પ્રેમપરાયણ

પ્રેમપરાયણ

બીના રાઠોડ

“પ્રેમ એક એવો સાગર છે,

જેમાં આપણે જાતે જઈને પડી નથી શકતા,

એ સાગર તો આપમેળે આપણી આજુબાજુ રચાય છે,

તે રચાય ગયા પછી તેમા તરીને કોઈ પણ કિનારે પહોંચી ન શકાતુ હોય તો,

તેની અનંત ઊંડાઈમાં ડૂબતું જવાય છે…!”

ઉપરનું વાક્ય મારુ નથી. એ વાક્ય કોનું છે તે તમને આગળ વાંચતા ખબર પડી જશે. હું નિરંજન વસાવે છું. મને લખવાનો બહુ શોખ નથી. પણ, ફરવાના શોખને કારણે મારી દરેક રેલયાત્રા ના અનુભવ લખવા મેં એક ડાયરી બનાવી છે. આ ડાયરી ફક્ત મારા જ અનુભવ પૂરતી નથી. યાત્રા પૂરી થયા પછી હું જ્યારે ફ્રી થાઉં છું, ત્યારે જ આ ડાયરી લખવા બેસું છું. કારણ-કે, યાત્રા દરમિયાન મને લખવા કરતા લોકોના હાવભાવ વાંચવા વધુ ગમે છે.

જાણે હું પ્રેક્ષક હોઉં અને મારી આજુબાજુના યાત્રીઓ કોઈ ફિલ્મના પાત્રો હોય, હું એ રીતે તેમને જોઉં છું. યાત્રા પૂરી કર્યા પછી મારી સાથેના યાત્રીઓ પણ પોતપોતાની ડાયરી લખતા હોત તો કંઈ રીતે લખતા હોત ? એ હું મારા દ્રષ્ટિકોણથી લખી તેમને મારી ડાયરી પુરતા મારી કલ્પના જેવા બનાવી દઉં છું. અથવા એમ કહી શકાય કે એ બધા આ ડાયરીમાં તેમની પોતાની વાર્તા, તે પોતે જ લખી ગયા હોય એ રીતે લખું છું.

“હું નિમિત્ત હતો”

રાતના ૧૧.૩૦ વાગી રહ્યા હતા અને ટ્રેન ઉપાડવાની તૈયારીમાં હતી. હું અને નીરુ બેગ અને બાકીનો સામાન ગોઠવીને મૌન લઈને બેસી ગયા હતા. સામેની ખાલી સીટ જોઈને મને હંમેશાની જેમ કુતૂહલ થયું કે ત્યાં કોણ આવશે ? ત્યા નીરુએ મને ટોંટ મારવા સહેજ પોતાની એક ભવર ઊંચી કરી અને ઊંધી પકડેલી નોવેલમાં બૂકમાર્ક શોધતા શોધતા ધીમા અવાજે ગણગણાટ કર્યો ! “સામેની સીટ પર કોઈ મારા જેવું આવે તો સારું, નહીતો દિલ્હી સુધીની આ મૂ(ક)સાફરી મને બેચેન કરી મુકશે ! ” કહેતા એ નોવેલને સીધી પકડીને વાળેલા પાનાને સીધું કરવા લાગી. ‘મૂકસાફરી’ શબ્દમાં નીરુએ ‘મૂક’ પર વિશેષ ભાર આપ્યો. એટલે મે પણ નીરુ સામે મૂંગા મોઢે જ જોયા કર્યું.

ટ્રેન ઊપડી, ત્યાં દરવાજેથી સાવ જાણીતા અવાજ, હાસ્ય અને થોડા સામાન સાથે કોઈ બે જણ અમારી તરફ આવી રહ્યા હતા. હું કશું બોલુ એ પહેલા જ નીરુએ હાશકારો અનુભવતા ફરી ગણગણાટ કર્યો, “ કોઈ યંગ એજના લાગે છે, છૈયા છોકરા વાળા હોત તો મારે મુક-બધિર જેવું બેસવું પડતે.

