ભૂંસાઈ ગયેલી યાદો - 2 Parth Toroneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂંસાઈ ગયેલી યાદો - 2

ભૂંસાઈ ગયેલી યાદો

સાચા પ્રેમની પ્રેમકહાની

(પાર્ટ – 2)

દરરોજ રાત્રે સૂતી વખતે અને સવારે આંખો ઉઘાડતી વખતે એક વિચાર મનને વીંટળાઇ વળે છે : કાશ…! કાશ! ક્રિતિકાની વિસરાઈ ગયેલી યાદો પર બાઝેલું પોપડું ખરી પડે... અને ભૂલી પડી ગયેલી એ કલરફૂલ મિજાજી ક્રિતિકા વર્તમાનની ક્રિતિકાનો હાથ પકડી પાછી આવી જાય તો! – આ વિચારમાં ક્રિતિકા માટે દિલથી દુઆ પણ હતી અને ક્યાંક મારો અંગત સ્વાર્થ પણ ટપકતો હતો – ફરી તેના રંગીનતા અને જિંદાદિલીથી છલકાતા સ્વભાવને દિલ ભરીને ભેટી લેવા માટે. પ્રેમ ઘેલું દિલ ઠગારી આશાની આંધી ઉડાડી મનને શું કામ ધૂંધળું કરતું હશે! – કહેતાં આછો નિ:શ્વાસ નંખાઈ જાય છે.

જ્યારે ક્રિતિકાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યો ત્યારે ડોક્ટરે કહેલું કે : ‘ક્રિતિકાના SPECT (Single-photon emission computed tomography) – 3D બ્રેઇન સ્કેન મુજબ તેના જમણા કપાળ અને મગજના આગળના ભાગમાં લોહીનો અને ઓક્સિજનનો પ્રવાહ અત્યંત ઓછો છે, અને એ ભાગમાં જ લોંગ-ટર્મ મેમરિઝ સ્ટોર થતી હોય છે. હજુ સુધી મેડિકલી આનો કોઈ ક્યોર કે ઓપરેશન થાય એવું શક્ય નથી. સદનસીબે જો તેનું બ્રેઇન એ ભાગનું ઓટોમેટિક નોર્મલ ફંક્શન કરતું થઈ જાય તો ક્રિતિકાની લોંગ-ટર્મ મેમરિઝ પાછી આવી શકવાના ચાન્સિસ છે; અને પછી તે પહેલાની જેમ બિલકુલ નોર્મલ થઈ જશે. બટ આઈ હોપ કે થોડાક અઠવાડિયામાં તેની લોંગ ટર્મ મેમરિઝ પાછી આવી જશે...’

ક્રિતિકાને લોંગ-ટર્મ મેમરિઝ યાદ આવે તો તે તેના જીવનસંબંધોનું આખું ચિત્ર અને તેની સાથે જોડાયેલી લાગણીઓ તે અનુભવતી થઈ શકે છે. તેની ભૂંસાયેલી યાદદાસ્ત આશાનું કિરણ બની તેના દિમાગમાં ટૂંક સમયમાં રેલાશે એવી આશામાં હું મન મનાવી જીવતો રહ્યો. જેમ જેમ અઠવાડિયા, મહિનાઓ પસાર થતાં ગયા એમ એમ એ આશા ઠગારી બનતી ગઈ. ક્રિતિકાની ઇન્જરીને છ મહિના થયા પણ તેની યાદદાસ્તના કોઈક અણસાર દેખાતા નહતા. આવું ક્યાં સુધી ચાલશે એ વિચાર ક્યારેક એકલો પડતો ત્યારે મનમાં ઘૂમરાયે જતો. નિરાશા મનમાં ઘેરાતી ત્યારે સ્મોકીંગની હેબિટ વધી જતી. કેટલીક વાર તો ક્રિતિકા સામે સ્માઇલ કરું કે હાથ પકડું તો મારાથી દૂર ખસી જાય. જાણે હું તેને હર્ટ કરવાનો હોય એવો ડર તેની આંખોમાં ઉપસી આવતો. ક્રિતિકાની યાદદાસ્ત પાછી આવશે કે નહી? – એ વિચારે હું દિવસે દિવસે નિરાશ થતો જતો હતો...

