ભૂંસાઈ ગયેલી યાદો
સાચા પ્રેમની પ્રેમકહાની
(પાર્ટ – 4)
એ અઠવાડિયામાં મેં ક્રિતિકાના સ્વભાવ, વર્તન અને તેણે ઉચ્ચારેલા શબ્દોમાં આછેરું પરિવર્તન મારી નજરમાં નોંધાયું હોય એવું લાગ્યું. સવારના રેગ્યુલર રૂટિન દરમ્યાન ક્રિતિકાની ભૂંસાયેલી યાદદાસ્તની દીવાલ પાછળ... છ વર્ષથી ભૂલી પડેલી ભૂતકાળની ક્રિતિકાનો અવાજ વર્તમાનની દીવાલ પર દસ્તક દઈ રહ્યો હોય એવું લાગ્યું. ભૂતકાળની ક્રિતિકા દીવાલ તોડીને નવી ક્રિતિકામાં સમાવવા પાછી આવી જવા મથતી હોય એવા અણસાર એ અઠવાડિયામાં દેખાવા લાગ્યા.
દસેક દિવસ બાદ, ખુશનુમા સવારની મીઠી નીંદરમાં અમે બંને બ્લેન્કેટની હૂંફાશમાં એકબીજાને લપેટાઇને પડ્યા હતા. ક્રિતિકા મારી છાતી પર માથું મૂકી ભારે ઊંઘમાં સુતેલી હતી. મેં હળવું ચુંબન તેના ફોરહેડ પર, મિંચાયેલી પાંપણો પર, નાક પર ભરી પ્રેમભર્યા અંદાજમાં જગાવતા કહ્યું, “હેય...સ્લીપી હેડ, વેક અપ...”
ક્રિતિકાએ ધીરેથી ઊંઘરેટી પાંપણો ખોલી અને એઝ ઓલવેઝ... મને જોતાં જ તે ભડકી ઉઠી...!! ભૂલથી અંગારો હાથમાં પકડી લીધો હોય એમ તે તરત જ મારાથી દૂર ખસી ગઈ! બ્લેન્કેટ ફંગોળીને તે બેડ પરથી ઉતરી ગઈ. તેણે શરીર પર પહેરેલા બે ટૂંકા આંતરવસ્ત્રો જોઈને તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ! તેણે બેડ પરથી ઓશીકું ખેંચી લઈ અધખુલ્લા વક્ષ:સ્થળો તરત જ ઢાંકી દીધા. અજાણી વ્યક્તિ સાથે આખી રાત આંતરવસ્ત્રોમાં પસાર કરી એની યાદો મનમાં શોધવા મથી પણ... પણ યાદોના કાગળ પર કશું જ છપાયેલું દેખાયું નહીં. સાવ કોરી યાદોએ તેના ચહેરાનું આશ્ચર્ય વધારી મૂક્યું. આ વ્યક્તિએ આખી રાત મારા સાથે શું કર્યું હશે - એ વિચાર સાથે જ ડરની રેખાઓ તેના ચહેરા પર તણાઇ ગઈ. તે આડી ઊભી રહી ગુસ્સાભરી આંખે ઊંચા અવાજમાં પૂછ્યું, “કોણ છે તું? અને હું... હું અહીં કેવી રીતે આવી? તે-તે મારી સાથે શું કર્યું??”
મેં બિલકુલ હળવાશથી બેડમાં બેઠા થઈને કહ્યું, “રિલેક્સ ક્રિતિકા, રિલેક્સ... ડોન્ટ ગેટ સ્કેર્ડ... આઈ એમ યોર હસબન્ડ, અવિનાશ,” હું આગળ બોલવા જાઉ એ પહેલા જ...
“વ્હોટ...? હું તો તને ઓળખતી પણ નથી...”
“આઈ નો, આઈ નો, જસ્ટ કામ ડાઉન, ઓકે? લેટ મી શો યુ પ્રૂફ્સ. આપણાં બેડરૂમની દીવાલો પર લગાડેલી છબીઓ જો...” મેં ઈશારો કરીને હળવાશથી બગાસું ખાતા કહ્યું.
