પણ બિંદીના એક વાક્યએ મને આંચકો આપ્યો. બિંદી બોલી “જયરાજ સાથે મને પ્રેમ છે એટલું જ જાણ્યા પછી હવે મારે કાંઈ પામવું ન હતું. જયરાજને પણ પ્રેમ છે કે નહી એ વાત માટે હું ચોક્કસ ન હતી. છતા મારે તે જાણવું ન હતું.”
હું છેલ્લી વાર બિંદીને મળ્યો હતો એ દિવસની વાત યાદ કરીને આજે પણ મારુ હૃદય વિષાદમાં સરી જાય છે.
છેલ્લી વાર મળ્યા ત્યારે બિંદીનો નહી મળવાના કે એકબીજાને કોન્ટેક્ટ પણ નહી કરવાના નિર્ણયનું મે કારણ માંગ્યુ ત્યારે તેણે કહ્યું હતું, “જયરાજ...તારા લગ્ન પછી ઘણો સમય હું તારા ટચમાં ન હતી, એ સમય મારી માટે ઘણો આકરો હતો. શરુઆતના સમયમાં મે ફક્ત તારી રાહ જોયા કરી, પછી ના સમયમાં જુની વાતો યાદ કરી મે મારા મનને પંપાળ્યા કર્યું, ત્યાર પછીનો સમય તારા પર ઘણો એટલે ઘણો બધો ગુસ્સો આવ્યો. ગુસ્સો આવ્યા પછી મને થયું હું કયા હક થી આવું વિચારી રહી છું ?” બિંદી અટકી અને કોઈ નવી બિંદીયા મારી સામે ઊભી રહીને વાત કરી રહી હોય એવું મને લાગ્યું.
બિંદી બોલી, “ત્યાર પછી મારા મનમાં સ્ફુરણા થઈ. મારે હવે કોઈ અપેક્ષા રાખીને દુખી થવા કરતા જે મળ્યું છે એટલા સાથે જ સંતોષ માની લેવો જોઈએ. જયરાજ તે મને ઘણું આપ્યું છે. પણ તું મારી સામે જેટલી વાર હશે એટલી વાર મને નવી નવી અપેક્ષાઓ થયા જ કરવાની છે. હું જાણું છું તારી જવાબદારીઓ સાથે રહીને તું દર વખતે મારી અપેક્ષા ન સંતોષિ શકે. પણ મારા હૃદયનું હું શું કરી શકુ ?, એ મારા મગજ જેટલું સમજુ નથી ! અને આજે મારા હૃદય કરતા મારા મગજને મહત્વ આપીને આપણે એકબીજાના સંપર્કમાં નહી રહેવાના મારા નિર્ણય માટે હું દ્રઢ થઈ શકી છું..! મને તેના પર કાયમ રહેવા દે..!” બિંદીનો આ નિર્ણય આંચકો આપે તેવો હતો. પણ ભૂલ મારી પણ હતી જે મે અજાણતાં જ કરી હતી. મને એ વાતની બિલકુલ ખબર જ નહોતી કે મને બિંદી તરફ કયા કારણે આકર્ષણ છે. અમારા આ સંબંધનું કોઈ ચોક્કસ નામ નહિ હતું. બંને એક બીજા ને ગમતા બસ એટલી જ ખબર હતી. અમારા આ સંબધનું ભવિષ્ય શું હોઈ શકે એવા વિચારો ને કારણે હું હંમેશા એવા પ્રયત્નો કરતો કે બિંદીથી બને એટલો દૂર રહું. એના સુખી સંસારમાં એ ખુશ રહે તો સારું. પણ સાથે સાથે મનમાં એને મળવાની ઈચ્છા હંમેશા રહેતી. એટલે મારો મારા પોતાના પર કાબુ રહેતો નહતો એવું કહી શકું. હું બિંદીને પ્રેમ કરતો હતો પણ મને પોતાને જ એ વાત ખબર નહોતી. ક્યારેક અપરાધ ભાવ પણ આવતો કે આ બધું ખોટું છે. પણ બિંદિને જોતાંની સાથે જ હું રિલેક્સ થઇ જતો. બધું ભુલાઈ જતું. બિંદી કદાચ નથી જાણતી કે એનું સાથે હોવું એટલે શું ? મારા ઘરેથી સતત લગ્ન કરવા માટે નું દબાણ ચાલુ જ હતું, મારા લગ્ન હેતા સાથે થઇ ગયા. અને ઘરને સાંભળવામાં હું બીઝી થઇ ગયો. મને નવી નોકરી મળી હતી અને એમાં પણ કામ વધી ગયું હતું, હેતા ખુબ પ્રેમાળ ને ડાહી છે. પણ હેતાને હું પૂરતો સમય આપી શકતો ન હતો એની એને હંમેશા ફરિયાદ રહેતી. ઘર ને નોકરી નું બેલેન્સ સાચવતા સાચવતા બિંદી ક્યારેક યાદ આવી જતી પણ એવામાં એને મળી નહિ શકવાની લાચારી ને કારણે એને ઘણો સમય કોન્ટેક્ટ કરી શક્યો નહી. જ્યારે પણ કોઈ સારો કે નવો પ્રસંગ બનતો ત્યારે મને બિંદી યાદ આવી જતી. મને થતું કે હું આ સમાચાર સૌથી પહેલા બિંદીને સંભળાવું. પણ ફરી “એ પણ એના સંસારમાં પડી હશે મારી જેમ જ સ્તો.” જેવા વિચારો મને રોકતા.
હું જાણતો ન હતો કે મારા કોન્ટેક્ટ નહી કરવાથી બિંદીમાં આટલો બધો બદલાવ આવી જશે. મે મારી તરફથી બધી વાતો જણાવી છતા, બિંદી પોતાનો નિર્ણય જણાવીને જઈ રહી હતી અને હું સ્તબ્ધ થઈ ત્યા ને ત્યા ઊભો રહી ગયો. બિંદીએ મને ત્યારે એક પણ મોકો ન આપ્યો પણ એ જઈ રહી હતી ત્યારે મે તેને મારા હૃદયનાં ઊંડાણ થી કહ્યું હતું, “બિંદી..! તું જોજે, ક્યાંક તો ભટકાશુ જ આપણે.”
“લે જયરાજ, તું પણ લે સુખડી.” ના અવાજથી હું વર્તમાનમાં આવ્યો. વસાવે સર ના હાથમાં સુખડીનો ડબ્બો હતો. તેમણે મને બીજી વાર કહ્યું, “એકાદ બટકું તો લે...!” મે વસાવે સરને પૂછ્યું, “તમને પ્રેમ થયો છે એની ખબર કેવી રીતે પડે?" આ સવાલ સાંભળતા જ નીરુએ કહ્યું, “એમાં ખબર પાડવા જેવું શું છે. પ્રેમ થાય એટલે ખબર પડી જાય. તો મે ફરી પૂછ્યું “એ જ પૂછું છું... કેવી રીતે પડે ખબર?”
કદાચ વસાવે સર મારી મનોસ્થિતી સમજી ગયા હોય એમ તરત બોલ્યા, “પ્રેમ ને સમજવો સહેલો હોતે તો દુનિયામાં દુ:ખ જેવું કઈ હોતે જ નહિ.”
મે બિંદી સામે જોઈ કહ્યું, “એક્સએક્ટલી ! કદાચ બધાને પ્રેમ માં હોવાનો અહેસાસ ના થાય એવું પણ બને ને.! મારા કિસ્સોમાં પણ આવું જ કૈક હતું, બિંદી મને ગમતી. (ગમે છે! એવું હું મનમાં બોલ્યો પણ બિંદી સામે જોઈ રહી હતી એટલે બોલી નહિ શક્યો.) બહુ ગમતી. પણ એને એ કહેવાની હિમ્મત ક્યારેય ભેગી નહિ કરી શકતો..!” બોલતા બોલતા મારાથી પ્રેમાળ નજરે બિંદી સામે જોવાઈ ગયું. તેના ચહેરા પર મે પ્રેમ કબૂલ કર્યાનો સંતોષ હતો.બિંદી જાણે હમણાં મને ભેટી પડશે એવું લાગ્યું. અમે બંને એકબીજા ને જોઈ રહ્યા. બે સેકન્ડ માટે જાણે બધું સ્થિર થઇ ગયું, . કોઈક સ્ટેશન પર ગાડી અટકી ગઈ હતી. ચાય ચાય કરતો ચા વાળો ફેરિયો આવીને મારા ખભા સાથે અથડાયો. ને બોલ્યો સાબ ચાય. મે સ્વસ્થતા કેળવતા નકાર માં માથું ધુણાવ્યું, નીરુ અને વસાવે સરથી હસી દેવાયું. હું પણ હસી પડ્યો. પણ બિંદીનું ધ્યાન કોઈ બીજા વિચારમાં હોય એવું લાગ્યું. મે તેને તંદ્રા માથી જગાડવા કહ્યું, “બિંદી આપણને બીજો મોકો મળ્યો છે.આપણી મૈત્રીની નવેસરથી શરુઆત કરીએ ?”