***

નિરાશાથી ઘેરાયેલા એ શરૂઆતના દિવસોમાં મેં ઇન્ટરનેટ પર ‘મેમરિઝ રિગેઇન’ કરવા ઘણી વેબસાઈટસ પર માહિતી વાંચેલી. ડોક્ટર્સ સાથે એપોઈન્ટમેન્ટ નક્કી કરી પર્સનલ વાતચીત પણ કરેલી. નેચરલ ક્યોર માટે મેં ચાર-પાંચ વેબસાઈટસના કોન્ટેક પેજ પર ક્રિતિકાની મેમરિઝનો પ્રોબ્લેમ અને તેના બ્રેઇનના MRI સ્કેન્સના ફોટોઝ અટેચમેંટ્સ સાથે સેન્ડ કર્યા હતા. રિપ્લાય માટે એક-બે અઠવાડિયાની રાહ જોઈ પણ કોઈના ઈમેલનો રિપ્લાય ન આવ્યો. લગભગ દોઢેક મહિના બાદ મારા ઈમેલ એડ્રેસ પર ડો. લોગનના ઈમેલનો રિપ્લાય જોયો. મેં ઈમેલ પર ક્લિક કરી મુખ્ય જવાબ વાંચવાનું શરૂ કર્યું :

‘જો હ્યુમન બ્રેઇનને યોગ્ય રીતે નિયમિત તાલીમ આપવામાં આવે તો તે નવો બદલાવ સ્વીકારવા માટે હાઈલી કેપેબલ હોય છે. બ્રેઇન ગેમ્સ, મેડિટેશન, એક્સરસાઈઝ, બ્રેઇન ફૂડ્સ અને જો તમારી વાઈફ કમ્ફર્ટેબલ મહેસુસ કરતી હોય તો ‘મેક લવ વિથ હર’. મારા મત મુજબ આ લાસ્ટ ટીપ એકદમ અસરકારક રીતે કામ કરી શકે છે. બે વ્યક્તિઓ સેક્સના અંતે ઓર્ગેઝમની અનુભૂતિ કરતાં હોય છે ત્યારે - norepinephrine, serotonin, oxytocin, vasopressin જેવા બ્રેઇન-કેમિકલ્સની કોકટેલ રિલિઝ થાય છે. રસપ્રદ વાત એ છે કે, આ કેમિકલ્સ એ બંને વ્યક્તિઓ વચ્ચેનું આત્મીય અને ભાવનાત્મક જોડાણ વધુ ઘનિષ્ઠ બનાવે એ માટે ખાસ રિલિઝ થતાં હોય છે. સેક્સથી નેચરલ બોંડિંગ અને બ્લડ-સર્ક્યુલેશન પણ વધુ સરસ થાય છે.

તમે મોકલેલા MRI રિપોર્ટ્સ પરથી, તમારી વાઈફના બ્રેઇનમાં જે ભાગ ઈન્જર્ડ થયેલો છે ત્યાં પૂરતું બ્લડ-સર્ક્યુલેશન અને ઑક્સિજન પહોંચતું નથી. અને એટ્લે એ ભાગ ફંક્શન કરતો બિલકુલ બંધ થઈ ગયો છે. ત્યાં કોઈ મેડિકલ સર્જરી થાય એવું નથી.

ડોન્ટ ગિવ અપ હોપ્સ. તમને કહી એ ટિપ્સ ફોલો કરો. યોગ્ય સમય આવશે ત્યારે તમારી વાઇફનું બ્રેઇન હિલિંગ થઇ જશે. આશા રાખું છું કે એમની લોંગ-ટર્મ મેમરિઝ પાછી આવશે. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ફ્યુચર. બ્લેસ યુ. એમેન!