વિસરાઈ ગયેલી યાદો અને આંખોમાંથી ખરી પડેલી ઓળખાણ ફરીથી તાજી કરવા તેણે બેડરૂમની દીવાલો પર નજર ફેરવી. ચારેય દીવાલો પર ટિંગાડેલી અઢળક છબીઓમાં અમારા બંનેના ખુશહાલ ચહેરા તેણે દેખ્યાં. બેડરૂમની વચ્ચોવચ સૌથી મોટી છબીમાં મેરેજનો ફોટો, બીચને કિનારે લાઉન્જ પર ડ્રિંક્સ લેતા બંનેના ફોટોઝ, એકબીજાના હાથથી હાર્ટશેઈપ રચાય એ રીતે હાથ ભેગા કરી પડાવેલા ફોટોઝ, હનીમૂન વખતે સ્વિમિંગ પૂલમાં તેણે બ્લેક સ્વિમ સૂટ કોસ્ચ્યુમ પહેરી પડાવેલા ફોટોઝ, કોફી-હટ કાફેમાં પડાવેલા ફોટોઝ, સુપરમેનની જેમ બંને હાથોમાં હું તેને ઊંચકીને સમુદ્રના ઉછળતા મોજામાં જબરદસ્તીથી ભીંજવવા ઉપાડીને લઈ જતો એ ખડખડાટ હસતાં ફોટોઝ... ભૂતકાળની કેટલીયે ભુલાઈ ગયેલી યાદોના છબીચિત્રો દીવાલ પર દેખીને તેના ચહેરા પરથી ડર અને આશ્ચર્યની રેખાઓ ખરી પડી. બેડમાંથી ઊભા થઈને મેં તેનો હાથ હાથમાં લઈને પ્રેમપૂર્વક કહ્યું, “આ બધી આપણી ભૂતકાળની યાદો છે. તારા બ્રેઇનમાંથી દરરોજ આપણી યાદો વિસરી જાય છે એટ્લે આ રીતે તારી સાથે વિતાવેલી દરેક ખુશહાલ યાદોને છબીચિત્રોમાં હું કેદ કરી લઉં છું. જસ્ટ ટુ રિમાઇન્ડ યુ ધેટ યુ આર માય વાઈફ...”
અને પછી રિમોટ લઈને વિશાળ સ્ક્રીનના LED પર પાંચ મિનિટની ક્લિપ ઓન કરી. જેમાં અમારી લાઇફની મોસ્ટ મેમરેબલ મેમરિઝ હતી. એ જોઈને ક્રિતિકાના દિમાગમાંથી વિસરાઈ ગયેલી યાદોની આછી-પાતળી સ્મૃતિઓ માનસપટ પર જીવંત થઈ ઉઠી! વક્ષ:સ્થળો પર દબાવી રાખેલું ઓશીકું બેડમાં નાંખી મને વિશ્વાસભરી આંખે જોઈને ભેટી પડી. આંખોમાંથી ઉભરાઇ આવેલું અશ્રુબુંદ છલકાઈને મારી છાતી પર લસરી પડ્યું. તેણે મારી બાહોમાં બંને હાથ સંકોરી છાતી પર લપાઈને પૂછ્યું, “મને આ બધી વિતાવેલી પળોની સ્મૃતિઓ કેમ નથી? વોટ્સ રોંગ વિથ મી...?”
“નથિંગ ઈઝ રોંગ વિથ યુ... યુ આર એબ્સોલ્યુટલી નોર્મલ! ઓકે? ડોન્ટ બી હાર્ડ ઓન યોરસેલ્ફ. હું છું ત્યાં સુધી તારે કોઈ જ ચિંતા કરવાની નથી.”
“ધેન વ્હાય આઈ ડોન્ટ રિમેમ્બર એની ઓફ ધીઝ મેમરિઝ?”
મેં આછો નિશ્વાસ નાંખીને કહ્યું, “વેલ, એક સામાન્ય પ્રોબ્લેમ તને છે, બસ. જોકે એ તારી ભૂલ નથી, તારા બ્રેઇનની ભૂલ છે! યાદદાસ્ત સંગ્રહી રાખતા કોષો તારા બ્રેઇનમાં ટૂંક સમયમાં જ મૃત્યુ પામે છે; અને પછી એ બધી યાદો તારું ભૂલકણું બ્રેઇન ભૂલી જાય છે! તારે કોઈ જ ચિંતા કરવાની નથી... યોર બ્રેઇન ઈઝ ગેટિંગ બેટર એન્ડ બેટર એવરીડે...” દરરોજની જેમ મેં પોઝિટિવ સૂચનો તેના બ્રેઇનમાં ભર્યા.
તેના ચહેરા પર રાહતભર્યું સ્મિત ફરકી ગયું. ચિંતાની રેખાઓ વિખરાઈ ગઈ.
તેણે કહ્યું, “તારો ચહેરો જોયા પછી હું તને ભૂલી જતી હોવ એવું લાગે છે અત્યારે. ભાગી જતી યાદોને પાછી પકડી રાખવા મથું છું; પણ એ બસ ભૂંસાઈ જાય છે. તને જોયા પછી તારી ઓળખાણ ભૂલી જવાય છે; પણ એક એવી કોઈ ફિલિંગ્સ અંદર મહેસુસ થાય છે, જે કહે છે કે, આઈ એમ કનેક્ટેડ વિથ યુ સમવેર ઈન્સાઇડ. યુ નો, સમ કાઇન્ડ ઓફ બોંડિંગ... બસ એ પ્રકારની આછી ફિલિંગ્સ જ મારામાં વિશ્વાસ પૂરે છે કે, આઈ એમ યોર્સ... પ્લીઝ, ડુ સમથિંગ... આઈ વોન્ટ ટુ કીપ આવર મેમરિઝ ઇન્ટેક્ટ... વ્હાય? વ્હાય ઇટ્સ હેપનિંગ વિથ મી...?” કહીને તેણે મારી છાતીમાં રડતું મોઢું સંતાડી દીધું. હું તેની પીઠ પર સાંત્વનાભર્યો હાથ ફેરવતો રહ્યો. દરરોજની જેમ આજે પણ મારું હ્રદય તેની પ્રત્યેની સહાનુભૂતિથી ભીંજાઇ ગયું. મેં ક્રિતિકાના ફોરહેડ પર હુંફાળું ચુંબન ભરી લીધું.
ક્રિતિકાએ ભીના અવાજમાં મને પૂછ્યું, “સીંસ હાઉ લોંગ વી હેવ બીન મેરીડ?”
“સિક્સ... આપણાં માટે તો બધા જ દિવસો વેલેન્ટાઇન દિવસો હોય છે. દરરોજ સવારે આપણે બંને એકબીજાના પ્રેમમાં ભીંજાઈએ છીએ... જે તારી બીમારીની પોઝિટિવ સાઈડ ઇફેક્ટ છે મારા માટે!”
સાંભળીને ક્રિતિકાના હોઠ પર સ્મિત ફરકી ઉઠ્યું.
***
દરરોજ સવારે અમે બંને મેડિટેશન કરીને હું તેને પૂછતો, “ભૂતકાળની યાદો વિશે કશું યાદ આવે છે?”
ત્યારે એ ભારે ઉદાસ ચહેરે ગમગીન અવાજમાં કહેતી, “ના... કશું સ્પષ્ટ યાદ નથી આવતું. બધુ ધૂંધળું દેખાય છે.”
એના ચહેરા પરની ઉદાસી જોઈને મારું મન ઉદાસીનતાથી ભરાઈ જતું. હસતાં ચહેરા પાછળ ઉદાસભાવ સંતાડી તેને બ્રેઇન ગેમ્સ અને એક્સરસાઈઝ કરાવતો. યંગ લવર્સની જેમ અમે એકબીજા સાથે સમય પસાર કરતાં. મોર્નિંગમાં જોગિંગ પર સાથે જતાં ત્યારે તે આજુબાજુના સ્થળોને જોઈ રહેતી, જાણે કશુંક યાદ કરવા તેના દિમાગ સાથે મથામણ કરી રહી હોય! ક્યારેક તો એ દોડતા દોડતા ઊભી રહી જતી. માથે હાથ મૂકી, ભ્રમરો ભેગી કરી ઝીણી આંખે એ જગ્યાને યાદ કરવા મથતી... હું તેની પાસે ઊભો રહી એ સ્થળ વિશેની માહિતી આપી જૂની યાદો તાજી કરાવતો. બ્રેક-ફાસ્ટ મારે રોસ્ટેડ રેસ્ટોરન્ટ, કોફી-હટ કાફે જતાં ત્યારે દરેક વેઇટર્સ તેને નામથી બોલાવી પોતાનું નામ યાદ કરાવી સ્માઇલ કરતાં.
મહિનાઓ સુધી દરરોજનું આ રૂટિન – એકનાએક વ્યક્તિના ચહેરાઓ અને અવાજો – ત્યાંના બ્રેકફાસ્ટ અને કોફીની સુગંધ – અમારા બંનેની સેમ ટી-શર્ટ્સ – જોગિંગ, મેડિટેશન, બ્રેઇન ગેમ્સ, જીગ્સો પઝલ્સ, રતિક્રીડા વખત ઘૂંટાતો એજ ચહેરો, ઘસાતા, ભીંસાતા શરીરનો ઉત્તેજક નશીલો સ્પર્શ, ઓર્ગેઝમના આનંદની અનુભૂતિ, પ્રસ્વેદની માદક સુંગંધ, ઘરની દરેક દીવાલો પરના છબીચિત્રો, યાદગાર પળોની વિડીયો ક્લિપ – આ બધુ જ દિનપ્રતિદિન તેના રોમરોમમાં ઘૂંટાતું રહ્યું.
ભૂતકાળની ભૂંસાઈ ગયેલી યાદોની દીવાલ જર્જરિત થઇ ખરવા લાગી હતી. દીવાલ પાછળ ઢબૂરાઈને બેઠેલી ભૂતકાળની ક્રિતિકા બંને હાથે દીવાલને ખોતરી તેમાંથી નીકળવા મથી રહી હતી. દિવસે દિવસે ક્રિતિકાની પચ્ચીસ મિનિટની યાદદાસ્તનો બંધ તૂટવા લાગ્યો. પચ્ચીસ મિનિટ બાદ તે મને નામથી નહીં, પણ ચહેરાથી ઓળખવા લાગી. નામ યાદ કરવા દિમાગ પર જોર લગાવતી. હું તેને ચાર ઓપશન્શ લખી આપતો. તે ચારેય નામ વાંચીને આંખો મીંચી દેતી. વિચાર કરવા તે દિમાગમાં જોર લગાવતી. બ્રેઇનના ઈન્જર્ડ ભાગમાં હજુ પેલી જર્જરિત ઊભેલી દીવાલને તે ધક્કો મારી એક-બે ઈંટો પાળી દેતી. થોડીક વારમાં તે મારું નામ એ જૂની ક્રિતિકા પાસેથી જાણી તરત જ આંખો ખોલી બોલી દેતી : અવિનાશ!
તેના મોઢેથી મારું નામ સાંભળીને મારા ચહેરા પર એટલી ખુશી છવાઈ જતી કે મારું આખું અસ્તિત્વ ઝૂમી ઊઠતું. છાતીમાં હર્ષનો ડૂમો બાઝી જતો. બંને હાથ હવામાં ઉછાળી તેને બાહુપાશમાં જકડી લેતો. હું તેને ભાવભીના સ્વરે કહેતો : ‘બસ... તારે એને તારા અંદરથી જ શોધવાની છે. તારું જિંદાદિલ અને રંગીન મિજાજી વ્યક્તિત્વ ક્યાંક ભૂલું પડી ગયું છે. તારે બસ એને શોધી કાઢવાનું છે. તારે તારી ભુલાયેલી યાદો સાથે ભૂતકાળને વર્તમાન સાથે જોડી દેવાનો છે’ – કહીને અમે ભાવાવેશમાં આવી એકબીજાના હોઠ પર હોઠ મૂકી દેતાં. ચુંબનથી હૈયું પ્રેમથી તરબતર થઈ જતું. અનેક અનકહ્યા લાગણીભાવો ભીતરમાંથી ઉમટી પડતાં.
