ચાંદલો Dipesh Kheradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાંદલો

ચાંદલો

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!

એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે..

- મરીઝ

આજ મહિનાની પહેલી તારીખ હતી. જનકભાઈએ સાંજના કામેથી ઘરે આવીને હાથ પગ ધોઈને સીધા પોતાના ખાટલા નીચે રાખેલી ગલ્લા જેવી પેટી કાઢી અને ઝભ્ભાના ખિસ્સામાંથી આજનું આવેલ રોજ બહાર કાઢ્યું. એને બધા પૈસા ગણ્યા, બરાબર 30 રૂપિયા થયા. એને ત્રીસે ત્રીસ રૂપિયા ગલ્લા પેટીમાં નાખી દીધા. હવે થોડા મહિનામાં જ સુધાના લગ્ન લેવાના હતા એને એવા વાવડ મળ્યા હતા.

કંચનબેન હાથમાં ચા ભરેલો પ્યાલો લઈને આવ્યા. જનકભાઈને ચા નો પ્યાલો આપ્યો અને જનકભાઈની સામે જમીન પર જ બેસી ગયા. કંચનબેને ફરી જનકભાઈ સામે નજર કરી જોયું અને અને આંખોથી અશ્વાસન આપ્યું. જનકભાઈ એક ઘૂંટડે બધી ચા પી ગયા. જનકભાઈએ આજ ફરી પોતાના ખાટલા નીચે પેટીમાં રાખેલી ચાંદલાની બુક બહાર કાઢી અને બુક પર નજર કરી.

જનકભાઈએ બૂકનું પહેલું પતું ખોલ્યું. એને ખબર જ હતી શું લખ્યું છે, પરંતુ એને ફરી વાર વાંચ્યું. 'સુનિતાના લગ્નમાં આવેલ ચાંદલાની યાદી' એને બે ત્રણ પતા ફેરવી નાખ્યા. એ ફરીથી ચાર નંબરના પતા પર આવીને અટકી ગયા. જનકભાઈ એ સૌથી મોટી રકમના ચાંદલા પર નજર કરી, એની આંખોમાં ખુશીના જળજળીયા આવી ગયા. પુરા ૧૧૧૧/- રૂપિયાનો ચાંદલો હતો જમનાદાસ પ્રભુદાસ પટેલનો. એ ફરી ભૂતકાળમાં એમના પિતાજી વિઠ્ઠલભાઇની યાદમાં સરી પડ્યા.

***

'બેટા, લગ્નમાં જેટલો ચાંદલો આપણને સામે વાળાએ લખાવ્યો હોય એનાથી બે ગણો આપણે આપવો પડે.' જનકભાઈ એના પિતાના આ શબ્દો હંમેશા યાદ રાખતા.

જનકભાઈ મધ્યમ વર્ગના પરિવારમાં જન્મ્યા હતા. પોતે સખ્ત મહેનતુ અને પ્રમાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ હતા. પોતે મધ્યમ વર્ગમાં જન્મ્યા હોવા છતાં સત્યનો માર્ગ નહોતો છોડ્યો. નાની ઉંમરમાં જ માતાના અવસાન પછી એને પિતાએ જ એને મોટા કર્યા હતા. પોતાને કડિયા કામમાં રસ હોય તેના પિતાએ એને કડિયા કામ કરવા દીધું હતું. જનકભાઈની ઉમર અઢાર વર્ષ થતાં એને લગ્ન કંચન સાથે લેવાયા. લગ્નના ૮ વર્ષ પછી એમના પિતાજીનું નિધન થયું. એમના પિતાજી એક કારખાનામાં ચોકીદારની નોકરી કરતા. એ કારખાનું જમનાદાસ પ્રભુદાસ પટેલનું હતું.