ડો. લોગનનો આશાભર્યો રિપ્લાય વાંચી છાતી અંદર ગંઠાયેલી મૂંઝવણનો ગઠ્ઠો ઓગળતો હોય એવું લાગ્યું. ક્યાંકથી આશાનું સોનેરી કિરણપુંજ અમારા જીવનમાં રેલાયું હોય એવી ચમકતી આશા જાગી ઉઠી! ત્રણ-ચાર વાર એ રિપ્લાય વાંચી ભરી શકાય એટલું પ્રોત્સાહન અને આશા મનમાં ભરી લીધી. સોનેરી કિરણપુંજ પ્રસરાવતો ઝળહળતો સંપૂર્ણ સૂર્ય ક્યારે દેખાશે એના દિવાસપ્નમાં મન રાચવા લાગ્યું. ઈમેલ વાંચીને લેપટોપ શટ ડાઉન કર્યું ત્યાં સુધી મારા હોઠો પર સ્મિત રમતું રહ્યું... મારા ખભા ઉપર હળવો સ્પર્શ થયો. મેં પાછળ ફરીને જોયું તો... ક્રિતિકાએ ઔપચારિક સ્મિત સાથે મને પૂછ્યું, “એક્સક્યુઝમી, આ ઘરની દીવાલો પર જે છબીઓ છે એમાં તમારા અને મારા ફોટોઝ કેમ લગાવેલા છે! હું તો તમને ઓળખતી પણ નથી. તમે મને ઓળખો છો?”

તેનો પ્રશ્ન સાંભળીને મારા હોઠો પર રમતું સ્મિત તત્ક્ષણમાં જ વિલાઈ ગયું. વાસ્તવિકતાની સજ્જડ દીવાલ પર માથું ભટકાયું અને દીવાસ્વપ્નનું વાદળ ક્ષણભરમાં વિખરાઈ ગયું. વર્તમાનનું ભાન થતાં જ મારાથી અધમણનો નિ:શ્વાસ નંખાઈ ગયો!

એ ઈમેલમાં બતાવેલી ચાર ટિપ્સમાંથી છેલ્લી ટિપ્સ લગભગ અશક્ય જેવી લાગતી હતી. તો પણ બાકીની ત્રણ ટિપ્સ મેં બીજા જ દિવસેથી શરૂ કરી દીધી. ત્રણેક મહિના બાદ મેં ક્રિતિકા સાથે સેક્સ્યુઅલ થવાનો ટ્રાય કર્યો પણ તે બિલકુલ તૈયાર નહતી. મુશ્કેલ વાત એ હતી કે ક્રિતિકાને ‘મેકિંગ લવ’ની નેચરલ હિલિંગ પ્રોસેસ માટે સમજાવી કેવી રીતે? સમય વિતતો ગયો એમ એમ હું ક્રિતિકાના બિહેવિયરની વર્તણૂક (tendency) એનેલાઈઝ કરી તેને સમજતો ગયો. એન્ડ વન ડે વી ડિડ ઈટ!! ઈટ વર્ક્ડ વન્ડરફૂલી!

દરરોજ હું તેને બ્રેઇન ગેમ્સમાં – સુડોકું, જીગ્સો પઝલ, ક્રોસવર્ડ્સ પઝલ જેવી ગેમ્સ રમવા પ્રોત્સાહિત કરતો. રેગ્યુલર મોર્નિંગ જોગિંગ, એરોબિક એક્સરસાઈઝ અને મેડિટેશનનું રૂટિન તેની સાથે થવા લાગ્યું.

***

૨૧મી ઓગસ્ટ, ૨૦૧૩, ક્રિતિકાની ટ્રૌમેટિક બ્રેઇન ઇન્જરી (TBI)ને ત્રણ વર્ષ પૂરા થાય છે. અને આ રહ્યા જ શાપિત મહિનાની, ગયા વર્ષેની ૨૮મી ઓગસ્ટે મોમ-ડેડનું પ્લેન-ક્રેશ અકસ્માતમાં મૃત્યુ થયેલું. અઠવાડિયા બાદ તેમની મરણતિથિને એક વરસ પૂરું થશે. વરસાદની મોસમ હંમેશાથી મારી મનપસંદ મોસમ રહી હતી પણ હવે… હવે ક્રિતિકાની ઇન્જરી અને મોમ-ડેડના મૃત્યુ બાદ જ્યારે આ મોસમ વિશે વિચારું છું ત્યારે એ દુ:ખદ યાદો આછા વિષાદનું ઘેરું વાદળ લઈને મારા મનમાં વરસી પડે છે!

