એક પ્રશ્ન Tarulata Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈશ્વરીય શક્તિ - ભાગ 3

    ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને...

  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

શ્રેણી
શેયર કરો

એક પ્રશ્ન

એક પ્રશ્ન ?

તરૂલતા મહેતા

સર્પની ફેણ જેવો ફૂંફાડા મારતો એક પ્રશ્ન સમીરને જીવન-મરણ વચ્ચે ઝોલા કરાવે છે. એના શિરની નસોમાં ધ્રાંગ ધ્રાંગ થતો એ પ્રશ્ન એના ચેતનને હણી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી એ બધાંની જેમ રોજનું કામ કરે છે, પણ એના લોહીમાં જાણે ભૂતકાળના પિતૃઓની અધૂરી ઈચ્છા, વાસના ઉછાળા મારી રહી છે.

આજે એ ઓફિસથી વહેલો આવી ગરાજમાં તીવ્રતાથી એક નાના બોક્ષને શોઘી રહ્યો છે, એ બોક્ષ એના સંતાપનું કારણ છે. એની આઠ વર્ષની દિકરી નીના નિશાળેથી આવી ડેડીને ગરાજમાં જોઈ હરખથી વળગી પડી, સમીર કેબીનેટમાં મૂકેલા ખોખાઓમાંથી બોક્ષ ખોળવામાં એવો ડૂબેલો હતો કે નીનાના સ્પર્શથી એકદમ ચોકી ગયો:

'કોણ છે?'કહી આઘો ખસી ગયો, નીનાને હડસેલો મારી દૂર કરી દીધી, નીના રડવા લાગી, અંધારી ગુફામાંથી એ બહાર આંવ્યો હોય તેમ એણે પોતાના ગરાજને જોયું, રડતી નીનાને પટાવતા કહ્યું:

'સોરી, મારું ધ્યાન નહોતું, તું ક્યારે આવી?'

નીના કહે:

' ડેડી, તમે ડરી ગયા?'

સમીરને કહેવું હતું, ' હા, મને ભ્રમણા થઈ હતી કે મારા પાપા આવ્યા ' એણે નીનાને માથે હાથ ફેરવતા કહ્યું :

'હું ય મારા પાપાને તારા જેવડો હતો ત્યારે આમ જ વળગી પડતો. '

એણે નીનાને રાજી કરી કહ્યું :

'મારે ગરાજમાં કામ છે, એટલે તું ઘરમાં જઈ કપડાં બદલી નાસ્તો કર, મમ્મી આવે ત્યાં સુધી કાર્ટુન જો, મને કામ કરવા દે. '

નીના કહે, ડેડી, ઓન્લી વન મિનીટ, બેક્પેકમાંથી એક કાર્ડ બતાવી બોલી ', સરપ્રાઈઝ ',

સમીરે કાર્ડ જોઈ કહ્યું 'ઓહ, હેપી ફાધરસ 'ડે 'થેંક યુ, તે કાર્ડ સરસ બનાવ્યું છે, રવિવારે આપજે. '

સમીરને ચિતા ઘેરી વળી. 'હવે શું કરવું? પાપાના અસ્થિપુજ્નું બોક્ષ નહિ મળે તો મનુકાકાને શું કહીશ?'

સમીર એનાં માબાપનો એક જ દીકરો હતો, એના માબાપ આખી જીદગી સ્વતંત્રપણે ભારતમાં રહેતાં હતાં, એમણે સમીર પાસે કોઈ અપેક્ષા રાખી નહોતી, મમ્મીના ગુજરી ગયા પછી પાપા પહેલીવાર સમીરને ત્યાં આવ્યા હતા, નીના સાથે પાપાના દિવસો આનંદથી પસાર થતા હતા. પણ બે વર્ષ પહેલા અચાનક હાર્ટ એટેકથી એ ગુજરી ગયેલા. એમના અસ્થિપુજને નર્મદા નદીમાં પધરાવવાની એમની અંતિમ ઈચ્છા હતી.

એને સમય મળતો નહોતો, ક્યારેક યાદ આવતું પણ મેળ પડતો નહોતો. મનુકાકા ભારત જતા પહેલા એને ત્યાં સેક્રોમેન્ટો બઘાને મળીને જવાના હતા, પાપાના અસ્થિપુંજ લઈ જઈ નર્મદામાં પધરાવવાનું એમણે માથે લીધું હતું. એમની ઇચ્છા તો સમીર જોડે આવે એવી હતી પણ સમીરને સમય નહોતો.

છેલ્લા ચાર દિવસથી એક નાનકડું પીળું બોક્ષ, એ શોઘી રહ્યો હતો, એના પાપાના અવશેષો રાખરૂપે એ પીળા બોક્ષમાં એણે ગરાજની કેબિનેટમાં મૂક્યા હોવાનું એને યાદ હતું. એણે ગરાજમાં ઉઘું છ ત્તુ કરી નાખ્યું, પણ બોક્ષ મળતું નથી, હવે શું કરવું ?પાપાની અંતિમ ઈચ્છા પૂરી નહિ થાય?મનુકાકા શું માનશે?'અરે, મારો અંતરઆત્મા મને કેમ કરી માફ કરશે'?

સમીર એવો રૂઢીચુસ્ત નહોતો, પણ આ એની ઈચ્છાનો સવાલ નથી, એના પાપાની અંતિમ ઈચ્છાને પૂરી કરવી એની ફરજ હતી. આજસુધી એણે બોક્ષ ગુમ થયાની વાત કોઈને કરી નહોતી. એને ખાતરી હતી કે એને એ પીળું બોક્ષ મળી જશે, એક પછી એક કેબીનેટ એ ખોલે છે, અને ધડાક દઈ બંધ કરેછે, એક ક્ષણ એને એમ લાગ્યું કે કફનથી ઓઢાવેલા શબને જોઈ રહ્યો છે. એના હાથ પગ ધ્રુજી ગયા, એ સ્ટુલ પર બેસી ગયો, એટલામાં એની પત્ની આવી, એ ખુશ થતાં બોલી :

'હાય હની, ' સમીરને લાગ્યું કોઈ લાકડા જેવો હાથ એનું ગળું દબાવી રહ્યો છે, એનાથી બોલાતું નથી. એની પત્ની જૂડી એની પાસે આવી બોલી :

'આર યુ ઓલરાઈટ સમીર ?'

સમીર બાળક જેવી લાચારીથી બોલ્યો:

'આઈ લોસ્ટ માય ફાધર ' જૂડીને નવાઈ લાગી, વાય આર યુ સો ઈમોશન ટુ ડે ? '

સમીર કહે :

'જૂડી ચાર દિવસથી હું મારા પાપા ના અવશેષોનું પીળું બોક્ષ શોધું છુ, મને ક્યાંય જડતું નથી. મારે મનુકાકાને આપવાનું છે'.

જૂડી કહે: 'કેબીનેટમાંથી તારી વસ્તુને હું નથી અડી. ડોન્ટ વરી યુ વીલ ફાઈન્ડ ઈટ ' જૂડી ઘરમાં ગઈ.

સમીરને આજે પહેલીવાર એમ લાગી આવ્યું કે એની પત્ની અમેરિકન છે, એ કેવી રીતે એના મનની વાત સમજી શકે?

ગયા રવિવારે એલ. . થી મનુકાકાનો ફોન આવ્યો હતો, બસ ત્યાર પછી સમીર જીવતેજીવ પિતૃઓની અધૂરી વાસનાની ચુંગાલમાં ફસાયો હતો.

મનુકાકા રવિવારે સાંજે સેક્રોમેન્ટો આવશે. એમને બે દીકરા હતા, એમનો બીજો દીકરો અનિલ અને સમીર સેક્રોમેન્ટોમાં સ્ટેટની ઓફિસમાં સાથે નોકરી કરતા હતા. મનુકાકા સાથે ફોનમાં વાત થઈ ત્યારે તે રાજી થયો હતો. મનુકાકા પાપા હતા ત્યારે એને ઘેર આવી રહેતા, છેલ્લે બે વર્ષ પહેલાં પાપાના ફયુનરલમાં આવેલા, મનુકાકા તેને સગા દીકરા જેવો જ ગણતા.

રવિવારે સાંજે એણે અનિલ સાથે સહકુટુંબ ડીનર ગોઠવ્યું હતું. પાપાની ગેરહાજરીમાં મનુ કાકા એને માટે પિતા

સમાન હતા. સમીરને શું કરવું તેની સૂઝ પડતી નથી. જો મનુકાકાનો ફોન ન આવ્યો હોત તો એણે બોક્ષની શોધ ન કરી હોત, એને થયું મનુકાકાને ફોન કરી કહી દઉં કે મળવા આવવું હોય તો આવો, પાપાના અસ્થીનું એ પોતે કરશે.

એને પાપાના પ્રેમાળ અવાજના ભણકારા થયા', સમીર તારા દિલની વાત કર, તું સાચું કહીશ તો તારી ભૂલ માફ, ' એના પાપાએ એને સ્વતંત્રપણે કામ કરવા પ્રેર્યો હતો. ભૂલોથી શીખાય એવું માનતા. સમીર આક્રંદ કરતા મનને કોસતો હતો:

'મારી આ ભૂલથી હું શું શીખીશ? પાપા હવે તમે નથી, તમારા અવશેષોની રાખ મેં ખોઈ નાખી, અરે -રે મારું જીવન રાખ થઈ ગયું '.

