ગીતામંથન - 9 Kishorelal Mashruwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગીતામંથન - 9

ગીતામંથન

સંક્ષિપ્ત

કિશોરલાલ ઘ. મશરૂવાળા

વિવેક કરવાની શક્તિ

અધ્યાય સત્તરમો

અર્જુન વિચારમાં પડી ગયો. એણે કહ્યું : “શાસ્ત્રોને તો વિદ્વાનો જ જાણતા હોય છે, અને તેઓયે જાણતા હોય છે કે કેમ તે શંકા છે. કારણ, શાસ્ત્રોમાં મતો હોય છે અને શાસ્ત્રીઓ પણ એક જ શાસ્ત્રના જુદા જુદા અર્થો બેસાડે છે. ત્યારે માણસે કયા પુસ્તકને સચ્છાસ્ત્ર માનવું અને કયાને ખોટું શાસ્ત્ર માનવું?”

આ સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા : “તારી શંકા દેખીતી રીતે ઠીક છે, પણ તું ધારે છે તેટલી તેમાં મુશ્કેલી નથી. કારણ કે વિવેક કરવાની શક્તિ મનુષ્યમાત્રમાં રહેલી છે, અને દરેક મનુષ્ય જાણ્યેઅજાણ્યે ઓછીવત્તી પણ એ શક્તિને વાપરીને સચ્છાસ્ત્ર તથા કુશાસ્ત્રનો ભેદ કરે છે જ. જેમ કે તપ અને દાન ત્રણ ત્રણ જાતનાં થાય છે. તેના ભેદો સાંભળ.

“પણ પહેલાં તપ એટલે શું તે જ સમજવાની જરૂર છે. કારણ, આ બાબતમાં લોકોની કલ્પનાઓ વિચિત્ર હોય છે. તપ શરીરથી, વાણીથી અને મનથી એમ ત્રણ રીતે થાય. તેમાં સ્વચ્છ અને પવિત્ર આચાર, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ છે. કોઈને ઉદ્વેગ ન કરનારાં છતાં સત્ય, પ્રિય તથા હિતકર વચન બોલવાં અને નિરંતર સદ્વિદ્યાનું પઠનપાઠન એ વાણીનું તપ છે. મનની પ્રસન્નતા, કોમળતા, વિચારશીલતા અને સંયમ વધારવાં તથા ભાવનાઓની શુદ્ધિ કરવી એ માનસિક તપ છે.

“પાંડવ, શરીર, વાણી કે મનને ગમે તેમ પણ પીડવાં, એ કાંઈ તપનું મર્મ નથી. પણ અન્ન જેમ રંધાઈને પાચક બને છે, ફળ જેમ સૂર્યનાં કિરણોમાં પાકીને મિશ્ટ બને છે, તેમ શરીર, વાણી તથા મનને શીલવાન બનાવવાં તે તપ છે. તપને પરિણામે એ ત્રણેની કર્તૃત્વશક્તિ વધે છે, ઘટતી નથી. આવું ત્રણ પ્રકારનું તપ અત્યંત શ્રદ્ધાથી અને ફળની આકાંક્ષા વિના કર્યું હોય, તો તે સાત્ત્વિક તપ કહેવાય. એ જ તપ સત્કાર, માન કે પૂજા માટે દંભથી કર્યું હોય, તો તે રાજસ છે. આવું તપ ચંચળ અને અનિયમિત હોય છે. કોઈક જાતની મૂઢ હઠથી પોતાને પીડા કરનારી, કે બીજાને નુકસાન કરવાની ઇચ્છાથી શરીરની, વાણીની કે મનની જે સતામણી કરવામાં આવે તે તામસ તપ છે.

“દુ:ખમાં પડેલાંને મદદ કરવી એ દયાધર્મ છે, અને સત્કાર્યોને નિભાવવાં એ દાન છે. પણ વિવેકને અભાવે દાનના ત્રણ ભેદો થાય છે. અર્જુન, ડૂબતા માણસને હાથ પકડીને કિનારે લાવવો એ ધર્મ છે; પણ કોઈ ઉત્તમ તરનારો ગામના લોકોને કહે કે, ‘હું જીવું છું ત્યાં સુધી તમારે કોઈએ તરતાં શીખવાની મહેનતમાં પડવાની જરૂર નથી; હું તમને સર્વેને હમેશાં મફત સામે પાર પહોંચાડીશ,’ તો એ સેવામાં સદ્ભાવ છે છતાં તેમાં વિવેક નથી. એનો ધર્મ ગામના લોકોને તરવાની કળા શીખવી તેમને બને તેટલા સ્વાશ્રયી કરવાનો છે. એણે પોતાની વિદ્યાનું લોકોને દાન કરવું જોઈએ.

“એ જ પ્રમાણે જો કોઈ માણસની દાનશીલતા દાન લેનારને સદૈવ ઓશિયાળો અને પરાશ્રિત જ રાખે એવી હોય, તો તે અવિવેકી છે. એના દાનને પરિણામે દાન લેનાર સ્વાશ્રયી બની જાય અને પોતાની મુશ્કેલીઓમાંથી છૂટવાની શક્તિ મેળવે, એ લક્ષ્ય હોવું જોઈએ. એ જ રીતે, પાંડવ, ભૂખ્યાને રોટલો આપવો અને તે કાળે એને ઉગારી લેવો, એ દયાધર્મ છે. પણ એ પોતાનો રોટલો પોતાની મેળે મેળવી લે એવા યોગ્ય માર્ગે ચડાવી દેવો અને તે હેતુથી મદદ કરવી, એ દાન છે.

“એવી દાનશીલતા એ માનવધર્મ જ છે એમ સમજી, પોતા પર જેનો કશો પૂર્વ-ઉપકાર ન હોય તેને યોગ્ય સમયે, યોગ્ય સ્થાને, યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સ્વરૂપમાં, લેનારની પાત્રતાનો વિચાર કરી, મદદ કરવી તે સાત્ત્વિક દાન છે. પણ પોતા પર પૂર્વે થયેલા ઉપકારને ફેડવા માટે, અથવા એ દાનને પરિણામે પોતાને કોઈક પ્રકારના લાભો થશે એવી ગણતરીથી, જે દાન કરવામાં આવે તે રાજસ છે. જે દાનમાં દેશ, કાળ, પાત્રતાનો કશો વિચાર નથી, જેમાં દાન લેનાર પ્રત્યે તિરસ્કારનો ભાવ હોય છે, તે તામસ દાન છે.”

***