હોસ્પિટલમાં મોમે સાંત્વનાભર્યું હુંફાળું હગ ભરી તેણે કહેલાં એ શબ્દો આજેય મને યાદ આવે છે : ‘અવિનાશ, બેટા રડીશ નહીં. જે થયું એનો દોષ તારા માથે ના લઇશ. જે કઈ પણ બનતું હોય છે એ કોઈક સારા કારણ માટે જ બનતું જ હોય છે. દુ:ખમાં ડૂબેલો માણસ ભવિષ્ય માટેની દીર્ઘદ્રષ્ટિ ગુમાવી બેસતો હોય છે. હું જાણું છું કે આ સમય આપણાં માટે ઘણો દુ:ખદ છે; પણ સમય વિતશે એમ આ દિવસો પણ પસાર થઈ જશે. હું અને તારા ડેડ હંમેશા તારી સાથે જ છીએ. તારે મન મક્કમ રાખવું પડશે, અને ભગવાન પર શ્રદ્ધા રાખજે. એક્સિડેંટમાં એનો જીવ બચી ગયો શું એ ચમત્કાર નથી!! જીવનને હંમેશા પોઝિટિવ દ્રષ્ટિથી દેખવું, બેટા. બધુ જ સરસ થઈ જશે. આપણે બસ ધીરજ રાખવાની છે...’

મોમના એ હુંફ આપતા શબ્દો અને તેની સાથે વિતાવેલી એ યાદો આંખોમાં આસુંઓનો પ્રવાહ લઈને ઉભરાઈ આવે છે. અત્યારે હું ઘરની બાલ્કનીમાં મૂકેલા ઝુલા પર બેસી, ગાર્ડનમાં વરસતા વરસાદને નિહાળી રહ્યો છું. મનમાં ઉદાસીનતા અને નિરાશાનો ભેજ બાઝી ગયો હોય એવું લાગે છે. સિગરેટ્સના ધુમાડા છોડતો ધીમા ઝૂલે ઝુલતો વિચારું કે : સૌને ભીંજવતી આ મોસમે જ ક્રિતિકાના દિમાગમાંથી મારી સાથે જોડાયેલી અને જીવનની તમામ યાદો ધોઈ નાંખી હતી. – આ વિચારતા સિગરેટ્સના ધુમાડા સાથે આછો નિ:શ્વાસ નંખાઈ જાય છે. ખબર નહીં કેમ જીવન ધૂંધળું થઈ ગયું હોય એવું લાગ્યા કરે છે; કદાચ અત્યારે નિરાશાની પળો વિષાદનો વરસાદ લઈને મન પર વરસી રહી છે એટ્લે...?

***

દિવસે દિવસે ક્રિતિકા સાથેની લવ લાઈફ તેની ઇન્જરી બાદ થોડીક કલરફૂલ અને અલાઈવ બની રહી છે. સામાન્ય લવ સ્ટોરીઝ કરતાં અમારી લવ સ્ટોરી ‘વિયર્ડ કાઇન્ડ ઓફ યુનિક’ કહેવાય એવી છે. ઇન્જરીના શરૂઆતી દિવસોમાં ક્રિતિકાને યાદ અપાવવા મેં એક ટ્રીક શોધી કાઢેલી. અમે બંનેએ ટેટૂ શોપમાં જઈને કાંડાના સફેદ ભાગ પર અડધું હાર્ટ-શેઇપ ટેટૂ મારા કાંડા પર અને બાકીનું હાર્ટ-શેઇપ ટેટૂ એના કાંડા પર; પછી હાર્ટને વીંધતું તીર મારા ટેટૂમાંથી વીંધાઇ એના ટેટૂમાંથી નીકળતું હોય એ રીતનું પડાવ્યું.