જનકભાઈ અને કંચનબેનના લગ્નના ૩ વર્ષ પછી એને એક દીકરી ને જન્મ આપ્યો હતો. એનું નામ હતું સુનિતા. સુનિતા મોટી થતા એના લગ્ન લેવાયા. જનકભાઈના પિતાજીના અવસાન પછી પણ એના જમનાદાસ સાથે સંબધો સારા હતા. જનકભાઈ ઘણી વાર કોઈકને કોઈક કામ માટે કારખાને જતા એટલે જમનાદાસ શેઠ એમને ઓળખતા. જમનાદાસ શેઠનો સ્વભાવ ખૂબ જ સરળ હતો. પોતાને ક્યારેય પણ પૈસાનું અભિમાન ન હતું. સુનિતાના લગ્નમાં જમનાદાસને પણ નિમંત્રણ આપ્યું હતું. સ્વયંમ જમનાદાસ પોતે સુનિતાના લગ્નમાં આવ્યા હતા. જમનાદાસે સુનિતામાં લગ્નમાં પુરા ૧૧૧૧/- અગિયાર રૂપિયાનો ચાંદલો લખાવ્યો હતો. આખી ચાંદલાની નોટમાં કોઈનો ચાંદલો ૧૦૧/- રૂપિયાથી વધારે ન હતો. જનકભાઈની આંખોમાં ખુશીના આંશુ આવી ગયા.

***

બરાબર ૧ મહિના ૪ તારીખે જનકભાઈના ઘરે જમનાદાસની પૌત્રીના લગ્નની કંકોતરી આવી. જનકભાઈ રાબેતા મુજબ હાથ પગ ધોઈને ચા ની રાહમાં બેઠા હતા. કંચનબેન ચા નો પ્યાલો જમીન પર મૂકતા બોલ્યા. "જમનાદાસ શેઠના દિકરાના દીકરીના લગ્નની કંકોત્રી આવી છે. અગિયાર દિવસ પછી સુધાના લગ્ન લેવાના છે."

જનકભાઈ આટલું સાંભળતાની સાથે જ ચા નો પ્યાલો સાઈડમાં મૂકીને પોતાના ખાટલા નીચેથી માટીના ગલ્લાની પેટી બહાર કાઢી અને ભગવાનનું નામ લઈને તોડી નાખી. ચારેકોર પૈસા અને નોટો વેરાઈ ગઇ.

કંચનબેને પહેલા ચા પીવા કહ્યું, પણ જનકભાઈ એ કઈ સાંભળ્યું નહી. બન્ને જણા વેરાય ગયેલા પૈસા ભેગા કરવા લાગ્યા અને બંને જણા પલાંઠી વાળીને બેસી ગયા. જનકભાઈનું શરીર આખું પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. એને પરસેવો લૂછવાની ફુરસદ ન હતી. એ એક પછી એક નોટો ભેગી કરીને ગણવા લાગ્યા. પંદર વીસ મિનિટ સુધી ગણતરી ચાલી અમે પૈસા બધા સરખા કર્યા. એને હાશકારો અનુભવ્યો.

કંચનબેન એ પૂછ્યું, 'કેટલા રૂપિયા થયા..?'

'૧૫૧૦/- રૂપિયા પુરા.' જનકભાઈ બોલ્યા. અને કંઈક વિચારવા લાગ્યા. એને ઝભ્ભાના ગજવામાં હાથ નાખ્યો. ગજવામાંથી ૨૦ રૂપિયા નીકળ્યા એને એ ૨૦ રૂપિયા પણ ૧૫૧૦ ભેગા ઉમેરી દીધા. અને કંચનબેન સામે જોયું. એની આંખોમાં ખુશી હતી. કંચનબેન ઉભા થઈને રૂમમાં ગયા. અને થોડી વારમાં આવીને એને જનકભાઈના હાથમાં ૫૦ રૂપિયા મૂક્યાં. 'આ મારા બચત કરેલા પૈસા છે વધારે નથી પણ ચાંદલામાં કામ આવે માટે ભેગા કરતી હતી.' જેટલી ખુશી એને સુનિતાના લગ્ન વખતે હતી એટલી જ ખુશી એને જમનાદાસ શેઠની પૌત્રીના લગ્નની હતી.