નીરુને બાળકોની કોઈ ચિડ નથી પણ બાળકોની મમ્મીઓની ભારે એલર્જી છે. અમારે બાળકો ન હોવાને કારણે તેના પાસે આવી મમ્મીઓ સાથે વાત કરવાનો કોઈ ટોપીક નથી હોતો, નીરુનું માનવું છે કે, મમ્મી ઓ તેમના બાળકના ટોપીક સિવાય કોઈ બીજા ટોપીક પર વાત નથી કરતી. અમારી સુધી આવતા જ તેઓ બન્ને સાથે બોલી ઊઠ્યા, “અરે.. !વસાવે સર તમે ?” હું પણ બિંદીયા અને જયરાજને સાથે જોઈ ચમકી ગયો. મને આ બંને જાણીતા લોકોને જોઇને થોડો સ્વાર્થી જેવો મનમાં વિચાર આવી ગયો કે આ વખતે મારી વાર્તાઓ કંઈક વધુ રોમાંચક લખાશે. પણ પછી તરત જ એવો વિચાર આવ્યો કે, ના આ વખતની વાર્તા મારા માટે પડકારરૂપ હશે. કારણ કે, જ્યાં સુધી હું સામે વાળા પાત્રને ઓળખતો ન હોઉં, ત્યાં સુધી હું મારી કલ્પનાના ગોદામમાંથી ગમે તેટલી કલ્પનાઓ તેમની વાર્તામાં ઉમેરી શકું છું. પણ જો હું તેમને ઓળખતો હોઉં તો કલ્પનાઓનું એક પડીકા જેવું જ હાથમાં આવે, જેને મારે જોઈતા પ્રમાણમાં જ વાપરવું પડે. મે પૂછ્યું, “ઓહ બિંદીયા,જયરાજ, કેમ છો તમે બન્ને ? બધુ બરાબર ? કે હજુ પણ...?” મે વાક્ય અધૂરું જ મુક્યું. બન્ને એ એક બીજા તરફ વહાલ ભરેલી નજરે એક ક્ષણ જોયું અને પછી નીરુ સામે જોઈ, “તમે મિસિસ વસાવે ને?” કહેતા જયરાજે “બધુ બરાબર?” વાળા પ્રશ્નનો ઉત્તર ટાળ્યો. નીરુએ ઊભા થઈ હસીને હકારમાં માથું હલાવ્યું. મે નીરુને કહ્યું “આ બન્ને મારા મિત્રો છે.” નીરુએ જાણે “હું તમારી જોડે કોઈ પણ બહાને બોલવાની નથી” જેવો ભાવ મારા સામે જોયા વગર બેસતા બેસતા હાથમાં નોવેલ લઈ આપ્યો.

બિંદીયા નીરુની સામે બારી વાળી જગ્યા પર બેસી ગઈ ને જયરાજ બેગ અને બાકીનો સામાન ગોઠવવા લાગ્યો. નીરુ તે બન્નેને વારાફરતી ઊપરથી નીચે એક વાર જોઈને ફરી પોતાની નોવેલ વાંચી રહી હોય એવો દેખાવ કરવા લાગી. તે અમારા બધાની વચ્ચે હમણાં સુધી ચુપ હતી. પણ, હવે વધારે વાર તે આવો ડોળ કરી શકે તેવી ન હતી. તેમને બન્નેને એકાદ બે સવાલ પુછીને નીરુ હમણાં વાતોની રમઝટ બોલાવશે તેની મને ખાતરી હતી. એટલે હું કાયમની જેમ ચુપ જ રહ્યો. નીરુએ નોવેલ બાજુમાં મુકી અને,“ક્યાથી છો તમે લોકો?” પૂછતા બિંદીયા સાથે હળવા સવાલથી વાતોની શરૂઆત કરી. બિંદીયાએ કહ્યું, “અહીયા મુંબઈથી જ છીએ, હું બોરીવલી રહુ છું અને જયરાજ બાંદ્રા રહે છે.” કહીને બિંદીયાએ જયરાજ સામે ફરી એક વહાલ ભરેલી નજર કરી.

