અંધારી રાતના ઓછાયા-13 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી રાતના ઓછાયા-13

એની આંખો પર વિશ્વાસ ન બેઠો.

પણ ના આ વખતે કંઈ સપનું નહોતી

જોતી.

એનો પતિ મલ્હાર ટોયલેટમાં ઊંડા મસ્તકે પડ્યો હતો.

એને પોતાના શરીરનું કશું જ ભાન નહોતું. ગરદન પર અને શર્ટનો કોલર લોહીથી તરબોળ હતાં.

ગરદનની મધ્યમાં મોટું બાકોરું પાડ્યું હતું. જેમાંથી માંસનો લાલચોળ લોચો બહાર લટકતો હતો.

પોતાનો પતિ હવે જીવિત રહ્યો નથી એ વાતથી ની એને ખાતરી થઇ ગઈ.

એનું સંવિદ પીડાથી ચિત્કારી ઉઠ્યું.

ઓહ ... મલ્હાર નહીઈઈઈ...!"

એની ચીસ ફાટી ગઈ.

પિશાચી ચેતના પ્રકટ થઈ હતી. મલ્હારના હાથ-પગ સળવળ્યા. સુધાને જીવમાં જીવ આવ્યો. કંઈક આશા બંધાતાં એને પતિનો હાથ પકડી ઉભા કરવાના ઈરાદે એ નમી પણ પીઠ ફેરવી ઉભા થવા જતા ,શૈતાન બનેલા પતિનો ચહેરો એણે જોયો. પુનઃ એના મુખમાંથી ચીસ નીકળી. આવી પરિસ્થિતિમાં પણ એનું મનોબળ પ્રાણ બચાવવા સફળ થયું. એને ટોયલેટનું દ્વાર ખૂબ ઝડપથી મલ્હાર ઊભો થાય એ પહેલાં બંધ કરી દીધું. પોતાના પતિના સ્વરૂપે રહેલા પિશાચ નો ચહેરો જોયો હતો. ચાર દિવસ પહેલાં અખબારમાં છપાયેલ નંદપુરાના પ્રેત કિસ્સાની તસવીરો સાથે મલ્હારનો ચહેરો ઘણું સામ્ય ધરાવતો હતો. મલ્હારનો ચહેરો સુધાની આંખો સામે તરવરી ઊઠ્યો. આગથી દાઝી ગયું હોય એમ મલ્હારનુ મોં કાળું પડી ગયું હતું. એની આંખો વીજળી પેઠે પ્રકાશિત હતી. કાળા મુખમાંથી લોહીના રેલા બહાર ઉભરતા હતા. તરડાઈને લીરેલીરા થયેલી ત્વચા વાળો વિકૃત લોહિયાળ ચહેરો ખુબ જ બિહામણો લાગતો હતો. સુધા હવે ભયની મારી ધ્રુજી રહી હતી. પોતાના પતિનું ખૂન શેતાન દ્વારા થયું હતું એ વાત તે સમજી ગયેલી. એ ટેલિફોન તરફ દોડી. સાડીનો છેડો પગમાં આવતાં સહેજ લથડી પડી. પુનઃ એક હળવી ચીસ એના શ્વાસો વચ્ચેથી જન્મી. કોઈએ પોતાની સાડીનો છેડો પકડયો હોય એમ ડરતાં ફફડતાં એણે પાછળ નજર કરી. એનો ઝડપી ગતિએ થયેલો શ્વાસ હવે ધીમુ પડવાનું નામ નહોતો લેતો. પોતે મોતના મુખમાંથી બાલ-બાલ બચી ને આવી હતી. એની આંગળીઓ પરિચિત નંબર ડાયલ કરવા લાગી. સામે રિંગ વાગતી હતી. કોઈનો ફોન રીસીવ કરતું નહોતું. એકાદ મિનિટ રીંગ વાગ્યા પછી અટકી ગઈ. ઊંઘી ગયા હોય એમ માની એણે પુનઃ નંબર રિડાયલ કર્યો. રીંગ વાગતી રહી. એ પરેશાન બની રિસીવર કાને ધરીને ઊભી હતી. એના કાન એકાએક સતેજ થયા. કોઈએ ફોન ઉઠાવ્યો.

"હેલ્લો..!"સામેથી કોઈ સ્ત્રી નો અવાજ સંભળાયો. એ અવાજમાં ધ્રૂજારી હતી. સુધાને ખ્યાલ આવી ગયો કે ઈસપેકટર ઇન્દ્રનીલનાં પત્ની ઉત્કંઠાનો અવાજ હતો. એટલે સુધાએ પોતાની અવદશા જણાવતાં કહ્યું. " ઉત્કંઠા બહેન.! સાહેબ હોય તો પ્લીઝ જલ્દી એમને ફોન આપોને..!"