અમારા બંનેના દરરોજના રૂટિન પ્લેસમાં - કોફી-હટ કાફે, રોસ્ટેડ રેસ્ટોરન્ટ, અને મોર્નિંગ જોગિંગ કરવાનું ચાલુ રાખ્યું. ઇન્જરી પહેલા પણ અમારું આ મોર્નિંગનું રૂટિન જ હતું. આ રૂટિન દરમ્યાન ઘણા ફ્રેંડ્સ સાથે વાતચીતો થતી. ક્રિતિકાને કદાચ આ સ્થળોએ – તેના ફેવરિટ ચીઝ બર્ગર, પિઝા, પેનકેકની સુગંધથી અથવા તો જૂના મિત્રોના ચહેરા જોઈને કશુંક યાદ આવી જાય... એ આશાએ હું તેને મોર્નિંગ રૂટિન પર રેગ્યુલર લઈ જતો. ઇન્જરી બાદ તેની સાથે જોગિંગ પર, કાફે કે રેસ્ટોરન્ટમાં લઈ જવું થોડુંક રિસ્કી હતું. ત્યાં દરેક લોકો ક્રિતિકાની ઇન્જરી વિશે પરિચિત થઈ ગયા હતા. બ્રેક-ફાસ્ટ કે કોફી માટે રેસ્ટોરન્ટમાં પણ તેના ઇમ્બેરેસિંગ સીન્સ મારે સહેવા પડતાં. બધા વચ્ચે મને ઓળખવાની ના પાડી દેતી! ક્યારેક મારા સામેથી ઊભી થઈ બીજા કાઉન્ટર પર એકલી બ્રેકફાસ્ટ કરવા બેસી જતી. જોકે અમુક સમય બાદ ત્યાં એ લોકો આ પ્રકારના સીન્સથી પરિચિત થઈ ગયેલા. બધા તેની સાથે જેન્ટલી વર્તતા. કેટલીક વાર અમે બંને સાથે મોર્નિંગ જોગિંગ કરતાં હોઈએ ત્યારે મને જોઈને કહે : ‘હેય ગુડ મોર્નિંગ...! ન્યુ હિયર...?’ – એના સિરિયસ જોક પર ક્યારેક તો ખડખડાટ હસવાનું મન થઈ જતું.

રેસ્ટોરન્ટમાં દરેક વેઇટર્સ એકસરખી ટી-શર્ટ પહેરતા હતા એ જોઈને એક દિવસ મનમાં એક બ્રિલિયન્ટ આઇડિયા આવ્યો! ક્રિતિકા અને મારી બોડી સાઈઝના છએક ટી-શર્ટ્સની આગળ અને પાછળ અમારા બંનેના હસતાં ફોટોઝ અને એની ઉપર ‘વી બોથ આર હસબન્ડ-વાઈફ’ અક્ષરો સાથે પ્રિન્ટ કરાવી દીધી. મોર્નિંગમાં એ ટી-શર્ટવાળો આઇડિયા બરાબર કામ કરી ગયો! એક જેવા રંગની અમારી ટી-શર્ટ, એમાં બંનેના એક જેવા ફોટોઝ અને હાથમાં પડાવેલું ટેટૂ તેના કાંડા સાથે સરખાવીને તે તેની ટૂંકી યાદદાસ્તમાં કન્વીન્સ થઈ જતી કે ‘આઈ એમ હર હસબન્ડ.’ – ત્યાર બાદ તેનું મારા પ્રત્યેનું ટ્રસ્ટ લેવલ અને તેના સ્વભાવની નિખાલસતા જોઈને હું તેના પ્રેમમાં પડી જતો! ક્યારેક તે આઉટ ઓફ મૂડ હોય અને કન્વીન્સ કરવામાં તેની તરફ પૂરતું અટેન્શન ન આપ્યું તો એ પચ્ચીસ મિનિટમાં મારો જીવ અધ્ધર થઈ જતો! તે ગુસ્સે થઈ મને તેનાથી દૂર રહેવાની વોર્નિંગ આપતી. પછીની મિનિટોમાં એ ક્યાં જશે, શું કરશે એ વિષે કશું જ નક્કી ન કરી શકાય. એકદમ નાજુક રિલેશનની ઓળખાણ દર પચ્ચીસ મિનિટે તેની આંખોમાં વિશ્વાસ બેસે એ રીતે કરાવવી પડતી. જે મને તેના પ્રેમમાં પાડવા મજબૂર કરી મુકતું...

***

(આવી જટિલ મેરેજ લાઇફમાં શું આશાનું કિરણપૂંજ રેલાશે કે નહીં? – એ જાણવા ભાગ – 3 માટે તમારે રાહ જોવી જ પડશે...)

લેખક – પાર્થ ટોરોનીલ