એ સખી, સાંભળ તો ખરી
બાલકૃષ્ણ પટેલ
***
આ મારો સૌ પ્રથમ કાવ્યસંગ્રહ
હું મારાં માતા-પિતા ને સપ્રેમ
અર્પણ કરૂં છું.
***
અનુક્રમણિકા
૧). એ સખી, સાંભળ તો ખરી.
૨). બસ હવે...
૩). મારાં હતા...
૪). અમે બંને એક.
૫). તું ઉદાસ છે?
૬). આમ સાવ અચાનક.
૭). આવ જીંદગી
૮). જોઈએ છે.
૯). તૃષ્ણા.
૧૦). હવે મળતા નથી...
૧૧). તારી સહેલીનું...
૧૨). બનીને રેત.
૧૩). શિખર સૌંદર્યનું.
૧૪). નદી લાગણીની...
૧૫). ઘર હતું.
૧૬). કેમ છો?
૧૭). વાત એની કરશો નહીં.
૧૮). હૈયું પરોવી હૈયામાં.
૧૯). તારું સરનામું શું?
૨૦). હમણાં થોડી વાર પહેલાં.
૨૧). એક આંસુ મારા નામનું.
***
૧). એ સખી, સાંભળ તો ખરી.
" એ સખી, સાંભળ તો ખરી, વાત કહું મારાં દિલની,
તને નહીં કહું તો કોને કહીશ, આ વેદના મારાં મનની.
કોઈને નથી કહ્યું, પહેલાં તને કહું છું, મને પ્રેમ થયો છે,
પણ લોકો કહે છે, તને કોણ કરે પ્રેમ?, તને વ્હેમ થયો છે.
મારૂં પણ દિલ છે તારાં જેવું, એમાં લાગણી, વેદના, પ્રેમ છે,
હું પણ કોઈને ચાહી શકું, પ્રેમ કરી શકું, દર્દથી રફીના શકું?.
તું જ કહે, તો લોકો કેમ કહે છે?, મને માત્ર વ્હેમ થયો છે,
એ સખી, કહે તો ખરી?, કોઈ મને કે હું કોઈને પ્રેમનાં કરી શકું?
કોઈની માટે મારૂં દિલ પણ ધડકે છે, આંખ એને ન જોવે તો રડે છે,
જો એ નહીં હોય મારી સાથે, એ કલ્પનાથી મારૂં અંતરમન કંપે છે.
જીવન એનાં વગર જીવવું, એ વાત જ અશક્ય છે,
એનાં વગર જીંદગીમાં, માત્ર ને માત્ર, મોત જ શક્ય છે.
એ સખી, શું થયું?, કેમ હસવું આવ્યું?, તું પણ એજ માને છે?,
મારી લાગણીઓને બીજાની જેમ, તું પણ વ્યર્થ માને છે?.
મને હતું, તું મને, મારાં મનને, મારાં કરતાં વધારે જાણે છે,
પણ તું, તું મને નહીં, દુનિયા ને જ માને છે?.
એ સખી, કોને કહું હવે, વાત મારાં દિલની,
તું જ ના સમજી, હવે કોને સમજાવું, વેદનાં મારાં મનની.
એ સખી, સાંભળ તો ખરી, વાત કહું મારાં દિલની,
તને નહીં કહું તો કોને કહીશ, આ વેદનાં મારાં મનની."
***
૨). બસ હવે...
"કહેવું તો છે ઘણું મારે, પણ કહેવાતું નથી,
ઘણું સહ્યું છે, બસ હવે, સહેવાતું નથી.
જેને માન્યાં હતાં પોતાનાં, એ ગૈર પણ ના રહ્યાં,
કોણ છે દોસ્ત, ને કોણ દુશ્મન, હવે કળાતું નથી.
લાગણીઓનાં વમળમાં ઘણો ઘુમરાયો છું હું,
હું પણ માણસ છું, હવે તરાતુ નથી.
થાકી ગયો, હારી ગયો છું, સ્વપ્નોને આકાર આપી,
હવે તો આકાર પણ ભુલી ગયો, શું કરું સમજાતું નથી.
જીવનનાં મધ્યાંતરે જોયું, કે કોણ હતું મારી સાથે,
પડછાયો પણ ન હતો સાથે, બસ હવે જીવાતું નથી.
શોધું છું એવું સ્થાન શાંત, જ્યાં સદા માટે સુવું છે,
સ્મશાનમાં પણ શોર સાંભળ્યો, હવે ક્યાંય સુવાતુ નથી."
***
૩). મારાં હતાં...
"જોયાં હતાં જે તારા માટે એ શમણાં મારાં હતાં,
પુરા નાં થયાં જે અરમાન તારાં, એ મારાં હતાં.
રસ્તો, સફર, મંઝિલ, કંઈ જ નહોતું મારૂં,
તમે મળ્યાં સફરમાં, પછી એ સફર મંઝિલ મારાં હતાં.
તમને જ સાંભળ્યા છે, તમને સાંભળતો આવ્યો છું,
કારણ, તારા જે હતાં વિચાર એ મારાં હતાં.
લાગણીથી ભરેલું દિલ છે તારું, જોયું છે ઘણીવાર,
વહ્યા છે ઘણાં એમાં, એ તારાં જ નહીં મારાં પણ હતાં.
તમારૂં જે હતું, મારૂં હતું, તમે પણ મારાં હતાં,
હું તો તમને મારાં માનતો, તમે જ મારાં ન હતાં."
***
૪). અમે બંને એક.
"હું અને એ, અમે બંને એક,
હું થોડો નેક, ને એ જરા દિલફેંક.
પ્રણયની પરિક્ષામાં પાસ, હું થયો,
જોઈ ઉત્તરવહી એની, તો માત્ર છેકમછેક.
ગણિત એનું નોખું, સાવ જ અલગ,
માને છે એ, અગિયાર થાય એક વત્તા એક.
ખબર ન્હોતી મને, પ્રેમમાં ગણતરી હોય,
માનું હું, એક વત્તા એક થાય, માત્ર એક.
શોખ પહેલેથી એમને ખિલૌનાનો,
જાણ્યું ત્યારે, કંઈક તૂટ્યું અંદર છેક."
***
૫). તું ઉદાસ છે?
" શું જોઈએ છે તારે? જે ના મળવાથી તું ઉદાસ છે,
શું મેં આપ્યું છે, તેનાથી કંઈક ખાસ છે?.
મનનું માગેલું ક્યાં કોઈને મળ્યું છે, તો તને મળે,
મળ્યું છે, આ આપણું છે, એ માનવું આભાસ છે.
મન સાથે સમાધાન, એ ધક્કો છે જીવન ધકેલવાનો,
બીજું, સમયને સોંપવાનું, આ જ જીવનનો પ્રાસ છે.
વાંધો ન આવત જીંદગી વ્યતિત કરવામાં. પણ,
છાતીમાં, ડાબી બાજુ ભરેલી, લાગણીઓનો ત્રાસ છે.
એટલે જ કહું છું, જે તારે જોઈએ છે, એ અમાસ છે,
અને જે મેં આપ્યું છે, એ પૂનમનો ઉજાસ છે."
***
૬). આમ સાવ અચાનક
"આમ સાવ અચાનક એક વાત આવી ગઈ મનમાં,
' હું છું ને તારી સાથે' , કોઈ આવીને કહે કાનમાં.
જોવું વળીને પાછળ તો માત્ર પગલાંની છાપ મળે,
કોણ લાવે છે વસંત, આ ઉજ્જડ વેરાન રણમાં.
ઘણાં પ્રયત્નો કરીને, શાંત કરી બેઠો તો મનને,
કોણ લાવે છે વમળ, આ શાંત મન સરોવરમાં.
ભીની આંખો ને કોરી કરી, મેં એક રૂમાલથી,
કોણ લાવે છે અશ્રું, આ ભીંજાયેલી આંખોમાં.
યાદોનાં વનનાં એકાંતમાં સાદ સાંભળ્યો કોઈનો,
કોણ હશે? એ તો નહીં હોય? કે જીવું છું હું ભ્રમમાં."
***
૭). આવ જીંદગી
" આવ જીંદગી, જીવીએ સાથે મળીને,
હું એકલો, તું અટુલી, રહીએ ગળે મળીને.