સુધાના અવાજમાં આજીજી હતી.

કંપન હતું.

ફોનમાં કશોક ખખડાટ થયો.

જાણે ફોન ક્યાંક ટકરાયો હતો.

અને અચાનક સામેથી ઉત્કંઠાનો ગભરાયેલો સ્વર સંભળાયો.

હેલ્લો.. હેલ્લો.. ઈન્દર નથી... તમો...જે હોવ તે અહી જલદી આવી જાવ...!" મને બચાવો..! અહી ભૂત છે.. પ્લીઝ..!"

ઉત્કંઠાની તીણી ચીસ ફોનમાંથી સીધી ડોક્ટર પત્ની સુધાના કાનમાં ઘૂસી ગઇ. ઉત્કંઠા શબ્દો લથડાયા હતા. એનું ભેજુ બહેર મારી ગયુ. આજે પોતાની સાથે આ બધુ શું બની રહ્યું હતું...? શું આજે બધાનાં ઘરે ભૂત ભરાયાં હતાં.

"હે રામ..! લાગે છે કે ડોક્ટર પત્ની ઉત્કંઠા પણ તકલીફમાં છે. હવે શું કરવું..? કમરામાં પથરાયેલું અજવાળું એની હાંસી ઉડાવતું હોય એમ હસી રહ્યું હતું. ડોક્ટર પત્ની સુધા વિવશ બની મોં પર બે હાથ મૂકી રડી પડી.

" મલ્હાર... ઓ મારા મલ્હાર..! આ બધુ શુ થઈ ગયુ..?" એ મનોમન બબડી.

ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ જો પતિનો સધિયારો હોય તો સ્ત્રીને બળ મળતું હોય છે. પણ તન્હા સ્ત્રી લાચારીવશ બીજું રડવા સિવાય કરે પણ શુ..?!"

એ બેડરુમમાં ઊભી રહેવા પણ માગતી નહોતી. અને માણસને અદ્રશ્ય કરી નાખે એવા અંધકારનો સ્પર્શ પણ થવા દેવા માગતી નહોતી. કમરા પડેલ ખૂનના ધબ્બા જોઈ એનું અંતર વારે ઘડીએ ભરાઈ જતું હતું. હવે જાણે એનામાં હિંમત આવતી જતી હતી. એને સમજાયું કે પોતે જ જેટલો ડર મહેસુસ કરી રહી છે, એટલું ડરવાની જરૂર નથી. કમરાની ભયાનકતા અને ખાલીપામાં એની સહન શક્તિ જોર કરી ગઈ. એનું મનોબળ વધારતી ગઈ.

સુધાને એક માણસ યાદ આવ્યો. એના પર ફોન કરવાની ઈચ્છા થઈ એ માણસ માયાળુ છે.

મદદગાર છે.

ગામમાં બે દિવસથી એને દેખા દીધી હતી. પણ પ્રશ્ન એ હતો કે, ઘડિયાળમાં બે ટકોરા પડ્યા. આ વખતે એ ચમકી નહોતી કેમ કે એની નજર વોલ-ક્લોક પર જ હતી. સુધા જોડે ફોન નંબર કુલદિપના ખાસ મિત્ર સુધિરનો હતો. અને રાત્રે બે વાગ્યા સુધીર એને બોલાવશે કે કેમ..? એવી શંકા સાથે એણે સુધીરને ફોન જોડ્યો.

***

રાત્રિના ગાઢ અંધકાર ને ચીરતો બિલાડો મેરુ ભાગતો હતો.

પોતાનો મિત્ર થાકી જવાના કારણે પાછળ રહી ગયો હતો. મેરુને ખીજ ચડી હતી પેલા ઈન્સ્પેક્ટરના બચ્ચા પર.

પોતે અને મોહન પોતાના શિકાર પર તૂટી પડ્યા હતા ત્યારે પેલી બિલ્લીની સાથે એ પણ ક્યાંથી ટપકી ગયો હતો.

એની આંખોમાં ખૂન ઉભરી આવ્યુ.

મેરુ જાણતો હતો કે પેલા કમલની લાશ જોઈ અને પોતાની ક્ષણિક શૈતાની શક્તિનો ચમકારો જોઈને એ ડઘાઇ જવાના હતા.

જીવ બચાવવા ભાગશે પણ ખરા..!