***

જૂડી ડીનર માટે બોલાવતી હતી.

એને જમવાની ઈચ્છા નથી પણ નીનાનું મન રાખવા તેની પાસે ખુરશીમાં બેઠો.

જૂડી બોલી:

'તારી ડીશ આ બાજુ છે, આજે નીના પાસે કેમ બેઠો?'

નીના ખુશ થઈ બોલી:

' ગ્રાંડ પા મારી પાસે બેસતા, ડેડી તમે મારી પાસે બેસો '

જૂડી કહે:'સમીર તું ખૂબ થાકેલો દેખાય છે. ટેઈક રેસ્ટ. '

સમીરે નીનાને ગુડનાઈટ કહી વહાલ કર્યું, એણે બેડરૂમમાં જતા જતા ખાલી ખુરશીને જોયા કરી. એને જાણે આખું ઘર ખાલી દેખાયું, એ પોતે પણ સાવ ખાલી હતો, પાપાની ખાલી ખુરશી ... એને પાસળામાં સણકો ઉપડયા જેવું દર્દ થયું.

સમીર બેડરૂમમાં ગયો પણ એને ચેન નથી, એણે અનિલને ફોન કર્યો.

ફોનમાં અનિલ કહેતો હતો : 'હલો, સમીર આજે વહેલો ઓફિસથી નીકળી ગયો, '

'હા, પણ કંઈ કામ થયું નહિ, ' સમીરના અવાજમાં નિરાશા હતી.

અનિલે પૂછ્યું 'હું કંઈ મદદ કરી શકું?'

સમીરે જવાબ આપ્યો, 'તારા સિવાય બીજા કોને કહું?જૂડી સમજી શકે તેમ નથી. '

એણે બોક્ષ ગુમ થયાની વાત અનિલને કરી, અનિલને થયું બીજું કંઈ ખોવાયું હોય તો નવું લવાય, એને સમીરનો પ્રશ્ન વિકટ લાગ્યો, એણે સમીરને કહ્યું, 'હું મારી પત્ની શીલા સાથે ચર્ચા કરી કાલે તને જણાવીશ, શીલા ધાર્મિક છે, કોઈ માર્ગ બતાવશે. '

સમીર વિચારતો હતો 'શું મારા પ્રશ્નનો ઉકેલ ઘર્મ લાવી શકે?'આજસુધી એ માનતો કે જેને જેમાં શ્રઘા હોય તેમાં માને. એ બધાનું માન રાખતો, એને મન પ્રમાણિકતાથી જીવન જીવવું એ જ ધર્મ હતો. એ જૂડી સાથે ક્યારેક ચર્ચમાં જતો, તો પાપાને મંદિરે પણ લઈ જતો. પાપાની અંતિમ ઈચ્છા જૂઠું બોલીને, છેતરામણીથી તો ન પૂરી થાય, એને રાત્રે ઊઘમાં પણ પ્રશ્નો ડંખતા રહ્યા, એ પાપાનો ગુનેગાર હતો, મનુકાકાનું દિલ દુભાશે, તેઓ શું કહેશે?નીના એના કુમળા મનમાં ડેડી વિષે શું માનશે ?

રાત્રે કોઈના દબાયેલા રડવાના અવાજથી તે જાગી ગયો. તેને મમ્મી ટેબલ પર માથું ઢાળી રડતી દેખાય છે. પાપા વ્યાકુળતામાં આંટા મારે છે. ગુસ્સામાં કહેતા હતા: 'સમીર મારી કેળવણી પર પાણી ના ફેરવતો, યોગ્ય જ કરજે'.

સમીર ચીખી ઊઠ્યો : ' યોગ્ય શું છે તે મને કોણ કહેશે?' વિવેકાનન્દ 'ભગવાન તમે જોયા?' એમ સૌને પૂછતા ગુરુ પરમહંસ પાસે પહોંચી ગયા હતા '

'મને કોઈ કહો પિતૃનું તર્પણ શી રીતે કરું? પાપા તમે માંદા હતા ત્યારે તમારે લોહીની જરૂર પડેલી, બાપ-દીકરાના લોહીનું ગ્રુપ સમાન એ પ્લસ, મેં તમને લોહી આપેલું.... પણ મારી રાખ... ?? સમીર ઠન્ડીમાં પરસેવે ભીંજાયો એનો શ્વાસ રૂંધાયો તે એકદમ બેઠો થઈ ગયો.

