને પ્રેમ કરશે કે ધક્કો મારી કાઢી મૂકશે? માને તેના પેટમા પનપતા બાળક વિશે કશી જ ખબર હોતી નથી, છતાં પણ, તે એના બાળક માટે અણીશુધ્ધ સ્નેહના દોરાથી ઊનનું સ્વેટર ગૂંથતી હોય છે. એને ખબર છે કે તેનું આવનાર બાળક એ તેના પોતાના લોહી–માંસ–મજ્જામાંથી પોષીને મોટું કર્યું છે. તે એના પોતાના જ શરીરનું એક જીવતું ધબકતું અંગ છે. દુનિયાની કોઈ પણ વસ્તુ એના પ્રેમની અવેજીમાં મૂકી શકાય એમ નથી. માનો તેના બાળક પ્રત્યેનો પ્રેમ એ સાચો અને શુદ્ધ પ્રેમ છે.”

***

9 - બોર્નવિટા સ્માઇલ

છ–એક વર્ષનો એક નાનો છોકરો બિલ્લીપગે કિચનમાં સરક્યો. કિચન પર મૂકેલા સ્ટેન્ડમાંથી એક ચમચી ગજવામાં મૂકી આજુબાજુ જોઈ લીધું. અવાજ કર્યા વિના નાનકડું ટેબલ ઊંચકી કબાટ નીચે મૂક્યું. ધીમેથી ટેબલ ઉપર ચડી કબાટમાં મૂકેલું જાંબલી રંગની બરણીવાળું બોર્નવિટા બંને હાથમાં કાળજીથી લીધું. ઢાંકણું ખોલી ત્રણ ચમચી બોર્નવિટા હેય… ને… બાકી... લિજ્જતથી માણ્યું.

કથ્થાઇ રંગના બોર્નવિટાથી ખરડાયેલા હોઠ મોજથી મલકાઈ ઉઠ્યા. ઢાંકણું વાખી બોર્નવિટા એની જગ્યાએ મૂકી દીધું. કબાટ ધીરેથી વાખી તે ટેબલ પરથી ઉતર્યો. અવાજ કર્યા વિના ટેબલ ઊંચકી એની જગ્યાએ મૂકી દીધું. ચાટીને ચોખ્ખીચણાક કરેલી ચમચી યથાસ્થાને મૂકી ત્યાં જ તો... તેના કાનમાં મમ્મીના ઝાંઝરનો અવાજ સંભળાયો.

રસોડામાં પ્રવેશતા જ મમ્મીની નજર તેના પર પડી. બંને હાથથી અદબ વાળી, શિક્ષકીય ઢબે બંને ભ્રમરો ઊંચી કરીને પૂછ્યું, “કિચનમાં શું કરે છે તું? પાણી પીવા આવ્યો હતો...?”

“હા, પા–પાણી પીવા જ...” જરાક ડરેલા અવાજમાં બોલ્યો.

“પી લીધુંને પાણી?”

તેણે ફટાફટ માથું બે–ત્રણવાર હકારમાં હલાવ્યું.

“ચલો હવે, બેસી જાવ ભણવા...”

પકડાઈ જવાથી બચી ગયા એનો હાશકારો લઈ હસતાં હોઠે તે તેના સ્ટડી રૂમમાં નાઠો.

કિચનના સ્ટેન્ડમાં તેણે ઊંધી મૂકેલી ચમચી મમ્મીએ લઈને સિંકમાં બરાબર ધોઇ. મન:ચક્ષુ સામે તેના ફૂલ–ગુલાબી હોઠ પર બોર્નવિટા લેપાયેલું નિર્દોષ મુખ યાદ આવતા જ તે મુસ્કુરાઈને બોલી : બહુ નટખટ થઈ ગયો છે હવે...!

***

લેખક – પાર્થ ટોરોનીલ

‘101 માઇક્રો-ફ્રિક્શન વાર્તાઓ’ ebook એમેઝોન કિંડલ પર ઉપલબ્ધ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED