પ્રેમપરાયણ - 3

“મને જયરાજ સાથે પ્રેમ થઈ જ ન શકે” એવી મારી ધરણા હતી જે તૂટવાની હતી. એક દિવસ જયરાજે મને તેના લગ્નનાં સમાચાર આપવા ફોન કર્યો. બસ ત્યાર પછી તેના ફોન ઓછા થતા થતા બંધ થઈ ગયા.મે પણ તેને મારી તરફથી કોન્ટેક્ટ કરવાની હિંમત ન કરી. મને એ વખતે અહમ પર કાબૂ કરતા નહી આવડ્યું હોય...!અથવા તો “જયરાજ પર મારો શું અધિકાર છે ?” ના વિચારને કારણે હું અટકી રહી હતી. તેનું કારણ નથી ખબર. પણ હું એટલું સમજતી હતી કે જયરાજ હવે મારી માટે પહેલા જેવો સમય ન જ કાઢી શકે. હું બેચેન રહેવા લાગી, કાંઈ ખૂટી ગયું હોય એવું લાગવા લાગ્યું.

મને સમજાય ગયું હતું કે ‘‘જયરાજ સાથે પ્રેમ ન થઈ શકે” વાળી મારી ધારણા ખોટી પડી.” થોડીવાર ટ્રેનના હાલનડોલન સાથે ડોલી રહેલી વોટર બોટલના, પાટાના બદલાવાની ખટાખટીના, ટ્રેનની ઝૂલતી સાંકળના અવાજ સિવાય અમારા ચારે માથી કોઈનો અવાજ ન નિકળ્યો.

એ વખતે બિંદીયા અનુચિંતનમાં સરી ગઈ હોય એવું લાગતા નીરુને લાગ્યું એક વિરામ લેવો જોઈએ. તેણે નાસ્તાના થેલા માથી સુખડીનો ડબ્બો કાઢ્યો અને સૌથી પહેલા મારી સામે ધર્યો.

કોણ જાણે કેમ મને નીરુની આ વાત પર વહાલ આવી ગયું.સુખડીના ડબ્બાના રૂપમાં જાણે નીરુ મને માફી પત્ર આપી રહી હોય એમ તેણે મારી સામે જોયું અને સાવ જરા એવું હસી. જેને કારણે મને લાગ્યું કે નીરુ જયરાજ અને બિંદીયાને ખોટી રીતે જજ કરવા કરતા તેમને સમજવાની કોશિશ કરી રહી છે અને સાથે સાથે ગઈ કાલે થયેલી અમારી ચર્ચામાં પણ પોતે ક્યાં ક્યાં ખોટી પડી એમ પણ વિચારી રહી છે.

નીરુએ બિંદીયાને ડબ્બો આપવા હાથ લંબાવ્યો, છેક ત્યારે બિંદીયા તંદ્રા માથી જાગી.

તેણે સુખડી ન લેતા પાણી પીને પોતાની વાત જાણે ટૂંકાણમાં પતાવવા માંગતી હોય તેમ બોલી, “જયરાજ સાથે મને પ્રેમ છે એટલું જ જાણ્યા પછી હવે મારે કાંઈ પામવું ન હતું. જયરાજને પણ પ્રેમ છે કે નહી એ વાત માટે હું ચોક્કસ ન હતી. છતા મારે તે જાણવું ન હતું.ત્યાર પછી એક વાર યોગાનુયોગે અમે સરના એક્ઝીબીશનમાં મળ્યા ત્યારે અમે થોડી ચર્ચા કરીને હવે નહી મળીયેનો નિશ્ચય કર્યો. એ વાતને છ વર્ષ થઈ ગયા.ત્યાર પછી અમે આજે ફરી યોગાનુયોગે વેઈટીંગ રુમમાં મળ્યા અને અત્યારે તમારી સામે બેઠા છીએ.” બિંદીયાએ નીરુને કહ્યું, “તમે મારા માટે શું ધાર્યું હશે તેની મને ખબર નથી પણ હું ફક્ત એટલું જ કહીશ કે,“પ્રેમ એક એવો સાગર છે, જેમાં આપણે જાતે જઈને પડી નથી શકતા,એ સાગર તો આપમેળે આપણી આજુબાજુ રચાય છે,તે રચાય ગયા પછી તેમા તરીને કોઈ પણ કિનારે પહોંચી ન શકાતુ હોય તો,તેની અનંત ઊંડાઈમાં ડૂબતું જવાય છે.”


થોડીવાર તેણે જયરાજ સામે જોયા કર્યું ને પછી બોલી, “ને..સાથે રહેવાથી જ પ્રેમ વધે તેવું જરૂરી નથી. પ્રેમ તો અનુભૂતિ છે. હું આ પ્રેમ સાગરની અનંત ઊંડાઈમાં ડૂબી રહી છું. આ અનુભૂતિ અવર્ણનીય છે.” વાર્તાની શરુઆત જયરાજે કરી હતી પણ વાર્તાને બિંદીયાએ અનંત અવકાશમાં વહેતી મૂકી દીધી.

આ બધી વાતમાં મે જોયું જયરાજ ચુપ હતો. ઊંડા વિચારમાં ખોવાયેલો હતો. તે અત્યારે શું વિચારતો હશે ? કંઈ લાગણી અનુભવતો હશે ? બિંદીયા માટે તેને ત્યારે પ્રેમ હશે ? કે,હશે છતા પણ સમય સાથે બદલાય ગયો હશે ? કે પછી હવે બિંદીયાને ગુમાવ્યા પછી થયો હશે ? બિંદીયાને તે આટલા વર્ષે મળ્યો ત્યારે તેણે શું અનુભવ્યું હશે ? આજે મને અને નીરુને મળવા પહેલા વેઈટીંગ રૂમમાં તેમના વચ્ચે શું વાત થઈ હશે, કે જેને કારણે તે બંને આવ્યા ત્યારથી તેમના વહાલની સુગંધ તેઓ છુપાવી શકતા ન હતા ? આવા વિચાર મારા મગજમાં આવવા લાગ્યા. ઘડીક મને લાગ્યું હું નીરુ બની ગયો છું. જયરાજ માટે આટલા બધા સવાલો એ મને નીરુ ન બનતા જયરાજ બનવાનો આદેશ આપ્યો. એટલે કે મારે જયરાજ વિશે લખવું હોય તો મારે જયરાજ બનીને જ વિચારવું જોઈએ.

***

“ આપણી વચ્ચે નસીબ જેટલું અંતર, અંજળ જેટલી નિકટતા”

હું ને બિંદી ટ્રેનમાં વસાવે સરને જોઈને થોડા અચંબા સાથે ઘણા રાજી થઈ ગયા. વસાવે સરે અમને સાથે જોતા વેંત સવાલ કર્યો, “ઓહ...! બિંદીયા, જયરાજ, કેમ છો તમે બન્ને ? બધુ બરાબર ? કે હજુ પણ...?”

તેમણે અમારા વિશે જાણવાની જીજ્ઞાસા બતાવી પણ મારે ઉત્તર ટાળવો ન હતો છતા મે મિસિસ વસાવેની હાજરી જોઈ ઉત્તર ટાળ્યો. વસાવે સરે અમારો પરિચય તેમની પત્ની સાથે કરાવ્યો. અમે સામાન ગોઠવી બેસી ગયા. હું બિંદી જોડે બેઠો છું એ મને માન્યામાં નો’તુ આવી રહ્યું. છ વર્ષ....! આ છ વર્ષમાં હું ક્યારે પણ બિંદીને ભુલ્યો ન હતો.