દિવસો, અઠવાડિયા, મહિનાઓ અમારા રેગ્યુલર રૂટિન સાથે વીતવા લાગ્યા. દસેક મહિના બાદ ક્રિતિકાના સ્વભાવ-વર્તનમાં એજ તેનો જૂનો રંગીન મિજાજ ભળવા લાગ્યો. તેની પચ્ચીસ મિનિટની શોર્ટ-ટર્મ મેમરીનું બંધન તૂટી યાદદાસ્ત નોર્મલ થવા લાગી. નવી માહિતી અને અનુભવો તેના બ્રેઇનમાં સ્ટોર થવા લાગ્યા. હજુ પણ લોંગ-ટર્મ મેમરી સંપૂર્ણ પાછી નહતી આવી. જર્જરિત દીવાલ પાછળ ક્રિતિકાનું ભૂલું પડી ગયેલું વ્યક્તિત્વ અને ભૂતકાળની જૂની યાદો ધીરે ધીરે બિડાયેલા ફૂલની કળીની જેમ એક-એક પાંખડીઓ ખોલી રહ્યું હતું. જૂની ક્રિતિકા નવી ક્રિતિકામાં ભળી જવા લાગી હતી. સાકર દૂધમાં ઓગળી જાય છતાં પોતાના ગળપણનું અસ્તિત્વ સમગ્ર દૂધમાં ફેલાવી મૂકે એમ... ભૂતકાળનું ધરબાયેલું રંગીન મિજાજી વ્યક્તિત્વના અણસાર ક્રિતિકાના સ્વભાવ-વર્તન-વાણીમાં દેખાવા લાગ્યા હતા. તેનું વિસરાઈ ગયેલું પેઇન્ટિંગ અને ગિટારનું પેશન ફરી પાછું પગપેસારો કરવા લાગ્યું. તેણે પેઈન્ટ કરેલા પેઇન્ટિંગ્સ અને રેકોર્ડેડ સોંગ્સ સાંભળીને તે ભૂતકાળની યાદો સાથે કનેક્ટ કરવા લાગી. તેના એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્સમાં છુપાયેલો ગૂઢ મર્મનો તાગ પામવા તે કલાકો સુધી તેના જ પેઇન્ટિંગ્સને તાકી રહેતી. પેઇન્ટિંગ્સના ગૂઢ મર્મનો તાગ સમજતી ગઈ એમ એમ તેના દિમાગમાં પડેલી સૂક્ષ્મ યાદોની ગાંઠો ખુલવા લાગી.
યાદદાસ્ત વિનાની સાત વર્ષની જીવનસફર દરમ્યાન દરરોજ મારો તેના પ્રત્યેનો ‘પ્રેમ’ તેના દિલમાં જગાવી રાખવો પડતો. જ્યારે હવે તેણે ‘પ્રેમ’ શબ્દનો અર્થ લાગણીઓમાં ઘોળી દઈ દિલની ધડકનોમાં ધબકતો કરી મૂક્યો છે. દરેક નાની વાતમાં તેને મારા તરફથી મળતો સપોર્ટ, પ્રેમ, હુંફ, લાગણીભાવ, આત્મીયતા – જેના લીધે તે ફરીથી મને પહેલાની જેમ ચાહવા લાગી છે. તેના હ્રદયમાં ખીલેલા પ્રેમપુષ્પએ સંગોપાયેલી યાદોની સુંગંધ ફરી ઓળખતું થઈ રહ્યું છે.
છેલ્લા કેટલાક મહિનાઓ ક્રિતિકા દરરોજ મને કહેતી હોય છે કે, તે મને ઓળખે છે અને મારા પ્રત્યે પ્રેમની લાગણી દિલમાંથી ફોરતી અનુભવે છે. ક્યારેક તો એ અચાનક જૂની યાદો તેને તાજી થઈ જતાં મને આવીને ભેટી પડતી હોય છે. બંને હાથ કસ્સીને મારી પીઠ પાછળ બાંધી ‘આઈ લવ યુ અવિનાશ’ કહેતી રડવા લાગે! મારી છાતીમાં મોં ખોસી મિનિટો સુધી ખસવાનું નામ ન લે પછી તો. જાણે કેટલાયે વર્ષોની જુદાઇનો અહેસાસ હવે માલૂમ પડ્યો હોય એવા લાગણીપ્રવાહમાં વહી જઇ મારા ફરતે વીંટળાઇ જાય છે. હું તેના ફોરહેડ પર ચુંબન ભરી તેની પીઠ પર હાથ પસવારતો અને તેના હૈયામાં ઉભરાઇ આવેલી વિયોગની લાગણીઓનો વલવલાટ; અને ભીતરનો ખાલીપો ભરવા હું ધીમા સાદે પ્રેમભીના શબ્દો કહી તેનું ભીતર હળવું કરતો. ગુમાવેલું સાજન પાછું મળ્યાની ખુશીમાં અમે બંને એકબીજાને બહુપાશમાં બાંધી લાંબા સમય સુધી પ્રેમમાં ઓગળતાં એક થતાં જતાં – પહેલાની જેમ. ભૂતકાળની એ યાદોની જર્જરિત દીવાલ ખરી પડતી અને બંને ક્રિતિકા, ભૂતકાળ અને વર્તમાનનો સેતુ બાથ ભરી જોડી દેતી અને આખા જીવનનું સંબંધચિત્ર લાગણીઓના રંગ સાથે તાજા ફૂલની જેમ મહોરી ઊઠતું.