ના તને જાણી કોઈએ ના મને જાણ્યો,
આવ બેસ, સાથે મારી, જાણીએ એકબીજાને.
બન્નેનો શોખ એક સરખો, બીજાં માટે જીવવું,
આવ હવે, આપણું જીવીએ, દુનિયા ને ભુલીને.
હર કદમ નફરત મળી, પ્રેમ નાં મળ્યો કોઈનો,
આવ કરીએ, પ્રેમ એવો, કોઈએ કર્યો ન કોઈને.
તુમ અને હમ, હવે હમ તુમ બનીએ,
સફર કરીએ હમસફર બની, મળીએ મંઝિલને."
***
૮). જોઈએ છે.
" તું નાં મળે, તારો પ્રેમ નાં મળે, તો કંઈ નહીં,
તારાં પ્રેમની માત્ર એક નજર જોઈએ છે.
તું નહીં, હું તારી જુદાઈમાં પાગલ થઈ જઈશ,
પણ, તારાં ચહેરા પર, એ વેદનાની ઝલક જોઈએ છે.
તું ભલે રહે, હું નહીં રહી શકું તારાં વગર,
બસ, તારી આંખોમાં , માત્ર એ કશક જોઈએ છે.
તને જીંદગી મળે, મારો હવે મોત જ સહારો છે,
માથું હોય તારાં ખોળામાં, બસ, એવું મોત જોઈએ છે.
આંસુ આવે અગર મારી લાશ જોઇને કદાચ તને,
ફિનિક્સ ની જેમ જીવી જઈશ, બસ,
તારાં આંસુઓમાં એ અસર જોઈએ છે."
***
૯). તૃષ્ણા
" ભાસ્કરનો ઉદય એ સૂરજમુખીનો ખિલવાનો પર્યાય,
વસંત આવે કે પાનખર, જીવે નહીં રવિ સિવાય.
પ્રેમ પીપાષુની પ્યાસ, ન છીપાય મદિરા કે અમૃતથી,
રણની તૃષ્ણા કોણ છીપાવે?, એક મૃગજળ સિવાય.
સમીરનો સ્પર્શ, સૂરજની હુંફ, કે મળે ઈશ્વર ચરણ,
કળી ને પુષ્પ કોણ બનાવે?, એક માત્ર ભ્રમર સિવાય.
વિરહની વેદનાં શબ્દોમાં વ્યક્ત એમ થતી હશે?,
જીવી હોય વેદનાંને એ જ સમજે, કેમ છે જીવાય!.
દર્દ, વેદનાં, વિરહ, વ્યથા, બધું જ મંજૂર છે મને,
તૃષ્ણા છીપે તો, વિષ મંજૂર છે, જો એ તમારાં
હાથથી પીવાય."
***
૧૦). હવે મળતાં નથી.
" લોકો કહે છે, તમે કોઈને, હવે મળતાં નથી,
જરા જોવો તો ખરાં, બાગમાં ફૂલ પણ હવે ખિલતા નથી.
જોવાં મળે એક નજર તમારી, તો કામ થાય,
જોઈને વાટ બેઠો છું રસ્તામાં, કામ કોઈ હવે કરવાં નથી.
યાદ તમારી વળગી છે, તન્હાઈ બનીને,
તન્હા રહું છું ટોળામાં, હવે એકલાં ભળતા નથી.
અરમાન તો ઘણાં બાકી છે દિલનાં મારાં,
તમને જોયા વગર,આ તારલાં પણ ખરતા નથી.
મળો કોઈ વાર રસ્તામાં, અચાનક, અનાયસે,
કહે જો નજરો ને તમારી, કહે નહિં,
તમને ઓળખતા નથી."
***
૧૧). તારી સહેલીનું...
" સખી, તારી સહેલીનું, નામ તો કહે,
નામ નહીં તો, રહેવાનું ક્યાં?, એનું ઠામ તો કહે.
હૈયું ચેન માંગે, આંખ નીંદર માંગે, જે છે તેની પાસે,
ઠામ નહિં તો કંઈ નહીં, એ પ્રિતનું ગામ તો કહે.
પ્રથમ નજર પ્રેમની, પછી પીડા જીવનભરની,
શું આ જ કામ છે?, એનું, કોઈ બીજું કામ તો કહે.