આજે વેઈટીંગ રૂમમાં બિંદીને જોતા જ મને એક વાર તો તેને ભેટી લેવાનું મન થઈ જ ગયું હતું. મારા પગ બિંદીયા તરફ ચાલ્યા ત્યારે મને લાગ્યું કે હું ઉડી રહ્યો હતો. બિંદી પોતાની એક લટને હાથેથી વારે વારે સરખી કરતા કરતા મેગેઝીન વાંચી રહી હતી. સફેદ કુરતી સાથે આછા ગુલાબી દુપટ્ટામાં મે બિંદીની ઘણી વાર કલ્પી જોઈ હતી. આજે તે આબેહૂબ લિબાસમાં અદ્દલ એવી જ હંસલી જેવી લાગી રહી હતી. હું ખુલ્લી આંખે કોઈ સુંદર સપનું જોઈ રહ્યો હોવ એવું મને લાગ્યું. મારો જ હળવો અવાજ મારા કાને મને સંભળાયો, “મારી હંસલી....!” ને મે જ મને જગાડ્યો.

હું સ્વસ્થ થયો ને બિંદીને નવેસરથી મળી રહ્યો હોવ એમ જ, હું પહેલી વાર મળ્યો હતો ત્યારે પૂછેલો સવાલ આજે ફરી પૂછ્યો, “ તમારી પાસે વસાવે સરનું વિઝિટીંગ કાર્ડ છે.”

અને બિંદી, “જયરાજ તું ?” કહેતા સફાળી ઊભી થઈ ગઈ. લાગ્યું તે મને હમણાં ભેટી પડશે પણ તેણે સંયમ કરી એમ ન કર્યું જેના કારણે તેની એક આંખમાંથી આંસુ સરી પાંપણ પર અટકી ગયું. બિંદી એ ફરી લટ સરખી કરવાને બહાને હું ન જાણતો હોવ એમ આંસુ લૂંછી લીધું.

મારે બિંદી જોડે ઘણી વાતો કરવી હતી. પણ મે વિચાર્યું તેને સ્વસ્થ થવાનો સમય આપું. બિંદીએ તેની પેંટીગના એક્ઝિબીશનનું ઈનવિટેશન કાર્ડ મને આપ્યું. હું એ જોઈને ઘણો ખુશ થયો. કેમ ન થાઉં, બિંદીનું એ સપનું હતુ જે પૂરું થવાનું હતું.

અમે જુની વાતો ન કાઢતા વર્તમાનની જ ઔપચારિક વાતો કરતા સાથે થોડી વાર બેસ્યા. ત્યા ટ્રેન આવવાની અનાઉન્સ્મેન્ટ થઈ. મિસિસ વસાવેના વાતોડિયા સ્વભાવને કારણે તે અમારી સાથે એટલા ભળી ગયા કે અમે પણ તેમને વસાવે સરની જેમ નીરુ કહીને સંબોધવા લાગ્યા. હવે વસાવે સરની જેમ નીરુને પણ અમારા વિશે જાણવાની ઉત્સુકતા થઈ. એટલે અમે સરના વિઝિટીંગ કાર્ડથી લઈને એક બીજાના ફોન નંબર ડિલીટ કર્યા સુધીની વાત કરી.

પણ બિંદીના એક વાક્યએ મને આંચકો આપ્યો. બિંદી બોલી “જયરાજ સાથે મને પ્રેમ છે એટલું જ જાણ્યા પછી હવે મારે કાંઈ પામવું ન હતું. જયરાજને પણ પ્રેમ છે કે નહી એ વાત માટે હું ચોક્કસ ન હતી. છતા મારે તે જાણવું ન હતું.”

ક્રમશ...

***

રેટ કરો અને રિવ્યુ આપો

Beena Rathod 3 માસ પહેલા

Viral 1 વર્ષ પહેલા

Irfan Juneja 1 વર્ષ પહેલા

Really excellent work...

Janki 1 વર્ષ પહેલા

Rajesh Dabhi 1 વર્ષ પહેલા

શેર કરો