પણ બિંદીએ ફક્ત મને જોયા કર્યું.પછી જરા એવું પરાણે હસી.હું, વસાવે સર અને નીરુ બિંદીની આમ નિરુત્તર પ્રતિક્રિયાથી સૌ પોત પોતાની જુદી જુદી ધારણા જ બનાવી શક્યા. બિંદીનો ચોક્કસ નિર્ણય શું છે એ કોઈ ધારી નથી શકવાના.
હું અને વસાવે સર બિંદીની નિરુત્તર પ્રતિક્રિયાને કારણે ચુપ થઈ ગયા.પણ નીરુએ વાતાવરણ સ્વસ્થ કરવા રમૂજ કરી. નીરુએ નાટ્યાત્મક રીતે કહ્યું, “ નમસ્કાર મિત્રો…! તમે હમણાં સુધી ‘હંસ-હંસલી’ વાર્તાનો પહેલો ભાગ સાંભળી રહ્યા હતા. આ વાર્તાનો બીજો ભાગ …… અંમ્મ્મ્મ.” કહેતા નીરુથી અટકી જવાયું. પછી તેણે બિંદીને કહ્યું, “ બિંદીયા હવે તું તારા આ વસાવે સરને મળવા આવે ત્યારે મને પણ મળીને જજે, મને “હંસ હંસલી વાર્તાનો ભાગ-૨” પણ સાંભળવો ગમશે.” કહેતા બધાને હસાવી મુક્યા.
***
જયરાજે અપેક્ષિત નજરે જોઈને બિંદીયાને પૂછ્યું “બિંદી આપણને બીજો મોકો મળ્યો છે.આપણી મૈત્રીની શરુઆત નવેસરથી કરીએ ?” બિંદીયાના નિરુત્તરથી મને બિંદીયા માટે કોઈ ધારણા ધારવા કરતા તેને જ પોતાના મનની વાત કાગળ દ્વારા જયરાજને જણાવી દેવાની કુબુદ્ધિ સૂજી.જેમાં મારો કે મારી ડાયરીનો કોઈ સ્વાર્થ ન હતો...! મે બિંદીયાને કહ્યું, “ બિંદીયા તું એક કામ કર. જેનાથી આ કોયડો ઉકલી જાય.” કહેતા મે બિંદીયાને પેન અને થોડા કાગળ આપ્યા. મે કહ્યું, “બિંદીયા હું જાણું છું કે દરેક વાતને શબ્દો દ્વારા વ્યક્ત ન કરી શકાય, શક્ય જ નથી. પણ ઘણી વાર જે વાત આપણે બોલીને સમજાવી ન શકતા હોઈએ અથવા જે વાત કહી ન શકતા હોઈએ, એ વાતને લખીને સમજાવવાની કોશિશ કરી શકીએ. જેનાથી આપણને અને સામે વાળી વ્યક્તિને બંનેને વાત સમજવાનો પૂરતો સમય મળે. તું તારી મનોસ્થિતી કાગળ પર લખીને જયરાજને આપી દે.... !”
જયરાજને પણ મારી આ વાત ગમી. તેણે બિંદીયાને કહ્યું, “ હા બિંદી... જેથી મને પણ તારી મનોસ્થિતીનો થોડો અણસાર આવે.” અમારે બિંદીયાને સમય આપવો હતો. નીરુ પણ હવે બગાસા ખાઈ રહી હતી. મે નીરુને કહ્યું, “થોડી વાર હું સૂઈ જાઉં છું, તું પણ આડી પડ.” નીરુએ મારા હાથમાં ઓશીકું ને ચાદર આપતા કહ્યું, “ આમ તો આજે આ ઓશીકું અને ચાદર તમને ફરીથી જયરાજે જ આપવા પડ્યા હોત. પણ મને થયું જયરાજ, બિંદીયા અને તમને ફરીથી મારા માટે ઈશારા ઇશારામાં મશ્કરી કરવાનો મોકો ન આપું. એટલે આ ઓશીકું ને ચાદર તમને હાથો હાથ આપીને હું જયરાજ અને બિંદીયા સામે સાબિત કરી દઉં કે હવે હું તમારી જોડે કિટ્ટા નથી હોં...! “ કહેતા નીરુ હસવા લાગી.