જુડી હલચલથી જાગી ગઈ પૂછ્યું : 'શું થાય છે સમીર ? એસ્પીરીન આપું?'

જુડીએ એને પાણી આપ્યું. સમીર ખૂલ્લી આંખે સીલીગને તાકતો સૂ ઈ રહ્યો... શબવત.. !

***

અનિલ અને શીલા મનુકાકાને એરપોટથી સીધા સમીરને ઘેર લઈ આવ્યા. મનુ કાકા સમીરને પ્રેમથી ભેટતા બોલ્યા, મારે આ ઘર પહેલું, મારા મોટાભાઈનો દીકરો એટલે મારો હક્ક. સમીર કહે' અમે તમારી રાહ જોતા હતા. 'નીના શરમાતી હતી પણ મનુકાકાએ હાથ લાંબો કર્યો એટલે એમના ખળામાં બેસી ગઈ, 'બેટા હવે હું જ તારો ગ્રાન્ડ પા છુ. ' મનુકાકા નીના સાથે વાતો કરતા હતા.

જૂડી અને શીલા ડીનર ટેબલ તેયાર કરતા હતા,

અનિલ સમીરની સાથે ગરાજમાં ગયો. તેણે સમીરનો ફિક્કો ચેહરો જોઈ કહ્યું, 'બોક્ષ મળ્યું નહિ ?'સમીર નીચું જોઈ ગયો. અનિલે કહ્યું, 'તું ચિતા ના કરીશ, શીલાએ એવું જ પીળું બોક્ષ તેયાર કર્યું છે. એમાં સાઈબાબાની ઉદી છે. એ કાયમ એની પૂજા માટે રાખે છે. એમાં કોઈ દોષ નથી, મારા પપ્પા અને તારા કાકા એમનું મન રાખવા આ બોક્ષ એમને આપજે. 'સમીરનું મન માનતું નથી, એના મનમાં સર્પનો ડંખ લાગતો હતો.

એને ભ્રમ થયો કે શું? અનિલની ઘરમાં ગયો તેની પાછળ તે જતો હતો ત્યાં કોઈએ એનો હાથ પકડ્યો. પાપાના ગયા પછી એમની ખુરશી ગરાજમાં ખૂણામાં મૂકી દીધેલી. ત્યાંથી જ જાણે હાથ લંબાયો, એણે પાછળ ફરીને જોયું.......

એના પાપા પેલા ખૂણામાંની ખુરશીમાં હાથમાંની ચોપડી વાંચતા હતા વિવેકાનન્દનું જ પુસ્તક હશે! અંધશ્રદ્ધા અને રૂઢિચુસ્તતાના પ્રખર વિરોધી !

'સમીર, સમીર આ તને કોણે શિખવાડ્યું ? આવું નાટક કરી તું મારી ઈચ્છા પૂરી કરીશ? ના ના તેમ કરવાથી તું કોને રાજી કરીશ?સાચું કહેવાની અને કરવાની હિંમત જ ધર્મ.

સમીર શું કરવું? ના વમળમાં ફસાયો હતો.

***

ડીનર પૂરું થયું એટલે નીના પોતાના રૂમમાંથી તેણે બનાવેલું કાર્ડ લઈ આવી.

અનિલે બોક્ષ સમીર તરફ ખસેડી ઈશારો કર્યો, 'આપી દે ',

સમીરનો હાથ થીજી ગયો. એ બોક્ષને સ્પર્શી શકતો નથી, એણે બોલવા માટે ગળું ખોંખાર્યું.

નીના બોક્ષને જોઈ કહે: "મારી પાસે પણ ગ્રાન્ડ પા ની મેમરીનું બોક્ષ છે '.

એ દોડતી લેવા ગઈ, એની પાછળ સમીર દોડ્યો. બોક્ષ લઈને આવતી નીનાને તેણે ઉચકી લીઘી. એણે નીનાને કહ્યું :

' હવે મારે બીજી કોઈ ભેટ જોઈતી નથી, મને મારા પાપા માટેની છેલ્લી બક્ષિસ મળી ગઈ. '

દસ દિવસ પછી અનિલ મનુકાકાને અને સમીરને એરપોટ પર વિદાય કરવા આવ્યો ત્યારે એના માન્યામાં નહોતું આવતું કે ખરેખર સમીર એના પાપાના અવશેષ પધરાવવા ભારત જઈ રહ્યો છે. સમીરનો ચેહરો પ્રસન્ન હતો, એક હાથથી તે મનુકાકાને મદદ કરતો હતો અને બીજા હાથની હેન્ડબેગ એના પાપાનો હાથ હોય તેમ ગોરવભેર ચાલતો હતો.

પિતૃ દેવો ભવ:

તરુલતા મહેતા