અને લાશને સગેવગે કરવાનું પણ વિચારશે. એટલા સમયમાં તો મારુ કામ થઈ જવાનું. રક્ત ચાખી લીધા પછી એ જનૂન માં આવી ગયો હતો. એને ફરી રક્ત પીવાની તલપ લાગી હતી. પોતાને જે જગ્યાએ જવું છે એ જગ્યા હવે કદમ પર કદમ નજીક આવતી જતી હતી. થોડા સમય પહેલાં જ વીજળી ચાલી જવાથી આખા ગામને અંધકાર ગળી ગયો હતો. પણ હવે પાછી લાઈટો ચાલુ થઈ જતા જગ્યા-જગ્યાએ રહેલી ટ્યુબલાઈટો બની શકે એટલા ભાગની અજવાળતી હતી.

આવા જ એક વીજ પ્રવાહના થાંભલાના ઉજાસમાં બે કૂતરા જાણે અગાઉથી જ જાણી ગયા હોય એમ બિલાડા મેરુ ની રાહ જોતા લાળ પાડતા ઉભા હતા.

ઉપરથી ચામાચીડિયાનુમોટું ઝૂંડ એકાએક આવેલા વરસાદના ઝાપટા ની જેમ પસાર થઈ ગયું.

બિચારા કુતરા..! એમની શી ખબર કે એ શિકારની રાહ જોતા રહ્યા, અને ચામાચીડિયાના ટોળામાં એનું રૂપ ધરી શિકાર ઊડી ગયો હતો.

કાળરાત્રીમાં જ્યોતી સોસાયટી લાઇટના ઉજાસથી ઝગમગતી હતી.

ક્યાંક ક્યાંક ગેસ લાઈટોનું અજવાળું પણ જાણે હસી રહ્યું હતું. સોસાયટીનો પ્રત્યેક જીવ રાત્રે રાતના આગોશમાં સભાનતાનો નશો ચડાવી સૂતો હતો. ત્યારે માત્ર એક વ્યક્તિની નીંદર વેરણ બની હતી.

અને એ હતી ઉત્કંઠા..!

ઇન્સ્પેક્ટર ઇન્દ્રનીલ ની પત્ની..!

બે કલાક પહેલાં કોઈનો ફોન આવ્યો હતો. ફોન પરની વાત સાંભળી ઇન્સ્પેક્ટર ઇન્દ્રનીલ ગંભીર થઈ ગયો હતો. તરત એણે ચાર કોન્સ્ટેબલને બોલાવી જમ્યા વિના ડ્યૂટી પર ચાલ્યો ગયો હતો. પતિની રાહ જોતી ઉત્કંઠા ચિંતામાં ઊંઘી શકી નહોતી. એની આંખો રક્તિમ થઈ ગઈ હતી. પથારીમાં પડી એ રહસ્યકથાનું પુસ્તક વાંચતી હતી.

સોસાયટીમાં પ્રવેશતા પહેલું ઘર ઇન્સ્પેક્ટર ઈન્દ્રનિલનુ હતું. મકાન પાકું હતું. લાકડાંનો કલાત્મક દરવાજો હતો. બહાર દ્વારથી સહેજ ઉપર જડેલી તકતી પર એનું નામ કોતરાયેલું હતું.

બગાસાં ખાતી ઉત્કંઠા પરાણે જાગતી આંખે પતિની રાહ જોતી પથારીમાં પડી હતી. બહારની હવા પ્રવેશવાનુ નાનું છિદ્ર પણ નહોતું. છતાં કમરામાં માદક ખુશ્બુ ફેલાઈ ગઈ.

પુસ્તક વાંચતી ઉત્કંઠાને મહેસુસ થયું.

છતાં એ તરફ એને કશું ધ્યાન ન આપ્યું. પોતે ઇન્દ્રનીલ પરણીને આવી ત્યારથી આજ લગી કેટલીય વાર આવું બન્યું હતું. હવે તો એ નોકરીની ફરજ ને સમજી પતિથી કોઈ ફરિયાદ કર્યા વિના પરિસ્થિતિને અનુકૂળ બની ગયેલી પખવાડિયે લાઇબ્રેરીમાંથી પુસ્તક બદલાવી નાંખતી. કેમકે પતિદેવ ગમે ત્યારે પોતાને એકલી મૂકી જતા રહેતા હતા.

જ્યારે જાય આવી રીતે પતિદેવ મોડા આવતા ત્યારે પુસ્તક વાંચી એ ટાઇમપાસ કરતી હતી.

થપ્ થપ્ થપ્...

કોઈ દરવાજો ઠોકતું હોય એમ એને લાગ્યુ. ચહેરા પરની ઊંઘ અને આળસ એક જ ઝાટકે ગાયબ થઈ ગયાં.