મારી આંખ ઊઘડી ત્યારે નીરુ જીણા જીણા નસકોરા બોલાવી રહી હતી. બિંદીયા બેઠી હતી પણ ઉજાગરાને કારણે તે બેઠા બેઠા જ સુઈ ગઈ હતી. બિંદીયાના ચહેરા પર એક નિરાંત હતી. બારીમાંથી આવતો વહેલી સવારનો કૂણો કૂણો તડકો બિંદીયાના ચહેરાને વધુ તેજસ્વી બનાવી રહ્યો હતો.જયરાજ તેના ચહેરા સામે વારે વારે જોઈને વચ્ચે વચ્ચે એકાદ જોલૂં ખાઈ લેતો હતો. હું જાગી ગયો તેની જયરાજને જાણ થતા, તેણે એક પરબીડિયું લઈ બાજુમાં પડેલો કાગળ તેમાં રાખી મને તે પરબીડિયું આપતા કહ્યું, “ આ પરબીડિયામાં બિંદીનો કાગળ છે.અને મારા વાંચી લીધા બાદ બિંદીએ કાગળ તમને આપવા કહ્યું છે.” કહીને જયરાજ ફ્રેશ થવા ગયો. ત્યા નીરુ જાગી એટલે મે પરબીડિયું ખોલ્યું.
બિંદીયાનો પત્ર
પ્રિય વસાવે સર અને નીરુ
અને
મારા વહાલા જયરાજ,
જયરાજને ‘મારો’ કહેવાનો મને અધિકાર નથી. પણ મને આવું સંબોધન કરવું ગમે છે. કારણ કે પ્રત્યક્ષ રીતે ભલે જયરાજ મારો ન હોય. પણ પરોક્ષ રીતે મારી કાલ્પનામાં તે મારો જ છે. અને સદાય મારો જ રહેવાનો છે. જયરાજના મળ્યા પહેલા હું મારા સંસારી જીવનમાં અમુક વાતો અપવાદ કરતા લગભગ ખુશ હતી. મારા પતી ઓજસે મને ક્યારે પણ કોઈ વસ્તુની ખોટ સાલવા દીધી નથી. પણ તેમના માલિકીભાવને કારણે હું ઘણી વાર ગૂંગળાય જતી.જેના કારણે હું હૃદયથી ઓજસથી દૂર થતી ગઈ. જેની જાણ સુધ્ધા મે તેમને ન થવા દીધી. મનોમન બધુ સહન કરી લેવાનો અને દરેક વાત હસતા મોઢે સ્વીકારી લેવાનો મારો સ્વભાવ બનતો ગયો. મારા બનાવટી સ્વભાવને કારણે ઓજસને પણ ખબર ન પડી કે મને કંઈક ખૂટી રહ્યું છે. એવામાં જયરાજ મને મળ્યો. જયરાજ સાથે મને ગમતું, ખુબ ગમતું. હું તેને જોતી ત્યારે હું ઓજસની પત્ની મટીને બિંદીયા બની જતી. હું મારા પોતાના સંપર્કમાં આવી. જે હમણા સુધી ફક્ત ઓજસની પત્ની તરીકે પોતાને ઓળખતી હતી, તે હવે પોતાને બિંદીયા તરીકે જાણવા લાગી હતી. હું ઘરની જવાબદારી સાથે જયરાજને પણ સમય આપવાની કોશિશ કરતી. જેમાં હું ઘણી જ રીતે ખરી પણ ઉતરતી. કારણ કે જયરાજ સાથે હોવું એટલે મારુ મારી સાથે હોવું, અને જયરાજ માટે સમય કાઢવો એટલે મારે મારા માટે સમય કાઢવા બરાબર હતું. હું ન હતી જાણતી કે આ લાગણીને શું કહેવાય. ફિલ્મોમાં, ગીતોમાં, કાવ્યોમાં મને ‘પ્રેમ’ શબ્દ આવે એટલે બધુ વેવલાપણા જેવું લાગતું. મારી બહેનપણી પોતાના પ્રેમની લાગણીની વાતો કરતી ત્યારે હું તેને ‘વેવલી’ કહીને દુખી કરી દેતી. પણ જ્યારે જયરાજે ઘણો સમય મને કોન્ટેક્ટ ન કર્યો ત્યારનો સમય મારી માટે ઘણો આકરો હતો. હું જયરાજની રાહ જોયા કરતી. મારી આંખો તેને શોધતી, કે ક્યાંક એ અચાનક મળી જાય તો એને ખૂબ વઢું.
