Vis ni Not books and stories free download online pdf in Gujarati

વીસ ની નોટ

*વીસ ની નોટ*

હું હજુ ચોથા ધોરણ માં અભ્યાસ કરતો હતો.અમે એક પતરા વાળી ઝુંપડી માં રહેતા.મમ્મી પપ્પા બન્ને મજૂરી કરે એટલે સવાર થી સાંજ સુધી ખેતરે જતા રહે.

મારા મોટા ભાઈ સાતમા ધોરણ માં અભ્યાસ કરે.હું ભણવામાં થોડો હોશિયાર એટલે નિશાળ ની ફી સમયસર ના ભરાઈ શકતી તો વાંધો ના આવતો.

મને હંમેશા એક વસ્તુ નો અણગમો રહ્યા કરતો. મિત્રો મને બોલાવતા કે 'વિહાર તું રમવા આવ ને ...આવ !!' ત્યારે હું લઘુતા અનુભવતો.એ ધોકો જેનાથી માં રાતે કપડાં ધોતી એનાથી ક્યારેક હું ને ભાઈ ગાભા ના દડે રમી લેતા ને ઘર ની બહાર ઓછું નીકળતા કારણ કે બહાર રમતા ભાઈ બંધો બધા રબર નો દડો અને બેટ થી રમતા હોય. બધા ના હાથ માં નાની ગેમ જોઈ ને ઘણી વાર લેવાની ઈચ્છા થતી.પણ પપ્પા વઢે એ બીકે ક્યારેય પ્રસ્તાવ મુકાય એમ નોતો પણ મમ્મી ને ક્યારેક બીતા બીતા લેવાનું પૂછતા તો પ્રેમ થી સમજાવી દેતા " બીટા વિહાર તું કમાઈશ ને ત્યારે લેજે હો ! ! ! "

આવો જવાબ એક બાળક ને કઈ રીતે સઁતોષ અપાવી શકે???

એક વાર મોટા પપ્પા નો છોકરો પ્રવાસ માં ગયેલો તો ચાર રૂપિયાની એક નાનકડી ગાડી લાવેલો એનાથી અમે છ મહિના રમ્યા તા ને પાછળ પતરા નું જાતે બનાવેલું ગાડું પણ જોડતા.આ પેલું રમકડું હતું અમારી જિંદગી નું...

યુનિફોર્મ મેલા ઘેલા અને કલર ઝાંખા પડી ગયેલા હોય એટલે એ બાબતે શાળા માં મસ્કરીઓ થયા કરતી.કારણ કે દર વર્ષે અમને નવા યુનિફોર્મ નોતા લઇ દેવામાં આવતા.ટૂંકા થયા પછી પણ પેન્ટ ના મોરીયા ખોલીને પેરાવતા તો ઝાંખો ને ઘાંટો કલર પટ્ટા સ્વરૂપે દેખાતો.ત્યારે નિશાળ માં બધા જે નઝરે સામે જોતા એમાં અમને ચીંથળા ચડતા. અને એ પણ બાળકો જ હતા એટલે નિખાલસ થઇ સામે જ હસી નાખતા.પણ હું નાછૂટકે ય આ સંસારિક જીવનઆ ધકેલાયો હોય એમ લાગતું.

બાળક જેવી નિખાલસતા અસ્ત થતી દેખાતી હતી.ક્યારેક છાસ ને રોટલો ખાવા પડતા ને ક્યારેય હું નાસ્તા બોક્સ શાળાએ લઇ ગયો ન હતો.હું દૂર બેઠો જોયા કરતો. બધા ના ડબ્બા માં મમરા , અને ચેવડો સાથે બીજી ભાત ભાત ની વસ્તુઓ નીકળે એ જોય ક્યારેક મુતરડી માં જઈ ને કોઈ વાર શાળા માં વાડા માં જઈ ને આંસુ સારી લેવાના.મન માં જ વિચારો કરવાના કે આવું કેમ??? એક બાળક જે ચાહે એને એમાંનું કેમ કાંઈ ના મળી શકે??? કેમ નિખાલસપણું છોડી ને સંસારિક જેવું સહન શીલ થવું પડે???