એની જગ્યાએ એનો ચહેરો ગલગોટાની જેમ ખીલી ઉઠ્યો.

બારણું ખોલવા એ પુસ્તક પડતુ મૂકી લગભગ દોડી.

દરવાજો ફરી થપથપાયો.

આ વખતે અવાજ જરા વધુ હતો.

"આ આવી થોડી ધીરજ તો ધરો બાપલા..!"

ઉત્કંઠા એમ ઉત્સાહમાં બોલી ગઈ. ઝડપી લોક ખોલી એણે દરવાજો ખોલી નાખ્યો. ફુગ્ગામાં ભરેલી હવાને જગ્યા મળતાં જેમ બહાર ઘસી આવે એમ બહારથી ઘૂમરી લઈ ઉઠેલો વાવટો ઉત્કંઠાને હડસેલી ભીતર ઘુસી ગયો.

ઉત્કંઠાએ બહાર દૂર સુધી દ્રષ્ટિ દોડાવી.

પણ કોઈ દેખાયું નહીં. શ્વેત ચાંદની સમા ઉજાસમાં સન્નાટો છાયો હતો. સામે જોડે જોડે બેસી બે-ત્રણ કૂતરાં ઊંઘતા હતા. એના મનમાં સવાલ હતો. "કોણ દરવાજો થપથપાવી ગયુ..?

કોઈ ચોર તો નહીં હોયને..?" સોસાયટીમાંથી કોઈ માણસે આવી મજાક તો નહીં કરી હોય ને..? એ દરવાજો બંધ કરવા ગઈ.

પરંતુ એણે જોર કરી જોયું. દરવાજો કોઈએ પકડી રાખ્યો હોય એમ બંધ થતો નહોતો.

સુધાને ઘણું આશ્ચર્ય થયું. દરવાજે ને પુન: ધક્કો લગાવી બંધ કરવાની જ હતી કે ત્યાં જ એના પગલે કશુંક સ્પર્શ્યું.

નહોર વાગ્યા.

એણે ચમકીને પગ ઊંચકી લીધો.

એક જાડો ઉંદરડો ઝડપથી કમરામાં ભાગી રહ્યો હતો.

ઉત્કંઠા દરવાજાને ધક્કો મારી ફરી એક પ્રયાસ કરી જોયો પણ અરે.. દરવાજો હળવોફૂલ થઈ જતાં એ સહેજ લથડી. એને પોતાનુ બેલેન્સ જાળવી ડરવાજો લોક કર્યો.

પછી બેડ પર આવી પડી.

એનું ચિત્ત ચકડોળે ચડયું હતું.

ઇન્દ્ર નથી આવ્યો તો દરવાજો કોણે થપથપાવ્યો..? એ જાણતી હતી ત્યાં લગી એના પતિની એવી ધાક હતી કે કોઈ આંખ ઉઠાવી એના ઘર સામે જોવાની હિંમત ન કરે.. તો પછી દરવાજો બબ્બેવાર થપથપાવ્યો છે..! કોણ હશે..? કોઈ હશે જરૂર..! એણે વિચાર્યું પોતાનો પતિ ઘરે નથી એ વાત જાણનારા કોઈએ મને ડરાવવા આમ કર્યું હશે..! એમ વિચારોમાં હતી કે ત્યાં સીલીંગ ફેન સાથે પશુ અફળાવાનો અવાજ થયો, ને ધબ કરતું એના બદન પર કંઈક પડ્યું.

બદન પર પડેલી ગરોળી નજરે પડતાં જ ઉત્કંઠાથી ચીસ પડાઈ ગઈ. એને ગરોળીને હંફાવી દીધી. ઉત્કંઠાને એના પર બહુ ખીજ ચડી.

ઉત્કંઠા શિક્ષિત હતી. વળી બહાદુર ઇન્દ્રનીલની પત્ની હતી. તેમ છતાં એ પહેલાં સ્ત્રી હતી. સ્ત્રીનું હૃદય આમેય રુજુ હોય છે પોચુ પણ ખરું..!

મધ્ય રાત્રીના સન્નાટામાં અકળાવનારી ઘટના ઘટી હતી.

એનું મન કશાક છૂપા ભયથી હવે ફફડવા લાગ્યું હતું.