પુરા અગિયાર દિવસ પછી જનકભાઈ અને કંચનબેન સુધાના લગ્નમાં ગયા. એક ખુશી સાથે મનમાં એક સંકોચ પણ હતો. મોટા મોટા માણસો વચ્ચે એક મધ્યમ વર્ગનો માણસ હતો એનો જનકભાઈને સંકોચ થતો હતો. પોતે લાગણીશીલ માણસ હતા. મધ્યમ વર્ગમાં હોવા છતાં એનું હૃદય વિશાળ હતું. લગ્નવિધિ જમણવાર પતાવ્યા બાદ એને ૧૫૫૧/- રૂપિયાનો ચાંદલો લખાવ્યો. એનું મન પ્રસન્ન હતું.

લગ્નના સાત દિવસ પછી એક સાંજે જમનાદાસ જનકભાઈના ઘરે આવ્યા. જનકભાઈએ જમનાદાસને પ્રણામ કર્યા, આવકારો આપ્યો અને ખુરશી પર બેસાડ્યા. જમનાદાસ શેઠને પોતાના ઘરે જોઈને કંચનબેન અને જનકભાઈ ખુશ થઈ ગયા પણ બંનેના મનમાં દ્વિધા હતી.

'જનક, એક વાત કરવા માટે આવ્યો છું..!' કંચનબેન જમનાદાસ શેઠને પાણી નો ગ્લાસ આપ્યો. જનકભાઈમાં મનમાં એક ગભરામણ પેદા થઈ ગઈ. જમનાદાસ શેઠ શું વાત કરવા આવ્યા હશે..? કઇ ખોટું તો નહીં થઇ ગયું હોય ને..? એક સેકન્ડમાં તો જનકભાઈના મગજના ઘોડા દોડવા લાગ્યા.

'હા શેઠ, કહો...' જનકભાઈના અવાજની ગતિ ધીમી થઈ ગઈ. કંચનબેનના હાથ પણ ધ્રુજવા લાગ્યા. શેઠ આની પહેલા એક બે વાર ઘરે આવ્યા હતા. આજ ત્રીજી વાર આવ્યા હતા.

'જનક, આ વાત આમ તો કહેવાની હોતી નથી, પણ તારા પપ્પા વિઠ્ઠલભાઇ એ મારા કારખાના ના વફાદાર માણસ રહ્યા છે. એની નોકરી એને કર્તવ્ય અને નિષ્ઠાપૂર્વક કરી છે.' એટલું બોલતાની સાથે એને પાણીનો એક ઘૂંટ ભર્યો. 'હું તારી પરિસ્થિતિ સારી રીતે જાણું છું, મને ખબર પડી છે કે તે ૧૫૫૧/- રૂપિયા સુધાના લગ્નમાં ચાંદલો લખાવ્યો છે. જનક આટલો મોટો ચાંદલો તારે લખાવવાની જરૂર નથી હું તને ચાંદલો પરત કરવા આવ્યો છું. તું લગ્નમાં આવ્યો એ મારા માટે ખુશીની વાત હતી.' જમનાદાસે ગજવામાંથી પૈસા જનકભાઈ તરફ લબાવતા બોલ્યા.

જનકભાઈની આંખોમાં આંશુ આવી ગયા. એને પૈસા ન લીધા, અને બોલ્યા. 'શેઠ, સુધા મારી દીકરી સમાન જ છે અને એ ચાંદલો નથી એ પ્રેમ છે. દીકરીને ખુશી ભેટ આપવાનો અધિકાર કાકાનો ચોક્કસથી હોઈ શકે. આ ભેટ સુધા દીકરીને છે..' અને જમનાદાસ શેઠ જોતા રહ્યા અને બંનેની આંખોમાં ખુશીના આંશુ આવી ગયા.

લેખક :- દિપેશ ખેરડીયા