નીરુના સવાલોની પોપકોર્ન એક પછી એક ફૂટવાની હતી. તેણે તરત બીજો સવાલ કર્યો,”ક્યાં ફરવા જઇ રહ્યા છો ?” જયરાજે જવાબ આપ્યો, “હું ઓફીસના કામથી દિલ્હી જઈ રહ્યો છું અને બીંદી...!” કહેતા તેણે બિંદીયા સામે જોઈને કહ્યું, “બીંદી આ ગૂડન્યુઝ તુંજ આપને મિસ્ટર એન્ડ મિસીસ વસાવેને...!” “વાઉં ! શું ગુડન્યુસ છે બિંદીયા?” મે પૂછ્યું.

બિંદીયાએ મને એક ઈનવિટેશન કાર્ડ હાથમાં આપતા કહ્યું, “લો વાંચો સર,આ છે ગુડન્યુસ,મારી પેન્ટીંગ્સનું એક્ઝીબીશન છે આવતે અઠવાડિયે દિલ્હીમાં અને તમારા બન્નેની હાજરી એક્ઝીબીશનની શોભા વધારી દેશે!”

મે બિંદીયાને કહ્યું, “અરે વાહ..! અમે ચોક્કસ આવશું.” બોલતા મે નીરુ સામે જોયું પણ નીરુનો ફરી એક ભવર ઊંચકેલો ચહેરો જોતા મારે તેને સહેજ ભોંઠો પડ્યાનો ભાવ આપવો પડ્યો. નીરુને જ્યારે જ્યારે મારા ચહેરા પર ભોંઠો પડ્યાનો ભાવ જુએ છે ત્યારે તેના ચહેરા પર એક વિચિત્ર સંતોષનો ભાવ આવે છે, જે થોડો અહં સંતોષ્યાનો ભાવને મળતો આવે છે.મે પછી તરત જ બિંદીયા સામે જોઈને કહ્યું, “અમે પણ પંદરેક દિવસ ત્યાજ છીએ.” આ બધી વાતોમાં નીરુના મનમાં તે બન્નેને લઈને ઘણા સવાલો હડીયાપટ્ટી કરી રહ્યા છે.એ વાતનો અંદાજ મને તેના અચાનક ચુપ થઈ જવાથી આવી ગયો હતો. બિંદીયા અને જયરાજની આંખોમાં એક બીજા પ્રત્યેનો વહાલ આવ્યા ત્યારથી દેખાઈ આવતો હતો અને એ ભાવ નીરુને પણ દેખાઈ આવે એવા હતા. નીરુ વિચારતી હશે કે કદાચ આ બન્નેની સગાઈ થઈ હશે ? કે પછી ખાસ મિત્રો હશે? કે એક બીજાને પ્રેમ કરતા હશે? વગેરે વગેરે … નીરું જાણી ગઈ હશે કે હું આ બન્નેને ઓળખું છું.પણ, મને કશું પણ પુછવાથી મારી સાથેના અબોલા તેના તરફથી તૂટે, એટલે તે મનમાં બીજી રીતે સવાલો ગોઠવવા લાગી હશે એમ વિચારીને મને મનમાં હસવું આવી ગયું. નીરુના જજમેન્ટલ સ્વભાવને કારણે હું પણ બિંદીયા અને જયરાજ વીશે નીરુને મારા તરફથી હમણાં કોઈ ચોખવટ કરવા નો’તો માંગતો. ગઇ કાલે જ જજમેંટલ માનસીકતા ધરાવતા લોકો પર મારી ને નીરુની એક ડિબેટ કલાક સુધી ચાલેલી અને તેનું પરિણામ નીરુના અબોલા સુધી આવ્યું હતું.

ક્રમશ...

***

રેટ કરો અને રિવ્યુ આપો

Jaydeep Jhaveri

Jaydeep Jhaveri 8 માસ પહેલા

Beena Rathod

Beena Rathod 1 વર્ષ પહેલા

NAVROZ PABANI

NAVROZ PABANI 1 વર્ષ પહેલા

Mani

Mani 2 વર્ષ પહેલા

Nita Zala

Nita Zala 2 વર્ષ પહેલા