ભલે ના કહો નામ કે ઠામ, નથી જાણવું ગામ કે કામ,
શ્વાસથી તારાં, કોઈ ધડકે છે, બસ, એક આ પૈગામ તો કહે."
***
૧૨). બનીને રેત
" મારાં હાથમાંથી, બનીને રેત, તું સરકી રહી,
નદી બનીને હંમેશા, એક તરફ જ તું વહેતી રહી.
ઓથ છે તને બે કિનારાની, પણ કયાં મળે છે તું એને,
ફરક નથી પડતો, તું મળે કે ના મળે એ સાગરને,
છતાં તું મળતી રહી.
મુંજવે છે એક પ્રશ્ન મને, મળતો નથી ઉત્તર ક્યાંયથી,
મળે છે તને પ્રેમ આટલો, વ્યર્થ વ્યથાને તું કેમ સહેતી રહી?
જરા અલ્લડ, ચંચળ, થોડી સૌમ્ય શર્મિલી, તું એક નદી,
દરિયાને તુજમાં સમાવા, ટૂકડા થઈ, તું ક્યાં ક્યાં વહેંચાતી રહી."
***
૧૩). શિખર સૌંદર્યનું
" માન્યું સુંદર છો તમે, પણ એ અભિમાન સારૂં નહીં,
અર્થ કંઈ નથી, જ્યાં સુધી એ શિખર સૌંદર્યનું મારૂં નહીં.
નહીં મળે સ્પર્શ મારાં પ્રેમનો, તો ક્યાંથી એ ખીલશે?,
એમાં અમૃત પ્રેમનું જોઈએ, પાણી દરિયાનું ખારૂં નહીં.
ચૂમશે હોંઠ મારાં તમને, ત્યારે તો ફૂલ તમે બનશો,
સુવાસિત બની મહેંકશો, ફૂલ હશો તો, બનીને કળી નહીં.
કેશ તમારાં છે, શ્યામ લાંબા, રેશમનાં તાંતણા સમા,
નહીં વિખરાય મારાં સીના પર, તો એ કોઇ કામનાં નહીં.
નયનમાં નશો, હોંઠોમાં મદિરા, ભલે બનો ખુદ બાકી,
સઘળું નકામું બની રહેશે, જો એનો શરાબી હું નહીં.
કહો હવે, અભિમાન તમને સૌંદર્યનું, કે છું હું તમારો એનું,
માની લો, હું છું તો તમે છો, તમે છો તો હું નહીં."
***
૧૪). નદી લાગણીની...
" એક નદી લાગણીની, આસપાસ વહે છે,
હસીને ખળખળ, ધીરેથી, મને કંઈક કહે છે.
સંભળાયું નહીં, બોલ તો, એકલી ક્યાં વહે છે,
કહું છું કે, હું એકલી નથી, સાથે તું પણ વહે છે.
હાં, પણ કયાં જઈશ વહીને?, ખબર છે મંઝિલ તારી?,
હાં, જાણું છું ને, જ્યાં તારૂ, દિલ રહે છે.
શું કરીશ તું ત્યાં આવીને?, ત્યાં કોઈ નથી રહેતું,
કંઈ નહીં, સાંભળીશ એને, મારાં વિશે શું કહે છે.
મને વાંધો નથી તું રહે, પણ તને ફાવશે ને?,
કેમ નહીં, હું તો ત્યાં જ રહીશ, જ્યાં તું રહે છે."
***
૧૫). ઘર હતું
" ગલીમાંથી નીકળતા, ડાબા હાથે, તારૂં ઘર હતું,
મળવું હોય કોઈએ મારાં દિલને, ત્યાં એનું ઠેકાણું હતું.
આમ તો દુનિયાભરમાં ફરતો જીવતું મડદું બની,
ત્યાંથી પસાર થતાં લાગતું, અંદર કોઈ જીવતું હતું.
કહે છે લોકો કે મારૂં દિલ, દિમાગ કામનું નથી,
ક્યાંથી કરે કામ?, દોસ્તો, એ સદા ત્યાં ફરતું હતું.
ઘર માલિકે મારાં દિલને કહ્યું, 'તારૂ ઠેકાણું બદલ',
દિલને આદત પડી છે તમારી, બિચારૂ ક્યાં જવાનું હતું.