એક વાર ભર ચોમાસે દાબેલી નું વેન કરેલુ ને , એકાદ બે કલાક મેં ધમપછાડા કર્યા પણ પપ્પા ને ગુસ્સો આવતા એક ચમચમતી ગાલ પર આવી પડી ને એને રોકવા મારા ગાલ પપ્પા ના હાથ વચ્ચે મેં હાથ નાખેલો તો મારો અંગૂઠો દસ દિવસ સોજેલો રહ્યો તો.જમ્યા વગર મોડી રાત સુધી રડ્યો..કોઈએ મને ભાવ નો આપ્યો..પણ પછી પપ્પા બાજુ માં આવ્યા ને મેં મારી જિંદગી માં પેલી વાર એની આંખ માં આંસુ જોયા ..પછી હું જમ્યો ને બસ્સ એ મારી જિંદગી ની બિજા સામે ની છેલ્લી 'જીદ'

અમુક એવા પ્રંસગો ક્યારેય બાળક રૂપી કળી ને ફુલ માં રૂપાંતરિત થયા વગર જ ફળ માં ફેરવવા જેવા હતા.

એવું પણ વિચારી લીધું તું કે આ રમકડાઓ ની ઈચ્છાઓ હવે મોટા થઇ ને કમાવા લાગીએ તો પુરી થાય.પણ ત્યારે બાળપણ પૂરું થઇ ગયુ હોય તો રમકડા ધૂળ લાગે ને અનુ શું?

એક વાર અમારી શેરી વાળા એક કાકા ને ત્યાં પ્રંસગ હતો અને હું શેરી માંથી ઘરે જઈ રહ્યો હતો , ત્યાં કનુ કાકા એ મને રોક્યો.કનુ કાકા અમારી જ બાજુ ના ઘર માં રેહતા અને એનું મન્ડપ સર્વિસ નું કામ હતું. લગ્ન પ્રસંગ માં એ મન્ડપ શણગારી આપતા.મને કનુ કાકા એ કહ્યું કે ' આજ મારે કામવાળો છોકરો નથી આવ્યો એટલે મારે બવ જરૂર છે ત્રણ કલાક માં આ મન્ડપ ખોડવા નો છે.બે અઢી કલાક નું તારું કામ છે આવ ને ખાડા ગારવા ના છે તને વાપરવાના આપીશ.મેં કહ્યું ઘરે દફતર મૂકી ને આવું.

ઘરે પહોંચતા સુધીમાં મારા મન માં ઘણા વિચારો આવી ચુક્યા તા અને ઘરે જઇ ને હું શું કરું એ નક્કી કરતો હતો.વાપરવાના આપીશ આ વાક્ય ના લીધે મને મદદ ને બદલે પૈસા મળશે એ ભાવ જાગ્યો.

મારી પાસે એકેય રમકડાં નથી , કે પછી બાળપણ માં છું છતાં હું માંગુ એ મળતું તો નથી તો આ જાતે કમાઈ ને વાપરિશ એમ મારુ બાળ મન બોલ્યું ને મમ્મી એ પણ કીધું હતું કે 'જાતે કમાઈ ને વાપર જે'.

હું દફતર મૂકી ને ગયો.અઢીએક કલાક કામ કર્યું.ખીલા ખોસેડી ને કરેલા ખાડા ના લીધે હાથ ના બાવડાં દુખતા હતા. મારે જોર થી મારવાનું તો નોતું પણ દૂર થી ખીલા પકડી રાખતો અને ચોકઠાં તૈયાર કરવા માટે પાઇપ ગોઠવી દેતો જેના લીધે હું થાક્યો હતો. થોડી દોડ ધામ પણ થતી.

કનુ કાકા એ મને સાંજે છૂટો કર્યો ને પ્રેમ થી હાથ માં વિસ રૂપિયા આપ્યા. જે જોઈ ને હરખના હેલા સાથે હું ઘેર પહોંચ્યો. મમ્મી પપ્પા પણ આવી ગયા હતા. મેં મમ્મીને વિસ રૂપિયા આપ્યા.એણે મોટી આંખ કરી ને પૂછ્યું ક્યાંથી આવ્યા??? આ મોટી આંખ કરવાનું કારણ હું સમજી ગયો હતો. કારણ કે માં બાપે મને તો હમેશા પ્રામાણિકતા જ શીખવી હતી અને તેઓ પણ પોતે એટલા જ પ્રામાણિક.