હું મારી જાતને નસીબદાર માનું છું કે હું તેના જીવનમાં જીવનસાથી તરીકે પસંદ થયો. એના વિના હું પ્રેમની પરિભાષા ક્યારેય સમજી–જાણી શક્યો નહોત. જીવનની ગુઢતા ક્યારેક જીવવાથી વિમુખ કરી દે છે, ભીતરમાં ખાલીપો લાવી દે છે; અને એજ ખાલીપાનો અહેસાસ જીવનની સુંદરતાની કિંમત સમજાવતું હોય છે, અને જીવન પ્રેમરસથી સરભર કરી આખું અસ્તિત્વ ખીલવી મૂકતી હોય છે.
પ્રેમ – આ અઢી અક્ષરનો શબ્દ એ ઈશ્વરીય સ્વરૂપનું પ્રતિબિંબ હોય એવું માલૂમ થાય છે. આ સાત વર્ષ સુધી ક્રિતિકા સાથે વિતાવેલી દરેક પળ, દરેક ક્ષણ તેનો પડછાયો બની તેની સાથે રહ્યો, તેની સાથે વિતાવેલી દરેક પળોને ઉજવી હોય એ રીતે મ્હાલી છે... શબ્દોમાં બયાન કરવા જાઉં તો એ અનુભૂતિ અધુરીની અધૂરી જ રહી જાય એવી છે. એ અનુભૂતિ હ્રદયમાં પ્રેમમય લાગણીનું ધસમસતું પૂર ઉભરાવી મૂકે એવી છલોછલ છે.
આજે મોમના એ શબ્દો કાનમાં પડઘાય છે. એના શબ્દોની સત્યતા આજે સમજાય છે કે : દુ:ખમાં ડૂબેલો માણસ ભવિષ્ય માટેની દીર્ઘદ્રષ્ટિ ગુમાવી બેસે છે. હું જાણું છું કે આ સમય આપણાં માટે ખૂબ દુ:ખદ છે; પણ સમય વિતશે એમ આ દિવસો પણ પસાર થઈ જશે. તારે મન મક્કમ રાખવું પડશે, અને ભગવાન પર શ્રદ્ધા રાખજે. જીવનને હંમેશા પોઝિટિવ દ્રષ્ટિથી દેખવું, બેટા. બધુ જ સરસ થઈ જશે. આપણે બસ ધીરજ રાખવાની છે...
તેની યાદોને વાગોળતાં હું એ બંનેના છબીચિત્રો દીવાલ પર ચંદનના હારથી લગાડેલા જોઉં છું. ક્રિતિકા પાછળથી આવીને મને આલિંગી, ભીના સાદે કહે છે : ‘મોમ-ડેડ, હું તમને ખૂબ મિસ કરું છું...’
તેનું હુંફાળું સ્નેહભર્યું આલિંગન અને તેના ભીના શબ્દરવે મારા હોઠ પર આછું સ્મિત ફરકાવી મૂક્યું. મોમ-ડેડની છબીમાં અમારા બંનેના પ્રતિબિંબાતા પ્રતિબિંબમાં તેમને અને તેને દેખતાં સહસ્મિત કહ્યું : ‘હું પણ’ –
મનમાં એક અવાજ ગુંજ્યો : તને પણ, તારી એ ભૂંસાઈ ગયેલી યાદોમાં...
***
(કેવી લાગી આ લવ સ્ટોરી? તમારો પ્રતિભાવ વાંચવા હું ખૂબ જ ઉત્સાહિત છું... વોટ્સએપ પર પર્શનલી મેસેજ પણ તમે કરી શકો છો... બિન્દાસ્ત...!)
લેખક – પાર્થ ટોરોનીલ