જોર ન કરો, ધમકાવશો નહીં એને, તુટી જશે,
અહીંયા જ જીવ્યું છે, હવે ત્યાં જ મરવાનું હતું.
મર્યા પછી ભલે એનો જનાજો કાઢો ન તમે,
દિલને કહેજો તમારા એ રડે, લાગશે એને કોઈ મારૂં હતું.
સદા નહીં તો ક્યારેક યાદ કરી લેજો એને,
જે ધડકે છે તમારામાં, એ મારૂં જ દિલ હતું."
***
૧૬). કેમ છો?
" પુછ્યું એમણે મને, કેમ છો?, મેં કહ્યું, બસ મજામાં,
જોઈને ચહેરો માની લીધું, આંખો વાંચો, છું મજામાં કે સજામાં.
અરે હાં, શું કરે છે દિલ તમારૂં?, સારી છે ને તબિયત?,
સારી છે, બહું કામ નથી આપતો એને, દુઃખેને, છે હાલ રજામાં.
બીજું બોલો, કરો છો યાદ કે પછી ભૂલી ગયાં મને!,
હોય કંઈ, તમને ભૂલાય?, રોજ યાદ કરૂં છું, તૂટે કંઇક ઘરમાં,
સારૂં, હવે હું જાઉં, બહું મોડું થઈ ગયું, ફરી મળીશું, આવજો,
ગયા છો ક્યારે, તો કહું તમને આવજો, બોલ્યો હું મનમાં."
***
૧૭). વાત એની કરશો નહીં.
" પ્રિત હવે જીવલેણ બની છે, વાત એની કરશો નહીં,
મેં સહ્યું છે, તમે ના સહો, હવે પ્રિત ને પ્રિત કરશો નહીં.
હૈયું તૂટશે, કાળજું કપાશે, એ બેવફા પ્રિતની પ્રિતમાં,
આંખ હશે, આંસુ પણ હશે, તેમ છતાં, રડી શકશો નહીં.
દિલનાં ઝખ્મની વેદનાં, વિષ બનીને ફેલાશે અંદર,
દવા હશે, દુવા પણ હશે, તેમ છતાં ઈલાજ થશે નહીં.
જીંદગી બનશે તમાશો, ને મજા લૂંટશે આ દુનિયા,
શ્વાસ હશે, ધડકન હશે, જીવવું પણ હશે, જીવી શકશો નહીં.
મૃત્યુંની સમીપ હશો, તમને લાગશે આ તો મળશે?,
જે સત્ય છે, અટલ છે, નિશ્ચિત છે, એ મૃત્યું પણ, મળશે નહીં."
***
૧૮). હૈયું પરોવી હૈયામાં.
" વૈશાખી વાયરામાં, બેઠાં આપણે, હૈયું પરોવી હૈયામાં,
વેલ બનીને, ગળે વળગી, સુતી હતી તું મૂજ છાંયામાં.
શ્વાસનાં સૂર ને હ્દયનાં ધબકાર, તાલ બન્યાં છે,
સઘળું ભૂલી, મગ્ન થયાં, પ્રેમ તણાં સંગિતમાં.
સમીર તારી લટ થકી, સ્પર્શતો તારાં હોંઠોને,
કંટક બનીને ખૂંચી ઈર્ષા, બંધ રહેલી મારી આંખોમાં.
સહેવાતું નથી કોઈ સ્પર્શે, તારાં તન કે મનને,
નજર પડે નાં કોઈની, સમાવી લંઉ તને હું મારામાં.
અતિશય પ્રેમથી દમ ઘુંટાય છે તારો, જાણું છું,
શું કરું?, કેમ સમજાવું દિલને, તું પાગલ ના બન પ્યારમાં.
છૂટવું છે તારે, દૂર જવું છે, છોડીને મને સાવ એકલો,
જા, ખુશ રહે, પછી ભલે વિખરાવુ હું ટૂકડામાં.
અરે, આ શું? ભીંજાયા કેમ, માવઠું થયું વૈશાખે?,
જોયું આંખ ખોલીને, તો ચોમાસું બેઠું'તું આંખમાં."