એની નજર વારે વારે કમામાં ફરી વળતી હતી. એ દીવાલ પર ટીંગાડેલ કંપિત વસ્ત્રો ડાબી બાજુ ફફડતા કેલેન્ડર તરફ, અને પંખાની એકધારી ગતિ તરફ જઈ કેન્દ્રિત થઈ જતી હતી. એને લાગતું હતું કે મારા સિવાય અન્ય અદ્રશ્ય અસ્તિત્વ છે. જાણે ક્યાંક છુપાઈને તગતગતી આંખો એને જોયા કરે છે.

એના અંતરમાં ધીરે-ધીરે ભય ઘર કરતો જતો હતો.

એની નજર એકાએક ડબલ બેડની કિનાર પર પડી એક મોટો વંદો પગાંથ તરફથી મસ્તક બાજુ આવી રહ્યો હતો. ત્વરાએ તે બેઠી થઇ ગઇ.

એણે ખૂણામાં પડેલી સાવરણી ઉઠાવી વાંદા પર ઘા કર્યો. વાંદો સિફતથી કૂદકો મારી જીવ બચાવી ગાયબ થઈ ગયો.

ઉત્કંઠાનુ બદન કંપતું હતું.

આ બધા જીવ-જંતુઓની પજવણીનું કારણ એને સમજાતું નહોતું.

એ વ્યથિત થઈ ગઈ.

આજે પહેલીવાર ઈંદરની ગેરહાજરી માટે એને ગુસ્સો આવ્યો.

"ક્યારે આવશે એ..? એ પરેશાન હતી. અચાનક કિચનમાં ખળભળાટ મચી જતાં એણે ગભરામણ થઈ. બર્તન કોઈક આડેધડ પટકતું હતું.

એના મનમાં જન્મેલો ભય હવે વધતો જતો હતો.

કશુ અનિચ્છનીય બનશે તેવા ભણકારા એને સંભળાવા લાગ્યા.

એ ચૂપચાપ પથારીમાં પડી રહી. થોડી જ પળોમાં વાસણ પડવાનો અવાજ અટકી ગયો.

કમરાની ઘેરી ચૂપકીદી એને અકળાવતી હતી.

હમણાં કોઈ આવશે..! હમણાં કોઈ આવશે..! એવો સતત ભય એને મગજમાં કબજો જમાવી બેઠો હતો.

એ અધ્ધર જીવે કાન સતર્ક રાખી કિચનમાંથી આવતા ઝીણામાં ઝીણા અવાજને સાંભળવા સ્થિર બની પડી રહી હતી. ત્યારે કોઈનો ધીમે પગરવ સંભળાતો હોય એમ એને લાગ્યું.

એ ધ્યાનથી સાંભળતી ગઈ.

કોઈકના પગલાંઓ નજીક આવતા જતાં હતાં.

પગરવ બેડરૂમના બંધ દ્વાર આગળ આવી સ્થિર થઈ ગયો.

ઉત્કંઠાની નજર વૉલક્લોક ગઈ. પોણા બે થતા હતા. એકાએક વીજળી ચાલી જતાં કમરાને અંધકાર ગયો.

એ તકિયાથી કાયાને લપેટીને લપાઈ ગઈ. ફરી એને એ જ વિચાર આવ્યો. ઈન્દ્ર નથી એ જાણી સોસાયટીનો કોઈ વ્યક્તિ આવુ બેહુદુ વર્તન નહીં કરતો હોય ને..?

ના ના...! એવું એનું મન માનવા તૈયાર નહોતું. એના પતિની ધાક ભલભલાને ધ્રુજાવી નાખવા પૂરતી હતી. એને યાદ આવ્યું

સ્વરક્ષણ માટે ઈન્દરે એક રીવોલ્વોર લાવી આપેલી છે. જે અત્યારે સેઈફમાં પડી હતી.

ઉત્કંઠાને રિવોલ્વર પોતાની પાસે રાખવાનું યોગ્ય લાગ્યું.

એ પથારીમાંથી ધીમેથી ઉઠી.

જરાય અવાજ ન થાય એમ અંધકારમાં પરિચિત જગ્યા તરફ ચાલવા લાગી. ક્ષણાર્ધ માં એ સેઈફ જોડે આવી ગઈ. પોતાની પાસે રહેલી કી વડે સેઈફ ખોલી રિવોલ્વોર હાથમાં લીધી.

ત્યાં જ એક તીણીચીસ જેવા ભયંકર અવાજ સાથે ડાયનિંગ હોલમાંથી બેડરૂમમાં લાવતો દરવાજો ખુલ્યો.

એે ચૂપચાપ સેઈફ જોડે દબી ગઇ.

કોણ પ્રવેશે છે એ જાણવા તે દરવાજાને અપલક તાકી રહી હતી.

(ક્રમશ:)

-સાબીરખાન પઠાણ

મો. 9870063267