ખુબ ગુસ્સો પણ આવ્યો. મનમાં ઘણી વાર થતું કે તેને ફોન કરુ પણ ન કરતી, ફરી ગુસ્સો આવતો.
એના પછીના સમયમાં મને થયું કે, જયરાજ મને ભૂલી ગયો, પણ ત્યારે હું જ મારા મન સાથે ઝગડી કે, હું કયા હકથી આવું વિચારી રહી છું ?
ત્યાર પછીનો સમયમાં કંઈક જુદી લાગણીની અનુભૂતિ થઈ જે થોડા અંશે ઘેલા જેવી હતી.
હું અરીસામાં પોતાને જોઈને વિચારતી કે જયરાજ અત્યારે મારી સામે ઊભો હોય તો હું કંઈ રીતે વાત કરુ?, હું કંઈ બોલી શકુ કે ચુપ જ રહ્યું ? કે પછી એ રીતે જયરાજને જોઉં કે મારે કશું બોલવાની જરૂર ન રહે અને જયરાજ બધુ સમજી જાય. કોઈ લવસ્ટોરી વાંચું તો તેના પાત્રોમાં પણ હું જયરાજ અને બિંદીની જ કલ્પના કરતી. જેને હું વેવલાપણુ સમજતી હતી. એ વેવલાપણું હું રોજ પોતાના અરીસામાં જોતી. હું કલ્પનાઓ થકી જયરાજ સાથે ન હોવાના દુખને ભૂલવા લાગી.મને ખબર પડવા લાગી કે આ લાગણી કંઈક જુદી છે. અત્યાર સુધી ક્યારે પણ નથી થઈ એવી છે. શું આ પ્રેમ છે?
એ દરમિયાન મને જયરાજ વિશેની મારી કલ્પનાઓને રૂપ આપવાનો વિચાર સ્ફુર્યો. હું વિચારતી જયરાજ મને કલ્પીને ચિત્ર બનાવે તો હું તેમાં કેવી લાગુ ? મે જ મારા ચિત્રો જયરાજની કલ્પનામાં હું કેવી હોઈ શકુ ? એ રીતે બનાવવાની શરુઆત કરી. જેમાં મને ઘણો આનંદ આવતો. અને જયરાજ પણ મને યાદ કરતો જ હશે એવો સંતોષ મળતો. મને સમજાઈ ગયું હતું કે મને જયરાજ જોડે પ્રેમ થઈ ગયો છે. આટલું જાણ્યા પછી જયરાજને પણ પ્રેમ હશે કે નહી એ મારે જાણવાની જરૂર અમારા સંજોગને કારણે મને લાગી નહી. મને તો મારો કાલ્પનિક જયરાજ મળી ગયો હતો. પ્રત્યક્ષ જયરાજ મળ્યા પછી મને હું મળી હતી. અને કાલ્પનિક જયરાજના મળ્યા પછી હું પોતાને પ્રેમ કરવા લાગી. જયરાજના ગયા પછી ઘણી તૂટી ગઈ હતી. મને મારી કલ્પના, કેનવાસ અને રંગોએ ફરી જોડી દીધી હતી. છતા એકાદ તડ તો રહી જ ગઈ છે, જેના કારણે હું મને પોતાને સાવચેતીથી ઝાલીને ઊભી છું. જો હવે એ તડ પર એકાદ પણ કાંકરી લાગે તો હું ફરીથી તૂટી પડીશ. અને બીજી વાર કદાચ પોતાને ક્યારે પણ જોડી નહી શકુ. જ્યારે વેઈટીંગ રૂમમાં જયરાજે અચાનક આવીને મને ચોંકાવી, એવું મારી કલ્પનામાં એ કાયમ કરતો. પણ આજે ખરેખર જયરાજ સામે છે એમ જોઈને મને એકવાર જયરાજને ભેટી લેવું હતું પણ એમ ન કરવા મે મારી લાગણીઓને કાબુમાં કરી.“આપણે ક્યાંક તો ભટકાશુ જ...!” વાળુ જયરાજનું વાક્ય યાદ આવી ગયું.મને થોડી વાર માન્યામાં નહી આવ્યું.
આજે જયરાજ પણ મને પ્રેમ કરે છે એ જાણીને મને ઘણો જ સંતોષ મળ્યો પણ તુ મોડો પડ્યો છે જયરાજ. તારા પ્રેમ કરતા વધારે મને કાલ્પનિક જયરાજ વધુ પ્રેમ કરે છે. અને એ જયરાજને કારણે જ હું પોતાને પ્રેમ કરી શકુ છું.