***
૧૯). તારું સરનામું શું?
" તારું સરનામું શું?, રસ્તાને પૂછે એક રસ્તો,
મંઝિલ એને ખબર નથી, સરનામું તો દૂરની વાતો.
દરેક સફર, વળાંકે, નવાં સંબંધ બાંધતો રસ્તો,
મંઝિલે પહોંચાડી સૌને, અંતહીન ચાલતો રસ્તો.
પ્રેમ ભગ્ન પ્રેમીને, વેદનાંથી રડતો જ્યારે જોતો,
હું પણ તન્હા છું, જીવું છું ને?, કહીં હસતો રસ્તો.
કાશ, મારી પણ મંઝિલ હોત, તારાં જેવી, કહેતો રસ્તો,
દોસ્ત, વિરહની વેદનાં મને પણ થાત, કહીને રડતો રસ્તો.
ક્યારેક અંધકારમાં એકલો જાણી, ખુદથી ડરતો રસ્તો,
સાથ ના મળે પડછાયાનો, સ્વાર્થી કહીં, દુઃખી થતો રસ્તો.
તેમ છતાં, સૌને મંઝિલ આપી, બેમકસદ ચાલતો રસ્તો,
ના જીવતો એ રસ્તો, ના ક્યારેય મરતો રસ્તો."
***
૨૦). હમણાં થોડીવાર પહેલાં.
" હમણાં, થોડીવાર પહેલાં જ તો!,
બધું જ તો હતું, સમુસુતરું,સહીં સલામત ત્યાં,
પડછાયાથી, હકડેઠઠ ઉભરાતી,
મોકળાશ વાળી એ ઈમારતોમાં, બધું જ તો હતું,
ભૂખની ઉજવણીનો ઉન્માદ,
મહામારીઓનાં આભુષણોનો ઝગમગાટ,
હાડમારીઓનાં ઉત્સવોની આતશબાજી,
ને માંસની અ-છતથી સર્જાયેલા,
હૃષ્ટપુષ્ટ દેહનાં માલેતુજાર,
માણસો જેવા જ, માણસો.
બધું જ, બધું જ તો હતું ત્યાં,
હમણાં!, થોડીવાર પહેલાં જ!.
અને, આ, આ..., શું થઈ ગયું આ?
સાવ, અચાનક જ?
માણસ જેવાં હુબહુ, માણસે કરેલો, એક,
માત્ર, એ એક વિસ્ફોટ, ને બધું જ ખતમ...
શું, કંઈ ખૂટતું હતું ત્યાં? જરૂર હતી ત્યાં,
આ બારૂદ કે વિસ્ફોટની ?
બધું જ તો હતું ત્યાં, સમુસુતરું,
સહીસલામત !?
અરે, હમણાં જ, થોડીવાર પહેલાં..."
***
૨૧). એક આંસુ મારાં નામનું
"વ્યથાનાં સાગરમાં ડૂબી રહ્યો છું હું, મુજને-
કિનારે પહોંચવા ખુશીનું એક તરણું તો આપો.
ડૂબવું મારૂં નસીબ હતું, પણ, મને એમ કે તમે છો ને?,
નથી સાથે, પણ છો, એવું એક સોણલું તો આપો.
ક્યાં કહું છું હું, પ્રેમનું સરોવર ઠાલવી દો,
મારી જ હોય એવી, મને એક લાગણી તો આપો.
બોલાવે છે મને સૌ જુદાં જુદાં નામથી, પણ-
તમે આપેલું હોય, અને મારું હોય, એવું નામ તો આપો.
વાદળ બની આંખ ટપકે છે તમારી, ત્રણ ચોમાસું,
કંઈ નહીં તો એક આંસુ, મારાં નામનું તો આપો."
***
વાંચક મિત્રો, આ કાવ્યસંગ્રહ 'એ સખી, સાભળતો ખરી!' તમને કેવો લાગ્યો એનો અભિપ્રાય ચોક્કસ આપજો. કારણ કે આ મારો લખવાનો પહેલો પ્રયાસ છે, તો તમારાં સૂચનો જરૂરથી આપજો. મારો વ્હોટસએપ નંબર- 9898747403 છે.
* જય શ્રીકૃષ્ણ *