મને યાદ છે એ જમાના માં મમ્મી ને એક વાર કોઈ સાદો ફોન મળેલો અને એણે ઘરે મૂકી રાખ્યો.ફોન વાગ્યો ત્યારે બીજા ને ઉપાડવા નું કહ્યું કારણ કે પોતે ના આવડતું અને વાત કરી ને એના સગા ને જાણ કરી કે આ ફોન અહીંથી મળ્યો છે તો એના સાચા માલિક સુધી આમ વાયા વાયા થઇ ફોન આખરે પહોંચ્યાડ્યો હતો એ પણ જાતે ઘરે આપવા જઈ ને એટલે આ હદ સુધી ની પ્રામાણિકતા હતી .અને એટલે જ આવો સવાલ પૂછ્યો હતો.

મેં બધી વાત કરી એટલે એની આંખ ભીની થઇ ગઈ એ આંસુ ખુશી ના હતા કે દર્દ ના એ સમયે હું ના સમજી શક્યો.

એણે મને બાજુ ના ગલ્લા પર થી એક નાનું તમાકુ નું ખાલી ડબલુ લાવવા કહ્યું. એ ડબલા ના ઢાંકણ માં દાંતરડી થી એક લમ્બચોંરસ કાણું પાડી ને ઢાંકણ બન્ધ કરી દીધું. એમાં ઉપર થી એ ચોળાયેલી વિસ ની નોટ નાખી.

અને કહ્યું બેટા થોડા ભેગા થાય પછી એમાં થી આપડે રમકડાં લઇશું.

બીજા દિવસે ભાઈ પણ સાથે આવ્યો અને અમે કનુકાકા ને આજીજી કરી રોજ એની સાથે બે ત્રણ કલાક કામ કરવા જતા અને અમને રોજ વિસ ને નોટ મળતી.બન્ને પોતાની નોટ એ ડબલા માં નાખી ને ખુબ હરખાતા.

એક અઠવાડીયા પછી ધીરજ નો અંત આવ્યો અને ડબલુ ખોલયુ એમાંથી બસો રૂપિયા નીકળ્યા. એ રૂપિયા લઇ ને અમે બીજા જ દિવસે ગેમ લાવ્યા.એનું વાજિંત્ર અને સાપ ની ગેમ તથા રેલગાડી ની ગેમ તો હજી કાન માં ગુંજે છે.એક્સોવીસ રૂપિયા ની બે આવી.એટલે બાકી ના એંશી રૂપિયા નું વળતા રસ્તે શાકભાજી અને કારિયાણું લીધું.

મમ્મી ખુબ ખુશ થયા અને એ દિવસ જેવું આજ સુધી ખાવાનું ભાવ્યું નથી.

આ હતી પેલી વિસ રૂપિયાની કમાણી જે દસ વર્ષે બાળપણ થોડું પાછું તો આપી ગઈપણ પરિવાર ની એ મજબૂરી માં બાળપણ ગમતું નહીં.

જાણે હવે રોજ ના શાકભાજી ની જવાબદારી અમારા ખમ્ભે હોય એમ બન્ને ભાઈઓ હોંશે હોંશે રોજ બધૂ શાકભાજી આ કમાણી માંથી લાવતા.

મેં ભણવા માટે કમ્પાસ અને દફતર પણ એમાંથી જ લીધેલા.

આ રીતે અમેં ઘણા વર્ષ કામ કર્યું.અને કનુકાકા ની સન્ગાથે ત્રણ ચાર વર્ષ સુધી ગયા.

આજ એ વાત ને બાર વર્ષ થઇ ચુક્યા પણ એ વિસ ની નોટ જેવી આજ ની ગુલાબી બે હઝાર ની નોટ પણ નથી લાગતી. એ વિસ ની નોટ બાળપણ અને જવાબદારી ને જોડી આપતી.

બાળપણ હમેશા ગાંડું જ હોય પણ આ વિસ ની નોટે અમારા બાળપણ ને ડાહ્યું બનાવી દીધું હતું.

અત્યારે એ કનુ કાકા પણ હયાત નથી નહીતો એને આ વાત કરી ઘણો આભાર માની શકેત.

આજ પણ એ બાળપણ આમ ગુજાર્યા નો ગર્વ છે કારણ કે ઘસાઈ ને ઘડાયા હતા અમે એટલે ગમે તે પરિસ્થિતિ નો તાગ મેળવી આ વિહાર આજે ગમે ત્યાં વિહરી શકે છે.

આજે ય મારુ મન કહે છે કે આદેશો ને આધીન શું ઘડતર થઇ શકતું હશે???

લેખક : ડો રાકેશ સુવાગિયા..

લેખન ને રીવ્યુ 9586048450 પર વોટ્સએપ કરી શકો છો.

બીજા રસપ્રદ વિકલ્પો