જયરાજને નહી મળવાનો નિર્ણય મે મારુ મન મારીને નથી લીધો. હૃદય અને મગજ વચ્ચે મહિનાઓ સુધી ચર્ચા ચાલી. જેમાં હૃદયે મગજની જ વાત માની.અને જયરાજને ન મળવું કે ન કોન્ટેક્ટ કરવો એવું પરિણામ આવ્યું. એ મારુ મારી જાત સાથેનુ સમાધાન છે. હવે મારે જયરાજ તરફથી કંઈ નથી જોઈતું.બસ હવે કોઈ પણ અપેક્ષા વગર જયરાજને પ્રેમ કર્યા કરવો છે અને અનંત કર્યા જ કરીશ.
વસાવે સર અને નીરુ,
આશા છે તમે મને થોડી સમજી શક્યા હશો. તમારે મારા કાલ્પનિક જયરાજની બનાવેલી પેંટીગ્સ જોવી હોય તો એક્ઝિબીશનમાં જરૂર આવજો. લિ. જયરાજની બિંદી. પત્ર વાંચ્યા પછી મે નીરુને પૂછ્યું, “નીરુ તું ગઈ કાલ થી મારી જોડે નથી બોલી રહી.જેનુ કારણ તને ને મને બંનેને ખબર હોવા છતા આપણને અત્યાર સુધી કેટલું દુખ પહોંચ્યું છે. તું વિચારી જો કે જયરાજ અને બિંદી એક બીજા સાથે છ વર્ષ અબોલા રહ્યા, એ પણ એક બીજાને ચોક્કસ કારણ જણાવ્યા વગર. તો તેમને કેટલું દુખ થયું હશે ?” “ નીરુ તને આટલી વાતો થઈ એમા પ્રેમની વ્યાખ્યા શું હોય તે સમજાયું..?” નીરુએ જે જવાબ આપ્યો એ મે પણ ધાર્યો ન હતો. નીરુ કહ્યું, ” આપણે જ્યારે પ્રેમમાં હતા ત્યારે હું વિચારતી કે જો આપણે લગ્ન કરીએ તો જ આપણા પ્રેમને ચોક્કસ નામ મળશે.પણ હું ખોટી હતી.આજે મે જાણ્યું પ્રેમને નામ નથી હોતા. પ્રેમ તો હવામાં હોય સુગંધ જેવો. પ્રેમના અદ્રશ્ય તાંતણના તાણાબાનામાં બે જણ ગૂંથાયા કરે. જેમની તેમને પણ ખબર ન પડે. પ્રેમની વ્યાખ્યા આપવા જાઈએ તો દુનિયામાં પ્રેમ પર લખાએલી દરેક કવિતા ભેગી કરીને પણ પુરી રીતે લખી ન શકાય. અને બિંદીયાની વાત જાણ્યા પછી ખબર પડી કે પ્રેમને આકાર કે કોઈ ચોક્કસ પ્રતિમાની પણ જરૂર નથી હોતી. બિંદીયા કાલ્પનિક જયરાજના રૂપે પોતે જ પોતાને પ્રેમ કરી રહી છે.”
પછી નીરુ થોડા તોફાની લહેકામાં બોલી, “ અને છેલ્લે ……! મારા માટે પ્રેમની વ્યાખ્યા એટલે ‘નિરંજન વસાવે’ ….!” બોલતા નીરુએ મારા ગાલ પર એક ચિમટો ખણ્યો.
ત્યાર પછીનો સમય અમે બધાએ થોડી ઘણી ઔપચારિક વાતો કરીને જ પસાર કર્યો. દિલ્હી આવ્યું અને અમે બધા પોતપોતાનો સામાન લઈ ઊતર્યા.
ત્યારે જયરાજના સામાનમાં એક હલકી બેગ અને એક ભારે હૈયું હતું.
બિંદીયા પણ તેના નાના થેલા અને મોટા હૃદય સાથે ઉતરી.
હું અને નીરુ ઘણા હળવા થઈ ગયા હતા અબોલાનું બાજકુ ટ્રેનમાં જ ભૂલીને.પણ અમારી ચાર બેગો અને એક નાસ્તાનો થેલો નીરુના પિયરિયા માટેના સંપેતરાને કારણે ખૂબ ભારે હતા.
સમાપ્ત
બીના રાઠોડ